Dhime Dhime Holavati Sanj - Short Stories | RekhtaGujarati

ધીમે-ધીમે હોલવાતી સાંજ

Dhime Dhime Holavati Sanj

દશરથ પરમાર દશરથ પરમાર
ધીમે-ધીમે હોલવાતી સાંજ
દશરથ પરમાર

લગભગ બધાય મહેમાન સાંજ સુધીમાં વેરાઈ ગયા. બાકી રહ્યાં - બા, બાપા, મોટાં મામી અને કાકાનો સૌથી મોટો દીકરો નયન. એમાંય બા અને બાપા તો હવે કાયમી ધોરણે અહીં રહેવાનાં એટલે ખરા મહેમાન ગણો તો ફક્ત બે જણ! ને બંને પણ આવતી કાલે સવારની વહેલી ટ્રેનમાં રવાના થઈ જશે, પછી...

જે. બી.ના પગ બેડરૂમના દરવાજા આગળ એકદમ અટકી ગયા. છેલ્લા અડધા કલાકથી કશાય કારણ વગર આમથી તેમ આંટા માર્યા કરતા હતા. વાતે-વાતે મૂંઝાતા અને એકાન્ત ઝંખતા એમના જીવને કોઈ રીતે જંપ થતો નહોતો. લોકોની અવરજવર અને કલબલાટથી ગાજી-ગૂંજી ઊઠેલું ઘર અચાનક મૂંગુંમંતર થઈ ગયું હતું જાણે!

થાકીને ત્યાંથી ખસી ગયા. બેઠકરૂમમાં આવી સોફા પર પછડાયા. એમના શરીરે પરસેવો વળી આવ્યો. ગભરામણ જેવું થવા માંડ્યું. ખૂણે-ખાંચરે ભરાઈ બેઠેલો ધુમાડો આંખોને બાળવા લાગ્યો. બળી ગયેલા ધૂપની તીવ્ર ગંધ શ્વાસ સાથે ભળીને હજુય ભીતર ગોટાયા કરતી હતી. હવનનો ઠરવા આવેલો અગ્નિ અંગોને વધારે દઝાડી મૂકે પહેલાં તો ત્યાંથી ઊભા થઈને સીડી તરફ વળ્યા. સડસડાટ કરતા ધાબા પર પહોંચી ગયા.

હાશ...! સવારથી ઈલાસ્ટિકની જેમ ખેંચાઈ-ખેંચાઈને સતત તંગ થતા રહેલા મનને ખુલ્લા વાતાવરણમાં થોડી હળવાશ અનુભવાઈ. એમની ખરી કસોટી તો ગઈ કાલ રાતથી શરૂ થયેલી. મહેમાનોની સરભરામાં થાકીને એવા લોથપોથ થઈ ગયેલા તે પડતાવેંત આંખ મીંચાઈ ગયેલી, પણ વહેલી પરોઢે આંખ ઊઘડી કે તરત ટૂંટિયું વાળીને સૂતેલી પેલી અપેક્ષા અચાનક જાગ્રત થઈ ઊઠી હતી. લગીર નવરા પડતા કે તરત એમની નજર ઓસરીની જાળીના સળિયા ભેદીને સોસાયટીના ઝાંપે જઈ પહોંચતી. કોઈ રિક્ષા કે ગાડી ત્યાં થોભતી અને એમના હૈયે થડકારો થતો. પણ કોઈ અજાણ્યાને એમાંથી ઊતરતાં ભાળી ભોંઠી પડતી એમની નજર છેવટે હવનની લબકારા લેતી રાતી-પીળી જ્વાળાઓમાં અટવાઈ પડતી.

‘ચિઈઈ.. ચિટ્ટ..! ચિઈઈઈ... ચિઈટ્ટ...!’ બાજુના બાવળ પર શરૂ થયેલો શોરબકોર સાંભળી જે. બી. સમજી ગયા. રોજનો સમય થઈ ગયો હતો. મકાનનું કામ શરૂ થયું ત્યારથી રોજ સાંજે ઓફિસથી નીકળી સીધા અહીં આવતા. એકાદ મહિના ઉપર એક સાંજે બાવળ પર માળો બાંધતી સુગરી તરફ અચાનક એમનું ધ્યાન ગયું હતું. પછી તો એની ગૂંથણી પ્રક્રિયામાં એમને રસ પડેલો તે રોજ સાંજે અહીં ઊભા રહી એને એક્ટક તાકી રહેતા - આખુંય વાતાવરણ બાવળના થડ જેવું થઈ જાય ત્યાં સુધી!

ચારેક દિવસ ઉપર કોન્ટ્રાકટર કહેતો હતો:

‘હવે લગભગ બધું પતી ગયું છે, સાહેબ! તમે કયો તો વરંડાનો પાયો ખોદાવી દઉં...!’

‘પણ..’ જે. બી.નો જીવ ખંચકાટ અનુભવતો હતો. એમની નજર પેલા બાવળ પર હતી. બરાબર વરંડાના પાયા વચ્ચે આવતો હતો. અડધા ઉપરાંત ગૂંથાયેલા ત્રણ-ચાર માળાઓ સામે જોઈ એમણે કહેલું:

‘ના, નથી કરવો હમણાં વરંડો!’

દર્ભનાં તણખલાંને ચાંચ વડે દોરાની માફક આડાં-અવળાં પરોવી માળા ગૂંથતી સુગરીને જોતાં-જોતાં જે. બી.ના મનમાં કશોક જુદો ભાવ ઊભરી આવતો. હમણાં વિજ્ઞાન વિષયક એક મેગેઝિનમાં એમણે વાંચેલું કે ઋતુમાં માળા બાંધે છે તે નર-સુગરી! સુંદર માળા ગૂંથ્યા પછી માદાના આગમનની પ્રતીક્ષા કરશે. એક દિવસ માદાટોળું આવશે ઊડતું-ઊડતું. માદા બધાય માળા જોઈ-ફરી વળશે... પછી પોતાના મનગમતા માળામાં રહી પડશે અને એમ આરંભાશે એમનો સંસાર...

- જો સત્ય હોય તો કેટલું સોહામણું છે! જે. બી.ને વખતે થયેલું તે અત્યારે સાંભરી આવ્યું. નર-સુગરીનો અટકી-અટકીને આવતો મધુર અવાજ અને ઝૂલતા માળાની લીલીછમ્મ ઝાંય એમની આંખોમાં વૈશાખી સાંજ બનીને અંજાઈ ગયાં...

સાંજો ઉલ્લાસભરી હતી. ઉદાસીનું કોઈ દેખીતું કારણ નહોતું. પણ જે. બી.નું મન સતત નોંધતું રહેલું કે પત્ની સરલા કશાક કારણસર ઉદાસ રહ્યા કરતી હતી. કેટલીક વાર તો લગ્નનો ઉમંગ પણ એના ચહેરા પર વરતાતો નહોતો. એનાં કારણો જડે પહેલાં તો આણાની અવધિ પૂરી થયેલી ને સરલા પાછી પિયર.

દિવસોમાં જે. બી.ને નોકરી મળી હતી. નજીકના શહેરમાં પોસ્ટિંગ થયેલું તે બા-બાપા તો રાજીનાં રેડ! વાસ આખામાં છાતી કાઢીને કહેતાં ફરે:

‘અમારી શરલાવઉ બઉ ભાયગશાળી, હોં! ઈના નશીબે અમારા જયેશનં નોકરી મળી...!’

એમની વાત સાવ કાઢી નાખવા જેવી નહોતી લાગતી. પણ એવો કશોય ઉમળકો સરલાના મોડે-મોડેથી આવતા પત્રોમાં ક્યાંય વાંચવા મળતો નહિ. એનો જે. બી.ના હૈયે ખટકો રહેતો. રજાના દિવસે બપોરે નવરા થઈ લીમડા નીચે ખાટલો ઢાળી આડા પડખે થતા. ને પોતાના દેશી નળિયાંવાળા-નીચા ઘર સામે જોતાં-જોતાં સસરાનો આલીશાન બંગલો આંખ આગળ આવી જતો.

મેઈન રોડ પરની સોસાયટી. નાકે બે માળનો ભવ્ય બંગલો... બધીય સગવડો અંદર... ઉઘાડા પગે ચાલીએ તો ડાઘા પડી જાય એવી ફરસ... મોંઘુંદાટ ફર્નિચર... આંગણે ઝૂલતો અવનવી ભાતવાળો હીંચકો... બગીચામાં છાતી કાઢી મલકે-મહેંકે ગુલાબ, મોગરો, ચંપો-ચમેલી... અને બધાયને ટક્કર મારે એવી નવીનક્કોર કાર પડી હોય કમ્પાઉન્ડમાં...! કોઈક રજામાં જે. બી. ત્યાં જતા. ક્યારેક રોકાતાય ખરા. પણ થોડીક વારમાં તો કોઈ અજાણ્યા મલકમાં આવી ચડ્યાની લાગણી થતી.

જે. બી.ના સસરા ડેપ્યુટી કલેક્ટર હતા, રેવન્યુમાં. બધુંય બારોબારથી આવતું હતું. સગાઈ પહેલાં જે. બી. સરલાને એક વાર જોવા ગયેલા. આવો વૈભવ ભાળીને એમની આંખો અંજાઈ ગયેલી, થોડી છૂટ લઈને એમણે બાપાને વાતની ઘસીને ના પાડી દીધી હતી. પણ બાપા એમની વાતમાં મક્કમ હતા:

‘તમાંનં બધી ખબર ના પડઅ! પૈશા, તો આજ સં નં કાલ્ય નહિ. સવાલ ખાંનદાંનીનો સઅ ભૈ! આવડો મોટો અમલદાર સઅ, પણ સમ લગીરેય અભિમાંન..?’

પરંતુ બાપની ખાનદાનીનો એક છાંટોય દીકરીમાં ઊતર્યો નથી - પહેલા આણે સૌને પરખાઈ ગયેલું. છણક ભણક થતી વહુએ સાસુ-સસરાની મર્યાદા નેવે મૂકી દીધી હતી. શહેરની માફક રહેવા જોઈએ. બા બિચારી બે ગાઉ દૂરના કૂવેથી પીવાનું પાણી ભરી લાવે ને વહુરાણી ઊઠતાંવેંત નહાવા બેસી જાય!

રસોઈ આમ સરસ બનાવે. પણ કશુંય માપ મળે એમાં. શાકમાં મીઠું બિલકુલ હોય. તો રોટલીમાં વળી એથી ચાર ગણું. ખોડ કાઢો તો બધુંય ઊંચકીને ચાટમાં ઠાલવી આવે! ઘરડી બાથી જીરવાય નહિ. પણ એક અક્ષરેય ઉચ્ચારે નહિ.

બાપા બહુ હોંશિયાર. વાત પારખી ગયેલા. કહે:

‘ભૈ! શે’રમાં એક ઘર ભાડે રાખી લ્યો!’

જે. બી.એ અનિચ્છાએ શહેરના વાસમાં એક મકાન ભાડે રાખી લીધું. એક રજામાં સામાન શિફ્ટ કર્યો. અને ભારે હૈયે ગામ-ઘર છોડવું પડ્યું. દિવસોમાં સરલા ખાસ્સી ખુશ જણાતી હતી. ગરમાગરમ રસોઈ પીરસવામાં મશગૂલ હોય ત્યારે જે. બી.ને ચૂલાગર આગળ બાજરીના રોટલા ટીપતી બા દેખાય. ને રસોઈનો બધોય સ્વાદ મરી જાય.

સરલા રાત્રે નિરાંતે સૂઈ જતી. પણ અડધી રાતે બાપા ખાંસતા હોય એવો અવાજ સાંભળતા ને જે. બી. ઝબકીને બેઠા થઈ જતા પાણિયારેથી કળશ્યો ભરી બારણું ખોલવા જાય ત્યાં સાંભરી આવે કે બાપા તો...

બાપાને પાછું દમનું દરદ હતું!

શિયાળાની લાંબીછેલ રાતોમાં એમને દમ ઊપડે ને લેવાઈ જતા. ઘર આખું એમના ખાંસવાના અવાજથી ખખડી ઊઠે. બા એમના બરડે હાથ ફેરવતી બેસી રહે તે છેક પરોઢે એમની આંખ મીંચાય ત્યારે એનો છુટકારો થતો. અધમધરાતે બધુંય સાંભરી આવે ને જે. બી. પછીની રાતે આંખ ભેગી કરી શકતા નહિ...

એક વાર ઘરેથી માણસ બોલાવવા આવેલો, ઓફિસમાં. બાપાની તબિયત વધારે બગડી હતી. જે. બી. બારોબાર ઘરે ગયેલા. શબ્દોને જે.બી. માંડ માંડ ગળી ગયેલા. અને કહેલું સાવ જુદું જ:

‘-મકાનમાલિકને કહીને પતરાં સરખાં કરાવી દઈશું. પગારમાં કંઈ સોસાયટીનાં મકાન પોસાય, સમજ્યાં?’ અપેક્ષા બહારનો ઉત્તર સાંભળીને સરલા ભોંઠી પડી ગયેલી. ત્યાંથી તરત ઊઠીને કશુંક બબડતી કામે વળગી હતી.

પછીના દિવસોમાં અચાનક જે. બી.ના ધ્યાનમાં આવેલું કે સરલાનું બોલવાનું સાવ ઓછું થઈ ગયું છે! ફક્ત કામ પૂરતી વાત. કામ કરે એમાંય કશો ભલીવાર મળે. જ્યાં બેઠી હોય ત્યાં કારણ વગર કલાકો સુધી સૂન-મૂન બેસી રહે. ગૅસ પર દાળ-શાક દાઝી જાય એનુંય ભાન રહે. ક્યારેક લગ્નનું આલબમ પકડીને બેસી રહે તો વળી ક્યારેક સમજાય એવું કશુંક બબડયા કરે, એકલી-એકલી!

એક વાર તો એમ સાવ ઢળી પડેલી. પછી ખાસ્સી દવાઓ કરાવી. કશો ફેર પડતો નહોતો. થાકીને એક મિત્રના કહેવાથી શહેરના મોટા મનોચિકિત્સકને બતાવ્યું, તો કહે:

-‘થતું હોય છે આવું. ઘણી વાર! વૃત્તિઓને દાબવામાં આવે કે કલ્પના મુજબનું કશુંક પામી શકાય ત્યારે આવા એટેક આવી શકે. એનો કશો ઇલાજ હોય એને ખુશ રાખવાના પ્રયાસ કરવા. અને એની કોઈ ઈચ્છા ટૂંપાય નહિ એનો ખાસ ખ્યાલ રાખવો...!’

જે. બી. કારણ વગર એની સાથે ચર્ચા કરવાનું ટાળવા માંડ્યું. તોય એવા એટેક તો આવતા રહ્યા, એટલે ડૉક્ટરે વળી ઈન્જેક્શન આપીને વાત કઢાવે છે એવુંય કરી જોયું. અને ગુફાના ઊંડાણમાંથી આવતો હોય એમ એક શબ્દ એના મોઢેથી સંભળાયેલો: ઘર..!

છેવટે સોસાયટીવાળું મકાન ભાડે રાખી લીધું. ને સરલામાં ખાસ્સું પરિવર્તન આવી ગયું. ધીમે-ધીમે નોર્મલ થતી જતી હતી. પણ ક્યારેક બા-બાપા આવીને બે દા'ડા રહે તો પાછું એનું મોઢું ચડી જતું.

વારે-તહેવારે સોસાયટીની બીજી સ્ત્રીઓ ઘર શણગારતી હોય ત્યારે કહે:

-‘ભાડાના ઘરમાં વળી શણગાર કેવા? ને સજાવીને બધું બાપાને શહેરમાં લાવી પ્રાઈવેટમાં દાખલ કરવા પડ્યા દસેક દિવસના સમયગાળાનું સરલાનું વર્તન જોઈ જે. બી. બરાબર સમજી ચૂક્યા હતા કે પાણીએ કંઈ મગ ચડે! નામ સરલા છે એટલું જ. વાસ્તવમાં એટલી સરલ નથી...!

-‘નીચે તો સાલું સૉલિડ બફારો થાય છે. હોં!’ પોતાની અડોઅડ ઊભેલા નયનના અવાજે જે. બી. થોડા ચોંકી ઊઠ્યા. શું બોલવું તે સૂઝ્યું નહિ એટલે જે. બી.એ માથું હલાવ્યું, અને આંટા મારવા લાગ્યા. બે-ત્રણ આંટા લગાવી થાક્યો હોય એમ નયન ‘આના કરતાં તો નીચે પંખામાં સારું રહે છે...’ કહીને પાછો નીચે ગયો.

વળી પાછા એકલા પડેલા જે. બી. મૂળ સ્થાને આવી ઊભા.

બાવળ પરથી આવતો અવાજ એકદમ બંધ થઈ ગયો હતો. પેલો નર-સુગરી ક્યાં ગયો? કદાચ, દર્ભનાં તણખલાંની શોધમાં દૂર-દૂર..! ખુલ્લાં ખેતરો સામે તાકતાં જે. બી. વિચારી રહ્યા. વાતાવરણમાં ખાસ્સો ઉકળાટ છે. ને દિશાઓ સાવ મેલીઘેલી! સુકાવા આવેલાં બાજરીનાં ખેતરો અને ઝાડ-ઝાડવાં જળ ઝંખી રહ્યાં છે! માટીનાં ઢેફાંમાં અટવાતી જે. બી.ની નજર અચાનક એક ખેતર-શેઢે કિલ્લોલ કરતી સારસ પક્ષીની જોડ પર પડી ને એમનું હૈયું આળું-આળું થઈ ઊઠ્યું.

વચ્ચેનાં વરસોની, આવી કોઈ એક સાંજની વાત છે. જે. બી. ઓફિસેથી થાક્યા-પાક્યા ઘેર આવ્યા કે તરત ચાના કપ સાથે હાજર થયેલી સરલા પલંગમાં એમની જોડાજોડ બેસી પડેલી જે. બીનું મન વર્તન પામી શકે પહેલાં તો હળવેથી લડાભર્યા સ્વરે ઉચ્ચારાયેલી એની વાત કાને પડી:

‘જુઓને, હવે ચોમાસું બેસવામાં છે. અને ઘરમાં બે-ત્રણ ઠેકાણે ચૂવા થાય છે. તે...’

-‘તે શું?’

-‘આજે બાજુવાળાં ચંપાબેન સાથે સોસાયટીમાં ગયેલી. એક મકાન હમણાં બન્યું છે-બે રૂમ રસોડાવાળું! સંડાસ-બાથરૂમ પણ અલગ. કોઈ મહેમાન આવે તોય સચવાય. અને...’

એની વાત સાંભળી જે. બી. હકબક થઈ ગયેલા. બે ઘરડા જીવ તો ખંટાતા નથી. ને મહેમાનની ક્યાં...? છેક હોઠ સુધી આવેલા બતાવવુંય છે કોને વળી?’

એક વાર સાસુ-સસરા અચાનક આવી ચડેલા. રાત્રે બધાં જમીને ધાબે બેઠેલાં ત્યાં સસરાએ વાત કાઢી હતી:

-‘તમારે તો, જયેશકુમાર! સર્વિસ નોન-ટ્રાન્સફરેબલ છે. તે થાય તો સારી જગ્યા જોઈને એકાદ પ્લોટ રાખી લો. આમ ભાડાનાં મકાનોમાં ક્યાં સુધી ફરતા રહેશો? પૈસા બાબતે તમે લગીરેય મૂંઝાતા નહીં...’

-‘ના, ના! એમ તો અમારું ડિપાર્ટમેન્ટ પણ લોન ક્યાં નથી આપતું? પણ...!’ જે. બી. ત્રાંસી નજરે સરલા તરફ જોતાં કહ્યું હતું. એકાદ ક્ષણ પૂરતી એની આંખોમાં છવાઈ ગયેલી ચમક જે.બી.થી છાની નહોતી રહી...

બાવળ પર ફરીથી આરંભાયેલો નર-સુગરીનો કલરવ કાને પડે પહેલાં તો સોસાયટીના ઝાંપે આવી ઊભેલી રિક્ષાની ધણધણાટીએ જે. બી.નું ધ્યાન તરફ ખેંચ્યું. બાજુના બ્લોકવાળા જયંતીભાઈ અને એમનાં પત્નીને એમાંથી ઊતરતાં ભાળી જે. બી.નું મન વળી પાછું ખિન્ન થઈ ગયું. એમને એકબીજાની અડોઅડ ચાલીને તરફ આવતાં જોઈ જે. બી.ની છાતીમાં સણકો ઊપડ્યો.

એક વાર ઓફિસે પહોંચી બેઠા બેઠા ત્યાં જે. બી.ના પેટમાં જોરદાર દુખાવો ઊપડેલો. ત્યાંથી નીકળી, દવા લઈને સીધા ઘેર આવ્યા. પણ જોયું તો મુખ્ય દરવાજે તાળું! સરલા કદાચ બહાર ગઈ હોય અને હમણાં આવશે-ની આશામાં ઓટલા પર પેટ દાબીને આડા થયા હતા. છેક દહાડો આથમ્યે સરલા પાછી ફરી હતી. એને જોતાંવેંત જે. બી. બરાબરના ધૂંધવાઈ ઊઠ્યા હતા? આમ ઘર વાસીને આખો દા’ડો ક્યાં ભટકી આવ્યાં?’

‘મામલતદાર ઓફિસે ગયેલી. મારા પપ્પા ત્યાં ટુરમાં આવેલા. એમણે ગાડી લઈને માણસ મોકલ્યો હતો... તમારી ઓફિસે આવવાના હતા, પણ...’ પછી એકાદ પળ અટકીને ઉત્સાહભર્યા અવાજે સરલાએ ઉમેરેલું: ‘પપ્પાએ એક દલાલને આપણા પ્લોટ માટે વાત કરી છે, કાલે આપણે ત્યાં આવશે, અને...’

‘પ્લૉટ ગયો તેલ લેવા...!’ જે. બી.ના ગુસ્સાની હદ આવી ગઈ હતી: છે એને તો જાળવી શકાતું નથી. અને... સાંભળો, ફાવે તો ઘરમાં રહો. નહિતર ચાલો પાછાં ઘેર...!’

‘આ ઘરમાં મારાથી નહીં રહેવાય...!’ સરલા મક્કમ અવાજે બોલી હતી.

‘તો ચાલતી પકડો! અત્યારે ઘણી બસો મળે છે-અમદાવાદની..!’ જે. બી. આગળ વધુ બોલે પહેલાં તો માળિયા ઉપરથી બેગ ઉતારી, એમાં થોડાં કપડાં નાખી પગ પછાડતી સરલા બહાર નીકળી ગઈ હતી.

‘જે દિવસે પોતાનું ઘર થાય દિવસે લેવા આવજો...!’ એનાં છેલ્લાં વેણ સાંભળી ઊઠેલા જે. બી. છેક સોસાયટીના ઝાંપે પહોંચી, એક રિક્ષા ઊભી રખાવી એમાં બેસી પડી ત્યાં લગી એક્ટક તાકતા રહેલા...

કેટલા વર્ષ થયાં વાતને? દસ-બાર પંદર...? જે. બી. મનોમન ગણતરી કરવા લાગ્યા. સમયના સડસડાટ વહેતા પ્રવાહના એક કાંઠે પોતે અવળા ફરીને બેઠા હતા. ને સામા કાંઠે સરલા-એકદમ અડગ, અક્કડ અને મક્કમ! દિશામાં પછી પાછું વળીને જવાયું-જોવાયું નહિ!

દરમ્યાન મિત્રો અને સગાંવહાલાં તરફથી પણ દબાણ વધવા માંડયું હતું: ‘આમ તે કંઈ સંસાર ચાલતો હશે, ભલા માણસ? મેળ આવે એમ હોય તો છૂટાછેડા લઈ લો. કોહ્યું ત્યાંથી કાપ્યે છૂટકો!

પણ જે. બી. સારી પેઠે સમજતા હતા કે વાત ધારીએ એટલી સરળ નથી હોતી. દરેક સંબંધને એક સીમા; એક છેડો હોય છે, એટલે શક્ય હોય તો એને છેડા સુધી ખેંચી જવો જોઈએ - એવું માનતા જે. બી.ના મનમાં સમયાંતરે એક સમાધાન પણ ઊભું થવા લાગ્યું હતું: બધી પીડા અને વેદના મારા નસીબમાં લખાયેલી હોય તો એનાથી અલગ કશુંય કરવામાં કોઈ સાર હોય...!

ચિઈઈ.. ચિટ્ટ...! ચિઈઈઈ... ચિઈટ્ટ...! નર-સુગરી ભારે તાનમાં આવી ગયો હતો. એના માળાઓની ગૂંથણી પૂરી થઈ ગઈ હતી. હવે? આછું-આછું ઝૂલતા કુંજા આકારના લીલછોયી ઝાંયવાળા ચાર-પાંચ માળાઓની આસપાસ આંટા મારતા નર-સુગરીની આંખોમાં છવાઈ રહેલો હરખ જે. બી. પારખી ગયા. થોડી વારમાં ત્રણ-ચાર સુગરીઓ ઊડતી-ઉડતી આવી પહોંચી. બાવળ-ડાળીએ બેઠી. ગેલમાં આવીને નર-સુગરી વધુ ઊંચા અવાજે ગીતો ગાવા લાગ્યો. વાતાવરણમાં થોડીક વાર પૂરતો એમનો કોલાહલ ફેલાઈ વળ્યો...

ગૃહપ્રવેશ અને વાસ્તુનું મુહૂર્ત નક્કી કર્યું એની આગલી રાત્રે જે. બી. ફોન કરેલો. સામા છેડે સરલા હતી, સાવ મૂંગી! એની બાજુમાં ઊભેલાં સાસુ ઊંચા અવાજે બોલતાં હતાં જે.બી.ને સ્પષ્ટ સંભળાતું હતું: આટલાં વરસમાં જીવે છે કે મરે છે એની ભાળ કાઢી નથી, ને હવે...

જે. બી. આગળ કશીય સ્પષ્ટતા કરે પહેલાં તો રિસીવરમાંથી એક ભીનું ડૂસકું સંભળાયેલું. અને વળતી પળે ફોન કટ.!

વાતાવરણમાં એકાએક સોપો પડી ગયો.

જે. બી.એ આંખો ખેંચીને જોયું તો બહારથી આવેલી પેલી માદા-સુગરીઓ પાછી ફરી રહી હતી અને એકલો પડેલો નર-સુગરી આકુળ-વ્યાકુળ થઈ માળાઓની આસપાસ આંટા માર્યા કરતો હતો. છેવટે થાકીને એક માળા પર બેસી પડ્યો. એની ને જે.બી.ની. નજર એકાદ પળ માટે એક થઈ. ધીમે-ધીમે હોલવાતી જતી સાંજના આછા અજવાળામાં એની આંખોમાં પોતાનું પ્રતિબિંબ ભાળીને છળી ઊઠેલા જે. બી. સ્વસ્થ થયા થયા ત્યાં નીચેથી એમના નામની બૂમ પડી...

થાકી ગયા હોય એમ ગણી-ગણીને ડગલાં ભરતા જે.બી. નીચે આવ્યા. જોયું તો કોન્ટ્રાકટર. કશુંક બોલવા જતો હતો ત્યાં જે.બી. ફટાફટ બોલી ગયા:

‘પેલો બાવળ પડાવી નાખો; કાલથી વરંડાનું કામ શરૂ કરવું...!’

(નવનીત સમર્પણ)

સ્રોત

  • પુસ્તક : બે ઈ-મેઇલ અને સરગવો (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : દશરથ પરમાર
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
  • વર્ષ : 2013