પ્રભુદાસ પટેલ
Prabhudas Patel
અ...ને ના-છૂટકે રમવા ઉતરેલા ખીમલાને પગે ખાલી ચડી આવી. બાકી, ઉત્તરાયણના અવસરે દેવચકલી પકડવાના કે ગેડીદડો રમવાના તેને ક્યાં ઓછા અભરખા હતા! અને પહેલવહેલી દેવચકલી પકડવાનો અભરખો તો તેને આજે પહેલી વાર જ ફળ્યો હતો, પરંતુ તેની આનંદ ઉજવણી કરે, તે પહેલાં તો મધમાં જાણે આકડાનું દૂધ ભળી ગયેલું! ને તેનો આનંદ તો કુંવારો જ વિલાઈ ગયો. પછી રમતમાં શેનું મન પરોવાય? તે ગેડીદડાની રમતમાં એક્કો હતો. તે પગની ઠેસે દડાને વાર કરતો કે સામેની ટીમ ગેં ગેં ફેં ફેં થઈ જતી, પરંતુ આજે તો તેનાથી વિપરીત જ થઈ રહ્યું હતું. ખીમલાની નિષ્ફળતાએ સૌ વિચારતું થઈ ગયેલું :
‘આજ ખીમલાને કોકે ભાંગ પીવડાવી દીધી કે હૂં?’
‘આજ ખીમલાને હૂં થઈ ગ્યું? કોઈની નજર લાગી ગઈ કે હું? નક્કી હામ્ભેની ટીમ હંગાત્યે ભળી ગ્યો નઈતર એવું થાય જ નઈ!’
‘હાહરો દોટને ફટકારતાં ડોળા ચક્કર ભમ્મર ઘુમાવે હે, નક્કી કો’કની
મોંયણીમાં આઈ ગ્યો લાગે હો!’
- આવી તો કેટલીય અફવાઓ લોકજીભે રમતી થઈ ગયેલી. કારણ તો ખીમલો પોતે ય ક્યાં જાણતો નહોતો? પરંતુ હાલમાં તેનો ઇલાજ શક્ય નહોતો. જેવો ખીમલો બધુંય જોર જાણે શ્વાસમાં ભરીને, કરાંજીને વાર કરવા જતો કે એ ઝાંખોમાંખો ચહેરો તેની આંખોમાં તરી આવતો, ને તેના હાથ-પગ ઢીલાઢસ થઈ બેસતા. એમાં ખીમલો ય શું કરે? ત્રણ ત્રણ વાર એવા ઠાલા જ ગયા કે સામેની છાવણીમાં કીકીયારીઓનું જોર વધી પડ્યું, ને ખીમલાને બળતરા થઈ આવી:
‘જો ને ખીમલા, જો તો ખરો. આજ આ હહલીઓને લાગ આવ્યો હે ઈ તો જો!’ તેને દાવની ચટપટી લાગી. મનોમન મક્કમ થયો : ‘હાહરીનાઓ, હવે ચાખી લ્યો ત્યારે ખીમલાવાળો વટ!’ અને દાવ મળતાં જ તેણે દડો પગ આગળ સ્થિર કર્યો. ને કરડાકીભરી નજરે સામેની ટીમ તરફ તાકીને દડાને પૂરા ઝનૂનથી વાર કરવા ગયો પ...ણ ફરી પાછી એની એજ મોકાણ!
‘ખીમલા, તે આજ હેના ખેલ માંડ્યા હૈ? તું એજ ખીમલો કે પછે બીજો?’ - એકાદ જણની આવી ટકોર સાંભળ્યા પછી તો આખીય ટીમના સભ્યો જાણે પોતાની તરફ આંગળી ચીંધી ચીંધીને ભાંડી રહ્યા હોય તેવું ખીમલાને થઈ આવ્યું. પરસેવે રેબઝેબ ખીમલો માથું દબાવતાં, ઢીલોઢફ થઈ નીચે બેસી પડ્યો. એકાદ પળ એ જ સ્થિતિમાં ગુજર્યાં પછી માથું હલાવતાં હલાવતાં, લાઠી ત્યાં ને ત્યાં રહેવા દઈ મેદાનની બહાર જઈને બેઠો. તેણે રમતનું મેદાન તો છોડ્યું, પરંતુ મનનું મેદાન ક્યાં છૂટે એમ હતું! રમત તો ખીમલા વગર પણ ચાલું થઈ ગયેલી, પણ તેનું ધ્યાન રમતમાં નહોતું. કેટલોય વખત લાચાર મનોદશામાં, માથું નમાવીને પસાર કર્યા પછી તેની નજર મેદાન પર પડી કે તેનાથી ચોંકી જવાયું. પોતાની ટીમ પાછીપાની કરતાં કરતાં નિર્ધારીત સીમારેખાથી માંડ બસો-અઢીસો હાથરવા જ દૂર હતી. જો સામેની ટીમના ભાગે લગલગાટ ત્રણ-ચાર જ તગડા વાર હાથ લાગી ગયા તો? તેને અંદરથી કોઈએ જાણે ધક્કો માર્યો: ઊઠ, ખીમલા ઊઠ. આજ હારી ગ્યા તો નોમ તો તારું જ આબ્બાનું!’
તે ટટ્ટાર થયો. ઉભરોય આવ્યો પણ મારે તો બધું ય તણાઈ ગ્યું ત્યાં હાર શ્યેની ને જીત હૂં?’ - ના ઉદ્ગારમાં શમી ગયો.
ખીમલોય શું કરે? સમયના વહેણમાં વહી ગયેલું ને દબાયેલું આજે ઓચિંતું જ તાદૃશ થઈ આવેલું. જે તેને લાચાર ને ઢીલોઢફ કરી રહ્યું’તું. પોતાને તાકી રહેલી એ ઓશિયાળી આંખો, ને એ ઝાંખોમાંખો ચહેરો વારેવારે તાદશ થઈ જાણે એક જ સવાલ પૂછી રહ્યાં હતાં કે, ‘ખીમલા, મારી આ હાલતનું જબાપદાર તે કૂણ? મારાં પિયેરીયાં કે પછે...?’ - ને આંગળી જાણે પોતાની સામે જ ચીંધાતી હોય તેવું થઈ આવતું.
સવારે દેવચકલી પકડાઈ ત્યારે તે કેવો ખુશખુશાલ હતો! તેના ચહેરામાં ગુલાલ ગુલાલ વરતાઈ રહેલું અને અંગેઅંગમાં નાચ. દેવચકલી પકડ્યા પછી તે અને તેના ભાઈબંધો ટોળીના રૂપે ‘હો... હો... હો...’ની કીલીયારી કરતાં કરતાં ગામમાં ઘેરઘેર દેવચકલીનું દર્શન કરાવવા અને તેને ગોળ-ઘી ખવડાવવા માટે નીકળી પડ્યા હતા. તે અને તેની મિત્રટોળી ગામલોક માટે જાણે આકાશલોકની કોઈ અજાયબી વહોરીને આવી ના હોય!
અને ખરા બપોરે દેવચકલીની વિદાય અને નવા વર્ષનો વરતારો પામવા માટે મુખીના ઘરે પહોંચ્યા ત્યારે? હરખ હરખ ગામ મુખીએ તો ઘરના ખૂણેખૂણે દેવચકલીનાં દર્શન કરાવેલાં, અને હોંશે હોંશે તેઓ દેવચકલીને પોતાના ઘરનો ગોળ-ઘી ખવડાવી રહ્યા’તા. બીજી તરફ ગામજુવાનિયાઓ મુખી પાસે દારૂની માંગણી કરતાં કિલીયારી કરી રહેલા. ને ખીમલો પેશાબ કરવા માટે મુખીના ઘરના વાડાની પાછળ સરકી ગયેલો, પરંતુ તેની નજર જેવી સામે જ ઘરના વાડા તરફ ગઈ કે કેવો હબકી ગયેલો? એ ચહેરો! જાણે જિરણ જિરણ સૂકું સાગપા... ઊના ઊના નિસાસા નાખતાં - ધીમેધીમે હલી રહેલું માથું અને તગતગતા ડોળા…
‘અરે! આ તો હાચેહાચી મણકી કે તેનું ભૂત’ - ચિત્કાર સાથે તેના શરીરમાં કંપારી છૂટી ગયેલી. મણકીની આવી હાલત? સાસરીમાં કોઈ મારઝૂડ કે પછે શરીરમાં કોઈ રોગબોગ? તેના મનમાં સવાલો સળવળી ઊઠેલા. સાસરીયાના ત્રાસ કે બિમારીને લીધે કુંવાસી પિયરમાં આવે. અને ઇચ્છે તેટલું રહી શકે - એ તો ખીમલોય ક્યાં નહોતો જાણતો? પરંતુ ઉત્સવના દિવસેય મણકીને દુ:ખી ને હતાશ જોઈ વિચારમાં પડી ગયો. ‘નક્કી તેના આદમીનો કૂટમાર કે આજેજ રિસાઈને પિયરમાં....’
‘મણકી આ હૂં હાલત કરી હે?’ - તેનાથી પૂછાઈ ગયેલું. તેના જવાબમાં ધીમાંધીમાં હીબકાં સાથે મણીએ જે કહ્યું તે સાંભળતાં તો ખીમલાનું રૂવાંડે રૂંવાડું કાળજાળ થઈ ઉઠેલું. મણકીના પતિ માટે તેને ગુસ્સો થઈ આવેલો :
‘હાહરો હાવ નમાલો! ના, ના બૈરું આખો દા’ડો મજૂરી કૂટે ને નવરો એના પસીને ઘેર ઘેરના ઝાંપા ગણે? ને દન આથમ્યે દારૂના પૈસા હાટું બૈરાને ધબેડવાનું? ગોંગરે ડૂચો ભરીને મારી નોખું મેં તો!’
અને મણકીનો ભાઈ પણ શેનો બાકાત રહે?
ને કનુડો? હાહરું બૈરાનું પૂસડું! ના, ના. બોનને આખો જલમારો રોટલા આલવા પડહે ઈમ ધારીને ઈને પાસી કહાઈવાડે ઠેલવા તૈયાર થ્યો હે? ને આજને દા’ડે બોન ઉપર હાથ ઉઠાવે? થૂં... થૂં... હાળા, તારા કરતાં તો ગરીબ ગૂરબાં હૂં ખોટાં?
- પણ આવા કોરાકોરા દીલાસા કે ટાઢાં પોતાં મણકીને કેમેય ઠારી શકે તેમ નહોતાં. તેણે ઊંડો નિસાસો નાખતાં કહ્યું :ખીમલા, તારે મન મેં તો પારકી નથી કે?’
ઘડીક તો ખીમલો ઓઝપાઈ ગયેલો. તેણે બધીય શક્તિ એક કરીને માંડ કહ્યું : ’ના, ના મણકી. મું ક્યાં તારાથી અજાણ્યો હૂં? ને પારકોય... પણ તું યે ક્યાં નઈ જોણતી કે આપણે...!’
‘ઈ બધું મારે યાદ નહ કરાબ્બું... પણ છેલ્લીવારકુ કઊ કે મું ઢેફલાં ફોડીને પણ લાવે, પણ એક જ વારકુ તું...!’
- ને ખીમલાને ટાઢ ચડી આવેલી ને અંદરથી કોઈકે જાણે ધક્કો મારતાં કહેલું :’મણી, મું... મું...? એવું તો નઈ જ...’
અને જેવું ખીમલાએ પીઠ ફેરવીને ચાલવું શરૂ કર્યું કે મણકીનું અંતર લીરાની જેમ ચરડાટ કરતું ચિરાઈ ગયું હતું જાણે. ખીમલાનું વલણ તેને કાંટાની જેમ ભોંકાયેલું. તે રડેલી નહિ એટલું જ, પરન્તુ તેના મનમાં કોઈ ઊંડા કૂવામાં ઘડો ભરવાની મથામણમાં રસ્સી જ જાણે તૂટી ગઈ હોય તેવા ભાવ થઈ આવેલા. જતાં જતાં ખીમલાના કાને આટલા શબ્દો અફળાયેલા – ‘ખી... મ... લા, એક તા... રો જ ભરૂહો ન... ઈ તો!’
- ઘડીક તંદ્રામાંથી બહાર આવ્યા પછી ખીમલાની નજર અવશપણે જ ડુંગર ભણી ખેંચાઈ ને પાછો ક્યાંય ખોવાઈ ગયો.
‘ટ્વિસ... ટ્વિસ...’ બોલી-લલચાવીને ઝાડવામાં ક્યાંય છૂપાઈ જતી દેવચકલીની જેમ દૂર દૂર ઝાડવામાંથી ગૂંજતો એ ગીતનો સૂર...
‘ઓ જીવલા, રૈયાં ઓ રૈયાં કેવું બોલેલા,
ઓ જીવલા, પાવા વાજે કૈં કૈં મોરલા ઠેકેલા.
ઓ જીવલા, તું વગાડે હીળું હીળું લાગેલા,
ઓ જીવલા, પાવાને હનકારે વૅલી આવુ લા.’
ટાઢી ટાઢી વરસાદી વાયરી ને એમાં રણકતો એ ઘેઘૂર સૂર. ઠુંઠવાયેલાં ઝાડવાં-પંખીઓ અને બકરાં ઘેનમાં, ને પોતાનીય બંધ આંખોમાં રમતાં રંગબેરંગી પતંગિયા. ભાન જ ક્યાં હતું? પીઠ પરના બે-ત્રણ કાંકરીચાળાએ સમાધિભંગ થવાયેલું : ‘કૂણ?’
- પણ કોઈ જવાબ દે તો ને!
- ફરી મન પાવામાં. પણ મગ્ન થવાય તો ને!
- અરે મારાં બકરાં ક્યાં? ના બબડાટે પહાડીની ટોચ ભણી વળ્યો ત્યાં તો ફરી કાંકરીચાળા!
‘અરે, તું કૂણ હે? પરગટ તો થા’
‘શરમાઈ ગ્યું? કઉ સું ભૂત-પલિત કે જોગણીમાતા... જે હોય એ...’
- ને કશોય અણસાર ના મળતાં આગળ ધપે ત્યાં તો - સૂંઠેથી આવી કોઈકે આંખો દબાવી.
‘અ... રે, મણકી તું’
‘કેમ, અમે વળી મોણહ નહ કે હું?’
‘મણી, એનું કૂણ ના પાડવા બેઠું હે?’
‘તો’
‘ના, ના. મું હામ્મી ભાળું ત્યારે શ્યેનું નીચા જોવણું? મું કાંય તમારી દશમન...?’
‘મણી એ તો કશું નઈ, પણ એના સિવાય કાંય...?’
‘લે થઈ ગયું ઇ ટેમ કશું નઈ, ને તું આજ પૂછવા બેઠો હે?’
‘પ...ણ તું હું કેવા માગે મણી? મેં હૂં કર્યું એ તો બોલ!’
‘બોલું? મારે બધું ઈયાદ કરાબબુ પડે હાહરા બોબડા ને બેંરા?’
‘ના, ના, શૉમળાજી મેળે આલેલું એ ભૂલી ગ્યો?’
‘ઓહ! રૂમાલ? જો, આ ર્યો તે આલેલો રૂમાલ... પ... ણ...’
‘મું પણ બણ કઈ નહ જોણતી, તારે એવું નીં’તુ તો લીધો જ કેમ? તું... તું... મને બ...ઊં બઊં જ...’
- ને અણસાર પામતાં જ ખડાં થઈ ગયેલાં રૂવાં ‘એવું થાય? ના, આ જલમારામાં તો નઈ જ! કાકાનો દીકરો કમજી ગોમમાંથી લઈને નાઠો, તે આજે ય વેર. ને બળતામાં પાછું...’
‘ના મણકી ના, એ મારી ભૂલ કબૂલ, ને આપડી દોસ્તારીયે હાચ્ચી પાંણ તું મૉગે એવું તો નઈજ...
- પણ મણકીના એ એક જ સાહસ ને ઝનૂને બધુંય શમીને કેવું શાંત થઈ ગયેલું! પછી તો છાનાછાના મેળા... લગ્નોમાં ઠેકવું ને ગોવાળાં...
‘જાણે હરગનું સુખ!’ પ...ણ આજે? ના પ્રશ્ને સચેત થઈ ગયેલો ખીમલો વિચારવાયુમાં અટવાઈ ગયો.
જે થાવું ઓય તે થાય ખીમલા, છેલ્લો જુગાર રમી લે!’
‘પછે વેર વધારીને કટમ્બીઓને બાળવાનાં? ના, ના. એવું કોમ તો...’
‘તો? મણકીની આલત જોઈ તોય...?’
‘પણ હૂં કરવું? મારે તો આગળેય દઝારા ને પૂંઠેય...’
‘તો મણકીએ ક્યાં ઓછા દઝારા ભોગવે હે? એ તો હાહરીની યે નઈ કે - પિયેરનીયે...’
‘જે થાવું ઓયે તે થાય. કરી લઉં ઉગારો?’
‘તો એમાં પૂછવાનું હૂં? ઊઠે...’
- ને હારને કિનારે પહોંચેલી પોતાની ટીમ કે ચીચીયારીએ તરફ તેનું ધ્યાન જ ક્યાં હતું! તે તો કશુંય ગણકાર્યા વગર ઘર તરફની અને આગળ જતાં મણકીના પિયરઘરની વાટે વળેલો. આમ તો ખીમલો આ વાટેય ઘણી વખત ગુજરેલો, પણ આજે તે અજાણી-નવીનવી ને બદલાઈ ગયેલી લાગી. વાંકીચૂકી વાટ જાણે સંતાકૂકડી રમી રહી’તી. તે મનમાં જ બોલી પડ્યો: મનખાની વાટે ય ક્યાં સીધેસીધે ભળાતી ઓય હે? એમાંય અટપટુ તો આબ્બાનુ જ!’ ને તેનો જવાબ પણ મનમાં જ ઉકલી ગયો: ‘વાંકી હોય કે ટેડી, પણ હેડ્યા વ’ના ઓસો ઉગારો થાય?’ પણ સમય પણ જાણે ખીમલાની કસોટી કરી રહ્યો’તો. તે ડુંગરીનું ચડાણ પતાવીને જેવો ઉપર ચડ્યો કે દૂર મણકીનું પિયરઘર દેખાયું. પણ આ શું? ત્યાં તો મણકીનો ભાઈ અને કેટલાય જુવાનિયાઓ? ‘ક્યાંક મણકીનો ભાઈ અને ઘરનાં માણસો ઈરાદો જાણી ગ્યાં કે હૂં? ના, ના. અબીહાલ તો મું વચાર કરીને આ વાટે... ને મીં મણકાને કાંઈ દલાહોય નહ દીધો પછે? કૈંક દાળમાં કાળું! દો...ડ.’ - ને કોક દહેશતમાં તેનું મન ચક્કર ભમ્મર થઈ ગયેલું. તેને થઈ આવ્યું: ’દારૂડો પીધેલી ડુંગરીઓ જાણે ચીચીયારીએ ચડી ના હોય!’ - અને તે ક્યારે ઘરે આવ્યો ને ઝાંપલી બંધ કરીને ખાટલામાં પડ્યો. પણ તેનું ખીમલાને ભાન જ ક્યાં હતું!
ઊંઘમાં ઘેરાયેલો તે બીજી જ દુનિયામાં સરકી ગયેલો. તેમાંય તેને અરેરાટી થઈ આવે તેવું... વગડામાં કાગારોળ... કાગારોળ... પોતે ચમકીને જુએ તો સ્વભાવે શાંત, ખુશમિજાજી અને ડરપોક દેવચકલીઓનું ઝૂંડ કાગારોળથી ઘેરાયેલું. ભયભીત ને લાચાર દેવચકલીઓ ઝાડવામાં આશ્રય શોધતા ફાંફે ચડેલી. કેટલીય ચાંચપ્રહારે ઘાયલ ને તરફડતી. ‘અલાં, જોઈ હું ર્યા હો! ના આહવાને મણકી પોતે ધપી ગયેલાં, પોતે અને મણકી એક એક શોધીને તેમને બતકી (પાણીનું પાત્ર)નું પાણી ટોઈ ટોઈ ભાનમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં’તા... પણ એ બધું આગળ વધે ત્યાં તો ઝાંપો ખોલવાના અવાજે તે જાગી પડ્યો, અને એ જ સમયે ચોપડામાં થતી ગુસપુસ તરફ તેણે કાન સરવા કર્યા. તેના અંદાજ મુજબ તેના ભાઈબંધો જ ગુસપુસે ચડેલા.’
‘ખીમલો તો ભરનિંદરમાં લાગે હે. તું પેલાને બોલી દે કે...’
‘હૂં?’
‘એલા, પેલા મણકીના કાકાના દીકરાને...’
'હા, હા. અબીહાલ કેઈ દઉ કે મણકી ખીમલા પાંહે નહ, બીજે ખબર કરો.’
‘હાહરી ક્યાં વળાવી અશે? કે પછે કૂવો-અવાડો?’
જાવા દ્યોને વાત. આપડો દોસ્તાર તો નિરદોસ... ને સઈ સલામત.’
ખીમલાને થઈ આવ્યું : ક્યાં ગઈ અશે, હું થ્યુ અશે મણકીનું? - અને વર્ષ પહેલાં જ તેના જેવી જ દુખિયારી કમળીની અવાવરું કૂવામાં જોયેલી લાશનું સ્મરણ થઈ આવતાં તેને પરસેવો પરસેવો થઈ ગયો, તેને ઊભા થઈ, મિત્રો સાથે ભળી મણકીને શોધવા લાગી જવાની ઇચ્છા થઈ આવી, પણ બા-બાપુજી કે ભાઈ ઉત્તરાયણની ઉજાણીમાંથી આવ્યાં નહોતાં. આ સ્થિતિમાં બહાર જવામાંય ક્યાંક આક્રોશનો ભોગ બનવું પડે, અને ગયા પછી ક્યાંક કુટુંબને ય ભોગ બનવું પડ્યું તો? ના વિચારે ઠરી ગયો.
ત્રીજાએ વિષય બદલતાં કહ્યું:
‘રમતમાં તો હા કે હારી ગ્યા પણ કોઈએ મણકીની વાત ખીમલાને નહ કરવાની હો.’
‘ઈમાં હૂં વળી? ઈમાં વળી ખીમલાને હૂં પલાળવાનું કે મૂંડાબ્બાનું?’
‘તું નઈ જાણે રાંમા તું જપ. લોક કઈ અમથી વાતો કરતા અશે?’
‘હા, હા. ઈં યે હાચુ હો.’
‘લ્યો, લપ તો છૂટી! આપડો ભાઈબંન તો ભરડામાં નઈ આવ્યો? બીજું બધું તેલ લેવા...’
‘હાહરા કાગડીના પેટના ગૂંથવા બેઠા હે ઈ તો જો ખીમલા... ના, ના. પાડ્યા પૂંઠેય પાટું?’ ખીમલાને ખીજ ચડી આવી, પણ બીજી જ પળે ‘મું ય હાવ ઢેફલું નીકળ્યો. ઈમાં બચારા ભાઈબંને બીજો હૂં વચાર કરે?’ બબડતાં ગળગળો થઈ ગયો. અને બપોરે મણકીએ અટકી અટકીને કહેલા શબ્દોની ઝાંખી થતાં જ દેવચકલીની હાલત યાદ આવી ગઈ. તેને થઈ આવ્યું:
‘નવા વરહનો એ વળી કેવો વરતારો? ગોમ આખાનો કે પછે મારા એકલાનો? ને કોઈ જીવને દુઃખી કરીને? ના, ના સુખે ઉડાડી ઓત તો? બે-તૈણ વાર પકડી પાડીને ફરી ઉડાડાય ઈ હાટું તો બચારીને પગમાંયે કપડાનો લીરો બાંધી નાખેલો, પછે શ્યેનું ઉડાય? પેલ્લીવારકુ તો ઉડવાની ઓંસને ઓંસમાં ઊડીને લીલા ઝાડવે જ બેઠેલી. ઈમાં એનો ને આખાય ગૉમને મારે હારા વરહનો વરતારો થઈ ગ્યો’તો, પણ ફરી ઉડાડી ને પછે ‘હો... હો... હો...’ના આકલા- પડકારા? પછે શ્યેનું ટકાય? એય... ને ઉડવાનું જોર તો કર્યું પણ પથરાની પેઠમ ફેંકાઈને ગૂમ થઈ ગઈ ઝાડવામાં કે પછે હૂકાં પૉનડામાં. હૂં દશા અશે? ને ઊંડો શ્વાસ લેતાં બબડી પડ્યો.
- ‘મારી દેવસકલી ક્યાં??’
(શબ્દસૃષ્ટિ : જુલાઈ-2018)
*(દેવચકલી એ ચકલીના ગોત્રનું પક્ષી છે, જેને પવિત્ર અને શુકનિયાળ પક્ષી માનીને આદિવાસીઓ તેમના પરંપરાગત ઉત્તરાયણના તહેવારે તેને ઉઠારીને નવા વર્ષનો વરતારો કરે છે.)
સ્રોત
- પુસ્તક : દેવચકલી (પૃષ્ઠ ક્રમાંક 24)
- સર્જક : પ્રભુદાસ પટેલ
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
- વર્ષ : 2021
