દલપત ચૌહાણ
Dalpat Chauhan
વાસ તો ક્યારનોય ખળી-મજૂરી માટે ઊપડી ગયો હતો; ને હવે સવારનું અજવાળું ખોડાના ઘરમાં પ્રવેશ્યું. નળિયેથી ચળાઈને પ્રકાશની સેરો ઘરનાં માટીનાં ભીંતડાં પર ચાંદરણાં પાડતી હતી. ખોડો ખાટલામાં તકિયા પર માથું રાખી ચત્તો સૂતો હતો. એણે તકિયા પર માથું આમતેમ હલાવ્યું. આંખો ખોલી. એની નજરે ઘરનો મોભ કળાયો. એ મોભને એકીનજરે જોતો રહ્યો. મોભારે એની માના લગ્નનો મોળિયો બાંધેલો હતો. ઘણાંબધાં વર્ષોથી એ મોભ પર બંધાયેલો હોવાથી તે કાળા કામઠા જેવો લાગતો હતો. મોળિયાના બંને છેડે નાડાછડીનાં નુસણાં લટકતાં હતાં, એય કાળાં અને કોહ્યેલાં. લટકતાં નુસણાં પર માખોનો વાસ હતો, પરંતુ અજવાળું થવાને લીધે; માખો આમતેમ ઊડીને નુસણાં પર બેસતી. એને ઊડતી માખો પર ગુસ્સો આવ્યો. એ સૂતાંસૂતાં બે હાથ વીંઝી માખોને ભગાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. માખો પર કાંઈ અસર ન થતાં એણે હાથ હેઠા કર્યા. પાછો મોળિયા તરફ તાકી રહ્યો. એ શા માટે તાકી રહ્યો છે તેની તેને કાંઈ સમજ ન પડી. શા માટે મોળિયો લટકાવ્યો હશે! એણે આંખો પટપટાવી, એકાએક એને કોઈક સ્રીનો આકાર લટકતો દેખાયો. સ્ત્રીના હાથ લબડી પડ્યા છે. એના માથે મોળિયો છે. એ ગભરાઈ ગયો. આંખો બંધ કરી. બધું ગુમ. એને યાદ આવ્યું. ‘તારી મા મોભારે ફાંહો ખઈને...’ એ પૂરું યાદ ન કરી શક્યો. એને શરીરે પરસેવો થયો. એકાએક એણે આંખો ખોલી. મોળિયો ધીમેધીમે સંકોચાઈ રહ્યો હતો. નાનો થતો જતો હતો. એને રૂંધામણ થતી લાગી. ગાળિયો ધીમેધીમે તેના ગળાને ભીંસમાં લઈ રહ્યો હતો. એ ખાટલામાં બેઠો થઈ ગયો.
‘ઑં... ઑં... ઑં...’ કરતો ગળાની ભીંસને બે હાથ વડે છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. થોડીક હળવાશ લાગતાં ઝટકો મારી હાથ લઈ લીધા. હાથ વડે ખાટલાની ઈસ પકડી આજુબાજુ જોયું. ત્યાં સંભળાયું:
‘ખોડિયો ગાંડો... ખોડિયો...’
‘ઉં... નૈ... ઉં... નૈ...!’ બોલતો ખાટલામાંથી ઊભો થઈ ગયો. લાંબાટૂંકા હાથ કરી બબડ્યો.
‘ઉં બચી જ્યો... ઉં બચી જ્યો.. હાચું કેસ લ્યા પૂંજિયા, નાહી જા. હાહનાં ટેંટા તને નૈ મેલે. હાહનાં માની જા...’ પછી ઘરમાં કોઈ બીજું છે કે નહીં તેની ખાતરી કરવા નજર ફેરવવા માંડ્યો. ચૂલાની બેડ પાસે ઊભી મૂકેલી લાકડી ને સામે તૂટેલો ડામચિયો. એનો બબડાટ ચાલુ હતો.
‘હાચમ હાચ પૂંજિયા! હોંકોળ તેં વાહેલી. મને ખબર છ. તું અતો...’ એની નજર લાકડી ઉપર પડી. એ ગભરાઈ ગયો. જાણે કોઈ લાકડીઓ વડે એને ફટકારતું હોય એમ અમળાવા લાગ્યો. એને એના બાપનો ચહેરો યાદ આવ્યો. લોહીલુહાણ... તરફડતો.. એના જેવું એ તરફડવા લાગ્યો.
‘ઓ મારા બાપા રે...’ કહીને પોક મૂકવાની ઇચ્છા થઈ પણ તે ખાટલામાં બેસી પડ્યો. એનો શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યો. થોડી વારે બબડ્યો...
‘ઉં બચી જ્યો?’
એની નજર ભીંત પર પડી. ભીંત પર ચાંદરણાં પડતાં હતાં. સરસ મજાનાં ગોળ - પ્રકાશમાન. એ ચમક્યો.
‘આ ધોરીધોરી છરીઓ ભેંતમં કોણે ખોસી છ.’
એણે ખાટલામાં નજર નાખી. ગોદડા પર બે-ત્રણ ચાંદરણાં પડતાં હતાં. એ ચાંદરણાંથી દૂર જવા માંડ્યો. થોડી વારે ડરતાં-ડરતાં એણે ચાંદરણા તરફ હાથ લંબાવ્યો. ચાંદરણું હાથ પર આવ્યું.
‘હત્તારીની આ તો ચાંદલી...’ એણે હાથ આંખો તરફ લીધો. ચાંદરણું ખસી ગયું. ચાંદરણું ખસતાં જ એને પૂંજો યાદ આવ્યો.
‘પૂંજિયો ચ્યાં જ્યો?’
એ ખાટલા પરથી ઊભો થઈ, ઘરનું બારણું ઉઘાડી બહાર આવ્યો. વાસમાં કોઈને ન જોતાં વાસના તોરણવાળા ઝાંપા તરફ વળ્યો. વાસના નાકે ઊભા રહી ઘડીકમાં વાસ તરફ, ઘડીકમાં ગામ તરફ તો, ઘડીકમાં ખેતરો તરફ જોવા લાગ્યો. વાસના નાકેથી દૂર ખેતરવાટ હતી. એણે એક બારૈયાને ખેતર તરફ જતાં જોયો. ને ખેતરવાટે વાસ તરફ આવતા પૂંજાને જોયો. પૂંજાના હાથમાં લોટો હતો. એણે હડી કાઢી.
‘દોડજે પૂજિયા ઉં હાચું કે છ, પેલું ટેટું તને વધેરી નાખસે. દોડજે...’ બોલતો છેક પૂંજા પાસે પહોંચી ગયો. પૂંજો ચમક્યો.
‘હું થયું છ ખોડા? પાછો લવારે ચઢ્યો! અંઈ કોઈ ભાય નહીં મારી નાખતો, લે હેંડ વાહમાં.’
‘ઉં એ જ કે છ, પૂંજિયા!’
ખોડાએ પૂંજાનો હાથ ઝાલીને વાસ તરફ ખેંચવા માંડ્યો. એની નજર ખેતરવાટે ચાલ્યા જતા બારૈયા ઉપર હતી.
‘ઉં આવું છું ‘લ્યા. ખેંચ નઈ ભૂંડા.’
‘પેલો હાહનો... ટેંટું આથમાં તરવેર લઈને આવતો’તો!’
‘ઉં હાચું કે છ. લે હેંડ વાહમાં.’ એ પૂંજાને ખેંચતો રહ્યો.
**
આજે ખેતરની વાડ પાસે વાડે બેઠેલા ખોડાને નારસિંહે જોયો. એને જોતાં જ બૂમ પાડી.
‘હાહના... ઢે... તારી બુન્ના... ધણી કાંઈ ભાન છ કે નહીં. અંઈ તારા બાપના ખેતરને અભડાબ્બા બેઠો!’
એણે ખેતરમાં માટીનું ઢેફું ઉપાડી ખોડા તરફ ફેંક્યું. પડ્યું સીધું સામે મૂકેલા લોટા ઉપર. લોટાનું પાણી ઢોળાઈ ગયું. ખોડો હડફ દઈને ઊભો થયો. એણે નારસિંહને ગાળો બોલતાં જોયો. એણે ઝડપથી એક હાથે લોટો લીધો; બીજા હાથે લેંઘો ઊંચો કરી બંને હાથે લેંઘો બાંધતાં વાસ ભણી નાઠો. એને સંભળાયું.
‘તારી બુન્ના ધણી... હાહના... બીજી વાર અંઈ જોયો તો આંબે તાણી બાંધી લટકાયે, નેંચે ધૂણી કરે...’
જેમ એણે સાંભળ્યું એમ એણે દોડવાની ઝડપ વધારી ને સીધો ઘર ભેગો. ઘરનું બારણું અંદરથી બંધ કરી દીધું. એના મન ઉપર ફરીફરીને એ જ શબ્દો અથડાતા હતા:
‘તારી બુન્ના ધણી... નેંચે ધૂણી કરે!’
એ પાણી લેવાનુંય ભૂલી ગયો. બીકનો માર્યો ધ્રૂજવા માંડ્યો. એની નજર મોભારે ગઈ, મોળિયો લટકતો હતો. માખો ઊડતી હતી. એણે ખૂણામાં પડેલી લાકડી ઉપાડી, જાણે માખો નારસિંહ હોય તેમ એમની તરફ લાકડી વીંઝવા માંડી. લાકડી ભીંતે, બારણે અથડાતી હતી. ઘરમાં થતા અવાજથી પૂંજાની વહુ આંગણામાં આવી.
‘ખોડભઈ... ઓ ખોડભઈ... ઘરમાં હું માંડ્યું છ. હવે જપો. બાર બાદુરી બકતા હો તો! આંય ભેંતડાં તોડો છો?’
ખોડો અટકી ગયો. એને શ્વાસ ચઢ્યો હતો. લાકડી એણે ખૂણામાં ફેંકી. બારણું ખોલ્યું, સામે પૂંજાની વહુ રામી ઊભી હતી. એ ખસિયાણો પડ્યો. એને યાદ આવ્યું કે લોટે જઈ પાણી લીધું નથી. એણે રામીને કહ્યું:
‘ભાભી, લોટો પાણી...’
**
રામી ખોડાને લોટો પાણી આપી પાછી વળી. એનું મન ઉપરતળે હતું. એને થયું આ ખોડભઈ એકના એક. મા બાપડી આબરૂની મારી ફાંહો ખાધો ને બાપને વાહ વચ્ચે ‘હીકાઈ મેલ્યો’ આ ભઈ ભેતડાં તોડે છે. કરમની કઠણાઈ. ગામ જ ન પાણીયું. કાંટિયા વરણ કે વહવાયાનું જીવવું જ ધૂળ. લ્યો પેલો સરપંચનો છોકરો ધોળા દાડે જીવીના ઘરમાં પેઠો. ઓસરીમાં પડેલા જોડા ને બંધ થયેલું બારણું, પૂંજાથી સહન ન થયું. એણે સાંકળ મારી દીધી. અડધા કલાકે બારણું ખખડ્યું ને વાસ આખાને ગાળોથી ભરી દીધો.
‘હાહના કૂણે હોંકોળ વાસી. આમ હામે આય ખબેર પાડી દ્યું. તમારી માના ધણીઓ. મું દરબાર છું. ગમે એના ઘરમાં પેહું, તમે રોકનાર કૃણ.’
‘વાહમાંથી કોઈએ ચબહ ન ફાડી.’ બીજા દાડે એનો બાપ સરપંચ, આખા વાસની માબેન ખાતરી ગયો. કોઈ ના બોલ્યું. ખોડો એકલો ભીંતો જોડે માથાં પછાડતો. ક્યારેક રામીનો પતિ પૂંજો બળાપો કાઢતો. જ્યાં વાસ આખો...
ખોડાનાં માબાપના મોત પછી પૂંજો અને રામી એની ખબર રાખતાં. વેળાકવેળા સાચવતાં. ઘેર જતાં રામીએ જીવીના ઘર સામે નજર નાખી. આંગણામાં કોઈકના જોડા હતા ને બારણું બંધ. રામીએ કપાળ ફૂટ્યું. પેલા ઘર સામે જોઈ થૂંકી, પછી ઘરમાં ચાલી ગઈ.
**
ક્યારેય બપોરે બહાર ન જનાર ખોડો ખેતરવાટ બાજુથી દોડતો આવતો હતો. વાસના તોરણનાકે ક્ષણેક વાર રોકાયો પછી વાસમાં એક પડી ગયેલા ઘર બાજુ દોડ્યો ને ઘાંટો પાડી બોલવા માંડ્યો:
‘પૂંજિયા ઉં હાચુ કે છ. ભૂંડા નાહી જા. શેરમઅ નાહી જા... પેલો ધારાળો ધારિયું ખભે મેલી અબ્બીતાલ આયો હમજ... અબ્બીતાલ કટકા... સટ્ટ સટ્ટા સટ્ટ...’
એ પડી ગયેલા ઘરના ભીંતડાના પડછાયામાં સંતાવા પ્રયત્ન કરવા માંડ્યો. એના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા.
‘હાહનો ટેંટો... કઢીચટ્ટો... એની માનો... મોટી મોટી આંસ્યો... ખભે ધારિયું... આથમાં તરવે...!’
એકાએક એ સ્થિર થઈ ગયો. જાણે પોતાના હાથમાં તલવાર આવી ગઈ હોય. એક હાથની મુઠ્ઠી વાળી બીજો હાથ પીઠ પાછળ કરી, ખાલી હાથે તલવારના પટ્ટા ખેલવા માંડ્યો. ઊછળી-ઊછળીને ઘા કરતો હોય એમ તૂટેલા ઘરમાં કૂદવા માંડ્યો. ત્યાં જ બાજુના ઘરનાં નેવાં પરથી બિલાડી કૂદી. ખખડાટ થયો. ખોડો ચમકીને ઊભો રહી ગયો. એણે બિલાડીને જતાં જોઈ. બિલાડી સામે દાંતિયું કર્યું પછી બોલવા માંડયો:
‘એ આયો... ઉં હાચું કે છ પૂંજિયા.... નાહીં જા.’ પછી પોક મૂકીને બેઠો.
‘પેલાં મારો બાપ... પછી મા... ઉં આંસ્યો ફાડી નઅ જોતો તો. ઉં હું કરું... તું નાહી જા પૂંજિયા તારો વારોં હાચું કે છ હો...’
ને જાણે એના પર લાઠીઓ પડતી હોય એમ હાથપગ ઉછાળી બચાવ કરવા લાગ્યો. ઘડીકમાં બેવડ વળતો. ઘડીકમાં સીધો સટ્ટ એમ કરતાં એ પગલું ચૂક્યો ને જમીન ઉપર ગબડી પડ્યો. જમીન પર પડતાં જ એણે બૂમો પાડવા માંડી:
‘દોડજો રે... બચાવો... એ વધેરી નાસ્યો...’
ખોડાની બૂમો સાંભળી વાસનાં છોકરાં, રામી તથા બીજાં બેત્રણ બૈરાં ત્યાં આવ્યાં. ખોડો રામી સામે ડોળા ફાડીને જોઈ રહ્યો. એનું શરીર કામઠાની પણછ ખેંચાય એમ ખેંચાઈ સીધું થઈ ગયું. એના શ્વાસ ઝડપથી ચાલવા માંડ્યા. બીજી પળે એ બેભાન થઈ ગયો. રામીએ ખોડાની દશા જોઈ જીવીની સાત પેઢીને સંભળાવવા માંડી. એ ખોડા પાસે બેઠી, પણ એની જીભ ચાલુ હતી.
‘રાંડ કભારજા એનું હાત ભવ નખ્ખોદ જાય, એનઅ ભડકા થતા હોય તો ઊંબાડું ઘાલઅ. આ બાપડા ના...’
‘અલી સાંની રે મારી બૈ, કોક હાંભળશે તો એના હણીજાને કી આવશે. પાસી રૉમેણ...’
બીજી સ્ત્રી રામીને સમજાવવા માંડી, ત્યાં તો...
‘ચેઈ રાંડ સતી સીતામાતા છો!’ કહેતી જીવી પ્રગટ થઈ. કોઈએ એના તરફ ધ્યાન ન આપતાં બધાં ખોડાને બેઠો કરવા ગડમથલ કરવા માંડ્યાં. ખોડાનું શરીર અક્કડ થઈ ગયું હતું. તે સહેજ કમરેથી વળ્યું, પછી જાતે જ ધીમેધીમે બેઠો થયો.
‘કુના આંગણામાં જોડા નહીં નેકરતાં. મનઅ બતાવો, બવ બાદુરી બકતા વો તો તમારા ધણીઓને કઈ ઝટકાઈ મેલાવો તો હાચા. આવનારાને કાંઈ કેવાની બાદુરી છ!’
જીવીએ નીચે બેસી છેડો વાળ્યો.
‘આ ગાંમ નપાણીયું મારા બાપ... ચીયા વેરીએ મનઅ આ ગામ નાસી... ઊંડા કૂવામાં ઉતારી...’
પછી ઝડપથી ઊભી થઈ છેડો કાઢી નાખ્યો.
‘આ ગામનો હારો. પૂંજાનઅ નાહી જવાનું કે છ. ઈના કરતાં કોક બારિયાને વધેરી નાખ તો! એને કુણ આગળપાસળ છ. એવું કર તો હાગાઈ બાપનો, નકર ગાંડમ મુઢું ઘાલીને પડ્યું રે.. કોકને વધેરી નાસ્ય... માબાપ મર્યા તોય કાંઈ ના વળ્યું અમઅ હું?’ કહેતી જીવી સડસડાટ આવી હતી એવી રીતે પોતાના ઘેર વળી ગઈ.
ખોડાને જાણે એટલું સમજાયું, ‘કોક બારિયાને વધેરી નાસ્ય તો હાગાઈ બાપનો...’ ને હડફ દઈને ઊભો થયો. એની આંખો ચકળવકળ થવા માંડી. એ કાંઈપણ બોલ્યા વિના ઘર તરફ દોડ્યો. ઘરમાં જઈ બારણું બંધ કરી દીધું. ઘરમાં પડેલી લાકડીથી આજે ના ડર્યો. વારેવારે લાકડી, મોળિયો, બારણું વગેરે તરફ જોવા લાગ્યો. એના શરીરે પરસેવો વળ્યો. બધું ગોળગોળ ફરવા માંડ્યું. એ માથું પકડીને બેસી ગયો.
**
સાંજ સુધી ઘરનું બારણું ના ખૂલ્યું. રાતનું ખાવાનું તાંસળામાં લઈ રામી આવી. એણે ખોડાના ઘરનું બારણું બે-ત્રણ વાર ખખડાવ્યું. કશો ઉત્તર ના મળ્યો.
‘ખોડભ...ઈ! રોટલા નઅ કઢી મેલ્યાં છ આ ગોખલામાં, ખઈ લેજો. નકર જહો...’ એટલું બોલી અટકી, પણ મનમાં તો બોલી જ નાખ્યું. ‘મારા ભાના ઢેંચણ મારી, હાહૂની આ પારકી પલીતી, ચ્યાં હૂંદી હાચવવી. આવાં માણસ મરતાંય નથી.’
રામી થોડી વાર ઊભી રહી. ઘરમાં ખાટલો થોડોક ચરમરાયો. પણ ખાટલામાંથી કોઈ ઊઠીને બહાર ન આવ્યું. એટલે ‘ગામના હારાને ખાવું હસે તો ખાસે’ એમ બબડતી રામી ઘર તરફ ચાલી ગઈ.
રામી ગઈ પછી ઘડી બે ઘડી પછી બારણું ખૂલ્યું. અંધારામાં ખોડાએ લાકડી લઈ ખેતરો ભણી હડી કાઢી. એ ક્યારે પાછો આવ્યો. બારણું બંધ થયું તે અંધારાનેય ખબર પડી નહીં.
**
સવારનું અજવાળું થાય ન થાય ત્યાં તો ગામમાં ગોકીરો થયો. કોઈએ સરપંચના ઉચાળા ખેતરની છાપરીમાં સૂતેલા હરિસિંહનો પગ ભાંગી નાખ્યો. નસીબ સારું કે પહેલો ઘા પગ ઉપર પડ્યો એટલે હરિસિંહ જાગી ગયો, નહીંતર એનાં સોએ વરસ પૂરાં થઈ જાત. હરિસિંહે મારનારને અંધારામાં ઓળખી કાઢ્યો હતો. પેલો ‘ખોડિયો ગાંડો.’
‘મારા બેટ્ટાં ઢે... ફાટ્યાં. જબરો કે’વાય એકલો હરિસિંહ હારે બાઝ્યો.. કેવી પડે જબરાઈ.’
‘કોક દાડો તો મરદ થાય ને? ઈના ઘરમાં સરપંચે ચેવું કર્યું છ, ખબેર છ.’
‘એ તો સરપંચ ભેલાણ કરે! આ વહવાયું કે’વાય. તોય હારી બાદુરી કરી...’
‘પછ...?’
ને આખો બારૈયાવાસ ઊમટ્યો વાસ ભણી, જેના હાથમાં જે હથિયાર આવ્યું તે. લાકડી, ધારિયાં, દંડા, કેરોસીનનો ડબ્બો. વાસ વચ્ચે આવતાં જ સરપંચે રાડ નાખી:
‘ચ્યાં જ્યો હાહનો ખોડિયો... એની માનો... એન કો બાર નેકરે, નકર આખો વાહ હીકાઈ મેલે... એ ઢે... એ મારા દીકરાનો પગ ભાંજી નાસ્યો. માથામાં ગજ ગાલ્યા છ. અમ બાર નેકર. ચ્યાં જ્યો પરબત, ગાહલેટનું ડબલું લાય.’
બાજ પડે ને પંખીઓ જેમ માળામાં છુપાઈ જાય એમ ઘડીના છઠ્ઠા ભાગમાં વાસમાં સન્નાટો છવાઈ ગયો. જે કોઈ બહાર હતું એય બધું પડતું મૂકી ઘરમાં બારણાં વાસી સંતાઈ ગયાં. પૂંજો, રામી પણ દોડીને ઘરમાં પુરાઈ જઈ, શું થાય છે એ બારણાની તિરાડમાંથી જોઈ રહ્યાં. એક જણ પૂંજાના ઘર બાજુ આવ્યો અને ઊભા કરેલા ખાટલા પર ધારિયાનો ઘા કર્યો. એને સરપંચનો અવાજ સંભળાયો:
‘હાહના પૂંજિયા, ચ્યાં જ્યો ખોડિયો બતાય, નેકર તારું ઘર હીકાઈ મેલે.’
સરપંચ પૂંજાના આંગણામાં આવ્યો. વાસમાં કૂતરું ભસ્યું. કોઈકે લાકડીથી ફટકાર્યું. કૂતરું કુઉં... કુઉં... કરતું નાઠું. આખા વાસમાં ફરી સન્નાટો.
‘ચ્યમ’લ્યા બાદુરો, કોઈ હાંભરતું નહીં. તમારી મા... આજે તમારી ખેર નથી. એક જણો હાંકોળ વાહી જાય, બીજો પગ ભાંજી જાય... એક વાર જવા દીધા...’
ત્યાં તો વાસનાં ઘરોની મોવટી, ખાટલાં, નળિયાં, ઉપર લાકડીઓ-ધારિયાં ઝીંકાવા માંડ્યાં. કોઈકના ઘરના બારણે લાકડીઓ ઝીંકાઈ. કોઈએ ચબહ ન ફાડી. પૂંજાને થયું પોતે બહાર નીકળે. પણ એણે ખોડાના બાપના હાલહવાલ જોયા હતા. એ મરદ હતો. કેટલી લાકડીઓ ઝીલેલી. એણે બારણાની તિરાડમાંથી નાહવાના ઓટલા ઉપર નજર નાખી. એને ખોડાનો બાપ તરફડતો દેખાયો. એને પોતાની જાત ઉપર ધિક્કાર છૂટ્યો. ખોડાની થોડી હિંમત બદલ માન ઊપજ્યું. એના રૂંવાં-રૂંવાં ઊભાં થઈ ગયાં. એ બહાર જવા ઘરમાં ધારિયું શોધવા માંડ્યો. જેવું ધારિયું મળ્યું તેવો જ બારણા તરફ વળ્યો. કોઈક બારણા ઉપર ધારિયાના ઘા કરતું હતું. રામી પૂંજાને ઘરમાં પાછો ખેંચવા માંડી. ત્યાં સંભળાયું –
‘લ્યા પેલા ઘરમાં ખોડિયો રે છ.’
બધું ટોળું ખોડાના ઘર બાજુ વળી ગયું. પૂંજો ઘર ખોલવાને બદલે બારણાની તિરાડમાંથી બહાર જોઈ રહ્યો. ધારિયા પર એની પકડ મજબૂત થતી જતી હતી.
‘એય... ઘર નહીં હીંકાવવું. ખોડિયાને બાર કાઢી હીકાવો.’
ખોડાના ઘરના બારણા ઉપર ધડાધડ લાકડી-ધારિયાં વીંઝાયાં. બારણું તૂટ્યું.
ઊભા રો’લ્યા, હાહનાને નાગો કરી આંય લાવો. વાહ વચ્ચોવચ હીકાવો.’
સરપંચ ગુસ્સામાં બોલતો બોલતો ઘર તરફ દોડ્યો. આદત મુજબ જોડા આંગણામાં કાઢી તૂટેલું બારણું કૂદી, ઘરમાં ઊભેલા ખાટલા તરફ ધસ્યો. વળતી સરપંચે રાડ પાડી.
‘હાહના ખોડિયે દગો કર્યો...’ સરપંચના કપાળે કંઈક સખત અથડાયું. કપાળે સખત બળતરા થઈ. માથેથી ફાળિયું ગબડી પડ્યું. એનો હાથ અચાનક કપાળ પર ફરે એ પહેલાં બીજી વાર કંઈક અથડાયું. એણે અથડાતી વસ્તુને ઝડપથી પકડી લીધી. અને ઝડપથી ફંફોસવા માંડ્યો.
‘આ તો પગનો પંજો...’
સરપંચની રાડ સાંભળી બીજા કેટલાય જણા ઘરની અંદર દોડી આવ્યા. ત્યાં સુધી સરપંચ સ્વસ્થ થઈ ઉપર મોભ સામે જોઈ રહ્યો હતો. કોઈ મોભારે મોળિયાની બાજુમાં ફાંસો ખાઈ લટકી ગયું હતું. એના પગ સરપંચના હાથમાં હતા. મોળિયાનાં નુસણાં પાસે માખો ઊડતી હતી. માખો ઘડીકમાં નુસણાં ઉપર તો ઘડીકમાં ખોડાની આંખોની બખોલમાંથી બહાર નીકળી આવેલા ડોળા ઉપર બેસતી. સૂરજનું અજવાળું ચળાઈને ઘરમાં આવતું હતું. અને ખોડાના લટકી પડેલા હાથની હથેળી એક ચાંદલી અજવાળતી હતી.
(વાર્તાસંગ્રહ: ‘ડર’)
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી વાર્તાઓ - દલપત ચૌહાણ (પૃષ્ઠ ક્રમાંક 61)
- સંપાદક : દલપત ચૌહાણ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2019
