Damachiyo - Short Stories | RekhtaGujarati

અંજલિએ આજુબાજુ જોયું અને પછી ઘરના બંધ બારણા પર હળવેથી માથું ટેકવ્યું. એક ઊંડો શ્વાસ લીધો, શાંતિથી છોડ્યો. શાલનો છેડો દૂર કરી ખભે લટકાવેલા પર્સમાંથી ફંફોસીને ચાવી કાઢી. બા વાપરતાં હતાં પ્લાસ્ટિકની કોથળી, મોટા પિત્તળના તાળાની પિત્તળની નક્કર ચાવી. તાળાના કાણામાં પણ ભમરીઓએ દર કર્યું હતું. થોડી વાર ચાવી આમતેમ ઘુમાવી અને તાળું ખૂલ્યું. હડો જામ થઈ ગયો હતો પણ એણે પ્રયત્ન કરીને હડો ખોલ્યો. ચપોચપ ભિડાઈ ગયેલાં બારણાં કિચુડાટ સાથે ખૂલ્યાં.

બે પગને જાણે એક સાથે ઘરમાં પ્રવેશવાની ઉતાવળ હતી, છતાં જમણો પગ આગળ થયો. અવાવરુ ઘરની અવાવરુ ગંધે એને ભીંસી લીધી હતી. સહજ એની નજર બેઠક રૂમમાં ફરી વળી. ચારે તરફ લટકતાં જાળાંનાં સૂકાંભઠ્ઠ તોરણો. બારણાની બરાબર ઉપરનું જાળું એના વાળમાં વળગી પડ્યું. એમ ઊભી રહી ગઈ. નજર નીચે ગઈ તો... નકરી ધૂળ... ધૂળની નાની નાની ઢગલીઓ, કીડી-મંકોડાનાં દર. ઠેરઠેર નજરે પડી ઊધઈને લીધે લાગેલી માટીની હાર. આગળ વધીને એણે બેઠક રૂમની બારી તરફ જોયું. ત્યાં પણ જાળાંનો રાફડો, સ્ટોપર શોધવી પડી, હાથ અચકાયા વિના કામે લાગ્યો. અંગૂઠા ને આંગળીએ ચપટી ભરાઈ અને બારી ધડામ્ કરતી ખૂલી ગઈ. કૂણી સવારનું તાજું અજવાળું રૂમમાં દોડી આવ્યું. હવે જાળાં વધુ સ્પષ્ટ રીતે સામે આવ્યાં. મન થયું, ઓટલે જઈ ઊભી રહે, ઘરની સામે લહેરાતાં ખેતરોને બસ જોઈ રહે. ઓટલે ગઈ અને સામાન લઈ ઘરમાં પાછી ફરી.

જમણા હાથે એનો સ્પેશિયલ લાકડાનો કોટ અને ડાબા હાથે વર્ષો જૂનો લોખંડનો પલંગ. બા વાળતાં હતાં રીતે બે પલંગમાં વાળીને મૂકેલાં ગાદલાં, ઉપર ઢાંકેલી જૂની ચાદરો. હળવેથી ચાદર ખસેડી. ઉંદરોએ ગાદલાંમાં કાણેકાણાં કરી મૂક્યાં છે, નકરી લીંડીઓ. ઓટલે જઈ એણે વારાફરતી બે ગાદલાં ખંખેર્યાં ને પલંગમાં પાથરી દીધાં. સામાન પલંગ પર મૂક્યો.

‘આવી ગઈ બેટા? મને હતું કે તું આજે આવીશ. તારી બા કહેતી નહોતી પણ તારી રાહ જોતી હતી...’ ‘આવી ગઈ બેટા?.. ‘આવી ગઈ બેટા?’... એણે આમતેમ જોયું ને સામેની ભીંત પરના ફોટા પર એની નજર સ્થિર થઈ ગઈ. ફોટો પણ અડધો ખવાઈ ગયો છે, હા એમાં ચમકતી આંખો એવી અકબંધ છે.

બે વર્ષ શહેરમાં ભણવાનું થયું ને ત્રણ વર્ષ બહાર નોકરી કરી તે સમયે રજામાં ઘેર આવતી ત્યારે મોટાભાઈ આમ એને ઘરમાં આવકારતા. બાને આવું કશું બોલવું ફાવતું નહીં, પણ પોતાનું કામ કરતાં કરતાં એને મીઠી મધ જેવી નજરે જોઈ લેતાં. બા દિવસે એના સ્વાદની ગળચટી દાળ અને ભાવતું શાક બનાવતાં. ‘આવી ગઈ બેટા? આવી ગઈ બેટા?’નાં સ્મરણોએ એને ઘેરી લીધી. શાલના છેડાથી એણે ફોટો લૂછ્યો. પેલી બે ચમકતી આંખો જાગી ઊઠી.

આખા ઘરમાં ફરી વળી. પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં નાનકડા ગામમાં બનેલી સોસાયટી. છેલ્લી લાઈનમાં છેલ્લેથી આગળનું મકાન. સમૂહ વાસ્તુપૂજન વખતે ઘણી નાની. નવું ફ્રોક પહેરીને આમતેમ દોડતી હતી. મારું ઘર, અમારું ઘર, નવું ઘર - એના હરખનો પાર નહોતો. પૂજાવિધિમાં બેઠેલાં બા મોટાબાઈને ધારી ધારીને જોયા કરતી હતી. બા જરીવાળી કિનારની સાડીમાં સુંદર લાગતી હતી અને મોટાભાઈએ તો પહેલીવાર ધોતિયું પહેર્યું હતું. બાજુવાળા જેઠા ભા એમનું ધોતિયું લઈ આવેલા. જેઠા ભા એમના બાળપણના મિત્ર, સાથે સાતમા ધોરણ સુધી ભણેલા.

‘જો, આપણે તો ખેડૂતના દીકરા. ધોતી-ખમીસ આપણો મૂળ પહેરવેશ. તું શહેરમાં નોકરી કરે એટલે શું થયું? મેં તને કદી ધોતિયું પહેરેલો જોયો નથી. આજે તો તારે ધોતી-ઝભ્ભો પહેરવાનાં છે.’ મોટાભાઈ ના ના કરતા રહ્યા, પણ જેઠા ભાએ એમના મનની મુરાદ પૂરી કરી હતી. ખરેખર મોટાભાઈ સરસ લાગતા હતા. દાદા પણ બોલી ઊઠ્યા હતા, ‘ભઈ, આજે તું મુખીના દીકરા જેવો રૂડો લાગે છે હોં. ટિકિટ માસ્તરના ડગલામાં યે તું શોભે તો છે જ, પણ કપડાંમાં તું વધારે પોતાનો લાગે છે.’

ઝાંખાં ઝાંખાં દશ્ય-સંવાદો કરોળિયાનાં જાળામાંથી ડોકિયાં કરવા લાગ્યાં. એનું બાળમન એક ચિત્ર દોરતું હતું, બા-મોટાભાઈનું લગ્ન થયું હશે ત્યારે બંને આવાં શોભતાં હશે... વાસ્તુપૂજન વખતે એના હાથે ઘડો મુકાયો હતો, એણે નવાનક્કોર ઘરમાં પહેલો પગ મૂક્યો હતો, દિવસે પણ જમણો પગ આગળ રહ્યો હતો.

રસોડું, બેડરૂમ, મોટાભાઈની લાઇબ્રેરીવાળો રૂમ, બાથરૂમ, પાછળ ખુલ્લો ચોક... બધે સરખી દશા. સાવરણી શોધવી પડી. શાલ ખીંટીએ લટકાવી એણે કચરો વાળવા માંડ્યો, ઝાપટઝૂપટ કરવા માંડી. શરીરની સ્ફૂર્તિ જાણે એક સાથે આળસ ખંખેરી બેઠી થઈ ગઈ. કરોળિયાનાં જાળાં વાળતી રહી અને સ્મરણોનાં જાળાં વીણતી રહી. લાંબી મુસાફરીનો થાક તો ક્યાંય વિસરાઈ ગયો છે.

લાકડીનો ઠકઠક અવાજ સંભળાયો. ‘એ કુણ આપ્યું સ્ ભા? ઘર કુણે ખોલ્યું? આટલી વે’લી હવારમાં મીં કીધું કુણ આયું?’ લાકડીનો ઠકઠક અવાજ ઓટલે, બેઠકરૂમ, રસોડે થઈ ચોકમાં આવી અટક્યો. સેપટવાળો ચહેરો ઊંચો થયો. કંઈ બોલે પહેલાં કાશી મા એની નજીક આવી બોલી ઊઠ્યાં, ‘બુન, આઈજઈ? તારા વગર બીજું કુણ આબ્બાનું હતું, ભા? જો ન્ ઘર ચેવું પાધર જેવું થઈ જ્યું સ્? તે તું ચાણ આઈ? રાતે તો ઘર બંધ હતું. મૂઆ કૂતરાંને ગમે એટલાં કાઢીએ, તમારા ઓટલે રાતવાહો કરે, ઑમ તો હારું, ઘરની ચોકી થાય. પણ બુન, તું તો ચોંક, બળ્યું અમરિકા કે ઈમ ન’તી ગઈ, ભઈના ઘેર?’ કાશીમા ખાસ્સી વારે અટક્યાં. ઉધરસનો ઠહાકો ખાધો.

‘કાશીમા, હું સવારે આવી. હા, તમારી વાત સાચી, સિદ્ધાર્થભાઈના ઘેર અમેરિકા ત્રણ મહિના રહી આવી. તમારી તબિયત તો સારી છે ને?’ સાવરણી બાજુ પર મૂકી ચોકના પગથિયે બેઠી.

‘બુન, અમારી તબિયતનું ચ્યા ઝાટકા વાગવાના અતા? ભાળતી નથ્, જો મારી લાકડીના ટેકે વૉકી વળી ગયેલી કેડે રોજ તારા ઓટલે આઈન્ બેહું. તારા બા અન્ બાપા બહુ હોંભળી આવસ્ ભા. અમીં તો ખરી પડેલૉ પીળાં પૉન જેવૉ. હવાસની ધમણ ચ્યાર બંધ થઈ જાય ઈનું કેવાય નંઈ. દા’ડા ટૂંકા કરવાના અજગર જેવા લૉબા આયખાના. પણ બુન, તેં ટૌકો કર્યો હોત તો મારા રમણની વધુ દોડી આવત હોં, બોલાવું ઈન્અ?’ કાશીમાએ ફરી ઉધરસ ખાધી અને કફનો ગળફો ગળફ કરતો ગળા નીચે ઉતાર્યો.

‘એ તો કલાકમાં બધું સાફ કરી દઈશ. સવારના પૉરમાં ભાભીને પણ કામ હોય.’

‘એ તો જીવીએ ત્યાં લગણ બધો કૉમ તો રૅવાનાં જ. ઇમાંય વળી, બૈરાંનો અવતાર, કૉમના ઢહરડા, જીવતર આખું થાગડથીગડ કરવામાં વીતી જાય. મારાથી તો અવ્ કશું કૉમ નથી થતું. તારા ભાના ગયા પછી મારા ટાંટિયા જાણે ભાગી જ્યા સ્. હારું ભા, તારી ભાભીએ ચૂલે દેગડું મૂક્યું સે ના’વા માટે, પાસી અકળાશે. જઉં ત્યારે. ચા મોકલું સું. હા, ખાવાનું પણ બનાઈ દેશે તારી ભાભી. લાલિયા જોડે પીવાના પાણીનો લોટો પણ મોકલું હોં. ઘડીક થાક ખાઈ લે. તારા માટ્અ મારો જીવ બઉ બળે બુન, હું કરીએ?’ કાશી મા લાકડીના ટેકે ઊભાં થયાં. આંખના બે ખાડામાં ભીનાશ છલકાઈ ઊઠી હતી. ‘તારી બા હતી ત્યાર્અ ઘર ચેવું ચોખ્ખુંચણેક રાખતી! ઘડીકે નવરી બેહી નૉ રહે... બહુ હોંભરે બેય મનેખ... પણ...’ જતાં જતાં કાશી મા બોલતાં હતાં.

અંજલિ ફરી કામે વળગી. બે-ત્રણ કલાકમાં તો ઘરની સિકલ બદલાઈ ગઈ. અવાવરુ ગંધ ઊડી ગઈ. જેમ જેમ ખબર પડતી ગઈ, આજુબાજુવાળાં વારાફરતી આવી ગયાં, ઘરમાં આંટો મારી ગયાં, ઉભડક વાતો મૂકતાં ગયાં.

‘આ જમાનાનાં ભાઈ-ભાભીના ઘેર ચેટલું ફાવઅ? ઈમાંય પાસું અમેરિકા... હારું થ્થું તમે પાસાં આવી જ્યાં તે. અમારાં છોકરોં ભણાવસો તો ખરાં...’

‘મને તો ખબર હતી... સિદ્ધાર્થ તો હજી હમજ્યા, પણ ઈની વહુ જોઈ હોય તો મોટી લાટસા’બ... બેય દાદર મારી રયોં.’

‘આ બચાડી અંજલિએ તો જીવનમાં હું ભાળ્યું ? મા-બાપની ચાકરી સિવાય ઈના ભાગે કયું સુખ આપ્યું? કેવી રૂપાળી શે’રમાં નોકરી હતી એય મા માટે છોડીને ઘેર આઈ જઈ. તો છોડી કર્અ. બીમાર માનાં ઝાડો-પેશાબ વળી કુણ સાફ કર્અ? તો ઈની બાનાં નસીબ તે છોડીએ લગન નો’તું કર્યું...’

‘હઉના મનમાં ઈમ ક્અ ઘર, ખેતર ન્ બધી મિલકત અંજલિની ન્અ? વાતમાં માલ નંઈ. હજી તો બાનાં અસ્થિય ટાઢાં નો’તાં થયાં ત્યારે એવો ન’તો કે’તો કે, હવ્અ ઘર રાખીને હું કરવાનું? કાઢી નોંખીએ. બઉ આયું હશન્અ ઈની જાતન્અ જોર તે મૂઓ બોલતો હશે! ના, ના, હું કઉં છું, અંજલિએ ઘર હું બટકાં ભરવાનાં?’

‘આ મારો વાલો વખત એવો શ્અ. બાચી તો ઘેર ઘેર રૉમાયણ. પણ બધાં ઢોકીન્ રાખ્અ. ઘરના ચૂલાનો ધુમાડો બા’ર આવવા નૉ દે. પણ બુન, તારું જીવતર તો ઊજળું ઊજળું થઈ જ્યું હોં. કો’ક ભાગશાળી આતમા હોય આવાં તપ કરી શક્અ. તારાં બા-મોટાભાઈની તોલે તો કોઈ નૉ આવ્અ... બેય ભગવાનનાં મોંણહ... હડો, માર્અ તો ઊઠવું પડસે, ભેંસ છોડવાનો વખત થઈ જ્યો, પાસી મારી કમુ તો રાડારાડ કરવા માંડસે.’

અંજલિએ જાતજાતની વાતો સાંભળી, ઈચ્છા-અનિચ્છાએ. એના બોલવા માટે તો ક્યાંય જગ્યા નહોતી. મંગુકાકી, કમળાબા, શાંતામાસી, હીરાકાકી, રમાભાભી-બધાંય એક સાથે હુડુડુ કરતાંક ઊઠ્યાં. આવ્યાં હતાં છૂટાંછવાયાં, પણ બોલ્યું-ચાલ્યું બધું યે ત્યાં ને ત્યાં ખંખેરીને ધાડું સામટું ઊઠ્યું. કોઈએ એને માથે, વાંસે હાથ ફેરવ્યો, તો કોઈ વળી જતાં જતાંય ઘરમાં, ઘરની વસ્તુઓ પર ચકોર નજર ફેરવતાં ગયાં. રમાભાભી તો વળી ઓટલે જઈને ઉતાવળા પગે પાછાં ફર્યાં.

‘અંજલિ, હવે તો તું એકલી જ. ઘરઘંટી કાઢવાની હોય તો પે’લા મને કે’જે હોં. તો થયું, તારા કાને વાત નાંખી હોય તો હારું. તારી બા તો બિચારી ઘણી વખત મને ઘઉં દળી આપતી હોં, જૂઠું કઈ રીતે બોલાય?’ કહેતાં કહેતાં ઉતાવળાં પગલે રમાભાભી ઓટલો ઊતરી ગયાં.

અંજલિએ ઊંડા શ્વાસ ભર્યા, છોડ્યા. બે પગ લાંબા કરીને હાશ અનુભવતી બેઠી. બરડો તો ફાટું ફાટું થઈ રહ્યો છે. રમાભાભીની વાત પર હસી પડી. બા ઘઉં દળી આપતી, એમાં એને ‘બિચારી’ કહેવાની કંઈ જરૂર ખરી? મારા આખા ઘરની જન્મકુંડળી બધાંને મોઢે છે, વાહ. બીજાના ઘેર કે ઓટલે કે મંદિરે મળ્યાં હોય ત્યાં વળી, બીજા કોકની જન્મકુંડળીનાં પાનાં વંચાય. કંઈ ઝાઝો ફેર ના પડે, માત્ર નામ બદલાય. અંજલિએ હળવા ઝટકા સાથે માથું આમતેમ કર્યું ને બેઠક રૂમમાં ગઈ.

હાશ, ઘર હતું એવું ચોખ્ખું થઈ ગયું. બેગ ખાલી કરી કપડાં લાકડાના ખાલી કબાટમાં ગોઠવ્યાં. બા અને મોટાભાઈનાં થોડાં નવાં ઘડીબંધ કપડાં પર એણે હાથ ફેરવ્યો. વર્ષોની ઘરવખરી. ઘરમાં શું શું હોય? બા-મોટાભાઈ ગયાં એટલે જાણે ઘરને ખાલી કરી નાંખવાનું? ભાઈ-ભાભી, રાજેશભાઈ, સૃષ્ટિ, મીનાફઈ, રૂખીમાસી-જે આવે, જ્યારે આવે ત્યારે બે-ચાર ચીજ તો આગ્રહ કરીને ઘરમાંથી ઓછી કરાવતાં જાય. ઘરની ઘણીયે ચીજ-વસ્તુઓ આમ એક પછી એક ઓછી થતી ગઈ. બા-મોટાભાઈનાં થોડાં કપડાં, એમનાં ચશ્માં, મોટાભાઈની ઘડિયાળ, પેનો, બાની માળાઓ, ભજનની ચોપડીઓ, શાલ-આવી કેટલીક વસ્તુઓ એણે સાચવીને રાખી મૂકેલી. છેલ્લે તો કંઈ બોલી શકતાં રોઈ પડી હતી. ‘તમારા માટે માત્ર વસ્તુઓ છે, મારા માટે બા-મોટાભાઈની નિશાનીઓ છે, તમને નહીં સમજાય. વસ્તુઓમાં એમનો સ્પર્શ જીવે છે, ઘરમાં એમની લાગણીઓ છે. પણ, તમને કશુંયે નહીં સમજાય.’ વધુ બોલી શકી નહોતી. મૂળે અવ્યક્ત રહેવાનો સ્વભાવ. ક્યારેક બહુ અકળાઈ જાય, ગુસ્સે થવા જાય, ત્યારે રડી પડતી. ગળે ડૂમો ભરાઈ જતો.

દિવસ પછી બીજી વધારાની વસ્તુઓ ઘરમાંથી ઓછી નહોતી થઈ. તે છેક મોટા ભાઈ રાજેશભાઈ ને નાની બેન સૃષ્ટિ એને અમેરિકા જઈ આવવા સમજાવવા આવ્યા ત્યારે એમને મન વધારાનો કચરો પરાણે ઘર બહાર કરાવી દીધો હતો. નેતરની ખુરશીઓ, રેક્ઝિનની બેગો, લાકડાનું મોટું કબાટ, તાંબા-પિત્તળનાં વાસણો, અનાજ ભરવાનાં પીપડાં, પુસ્તકો, ટેબલ ફેન... નાની-મોટી ઘણી વસ્તુઓનો વહીવટ પતાવી દીધો હતો. સાવ નિઃસહાય બનીને બધું જોયા કરતી રહી હતી.

‘અંજલિ, આમ તો તને મારી સાથે મારા ઘેર લઈ જાઉં, પણ તારાં ભાભી વિનાના ઘરમાં તારું મન ગોઠે નહીં. તું અહીં એકલી રહે, લોકો અમને ટોક ટોક કર્યા કરે છે. તો તું હતી એટલે મોટાભાઈ ને બાની બીમારી વખતે અમને ચિંતા નહોતી રહેતી. તોય લોકોએ - સગાંઓએ તો અમને ફોલી ખાધાં ને! માંદા માણસની ચોવીસ કલાક નાડ પકડીને થોડું બેસી રહેવાય છે?’ રાજેશભાઈ કોઈક બીજા પરાયા માણસ સાથે વાત કરતા હોય એમ એની સામે જોયા વિના કડકડાટ બોલતા હતા.

‘પણ રાજેશભાઈ, મારી વાત તો...’ અંજલિ કંઈક કહેવા માગતી હતી.

‘ના, પણ ને બણ કંઈ નહીં. સિદ્ધાર્થના ત્રણેક વખત મારી પર ટેલિફોન આવી ગયા છે. તારા વિઝા, ટિકિટની બધી વ્યવસ્થા ફટાફટ કરી દેશે. તું સમજ તો ખરી અંજલિ, વર્ષોથી બહાર-દૂર રહ્યો છે. હવે તારી જવાબદારી લેવા તૈયાર છે તો....

‘પણ રાજેશભાઈ, હું જવાબદારી...’

‘તારે કંઈ બોલવાનું નથી. મેં બે-ત્રણ સગાંને વાત કરી છે, ઘર માટે. તારા જતાં પહેલાં જો બધું પતી જાય તો... તને તો ખબર છે, તારી ભાભીની માંદગીમાં હું ખાલી થઈ ગયો છું. ભાડાના ઘરમાં રહેવું પડે છે, છતાં ઘરે. ત્યાં સિદ્ધાર્થ પણ હાઉસ લેવા વિચારે છે, થોડી પ્રેક્ટિકલ બનીને બધાનો વિચાર કર. આમ પણ હવે ઘરમાં કોણ રહેવાનું છે ?’

‘હા અંજલિ, રાજેશભાઈ સાચું કહે છે. તું બહુ સેન્ટિમેન્ટલ બન. મારાથી પણ વારેઘડીએ કારણ વિના અહીંના ધક્કા નહીં ખાઈ શકાય. હવે બા- મોટાભાઈ નથી તો પછી. . .’ સૃષ્ટિ ઝડપભેર બોલી હતી.

‘હું... પ્રેક્ટિકલ એટલે?... હું સેન્ટિમેન્ટલ ... ને ઘર?’ અંજલિ હેબતાઈ ગઈ હતી. શું બોલવું એને સૂઝતું નહોતું. સૃષ્ટિ એક થેલામાં સાથે લઈ જવા નાની-મોટી વસ્તુઓ ભરી રહી હતી. કંઈ કહે તે પહેલાં તો ભંગારની લારીવાળો આવીને ઓટલા પાસે ઊભો રહી ગયો હતો. રાજેશભાઈ ભાવની રકઝકમાં ખોવાઈ ગયા. ભર્યાભાદર્યા ઘરમાં સાવ એકલી સૂનમૂન બની ગઈ હતી.

બીજા દિવસે રાજેશભાઈ-સૃષ્ટિ નીકળી ગયાં હતાં. ફોન પર ફોન આવવા માંડ્યા હતા, સિદ્ધાર્થભાઈ, રાજેશભાઈ, સૃષ્ટિના. કોઈ એની વાત સાંભળવા તૈયાર નહોતું. ચાર-છ જણ ઘર જોવા પણ આવી ગયા. ગામના એક વેપારીને ગોડાઉન તરીકેના ઉપયોગ માટે ઘર ખૂબ ગમી ગયેલું. ભાવની વાત રાજેશભાઈ સાથે કરી લીધી હતી. ટેબલ પર પડેલાં મોટાભાઈનાં પુસ્તકો જોઈ રહેલા. અંજલિએ બે પુસ્તક એમને ભેટમાં આપ્યાં. મોટાભાઈની સાથે ભણતા હતા, સ્મરણથી ભાવવિભોર બની ગયા. નાનું ગામ તેથી અંજલિને પણ ઓળખે. ઘણી બધી વાતો થઈ. અંજલિને ઘણા સમયે થયું, કોઈ એને સાંભળી રહ્યું છે. અંજલિ એમને વળાવવા ઓટલાનાં પગથિયાં સુધી ગઈ. દીવાલ પકડીને ઊભી હતી. હાથ-પગ આછું ધ્રૂજતા હતા, હોઠેથી શબ્દો નહોતા નીકળતા.

‘સારું બેટા, તારા ભાઈ સાથે બીજી વાત કરી લઈશ. તું ચિંતા કરતી, બધું સૅટ થઈ જશે.’

‘પણ કાકા, ઘર... ઘરને આવું રાખજો હોં, કંઈ તોડફોડ કરતા... ઘર...’ માંડ આટલું બોલી શકી ને આંસુના ભિડાયેલા બંધ ખૂલી ગયા. કંઈ બોલ્યા વિના પેલા વડીલે તેના માથે હાથ ફેરવ્યો, પગથિયું ઊતરી ગયા.

સિદ્ધાર્થભાઈનો બીજા દિવસે ફોન આવ્યો ત્યારે એને કંઈક ગડ બેઠી. ‘અંજલિ, પેલા વડીલ ઘર જોવા આવ્યા હતા, ઘર તો ગમ્યું છે, પણ હાલ એમની પાસે પૈસાની સગવડ નથી. કંઈ વાંધો નહીં, તું અહીં આવી જા. તો રાજેશભાઈ બધું સંભાળી લેશે.’ સિદ્ધાર્થભાઈ જોખીને બોલતા હતા. ત્યારે એણે એવો હાશકારો અનુભવ્યો હતો કે... આખા ઘરમાં આમતેમ દોડતી ફરી વળી હતી.

...પછી તો દસ દિવસમાં કુરિયરમાં ટિકિટ ને વિઝા આવી ગયાં. જવું તો પડશે જ. જતાં પહેલાં ઘરની બાકી વધેલી વસ્તુઓ ઠેકાણે મૂકી. ઘરની એક એક દીવાલને, ખૂણાને, વસ્તુઓને આંખોથી, સ્પર્શથી ભેટી લીધી. આમ આવું જવું એને સ્હેજેય ગમ્યું નહોતું. મન વિના કઈ રીતે જવું? આવી ઉતાવળે?

અમેરિકા... ત્રણ મહિના અમેરિકામાં... ત્રણ વર્ષ કરતાંય લાંબા લાગ્યા એને. ભાઈ-ભાભી એમની જૉબમાં બિઝી રહે. નાનકડી મિત્તલ એના સ્ટડીમાં. શનિ-રવિ આરામના, ઘરની સાફસફાઈના ને પાર્ટીના દિવસો. સાથે બેસી વાત કરવાનો કોઈની પાસે સમય નહીં. સમય તો ઠીક, મન નહીં. સ્હેજ નવરાશ હોય ત્યારે ટી.વી. શો છવાઈ જાય કે પછી લેપટોપ-મોબાઈલ વળગ્યાં રહે. મિત્તલ પણ આઘી ને આઘી રહે. રસોઈ કરવી, ઘરનાં બીજાં કામ કરવાં - અંજલિ પાસે આમ તો સમય ક્યાં રહેતો હતો? બે બેગ ભરીને કપડાં ને બીજી વસ્તુઓ લઈ ગયેલી. ભાભીએ તો એમના ઘરમાં પ્રવેશતાં વેંત કહી દીધેલું, ‘જરૂર જેટલો સામાન કાઢજો. જુઓ ને હાઉસમાં બેગ મૂકવાની પણ જગ્યા નથી.’ એક બેગ તો એમણે કપબોર્ડ ઉપર ચડાવી દીધી હતી.

એને તો હાઉસ કેવું ને એપાર્ટમેન્ટ કેવું સમજાતું નહોતું. ભાઈ-ભાભી મોટા એપાર્ટમેન્ટની શોધમાં છે, એટલું તેને સમજાયું હતું.

‘અંજલિ, બે બેડરૂમ છે. તારે જરા એડજસ્ટ કરવું પડશે, યુ નો, એકમાં અમે સૂઈ જઈએ છીએ ને એક મિત્તલનો સ્પેશિયલ. એનો સ્ટડી રૂમ. તને અહીં સોફામાં ફાવશે એવું મને લાગે છે.’

એણે તો માત્ર સાંભળવાનું હતું, ક્યાં કંઈ કહેવાનું હતું? નો સ્પેસ. પહેલી રાતે સોફામાં સૂતાં સૂતાં એને ગામનું ઘર એવું ચટકા ભરવા માંડ્યું હતું કે... આખી રાત પોચા-સુંવાળા સોફામાં એણે પડખાં ઘસીને વિતાવી હતી. રાત એવી ભેંકાર લાગતી હતી કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. રહી રહીને બા-મોટાભાઈ યાદ આવતાં હતાં. યાદ આવતું હતું બાળપણ, મજાના દિવસો.

એક રૂમ-રસોડાના ઘરમાં જણનો પરિવાર આરામથી રહી શકતો હતો. શિયાળાની રાતે નીચે પાથરેલી પથારીઓમાં એકબીજાની ઓથે ઊંઘવાની હૂંફ કેવી મજાની હતી! એકબીજાનાં ઓઢવાનાં ખેંચી લેવાનાં, ભાઈની ગોદડી-રજાઈમાં ઘૂસી જવાનું... ઉનાળાની રાતે ધાબા પર પહોળા થઈ પથારીમાં આળોટવાનું. મોટાભાઈને રેલવેમાં નોકરી. ગામ-શહેર બદલાય, એમ ઘર પણ. ક્યાંક મોટું ઘર હોય તોય સૂવાનું તો સાથે જ. ખાટલા હોય તો પણ જોડાજોડ પાથરવાના. ને અહીં, સોફામાં? એને થયું, આના કરતાં તો ડામચિયો સારો. એના પર સારી ઊંઘ આવે.

ભાઈ-ભાભી તો એને પાછી મોકલવા જરાય રાજી નહોતાં. પણ સતત એની પાછા જવાની રટણા. ત્રણ મહિના માંડ રહી શકી. અમદાવાદ ઍરપોર્ટ ઊતરી ટેક્સી કરીને સીધી ઘર ભેગી થઈ ગઈ હતી.

બીજી બેગ તો ભાઈના હાઉસમાં ખૂલી નહોતી. તે અહીં આવી ફટાફટ એણે બેગો ખોલી નાંખી. સામાન કબાટમાં ગોઠવતાં એને ત્રણ મહિનાનો સમય ધૂંધળો ધૂંધળો યાદ આવી ગયો. ઓહ, કેટલું બધું સાથે લઈ ગયેલી ને બધું જેમનું તેમ પાછું...

ઓટલે જઈ ઊભી રહી. દૂર સુધી લહેરાતાં ખેતરોને જોઈ રહી. ત્રણ મહિનાનો ભેંકાર ધીરે ધીરે ઓગળવા લાગ્યો. ક્યાંય સુધી ઊભી રહી. થોડી વારે ઘરમાં આવી પલંગમાં આડી પડી. સારું લાગ્યું. પણ... પેલા પોચા-સુંવાળા સોફની ભેંકાર શૂન્યતાના સળ ખૂંચવા માંડ્યા. ઊભી થઈ ગઈ. ડામચિયો યાદ આવી ગયો. સ્ટોરરૂમ તરફ પગ વળ્યા. હા, અહીં જ... પણ... તો કાશીમા લઈ ગયાં છે. રાજેશભાઈએ આપી દીધેલો. ‘ડામચિયો... શબ્દ કેવો વિચિત્ર છે? આકાર પણ કેવો? તે કંઈ સંઘરવાની વસ્તુ છે?’ કાશીમા તો ખુશી ખુશી ડામચિયાને પોતાના ઘેર લઈ ગયાં હતાં.

રસોડા અને બેઠકરૂમની વચ્ચે નાનો સ્ટોરરૂમ. એના એક ખૂણે રહેતો. એના પર રોજ વાપરવાનાં ગાદલાં, રજાઈ, ઓશીકાં બા રાખતી. પાછી ઉપર ચાદર ઢાંકી દેતી. ખૂણા પાસે અંજલિ ભીંતના ટેકે બેસી ગઈ. બાળપણની એની મનગમતી જગ્યા. ડામચિયાની નીચે લપાઈ જવાનું. ઘરઘત્તા રમવાનું... ક્યારેક તો લેસન કરવા પણ જગ્યા એને ગમતી. મોટા ઘરમાં ડામચિયા નીચે એનું પોતાનું નાનકડું હૂંફાળું ઘર વસાવી લેતી. ચારે બાજુ બાની જૂની સાડીના કટકા વીંટાળી દેતી. એની સ્વપ્નનગરી હતી. નાનકડી બહેનપણીઓને પણ પોતાના ઘરમાં તાણી જતી. કલાકો સુધી રમ્યા કરતી.

એણે જમીન પર હાથ ફેરવ્યો ને વળતું મન જઈ પહોંચ્યું દૂર સુદૂર. જેટલાં ઘર બદલ્યાં, સામાન સાથે પણ એની જગ્યાએ ગોઠવાઈ જતો. નોકરીથી ક્યારેક થાકી-કંટાળીને મોટાભાઈ આવ્યા હોય, ડામચિયે જઈ ઊભા રહે, ગાદલા તરફ બરડો રાખી શરીરનો થાક ઉતારે. પછી સીધા ફરી ડામચિયા પર હાથ લાંબા કરી ઊભા રહે. મોટાભાઈની સામે જઈ ઊભી રહી જતી. નાની હતી ત્યારે તેઓ તેડીને એને ડામચિયા પર બેસાડી દેતા. એને થતું, કોઈક બહુ ઊંચી જગ્યાએ પહોંચી ગઈ છે. કોઈ ઊંચા શિખરની ટોચે ઊભી છે, પરીની જેમ.

દરેક ઘરના પોતાના રિવાજ ને સ્વભાવ હોય છે. એમના ઘરમાં એક નિત્યક્રમ અચૂક પળાતો. સવારે સાતની આસપાસ મોટાભાઈ બધાંને જગાડવા આવે. ચારે ભાઈ-બહેનો નાનાં. વહેલા ઊઠવાનું ગમે નહીં. મોટાભાઈ-બા ઉઠાડે ને પાછાં બધાં ગોદડાંમાં લપાઈ જાય. મોટાભાઈ એક પછી એકને બેઠા કરી, હાથ પકડી ડામચિયા તરફ દોરી જાય. બે હાથ ડામચિયા પર મુકાવી ઊભા કરી દે. ચારે ભાઈ-બહેન ડામચિયા પર હાથ રાખી ઊભા ઊભા ઊંઘતાં રહે. એક બે વખત તો સૃષ્ટિ પડી પણ ગયેલી. રાજેશભાઈ, સિદ્ધાર્થભાઈ ખૂબ ચિડાઈ જતા. પણ એને તો ખૂબ મજા પડતી. ક્યારેક તો મોટાભાઈ તેડીને ડામચિયા પાસે લઈ જાય, હળવેથી હાથ પકડી ઊભી રાખે. પોતે જાગતી હોય તોય ઊંઘવાનો ડોળ કરી મજા લેતી. છેક કૉલેજમાં ભણતી ત્યાં સુધી મોટાભાઈ, ડામચિયા અને એની વચ્ચેનો ક્રમ જળવાઈ રહ્યો હતો.

ડામચિયાની નીચે એનું બાળપણ ધબકતું હતું અને... તો એનો વિસામો. કહ્યા વિનાની બધી વાતો ડામચિયો સાંભળી લેતો. બા-મોટાભાઈની માંદગી વખતે ક્યારેક સાવ ભાંગી પડતી ત્યારે ખૂણે ભરાઈને રોઈ લેતી. અને કશું યે બોલ્યા વિના ખાલી થઈ જતી.

અંજલિ એકદમ ઊભી થઈ ગઈ. બાજુમાં આવેલા કાશીમાના ઘરનાં પગથિયાં ચડી. આમતેમ જોયું. ભાભી ખેતર ગયાં લાગે છે.

‘એ કુણ આપ્યું ભા?’ કાશીમાએ પૂછ્યું.

‘એ તો કાશીમા હું... હું અંજલિ...’ ઘરમાં પ્રવેશી એણે કહ્યું.

‘બેટા, કશું કોંમ હતું? કંઈ જોઈએ સ્અ?’

‘ના મા, તો... તમને મળવા આવી.’

‘થાકી ગઈ હસ્અ તું, બેહ બેટા...’

‘ના, બેસવું તો નથી. જરા ઘર જોઉં છું, ઘણા વખતે આવી ને?’

‘મન્અ તો હવાસ ચડ્યો સ્અ બુન. તાર્ર કંઈક જોઈતું કરતું હોય તો રસોડામાં જઈને લઈ આય... મારાથી હાલ ઊભું નંઈ થવાય...’ કાશીમા હળવેથી બોલ્યાં. ઉધરસનો ઠહાકો ખાધો અને કફનો ગળફો ગળફ કરતો ગળા નીચે ઉતારી ગયાં.

એને જોઈતું હતું મળી ગયું. આંખો ચમકી ઊઠી. ઉતાવળા પગે ઘરમાં ફરવા માંડી. બેઠકરૂમ, બેડરૂમ, ચોક, રસોડું ને સ્ટોરરૂમ... રહ્યો.. નજીક જઈ એણે ચારે પાયાને હાથ ફેરવ્યો. ગાદલાં ઉપર હાથ પહોળા રાખી માથું-શરીર ઝુકાવી દીધાં. હાશ... જાણે બા-મોટાભાઈની બાથમાં હોય એવી લાગણી અનુભવી. આંખો ઝમઝમ ઝમતી રહી. આજના આખા દિવસનો ને પેલા ત્રણ મહિનાનો થાક ઓગળતો રહ્યો, ઓગળતો રહ્યો.

‘બુન, જે જોઈતું અતું મળી જ્યું ક્અ નંઈ? ક્અ પછી હું આવું?’ કાશીમાના અવાજે જાગી. ફરીથી ડામચિયાને ધારી ધારીને જોયો, હાથ ફેરવ્યો, નીચા વળી જોયું, ભીની આંખો લૂછી અને કાશીમા પાસે આવી ઊભી રહી.

‘ભા, જે જોઈતું અતું મળી જ્યું?’

‘હા કાશીમા, મળી ગયું.’ એણે ટૂંકમાં જવાબ આપ્યો.

‘પણ તારા હાથમાં કંઈ સ્અ તો નંઈ બેટા...’ કાશીમા એના ખાલી હાથને જોઈ રહ્યાં. એમને કંઈ સમજાતું નહોતું. કંઈ બોલ્યા વિના, હવાની લહેરખીની જેમ કાશીમાના ઘરના ઓટલે થઈ પગથિયાં ઊતરી ગઈ.

(‘શબ્દસૃષ્ટિ’, મે 2015)

સ્રોત

  • પુસ્તક : પોતપોતાનાં આકાશ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : પ્રજ્ઞા પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2017