Chunni - Short Stories | RekhtaGujarati

ચુન્નીએ એક ચકલીને શૈલીના પગ પાસે મૂકી દીધી. શૈલીએ ચુન્નીની પીળી ચટ્ટક આંખોમાં જોયું.

*

ચુન્નીની આવી હિંસક વૃત્તિનો પરિચય એને દોઢેક મહિના પહેલાં થયેલો.

શૈલી અને રાહુલને બ્રેક-અપ કરવું પડેલું. કારણ કે રાહુલ યુ.કે. જતો રહેલો, આગળ ભણવા. અને શૈલી આવી ગઈ બેંગ્લોર. ‘હિંદુ’માં ઇન્ટર્નશીપ કરવા- ક્રાઈમ રિપોર્ટિંગ. નવું શહેર, નવા લોકો, નવી ભાષા- તેને થયું, એકલું લાગે માટે કોઈક તો સાથે જોશે. તે ચુન્નીને લઈ આવેલી તેની સાથે બેંગ્લોર. એક દોસ્ત પાસેથી.

શૈલીને પહેલેથી બિલાડીઓ ગમતી. તેણે પછીથી ઇન્સ્ટાગ્રામ પર જોયેલું- રાહુલે યુ.કે. જઈને નાનું ગલૂડિયું પાળેલું. રાહુલના ગલૂડિયા સાથેના ફોટા પર તેણે કૉમેન્ટ કરેલી- ‘Aww... so cute and adorable!'

ગલૂડિયું તેને ખરેખર તો ‘બિચારું' લાગેલું. જાણે રાહુલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને જવાબ આપતી હોય એમ તેણે પોતાનો ચુન્ની સાથે ફોટો અપલોડ કરેલો, જેમાં ચુન્નીના નખ હાઈલાઈટ થયેલાં હતાં. તેણે સાથે મૂકેલું- #Chunni #partnerincrime #onlycompany.

ચુન્ની મોટેભાગે તો સોફા પર પડી રહેતી. ભાગ્યે કશું કરતી. ખૂબ આળસુ હતી. જે દિવસે મનોજ ઘેર આવેલો દિવસે પણ તે એમ બેઠેલી.

ડોરબેલ વાગી- શૈલીએ દરવાજો ખોલ્યો. મનોજે કહ્યું- ‘હાઈ’. શૈલીએ કહ્યું- ‘હાઈ, કમ ઈન.’ મનોજ અંદર આવ્યો. શૈલી પોતાના એપાર્ટમેન્ટનો દરવાજો બંધ કરવા જઈ રહી હતી ત્યારે સામેવાળા આંટી તેમના દરવાજે ઊભાં હતાં. તે એક અમુક રીતે શૈલી સામે જોઈ રહ્યાં હતાં. નજરનો શૈલી સામનો કરી શકી, અને તેણે ઝડપથી દરવાજો બંધ કરી દીધો.

‘હું રમ લઈને આવ્યો છું.' મનોજે કહ્યું.

‘ઓહ, ગ્રેટ! થેંક્સ. જોકે જરૂર નહોતી, મારી પાસે વ્હીસ્કી હતી. બટ એનીવે, લાવ્યો છે તો પીશું.' કહેતાં શૈલી મનોજને બાલ્કનીમાં દોરી ગઈ.

મનોજ તેને ટીન્ડર નામની ડેટિંગ ઍપ્લીકેશન પર મળેલો. બેંગ્લોર આવીને થોડા દિવસમાં શૈલીએ ટીન્ડર પોતાના ફોનમાં નાખેલું. તેનો એક પ્રેમસંબંધ હમણાં પૂરો થયો હતો, તે તરત બીજા કોઈ પ્રેમસંબંધમાં પડવા નહોતી માંગતી. એટલે તેણે ટીન્ડર નાખેલું.

બાલ્કનીમાં આવીને બંને વાતોએ ચઢ્યા. મનોજ બોલતો ગયો, શૈલી પેગ બનાવતી ગઈ. શૈલીનું ધ્યાન તો બાલ્કનીથી દેખાતાં, એપાર્ટમેન્ટની બહાર રહેલાં ઝાડ તરફ હતું. દિવસે એના પર પંખીઓ દેખાતા. રાત્રે ખાસ કશું દેખાતું નહિ. ક્યારેક પંખીઓનું ઝુંડ ઊડતું દેખાઈ જતું. થોડા દિવસ પહેલાં તેને ચકલીઓ દેખાયેલી. અંધારામાં, રાત્રે ઝાડ પર ચકલી છે કે કેમ શોધવા લાગી. મનોજ એની લાઈફ વિશે શૈલીને કહેતો ગયો. એમાંથી અડધું શૈલીએ સાંભળ્યું અડધું નહિ. મનોજની લાઈફ વિશે તે બહુ જાણવા નહોતી ઇચ્છતી. તેને એમાં ખાસ રસ નહોતો.

ત્રણ પૅગ માર્યા પછી તે રાહ જોઈ રહી'તી- મનોજ કંઈક કરશે, તેનો હાથ પકડશે, અથવા કમર, અથવા નજીક આવીને ચૂમી લેશે. મનોજે કશું કર્યું નહિ. ફિલ્મોની વાતો પરથી સંગીતની વાતો પર ચડ્યો. શૈલી કંટાળી. તે ધીમેથી નજીક આવી. શૈલીને એકદમ નજીક આવેલી જોઈને મનોજ બોલતો બંધ થઈ ગયો. શૈલી કશું બોલી નહિ. ‘ઑકવર્ડ સાઈલન્સ’વાળી ક્ષણ હતી એ.

જાણે ચૂપકીદીનો સામનો કરવા હિંમત જોડતો હોય એમ મનોજે પોતાનો પેગ ખાલી કર્યો.

‘શૈલી... હું... કંઈક કહેવા માંગુ છું તને.’

‘બોલ. સાંભળું છું.’

‘યુ નો, છેલ્લા ત્રણ દિવસથી, આઈ મીન, આપણે વાતો કરવી શરૂ કરી ત્યારથી હું તારા વિશે વિચાર્યા કરું છું. આઈ થીંક... મને તારી સાથે... યુ નો... મને તું બહુ ગમે છે. મને બીજા ટીન્ડર બૉયઝની જેમ તારી બૉડીમાં રસ નથી. મને તું ગમે છે, ઍઝ પર્સન.’

મનોજ એટલું બોલી ચૂપ થઈ ગયો. તેનો ચહેરો જોઈ શૈલીને રાહુલના ગલુડિયાનો ચહેરો યાદ આવ્યો.

થેંક્સ. અચ્છા, મારે કાલે વહેલા ઑફિસ છે. આઈ થીંક તારે જવું જોઈએ.' શૈલીએ કહ્યું.

‘હા, શ્યોર. ફરી મળીશું.'

‘હા.’

‘બાય.' ‘બાય.’

શૈલીએ દરવાજો બંધ કર્યો. તરત તેણે મનોજનો નંબર પોતાના કોનમાંથી બ્લૉક કરી દીધો.

બીજા દિવસે સવારે તે બાલ્કનીમાં સિગારેટ પીતાં પીતાં મમ્મી સાથે વાત કરી રહી હતી ત્યારે ચુન્ની આવી. બાલ્કનીની પાળી પર એક વાંદો ચાલી રહ્યો હતો. ચુન્ની એના પર તરાપ મારવાની પેરવીમાં હતી. શૈલીએ જોયું. તેણે તરત વાંદાને નીચે ધકેલી દીધો. ભોંઠી પડી હોય એમ ચુન્નીએ એક અમુક રીતે શૈલી સામે જોયું.

‘કૅટ-ફૂડ છે પછી કૉક્રોચને કેમ હેરાન કરે છે સ્વીટહાર્ટ?’ એવું કહેતાં તે કિચનમાં ગઈ, અને એક બૉલમાં ચુન્ની માટે કૅટ-ફૂડ લઈ આવી. પણ ચુન્ની ત્યાં નહોતી. તેણે બાલ્કનીથી નીચે જોયું- ચુન્ની પાંચમા માળથી ચોથા માળ, પછી ત્રીજા... એમ કરતાં કરતાં, છજા પર કૂદતાં કૂદતાં નીચે પહોંચી ગઈ હતી.

તેણે જઈને ઘરનો દરવાજો ખોલી નાખ્યો. થોડી વારમાં ચુન્ની એની જાતે ઘરમાં પાછી આવી ગઈ, અને સોફા પર ગોઠવાઈ ગઈ. તેણે કૅટ-ફૂડ ચુન્ની પાસે મૂકી દીધું, અને ઑફિસ માટે તૈયાર થવા લાગી.

*

ઑફિસમાં તેને ઘણું કામ રહેતું. ક્રાઈમ ઓછા થઈ રહ્યા હતા, તેનું કામ.

હમણાંથી તે પ્રોફેસર્સ અને તેમની વિદ્યાર્થિનીઓ વચ્ચે ઝોલા ખાઈ રહી'તી. ઘણી બધી વિદ્યાર્થિનીઓએ તેમના પ્રાધ્યાપકો પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. બેંગ્લોરની ટોચની કૉલેજના ઘણા ખરા પ્રોફેસર્સ આમાં સંડોવાયેલા હતા. નક્કર પૂરાવો કોઈની પાસે નહોતો. તે વિદ્યાર્થિનીઓના સ્ટેટમેન્ટ લેતી, પછી તૈયાર થાય તો પ્રૉફેસર્સના. વિશે લેખો લખતી. આખો દિવસ રેપ, મર્ડર, ચોરી- બધા સમાચારોથી ઘેરાયેલી રહેતી.

સાંજે આવીને થાકી જતી. એકાદ ડ્રિંક બનાવી લેતી- દિવસભરનો શારીરિક અને માનસિક થાક ઉતારવા. ક્યારેક ચુન્નીને વીંટળાઈને એકાદ ડૂસકું ભરી લેતી.

*

એક દિવસ શૈલી રોજની જેમ મેટ્રોમાં બયાપણહલ્લીથી માજેસ્ટિક તરફ જઈ રહી હતી. ટ્રેનમાં, ખૂણામાં ઊભેલો એક માણસ વારંવાર શૈલી તરફ એક અમુક રીતે જોઈ રહ્યો હતો. જોકે જે રીતે સામેવાળાં આંટી તે દિવસે શૈલીને જોઈ રહ્યાં હતાં તેનાથી જોવું અલગ હતું. શૈલી ટ્રેનમાંથી ઊતરી ત્યાં સુધી જોતો રહ્યો. શૈલીને ઊબકા આવ્યા.

*

ટીન્ડર પર તેને ફરી એક છોકરો મળ્યો.

એનું નામ જ્યોર્જ હતું. કોઈ બૅન્ડમાં ગિટારિસ્ટ હતો. શૈલીએ એનું પ્રોફાઈલ લાઈક કરેલું, કારણ કે જ્યોર્જને પીંક ફ્લોય્ડના ગીતો ગમતાં'તાં. શૈલીનું પણ પ્રિય બૅન્ડ હતું.

બંને વચ્ચે પીંક ફ્લોય્ડની વાતો ચાલી. શૈલીએ પૂછ્યું- ‘તારું ફેવરીટ પીંક ફ્લોય્ડ ગીત કયું છે?’

જ્યોર્જે કહ્યું- ‘એકૉઝ (Echoes).

વાહ! શૈલીને મજા આવી. ઘણી ખરી વાતો ચાલી. શૈલીને થયું- વાત ક્યાંક પહોંચશે.

વાત જ્યોર્જના ગિટાર પર પહોંચી. તે ગિટાર વિશે શૈલીને બધું સમજાવવા માંડ્યો.

‘તું મને શિખવાડીશ?’ શૈલીએ પૂછ્યું.

‘હા, કેમ નહિ. તારે મારા ગિટારનો ફોટો જોવો છે?' જ્યોર્જે પૂછ્યું.

‘હા.’

પછી જ્યોર્જે બે-ત્રણ ફોટા મોકલ્યા. તેના શિશ્નના ફોટા હતા. જોઈ શૈલીને ફરી ઊબકા આવ્યા.

*

ટીન્ડર પરથી લગભગ ભરોસો ઊઠી ગયેલો, પણ ત્યાં તેને એક દિવસ રોહન મળી ગયો. તેનાથી આઠેક વર્ષ મોટો હતો. કોઈ હાઈસ્કૂલમાં અંગ્રેજીનો શિક્ષક હતો. તેને પોની ટેઈલ હતી. શૈલીને લાંબા વાળવાળા છોકરાઓ તરફ એક અલગ પ્રકારનું આકર્ષણ હતું.

વાત કરવી શરૂ કરી ત્યારે શૈલીએ કહી દીધું- ‘હું સિરિયસ થવા નથી માંગતી. પણ એનો મતલબ એવો નથી કે મારે તારા પ્રાઈવેટ પાર્ટ્સ જોવા છે, યુ ગેટ ઈટ ?’

રોહને કહ્યું- ‘અફ કૉર્સ, ચિંતા કર. એવી કોઈ ફરિયાદ તારે નહિ કરવી પડે. અને થેંક્સ પહેલેથી ક્લિયર કરી દેવા માટે. એટ લિસ્ટ આપણને ખબર તો છે કે એકબીજા પાસેથી શું અપેક્ષા રાખવી.’

શૈલીએ જવાબ આપ્યો- યેસ. મારી એક અપેક્ષા છે- ટુ હેવ ગુડ ટાઈમ.’

અને એમ જ, એક દિવસ શૈલીએ એને ઘેર બોલાવ્યો. રોહન મનોજની જેમ રમ લઈને આવી નહોતો ગયો. ઘેર આવતાં પહેલાં શૈલીને તેણે પૂછ્યું- ‘કંઈ લઈને આવું?’

શૈલીએ કહ્યું- ‘હા, થોડી ચિપ્સ અને સિગારેટ.’

રોહન લઈને આવ્યો.

ચુન્નીને સોફા પર બેઠેલી જોઈ તેની પાસે ગયો, તેના માથા પર તેણે હાથ ફેરવ્યો. ચુન્નીને જાણે ગમ્યું હોય એમ તેણે આંખો મીંચી દીધી.

‘શું નામ છે આનું?’

‘ચુન્ની.’

‘બહુ ક્યૂટ છે.’

‘હા.’ કહેતાં શૈલીએ ચુન્નીને સોફા પરથી ઉઠાવી, અને તેને અંદરના રૂમમાં લઈ ગઈ. રૂમનો દરવાજો બંધ થયો ત્યાં સુધી ચુન્ની તેને જોતી રહી.

પછી શૈલી રોહન સાથે રાબેતા મુજબ બાલ્કનીમાં ગઈ. પેગ ભરાયા, વાતો શરૂ થઈ. શૈલીને કોણ જાણે કેમ પણ રોહનની વાતોમાં રસ પડેલો. કારણ કે પોતાના વિશે વાત નહોતો કરી રહ્યો. એની પાસે વાત કરવાના બીજા ઘણા વિષયો હતા.

રોહને એની સ્કૂલના છોકરાઓના કિસ્સા કહ્યાં- આજકાલનાં બાળકો કેવાં એડવાન્સ્ડ છે, કેવાં ચાલાક છે, અને પોતે હાઈસ્કૂલમાં હતા, ત્યારે કેટલા ડોબા હતા એના વિશે વાતો થઈ. શૈલીને ઝાડ તરફ જોવું'તું, ચકલીઓ શોધવી'તી, પણ રોહનની વાતો એટલી રસપ્રદ હતી કે તે ઝાડ વિશે ભૂલી ગઈ. તેમની વચ્ચે પેલી ‘ઑકવર્ડ સાઈલન્સ'વાળી ક્ષણ આવી નહિ, કૅન્વાસને રંગોથી ભરતો હોય તેમ સમયને વાતોથી ભરતો ગયો.

પછી એક સમયે નજીક આવ્યો. તેણે શૈલીની કમર પર હાથ રાખ્યો. શૈલીની કમર પર કોઈએ હાથ રાખ્યો હોય વાતને ઘણો સમય થઈ ગયો હતો, એટલે ભૂલી ગઈ હતી કે એને કેટલી ગલીપચી થાય છે!

જેવો તેનો હાથ અડ્યો, શૈલીથી હસી જવાયું. થોડી ઊછળી. રોહનને મજા આવી. તેણે ફરી એવું કર્યું. શૈલીએ હસતાં હસતાં તેને ધક્કો માર્યો. રોહને એને કમરથી કસીને પકડી લીધી.

બીજા દિવસે સવારે ગયો. શૈલી ઑફિસ માટે તૈયાર થઈ. ચુન્ની સાથે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા સેલ્ફી લેવા જઈ રહી હતી, ત્યાં કૅમેરામાં તેને દેખાયું- તેની ગરદન પર લાલ ચકામા હતાં. હળવું સ્મિત કરતાં તેણે સ્કાર્ફ વડે ભાગ ઢાંક્યો, અને ચુન્ની સાથે સેલ્ફી લીધી.

*

પછી તો રોહન રેગ્યુલર્લી આવતો થઈ ગયો. આવીને ચુન્ની સાથે રમતો, તેના માથે હાથ ફેરવતો, પછી શૈલી એને બાલ્કનીમાં લઈ જતી.

એક રાત્રે શૈલીને સપનું આવ્યું.- તે ચુન્નીના માથે હાથ ફેરવવા ગઈ, અને ચુન્ની દૂર ખસી ગઈ. તે ચુન્નીની નજીક જઈને ફરી હાથ ફેરવવા ગઈ તો ચુન્નીએ તેના હાથ પર નખ મારી દીધા. શૈલી ક્ષણે ઝબકીને જાગી ગઈ. બાજુમાં રોહન ઊંઘતો પડેલો. તેણે પોતાના હાથ ચેક કર્યા- ક્યાંય ચુન્નીના નખનાં નિશાન નહોતાં. તે ફરી સૂઈ ગઈ.

*

અને તો હમણાંની વાત. તેને એક રિપોર્ટ લખવાનો આવ્યો. તેને બ્રીફ મળેલી હતી. કમનહલ્લીની કોઈ કૉલેજમાં એક પ્રોફેસરે તેની સ્ટુડન્ટનો રેપ કર્યો'તો. રેપ રીતે થયેલો કે આખી પ્રક્રિયા દરમિયાન બેભાન થઈ ગયેલી, અને પછી જ્યારે હૉસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ત્યાં દેહ છોડી દીધો. રિપોર્ટ તેનાથી માંડ માંડ લખાયો. ધ્રૂજતા હાથે.

તેણે રોહનને મેસેજ કરી દીધો- હું બહુ લો ફિલ કરું છું. કમ હોમ.

દિવસે તે ઘેર વહેલી આવતી રહી.

સાંજ પણ હજી પૂરી પડી નહોતીને રોહન પીઝા લઈને આવ્યો. પણ શૈલીનો ફેવરીટ- ડબલ ચીઝ વિથ પૅપેરોની. લાર્જ પીઝા હતો એટલે બધો પૂરો થયો. વધેલી સ્લાઈસ પરથી પૅપેરોની ઉખાડીને તેણે ચુન્નીને ખવડાવી દીધી. ચુન્ની પણ ખુશ થઈ ગઈ.

પીઝા ખાઈને બંને એકબીજાની બાજુમાં સૂતાં. શૈલીએ રોહનનો હાથ પકડીને કહ્યું- ‘થેંક્સ.’

રોહને સ્મિત કર્યું. નજીક આવ્યો, અને તેના હોઠ શૈલીના હોઠ પર મૂકી દીધા. શૈલીને સમજાયું નહિ શું કરવું. રોહન તેને ચૂમતો રહ્યો, અને જાણે પ્રતિક્રિયારૂપે પણ ચૂમતી રહી. રોહનના હોઠ ધીરેથી તેની ગરદન પર ફરવા લાગ્યા. શૈલીના સ્નાયુઓ તંગ થયા. તેણે રોહનને કસીને પકડી લીધો. રોહન વધુ ને વધુ ઝનૂનથી ચૂમવા લાગ્યો. શૈલી તેને રોકવા ગઈ. રોહને અટકીને પૂછ્યું- ‘શું? શું થયું?’

શૈલી આંખો ફાડીને, હોઠ એકદમ જોરથી ભીંસીને એને જોઈ રહી.

રોહને તેને ખભેથી હલબલાવીને પૂછ્યું- ‘બોલને! શું થયું?’

જવાબમાં શબ્દોની જગ્યાએ એક લાંબા, બીભત્સ અવાજ સાથે ઘણાં દિવસોથી અંદર સંઘરાઈ રહેલી ઊલટી બહાર આવી. રોહનના શર્ટ પર, તેના હાથ પર, પોતાના હાથ પર, બેડશીટ પર - બધે ફરી વળી.

‘વોટ ધ...’ રોહન દૂર ખસી ગયો. ચિડાઈને, પગ પછાડતો બાથરૂમમાં ગયો. પછી બાય પણ કહ્યા વગર, રૂમનો દરવાજો જોરથી બંધ કરતો ચાલ્યો ગયો. ત્યાં સુધીમાં આખા રૂમમાં એક ખાટી, તીવ્ર ગંધ પ્રસરી ગઈ હતી. શૈલી બેસી રહી. સૂરજમુખીની ડિઝાઈનવાળી બેડશીટ પર પડેલી ઊલટીને, એમાં રહેલા પૅપેરૉનીના ટુકડાઓને તે જોતી રહી.

પછી ઊભી થઈ, બાથરૂમમાં જઈને તેણે કપડાં બદલ્યાં. ચુન્નીને શોધતી, એને વીંટળાઈ વળવા બહાર આવી. ચુન્ની ઘરમાં ક્યાંય નહોતી. તે બાલ્કનીમાં ગઈ. ત્યાં હતી, પણ એકલી નહિ, તેના પંજા નીચે એક ચકલી તરફડી રહી હતી, હવાતિયાં મારી રહી હતી. ચુન્નીએ તેની પાંખો ઉખેડી નાખી, પછી તેની ડોક મરડી નાખી. ચકલીએ હવાતિયાં મારવાં બંધ કર્યાં. શાંત થઈ, એટલે ચુન્ની પણ શાંત થઈ. પછી તેણે ધીરેથી ચકલીના લબડેલા, મૃત શરીરને ઉપાડી શૈલીના પગ પાસે જાણે કોઈ ભેટ આપી રહી હોય એમ મૂકી દીધું.

શૈલીએ ચુન્નીની પીળીચટ્ટક આંખોમાં જોયું. શૈલીને લાગ્યું કે ચુન્ની એક અમુક રીતે તેને જોઈ રહી છે. તે વધુ વાર એમાં જોઈ શકી. તે થોડી વારમાં નજર ત્યાંથી હટાવી એપાર્ટમેન્ટની બાજુના ઝાડ પર ચકલીઓ શોધવા લાગી.

સ્રોત

  • પુસ્તક : લગભગપણું (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : અભિમન્યુ આચાર્ય
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
  • વર્ષ : 2024