Chonti - Short Stories | RekhtaGujarati

ચોન્ટી

Chonti

ઈવા ડેવ ઈવા ડેવ
ચોન્ટી
ઈવા ડેવ

મને મારી બા પાહે રે’વું બઉ ગમે. મને એવી–! એ, કો’કે બાયણું ખોલિયું. બા રે! બાપા કોક માણહ હાથે ઘરમાં આયા. મને તો એવી બીક લાગી કે ઉં તો, બા...બા...બા...બા... કરતો રહોડામાં દોડિયો. મને માણહ મારવા આયો’તો. હા, મને મારવા આયો’તો. ભૈ, મને બઉ બીક લાગતી’તી. ને મને જા’રે જા’રે બીક લાગે છે તા’રે તા’રે રડવાનું ને ભૂ ભૂ કરવાનું થયા કરે છ. રહોડામાં જતાંક ને બાની છાતીએ બાઝી બચ બચ ધાવવાનું મને બઉયે મન થૈ ગયું; પણ ચમ કરીને કરું? બા’ર ઓયડામાં બેઠા’તા બાપા, ને પેલો બીક લાગે એવો માણહ; ને બાપ પાહે, પેલું ભડકો કરતું કૈંક અતું. મારાથી તો ભૈ ના રે’વાયું. અંગૂઠો ચહ ચહ કરતાં મેં તો ભૂ ભૂ કરી દીધું. અમણાંની તો બાય જો ઉં આમ ભૂ ભૂ કરું તો મને વઢી નાખે છે. પણ વખતે તો ખાંડ ખાવામાં એવીઆ એવી અતી કે મને વઢવાનું ભૂલી ગઈ. બાપા આયા જાણી ડબ્બો ઝટ ઝટ બંધ કરી આટિયામાં મૂકવા દોડી. હારું થયું કે બાપા પેલા ઓયડામાં અતા. નઈ તો માર્યા વિના ના રે’ત. બાપા મને મારવા લે તા’રે ભૈશાભ, એવું ભૂ ભૂ થઈ જાય છ, એવું ભૂ ભૂ થઈ જાય છ, કે ના પૂછોને વાત. તો એમ ક’યા કરે : “આવડો મોટો ઊંટ થયો તોય છાંટો અક્કલ નથી આઈ.” જા’રે કે’ કે મા એવો દીકરો તે, મને બઉ બઉ ગમે. તા’રે તો કઉં કે મને મારી બા જોડે એવી ગમ્મત પડે, એવી ગમ્મત પડે, કે એનાથી વધારે ગમ્મત ફગત એની છાતીએ બાઝી ચહ ચહ ચૂહવામાં પડે. બીજા કોઈ હાથે એવી ગમ્મત ના પડે તે ના પડે. ઉં ને મારી વા’લી બા. બાપા ઘરમાં ના હોય તા’રે રહોડામાં ગોળ-ખાંડના ડબ્બા ઉઘાડી જે મજા કરીએ, એવી મજા તો બઉ ઓછી વાર અમને પડે. રાતે મજા અવળી નીહરી જાય. બાપાને ખબર પડી જાય. બાને પૂછાપૂછ કરે ને બચારી બા પકડાઈ જાય. ગોળ-ખાંડ ડબ્બામાં હોય નથી. પછી જોડે ને જોડે અમને તો હપાટે, હપાટે તે અમારી મજા અવળી નીહરી જાય ને મારું ભૂ ભૂ તો છૂટે તો છૂટે, પણ કો’ક કો’ક વાર મારું પૂછડું હોતેય છૂટી જાય; ઉં ચોકડીએ પો’ચું તે પે’લાં જ. મારી બા અમથી અમથી બૂમો મારી બઉ રડે. પણ બીજું થાયે હું? ઓ, ઓ, બાપાનાં પગલાંનો અવાજ! બાપા, બાપા, બા-પા, બા-પા, અંદર આયા. મા ઝટ ઝટ ડઈ થઈ લોટ બાંધવા મંડી. ઉં ડાયોડમરો થઈ એની પાહે બેહી ગયો. આઈને એવા કે’ અમે બેઉ ડાયાં લાગીએ છીએ. જો અમે એવાં હારાં થઈને રઈશું, કે’તી બા બોલી ઉઠી. લગન, લગન...! લગન...! એટલે હારું હારું, મીઠું મીઠું ખાવાનું. ઓહ! બઉ બઉ ગમ્મત, મજા પડવાની!

ભફ ભફ કરતી ગાડીમાં બેહી અમે લગનને ગામ આયાં. મૂઆં એટલાં બધાં લોકોને જોઈ મને એવી બીક લાગતી’તી કે જેમતેમ મેં ભૂ ભૂ દબાઈ રાખ્યું. અમે કો’કને ઘેર આયાં. મોટું ને હારું ઘર અતું. બે-ચાર મોટા મોટા ઓયડા, નાવાનો મોટો ઓયડો, ને એમાં રૂપાળી ચોકડી. બાએ નાના એક ઓયડાના ખૂણામાં પેટી મૂકી, ગોદડી પાથરી ઘર બનાયું. ઉં બાની જોડે લપાઈને બેહી ગયો. અંઈ મને બઉ ગમ્મત પડવા લાગી. નગારાંવાળા તડૂમ તૂમ પડૂમ તૂમ કરે, વાજાંવાળા ભોં ભોં કરે, ને મારાં વા’લાં છોકરાંઓ નાચે, નાચે! અઈનાં છોકરાંય બઉ હારાં અતાં. મને કૈં બઉ ખીજવેય નઈ. એક પેલા બાપા આખો દા’ડો અમને વઢવઢ કર્યા કરે : “લી વઉ તું પાંહરી રે’જે. બઉ ખઉ તને ઘેર જઈ લૈ આપીહ. રહોડાથી દૂર રે’જે, ભૈશાભ છોકરાને તારી પાહે ને પાહે રાખી મૂકજે. જરાય વીલો ના મૂકીહ. મારી બા ને તે બઉ ઉશિયાર. જા’રે કોઈ આમતેમ પાહે ના હોય તા’રે રહોડામાં પેહી જાય ને ગોળનો ગાંગડો છ, ચપટી ખાંડ છ, કંઈ અલકમલકનું મીઠું ખાવાનું લૈ આવે. ખાતી જાય ને મને ખવડાવતી જાય. અમને બેઉને એવી ગમ્મત પડે! એવી મજા પડે! એવું બધું જાતભાતનું ખાવાનું અંતુ! ખઈ ખઈને મારું તો પેટ જાણે ફાટ ફાટ થતું’તું. એક વાર આમ કોઈ જોતું નો’તું તા’રે બા રહોડામાં પેઠી. મેં એક ડોહીને આવતી જોઈ. બઉએ ઉં ઉં કર્યું, પણ બાએ હાંભલ્યું નઈ. ઉં તો ઓયડાના ખૂણે ભરાઈ ગયો. ડોહી તો એવી બરાડવા લાગી : “લી વઉ! ઓ’લી વઉ! હેનાં ખાંખાંખોળાં કર છ?” “કૈં નઈ કાકી, કૈં નઈ કાકી. જોતી’તો કે કંઈ વાહણ ઘહવાનાં બાકી ર’યાં છે માંય?” બબડતી બબડતી ડોહી બા’ર જતી રઈ. મને થયું કે અવે બાપા આવહે ને અમને બેઉને જોડે જોડે ઢીબહે. જોડાની મને બઉ બીક લાગી, ને ભૂ ભૂ થાય એવું થવા માંડ્યું. તો બા ઝટ ઝટ અંદર આઈને મને છાતીએ વળગાડી દીધો એટલે ભૂ ભૂ બંધ થઈ ગયું. બા આઈને બબડવા મંડી : “કેવાં માણહાં મૂઆં! ડોહલી મૂઈ પાછળ પાછળ ફરે છ. એનો જાણે કે દલ્લો ના લૂટી લેવાનાં હઈએ!” થોડી વારમાં ફરી તો પરહાળમાં ગઈ. આમ-તેમ જોઈ આઈ. પછી અંદર આઈને ઉઘાડી પેટીઓ ખોલીને ખાંખાંખોળાં કરવા મંડી. એક પેટીમાંથી એને બઉ હારી ચળક ચળક થતી પીળી વીંટી જડી. તો એને જોઈ રઈ. એને બઉ ગમ્મત પડી ગઈ. એને ગુંજામાં મૂકવા જતી’તી તાં લાગલી પેલી ડોહી દોડતી મંઈ આઈ, ને બાપ, જે રાડો પાડવા મંડી, જે રાડો પાડવા મંડી કે જાણે એને વાઘે ઝાલી. મને તો હાંભળીને ભૂ ભૂ થવાનું થઈ ગયું. કે’ : ’લી વઉ! હું કરછ તાં? ઊભી રે’તું! હું લીધું છ? બતાય, બતાય ’લી વઉ.” બા ઊભી થતી કે’ : “કૈં નથી લીધું. તો અમસ્તી બેઠી’તી અંઈ.’ વીંટી મૂઠીમાં હંતાડી બેઉ આથ પછવાડે બાંધી દીધા. ઉં તો બઉ બી ગયો. ભૂ ભૂ દબાવતો દોડતોકને બાની પાછળ હંતઈ ગયો. બા રડતી રડતી (અમથું, હં કે!) ક’યા કરે : “કૈં નથી લીધું, હાચું કઉં છ.” ડોહી બરાડતી બરાડતી કે’ : “ના હું? બધી પેટીઓ ચમ વેરમ્છેરમ્ છે? અવે બઉ માણહાં ભેગા થઈ ગયાં. પેલાં હારાં હારાં છોકરાંય તઈ આયાં. મને બઉ મજા પડી. મને થયું કે બધાં અવે મારી હાથે રમહે. તાં બાએ મારું મોં પો’ળું કરી ગોળનો ગાંગડો મૂકે એમ પેલી વીંટી એમાં મૂકી દીધી. ઉં બધું હમજી ગયો. બાએ વીંટી હંતાડવા મને આપી છ. એમ તો બા ઘણીય વાર આની નાનીમોટી ચીજો બાપા આની ચડે તા’રે મારા મોઢામાં મૂકી દે છે. જા’રેય બાપા બાની પાહે હંતાડેલા પૈહા ખોળવા આવે તા’રે બા મારા મોંમાં મૂકી દે. ઉં કોઈ દા’ડો ગળી જતો નથી. મેં વીંટીને એવી જીભ નીચે દબાઈ દીધી! અવે પેલી ડોહી બાના હાથ ખેંચવા મંડી. બા કે’ કે એમ આથ નઈ ખેંચવાના. તા’રે ડોહલી કે’કે આથ હું, જીભ હોત ખેંચી કાઢીહ. બતાય, રાંડ, બતાય, તારા આથમાં હું છ? હારું થયું કે બાપા કૈં બા’ર ફરવા ગયા’તા. નઈ તો અમને બેઉને જોડે જોડે એવાં પીટત, એવાં પીટત, કે મને ભૂ ભૂ થઈ જાત. અવે બધાં છોકરાં આથ ઊંચા કરી કરી હો હો કરવા મંડ્યાં. મને તો બઉ ગમ્મત પડી. મારેય હો હો હો હો કરવી’તી. મને એવાં ખીજવેય નઈ. આમ મારી હાથે રમવા આયાં ને ઉં ના રમું તે ચાલે! એમને જોઈને ઉંય આથ પો’ળા કરી કૂદવા માંડ્યો. જાં હો હો કરવા જાઉં તાં “હો...ઉ...પ...” થઈ ગયું ને પેલી વીંટી ભપ દઈને બા’ર નીકળી, ને પડી પેલી ડોહલીના હાથ પર! ઝપ્પ દઈને વીંટી લઈ બરાડી : “રાંડ જુઠ્ઠી ને ચોન્ટી! ચોન્ટી!” બાને એની હું વઢે! બાપ, હું વઢે! આમ મને રડવું આવત ને ભૂ ભૂય બઉ થઈ જાત, પણ પેલાં છોકરાં એવાં હારાં અતાં કે એમની હાથે ઉંય રમવા ને નાચવા મંડ્યો. “એ અલા ચોન્ટી, અલા ચોન્ટી” કે’તાં એવાં નાચતાં’તાં. મને હાંભળી એવી ગમ્મત પડી, એવી ગમ્મત પડી, કે ઉંય, “એ અલા ચોન્ટી, અલા ચોન્ટી, ચોન્ટી!” કે”તો હો હો કરવા મંડ્યો. એમ પે’લી વાર ઉં એમ છોકરાં જોડે રમ્યો. હાંચું કઉં છ, મને બઉ બઉ ગમ્મત પડી. છોકરાં કેવાં હારાં અતાં!

સ્રોત

  • પુસ્તક : કથાભારતી ગુજરાતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : યશવંત શુક્લ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
  • વર્ષ : 2000