મહેશ દવે
Mahesh Dave
અહીં જ્યાં જંગલ પૂરું થતું હતું ત્યાં અમારાં ક્વાર્ટર્સ આવેલાં હતાં. તેમાં એક ઊંચા ઓટલાવાળું મકાન અમારું હતું – અમારું એટલે મારું અને મારી પત્નીનું. આખા અઠવાડિયામાં એક શનિવાર સિવાય મારે આ ઘરમાં ભાગ્યે જ રહેવાનં બનતું. જંગલની ગીચતામાં હું ગીચ બનીને સતત કામમાં પરોવાયેલો રહેતો, પણ આમ શનિવાર આવી પહોંચે એટલે મારી પત્ની અને હું મારા દામ્પત્યના બધા જ તબક્કાઓમાંથી ગુજરીએ. એકધારી રીતે અનેકધારી ક્રિયાઓમાં પરોવાઈ જવાનું અને છેલ્લે રાત્રિ અને દિવસના ટૂંકા સંધિકાળમાં એક એની ટૂંકી જોક અમારા બંનેમાંથી ઉચ્ચારવાની – અને પછી હસાહસ શરૂ થઈ જાય. અઠવાડિયા દરમિયાન જેટલાં હિંસ્ર પશુઓએ શરીરમાં ભય જન્માવ્યો હોય તે દૂર કરીને મારે બલ્કે અમારે હિંસ્ર પશુ બની જવાનું અને રાત્રિ દરમિયાન એકબીજાને ફાડી ખાવાનાં. સવારે અમારા જ અવશેષો બચ્યા હોય તે સૂર્યના પ્રખર બનવા સાથે ફરી પાછા પ્રખર બનવા દેવાના.
પણ એક મુસીબત આવી પડી હતી. જોક્સ બધા ખલાસ થઈ ગયા હતા. નાનીમોટી તરકીબોવાળા જોક્સ કરવાથી હાસ્યના ફુવારા છૂટતા નહોતા અને જો એમ નક્કી થઈ જાય કે આ જોક નથી તો શનિવારની રાત્રિના અમારા દામ્પત્ય જીવનને બીજા શનિવારની રાહ જોવી પડે.
આજે તો કોઈ ભૂખ્યા પશુની જેમ હું ઓટલા પર આંટા માર્યા કરતો હતો. મારા આંટા મારવા તરફ છત પર લટકી રહેલા પાંજરામાં બેઠેલો અમારો આફ્રિકન પોપટ કશુકો એની નજર મારા ફરવાની સાથે સાથે ફેરવ્યા કરતો હતો. કશુકાનો આવો મુડ જોઈને મને મારો એ નજીકનો સાથીદાર લાગ્યો, મારી પત્નીથી પણ વધુ નિકટનો, કેમ કે મારી પત્નીની દાદીએ આ નર કશુકાને ત્રીસ વર્ષ સુધી આફ્રિકામાં પોતાના નિકટના સાથીદાર તરીકે રાખેલો અને તે પછી દસ વર્ષથી મારી પત્ની સાથે એ અહીં હિન્દુસ્તાનમાં રહ્યો. આમ આ ચાલીસ વર્ષ તો અમારી ગણતરીમાં છે અને એવું કહેવામાં આવ્યું છે કે એ લગભગ દોઢસો વર્ષ તો જીવી નાખે છે. કશુકાની ખૂબી એ હતી કે એ બોલનારાના અવાજને આબેહૂબ રજૂ કરી શકતો. આથી અમારા માટે એ જ્યારે વચમાં ટપકી પડે ત્યારે ચાલતી વાતના નવા નવા સંદર્ભ રચાઈ જતાં એક મજાનો વિષય બની જતો. દાખલા તરીકે મારી પત્નીનાં સંબોધનો. મારી પત્ની મને ડાર્લિંગ કહે તે બરાબર પણ પરસાળમાં કોઈ ખચ્ચર જેવું ગોબરું પ્રાણી આવીને ઊભું રહે એટલે કશુકો અવશ્ય બોલવાનો – ડાર્લિંગ.
એટલે આવી રીતે મને આંટા મારતો જોઈને મારી પત્ની શું બોલી હતી તે હું યાદ કરવા લાગ્યો અને કશુકાને જોઈને મનમાં બબડવા લાગ્યો : ‘આમ આંટા માર્યે કશું નહિ વળે.’
પણ કોઈ બોલ્યું તો નથી. એ તો હું મનમાં જ બબડ્યો છું. છતાં કશુકાએ કેમ તે જ વાત કરી જે હું બબડ્યો. બરાબર આ વખતે એણે આ વાત કોના અવાજમાં કરી તે નોંધવાની સરતચૂક થઈ ગઈ. મેં ઘરમાં ડોકિયું કર્યું. મારી પત્નીનું કામ લગભગ પૂરું થવા આવ્યું હતું. એનાં હલચલનમાં ત્યાં સમાપ્તિ કરીને, મારી સાથે શરૂ પડી જવાની ઉતાવળ દેખાતી હતી. હવે મારા આંટા અટકી ગયા. ઘરમાંથી અવાજ આવ્ચો : ‘ડાર્લિંગ’, અને હું સમજી ગયો કે મારે હવે એલર્ટ થઈ જવું જોઈએ.
હું ઘરમાં ધસી ગયો. ટેબલ પર ભોજનાદિ બધું ગોઠવાઈ ગયું હતું. વરંડાની છત પરથી પાંજરું ઉતારીને ટેબલ પર ગોઠવ્યું. ટેબલ પરની ડિશોમાંથી ગરમ ગરમ મસાલાઓની તીવ્ર ગંધ મારી ઘ્રાણેન્દ્રિયમાં પેસી ગઈ, લગભગ મારા મુડના કેન્દ્રને સ્પર્શીને મારા હાથપગ અને આંખને તીવ્ર બનાવી ગઈ. પાંજરામાં કશુકા આગળ થોડાક દાણા નાખ્યા ને વગર કારણે મેં એને અંગૂઠો બતાવ્યો. કશુકાએ વગર કારણે જીપ સ્ટાર્ટ થવાનો અવાજ ઉચ્ચાર્યો અને હું હસી પડ્યો. મારી પત્ની એટલા માટે હસી ગઈ કેમ કે એ એવું કંઈ સમજી કે હવે મેં જોક કહેવાનું શરૂ કર્યું. જોડેના ખંડમાંથી એણે ડોકિયું કર્યું એટલે મેં એને પણ અંગૂઠો બતાવી દીધો. એ એવું સમજી હોય કે આ અંગૂઠો, જોકનું એક પાત્ર છે. એણે ખુરશીમાં બેસી જતાં મારા હાથ સામે જ જોયા કર્યુ. હું ખાવાનું શરૂ કરું ત્યાં તો કશુકાના પાંજરામાંથી એક દાણો છૂટ્યો અને મારી ભ્રૂકુટિ પર ટકરાઈને નીચે પડ્યો. મારી પત્ની આ જોઈને આનંદમાં આવી ગઈ. કશુકો બોલ્યો, ‘ડાર્લિંગ’.
મેં કહ્યું : ‘કપાળમાં બહુ વાગ્યું છે.’
પત્નીએ દયા ખાધી. એની જીભ જ્યારે બંધ હોય ત્યારે હાથ ફટાફટ ફરતા હોય. અત્યારે તો ટેબલ પર ઉત્તમ ખાદ્યપદાર્થો પડ્યા હતા તેથી મારા હાથપગ પણ ઝડપથી ફરવા લાગ્યા.
કશુકો બોલ્યો, ‘ખાઉધરા,’ અવાજ મારી પત્નીનો હતો.
મને થયું કે કશુકો એવું ન બોલે તો સારું કે ધરાતો જ નથી. પણ એ બોલ્યો, ‘બધું હોઇયાં કરી ગયો.’ આ અવાજ મારી પત્નીની દાદીનો હતો. મને વચ્ચે કેમ યાદ આવ્યું કે મારે સાતેક મિનિટનું જંગલમાં કામ છે. જંગલમાં નજીકના ચેકપોસ્ટ પર એક સૂચના આપવાની બાકી રહી ગઈ છે. મેં ઝટપટ હાથ ધોઈ નાખ્યા અને પત્નીને કહ્યું, ‘હું સાતેક મિનિટમાં આવું છું, તું તૈયાર થઈ જા, પછી આપણે...’ અને મેં મારી જીપ સ્ટાર્ટ કરી. મારા કાનને અને જીપના મશીનના અવાજને એનો સંબંધ થઈ ગયો હતો કે તેની પહેલી ઘર્રઘરાટી સાથે જ મારી ગતિની લંબાઈનો અંદાજ હું માપી લેતો હતો. ઘરઘરાટીએ મને સાત મિનિટના અંતર માટે ઓ.કે. આપી દીધું પણ જીપ રસ્તા પર આવી અને મશીન ઠબ કેમ થઈ ગયું? બ્રેક અને સ્ટિયરિંગ પણ સાવ નકામાં. હું સીટ પર જાણે લથડી પડ્યો હોઉં તેમ ફેલાઈ ગયો. મારી નજર રસ્તા પર ફેલાઈ ગઈ. આમ કેમ ચાલશે? મેં નીચે ઉતરી એ એન્જિનનું ઢાંકણું ખોલ્યું. કંઈક ઓઈલની ગરબડ હોય તેવું લાગ્યું. કંટાળી જઈને હું એન્જિનનું ઢાંકણું વાખતો હતો ત્યાં – ત્યાં બે લીલી ચળકતી ચિત્તાની આંખો મારા પર મંડાઈ રહેલી મેં જોઈ. મેં રાઈફલ લેવા હાથ જીપમાં નાખ્યો પણ રાઈફલ હું ક્યાં લાવ્યો હતો! અમારી ચાર આંખો વચ્ચે એવું તો સંધાન થઈ ગયું હતું કે બીજી કોઈ પણ ક્રિયા થઈ રહી છે તેનો મારી એકાગ્રતામાં સમાવેશ નહોતો. ક્રિયા તો થઈ જ રહી હતી. ચિત્તાએ એની આંખો મારી આંખોમાં પરોવાયેલી જ રાખી અને વછૂટ્યો. એની તરાપ મારી તદ્દન નજીક પહોંચી અને એની આંખો મરડાઈ ગઈ. મારી આંખો ફેલાઈ ગઈ. જે રીતે એણે એના દાંત મારા પેટની નીચેના ભાગમાં બીડ્યા તેના પ્રત્યાઘાતમાં હું બૂમ તો શું પાડું, તરફડું તો શું, એક ન વેઠાય તેવા સંકોચનમાં હું ખેંચાઈ ગયો. મારા આખા શરીરની ચેતના નાભિના નીચેના ભાગમાં અને ચિત્તાના મોંમાં વિખેરાવા લાગી. મારા શ્વાસ તો અટકી ગયા હતા. ચિત્તો લોહીલુહાણ મોં સાથે મારાથી વછૂટ્યો. હું તરફડતો પડ્યો રહ્યો. મારી સ્મૃતિમાં હજુ ચિત્તાના દાંત મારી ચામડીના પહેલા પડમાંથી અંદર પેસે તે વખતનો વેદનાનો આઘાત જ ઊછળ્યા કરતો હતો. લબાકા મારતું દર્દ ફેંકાતું હતું. આ મારી અંતિમ સ્થિતિ હતી તે વાત નક્કી હતી. મારી પત્ની જો ત્યારે હોય તો મને બચાવવા માટે સિક્યોરિટી અફસરને બોલાવી મારી લાશની સારવાર માટે તજવીજ કરી રહી હોત. મેં મારા શરીરને સળવળાટ સાથે હાલવા દીધું. ઊભા થવાની મારામાં શક્તિ નહોતી પણ ઊભા થવા માટે મેં મારા શરીરને હડસેલ્યું. ચિત્તાના દાંતનો અને મારી ચામડી ફાટવાનો સણકો ધ્રુજાવી જતો હતો. શરીરની લોથને મહાપરાણે મેં જીપમાં પડવા દીધી. સ્ટિયરિંગ પર હાથ ફેરવ્યો અને જીપ સ્ટાર્ટ કરવા ચાવી ઘુમાવી. મારા આશ્ચર્ય વચ્ચે જીપ ઘર્રઘરાટી સાથે સ્ટાર્ટ થઈ. જીપના ઘર્રઘરાટે જાણે મને ચીસો પાડવા પ્રેર્યો હોય તેમ મેં પ્રાણાન્ત ચીસો ફેંકવા માંડી. જીપ જાણે આ ચીસોના ઘર્રઘરાટ સાથે લાલ મકાન આગળ આવી અટકી. અંદરથી મારી પત્ની દોડી આવી. મારી હાલત જોઈ એણે વિચારી લીધું હોય કે કોઈ અસામાન્ય ઘટના બની ગઈ છે. મને ખભો આપીને એણે ઘરમાં લીધો, કોચ પર ચત્તો સુવડાવીને એણે જોડેના ક્વાર્ટર્સ બાજુ દોડવા પ્રયાસ કર્યો, મેં એને અટકાવી. ઝડપથી બોલી નાખ્યું, ‘ચિત્તાએ હુમલો કરીને મારા પેટને અને ગુહ્યાંગને ભયંકર ઈજા પહોંચાડી છે. હું બચી શકું તેમ નથી. માટે હું કેટલીક અગત્યની નોંધો કરાવું તે કરી લે. હવે સમય ઝાઝો નથી.’ પણ... પણ મારી પત્ની થોડાક કુતૂહલથી અને કિંચિત આશ્ચર્યથી મારા શરીર પર નજર ફેરવવા માંડી. એણે ખુરશી તાણીને મારી જોડે ગોઠવાતાં એક મોટા પ્રશ્નાર્થમાં એનો ચહેરો ગોઠવીને બોલવા માંડ્યું, ‘તમે આ જંગલમાં રહીને જંગલી જોક્સ કરતાં શીખ્યા ખરા!’
મેં કહ્યું, ‘શાની જોક!’
એ કહે, ‘શરીર પર ક્યાંય એકે લોહીનું ટીપું નથી.’
મેં કહ્યં, ‘મને શું થાય છે તે તને કેવી રીતે સમજાવું!’
એ કહે, ‘તમને શનિવારે બધું થવા માંડે છે, હવે–’
વચ્ચે કશુકો બોલી ઊઠ્યો, ‘બધું હોઈયાં કરી ગયો.’
પથારીમાં મારું તરફડવાનું ચાલુ જ હતું.
(‘વહેતું આકાશ’માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 493)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
