Badal Panchal
Badal Panchal
'મંજુ, એય મંજુ ઉઠ... મંજુ ઉઠ જલ્દી.'
મંજુની ભ્રમરો ખેંચાઈ અને ઢળેલા પોપચાં તળેની કીકી સળવળી. બેઠા થતા એને શ્રમ પડ્યો. ખોળામાં બે હાથનો ખોબો બનાવી બેઠે બેઠે ઊંઘતી રહી. આદત મુજબ થોડી થોડી વારે હાથનો ખોબો ઊંચોનીચો થઇ જતો.
'મંજુડી, ઊઠે છે કે નહિ? તારી મા ક્યાં મરી ગઈ?' શબ્દોની થપાટ એના કાનમાં વાગી અને મંજુની આંખો ખૂલી ગઈ. એણે જોયું કે, ઉઘાડા દરવાજાથી સાપની જેમ સરકતો આછો પ્રકાશ એનાથી બે વેંત છેટો પહોંચી ગયો હતો, જેને જોઈને ઘરનું અંધારું ઉંદરની જેમ ખૂણામાં ઢગલો થયેલા સામાન પાછળ ભરાઈને ડોકિયા કાઢતું હતું.
એના ઘરમાં બાજુવાળા રમીલાકાકી ખભા અને કાન વચ્ચે મોબાઈલ ભરાવી, વાંકી ડોક કરીને એક એક ડબ્બા ફંફોસીને એનો ઘા કરતી હતી. મંજુએ હોઠના કિનારેથી નીતરતી લાળ પર બણબણતી માખી ઉડાડી, જે એના નાક પર જઈ બેઠી. આમતેમ હાથ વીંઝતી મંજુ પર રમીલાએ ઘા કરેલા ડબ્બાનું ઢાંકણું અથડાયું અને ખાલી ડબ્બો ઉછળીને એના ખોળામાં પડ્યો. ડબ્બાની ફાટેલી ધાર જોઈને મંજુને એની માના કપાળ પરનો લિસોટો યાદ આવ્યો. બહુ વખત પહેલા જયારે એની મા અડધી રાતે ભાગી ગયેલી ત્યારે મારી-ઝૂડીને લોકો પકડી લાવેલા. જયુના મનુમામાએ સળીયાથી મારેલી ત્યારે કપાળથી કાન સુધી લંબાયેલા લિસોટાનો ઘા રૂઝાયો તો હતો પણ એનો ડાઘ એમનેમ રહેલો.
ગાળો બોલતી રમીલાકાકી ખૂણામાં ઢગલો કરેલા કપડાં ફેંદવા લાગી અને મંજુ ઉભી થઈને દરવાજા પાસે આવી. દરવાજાથી સીડી વચ્ચેની જગ્યા પર ચાર પગ ફેલાવીને કાળી બિલાડી પડી હતી, જે મંજુને જોઈને આળસ મરડી ઊભી થઇ.
‘કવ તો છું ભાગી ગઈ, કીધું'તું ને કે એન દબાઇન... હવ મનુડાને તો...' વાસણોના અવાજમાં તૂટક શબ્દો સંભળાયા.
ગટરની પાસેના પાટા પરથી એક સુપરફાસ્ટ ટ્રેન દોડતી હતી. મંજુ એના ડબ્બા ગણવા લાગી પણ ચારેક ડબ્બા ગણ્યા ત્યાં તો પેલી કાળી બિલાડી એના પગમાં ભરાઈને શરીર ઘસવા લાગી અને મંજુ એને હટાવવામાં પડી. સીડી ઊતરતા મંજુને મા સાથેનો એક સંવાદ યાદ આવ્યો અને એ ઊભી રહી ગઈ.
'મા, આ ટ્રેન ક્યાં જાય છે?'
'દૂર.'
'દૂર એટલે કેટલે દૂર?'
'જ્યાં આપણે ના પહોંચી શકીએ તેટલે.'
'આ ટ્રેનમાં બેસીએ તો પહોંચી જવાય?'
'હા.'
'આ ટ્રેન ક્યારે ઊભી રહે? એમાં ક્યારે બેસાય?'
'જયારે તું એના બધા ડબ્બા ગણી લે ત્યારે.'
એ વિચારી રહી - માએ ક્યારે બધા ડબ્બા ગણ્યા, મને કહ્યું પણ નહિ.
મંજુ જયુના ઘરની અડોઅડ બાંદરા સ્ટેશનથી બાંદરા વેસ્ટ તરફ જતા બ્રિજ પરથી થોડાઘણા લોકોને કામે ભાગતા જોઈ રહી અને 'ભાગી ગઈ, ભાગી ગઈ...' બબડતી એના અર્થને સમજવા મથી રહી. થોડીવાર રહીને એ સીડી ઉતરવા લાગી. સામે જ્યાં નજર જાય ત્યાં સુધી ફેલાયેલા કચરાના ઢગલામાં ખુલ્લા પગે પસાર થતી વખતે એણે વિચાર્યુ કે મા પણ અહીંથી જ પસાર થઇ હશે? જોકે માના પસાર થયાના કોઈ એંધાણ ત્યાં એને મળ્યા નહિ, આમેય કચરામાં કચરા સિવાય શું મળે... એ ગટરની પાળી પર લેગીન્સ કાઢીને બેઠી. ઘડીક જયુના તો ઘડીક પોતાના ઘરના દરવાજા આગળ તાકી રહી. બંને ઉઘાડા દરવાજાની અંદર એ જ જૂનું અંધારું દેખાયું. જયુના ઘરમાંથી ઉઘાડા શરીરે મોન્ટી આવીને દરવાજે ઉભો રહ્યો અને મંજુ તરફ જોઈને બ્રેડના ડૂચા ભરતો હતો. મંજુ લેગીન્સ ચઢાવી જમણી બાજુ ચાલવા લાગી. એણે જોયું કે આસપાસના ઘરમાંથી નીકળીને સ્ત્રીઓ એના ઘરની સીડીઓ ચઢતી હતી.
મંજુ આગળ જતાં ગટરની ડાબી બાજુએ આવેલા બે મોટા પાઇપની વચ્ચે બનાવેલા કબૂતરના કબાટ પાસે આવી. જયુએ કબાટ ઉઘાડી દીધેલું અને કબૂતરો એની આજુબાજુ ઊડાઊડ કરતા હતા.
'કેમ આજે બ્રિજ પર ન આવી.'
'મારી મા ભાગી ગઈ.' બોલતી વખતે જરા સરખો પણ સંકોચ એની જીભને નડ્યો નહિ.
'સારું થ્યું નો આવી, આજે ઑફિસું બંધ હતી, મોન્ટી કેતો'તો આજે બુધ ભગવાનની પૂર્ણિમા છે એટલે.'
'કેટલા મળ્યા?'
'બાવીસ... પણ ઘરમાં પંદર જ આપ્યા.'
બેઉ એકબીજાને જોઈને હસ્યાં, પછી તાળી આપી.
એક સફેદ કબૂતર મંજુ પાસે આવીને બેઠું. મંજુએ એને પકડીને વહાલ કર્યું. એક બિલાડો એકાએક નજીક આવી ગયેલો જોઈને જયુએ એને લાકડી ફટકારી.
મંજુએ હાથ ઊંચા કરી કબૂતર ઉડાડ્યું પણ કબૂતર થોડું ઉડીને પાછળ પાઇપ પર જઈ બેઠું.
'તે શર્ટ કેમ કાઢી નાખ્યો?'
'બઉ ગરમી લાગે છે, તને નથી લાગતી?'
મંજુએ હા-માં માથું ધુણાવ્યું.
'તો કાઢી નાખ તું પણ...'
મંજુ ટીશર્ટ કાઢવા જ જતી હતી ને એવામાં પાછળ કોઈએ જોરદાર ધબ્બો માર્યો હોય એમ એ હચમચી ગઈ. એકવાર સવારે ગટર પાસે સંડાસ કરવા ગયેલી ત્યારે ગટરના ખદબદતા કચરામાં જોયેલું રેશ્માનું કપડાં વગરનું લોહીલુહાણ શરીર એની આંખો સામે આવી ગયું. એણે જ તો બૂમો પાડીને બધાને ભેગા કરેલા. ત્યારપછી તો લગભગ છએક મહિના સુધી દિવસ-રાત પોલીસ આંટાફેરા કર્યા કરતી. માએ તો બ્રિજ પર ભીખ માગવા પણ જવાની ના પાડેલી અને મૉન્ટીથી તો દૂર જ રહેવા કહેલું. એણે માને બીજી સ્ત્રીઓ સાથે વાત કરતા સાંભળેલી કે રેશ્માનું રેપ અને હત્યા પાછળ પાંચ-છ લોકો હતા. જેમાંથી એક મૉન્ટી અને એના મનુમામા પણ હતા.
મનુમામા તો પાછા ક્યારે આવ્યા નહીં કે પછી આવેલા? - મંજુ વિચારવા લાગી.
'મનુ બસ કર... મનુ જા હવે...' અડધી રાતે મા કણસતાં આવું બોલતી, પણ મંજુ એની પથારીમાંથી હલી શકતી નહિ.
મંજુએ ટીશર્ટ સરખું કર્યુ એવામાં સામેથી મૉન્ટી આવ્યો.
'એય... જયુ, આ કબૂતરોને પકડી લાય.'
જયુએ એક કબૂતર પકડીને મૉન્ટીને આપ્યું. મૉન્ટીએ ખિસ્સામાંથી કાતર કાઢી. જયુએ કબૂતરની પાંખ પકડી અને મૉન્ટીએ પાંખની નીચેના પીંછા કાપવા માંડ્યા.
મંજુ ભડકી: 'જયુ છોડ એને... એ મારું કબૂતર છે.'
'તારું ક્યારથી થઇ ગયું?' મૉન્ટીએ પાંખ કાપતાં કહ્યું.
'મને ગમે છે એ કબૂતર.'
'આ તો ખાલી પાંખ જ કાપું છું એટલે બહુ ઉડી ના શકે. હજુ એને ખાવાની તો વાર છે.' પછી જયુ અને મૉન્ટી બેઉ હસ્યા.
મંજુ પાઇપ કૂદીને દોડી ગઈ.
પતરાનાં ઘરો વચ્ચેની અંધારી ગલીઓમાંથી નીકળીને મંજુ રિક્ષાસ્ટેન્ડ આગળ આવી. સલમા ટેબલ નાખીને સિગારેટના પૅકેટ અને ચૉકલેટનો ડબ્બો લઈને બેઠી હતી.
'મંજુડી, તું અહીંયા છે? પણ મેં તો હાંભળ્યું કે તારી મા નાસી ગઈ? અલી, તને મેલીને નાસી ગઈ?'
એણે તમાકુમાં ચૂનો ભેળવ્યો અને ઘસવા લાગી. 'એકલી ભાગી ગઈ કે કોઈની હારે?' પછી તમાકુ પર હાથ મારીને ઉડાડતા બોલી: 'તને મરવા મેલતી ગઈ એમ?'
'પણ તું ચિંતા નો' કર. રમલી હાચવશે તને. આખરે લોહી તો….'
તમાકુ મોઢામાં દાબીને એક ચોકલેટ એની સામે ધરી અને પછી ગ્રાહકોને સિગારેટ આપવામાં અને લાઇટરથી સળગાવી આપવામાં વ્યસ્ત થઇ ગઈ.
મંજુના મગજમાં 'મને એકલી મેલીને નાસી ગઈ?' વાક્ય પડઘાવા લાગ્યું. મંજુને હજુ પણ એવું જ લાગતું હતું કે એની મા કલાનગરના સિગ્નલથી પાછી આવશે અને 'મંજુ, ચલ ખાવા.' કહીને એને ઘેર લઇ જશે.
મંજુ ત્યાં બેઠી બેઠી કચરામાં પડેલી કાળી પોલીથિનની થેલીઓને જોતી બેઠી રહી. કચરામાં દબાયેલી થેલીઓ જરા સરખી હવાથી ફરફરી ઉઠતી પણ ઉડી ન શકતાં હાર માનીને ફરી ઢળી પડતી.
જયુએ બ્રિજ પરથી મંજુને બૂમ મારી. મંજુ ત્યાં ગઈ તો રમીલાકાકીએ સફેદ ગુણી મંજુને પકડાવી અને કહ્યું: 'મંજુડી, અહીંથી છાપરા પર ઉતર અને ત્યાં જેટલી પ્લાસ્ટિકની બૉટલો દેખાય છે એ ભેગી કરી લે. બીજી કોઈ હારી વસ્તુ દેખાય તો ઇયે લઇ લેજે.'
મંજુ બ્રિજનો હાથો ઓળંગી છાપરા પર ઉતરી. ભરતડકાથી તપી ગયેલાં પતરાંનાં છાપરા પર ઉતરતાં એના પગ બળ્યા.
બ્રિજને અડોઅડ આવેલાં ઘરનાં છાપરાં પર આવતા જતા લોકો બૉટલો, થેલીઓ, પાનની પિચકારીઓ કે પછી જે કચરો હોય એ નાખી જતા. લગભગ બધા જ ઘરનાં છાપરાં પર, કોહવાઈ ગયેલા તારપોલીન પર મણ મણનો કચરો જમા થયેલો. મંજુ તો બૉટલો વીણતી જાય અને ગુણીમાં ભરતી જાય. ઊંચાં-નીચાં છાપરાં પર ભૂસકા મારીને બૉટલો જમા કરતાં એને એક કટાઈ ગયેલો સળિયો મળ્યો. એક હાથમાં સળિયો અને બીજા હાથમાં ગૂણી ઊંચકીને બે બ્રિજ વચ્ચેના ઘરના બધાં જ છાપરાં પર ફર્યા પછી એ પાટા તરફના પોતાના ઘરના છાપરે ચઢી.
છાપરા પર ઊભાં રહીને એણે આખું બાંદરા સ્ટેશન જોયું. દૂરથી આવતી પવનની લહેરથી એના પસીનાવાળા ચહેરાને ટાઢક વળી. નમતી સાંજનો તડકો એના ચહેરા પર ફેલાઈ ગયો. સુપરફાસ્ટ ટ્રેન એને આવતી દેખાઈ. આ વખતે એના ડબ્બા ગણવાનો એણે મનોમન નિશ્ચય કર્યો. ફરી પાછી ક્યાંકથી કાળી બિલાડી એના પગમાં આવીને ભરાઈ. મંજુએ એક પળનો પણ વિલંભ કર્યા વગર, પગ સરકાવીને કટાઈ ગયેલો સળિયો મારીને બિલાડીને નીચે ફગાવી દીધી.
ધીમી પડેલી ટ્રેનના લગભગ બધા જ ડબ્બા દૂરથી એ ગણી શકી.
મંજુએ જોયું કે એ જ્યાં ઊભી હતી ત્યાં એના પગ તળે એની માની સાડી ફેલાયેલી પડી હતી. તડકામાં એ સાડી થોડી કોહવાઈ ગયેલી અને એના પર ધૂળ અને કચરો જમા થયેલો. મંજુએ સાડીને ખેંચી લીધી, હાથથી ઝાટકીને સાફ કરી અને પોતાની પીઠ પાછળ પાંખોની જેમ પહેરીને બે હાથ ફેલાવી ઊભી રહી. ફૂંકાતા પવનથી સાડીમાં જાણે નવચેતન આવ્યું હોય એમ સાડી ફરફર લહેરાઈ રહી હતી.
બાંદરા સ્ટેશનનો સમગ્ર પરિસર જાણે સ્થિર થઈને મંજુ તરફ તાકી રહ્યો. સ્ટેશન અને પોતાના ઘરની વચ્ચે ફેલાયેલો કચરો લાચાર દર્દીની માફક મંજુને મૂક સંદેશ આપી રહ્યો. મંજુએ આંખો બંધ કરીને સૂરજના નરમ પડેલા તડકાના છેલ્લાં કિરણોની ગરમી અનુભવી. હૂઉઉઉઉઉ..... કરતા પવન પસાર થયાના ભણકારા એના કાન પર ઝિલાયા. એની બંધ આંખોમાં એને કચરાનો ભાર ખંખેરી ઊડી જતી કાલી પોલીથિનની થેલી દેખાઈ.
'એય મંજુડી ઉઠ...' ફરી આ શબ્દોની થપાટ વાગી અને મંજુ બરાબરની જાગી....
ક્યારેય ન ઊભી રહેતી ટ્રેન કોઈક કારણસર આજે ધીમી પડી અને બાંદરા સ્ટેશન પર ઊભી રહી ગઈ. મંજુ જાગી જ નહિ, પણ ભાગી. સફેદ ગૂણી અને કટાઈ ગયેલો સળિયો એણે છાપરેથી ફગાવ્યાં અને સાડીની પાંખો પહેરી છાપરા પર હરણીની જેમ કૂદતી-દોડતી મંજુએ છાપરા વટાવ્યાં, છાપરા પરનો કચરો વટાવ્યો, બ્રિજનો હાથો વટાવ્યો, લાંબા બ્રિજ પર ‘ઊડી ગઈ, ઊડી ગઈ…’ ની બૂમો મારતી દોડવા લાગી.
રિક્ષાસ્ટેન્ડ આગળ બેઠેલી સલમાએ ઊંચે જોયું અને એના ખોબામાં ચોળાયેલું તમાકુ પવનની થપાટે ઉડવા લાગ્યું. કબાટમાં પુરાયેલા કબૂતરોએ પાંખો ફફડાવી. કચરામાં ઉઘાડા શરીરે ઊભેલા મૉન્ટીએ મંજુની બૂમો સાંભળી બ્રિજ તરફ દોડવા માંડ્યું.
દોડતી મંજુની હડફેટે ચઢી ન જવાય એની તાકીદ લેતી પબ્લિક એના રસ્તેથી હટવા લાગી. બ્રિજ પર જયુના માથે લોહીવાળો પાટો બાંધીને, એને ખોળામાં સૂવડાવીને ભીખ માંગતી રમીલાકાકી દોડતી મંજુને જોઈને કંઈ સમજે એ પહેલાં જ મંજુ દૂર જતી ટ્રેનમાં ઊડી ગઈ હતી.
સ્રોત
- પુસ્તક : છાપરા પર પાંખો (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : બાદલ પંચાલ
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2024
