Chhabilkakano bijo pag - Short Stories | RekhtaGujarati

છબિલકાકાનો બીજો પગ

Chhabilkakano bijo pag

રાવજી પટેલ રાવજી પટેલ
છબિલકાકાનો બીજો પગ
રાવજી પટેલ

ખી ખી કરતો બાબુડિયો દાદરા પરથી નીચે ઊતરી પડ્યો. વાસણ માંજતાં માંજતાં એણે ‘મેરી જાં - મેરી જાં’ની સિસોટી મારી. પાણી છાંટીને થાળી પરનું નામ વાંચ્યું : છબિલદાસ જુગલદાસ ત્રિવેદી. ગામ - અમદાવાદ. હડફડ હડફડ હાથ ફેરવી-ધોઈને ચપ ચપ કરતો દાદરો ચડી ગયો. છબિલદાસ પાન બનાવતા હતા. એક પગ ભોંય પર લટકાવી હળવેકથી હીંચકાને ઠેલો આપતા હતા અને સોપારી કાપતાં કાપતાં બોલવા લાગ્યા :

‘અલ્યા તારે પાન ખાવું છે?’

બાબુડિયો વાસણ ગોઠવતો ગોઠવતો અવાજ થાય એવું હસી લે છે. પૂરું હસી શક્યો એટલે નાકનું લફરું સફળક કરતું અડધે આવીને અટક્યું; એને નળ આગળ જેવું હસતાં ફાવતું હતું એવું રસોડામાં ફાવ્યું; એટલે વાંકો વળીને ચડ્ડીની કિનારથી નાક લૂછીને હાશ કર્યું. અને બગીચાનું ફૂલ સૂંઘતો હોય એમ ઓરડામાં પ્રસરેલી અગરબત્તીને સૂંઘી. અવાજ થાય રીતે વાસણ મૂકવાનો ઘરમાં ‘ધારો’ હતો એટલે મંછુ ભાભીના છોકરાને ઘોડિયામાં સુવાડતો હોય એમ બાબુડિયો થાળી-વાટકો-તપેલી ગોઠવતો હતો. અચાનક ઠાકોરજીની મૂર્તિ જેવો ‘પવિત્ર’ પગ રસોડાના બારણા વચ્ચે આવ્યો, બાજુમાં ઘોડીનો ઠોયો : બાબુના નામ જેવો - કઠણ.

‘મેં કહ્યું તારે –‘ બારણા બહાર બોલાયેલા અર્ધવાક્ય પછી ‘ઓહ ઠાકોરજીની પૂજા કરે છે? મેં કીધું...’ વાક્ય જોડાયું અને ઠપક ઠપક કરતા હીંચકા તરફ જતા રહ્યા. બાબુડિયો ફસાક દઈને હસી પડ્યો. પછી અપરાધભાવ જાગૃત થયો અને ‘જય ઠાકુર જય ઠાકુર’ બબડ્યો અને કળસો મૂકવા જતાં જતાં પાણિયારા આગળ તે ઊભો રહ્યો. જીબાકાકીના હોઠ ફફળ ફફળ થતા હતા. બાબુડિયાને આશ્વાસન મળી ગયું હોય એમ હરખ્યો. એમ કે પોતે ચોખા વેરાઈ જાય એવું ખુલ્લું હસ્યો છે એવું બેમાંથી એકે જાણી નથી ગયું નહીં તો ગયા બુધવાર જેવું થાય

‘તારું નખ્ખોદ જાય મૂઆ બાબુડિયા, અમે ખાવા બેઠા હોય ત્યાં શું જોઈ રહ્યો છે?’

‘હવે છોકરું છે! મારા ભૈ, એમાં કરાંઝે છે શું? જા લ્યા, ફરી વાર ડોકાચિયું કરતો.’

અને અગરબત્તીના ધુમાડામાં એનું મોં ખીલ્યું. ‘જીરે મેં તો મુંબઈનો દરિયો દીઠો!’ એવું કશુંક ગાવાનું મન થયું. પછી હિંમત કરીને છબિલદાસ પાસે ગયો. જીબાકાકી ઠાકોરજીને માથું નમાવે એમ એણે પ્રણામ ઝાપટ્યાં ‘મિલન’માં સુનિલદત્ત બારણાં વચ્ચે બેસે છે એમ હીંચકા સામે તે બેઠો. ઘડી પહેલાં ચડ્ડીની કિનાર લફરાવાળી થઈ હતી; યાદ આવતાં એના પર જમણો હાથ મૂકી દીધો. મો પર સગુંવહાલું મરી ગયું હોય એવી ઉદાસીનતા લાવ્યો. હસવું આવી જાય એવો શુદ્ર અવિવેક થઈ જાય એટલે બેઉ હોઠ બીડી દીધા. ક્લાસમાં સતીશ માસ્તર આગળ ઊભો રહે ને જેવું મોં કરે એમ કર્યું.

‘શું છે ‘લ્યા તારે?’ છબિલદાસે અંદર અવાજ જાય એવું પૂછ્યું.

‘કંઈ નહીં કાકા, તો મારી માને પગે વાગ્યું છે કહેવા બેઠો છું.’

‘તારી માને પગે વાગ્યું છે? ક્યારે? વધારે તો નથી વાગ્યું ને! લોઢુંબોઢું તો નથી વાગ્યું ને? જીબાકાકી બારણા આગળ આવ્યાં જોઈને બાબુડિયો મનમાં રાજી થયો. એણે મોં ઢીલુંઢસ કરી નાખ્યું. ઊહુહુ કરીને મોં નીચું કરી નાખ્યું. આંખ ખૂબ ચોળી.

‘હવે ગાંડિયા, એમાં આટલું શું કામ રડતો હઈશ? જા, બાથરૂમમાં હડી કાઢ, મોં ધોઈ નાખ. તારે સોપારી ખાવી છે?’

બાબુડિયો દશશેરી હલાવીને ઊભો થઈ ગયો. છબિલદાસના કહ્યા મુજબ બાથરૂમમાં પેઠો. અંદરથી સાંકળ વાસી. તાકામાં સનલાઈટ પડ્યો હતો તે ચડ્ડીના ખિસ્સામાં મૂક્યો. મોં ધોઈને બહાર નીકળ્યો. એને સેકેલી સોપારી છબિલદાસના હાથે કાતરેલી - ખાવા મળી. જીબાકાકીનો સ્નેહ પણ કાકા જેવો બની ગયો. પરમદાડે બપોરે સુખડી સેકી હતી તેનાં બે ચક્દાં મળ્યાં. દિવસે સોડમથી તે કેટલો ચકરઈ ગયેલો! આંબાવાડી, નવરંગપુરા, આશ્રમરોડ અને વાડીલાલ થઈને વિવેકાનંદમાં પાછો આવેલો. એની મા શોધાશોધ કરતી હતી. છોકરો રખડતો થઈ જાય તો? નિશાળમાંથી પણ કેટકેટલી ફરિયાદો આવે છે? શારદામંદિરનાં છાપરાં બાજુથી એક છોકરી ચોથા ધોરણમાં આવે છે એને ધીબી નાખી’તી. અઢી રૂપિયા ચોરી ગયો હતો. વગેરે વગેરે...

‘હવે તારી માને પગે કેવું છે?’ છબિલદાસના પ્રશ્નથી જીબાકાકીને ચીડ થઈ.

‘કેમ કંઈ અઠવાડિયું વાગ્યાને થયું છે તે પૂછો છો? આજ વાગ્યું ને આજ પૂછો છો? તે કેવા છે?’

બાબુડિયો તોય મોં બગાડતો નથી. હસવાનું તો પછી છે જ, થોડુંક દાબી રાખવામાં ફાયદો સમજવો. છખિલદાસે એને નવો કક્કો ભણાવ્યો છે. બારણાની સ્ટોપર ઊંચીનીચી કરવાથી દુઃખી માણસ દેખાવાય એવું ‘દિલ એક મંદિર’માં કે ‘દો બદન’માં જોયેલું. એણે માથું ઢળેલું રાખ્યું ને દોઢ રૂપિયો મળ્યો : પૂર્વ પ્લાન મુજબ; બાર આના આમ અને બાર આના તેમ... ‘લે પાટો બંધાવીને મને ખબર કહી જજે. અને બીજા જોઈએ તો લઈ જજે.’

પછી ઊભો રહે એનું નામ બાબુડિયો નહીં.

બસ-સ્ટેન્ડની બાજુમાં મોટું ખેતર છે. એમાં છાપરાં છે. લાકડીઓના ટેકાથી ગોદડીઓ ઢાંકીને પણ કેટલાકે ઘર બનાવ્યાં છે. દોઢ રૂપિયામાંથી અધેલો તોડ્યો. એક કલકત્તી પાન, નંબર ત્રીસ સાદી અને બે ચોકલેટ. થાંભલાને ટેકે ઊભો. કાથીના છેડાથી સાદી સળગાવી. ચડ્ડીના ભાગમાં વલુર્યું. પછી છાપરામાં છે કે નહીં એની ખાતરી કરી લીધી. કાળિયા કૂતરાની જેમ તરાપો મારતો બસ-સ્ટેન્ડ પાસેની આંબલી નીચે આવ્યો. છાપરામાંથી બેચાર છોકરાંને ભેગાં કર્યાં. આંબલી નીચે ગબી હતી, એમાંથી ધૂળ સાફ કરી દાવના વારા નક્કી કર્યા અને ‘મુજકો નીંદ નહીં આતી’ ગાતો ગાતો બાબુડિયો પાની પર ભાર દઈ અંગૂઠાથી અર્ધું વર્તુલ દોરીને ઊભો. પિચકારી મારી, ત્રાંસી આંખથી તપાસ કરી અને દાવ લીધો. છસાત દાવ પછી રેવી આવી. બાબુડિયો છબિલકાકાની જેમ આંખમાં હસ્યો. વિચાર કર્યો - સાતેય છોકરાને અલોપ કરી દીધા હોય તો! અને હીંચકા પર બેઠો હોય એમ મુઠ્ઠીમાંના સાતેય પૈસા અને પોતાનો પંજો (પાંચ પૈસા) ખખડાવતો વાંકો વળ્યો. પગથી ઠેલો મારતો હોય એમ ફરીથી પાછો વંકાયો અને ‘જે ઠાકોર’ કરીને ગબીને લક્ષમાં લીધી.

‘તારે રમવું છે?’

‘પણ પૈસા ક્યાં છે?’

‘લે હું આલું.’ અને પિચકારી મારીને પાન ખાવાનો ચસકો લગાડ્યો. ‘એકે એક બધાયના પૈસા જીતીને સૌને કાઢી મૂક્યા. પછી ચડ્ડીના ગજવામાંથી સનલાઈટ કાઢ્યો. રેવી જોઈને ‘એ શું લાવ્યો? લાય તો’ કરતી ઝૂંટવવા જાય અને બાબુડિયો જાણી જોઈને રેલવેના પાટા બાજુ દોડે. પાછળ રેવી, આગળ છબિલકાકાનો બીજો પગ...

જીબાકાકી રોજ સાંજકનાં આશ્રમમાં જાય છે. પાછલી ઉમ્મરમાં દેવકથા કામ લાગે. દીકરો હોય તો લઢવા મંડે, દીકરી હોય તો સાલ્લો સાલ્લી માગે અને ભાણેજા-છોકરાં ખોળો બગાડે પણ દેવકથા અવતાર ‘પવિતર’ કરે. બાબુડિયાની મા આગળ આવું આવું વેતરાય ત્યારે છબિલદાસ સાથે બાબુડિયો બાજી રમતો હોય.

બાજીમાં કૂકી વિશે કાકા વાતો કરે... પહેલી વખત સાહિત્યકાર જેવી ભાષામાં છબિલકાકાએ કહ્યું હતું :

‘કૂકી ગંદી છે.’

અને અક્કલનો ઓથમીર, બાથરૂમમાં કૂકી ધોવા ઊભો થયો હતો, એનો કાન મરડીને છબિલદાસે એને બોધપાઠ આપ્યો હતો કે - ખરપા, હું બાજીવાળી કૂકીની વાત નથી કરતો.

અને એને ત્રીજે દિવસે જીબાકાકીએ ધજાગરો માંડ્યો. ધોકેણું પછાડ્યું. બાબુડિયાના નામ પર થૂંક્યાં, બંગલામાં જેટલા જેટલાએ કામ બાંધ્યું છે સણીજાનું; તે સૌને સંભળાવ્યું. મૂઓ ચોન્ટો છે. મારો એકનો એક સાબુ લઈ ગયો. જોકે તે ચાર પાંચ વખત વાપરેલો હતો. પણ એથી શું થઈ ગયું? એનું નખ્ખોદ જાય, મેં તો એને ઉપરથી સુખડી આપી! એના કરતાં પેલી રેવા નહીં સારી? બચારી બધું કામ પૂછ્યા વગર કરી નાખે. નામ પણ કેવું - રેવા. નર્મદા માતાનું બીજું નામ રેવા છે હોં કે! કામવાળી હોય તો એવી હોવી જોઈએ.

બરાબર વખતે હીંચકા પર બેઠેલા છબિલદાસ મૂછમાં સોપારી ચાવતા હોય એવું મલક્યા. ખસરક ફીસ હી હી હી... અને પંદર વર્ષના છોકરડાની જેમ રઘવાયા થઈને પગનો ઠેલો માર્યો! ચુંચડ વંચડ ધસ-ચુંચડ વુંચડ ધસ કરતો હીંચકો અને છબિલદાસનું જોશીલું મન ભેળાં થઈને બાબુડિયો બની ગયો હોય એમ:

અખિયાં હરિદરસન કી પ્યાસી

રાગડો તાણ્યો. કૂતરું કાન પટપટાવે એમ માથું ધુણાવી, મનોમન ગાયન બેસાડ્યું: નહીં

‘મુજકો નીંદ નહીં આતી...’

પણ ધીરે ધીરે બાજુની ભીંતની પેલી પાર કૉલેજિયનો રહેવા આવ્યા છે. બાબુડિયો કહેતો હતો સાલો કે તમે ગાવ છો ત્યારે કૉલેજિયનો ઈંગ્લિશ ડાન્સ કરે છે. ખાસ કરીને ફીટ પેન્ટ પહેરે છે તે. એનું નામ પણ બાબુ છે. છબિલદાસ પાછા રિવર્સમાં વિચાર કરવા મંડ્યા. ‘જો એનું નામ બાબુ હોય તો પછી શો વાંધો છે.’ અને એમણે ઘોડી સમ્હાલી. હીંચકાના લયને ઘોડીમાં જોડ્યો. બાબુડિયાના નામની બૂમ પાડી. ઘરમાં જીબાકાકી હોય ત્યારે તે બરાબર આવી ટેકનિકલ બૂમ પાડે છે.

નીચેથી :

‘એ આવી !’ અવાજ આવ્યો અને વખતે બાજુનું બારણું પણ ઊઘડ્યું. ફીટ પેન્ટ પહેરેલો છોકરો બાબુડિયાથી ખાસ્સો મોટો, રંગ બાબુડિયાને ‘જીરીક’ અમથો મળતો; સહેજ અપમાન થયું હોય એવો ચહેરો કરીને હસ્યો. મોટી ઉમ્મર જોઈને કદાચ એને હસવું આવ્યું હતું.

‘તમને નહીં ભલાદમી, તો તમારી કાકીને બોલાવતો હતો. નવા રહેવા આવ્યા છો એટલે તમારું નામ તો પૂછવાનો હતો, શું નામ તમારું!’

‘બાબુ.’

‘જે ઠાકુર’ અને તેમણે મૂળથી સોપારી કાતરી (હસ્યા) અને ઉમેર્યું, ‘એવું? તમારું નામ પણ બાબુ છે? મારે અને ઉપર સારો પ્રેમ; લેણદેણ પણ સારી. મારા કામવાળાનું નામ પણ બાબુ છે અને હમણાં નવી રાખી છોકરીનું નામ પણ ઉપર છે. તમારી સાથે છે ભાઈનું નામ?’

‘ણપતિશંકર’ એણે અંદર જોઈને નામ કહ્યું. ‘એનું નામ પર છે. મારે સાથે સારી લેણદેણ છે.’ નવો બાબુ પાછો અંદર પેસી ગયો.

છબિલદાસને બાબુ ગમી ગયો. છોકરો ગમ્મતિયાળ છે. પણ બાબુની સાથે એને મૂકી શકાય. એવી ભૂલ કરવાનું સાહસ કરવાનું સ્વપ્ન પણ આવે તો સારું; નહીં તો નવો બાબુડિયો પોતાને નામ ચોપડી દેશે અને સોસાયટીમાં ચવાણાના પડીકા જેવી પોતાની અવ્વલ આબરૂને વેરણછેરણ કરી મેલશે. છબિલદાસ સાથે નવો બાબુ વાતચીત કરતો હતો; સંવાદ દાદરા પર ચડતાં ચડતાં બાબુડિયો સાંભળી ગયો હતો. સમજી શક્યો. ભાષા સાલી પોતાના સિવાય બીજો બોલે છે ત્યારે બાયડીની જેમ બદલાઈ જાય છે. અને તેને ખ્યાલ આવ્યો કે પોતે અને પેલો નવો આમ તો બેઉ બાબુડિયા છે, પણ જોવા જાવ તો આભ- જમીનનો ફેર છે. પેલો બાબુડિયો છબિલદાસની મશ્કરી કરતો હોય એમ પહેલી વાર મળ્યો તોય ઠસ્સેદાર બોલ્યો ને પોતે સુખડીનાં ચગઠાં સારું... એને પહેલી વાર છબિલદાસનું નાક ખવાઈ ગએલી ખારેક જેવું લાગ્યું. માલ વગરનો માણસ પોતાને બાબુડિયો કહી જાય? તો ઠીક પણ નામથી પાછો એની ફોફરેલા ગાલવાળી બૈરીને બોલાવે! એણે વાસણની કથરોટ જરાક રોષ સાથે પછાડી. જીબાકાકી ‘જે ઠાકોર’ કરતાં ઓરડામાં પેઠાં. ૧૯૩૯ની સાલમાં પહેલો છોકરો પેટે હતો ત્યારે એમની સખીએ ભેટ આપેલું ‘એલારામ’ આશ્રમ જવાનો કાંટો બતાડવા મંડ્યું એટલે ડોશીના પગમાં ભજનની કડીઓ વીંટાતી હોય એમ (સારું થયું નરસી મેતાની જેમ એકેય ચેલકું જીવ ખાનારું રહ્યું નથી.) થયું.

‘મૂઆ ખસ આઘો ચોન્ટા, તારા કરતાં રેવા સારી.’ એટલું કહીને બારી આગળ જઈને નળ આગળ ઠાકોરજીનાં વાસણ ઘસતી રેવીને વહાલપથી કહ્યું :

‘રેવા ઓ, પછી વાસણ તું ઠાકોરજીના તાકામાં ગોઠવી દે જે હોં કે! નખોદિયાને આપતી.’ અત્યાર સુધી બેખબર રહેલા છબિલદાસને ગોળની ગાંગડી મળી હોય એમ ખીલ ખીલ થયા, ઘોડીને પકડું પકડું થયું અને પગનો ઠેલો, બાબુડિયાનો બરડો અને ખાલી દાદરનો અવકાશ બધું ભેગું કરીને બોલ્યા :

‘તે તું આશ્રમે આજે વહેલી જાય છે, એમ ને?’

અને વાક્યનો ‘મરમ’ સારી પેઠનો સમજી ચૂકેલો બાબુડિયો આજે હસવાને બદલે હોઠ દાબવા મંડ્યો. વાસણને પોતાના શરીરમાંથી કાઢીને પછાડતો હોય એમ પછાડવા મંડ્યો. રસોડાવાળી બારીમાં રહીને એણે નીચે - નળ આગળ ઠાકોરજીનાં વાસણો ઘસતી રેવીને જોઈ, પહેલી વખત છબિલદાસથી જરાક જુદો પડે એવો તરુણ ખૂંખારો ખાધો. રેવીએ ઉપર જોયું, નળ આગળ રમતા છોકરાને રેવીએ કહ્યું : ‘પાણી તો છે નહીં અલ્યા, શું કરવા અમસ્તો...’

અને બીજે ખૂંખારે ગરદન પર ઝાટકો મારતો હોય એમ વાસણ નીચે ફેંક્યું. અને છબિલદાસની વહુ ઝાંપા બહાર નીકળી ત્યારે વાસણ લેવા નીચે ઊતરેલા બાબુડિયે રેવીને સુનાવી દીધું હતું, અલબત્ત સાચી વાત કરી નાખી હતી કે પવિત્ર વાસણ મૂકી આવ પછી આપણે રેલવેના પાટા તરફ આંબલીના મરવા તોડવા જઈએ વગેરે વગેરે...

રોજની જેમ જૂનો બાબુડિયો વાસણ ઘસીને એકલો બહાર જતો રહ્યો પણ એની સાથે રેવી પણ ઝાંપા બહાર નીકળી ગઈ હતી, બીજા ભાગમાં રહેતો નવો બાબુડિયો એને જોઈને ડઘાઈ ગયો હતો; છબિલદાસના હાલહવાલ જોવા બહાર આવ્યો ત્યારે દાદર આગળ આવીને ‘બચારો જીવ’ પોતાથી વિખૂટા પડેલા પુરાતન પગને જતો જોઈ રહ્યો હતો... નવો બાબુ હસીને કાકાનું નામ પૂછવાનો વિચાર કરતો હતો.

(વૃત્તિ અને વાર્તા : પ્ર. ૧૯૯૭)

સ્રોત

  • પુસ્તક : નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય : 2 (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : જયેશ ભોગાયતા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2005