ચંદ્રા શ્રીમાળી
Chandra Shrimali
ચાલુ વર્ગે, ચાલુ નિશાળમાં છાનામાના-છાનામાના ચણીબોર ખાવાની મજા કાંઈ ઓર જ હોય છે. કોઈની નજરે ન પડી જવાય તેમ, ખાસ કરીને વર્ગશિક્ષકથી બચીને, હળવેકથી ફ્રોકના ઊભા ખિસ્સામાં હાથ સેરવીને માત્ર એક ચણીબોરને વળી હળવેથી હથેળીમાં છુપાવી રાખવાનું અને જાણે બગાસું આવતું રોકવાનું હોય એમ સાવ સહજતાથી હાથને મોં સુધી લઈ જઈને બંધ મુઠ્ઠીમાં છુપાવી રાખેલું બોર મોંમાં સરકાવી દેવાનું, પછી ધીમે ધીમે ચગળતા ચગળતા ખાઈ જવાનું અને એનો એકદમ સાફ સુથરો થઈ ગયેલો ઠળિયો કોઈને ખ્યાલ ન આવે તેમ, અરે, બાજુમાં બેઠેલી બ્હેનપણીનેય શક ન પડે તેમ, ધીમે રહીને પાછલી બેન્ચ તરફ અવળા હાથે છુટ્ટો સરકાવી દેવાનો. આવી રીતે ચોરી ચુપકીથી ચાહે ચાર બોર ખાઈ શકાય પણ એની તૃપ્તિનો ઓડકાર અનેરો હોય છે. આહા ! કેવી મજા પડે ! ખરેખર આવી રીતે ચોરી છુપીથી ચાલુ નિશાળે ચણીબોર ચગળવાની મજા નિરાળી હોય છે. વળી નિશાળમાં રીસેસ પડે ત્યારે ઝડપટ ભાગવાનું, ચણીબોર વેચનારાની લારી તરફ રીતસર દોટ જ મુકવાની. પછી દસ પૈસાના ચણીબોર ખરીદવાનાં. ઈચ્છા તો એવી થાય કે એક સામટા બે પાંચ રૂપિયાનાં દફતર હાઉસ્કૂલ થઈ જાય એટલાં બધાં બોર ખરીદવાનાં મળે તો કેવું સારું, પણ રે નસીબ ! નિશાળમાં વાપરવા માટે તો માંડ દશિયું જ મળે અને દસ પૈસાનાં બોરનું તો નાનકડું પડીકું જ વળાય, એમાં શું ભલીવાર આવે ? એટલે પડીકું ફરીથી ખોલાવવાનું, એમાં મીઠું મરચું ભભરાવવાનું. આટલી ક્રિયા કરતાં-કરાવતાં જેટલો સમય જાય તેટલામાં આઠ-દસ બોર ચાખવા ચાખવામાં મફત ખાઈ જવાનાં. આવાં મફતનાં બોર તો વળી ઓર મીઠાં લાગે, અરે ! ખાટાં હોય તોય મીઠાં જ લાગે. એ વખતે સાત આઠ વર્ષની ઉંમરે એવી બુદ્ધિ ન હતી કે મફતનું ના ખવાય. કોઈની વસ્તુ ચોરીને ના ખવાય એટલી જાણકારી બસ હતી. બાકી લારીવાળાની નજરની સામે જ ઊભા રહીને વટથી, ચાખવા-ચાખવામાં દશબાર બોર ખાઈ જવામાં - વળી કોઈની બીક કેવી ? ચણીબોર તો ચાખીને જ ખવાય ને ! ચણીબોર ચાખવાનો અધિકાર તો જાણે જન્મસિદ્ધ અધિકાર હોય એમ માનીને બોરની પાછળ પાછળ ઘેલી થઈ જતી. એ નાનકડી દુબળી પાતળી ‘બાળા’ આજે તો “બા” થઈ ગઈ છે. નાનપણમાં એનું નામ હતું દેવયાની. લાડમાં સૌ એને “દેવી” કહેતાં. એના અટકચાળા, અવળચંડાઈ અને અંચઈથી કંટાળતાં ત્યારે ઘરનાં અને બહારનાં સર્વ એને “દેવલી ચિબાવલી” કહીને નવાજતાં. એ ‘વિરબાળા’ દેવયાની આજે ‘દેવુબા’ તરીકે ભલે ઓળખાતાં પણ આજે પિસ્તાળીશ વર્ષેય દેવુબા ચણીબોરનાં ચાહક છે. દેવુબાને ઘેર ગાડી બંગલા ને નોકર-ચાકર છે. સુખ સાહ્યબીની કોઈ કમી નથી. અથાગ સંઘર્ષ કરીને સ્વબળે તેમણે આ બધું મેળવ્યું છે, વસાવ્યું છે. એટલે કોઈનીયે તમા રાખ્યા વગર મોજની જિંદગી જીવે છે દેવુબા. કહ્યાગરા કંથ નરેશકુમાર પણ હવે તો ‘સસરાજી’નાં હોદ્દા સુધી પહોંચી ગયા છે. બબ્બે દીકરાઓ અને બબ્બે વહુઓથી ઘર ભર્યું છે. પણ હવે તો સાસુ-સસરાની પદવીઓ મળ્યા પછી આ બંનેને ભારમાં રહેવું પડે છે. અંદરો અંદર હસીમજાકમાંય અદબ જાળવવી પડે છે. નરેશકુમાર તો પ્રથમથી જ ઓછા બોલા છે. પણ દેવુબા ? ખુલીને વાતો કરવાનું ન મળે ત્યારે ખોવાઈ જાય છે, બાળપણની ગલીઓમાં. એમની બાવરી આંખો શૈશવની સાંકડી શેરીમાં ખોળે છે ચણીબોર. ક્યાં ખોળવા પ્રિય ચણીબોર ? ક્યાં ખોવાઈ ગયા મીઠડાં ચણીબોર ?
આજે સહકુટુંબ ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે નિસર્ગ દર્શનનાં શોખીન દેવુબાએ. વહેલી સવારથી જ સૌ ગોઠવાઈ ગયા છે ગાડીમાં. સૌનાં મન હળવાંફૂલ જેવાં છે. દેવુબાના પતિ સેલ્ફ ડ્રાઈવિંગ કરી રહ્યા છે. નરેશકુમારને સ્પીડમાં ગાડી હંકારવાની કુટેવ છે જ્યારે દેવુબાને પ્રકૃતિના નયનરમ્ય રંગોને આંખોમાં ભરી લેવાની ટેવ છે. એટલે સ્પીડમાં ચાલી જતી ગાડી પર કાબુ રખાવવાના હેતુસર દેવુબા પતિની બાજુમાં જ ગોઠવાઈ જાય છે. પાછળની બાજુએ ખાસ બનાવવામાં આવેલી સામસામેની સીટો પર બંને છોકરાં અને વહુઓ આમને સામને ગોઠવાઈ ગયાં છે. કારટેપમાં કોઈક ઇંગ્લિશ મ્યુઝિકની ધૂન જોરશોરથી વાગી રહી છે. એ સાંભળવામાં પાછળ બેઠેલી ચોકડી તન્મય છે. અમદાવાદ છોડીને મારુતિવાન મહેસાણા હાઈવે પરથી પસાર થઈ રહી છે. વાયા પાલનપુર થઈને માઉન્ટઆબુ જવાનો કાર્યક્રમ ઘડીને નીકળ્યાં છે બધાં. જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ દેવુબાના ચહેરાના હાવભાવ બદલાય છે. ઇંગ્લિશ મ્યુઝિકની ધૂનને અર્થ વગરની, વાહિયાત અને નકામી સમજે છે દેવુબા. એમના ચહેરા પર હળવાશની જગ્યાએ સ્પષ્ટ કંટાળો જણાય છે. દેવુબાએ હળવેકથી પતિને ટકોર્યા, કોઈ જૂની ફિલ્મનાં ગીતોની કેસેટ સંભળાવોને ? કહ્યાગરા કંથે કેસેટ બદલી કાઢી અને દેવુબાના કર્ણપટ ઉપર લહેરાઈ ઊઠે છે જૂની ફિલ્મનાં ગીતોનાં શબ્દો... બચપન કે દિન ભી ક્યા દિન થે? ઉડતે ફિરતે તિતલી બન... બચપન કે દિન, દેવુબા ઝૂમી ઊઠ્યાં. એમના ચહેરા પર હળવે હળવે શૈશવનાં ગુલાબની ઝાંય ફરી વળી... એ ગણગણવા લાગ્યાં, ‘બચપન કે દિન !’ છોકરાઓએ મમ્મીનો અવાજ સાંભળીને અંદરોઅંદર ગણગણાટ શરૂ કર્યો અને મમ્મીની મજાક શરૂ કરી, “અરે પપ્પા ! જુઓ તો ખરા, અમારી મમ્મી તો સાવ જૂનવાણી જ રહી. ગ્રેજ્યુએટ થઈ છે તોયે સુધરી નહીં. આ તે કાંઈ ગીત કહેવાય ? ને પ્લીઝ પપ્પા ! જૂના જમાનાના રાગડા સાંભળીને અમે તો બોર થઈ ગયા. પ્લીઝ કેસેટ બદલોને.” દેવુબાએ જોયું કે છોકરાઓ એના પપ્પાને તંગ કરે છે અને છોકરાઓને નારાજ કરવાનું દેવુબાને ગમતું નહીં. દેવુબાએ જ ચુપચાપ કેસેટ બદલી નાંખી અને છોકરાઓને પ્રિય એવી કોઈક કેસેટના બેસુરા સૂર ફરીથી હવામાં રેલાઈ રહ્યા. છોકરાઓ તાનમાં આવી ગયા. ધૂનના તાલે તાલે પગના હળવા ઠેકા આપીને રંગત જમાવવા લાગ્યા. બંને વહુઓએ પણ ખુશીમાં સંગત આપી. દેવુબાએ બહાર નજર ફેરવી અને રસ્તાની બંને તરફથી પસાર થઈ રહેલી જંગલી ઝાડીઓના નિરીક્ષણમાં મન પરોવ્યું. હવે તો મહેસાણા પસાર થઈ ગયું. હાઈવે પર નિશ્ચિત ગતિએ ચાલી જતી ગાડી એક પછી એક માઈલસ્ટોન વટાવતી ચાલી જાય છે. દેવુબા વિચારે છે; આ રસ્તો કપાતો જાય છે તેમ મારી જિંદગીનાં વર્ષો પણ કપાતાં જાય છે ! ચાલી જતી ગાડીની જેમ દેવુબાની ઉંમર પણ સટસડાટ કપાતી જાય છે! પણ રે મન ! દેવુબાનું મન ! દેવુબાનું મન તો પાછળને પાછળ જ ધકેલાતું જાય છે, શૈશવની સ્મરણગર્તામાં; જ્યાં બટકબોલી દેવયાની બે હાથ ફેલાવીને દેવુબાને બોલાવી રહી છે. દેવુબા મનોમન દેવયાની સાથે વાતે વળગે છે. રે દેવી ! બોલને ? ક્યાં ગયા મારા બાળપણના દિવસો ? શું ફરી કદીયે એ દિવસો પાછા ન આવે ? ક્યાં ગઈ એ કાંકરિયા તળાવની કિનારે આવેલી નિશાળ ? એ વર્ગ ? ચોરીછુપીથી ખાધેલાં ચણીબોરની મજા ? ટચુકડી સખીઓ સાથેની ઠઠામજાક ? બોરના ઠળિયાની ફેકાંફેંકી અને લાતાલાતી ? બોરનાં ઠળિયાની છૂટા હાથે કરેલી લ્હાણી ? બોર ખાધા પછી યે ધરવ ન વળે ત્યારે પત્થર વડે ઠળિયા ભાંગી-ભાંગીને એકઠા કરેલા ઠળિયાની અંદરનાં મિંજની મિજબાની, હવે ક્યાં ? શું એ બધું જ ગરક થઈ ગયું અતીતના પેટાળમાં? રે દેવી ! કેટલી જલ્દીથી પસાર થઈ ગયાં વર્ષો ! હજી ગઈ કાલ સુધી તો બધું જ હતું નાનકડી બંધ મુઠ્ઠીની ભીતરમાં અને આજે આ બેઉ હાથ સાવ ખાલીખમ્મ છે. મુઠ્ઠી ખૂલી ગઈ છે. પલકભરમાં જાણે આખો જન્મારો જતો રહ્યો. વેદનાની શૂળો ભોંકાઈ રહી દેવુબાનાં કાળજામાં. શું હવે આમ જ જીવ્યે જવાનું ? શું વર્તમાન એ જ જીવન ? દેવુબાનાં સ્મરણોની વણઝાર જાણે વર્તમાનનાં ધગધગતા સહારાનાં રણમાં અટવાઈ પડી. ક્યાં ગઈ દેવયાની ? ક્યાં ગઈ દેવલી ચિબાવલી ? રે દેવી ? જરી જો તો ખરી ? હવે તો દેવયાનીની જગ્યાએ ગોઠવાઈ ગયાં છે ભારે ઠસ્સાવાળાં જાજરમાન દેવુબા. હા ભાઈ હા... હવે તો દેવુબાને ભારમાં જ રહેવું પડે ને ? મોટા મોભા પ્રમાણે મોટાઈ પણ દેખાવડી પડે છે દેવુબાને. અને એટલે જ તો ગાંભીર્યનો મુખવટો ચઢાવીને દેવુબા હવે દેવયાનીની સાવ બાળ સહજ હરકતોને ફાવટ નથી તોય તોળી તોળીને જ બોલવું પડે છે. જે ક્ષુલ્લક બાબતો મનને સ્પર્શી શકતી નથી તેના વિશે બોલવાનું ઓછું કરી નાંખ્યું છે દેવુબાએ. પણ રે મન ! મનની મહેલાંતોને તાળાં ક્યાંથી મરાય ? દેવુબાની મનની મહોલાતો તો આજેય અકબંધ અને અડીખમ છે, જેની ઉપર એકચક્રી શાસન ચાલે છે માત્ર દેવયાનીનું. દુન્યવી વાતો અને ઉપરછલ્લા દંભી વ્યવહારોથી દેવુબા અકળાઈ જાય છે ત્યારે તેઓ દેવયાનીનાં દ્વાર ખટખટાવે છે. આ દેવયાની પણ ખરી છે, બહુ જબરી છે. પ્રથમ તો મેઈન ડોરનાં ‘કી હોલ’માંથી બહાર જુએ છે અને દેવુબાને જોતાંવેંત દેવયાની ફટાફટ રિમોટ કંટ્રોલથી એના મહેલના બારેય દરવાજા અને ચોવીસેય ઝરૂખા એકીસાથે ખોલી નાખે છે. અને પછી બંને સહિયરો અલક-મલકની, બાળપણના ફલકની વાતોએ ચડી જાય છે. ચણીબોર ચાખે છે, ચોરે છે, ફેંકે છે, વહેંચે છે. આમ દેવયાની સાથેનાં બ્હેનપણાં દેવુબાએ બરોબર જાળવી રાખ્યાં છે.
આજે પણ બહાર છોકરાઓનો કોલાહલ હતો. બાકી અંદરથી સાચે જ એકલાં પડી ગયાં હતાં દેવુબા. અકારણ અકળાઈ ઊઠ્યાં’તાં દેવુબા. દેવુબાને દેવયાનીની યાદ આવી ગઈ. ગાડીની ગતિની સાથોસાથ દેવયાનીને મળવા જવા માટે મનોમન હોડ બકી દેવુબાએ. માઈલસ્ટોન પર આંકવામાં આવેલા કિલોમીટરના અંતરના આંકડાની સંખ્યા ઘટતી જતી હતી તેમ તેમ દેવુબાની ઉંમરેય જાણે ઘટતી જતી હોય તેમ એમના ચહેરા પર નરી માસૂમિયત ડોકાવા લાગી. આંખોમાં જાણે માત્ર નિર્દોષતાનું અંજન અંજાયું, નિરભ્ર આસમાન જેવી આંખો જાણે પતંગિયાની પાંખો ! શિશુસહજ ઈન્તેજારીથી રસ્તાની બંને તરફથી પસાર થઈ રહેલાં વૃક્ષો અને જંગલી ગીચ ઝાડીઓ તરફ ભરીભરી નજરે જોઈ રહેલાં દેવુબાની આંખોમાં એકાએક અનોખી ચમક આવી ગઈ. કાંટાળી વનરાજીની ડાળખીઓ પર હવામાંથી ખેંચાઈને આવેલી કોઈકનાં જીર્ણશીર્ણ વસ્ત્રોની ફાટેલી રંગીન ચિંદરડીઓને ટીંગાઈ રહેલી જોઈને દેવુબાને યાદ આવી ગયો એમની માનીતી-ઢીંગલીઓનાં વસ્ત્રોનો વોર્ડરોબ અને અનાયાસે જ ખૂલી ગઈ શૈશવની સ્મરણ મંજુષા. એ ખજાનામાં હતાં અમૂલ્ય રત્નો સમાં પાંચીકાના કાળા ધોળા ગોળમટોળ પથ્થરો, કુકા, કોડીઓ, ચોપાટ, તૂટેલી માળાના મણકા, લાલ-પીળી લીલી બંગડીઓના વીણેલા કાચના રંગીન ટુકડા અને ઢીંગલાનાં ઢગલો એક વસ્ત્રો. દેવુબાએ બે હાથે આંખો મસળીને બરાબર જોયું. કાંટાળી ઝાડીઓ પર લાલ-પીળાં ચળકતાં મોતી કોણે ટીંગાડ્યા ? ચાલુ ગાડીએ બરાબર ભળાયું નહીં હોય એટલે દેવુબાએ દૂરનું જોવાનાં ચશ્મા કાઢ્યાં, રેશમી પાલવ વડે ચશ્માના કાચ બરાબર સાફ કર્યા પછી ચશ્માને આંખે ચઢાવીને બરાબર ધ્યાનથી જોયું તો ખબર પડી કે, આ તો બોરડીનાં જાળાં છે. ઓત્તારીની ! આ તો ચણીબોરનું ચરું છે. અરે, બોરડીનું આખું વન છે! દેવુબા હરખાઈ ઊઠ્યાં, તેમણે જોયું કે પતિ ભલે ગાડી ચલાવતા’તા પણ દેવુબાના ગમા-અણગમાનું ધ્યાન રાખતા’તા. એટલે દેવુબાએ પતિની સામે લમણું વાળીને જોયું કે તરત જ નરેશકુમારે બ્રેક મારી. ચરરચટ કરતીકને ગાડી ચોંટી ગઈ ચારે પગે રસ્તાને ચીપકીને. દેવુબા બોલ્યા, ‘અલ્યા છોકરાઓ ! જુઓ તો ખરા કેવાં લાલચટક ચણીબોર ઝૂલી રહ્યાં છે અહીં ! ચાલો ! ચાલો ! ઊતરો બધા ચણીબોર ચૂંટવા.’ આટલું કહેતાંકને દેવુબાએ ગાડીમાંથી રીતસર કૂદકો માર્યો નાના બાળકોની જેમ. છોકરાઓ ઘડીકમાં ગાડી તરફ તો ઘડીકમાં માડી તરફ ઉત્સુકતાથી જોઈ રહ્યા. પોતાની ‘મમ્મી’ને “જમ્પિંગજેક” સ્ટાઈલથી ગાડીમાંથી કૂદકો મારીને ઊતરતી જોઈને છોકરાઓ ગેલમાં આવી ગયા, અચંબો પામીને જોઈ રહ્યા. બંને વહુઓને પણ નવાઈ લાગી કે આ શું ? અને દેવુબા ? કોઈ ગીચ ઝાડીમાં સસલું સરકી જાય તેમ ઝડપથી દોડીને વહેલા વહેલા પહોંચી ગયા બોરડીનાં ઝાળાં તરફ અને કોઈ હોશિયાર મદારી ઝટ દઈને સાપને પકડવા માટે દરમાં હાથ નાંખે તેમ નર્યા કાંટાથી ભરપૂર બોરડીનાં ઝાળામાં હાથ નાંખીને મંડ્યા ચણીબોર ચૂંટવા. બોરડીનાં કાંટાઓથી ઉઝરડા પડ્યા દેવુબાનાં ગોરા ગોરા હાથ ઉપર, લાંબી-લાંબી ચોળાની સિંગો જેવી આંગળીઓ અને લીસી લીસી ગુલાબી હથેળીઓમાં લોહીની ટશરો ફૂટી, કાળી બળતરા ઉપડી, પણ આ તો હતાં દેવુબા ! કેટલાય વર્ષે આજે જાતે બોર ચૂંટવાનો લ્હાવો મળેલો તે ચૂકે ખરાં ? સામે ચાલીને મળેલી તક ગુમાવે એવાં નાદાન ન હતાં દેવુબા. “ચણીબોર લક્ષ્મી” ચાંલ્લો કરવા આવી ત્યારે મોં ધોવા જવાય ? દેવુબાનો હરખ સમાતો ન હતો. દેવુબાને હૈયે હોંશ હતી છોકરા અને વહુઓને ચણીબોર ચખાડવાની. દેવુબાએ જોયું કે કાંટાળી ડાળીઓમાં ટીંગાઈ રહેલાં લાલપીળાં, કાચાંપાકાં ચણીબોર દેવુબાની સામે જોઈને મલકાઈ રહ્યાં છે, જાણે વર્ષોથી ઓળખતાં ! દેવુબાને ચણીબોરની લાલચોળ ચમકમાં મધમીઠું ઈજન જણાયું. દેવુબા ખુશમિજાજમાં આવી ગયાં. ખુશાલીની આભાએ દેવુબાના ચહેરોને નવીન તાજગી બક્ષી. હવે કાંટા વાગ્યાની ચિંતા કોણ કરે ? જાતે ચૂંટીને ચણીબોર ખાવા મળતાં હોય તો કાંટા તો શું, ચિતા પર ચડવાય દેવુબા તો તૈયાર થઈ જાય, પછી કાંટાની કાળી બળતરાની તો એસી-તૈસી. આ તો દેવુબાનાં દિલપ્રિય ચણીબોર ! ચણીબોરની લાલચમાં તો પોતાના લગ્નને આડા ચાર જ દિવસ હતા ને દેવુબાને માતાના હાથની થપ્પડ ખાવી પડી’તી એ દિવસ કેમ ભુલાય ? જાન આવવાને ચાર જ દિવસ બાકી હતા. કામના ભારણને પહોંચી વળવા કેટલાંક સગાંસંબંધીઓએ અઠવાડિયાથી ઘેર ધામા નાખ્યા’તા, લગ્ન વધાવી લેવાયાં’તાં, ગણેશ બેસાડી દીધા’તા, માણેકથંભ રોપાઈ ગયો’તો. લગ્ન વખતે પાંચ પીઠી કરવાનો રિવાજ. ચાર દિવસની ચાર પીઠી, પાંચમી પીઠી ચોરીમાં બેસાડ્યા અગાઉ ચડાવવામાં આવતી. ગણેશ બેસાડ્યા પછીની પ્રથમ પીઠીની વિધિ પૂર્ણ થઈ ગઈ હતી. લગ્ન વખતે દેવયાની માંડ પંદર સોળની હતી. નિશાળની બેન્ચ ઉપરથી ઊંચકીને લગ્નના બાજઠ પર બેસાડી દેવામાં આવી’તી, દેવયાની આંખોમાં નર્યું આશ્ચર્ય ભરીને આરામથી સાકરના ગાંગડા ચાવતી ચાવતી પગ લાંબા કરીને બેઠી’તી. અડોશપડોશની તથા સંબંધી મહિલાઓથી ઘર ભરાઈ ગયું’તું. એવામાં ક્યાંકથી દેવયાનીની ફોઈનો દીકરો હાથમાં ચણીબોરનું પડીકું લઈને આવ્યો, પડીકું જોઈને દેવયાનીની આંખોમાં અજબની ચમક આવી ગઈ. એણે તો ફટાક દઈ પડીકું પડાવી લીધું અને બુકડો ભરીને લાલ ચટક ચણીબોર ઓરી દીધાં મોઢાની ઘંટીમાં અને ભચભચડ ચાવવા લાગી. આજુબાજુ બેઠેલી મહિલાઓનું ધ્યાન ખેંચાયું બસ પછી તો આવી બન્યું દેવયાનીનું. જોઈ લો મજા કેવી થઈ તે! ચારે તરફથી આખુંય બૈરામંડળ તૂટી પડ્યું દેવયાની ઉપર. હાય ! હાય ! છોડી તો સાવેય ડફોળશંખ નીકળી. અલી ! કાંઈ ભાનબાન છે કે નહીં ? ચોરીનાં ચાર ફેરા ફરવાને આડા ચાર જ દાડા બાકી છે અને બૈનબાને બોરાં ખાવાના સ્વાદ ઉપડ્યા છે ? અલી ઘેલી ! અત્યારે તો કંસાર-લાપસી ખાવાનાં હોય, ખાટાં ટઈડ બોરાં નહીં. ક્યાં ગઈ આ છોડીની મા ? બસ, વાતનો તંત વધી ગયો. બૈરાંઓને નવો ટોપિક મળી ગયો. વાતનું વતેસર થઈ ગયું. પણ દેવયાની જેનું નામ, એ તો નિરાંતે બોર ભચડતી જાય ને બેવડ વળી-વળીને હસતી જાય. હોબાળો સાંભળીને એની માતા દોડતી આવી. બધાંય બૈરાં મંડ્યાં ફરિયાદ કરવા, “તમેય મારી બઈ ! છોડીને કાંઈ શીખવાડયું જ નથી, જુઓ તો ખરાં, કેવી નિરાંતે બોર ભચડે છે !..’ અંતે માતાના વજનદાર હાથની રસીદ ફટાક દઈને પડી ગઈ દેવયાનીના ચહેરા ઉપર. અને બૈરાઓની કાગારોળ સાંભળવી પડી તે તો નફામાં... બોર ચૂંટતાં-ચૂંટતાં આખો પ્રસંગ દેવુબાની આંખો સામે તરી રહ્યો. અનાયાસે જ દેવુબાનો એક હાથ ગાલ પર ફરી વળ્યો. દેવુબા મનોમન મલકાઈ રહ્યા, હસી પડ્યા પોતાની જાત ઉપર દેવુબા. ખાસ્સા બે ખોબા ભરાય એટલાં બોર ચૂંટીને દેવુબાએ હાથરૂમાલમાં બાંધી લીધાં અને ફટાફટ આવીને બેસી ગયાં ગાડીમાં. નરેશકુમાર તરફ જોઈને દેવુબા બોલી ઊઠ્યાં, ‘હાશ ! હવે જખ મારે છે બોરડીના રખેવાળો. તમતમારે મારી મૂકો ગાડી, કે વહેલું આવે આબુ.” દેવુબાએ નિરાંતનો શ્વાસ લીધો ત્યારે કોઈ અજબ સંતોષની આભા ફરી વળી એમના ચહેરા ઉપર. એમણે વિશ્વયુદ્ધ જીતીને આવેલા મહાવિજેતાની અદાથી પાછળ ફરીને છોકરાઓ તરફ જોયું અને કોહીનૂર હીરાનો ખજાનો લૂંટી લાવ્યાં હોય તેમ વટથી પોતાના મોટા છોકરાની સામે બોરથી ભરેલો રૂમાલ ધર્યો અને દમામભરી નજરે નરેશકુમાર તરફ જોયું. દેવુબાએ મનોમન નોંધ્યું કે, પતિદેવ તો ખુશખુશ દેખાય છે. હવે દેવુબાએ પતિ તરફ નજર ખસેડીને બોરની ચકાસણીમાં ધ્યાન પરોવ્યું. મોટા છોકરાએ હાથરૂમાલમાં છુપાયેલા બોરની સામે બેપરવાઈથી નજર નાખી, ન નાખી કરીને સિફતપૂર્વક બોર ચાખવાની વાત જ ટાળી દીધી. એણે દેવુબાને કહ્યું, ‘મમ્મી ! તને તો ખબર છે ને કે, મને એસિડિટી થઈ જાય છે એટલે ડૉક્ટરે ખટાશ ખાવાની ચોખ્ખી ના પાડી છે.’ દેવુબાને લાગ્યું કે, મોટાની વાત તો સાચી જ છે ને ! કાંઈ વાંધો નહીં, ભલે એ બોર ન ખાય. વળી પાછા દેવુબાએ ચણીબોરની સામે આંખોમાં હેત ભરીને જોયું, બરાબર હાથ ફેરવીને બોર પર વળગેલી ધૂળ સાફ કરી. કેટલાંક બોર પર હજીયે વળગી રહેલી ધૂળને ફૂંક મારીને ઉડાડી મેલી, લાલ ચટક, રાતી ચોળ, ચણોઠી જેવા ચણીબોરને બરાબર ધરાઈને આંખોમાં ભરી લીધાં દેવુબાએ પણ એકેય ચણીબોર પોતાના મોંમાં નાખ્યું નહીં. પોતાને જે વસ્તુ પ્રિય હોય એ વસ્તુ પેટના જણ્યાઓને અને પુત્રોથીય વધુ પ્રિય પુત્રવધુઓને ખવડાવવાનું દેવુબાને ખૂબ ગમતું. પણ પરાણે તો ન જ ખવડાવાય ને ! સારું ત્યારે ભલે મોટાથીઈ બોર ન ખવાય પણ લાવ ત્યારે એના પપ્પાને ખવડાવું. એકાએક દેવુબાને યાદ આવ્યું કે, એમને તો બિચારાને કાયમથી શરદી-ખાંસીનો કોઠો છે, બોર ખાય અને ખાંસી-બાંસી થઈ જાય તોય પાછી ઉપાધિ, માટે એમને તો માગે તોય આપવા નહીં, બોર ખાવામાં વળી શરમ કેવી ? દેવુબાએ ફરીથી પાછળ વળીને બંને વહુઓના હાથમાં એકાએક મુઠ્ઠી ભરીને બોર આપ્યાં. બોર આપતી વખતે લંબાયેલા હાથ ઉપર મોટાનું માથું અફળાયું. આમેય કાંટા વાગવાથી ઉઝરડા પડ્યા’તા, લોહીના ટશિયા ફૂટ્યા’તા, એની ઉપર જ માથું અથડાયું એટલે દેવુબાને લાહ્ય ઊઠી પણ ગણકારે કોણ ?
બોરનો સ્વાદ લેવો હોય તો, કાંટાની વેદના વેઠવી જ રહી. દેવુબાએ દર્દને ગણકાર્યા વિના બંને વહુઓના હાવભાવ નિરખવા મીટ માંડી. બંને વહુઓએ સાસુમાને સારું લગાડવાના ઈરાદે બબ્બે બોર મોંમાં નાખ્યા તો ખરાં, પણ પછી એકબીજાની સામે આંખ મીંચકારીને બાકીના બોર બારીની બહાર ફેંકી દીધાં. દેવુબાએ આ જોયું પણ ન જોયું કરીને આડું જોઈ ગયાં દેવુબા. અને ગાડીના ટાયરની નીચે ચણીબોર નથી ચગદાયા પણ પોતાના અસ્તિત્વનો એક અંશ ચગદાઈ ગયો હોય એવી વેદના અનુભવી રહ્યા દેવુબા...
દેવુબાને થયું. હું ગમે તેટલો આગ્રહ કરું તોય વહુઓ મને “સાસુ” તરીકે જ કેમ જુએ છે ? માતા તરીકે કેમ નહીં ? હશે ત્યારે જેની જેવી ભાવના, વળી આંગળીથી નખ વેગળા જ રહે ને ! આમને ક્યાંથી સમજાય મારી ચણીબોર માટેની મમતા ? વળી પાછું મનમાં શું સૂઝ્યું કે, ચણીબોર માટેની પોતાની ચાહત સમજાવવા દેવુબાએ “ચણીબોર પારાયણ” શરૂ કર્યું અલ્યા છોકરાઓ ! જુઓ તો ખરા, જરી ચાખો તો ખરા, કેવાં સરસ છે આ ચણીબોર ! આને ખાવા માટે અમે નાનાં હતાં ત્યારે રાડારાડી અને પડાપડી કરી મૂકતાં. ચાલુ વર્ગે ચણીબોર ખાતાં પકડાઈએ તો મારે પણ ખાતા અને તોય બોર પણ ખાતાં. અને તમે ? મહામહેનતે કંઈ કેટલાય કાંટા વગાડીને તમારા સારું મેં બોરાં તોડ્યાં અને તમે તો ચાખતાય નથી. આ તે તમારું કેવું બાળપણ ? ચણીબોરની માયામાં દેવુબા એ પણ ભૂલી ગયાં કે એમના છોકરાં હવે નાના કિકલા નથી રહ્યા, યુવાનો થઈ ગયા છે બેઉ, વહુઓના વર છે બેઉ. પણ આ તો દેવુબા ! એમને કોણ સમજાવે ? એ પોતે બાળપણમાં જીવતાં’તાં એમ પોતાના બાળકોનેય બાળપણની મોજ કરાવવા માંગતાં’તાં.
નરેશકુમારે જોયું કે એસીડીટીનું બહાનું આગળ ધરીને મોટાએ એની મમ્મીનો હાથ હડસેલ્યો છે અને બંને વહુઓએ પણ બારીની બહાર બોરનો ઘા કર્યો એ પણ એમણે મિરરમાંથી જોઈ લીધું હતું, એટલે બોર ખવડાવવા માટેની બાલિશ ચેષ્ટા કરતાં જોઈને, દેવુબા તરફ જોતાં એમણે ટકોર કરી, “આખા ગામને બોર ખવડાવવાનું બાજુએ મૂકીને તારે ખાવાં હોય એટલાં ધરાઈને ખાઈ લેને ! બેઉ હાથે મોટા ઉપાડે કાંટા વગાડીને બેઠી છો તે પહેલાં તું જ ખાઈ લેને!” પતિ કેટલી બધી કાળજી રાખે છે તે જોઈને દેવુબા ઓળ-ધોળ થઈ ગયાં. મમતાનાં ભૂખ્યા હતાં દેવુબા. એમણે ચણીબોરનું રીચેકિંગ શરૂ કર્યું. કાચા-પાકાં બોરમાંથી શોધી શોધીને પાકાંપાકાં લાલચટક ચણીબોર અલગ તારવ્યા. ફરી ફરીને ફેરવી જોયાં, હળવા હાથે રમાડ્યાં, એક રાતા ચોળ ચણીબોરને વળગી રહેલી નાનકડી ડાંડી હળવે રહીને નખ વડે જુદી કરી. બોર ઉપર ઋજુતાથી આંગળી ફેરવી અને હળવેક રહીને બોર ખાવા માટે હાથ ઊંચો કરે છે ત્યાં જ મોટીવહુનો સત્તાવાહી અવાજ સંભળાયો, “બા, આ શું કરો છો ? આમ તો તમે રાતદિવસ દાંતના દુખાવાની ફરિયાદ કરો છો અને હવે બોર ખાશો તો દાંત કળશે નહીં ? હજી બે’દિ પહેલાં દાઢમાં સણકા ઉપડ્યા’તા તે ભૂલી ગયાં ? અમે તો તમારા સારા માટે કહીએ છીએ, વળી પાછું ખટાશ ખાવાથી દાંત કળશે તો તમે તો હેરાન થશો, સાથોસાથ બધાયને હેરાનગતિ થઈ પડશે.”
અત્યાર સુધી ચૂપ બેઠેલા નાના દીકરાએ પણ ટાપશી પુરાવી, ‘હા, હા, મમ્મી ! ભાભી સાચું જ કહે છે ને ! ગયા વીકેન્ડમાં અમારે ફ્રેન્ડ સર્કલ સાથે ભાજીપાંઉ ખાવા જવાનો પ્રોગ્રામ ફિક્સ થયેલો, પણ તને દાઢમાં દુખાવો ઉપડ્યો અને તારા કારણે અમારું જવાનું કેન્સલ થયેલું. એ દિવસે મિત્રો વચ્ચે અમારે ભોંઠા પડવું પડેલું અને હવે અહીંયા રસ્તા વચ્ચે આવાં ખાટાંચૈડ બોરાં ખાવાનું તને ક્યાંથી સૂઝ્યું ?” દેવુબા શું બોલે ? તેઓ મનોમન વિચારવા લાગ્યાં, મોટી વહુની વાત સાચી છે, મારી દાઢમાં સણકા ઉપડ્યા ત્યારે એણે જ બિચારીએ લવિંગના તેલનું પોતું મૂકી આપ્યું’તું. હુંયે ખરી છું ને ! હવે પિસ્તાળીશીએ પહોંચી છું ત્યારે શરીરનોય ખ્યાલ તો રાખવો જ પડશે ને ! સાજામાંદા થઈ જવાય તો છોકરા-વહુઓને જ ઉપાધિ ને ? હજી તો હરવા-ફરવાની ઉંમર છે એમની. મારા કારણે બધાયનો મૂડ બગડે એવું કરવાની શું જરૂર ?
બસ, હવે તો એમને ગમે એ જ કરવાનું. અરે, ખાવા-પીવાની બાબતોમાં ઘરમાં પણ મેં ક્યારેય દખલગીરી કરી નથી તો બોર ખાવામાં શું કામ બળજબરી કરું ? એમને ગમે તો ખાય, ન ગમે તો ન ખાય. પણ... સાલું હું યે મૂરખની સરદાર તો ખરી જ... હું તો ભૂલી જ ગઈ કે, દાઢમાં દુખાવાના કારણે મારાથી બોર ખાશે નહીં તો પછી શું કામ કૂદી પડી ચણીબોર ચૂંટવા ? નાહકના કાંટા વગાડી બેઠીને! મનોમન અફસોસ કરવા લાગ્યાં દેવુબા. હરખથી ચૂંટેલા ચણીબોર ફેંકી દેવાનો જીવ કેમ ચાલે ? દેવુબાને થયું. લાવને બે-ચાર બોર છાનામાનાં મોંમાં સેરવી દઉં. પણ ના રે ના બાળપણના એ વર્ગશિક્ષકની બે આંખોથી બચવું સહેલું હતું પણ આ આઠ-આઠ આંખોના ચોકીપહેરાથી છટકીને બોર ખાવાનું સાહસ હવે નથી કરવું. પણ આ છોકરાવના પપ્પા ય ખરા માણસ છે ને ? એમણે શું કામ ગાડીને બ્રેક કરી ? જિંદગીની ગાડી જેમ આગળ ધપતી જાય છે તેમ આ ગાડીનેય ચાલવા જ દેવી’તી ને ! દેવુબાએ અકારણ ગુસ્સાથી અકળાઈને પતિની સામે જોયું. એ તો મંદ-મંદ હસી રહ્યા હતા. દેવુબા સમસમી ગયાં. આખરે કહી જ નાખ્યું, “તમે શું કામ ગાડી રોકી દીધી’તી ? તમે ગાડી ઊભી રાખી એટલે મારે ઊતરવું જ પડે ને !” હવે નરેશકુમાર મોકળા મને હસી પડ્યા, “લે કર વાત, તને બોર ખૂબ ભાવે છે એની મને ક્યાં ખબર નથી ? બોર જોઈને તારા મોંમાં પણ પાણી આવ્યું’તું એટલે તો મેં ગાડી ઊભી રાખી. મને બરાબર યાદ છે એ દિવસો; આપણો મોટો દીકરો તને પેટ હતો, ત્યારે એકવાર તેં ચણીબોર ખાવાની હઠ પકડી’તી અને આપણી માએ ના... ના... તારા સાસુમાએ તને બોર ખાવાની મનાઈ ફરમાવી’તી, યાદ છે ને ? મા કહેતાં’તાં કે બાળક પેટ હોય ત્યારે કદી બોરાં-ફોરાં કે ખાટું-ખારું ખવાય જ નહીં. નહીતર છોકરું જન્મે ત્યારથી ખાંસી ખાતું-ખાતું જ બહાર આવે અને કાયમી ખાંસી ઘર કરી જાય તે તો નફામાં.” દેવુબાએ પતિને બોલતા અટકાવવા ડોળા કાઢ્યા અને ઈશારાથી સમજાવ્યું કે, પાછળ છોકરા અને વહુઓ બેઠાં છે એટલે ઈજ્જતના ધજાગરા ઉડાડ્યા વિના હળવેકથી બોલો, નરેશકુમાર સાનમાં સમજી ગયા. એટલે દેવુબાના કાનમાં કહેતા હોય એમ હળવેથી બોલવાનું ચાલુ રાખ્યું, “યાદ છે ? તારી જીદ પૂરી કરવા મેં બોર લાવી આપેલાં અને તેં અડધી રાત્રે ઊઠીને બોર ખાધાંતાં...” દેવુબા નવોઢાની જેમ શરમાઈ ગયાં. ચહેરા ઉપર ચણીબોરની સ્તાશ ફરી વળી. એમની જીદ પતિએ કેવા હોંશથી પૂરી કરી’તી એ યાદ આવી ગયું. બીજા દિવસે સવારે ખાટલા નીચેથી ચણીબોરના ઠળિયા પકડાઈ ગયા'તા અને સાસુમાએ ઠપકો આપેલો. સાસુમાનો સખત ઠપકો યાદ આવતાં દેવુબા ખામોશ થઈ ગયાં... સાચી વાત છે, મારી સાસુએ મને બોર ખાવા દીધાં નથી પણ હું તો મારી વહુઓને સામેથી બોર ખાવા આપું છું ને ! હું ક્યાં અભણ છું ? હું તો ભણેલી-ગણેલી સાસુ છું, બાકી અમારા વખતમાં તો તોબા... પાણી પીવું હોય તોય સાસુને પૂછવું પડતું. પગની પાની યે ન દેખાય તેમ સાડલામાં ગોટમોટ ઢબુરાઈને રહેવું પડતું.
તેય પાછું છાતી સમાણી લાજ કાઢીને. જમાનો સમૂળગો બદલાઈ ગયો છે આજે તો હું મારી બંને વહુઓને અદ્યતન પોશાકોમાં સજ્જ રાખીને હરખાઉં છું. રૂપકડી ઢીંગલીની જેમ શણગારીને સાચવું છું. મને સાસુપણુ’ દાખવતા નથી આવડતું. મારે તો મા બનીને વરસાવવી છે નરી મમતા. હું મારી જાતને સાસુ તરીકેના હોદ્દા ઉપર સ્વીકારી શકતી નથી. વહુઓને જે પહેરવું હોય તે પહેરે, ઓઢે, ડ્રેસ પહેરે કે સાડી, મેક્સી પહેરે કે ઘરારા. બસ આપણે તો એમને ખુશ જોઈને ખુશ રહેવાનું, એમની સ્વાતંત્રતા પર તરાપ મારવાથી આ સમાજ મને કયો એવોર્ડ કે ચાંદ આપી દેવાનો છે ? દેવુબાની વિચારધારા અસ્ખલિતપણે વહેતી રહેત પણ પતિએ એમની તંદ્રા ઉડાડી, ઢંઢોળીને પૂછ્યું, “ક્યારની યે શું વિચારે ચઢી છો ? પાલનપુર આવવા થયું. ચા પીવાનું મને થયું છે.” દેવુબાએ હકારમાં માથું હલાવ્યું અને ચુપચાપ ખોળામાં લપાઈને બેસી રહેલા ચણીબોરની સામે અહોભાવથી જોયું. અરેરે ! મને કેમ ચણીબોર ભુલાતાં નથી ? એને જોતાં જ મોંમાં પાણી કેમ છૂટે છે ? એને મેળવવાની ચટપટી કેમ ઉપડે છે ? પ્રશ્નનો ઉત્તર પણ તરત જ જડી ગયો. જેને જે કહેવું હોય તે કહે, માનવું હોય તે માને, ધારવું હોય તે ધારે, ખાવું હોય તો ખાય. ના ખાવું હોય તો ના ખાય. બાકી કોઈ મારું સાહેબ નથી. હું કોઈની ગુલામ નથી. મને ચણીબોર ભાવે છે, ગમે છે માટે મેં ચૂંટ્યાં. હેત કર્યું, વ્હાલ કર્યાં ચણીબોરને. જોને કેવાં તરોતાજા અને રાતાચોળ છે ! ખાટાંમીઠાં અને લાલચટક... દેવુબા મનોમન ગાઈ રહ્યાં, “હું આશિક છું ચણીબોરની ચણીબોરની ચણીબોરની.”
અંતે દેવુબાએ એમ મરણીયો પ્રયાસ કર્યો છોકરાઓને રીઝવવાનો. મોટાને અને બંને વહુઓને જોઈ લીધી દેવુબાએ. બાકી રહ્યો તો નાનકો છોકરો, દેવુબાએ નાનાને આગ્રહ કરવા માંડ્યો, “અલ્યા શંખ ! જરા ચાખી તો જો, તને તો આમેય ખાટું-ખારું બહુ ભાવે છે !” દેવુબાએ એની સામે જોયું કે, નાનો તો કારટેપમાં વાગતી ધૂનના તાલે ઝૂમવામાં મસ્ત હતો. દેવુબાએ એની સામે બોર ધર્યા. નાનકાએ મમ્મીની સામે મોં ખોલીને ઈશારાથી સમજાવ્યું કે એના મોંમાં પાનપરાગ દબાવેલું છે એટલે પછીથી ખાશે એમ બતાવીને દેવુબાના હાથમાં રહેલા રૂમાલમાંના બધાં બોર પોતાના બેઉ ખોબામાં ભરી દીધાં અને પછી ફટાક દઈને ફેંકી દીધાં બારીની બહાર. પછી ફક્ક દઈને હસી પડ્યો નાનકો. એની સાથોસાથ બંને વહુઓ અને મોટોય હસી પડ્યાં નાનકાની નફટાઈ જોઈને. દેવુબા તો સ્તબ્ધ થઈ ગયાં, અવાચક થઈ ગયાં. જાણે કાપો તો લોહી પણ ના નીકળે. ઘડીભર મગજ બહેર મારી ગયું. ગુસ્સો તો જાણે સાતમે આસમાને. મારાં વીણેલાં, મારાં ચૂંટેલા ચણીબોરનું આવું ઘોર હડહડતું અપમાન ? ગુસ્સાથી દેવુબા તમતમી ગયાં. ચણીબોરનો લાલચોળ રંગ દેવુબાના ચહેરા ઉપર થઈ આંખોમાં ઊતરી આવ્યો. મમ્મીની નારાજગી અને ગુસ્સો જોઈને નાનકો સડક થઈ ગયો. પાનપરાગ થૂંકી નાખીને એણે મમ્મીને મનાવી લેવા માટે ધાપલાવેડા શરૂ કર્યા. પોતાની સીટમાંથી ઊંચા થઈને એણે પાછળથી મમ્મીના ગળે બેઉ હાથ વીંટાળ્યા અને લાડથી બોલ્યો, ‘પ્લીઝ મમ્મા ! તમે નાહકમાં ગુસ્સે થાવ છો અને તમારી એનર્જી વેસ્ટ કરો છો. ભલા ! ચણીબોરમાં શું ખાવાનું ? તમને તો ખબર છે કે મને બટરચીઝની સેન્ડવીચ અને પીઝા જ વધારે ભાવે છે. આબુ પહોંચીએ ત્યારે જોજોને ! કેવી મજા આવશે. જાતજાતની ભાતભાતની વાનગીઓ ખાઈશું, ને મજા કરીશું. તમે ખાતાં કંટાળશો એવી-એવી વેરાઈટીઝ હવે તો મળે છે. ચીઝ-સેન્ડવીચ ને પીઝા, બર્ગર અને ભાજીપાંઉ, ચાઈનીઝ ફૂડ અને મદ્રાસી ઢોંસા-ઈડલી, પંજાબી ડીશ ને મોગલાઈ ખાણું જે માંગો તે હાજર. પછી આવી ચણીબોરની શી વિસાત ? મમ્મા ! આપણે ફરવા નીકળ્યા છીએ અને તમે મૂડ ઓફ કરીને બેસી રહો તો કેમ ચાલે ? નાનકડા ચણીબોર માટે વર્લ્ડવોર જાહેર કરવાનું છે ? ચાલો હવે હસો... તમને મારી કસમ છે મમ્મા ! પ્લીઝ !”
દેવુબાએ સો મણનો નિસાસો નાંખ્યો અને મહાપરાણે જરીક હસીને બોલ્યાં, “હા બેટા, હા, હવે તો બજારમાં બધુંયે તૈયાર મળે છે ને ! ખાજો તમતમારે ધરાઈને પીઝા ને સેન્ડવીચ, વળી ખાજો પંજાબી ને ચાઈનીઝ. આ તો મારાથી ચણીબોર જોઈને ન રહેવાયું. બસ, મારે જાતે જ ચણીબોર ચૂંટવાં’તાં તે ચૂંટ્યાં, વીણવાં તાં તે વીણ્યાં. જોવાં તો તે ધરાઈને જોયાં. આંખોથી જ ચાખ્યાં બસ. ચણીબોર એટલે ચણીબોર. અને પછી, કોઈની નજરે ન પડે તેમ આંખોમાં ઘસી આવેલાં ચણીબોર જેવડાં-જેવડાં આંસુઓને હળવેકથી ઝીલી લીધાં હાથરૂમાલમાં અને છુપાવી દીધાં રેશમી પાલવમાં દેવુબાએ ભારે હૈયે, નીચે નજરે...
સમકાલીન “દૈનિક વાર્તાસ્પર્ધા મુંબઈની પ્રથમ વિજેતા કૃતિ 1995. ઈનામ રૂ. 7001/- પ્રાપ્ત કરેલ છે. આ વાર્તા ‘ઘર’ વાર્તાસંગ્ર (સંપાદક : (હરીશ મંગલમ્) , ‘ઓળખ’ (અમદાવાદ), સૌજન્ય માધુરી (રાજકોટ), પગદંડી (ભાવનગર), જિલ્લા સમાચાર (મહેસાણા), પ્રયત્ન (મુંબઈ), ચાહના (ગાંધીનગર), તથા નેટવર્ક (અમદાવાદ)માં પ્રગટ થયેલ છે. ગુજરાતી સાહિત્ય પરિષદની “પાક્ષિકી”, કાવ્યગોષ્ઠી, ગાંધીનગર દલિત સાહિત્ય સભા, અભિરુચિ તથા પ્રિયદર્શિની એજ્યુકેશન ટ્રસ્ટની વાર્તામેળાની બેઠકમાં વાર્તાપઠન થયેલ છે.
સ્રોત
- પુસ્તક : ચણીબોર અને બીજી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 49)
- સર્જક : ચંદ્રાબહેન શ્રીમાળી
- પ્રકાશક : ચાહના પ્રકાશન
- વર્ષ : 1998
