ચંદ્રકાંત બક્ષી
Chandrakant Bakshi
દાદા કેસરીસિઘની ઉંમર એમને ખબર ન હતી પણ એમને બરાબર યાદ હતું કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન બન્યું ત્યારે એ એમની પ્રપૌત્રી કોશા જેટલા જ હતા. નવું સ્ટેશન બન્યું ત્યારે એમના પિતા એમને ચલાવીને સ્ટેશન જોવા લઈ ગયા હતા અને સમજાવ્યું હતું કે અહીં આગગાડી આવશે. ગાડી ધુમાડાથી ચાલશે. પહેલી આગગાડી આવી ત્યારે શહેરનાં ઘણાં નામાંકિત સ્ત્રી – પુરુષો જોવા આવ્યાં હતાં. દાદા કેસરીસિંઘ કોશા જેટલા હતા પણ સ્ટેશનમાં પ્રવેશતી એ પહેલી આગગાડી સ્મૃતિપટ પર સ્પષ્ટ હતી, કાળુ લાંબું ગોળ મોઢાવાળું અજગર જેવું જાનવર, ધુમાડો કાઢતું, ચિત્કાર કરતું, ભભકતું પાટા પર થઈને અંદર આવ્યું હતું અને લોકો દૂર ખસી ગયા હતા અને જાનવર ઊભુ રહીને હાંફીને, સિસકતું ઠંડુ પડી ગયું હતું અને ગોરા સાહેબો ગાડીમાંથી ઊતર્યા હતા અને મેમસાહેબો, રંગીન છત્રીઓ લઈને, અને મેમસાહેબોને માટે આરામ કરવા માટે એક શમિયાનો બાંધવામાં આવ્યો હતો. બહાર મેળો લાગ્યો હતો અને શર્બતો પિવાતાં હતાં. આઠ વર્ષની કોશા ખડખડાટ હસતી આ સાંભળી રહી હતી. પાછળથી એક પુત્રે દાદા કેસરીસિંઘને હિસાબ કાઢીને કહ્યું હતું કે દાદા, તમે 1880માં જન્મ્યા હશો, એ વખતે તમારી ઉંમર ચોક્કસ આઠ વર્ષની હશે કારણ કે 1888માં વિક્ટોરિયા ટર્મિનસનું પાકું સ્ટેશન બંધાયું હતું. દાદા કેસરીસિંઘ આંખો મીંચીને કહેતા, હા, સોમાં થોડાં જ વર્ષો ઓછા છે હવે. પુત્રે કહ્યું હતું કે તમારી ઉંમર બાણું વર્ષની છે – પણ એ જમાનામાં ઉંમરની તારીખ – સમય નોંધી રાખવાનો રિવાજ ન હતો. કાશાએ પૂછ્યું હતું, દાદા, તમે કઈ હૉસ્પિટલમાં જન્મેલા?
પ્રપૌત્રી કોશા અને દાદા કેસરીસિંઘ વચ્ચે ફર્ક ચોર્યાશી વર્ષનો હતો પણ દાદાને કોશાની સાથે સૌથી વધુ બનતું અને કોશાને પણ દાદાની વાતો સાંભળવાની બહુ મજા આવતી. દાદા બહુ ઓછું સાંભળી શકતા, પણ એક પૌત્ર જે રેડિયો એન્જિનિયર હતો, કહેતો કે દાદા કોશાની વાત સૌથી વધારે સાંભળી શકે છે. દાદાની અને કોશાની વેવલેંન્થ એક જ છે. એ હસતો, એટલે - કમ્યુનિકેશન સરસ છે! દાદાના દાંત વર્ષો પહેલાં ગયા હતા, ચોકઠાં પણ હવે બહુ કામ આપતાં ન હતાં અને દાદા જમતી વખતે થોડું મમળાવવા જ બનાવટી ચોકઠું વાપરતા, બાકી દાંત વગરનું એમનું જડબું આખો દિવસ હાલ્યા કરતું. જમવામાં પ્રવાહી જ રહેતું. દાદા ધુમ્મસી આંખોથી કોશા સામે જોઈને કહેતા, બેબી, તું કાનથી સાંભળે છે ને? હું આંખોથી સાંભળું છું. કોશા કિલ્લોલ કરતી હસી પડતી – તો બધાંની વાત કેમ આંખોથી સાંભળતા નથી? મારી જ વાતો કેમ આંખાથી સાંભળો છો? દાદા કહેતા, કારણ કે તું મને સૌથી વધારે ગમે છે. કોશા કહેતી, કોઈ આંખથી ન સાંભળે - સંભળાય કાનથી, જોવાય આંખથી. અને દાદા જરા ગંભીર થઈને સમજાવતા, તને ખબર છે સાપને કાન ન હોય. સાપ આંખોથી સાંભળે, એટલે એને ચક્ષુઃશ્રવા કહેવાય સંસ્કૃતમાં - જે આંખોથી સાંભળે એ. માણસ બૂઢો થઈ જાય એટલે આંખોથી સાંભળે. કોશા કંઈ સમજતી નહીં પણ બન્ને કાનમાં આંગળીઓ નાખીને આંખોથી દાદા સામે જોયા કરતી, પછી કહેતી, પણ મને તો કંઈ જ સંભળાતું નથી. દાદા હસતા - પગલી છોકરી છે!
મુંબઈમાં પ્લેગ આવ્યો ત્યારે દાદા કેસરીસિંઘ લગભગ જવાન થઈ ગયા હતા પણ વીસમી સદી હજી આવી ન હતી અને લોકો મુંબઈ છોડી જવા માંડયા ત્યારે એમના પિતાએ એમના કાકાને કહ્યું હતું: પ્રહલાદ, બાલબચ્ચાંને લઈને તું કાલે દેશ ચાલ્યો જા. હવે અહી રહેવામાં જોખમ હતું – કમથી કમ, બાળકો – સ્ત્રીઓને ખસેડી લઈએ, આપણે મર્દોએ તો અહીં રહેવું પડશે. અને દાદા કેસરીસિંઘે હઠ કરવા છતાં એમને બધાની સાથે દેશ જવું પડ્યું હતું. પ્લેગ ચાલ્યો અને ઈશ્વર પાપની સજા કરતા હતો એમ હજારો પરિવારો તારાજ થઈ ગયા, એક જ કુટુંબના ત્રણ માણસો એક જ દિવસે મરી ગયાના કિસ્સા પણ સાંભળવા મળ્યા. યજ્ઞો, હોમહવન, પૂજા – પ્રાર્થનાઓ ઘણું ચાલ્યું, દુકાળ પણ આવ્યો, ઢોર મફત અપાવા માંડયાં અને દાદા કેસરીસિંઘે ગરીબ ખેડૂતોને એમના કાકા પ્રહલાદસિંઘ પાસે આંખમાં આંસુ સાથે ગાયા આપવા આવતા જોયા હતા. ખેડૂતો કહેતા હતા : કાકા, ગાય માતાને ખવડાવી શકતા નથી, એમને બચાવો, અમારું અમે ફોડી લઈશું; અને કાકા પ્રહલાદસિંઘની આંખોમાં આંસુ જોયાનું દાદાને યાદ હતું. માણસો માખીઓની જેમ મરતા હતા, હલકા માણસો તો લાકડાં મળતાં ન હતાં એટલે આગ મુડદાના મોઢા પર મૂકીને હિજરત કરતા જતા હતા, કેટલાક લાશોને દરિયામાં ફેંકી દેતા હતા. દાદા કેસરીસિંઘે નાની ઉંમરમાં જ મોત બહુ પાસેથી જોઈ લીધું અને રાણી વિક્ટોરિયાની છાપવાળું, એમના પિતાએ મુંબઈથી લખેલું પોસ્ટકાર્ડ પણ વાંચ્યું હતું કે અહીં મુંબઈ શહેરમાં તો પ્લેગને લીધે હુલ્લડો પણ થયાં છે.
પ્રપૌત્રી કોશા પૂછતી : દાદા, સાપ કાનથી સાંભળે? અને દાદા કેસરીસિંઘ ધીરે ધીરે સમજાવતા: સાપને કાન ન હોય, સાપને આંખો હોય. એ આંખોથી જુએ. મદારી બીન વગાડે અને ડોલે એટલે સાપ એને જોઈને ડોલે. મદારી સ્થિર થઈ જાય ત્યારે સાપ સ્થિર થઈ જાય. એ અવાજ ન સાંભળે, આંખથી જોયા કરે અને ડોલ્યા કરે એટલે એને ચક્ષુઃશ્રવા કહે. મતલબ કે જે આંખથી સાંભળે એ. કોશા દાદા કેસરીસિંઘ વાત પૂરી કરે એ પહેલાં જ પૂછી નાખતી, દાદા, સાપ કેટલું જીવે? સો વર્ષ, દાદા હસતા. તમને સો વર્ષ થયાં? દાદા કહેતા: ના, તું કોલેજમાં જશે ત્યારે મને સો વર્ષ થશે. હું કૉલેજમાં કયારે જઈશ? અને વાતો આડેસીધે પાટે ચાલ્યા કરતી. સ્કૂલમાં કોશા એના મિત્રો પિનાક, રાજુલ અને નિયતિને મોટી રિસેસમાં ટિફિન વખતે વાત કરતી, મારા ડેડીના ડેડીના ડેડી સો વર્ષના છે. અને એનાં મિત્રો આંખો પહોળી કરીને, ચાવવું અટકાવીને સાંભળી રહેતાં. પછી કોશા બહુ આસ્તેથી, લગભગ કાનમાં કહેતી હોય એમ સ્પષ્ટતા કરતી, તમને ખબર છે એ કાનથી નથી સાંભળતા, આંખોથી સાંભળે છે. પછી એ ઉમેરતી, કોઈને કહેવાનું નહીં, પ્રોમીસ? બચ્ચાં કહેતાં, પ્રોમીસ. અને મોટી રિસેસ પૂરી થવાનો બેલ વાગતો.
દાદા કેસરીસિંઘની આંખો હજી જોઈ શકતી હતી. શરીરમાં હલન-ચલન હતું અને રાજ સવારસાંજ એ ઘરમાં ધીરેધીરે ફરી શકતા. વાળ ઝડી ગયા હતા, લમણા પાસેનાં હાડકાં ઊપસી આવ્યાં હતાં અને આંખો હાડકાંના ગોળ ઘરમાં બહારથી ગોઠવી હોય એવી લાગતી હતી. પણ એ આંખોની પાછળ જીવાઈ ચૂકેલી એક ભરપૂર જિંદગીની ઝલકો હજી કાયમ હતી અને ભૂતકાળ – સાઈઠ, સિત્તેર, પંચોતેર વર્ષ જૂના ભૂતકાળની ઝપટો, સ્વરો હજી દાદા કેસરીસિંઘ સાંભળી શકતા હતા. દાદાએ આખા હિન્દુસ્તાનમાં નોકરીઓ કરી હતી, પેશાવરથી કન્યાકુમારી સુધી પેટ ભરીને ફર્યા હતા, ઘણું જોયું હતું; ઘણું ખાધું-પીધું હતું, રાજા-મહારાજા-નવાવો-હુક્કામ–રેઝિડેન્ટોની દુનિયાને એ બહુ સરળતાથી યાદ કરી શકતા હતા. આઝાદી આવી પછી એમણે પ્રવૃત્ત જીવન સંકેલી લીધું અને નિવૃત્તિને પણ પચીસ વર્ષ થઈ ગયાં. દાદા કેસરીસિંઘ કહેતા હતા કે આઝાદી પછી જિંદગી મોળી થઈ ગઈ, અંગ્રેજ સાહેબો શું માણસો હતા! હવે મગતરાં બણબણે છે. રાજા–નવાબો કદ્રદાન હતા, ગુણી હતા, ખાનદાની ખૂન એમની રગોમાં વહેતું હતું, હવે તો કાળા રૂપિયા અને કાળું લોહી આખા દેશમાં ફેલાઈ ગયાં છે. સફેદ કપડાંવાળાંઓએ આખા દેશને કાળો કરી નાખ્યો. દાદા કયારેક એમની જૂની બેતને પકડતા, એમના સાફાના કિનારા પરની સડી ગયેલી ઝરીની કિનાર પર ધ્રૂજતી આંગળીઓ ફેરવતા, રંગ ઊડી ગયેલી સાટીનની રિબનો પર લટકતા મેડલો હથેળીમાં લઈને જોયા કરતા, કાળા મખમલ પર ચાંદીના તારથી કામ કરેલી જયપૂરી જૂતીઓ પહેરીને, પિત્તળ પર ગિલ્ટ કરેલી વજનદાર નકશી કરેલી ફ્રેમમાં જડાવેલા જૂના લંબગોળ વેનીશીઅન શીશામાં ખૂબ પાસે જઈને એમના મુર્ઝાયેલા બાણું વર્ષનો ચહેરો જોતા અને ઝળઝળિયાંઓમાંથી સ્મૃતિનાં મેઘધનુષી પ્રતિબિંબો ફેલાઈ જતાં અને અય્યાશીની બધી જ ઘૂંટાયેલી તર્જોના દબાયલા પ્રતિધ્વનિઓ સંભળાવા લાગતા –
મહેલમાં જવાના માર્ગની બન્ને તરફ સાલનાં વૃક્ષો કતાર-દર-કતાર હતાં અને માર્ગ પર વૃક્ષોના પડછાયાઓની ડિઝાઈન દૂર સુધી દેખાતી હતી. જૂનાં વૃદ્ધ વૃક્ષો પર હવે ફૂલો-ફળો પણ બહુ જ નાનાં આવતાં હતાં અને એકબે વૃક્ષો અત્યંત વૃદ્ધ થઈ જવાથી ફળો આવવાં બંધ થઈ ગયાં હતાં. પગથિયાંની પાસેથી ઊગેલા ઘૂમાવદાર ઝાડને લીધે, એનાં મૂળિયાંને લીધે, પગથિયાનાં પથ્થરમાં એક ઊતરતી દરાર પડી ગઈ હતી જે પડતી વીજળીની જેમ તૂટતી ખેંચાઈ ગઈ હતી. જૂની બારીઓ, જેમાંથી ક્યાંક ક્યાંક લાકડાના સિકચા નદારદ હતા અને પગથિયાં અટકતાં હતાં ત્યાં પહોળી ડોરિક કોલમો ફેલાઈ જતી હતી.
વચ્ચે ચોક હતો અને ચારે તરફ પાંજરાઓમાં રંગીન પક્ષીઓનો કલરવ હતો. બૂઢા કાકાકૌઆઓને પિત્તળના ચેઈનોથી પગ બાંધીને લોખંડનાં સ્ટેન્ડો પર બેસાડ્યા હતા અને એમનાં ગળાંનાં રૂંઆ ઝડી ચૂક્યાં હતાં અને એમની ચાંચો પરથી ચમક ઊખડી ગઈ હતી. ક્યાંકથી એક મેનાનો સ્વર, દૂર એક સફેદ મોરનાં પીંછાંઓનો ફેલાવ સંકેલવાનો હવા ફાડતો ફડફડાટ. લીલા મખમલનો વજનદાર પડદો ખસ્યો-પડદાઓ હાલતા ન હતા, એમનામાં હવાઓ રોકાયેલી હતી અને સમય બંધાયેલો પડ્યો હતો અને મખમલની સિલવટોમાં ધૂળની પર્ત ચોંટી જવાથી ત્યાં રંગો નિસ્તેજ થઈ ગયા હતા. દીવાલો હતી, લાકડાના પોલિશ કરેલા દરવાજાઓ, ટેબલ પર ચમકતા કાંસાનું ચિરાગદાન હતું, જેની બહાર પાંખોવાળા નગ્ન કામદેવની સૌમ્ય મૂતિ હતી, ચાલુ પોલિશ કરવાથી કામદેવના ગાલોનું કાંસું કપાળ અને આંખો અને માથાના કાંસા કરતાં વિશેષ ચમકતું હતું.
એક દુનિયા હતી-સાઈઠ, સિત્તેર, પંચોતેર વર્ષ પહેલાં શરૂ થયેલી, પચીસ-ત્રીસ વર્ષો સુધી ચાલેલી, રંગદર્શી, લરઝતી દુનિયા. પોર્સીલેઇનના વિરાટ વાઝ, ઉપર પિરોજા રંગના ચિતરેલાં ડ્રૅગનો, જેમનાં નસકોરાંમાંથી ફૂંકાતા કેસરી ધુમાડા. કાચનો એક મોટો ગોળો હતો, અંદર ઝિલમિલાતું પાણી અને એ પાણીની તૂટતી તહો, અંદર ચકરાતી કાળી–સોનેરી ગોલ્ડ ફિશ અને એમનું ગોળગોળ તરવું. સિલિંગના કોતરેલા લાકડાના રંગો અને ઝુરિઓ પડી ગયેલું પ્લાસ્ટર, છોલાયેલ પ્લાસ્ટર પર સંભાળીને સરકતી ગરોળી. દીવાલો શૌર્યની તવારિખી ગવાહની જેમ શાંત ઊભી હતી, ઢાલની નીચે ઝૂલતી ગનમેટલની ચેઈન અને શસ્ત્રો, મ્યાનના બ્રોકેડ પર માખીઓ બેસવાથી ચોંટી ગયેલી દાગદાર ગંદકી, કટગ્લાસનાં કાંપતાં ઝુમ્મરોની પારદર્શક છાતીમાં ઝિલમિલાતી સ્મૃતિઓની નગ્નતા. જૂની કાલીન, સોફાઓના પગ પાસેથી રંગોના ઊખડી ગયેલા ધબ્બાઓના રુઝાયલા જખમોવાળી, જેની ફૂલોની રૂવાંદાર કઢાઈ પર ઢળેલા શરાબોની સિંચાઈ થઈ હતી. અને વર્ષો, જવાનીમાં સરાબોર ધુંઆ- ધુંઆ, ગૈરસંજીદાં વર્ષો અને લોબાનની જેમ બળી ચૂકેલાં એ હમદર્દોનાં વર્ષોની મહક. જીવનની ઊપજને રૂંધી નાખતી ઝેરી મહક. પણ બહલાવની મહક.
સફેદ કિનખાબ પર ઊભરેલાં કાળાં ફૂલો અને સોનાના તારથી ગૂંથાયેલી ટહનીઓ, હાથીદાંતની પ્યાલીઓ, ચાંદીનાં પાનદાનો, બાલ્કનીમાંથી આવતી કેવડાની ફોરમ, ગનમેટલમાં કંડારેલો માંસલ એપોલો, ધૂમ્મસી સ્ત્રીઓના સ્વપ્નિલ, આભાસી ફોટાઓ, શિકારનાં ચિત્રો, ચેસ્ટનટ રંગના પાણીદાર ઘોડાઓ અને બદામી ધબ્બાઓ પડેલા સફેદ જાનદાર કૂતરાઓ અને વિલાયતી આકાશ અને ચેક ફલેનની કાઉન્ટી ટોપીઓ. સુગન્ધો બંધ કરવા માટે વપરાતાં હોય એવાં નક્કશી કરેલાં બકસો. ગુલાબજળની સુરાહીઓ, કેસરના આલા શરાબ, જેડના હાથાવાળી કટાર. ગોમેદક મઢેલો પથ્થરનો ક્રોસ, પાનામાંથી તરાશેલી ગણેશની મૂર્તિ, છલકતી શ્રી.
અને ઇતિ પછી શરૂ થતા આરંભ. યોર્કશાયર પુડિંગ?... સોહોની યાદ આપે છે... ઘોડો ગયે અઠવાડિયે જ આવ્યો છે, પ્યોર આયરીશ થોરોબ્રેડ... શાનેલ નંબર ફાઈવ? ઓહ! ખ્વાબમાં પણ એની ખુશ્બુ છોડતી નથી... સેવીલ રોમાં સુટ બનાવ્યો હતો, દુનિયામાં આવા બે જ સુટ છે, અન્નદાતા...અચ્છા, ઇન્સ ઑફ કોર્ટ... જીમખાના... પ્લાન્ટર્સ ક્લબમાં સેટરડે નાઈટ છે... ક્રુનર આવશે. લેંકેશાયરની છે, બે વર્ષ બર્લિનમાં હતી... બ્રીજ ઍન્ડ ડેનિશ બીઅર... ઓહ નો! મોલ પર થોડું ફરીશું...ઑકસફર્ડમાં હતા? કાલે સવારે ગોલ્ડ લિંકસ પર, કેડીઝને કહ્યું છે?... માર્ટીની, ડ્રાય માર્ટીની... નો, આયમ એન ઇંગ્લીશમેન... ડોગ-શો છે?... લંચન મિટિંગ... મોનસુન રેસીસની સેકન્ડ મિટિંગ છે. અરીઅલ પન્ટર... કડક કોલરો, ઝાંખી ટાઈઓ, કોકટેલ માટે આવેલા ચેકસ્લોવાક કાચના ગ્લાસો... ટર્ફ પર મળીશુ... ‘ન્યૂ સ્ટેટ્સમેન’ નવું આવ્યુ છે? યેસ... મિસીસ રોબીનસન, અમારા બધા જ માણસો સ્ટેબલ બોય, બુઢા વેઈટરો, નેપાલી ડ્રાઈવરો, બારમેન, ખાનસામા, સાઈસ, બીલીઅર્ડ માર્કર બધાની આંખોમાં આંસુ આવી ગયાં, અમે કલકત્તા છોડ્યું ત્યારે... “ફોર હિ ઈઝ અ જોલી ગુડ ફેલો!” ...”ગોડ સેવ ધ કિંગ”...
- દાદા કેસરીસિંઘે મોઢું ફેરવી લીધું, બેત કિનારા પર ટેકવી દીધી, પાછા ખાટલા પાસે આવ્યા. ખાટલો ન બહુ નીચો હતો, ન બહુ ઊંચો અને દાદા આયાસ વિના બેસી શકે એવો હતો. કોશાને પણ દાદાનો ખાટલો વધુ ગમતો કારણ કે એમાં વિના પ્રયત્ન ઘૂસી શકાતું હતું. દાદા કેસરીસિંઘના મગજમાં આંધીના જોશથી સ્મૃતિઓ ટકરાઈ રહી હતી. જમીંદારો હતા, રાજાઓ – નવાબો હતા, ગોરા સાહેબો હતા. જમીંદારો-રાજાઓની એક જુદી હમદિલી હતી, ગોરા હાકેમોની એક જુદી રસમ હતી. દાદા કેસરીસિંઘે જુદી જુદી દુનિયાઓમાંથી રસના ઘૂંટ પી લીધા હતા. હવે માત્ર “બીટિંગ ધિ રિટ્રીટ” બાકી રહ્યું હતું. જીવનની માર્ચ પૂરી થવા આવી હતી. ઝંડાઓ નમાવી લેવાના હતા, સામે સમુદ્રની બ્લ્યૂ અનપેક્ષા લહેરાતી હતી અને પ્રકાશનાં થરકી-ઝબકીને વહી જતાં બુંદો તરફ આંખો ઝપકાવીને અંતિમ “સ્લો – માર્ચ” કરી લેવાની હતી.
દાદા કેસરીસિંઘ એમના ખાટલા પર લુઢકી ગયા. અવાજોની દુનિયા ઘણાં વર્ષોથી શાંત થઈ ગઈ હતી. ભૂતકાળ ન હોત તો જીવી પણ શકાત. નવી દુનિયા રાસ નથી આવતી અને પ્રત્યેક ક્ષણે નવી થતી જાય છે. કુદરતની ગમ્મત છે, દાદા કેસરીસિંઘે વિચાર્યું, માણસ જૂનો થતો જાય છે દુનિયા નવી થતી જાય છે અને હારતી બાજી પર બેઠેલો માણસ ચીસો પાડ્યા કરે છે - હું સાચો છું, દુનિયા ખોટી છે. શું હશે આ દુનિયાનું? શું થવાનું છે દુનિયાનું? દાદા કેસરીસિંઘે વિચાર્યું, સો વર્ષ પર વી. ટી.ના સ્ટેશન પર આગગાડી આવી હતી, આજે જમ્બો જેટ આવ્યાં છે, સો વર્ષ પછી કંઈક નવું આવશે.
*
દાદા કેસરીસિંઘે આંખો બંધ કરી, થકાન અને હાંફ ચડી ગયાં હતાં. એકાએક બધું સંભળાવા માંડ્યું, બંધ આંખો હોવા છતાં, દુનિયાના અવાજો, જીવનના અવાજો – અને મૃત્યુનો સ્વર, હલકો, થપથપાવીને ઉઠાડતો હોય એવો, દાદા કોશા જેટલા જ હતા ત્યારે એમની મા જગાડવા આવતી ત્યારે... ત્યારે એ જ અવાજ સાંભળ્યો હતો, ઊંઘમાં કે કદાચ તદ્રામાં.
બપોરે કોશાને સ્કૂલથી ઘેરે લઈ આવ્યા ત્યારે કોશાને ખબર ન પડી કે પિનાક, રાજુલ અને નિયતિને નહીં પણ એને જ શા માટે વહેલી છુટ્ટી મળી ગઈ? એ દોડતી દાદા કેસરીસિંઘના ખાટલા પાસે ગઈ, કોઈએ એને રોકી નહીં, કહ્યું પણ નહીં, એ દાદાની પ્રિય બેબી હતી. દાદાની આંખો બંધ હતી. “દાદા, ઊઠો - આજે મારે છુટ્ટી થઈ ગઈ” અને દાદા હાલ્યા નહીં. “આંખો ખોલો. તમે આંખો બંધ કરી છે એટલે જ સાંભળતા નથી.” અને કોશાને એકાએક ગભરાટ થઈ ગયો, મોટા માણસને થાય એવો ગભરાટ, એ હટી ગઈ અને પછી એણે મોઢું ફેરવીને મોટાઓના ચહેરા જોયા કર્યા...
સ્રોત
- પુસ્તક : નવી વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : રાધેશ્યામ શર્મા
- પ્રકાશક : શ્રી ગુલાબદાસ બ્રોકર સાંસ્કૃતિક પ્રકાશન ટ્રસ્ટ
- વર્ષ : 1975
