પન્નાલાલ પટેલ
Pannalal Patel
ભાથીની વહુ તો એ પાંચ વર્ષનો હતો ત્યારથી જ રજિસ્ટર્ડ થઈ ગઈ હતી. આ પછી ચારેક વર્ષે બાપ ને સાત વર્ષ પછી મા મરી ગઈ, ત્યારે એણેય જીવ છોડતાં દીકરાને નામે ચઢાવેલી પેલી થાપણનું જ સાન્ત્વન લીધું : ‘બે વર્ષ પછી તો વહુ આવશે ને ભાગ્યનાં રૂડાં વાનાં થશે.’
અને અટૂલા થઈ રહેલા બાર વર્ષના ભાથીએય અડધી સમજીને તો અડધી વગર સમજ્યે લોકે બંધાવેલી પેલી આશા, ‘અરે કાલ વહુ આવશે.’ એ ઉપર જ કાલ ઉપર કાલ કાઢવા માંડી.
પણ જ્યાં એ પંદર વર્ષનો થયો, પેલા ગભરુ હોઠ ઉપર દોરો બંધાવા લાગ્યો, ત્યારે તો સાચે જ એને વહુ માટે જાણે રટણા જાગવા લાગી.
ખેતીવાડી અને ઢોરઢાંખરમાંથી નવરો પડી શકે એમ તો હતું જ નહિ. છતાંય પાંચેક ગાઉ ઉપર આવેલી સાસરીમાં વરસમાં એકાદ આંટો તો એ ઊભો ઊભો લગાવી આવતો. વહુને જોઈ. ‘હજુ કેટલી વાર છે,’ એમ અટકળ કાઢવા સ્તો.
અને સાંજે પાછા આવી, ઢોરઢાંખર બાંધી, જમીપરવારીને જ્યારે એ ખાટલામાં પડતો, ત્યારે દરેક વખત પેલા અધીરા મનને આવા જ શબ્દોમાં ધીરજ આપતો, ‘હવે તો ફિકર નથી! બેડે પાણી લાવતી તો થઈ છે.’
બીજે વરસે વળી આમ કહ્યું, ‘હવે શું છે? રૂપાળી બેડું ચડાવે છે ને આપે ઉતારે છે...’
અને એ પછીને વરસે તો જાણે હદ આવી ગઈ હોય તેમ ખાટલામાં પડ્યો પડ્યો, સગી સાસુ તો મરી ગઈ એટલે ઓરમાન સાસુ તથા સસરાથી દલીલો કરતો હોય એ રીતે બબડતો હતો: ‘ઓ હો હો! મારાં બેટાંનું માણ ઉપર માણ ને કાખમાં છલકતો ઘડો લાવે છે, તોય હજુ નાની?’
પણ બીજે દિવસે એની અકળામણ ભરી આ દલીલનો એક આધેડ પાડોશીએ એવો તો જડબેસલાક જવાબ આપ્યો કે, એ સાંભળી ભાથીભાઈ ઠંડાગાર! પેલાએ કહ્યું, ‘અરે ગાંડિયા, તારે મન હેડંબા પણ એનાં માબાપને મન તો છોકરું જ ને?’
ભાથીએ, આ વર્ષેય આણું કરાવવાની ના આવતાં વળી એક વર્ષ ખેંચ્યું. ને આણાંની નવી રત આવતાં રોષ સાથે જ્યાં ત્યાં કહેવા માંડ્યું, ‘અરે ભાઈ, તમે કોઈ મારા સસરાને સમજાવો તો ખરા? મને કેડે કરી લઈ જાય એવડી તો થઈ છે, તોય હજુ નાની?’
ને એ વર્ષે તો માબાપે, છેવટે ઊલતી રતે પણ આણું તો કરાવી આપ્યું.
ને આમ વીસની ઉંમ્મરે સ્તો, એક સાંજે ભાથીજીના જીવનમાં પહેલી જ વાર સૂરજ ઊગ્યો. ગામની સ્ત્રીઓએ ગીત પણ એવું જ ગાયું :
‘ભાથીજીભાઈને સોના સૂરજ ઊગિયો.
સૂને હૈડે, સૂને ઘર-આંગણે,
આજે રમઝમ ઘૂઘરિયો ઘમકાય રે–
સોના સૂરજ ઊગિયો.
ઠાલે કોઠે, ઠાલે ઠાલે ઓરડે,
આજે હર્યોભર્યો પાલવડો લે’રાય રે–
સોના સૂરજ ઊગિયો.
ઝાંખી પૂનમ, સૂરજ ભાથી રજભર્યો,
ચકમક નેણે ઝળહળ ભીતર-બા’ર રે–
સોના સૂરજ ઊગિયો,’
અને ભીતર બહારની સુરાવલીમાં ભાથી એય ભૂલી ગયો કે પંદર વર્ષ ઉપર પરણ્યો હતો! અરે એકલ પંડે પૂરાં કરેલાં ઘનઘોર મેઘલી રાત સરખાં જોવનાઈનાં પેલાં ચારપાંચ વર્ષ પણ ભૂલી ગયો.
એક તો રાત ને તેય કૃષ્ણપક્ષની. વળી, દીવો પણ – તેમાંય આજ તો ભાથીએ ફાનસ સળગાવ્યું હતું પણ ગ્યાસતેલ તો પીળું ને? વળી, વહુ પણ કંઈ ઘૂમાઘૂમ નહોતી કરતી, બલકે બાજુની પેલી ઓટલીને અઢેલી પીળા સાળુમાં સોહતી બેસી રહી હતી. ને છતાંય ભાથીને, ઘરમાં જાણે સૂરજ ઊગ્યો હોય, ઝળાંઝળાં અજવાળાં પથરાઈ રહ્યાં હોય એમ જ લાગતું હતું. જ્યારે ભીતરની વાત તો વળી, કથવા સરખી જ ન હતી.
પણ પહેલી રાતનો સૂરજ ભાથીને એળે ઊગ્યો!
અલબત્ત, બીજે દિવસે તો ફોઈ વગેરેની ધમાલ ઓછી થઈ ગઈ હતી. એક માસી વહુને અતડું ન લાગે માટે બે દિવસ રોકાયાં હતાં.
પરંતુ પહેલે ધડાકે ભાથી સમજી ગયો કે વહુ તો એનેય અતડો બનાવી દે એવી હતી.
તેમાં માસીના ગયા પછી તો એવી રીતે વર્તવા લાગી, જાણે પોતે ધણી ને ભાથી ધણિયાણી. ભાથી એને કંઈ કામ દેખાડતો તો ચટશે જવાબ દેતી, ‘તે કરી લોને હાથે?’ એટલું જ નહિ, કેટલુંક એનું કામ પણ ભાથીને કરવું પડતું. જેમકે કોઠીમાંથી અનાજ કાઢી, ચાળી, ઝાટકી, દળણું કરી આપવું. અરે સૂવાનો પેલો ખાટલોય માસીના ગયા પછી તો એને જ વાળવો-પાથરવો પડતો.
ભાથીએ મન મનાવ્યું, ‘હોય, નવે નવું એટલે પહેલે આણે તો કામની ઓળ નય પડે.’
પરંતુ એણે જોયું તો બીજે આણેય, એ જ તાસ! ને એક રાતે ખાટલો પાથરતાં એણે કહી નાખ્યું : ‘ત્યારે તો એમ જ કે’ને કે મારે તો અવતાર લગી પરોણાગત કરવાની છે!’
તાપણા આગળ બેસી માથાના ચોળેલા વાળ સૂકવી રહેલી પત્ની ઠંડે કલેજે જ બોલી : ‘પરોણાગતેય કરવા મળે તો ભાયગ પૂરાં!’
ભાથી તો બહુના જવાબ કરતાંય વધારે તો એના ઠસ્સા તરફ, પોતા તરફ નાખેલી એ તુચ્છકારભરી નજર તરફ તાકી જ રહ્યો. ‘ઓહો! ત્યારે તો એમ છે.’ એ સ્વગતની જેમ બબડ્યો.
‘છે સ્તો. આપણે તો ઉઘાડે છોગે વાત છે.’ કહી પત્નીએ ભવાં ઉલાળ્યાં.
‘કે?’ પૂછી વહુ તરફનો હિસાબ પૂરેપૂરો સમજી લેવો ન હોય તેમ ખાટલો પાથરવો પડતો રાખી, એના ઉપર બેસી, ઝૂકીને એ સાંભળી રહ્યો.
‘કે ગાજરની પિપૂડી છેવટે તો કૈડી જ ખાવાની છે.’
બોલવાની આ હિંમતે જ નહિ, સફાઈભર્યા એ શબ્દોએ પણ ભાથીને દિંગ કરી મૂક્યો. લોકો વાત તો કરતાં હતાં – સરખે સરખાં તો એને મોઢે જ કહેતાં હતાં : ‘ભાથીભાઈ, જોજો હોં, વહુ તમને વેચીને ચણા ન ફાકી ખાય!’
તો ગપ્પે ચઢેલા જુવાનો તો વળી આમ જ કહેતા : ‘અરે ભાથીને તો જોજો ને પેલી છીંકણીની દાબડી પેઠે કાપડામાં રાખશે.’
બીજો વળી એનેય ટપી જતો, ‘એના કરતાં તો એમ કે’ કે ઘાઘરાની ચૈણમાં રાખશે.’
અલબત્ત ભાથી આ બધી રમૂજના જવાબ રમૂજમાં જ આપતો :
‘તમે કહ્યું એ બેય ઠેકાણે કંઈ હાડકાં નથી ખૂંચવાના; આપણ રેવા તૈયાર છીએ.’ પણ બધું સાચું હશે એની તો એને આજે જ ખબર પડી.
બીજી સ્ત્રીઓ કરતાં વહુનો પહેરવેશ; કપાળે ટીલડી, વાળ હોળવાની સફાઈ, બોલવાની આવડત, ચા પીવાની ટેવ – અરે કે છે પાનનોય શોખ છે, પણ શું કરે, અહીં મળતાં ન હતાં – વગેરે લક્ષણ જુદાં તો પહેલેથી જ પડતાં હતાં. પણ એ તો પેલા મોટા ગામમાં, વાણિયા બામણની વસતીમાં રે’ છે એટલે હોય, એમ જ ભાથીને મન હતું. વળી, આ બધાંથી નુકસાન એટલું બધું ન હતું, બલકે પોતાના ઘરની જ વત્તાઈ હતી. અરે ઘરકામ ઓછું કરે એનીય ભાથીને પરવા ન હતી.
પણ આજે જ ખબર પડી, નજરે જોયું કે, આ તો બધું ‘ગધેડાને તરપણ કરવા સરખું જ છે.’ અને એનાથી એક ભારે શ્વાસ લેતાં બબડી જવાયું, ‘લોક તો કે’તું’તું બાપડું પણ મને શી ખબર કે બાઈસાહેબે નાક-કાન વાઢીને પૂંછડા ઉપર મૂક્યાં હશે?’
‘ત્યારે તું એમ જાણતો’તો કે હું તારું – વેઠિયાનું ઘર માંડીશ!’
ખલાસ! ભાથીને લાગ્યું કે આણીએ ‘તું’ વાપરીને એના અંગ ઉપરનું છેલ્લું કપડુંય જાણે ફેંકી દીધું છે. એનાથી ન રહેવાયું ને એ બરાડી ઊઠ્યો, ‘જોઈ વિચારીને બોલજે હોં! ઠીક કહું છું.’
‘મારીશ એ જ કરીશ ને!’
‘મારીશ તો નહિ ને આ ચૂલામાં મોઢું ખોસી ઘાલીશ, હા.’
‘એ વગર તને બીજું આવડેય શું પીટ્યા...’
ભાથી સમજી ગયો હતો કે આને ગમે તે હિસાબે ટંટો કરવો છે. છેવટે માર ખાઈને પણ રૂસણાંને બહાને પિયર ચાલ્યાં જવું છે. પણ આ જાણ્યા છતાંય એનાથી એક લાત લગાવ્યા વગર ન રહેવાયું.
આ સાથે જ ગાળોનો જાણે વરસાદ વરસ્યો. ને ભાથીએય, ‘તારી માની રાંડ મારું.’ કરતાંક ને બાજુમાં પડેલું છળિયું (મકાઈ ડોડાના દાણા વછોડ્યા પછી રહેલો ભાગ) વહુના મોંમાં ખોસી ઘાલ્યું. ઉપરથી ગડદા, તમાચા ને લાતો પણ દઈ દીધી.
અલબત્ત, વહુ સમજી ગઈ કે, ‘વધારે બોલીશ તો આ વેઠિયો ગળું જ દબાવી દેશે’ ને એણે, ગાળ વગરનું ખાલી રુદન કર્યા કર્યું, અહીંની
બીજી સ્ત્રીઓ પેઠે વિલાપે પણ ન ચઢી. કાં તો આવડત નહિ હોય, યા એ એના શહેરી મોભાને અનુરૂપ નહિ હોય.
અલબત્ત, સવારે તો બીજી સ્ત્રીઓની માફક જ એણે લાગ જોઈ પિયરનો પંથ લીધો.
પાણી ભરવા ગયેલા ભાથીને આની ખબર પડી. બેડું ઉતારી મૂકી પાછળ જવાનો ને પાછી ખેંચી લાવવાનો વિચાર પણ આવ્યો. પરંતુ બીજી બાજુ એને લાગ્યું કે, એ નફટ તો થઈ જ ગઈ છે એમાં વળી તાણી લાવીશ ને વધારે ઝૂડીશ, તો પછી છેલ્લે પાટલે બેસતાં એને વાર નહિ લાગે. ને એણે એને જવા જ દીધી.
પણ ક્યાં સુધી આમ જવા દેવી? ત્રીજી વાર, ચોથી વાર, દરેક વખતે બસ આ જ તાસ. એ જ બોલી, એ જ મિજાજ ને એ જ માર. અરે છેલ્લે છેલ્લે તો એણે ભાથીને ચેતવણી પણ આપી દીધી : ‘તું લાખ કરીશ તોય તારું ઘર હું આજેય નથી બાંધવાની ને કાલેય નથી બાંધવાની. બહુ કરીશ તો ગળે ફાંસો ખાઈને મરી જઈશ. પણ તારા વેઠિયાના ઘરમાં તો નથી જ રે’વાની.’
ભાથી પણ હવે તો મારી મારીને થાક્યો હતો. અરે પંચ ભેગું કરીનેય આ મોંઘા જમાનામાં અધમણ ઘીનું પાણી કર્યું. પણ પંચેય શું કરે? વહુના બાપ ઉપર દાબ મૂક્યા ને આ બાઈને કોઈ સંઘરે તો એનેય નાત બહાર મૂકવો એવો ઠરાવ કર્યો. બાઈને સમજાવવાનો પ્રયત્ન પણ બે ચારે કરી જોયો.
પણ બાઈ ક્યાં એમ કોઈને ગાંઠે એવી હતી? અરે એણે તો ઊલટાનાં એ લોકોનાંય જાણે નાક કાપી લીધાં. રોકડું જ પરખાવી કાઢ્યું, ‘મારે ક્યાં તમારા વેઠિયાનું ઘર માંડવું છે! જઈશ તો કોક હિંડોળા ખાટવાળાને ત્યાં નહિ જઉં?’
જ્યારે બાપ પણ એ જ ઘડીએ પંચ આગળ છૂટો થઈ ગયો. ‘જુઓ મે’રબાન! આજથી એ મારી દીકરી જ નથી; કારણ કે એ આપણા કહ્યામાં નથી. માટે તમે જાણો ને એ જાણે.’
ને લાચાર બનેલા આગેવાનો ‘તો જવા દો એને પછી જુઓ કે પંચ એને શું કરે છે એ?’ આમ મૂછનું પાણી રાખતા આખર છૂટા પડ્યા.
ઓછું હોય તેમ વહુ પાછળ ચીડવી રહી, ‘મેર મારા પીટ્યા. નકામું આ મોંઘાનું અધમણ ઘી ને ધાન બગાડ્યું. વળી બે દન લગી એ પીટ્યાં નવરાંની વેઠ કરી એ છોગાની. ત્યારે એના કરતાં એટલું તો તારાં પેલાં દૂઝણાં ડોબાંને ખવડાવ્યું હોત તોય બમણું સાટું વાળી આપત.’
ભાથીને ઘણીય દાઝ ચઢી પણ શું કરે? એનું કહેવું ખોટુંય શું હતું? ક્ષણભર તો એનેય થયું. ‘અરે ભગવાન! આવું સમજવાળું બૈરું આલ્યું ને એને તેં પાછું જતા રે’વાને રવાડે ચઢાવ્યું?’ ત્યારે એમ જ કે’ને કે જનમારો તારે મારો જીવ જ બાળવો છે!’
વળી, વહુને પિયરે જતી પણ અટકે તો અટકાવેને? ક્યાં સુધી મારી મારીને પાછી લાવે? ને પિયરમાં તો, અહીં ધણીને નો’તી માનતી એ બાપને કે ઓરમાન માને તો માને જ શાની? વળી કે’છે કે પિયરની પેલી પંચકલ્યાણી વસતીમાં એના દોસ્તદાર પણ ઘણા હતા. તેમાંય દવાખાનાનો પેલો કંપાઉન્ડર તો ખાસ. ને ખોટી વાત હોય તોય – ભાથી જ કહેતો, ‘અરે વાટમાંથી ઓળખાણ ઊભી કરે એવી છે. એને શું પછી?’
થાકવા આવેલા ભાથીએ વળી, એક ધમકી દીધી, ‘જો બીજે જઈશ તો યાદ રાખ, સરકારમાં ફરિયાદ કરીને છેવટ જેલ ભેગી કરીશ.’
પણ એનેય એણે હસી કાઢી, ‘આટઆટલામાં જઈશ તોને? તને ખબરેય નહિ પડે પછી?’ ને જાણે હવે બધા જ ભયને પચાવી બેઠી હોય તેમ હસીને બોલવા લાગી, ‘અરે પીટ્યા વેઠિયા! ફરિયાદ કરીશ તો ઊલટો મુદતોમાં ને મુદતોમાં આ દૂઝણું ને ખેતી બધુંય ખોઈ બેસીશ. ને વકીલોની ફીમાં આ ખોરડું વેચવાનોય વખત આવશે. તું જો તો ખરો, ને હું તો જ્યાં જઈશ ત્યાં ‘જી’ તી’ એ નથી ખબર તને?ֹ’ (– સ્ત્રી જ્યાં જાય ત્યાં જીતીને જ આવે.)
ભાથીનેય આ સાચું લાગ્યું : ‘દુનિયામાં જેટલા બૈરાંના એટલા આપણા ઓછા!’
લોકો પણ અત્યાર સુધી તો ભાથીની મદદમાં હતા જાણે. પણ હવે તો એમની પાસેય કોઈ રસ્તો નહોતો રહ્યો.
ને લાચાર બનેલા કહો કે અટૂલા થઈ રહેલા ભાથીએ પોતાના ભાથામાંથી જાણે છેલ્લું એક તીર કાઢ્યું : ખાટલો પાથરતાં આજે એણે નરમાશથી જ બોલવા માંડ્યું, ‘હવે તો હું થાક્યો તારાથી મે’રબાન!’
‘હજુ થાક્યો ક્યાં છે? હવે થાકીશ!’ વહુ તો દિવસે દિવસે હીનાની જેમ જાણે રંગ લાવતી જતી હતી. જ્યારે ભાથીએ આ અપમાનના કડવા ઘૂંટડા જાણે ગળવા માંડ્યા.
વહુએ ઉમેર્યં, ‘જાને તારા વલેશરીઓ પાસે, પૂછને જો હજુય કાંઈ વહુને વશ કરવાનો ઉપાય બાકી રહ્યો હોય તો.’
પણ ભાથી તો પેલા મોહિનીવાળા પાસેય ફેરો મારી આવ્યો હતો. અરે એક ગાય જેટલું મૂલ આપ્યું હતું. પણ એમનીય પેલી સવા મહિનાની મુદતને ઠેકાણે સવા વરસ થવા આવ્યું! ને વહુ તો વશ થવાને બદલે, પોતાને જ એણે અવશ બનાવી મૂક્યો હતો.
ને એણે આજેય ખાટલો પાથરવો પડતો મૂક્યો. ભાથીનું પેલું તીર પણ નકામું ગયું હોય તેમ થાલે હાથે જ જાણે તાપણા આગળ બેઠેલી પત્ની પાસે આવી બેઠો. અને જેમ કોઈ પ્રિયતમા પ્રીતમ આગળ અંગ આખાનું સમર્પણ કરતી હોય. તેમ એણે વહુ પ્રત્યેનો ગુસ્સો, તિરસ્કાર ને છેલ્લે પેલો ધણીપણાનો વાઘોય જાણે ઉતારી નાખ્યો. બોલવા લાગ્યો, ‘શું કામ ભૂંડી તું એક જ રંગે ચઢી છે? પેલા ગાણામાં કહ્યું છે કે ‘મનખો નહિ આવે લ્યો ફરી ફરી રે લોલ!’ માટે તારો આંકડો જરા નીચો નમવા દે ને જવા દે આ બધા તારા –’
પરંતુ ભાથીના આ નરમ શબ્દોએ વહુને જરાય નરમ ન પાડી. ગાણાની પેલી કડી સાંભળીને તો જાણે એનાં કોઈ સૂતાં શમણાં જાગી ઊઠ્યાં. એ બોલવા લાગી, ‘મનખો ફરી ફરીને નઈ આવે એટલે જ તો માણી લેવો છે. તમારાં આ છાણકાદવમાં તો શું ધૂળ માણવાનું છે? માટે આંકડો તો આજેય નહિ નમે ને કાલેય નહિ.’
‘પણ તો અધ્ધર રાખ. તું કે’ એમ કરું પછી તો બસને?’ ભાથીએ જાણે માથુંય એના ખોળામાં મૂકી દીધું.
તો વહુનેય ક્યાં બીક, શરમ કે સંકોચ હતાં? તેમાંય અત્યારે ધણિયાપાને જોરે કૂદતો ધણીય જાણે શરણે આવ્યો હતો. હસીને બોલી : ‘તમારા વેઠિયા લોકથી એ નહિ બને. મારે તો, શે’રનો મનખો માણવો છે, એની ખબર છે તને કાંઈ? પાનપટ્ટી ખાવાં, સિનેમાનાટક જોવાં ને ગુલતાન ઉડાવવાં છે. બોલ આમાંનું છે તારે અહીં તલભારેય? તારે અહીં તો ઊઠ્યાં કે છાણ ફીંદવાનું, પાણી ભરી ભરીને માથે ટાલ પડી જાય ને ખાવામાંય હરીફરીને રોટલા ને કઢી. બહુ બહુ તો ઘી ને દૂધ. પણ કેટલા પરકારનાં ખાવાનાં હોય છે એની કાંઈ ખબરેય છે તમ લોકોને? અરે મૂરખના સરદાર, તો પેલી કે’તેય નથી સાંભળી, કે ‘જીવ્યાથી જોયું ભલું!’
ભાથી તો સોળે કળાએ ખીલેલી વહુ તરફ બાઘાની જેમ તાકી જ રહ્યો. આની આગળ નમતું મૂક્યું એને બદલ એ થોડોક પસ્તાતો પણ હતો. ‘પણ ખેર! આજ તો આમ ને આમ એનો પૂરો તાગ લેવો.’ વિચારી વહુના તેજમાં પૂરેપૂરો જ લેવાઈ રહ્યો. પૂછ્યું, ત્યારે એમ જ કે’ને કે તારે શે’રમાં જ જવું છે?’
‘અરે ઊપડી આજકાલમાં, કાંઈ તારી કે બીજા કોઈની મને બીક થોડી લાગે છે?’
‘અરે ના રે ભાઈ! કેતો માથે તારા ઘાઘરાકાપડાનું પોટલું મેલી વળાવવા આવું. વેઠિયો તો તું કે’ છે, ત્યારે પૂરો વેઠિયો!’
‘હું જાણું છું તું મારા પેટમાં પેસવા આવ્યો છે એ પણ...’
‘અરે રે! એ શું બોલી? વહુના પેટમાં પેસું તો તો પાપ જ થાય ને? ગમે તેમ પણ વેઠિયા વેઠિયાનીય તું વહુ તો ખરી ને?’
આ મહેણાંએ વહુને સાચે જ બાળી મૂકી. ‘એ તો હું જાણું છું કે મારો ધણી થઈને તું ઊંચી પાનીએ ફરે છે. પણ ખબરાવું છું થોડાક દનમાં રોટલા.’
‘એટલે? કાંઈ ઝેરબેર આપવાનો વિચાર તો નથીને?’ ભાથીને સાચે જ ઊંડે ઊંડે ફાળ પડી : ‘ભલું પૂછવું, લોક કે’ છે ને કે કંપાડર દોસ છે?’
‘ગોળે મરે એને વખે શું કામ મારવા જાઉં? ને ઊલટા તીં તો મને પૂરવા જતાં એક એક એક કરીને બધા જ દરવાજા ખોલી આપ્યા છે. ‘
’તો પધારો ત્યારે ઊઠો.’ કહેતાં ભાથી ઊભો થઈ ગયો. બાવડેથી પકડી ખેંચવા જ માંડી, ‘અત્યારથી જ હેંડવા માંડો.’
પણ વહુ એમ ગાંડી ઓછી હતી? લોક કહેતું હતું એમ, ‘કોઈ ખરા જણની કોણિયો ખાધી’તી!’ છેડાઈ પડી : ‘કાઢી મેલવી હોય તો બોલાવ પીટ્યા બે જણને ને એમની શાખે ફાડી આપ મને હાથછેડો.’
ભાથી પણ થોડો નરમ પડ્યો. ‘તો પડી રે’ આજની રાત. કાલ સવારે વાત એની,’ અને હાથ છોડતાં છેલ્લીવેલી બે લાત પણ લગાવી દીધી....
પણ વહુને તો, ‘દસ લાત લગાવતાંય હાથછેડો આપી દે છે આ વેઠિયો!’ એમ જ હતું.’
પોતાનો ખાટલો પાથરતાં એ પાછી પાણી પણ ચઢાવી રહી હતી : ‘હાથછેડો આપી દે તો તો તને મરદ જ વખાણું... પણ ના ના! મને વિશવા જ નથી તારો.’
‘તું મે’રબાની કરીને હવે સૂઈ જા. નકર ક્યાંય કાળ હાથમાં નહિ રે’ ને કાં તો કોક હાડકું બાડકું ભાંગી બેસશે.’
‘એટલું બાકી છે કેમ? તો ય ભાંગી આપ, લે, કોણ બીએ છે?’
‘મને લાગે છે કે તારી માએ જણતી વખતે ધતૂરાનાં બીજ ખાધાં છે! એ વગર આવો લવારો કોઈ કરે જ નહિ.’
‘ને તારી માએ?’
‘મારી માએ તો ઘી-દૂધ જ ખાધાં છે. નકર આ હમણાં તારો ટાંટિયો ભાંગી નાંખું, બોલ? પેલો લઈને જનારોય પછી સૂંઘશે નહિ તને, ને કૂતરું રવડે એમ રવડ્યા કરીશ જ્યાં ત્યાં.’
‘જ્યાં ત્યાં શું કામ? આ ઘર તો–’
હવે જાણે ખીલવાનો વારો ભાથીનો આવ્યો; પેલીના લવારા તરફ ધ્યાન ન આપતાં બોલ્યો, ‘અરે આ ઘર તો કોક છેલછબીલીનું છે. તું જો તો ખરી. જીવતી હોય તો આવજે આ પા થોડા દન પછી, ને જોજે કે કેવાં બે જણાં ગલરાં ઉડાડે છે. મને કંઈ બીજું બૈરું ન મળે એવું ઓછું છે? અરે એક કે’તાં અઢાર આવે. ભાથીને તું ઓળખતી જ નથી...તું તો કે’ છે કે જીવ્યાથી જોયું ભલું. પણ શંખણી એટલું તો યાદ રાખ કે ‘જોયું પણ માણ્યું ભલું અને સ્વગતની જેમ ઉમેર્યું. ‘આ તો ઠીક છે મારામાં થોડોક અરેનો ભાગ છે. મીંકું મરશે; એટલે માનવીઓની શાખે ચોરીમાં હાથ પકડ્યો છે તો આપણે એના જેવું ન થવું. મીંકુ આવશે ઠેકાણે.’
વહુ ખાટલામાં પડી પડી હસવા લાગી : ‘ત્યારે તો મારી દયા ખાઈને જ–’
‘હા હા! દયા સત્તર વખત દયા ને હજુય કહું છું મારાં છેલ્લાં વેણ યાદ રાખજે, કે જો ફક્કડ આ ભાથીને સંભારી સંભારીને પોશ પોશ આંસુ ન ખેરવે તો મારા નામનું ખાસડું ઠોકજે જા.’
‘ત્યારે તો કાલ નક્કી મને છૂટી કરવાની ને?’
‘અરે અત્યારે. તું કે’ તો અત્યારે બોલ ઉઘાડું બારણું?’
‘ને હાથછેડો?’
‘હાથછેડો હાથછેડો છે, જા. તારા પેટનો થાય તો તારી સામે ફરિયાદ કરે તો, બસ.’
વહુ તો સાચે જ હેબતાઈ ગઈ. કારણ કે ભાથીના અવાજમાંય ક્યાંય શક રાખવા જેવું ન હતું.
ઓછું હોય તેમ એણે ઉમેર્યું, ‘હાથછેડોય આપત પણ આટલી ફજેતી ઓછી નથી, સમજી? એટલે એક તું જાણે કે એક હું જાણું ને ઊઠે એવી આ ઘરમાંથી જે કાંઈ તારે લેવું હોય એ લઈને, હું ઘર બા’ર હોઉં એવામાં જ તું તારે હેંડતી થજે.’
આટલી બધી સરળતાથી ને આટલો વહેલો પોતાનો માર્ગ મોકળો થશે એમ તો એણે સ્વપ્નેય નહોતું ધાર્યું. અરે પોતે આટલી મક્કમ હોવા છતાંય પોતાની ઇચ્છિત જગ્યાએ જઈ શકશે કે કેમ એનો જ એને ઊંડે ઊંડે વહેમ હતો... અને સાચે જ એ જાણે નિરાધાર શી બની રહી. બે-પાંચ ક્ષણ તો એનેય થયું : ‘વેઠિયો વેઠિયોય પણ અહીંનાં બીજાં બધાં કરતાં તો ક્યાંય સારો છે. અરે મારા બાપ કરતાંય સારો છે બાપડો!’
ત્યાં તો ભાથીને વળી બોલતો સાંભળ્યો : ‘પણ જો ફક્કડ! ફેર ફેર કહું છું, મારાં આટલાં વેણ તારા પાલવને છેડે જરૂરથી ગાંઠી રાખજે કે’ જો પસતાય નહિ તો...’
અને વહુએ એનો અસલ મિજાજ સંભાળ્યો. હસવાના પ્રયત્ન સાથે કહ્યું, ‘પસતાઈશ પસતાઈશ બકે છે, પણ શું કામ એ તો તું ભસતો નથી.’
‘શું કામ, તે તું અધૂરી ડાકણ જેવી છે એટલે! તને હજુ પૂરું ધણિયાણી થતાંય આવડતું નથી ને આવડશેય નહિ.’
‘બસ એ જ ને. તો એ તો મારે થવુંય નથી. આંહીં તો હથેળીમાં નાચે એવો જોઈએ.’
ભાથીમાં સાચે જ અત્યારે જાણે કોઈ આત્મગૌરવ જાગ્યું હતું. વળી કહ્યું, ‘તો આટલી ફેર એક ગાંઠ પાડ કે જેને નાચતાં આવડે એને જ નચાવતાંય આવડે.’
વહુનેય ક્ષણભર તો થયું કે વેઠિયો વેઠિયોય પણ છે તો રસિયો. પણ બોલી ત્યારે જુદું જ, ‘તેમાં તારી માએ તને દડદાપાટુ કરવાનો નાચ શિખાડ્યો હશે.’
રમૂજમાં આવેલા ભાથીએ ક્ષણભર આંખ ફેરવી. ‘જો, મરેલી માનું નામ લઈશ તો ગળું જ દબાવી દઈશ.’ કહી અસલ ચાલ ઉપર આવી ઊભો, ‘પણ એટલું તો તું સમજે એવી છે કે નાચ ખરો; પછી બૈરા સાથે મનેખ જેવો ને ગદ્ધી સાથે ગધેડા જેવો.’
‘ગદ્ધીય તારા કપાળમાં તો નથી રે’વાની. તું જો તો ખરો.’
‘હું જોઈશ ને તું રોઈશ. વાળ ગાંઠ ને ઊંઘવા દે હવે.’ કહી એણે પાસું ફેરવ્યું.
‘રોઈશ તોય તને વેઠિયાને તો હું આંસુ લોવા નહિ બોલાવું માટે તુંય મેલ છાલ.’ ને પણ પાસું ફેરવી ગઈ.
બસ બેઉ જણ વચ્ચે આ છેલ્લી વાતચીત છે.
ભાથી વહેલો ઊઠી પાણી ભરવા વળ્યો. જ્યારે વહુએ પિયરની વાટ સંભાળી.
કોણ જાણે કેમ પણ આ વખતે સૌ કોઈએ ભવિષ્ય ભાખ્યું, ‘બસ ખલાસ, ભાથીની વહુ આ વખતે પાછી આવે ત્યારે જાણવું કે આવી.’
પાણિયારેથી પાછો ફરેલો ભાથી વાત જાણી સૌથી પહેલાં ઘર જોઈ વળ્યો. પરંતુ એને માલૂમ પડ્યું કે, એ એનાં પોતાનાં કપડાં પણ પેટીમાં એમ ને એમ રહેવા દઈને ગઈ હતી. અરે ઘરેણાંય નાનાંમોટાં બધાં જ પેટીમાં મૂકી ગઈ હતી. અને હાસ્ય કરતાં બબડ્યો : ‘શું કામ લઈ જાય, આ જાડું ગૈણું ને જાડાં લૂગડાં? એને જ્યાં શે’રની જ બધી મોજો મારવી છે પછી!’
અને પંદર જ દિવસમાં આ બધાની વાણી સાચી પડી. ચારે બાજુ આ એક જ વાત હતી, ‘ભાથીની વહુ પેલા કંપાડર બામણ સાથે હેંડતી થઈ! કાલની ઘડી આજનો દન!’
આ જાણી ભાથીએય જાણે છુટકારાનો દમ લીધો.
ભાથી કાંઈ નાગો-ભૂખ્યો ન હતો. ઘર પણ આબરૂદાર ને ખાધેપીધે પણ પહેલી હરોળમાં હતો. વળી મુરતિયા તરીકેય એનો નંબર છેલમાં આવતો. એટલે બીજી પત્ની માટે ઝાઝી માથાકૂટ કરવી પડે એમ તો હતું જ નહિ. અરે એના માસાએ તો તરતમાં જ વિધવા થયેલી એક યુવાન બાઈ સાથે વીતચીત કરી એના સંબંધીઓ જોડે લગભગ નક્કી જેવું પણ કરી લીધું. અલબત્ત વાત જાહેરમાં નો’તી મુકાઈ, કારણ કે બાઈ હજુ ખૂણો પાળતી હતી.
તો ભાથીનેય ક્યાં ઉતાવળ હતી? કામકાજમાં એકલ પંડે બધું ફાવી રહેલું હતું. ઉપરાંત એનેય પલાયન થઈ ગયેલી વહુ બદલ જાણે ખૂણો પાળતો હોય એવું હતું.
અલબત્ત, વહુ જતી રહે એ જરા નામોશીભર્યું તો ખરું જ પણ આ સિવાય એના અંતરમાં કંઈક બીજું હતું. શું હતું તો એ પોતે પણ કળી શકે એમ ન હતું. પેલીના કરતાં આ નવી વહુ રૂપમાંય ઊતરે એમ ન હતી અને ગુણનો તો આખોય ગાળો સાક્ષી પૂરતો હતો. પણ તોય કોણ જાણે કેમ ભાથીને એને માટે અંતરમાં કોઈ ઉમળકો જ નહોતો ઊઠ્યો.
એક દિવસ મળવા આવેલા માસાને તો કહ્યું પણ ખરું : ‘પેલી વાત હમણાં આપણે દાબી જ રાખવી માસા. ને મને પૂછો તો આડી રાત એની શી વાત? માટે આપણે કોઈને બાંધવુંય નહિ ને બંધાવુંય નહિ.’
માસાનેય આની મોળી વાત સાંભળી જરા માઠું લાગ્યું. વહેમ પણ પડ્યો. ‘કાં તો એણે કોઈ ત્રીજે ઠેકાણે ગાંઠ્યું હોય!’
પણ ભાથીનું દિલ તો હજુ પેલી પે’લીની જોડે જ ગંઠાઈ રહ્યું હતું. આ જોઈ ખુદ ભાથીનેય હસવું આવતું હતું : ‘આ જુઓ તો ખરા! જાણે ઓછાં ખાસડાં ખાધાં હોય એમ!’ પણ આનો જવાબેય એણે પાછો હસીને જ આપ્યો, ‘દિલ લગા ગદ્ધી સે તો પરી ક્યા ચીજ હૈ!’
કામની ધમાલમાં દિવસે તો નવરાશ હોય જ નહિ. એટલે સ્વાભાવિક છે કે રાત ખાટલામાં પડ્યા પછી જ પેલી યાદ આવે. પણ એ યાદેય એની આવતી કે કોઈ કોઈવાર તો ખુદ ભાથીય કંટાળી જતો. ફરી ફરીને એ જ અકળામણ વ્યક્ત કરતો : ‘અરે ભગવાન! એનામાં એવું હતું શું કે હજુય તું નથી ભૂલતો?’
અને એક દિવસ ઊંડા ઊતરી, વિચારોને બંધ પાડી દઈ, શું હતું એ ભાથીએ શોધીય કાઢ્યું. પણ એ એવું હતું કે, કોઈની આગળ કહી પણ ન શકાય ને કહ્યા વગર રહી પણ ન શકાય.
અને એક દિવસ, પોતાની આગળ રૂઠેલી વહુનું દુઃખ ગાઈ રહેલા પાડોશી ભાઈબંધ આગળ અનાયાસે જ એનાથી પોતાની વાત કહેવાઈ ગઈ : ‘મારે પેલી રાંડ માટે એટલું તો કે’વું પડશે કે ખાટલામાં પડ્યા પછી તો એ બધું જ ભૂલી જવાની. એ તો એને પેલા નાટકસિનેમાએ ને શે’રના શોખે ભરમાવી. બાકી–’ પણ ત્રીજા માણસ આગળ પોતે વખાણ કરી રહ્યો છે, એનો ખ્યાલ આવતાં એણે બાકીના શબ્દો બદલી નાખ્યા, ‘પણ મેલને નામ એ વંઠેલીનું!’
પણ પેલો માણસ સમજી ગયો હતો. એક ભારે શ્વાસ લેતાં બોલ્યો : ‘વંઠેલી ને વગર વંઠેલી ભાઈ! બૈરું જો ખાટલામાંય મન મેલીને મળે નહિ, તો પછી એ સીધી હોય તોય એમાં રંધાયું શું? એ તો તારે આ જતી રહી, બાકી તું જ કે ને, આ છે ય કેટલી ધણી પછવાડે લૂણ ખખડાવે છે?’
ગમે તેમ પણ એના આ શબ્દો ભાથીને ગમ્યા તો ઘણા જ. એટલું જ નહિ આ પછી તો એને પેલીના શબ્દો અને વર્તન પણ વાજબી લાગવા માંડ્યાં. ‘વેઠિયો કે’તી એમાં ખોટુંય શું છે? મે’નત આડે ન ખબર પડે રાત કે દન! આખોય અવતાર ઊંધું ઘાલીને મજૂરી... કૂટ રે કૂટ! ન તો પે’રીઓઢી જાણ્યું, કે ન આવડ્યું ખાતાંય. એ કે’તી’તી જ ને, કેટલા પરકારનાં ખાવાનાં હોય છે? પેલી વાતમાં આવે છે એમ બત્રીશાં ભોજન અને છત્રીશાં શાક, એમાંનું એકેય તેં ખાઈ જોયું છે? બસ ત્યારે, ને જોવામાંય હરીફરીને ઢોરાં ને છોરાં! ને વગડે જાઓ તો ઝાંખરાં કે શિયાળવાં! બે વરસે જતાં, પેલા સાદ બેસી ગયેલા ને ઉજાગરા કરી આંખો ઊંડી પેસી ગયેલી એવા ભવાયા આવે, તે તો જાણે અમદાવાદી નાટક કંપની આવી! અરે, આપણો પેલો મનજી જ કેવી શે’રની શોખની વાતો કરે છે! કે’નારે કહ્યું જ છે, ને એય એ જ કે’તી તી ને કે જીવ્યાથી જોયું ભલું... પણ આપણે તો બસ, જોયું પણ માણ્યું ભલું જ કરી દેખાડવું છે...’
અને પછી તો આ નવે પાટે ચઢેલું ભાથીનું મન, ઘરકામના ઢસરડાથી, ભાથીના શબ્દોમાં કહીએ તો વગર પૈસાની વેઠથી જાણે થાકવા લાગ્યું. શું કામ પોતે આ ઢોરઢાંખરની ખેંચતાણ ને એકલે હાથે ખેતરોની દોડધામ કર્યા કરે છે? નથી માથે કોઈ નાનામોટા માણસની જવાબદારી કે એની ખાતરેય વળગી રહે? બાપડી પેલી વહુએય વાટ સોજી કરી આપી છે.
‘અરે એ તો વાટ ભાળી ગઈ છે એમ કે’ વાટ.’ ગાડું લઈને ચોમાસા માટે દૂરના જંગલમાં બળતણ લેવા ગયેલો આખા દિવસનો બળ્યોઝળ્યો ને ભૂખ્યો ભાથી ચૂલો પેટાવતાં દરરોજના વિચારોના અનુસંધાનમાં જ બોલી ઊઠ્યો.
એવામાં વળી, બે બળદમાંથી એકનો પગ ભાંગી ગયો ‘કરમના જ વાંક ને?’ ભાથી દુઃખ સાથે બબડ્યો, ‘નકર નદીએ પાણી પીવા જવાને બદલે (ચારના) માળા તરફ જાત જ શું કામ? એ ન ગયો હોત તો પેલા માળાવાળો શું કામ પાણો નાખત? ને નાખ્યો એ તો નાખ્યો પણ-આપણેય નથી નાખતા? પણ આ તો બરાબર હાડકા ઉપર જ વાગ્યો! ત્યારે આપણા કરમનો જ દોષ ને?’
છતાંય ભાથીથી પેલા માણસને ઠપકો દીધા વગર ન રહી શકાયું : ‘ભલા આદમી, જરા જો તો ખરો. હવે બસો રૂપિયા ખરચતાંય, આ આવે દને મને આવો બળદ મળવાનો છે?’
‘ન મળે તો જા તુંય વહુની પાછળ?’ પેલાને જાણે ભગવાને બોલાવ્યો : ‘એવું હતું તો ચાર તાણવા ન’તો જવા દેવો.’
‘–પણ તીં માળા ફરતી વાડ કરી હોત તો–’
પણ પેલો, ખાસ તો પોતાનાથી એક ખોટું કામ થઈ ગયું છે એની જ દાઝમાં એ ભાથીને દબાવી દેવા માગતો હતો, કે જેથી ગામના બીજા માણસો પણ વગર પૈસે ડહાપણ કરવા ન આવે. એ બોલ્યો : ‘વાડવાળો આવ્યો છે, પણ તારે’ જ વહુ આડે વાત કરવી’તી ને બાયલા? એવો મોટો મરદ છે તો જાને પેલા બામણ પાસે ને ખેંચી લાવને ચોટલો સાઈને વહુને જ–’
અને પછી તો કોઈ ભાથીના પક્ષમાં ઊતર્યા તો કોઈ વળી પેલાની તરફેણમાંય બોલ્યા.
પરિણામ એ આવ્યું કે, ભાથીએ પેલા ભાંગેલા બળદને એને બારણે લાવી મૂક્યો. જ્યારે પોતે મન સાથે મનસૂબો કર્યો : ‘કાંઈ નઈ. નથી તો બીજો બળદ લેવો કે નથી હવે ખેતી કરવી. અરે આ મુલકમાં જ નથી રે’વું પછી? પેલો છે એ બળદેય વેચી ખાવો છે.’
‘કાંઈ કારણ?’ ગામલોકોએ અને સંબંધીઓએ ભાથીનો આ નિર્ણય જાણી પૂછ્યું.
ભાથી પાસેય શરૂ શરૂમાં તો કંઈ જ કારણ ન હતું. ‘બસ એમ જ, કારણ ને બારણ’... ભાથીએ કહ્યું.
એટલામાં એક અક્કલવાળાએ જાણે શોધી કાઢ્યું : ‘એ ભલે ન કે’ પણ હું સમજી ગયો છું... શું તે તે દન પેલાએ વહુનું મેણું માર્યું ત્યારથી જ આને કાંક ચોટ વાગી છે, પછી તો બૈરું શોધી લાવવા હોય તોય ને વેરાગ આવી ગયો હોય તોય.’
ને ભાથીએય અત્યાર પૂરતું આ જાણે કબૂલ કરી લીધું ‘જે ગણો એ, પણ એક ફરા તો બા’ર ફરી આવવું છે.’
અલબત્ત, આ પછી તો એણે પેલા માણસ ઉપરનો ભાર પણ હળવો જ કરી નાખ્યો : ‘અરે ના રે ભાઈ, એ ભલા’દમીને શું કામ બેનામ કરવો છે? મેણું-ફેણું તો ઠીક, પણ પેલી રાંડ જતી રહી ત્યારથી જ મારું દલે ખાટું થઈ ગયું છે.’
ને એ તો આ વેઠિયા જીવન ઉપરના વૈરાગે કે શહેરી જીવનના અનુરાગે–ગમે તે રાગે–પણ ઢોર ઢોંખ સાચમણે મૂકી, ખેતરો ભાગે આપી, ઘરને તાળું ચઢાવી, વહુના ગયા પછી બરાબર બેતાલીસમી સવારે ભાથીએ ઘર, ગામ ને ગાળાથી–પહેલા કે છેલ્લા એ તો એય નહોતો જાણતો પણ–રામ રામ કરી દીધા. એ તો આસપાસનાં ગામોએ પણ અષાઢની એ મેઘલી રાત જામે તે પહેલાં જ જાણી લીધું હતું.
ગમે તેમ પણ ભાથીના આ દેશવટાએ છ-આઠ રાત સુધી તો લોકોનો દિવસભરનો લાગેલો થાક ઉતાર્યો હતો.
કોઈએ એની દયા ખાધી : ‘બાપડો! આખોય અવતાર એણે દુઃખમાં કાઢ્યો. નાનપણ નમાયામાં ને મોટપણમાં રાંડે વિતાડ્યું...’
તો વળી કોઈએ એનો જ વાંક કાઢ્યો : ‘ભાઈ જ માગતા’તા. વહુનો જરા છમછમાટ ને રૂપાળું મોઢું જોઈને આ તો જાણે મારે શું! ને આવી એવામાં કામે જ ન અડવા દીધી. ફળીનાં છોરાં જ’તાં કે’તાં કે અડધું વાસીદું તો એ જ ભરી લેતો. વહુ તો લોકોને ભાળવા છાણવાળા હાથ કરતી એટલું. હાસ્તો, વહુ પાછી કચરાળી થઈ જાય કે?’
ભૂતકાળ ગવાઈ ચૂક્યો તો વળી, લોકોએ ભવિષ્ય ઉઘાડ્યું : ‘તમે જોજો તો ખરાં. ગયો તો છે પણ વહુનો પત્તો લગાડશે ત્યારે જ જંપશે. અરે કાં તો ઝટકાવી જ નાખશે. આમ ભલે ભલો લાગે, પણ વીફરે ત્યારે તો કોઈનોય નહિ.’
બીજાએ વળી, બીજી વાત કરી : ‘મને તો લાગે છે કે પાણીભર્યે ગયો છે તે કાં તો અહીં તાણી લાવશે ત્યારે જ એના જીવને ટાઢક વળશે...’
તો ત્રીજાએ પેલી બેય વાતનો છેદ ઉડાડી દીધો : ‘અરે નારે. બૈરું એને ઢંગે ગયું એમાં એ શું કામ અસ્ત્રીહત્યા વો’રે. ને એને ક્યાં બીજી નથી મળતી તે ગયેલી ઘો પાછો હાથે કરીને ઘરમાં ઘાલે? પણ મને તો લાગે છે કે, મનજીનું સરનામું લઈ ગયો લાગે છે એટલે ક્યાંક નોકરીએ જ ચઢી જશે. તમે જોજો ને, એક વરસમાં તો પેલા કંપાંડરને નોકર રાખે એવો થઈને આવશે. આપણો આ મનજી જ પેલાં કેવો હતો? પણ આ બે વરસમાં ણો–’
ત્યાં તો બહુ વારથી ચૂપ બેસી રહેલ એક ઠરેલ જુવાને ‘હવે જરા મારી વાત સાંભળશો?’ કહી બધાયનું લક્ષ ખેંચ્યું : ‘મને લાગે છે કે આ ભાથીભાઈય શોખ કરવા જ નીકળી પડ્યા છે. એનેય થયું હશે ત્યારે મારેય શું પાછળ ભૂખે મરે છે? ને એટલે જ એક બળદ હતો એય વેચી દીધો. સો રૂપિયા તો ગાંઠે જ બાંધી લઈ ગયો છે ને બીજા સોનુંય શેઠને કે’તો ગયો છે કે મંગાવું તો મોકલજો. હવે તમે જ કો’ ને મનજીની પેઠે નોકરી કરવાનો જ વિચાર હોત તો આટલા બધા રૂપિયા કોઈ ઘેરથી લઈ જાય ખરો? ને પાછા આવવું હોય, અરે મને તો લાગે છે એક વરસે આવવું હોત, તોય બળદ તો ન જ વેચી ખાત...!’
આ બધી વાતોનો મુખ્ય અડ્ડો પણ ભાથીની ફળીમાં જ હતો. રાત પડતી કે ખાઈ-ખાઈને જુવાનો એક પછી એક આવવા લાગતા. આ પછી સ્ત્રી-વર્ગ પણ કામ પરવારી આવવા લાગતી. આઠ દિવસથી બસ આ જ રસમ હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તો વરસાદ પણ જાણે વાતો સાંભળવા જ આવતો હોય, તેમ રાત પડવાની સાથે જ આછે આછે ફોરો હાજર થઈ જતો.
અને નવમી રાતે પેલો રસ જ્યાં મોળો પડે છે, લોકો ઊઠવાની તૈયારી કરે છે, ત્યાં જ બરાબર એક કિશોર, અડધો નવાઈ પામતો તો અડધો ગભરાતો આવી લાગ્યો. વાતે ચઠેલા પોતાના જ મોટાભાઈને એક તરફ બોલાવી લઈ ગયો.
પેલો ડાયરો પણ જાણે કંઈક અવનવું હોય તેમ ગુસપુસ કરતા આ બે ભાઈ તરફ અદ્ધર શ્વાસે તાકી રહ્યો.
મોટાભાઈએ વળી બીજાને બોલાવ્યો. ને એ બેઉ જણ, ભાથીના ઘર તરફના અડાબીડ અંધારામાં લોપ થઈ ગયા.
જ્યારે આ લોકોએ પેલા કિશોરને કોચવા માંડ્યો : ‘શું છે’લ્યા? ભસ તો ખરો મોઢેથી? આમ બાઘો શાનો થઈ ગયો છે? શું હતું કે’ જોય?ֹ’
કિશોરને કહેવું જ પડ્યું: ‘ભગવાન જાણે! મને તી ભૂત જ લાગ્યું.’
‘ક્યાં પણ?’
‘ભાથીભાઈની પરસાળમાં.’
‘ભૂત રે ભૂત! પણ તને શી ગમ પડી ગધેડા? જરા માંડીને વાત તો કર!’
‘માંડીને તો–હું અહીં આવતો’તો ને ભાથીભાઈની પરસાળમાંથી એ બૈરાને વેશે મારી પાસે આવ્યું. ને કે’ છે, ‘આ ઘરધણી ક્યાં ગયો છે?’ મેં કહ્યું કે, ‘પરદેશ.’ તો કે’ છે, ‘ક્યારનો?’ પે’લો તો મને લાગ્યું કે ભાથીભાઈની વહુ છે. પણ એ તો જતી રઈ છે એ યાદ આવતાં–’
ને આ સાથે જ આ લોક પણ પેલા કિશોરની દયા ખાવા કે સાન્ત્વન આપાવાને બદલે બબ્બે ત્રણત્રણને ઝૂમખે ભાથીના ઘર તરફ – અલબત્ત, દબે પગે રવાના થવા લાગ્યા....
થોડી જ વારમાં આ આખીય ચોપાડ સૂમસામ. સાટે ભાથીની ચોપાડનું ફાનસ પણ અહીં આવી ગયું હતું.
છેલ્લે આવનાર દરેક જણ ધક્કામુક્કી કરીને છેક આગળ જઈ પહોંચતું. ભીંતને અઢેલી ઘૂમટો તાણીને બેઠેલી આકૃતિને બરાબર પારખી લેતું, અરે કોઈ કોઈ તો એને સવાલ પૂછી અવાજ સાંભળીને પાકી ખાતરી પણ કરી લેતું. ‘નારે ના, શાનું ભૂત ને શી વાત કરો છો? ભાથીની વહુ જ છે રાંડ છટેલ!’
ઠીક ઠીક વાર સુધી તો કોઈને કંઈ જ સૂઝ ન પડી. અરે કાળ જ જાણે વિમાસણમાં પડી થંભી ગયો હોય, ભાથીની ચોપાડમાં જ જાણે ઘુમરાયા કરતો હોય, એમ લાગતું હતું.
છેવટે પેલી વહુ જ બોલતી થઈ : ‘ઘરધણી તો ગયો પણ ઘરની કૂંચી તો કોઈને આપતો ગયો હશે ને?’
પરંતુ જેને ત્યાં કૂંચી હતી એ પાડોશી જ ના પાડી ઊઠ્યો. જ્યારે એ બટકબોલા જવાને તો વાતાવરણ પણ થોડુંક હળવું કર્યું : ‘એને ભલા’દમીને શી ખબર કે આપ પાછાં પધારવાનાં હશો?’
ભાથીની વહુનેય થયું હશે, સોડિયું વાળીને બેસી રહ્યે પત્તો નહિ ખાય. ઊભી થતાં બોલી : ‘હા ભાઈ, પણ મનેય ક્યાં ખબર હતી કે તમારા બધાંનાં મૂઢાં જોવાની પાછી આ વખત આવશે...! પણ લો, આ તાળું તો કોઈ તોડી આપો?’
લોકો ઉપર જાણે વીજળી પડી.
કોઈક બોલ્યું, ‘તોડ તારી આપે.’
‘તો મને કોશ આપો. મારું ઘર છે ને તોડવું છે.’ વહુ મક્કમ થતી જતી હતી.
‘તું તો તોડે પણ તોડવા કોણ દેશે?’ વળી પેલો જુવાન બોલ્યો.
‘આવે તો ખરો માનો જણ્યો રોકવા. ને આ સાથે જ એ માવત ઉપર વળીઓમાં ને ઇધરઉધર જોવા વળી, જો કોઈ ખીલી કે તાર હાથમાં આવે તો.
પેલા જુવાને પણ જોયં કે સાથ આપવાને બદલે લોકો ઊલટા એને દબાવતા હતા. ‘તારે શી પંચાત. બેસને છાનોમાનો. બૈરા મનેખને હાથે વળગવા જઈશ તો ખબર છે? અલકમલકની ફરંદી છે, અવળી જ બાઝશે?’
વળી અનુભવીઓને, અરે ખુદ મુખીનેય રોકવા માટે કાયદાની રીતે કોઈ બારી હાથ આવતી ન હતી : ‘ગમે તેમ પણ ઘરની ધણિયાણી તો ખરી જ ને?’
પણ મુખીએ એક બીજો રસ્તો દેખાડ્યો: ‘જો સાંભળ મારી વાત. તાળું ઉઘાડવું ને એ બધું કર્યા વગર હમણાં તું તારા બાપને ઘેર જ જા. એટલામાં ભાથીને તેડાવીએ. એ આવે પછી તું તારે...’
પણ પેલી તો અડગ જ હતી : ‘એ આવશે એટલે કાઢી મેલશે તો બેલાશક જઈશ. બાકી તમારા બધાને કહ્યે તો હું નથી જ જવાની. બાપને ઘેરેય નહિ.’
એમ તો એ કેમ જ કહે કે, ત્રણેક કલાક પે’લાં જ સીધી બાપને ઘેર ગઈ હતી, પણ એણે તો મોં જોવાની જ ના પાડી. અને વાત સુદ્ધાં નહોતી કરી, શબ્દો પણ આટલા ને તેય વાડા તરફનું બારણુંય ઉઘાડ્યા વગર : ‘આબરૂ તો ગઈ, પણ હવે અમારા બધાંના જીવ લેવા હોય તો જ આટઆટલામાં દેખા દેજે.’ અરે એણે તો રસ્તો પણ કૂવાનો જ ભાળ્યો હતો ને તેય ઘરનો કે પિયરનો તો નહિ જ.
અને એ પણ, ગઈ હતી તો પેલી વગડામાં આવેલી લાખો વણઝારાની વાવ ઉપર જ. પરંતુ ત્યાંથી આગળ વધતી આ સાસરીની વાટે ખરે જ એને લલચાવી નાખી. ‘અરે ભૂંડી! મરવું જ છે તો પછી ઉતાવળ શું કામ? મોત કે આ વાવ બેમાંથી એકેય નાસી જવાનું તો નથી જ... ને શે’રમાંથી છટકી ત્યારેય તું આમ જ કે’તી’તી ને કે, પરદેશ લઈ આવીને દગો દેનાર, ધરમરૂપી ધણિયાણી કરી રાખવાને બદલે એની કાયા ઉપર કમાણી રળવાની દાનત કરનાર, આ કંપાંડર બાંમણથી તો લાખ ગજે પેલો મારો વેઠિયો ધણી સારો! તો પછી બાપનાં લીધાં એવાં આ ધણીનાંય પારખાં લઈ જો! નકર જીવ કાઢતી વખત એનીય વળી, લાલસા રહી જશે...?!’
અને આ મનસૂબા પછી બે-અઢી કલાકે અત્યારે મુખીને કહેતી હતી તે પણ એના જ અનુસંધાનમાં : ‘કોઈનેય ફકર કરવાની જરૂર નથી મુખીકાકા. એટલો તો વિશવા કરજો કે ઘરમાંથી કાંઈ લઈને નાસી જવાની તો નથી જ.’
આ બાબતમાં તો સૌનેય વિશ્વાસ હતો કારણ કે ગયે વખતે ભાથીની ગેરહાજરીમાં ઘર છોડ્યું તોય, અરે ખુદ ભાથી પાસેથી જ સાંભળ્યું હતું : ‘ઘરમાંથી બીજું કશું લઈ જવાની ક્યાં વાત કરો છો? રાંડ તો એનાં પોતાનાં લૂગડાંય નથી લેવા રહી! ને ઘૈણુંય જાણે કૈડી ખાવાનું હોય એમ કાઢી મેલીને ગઈ છે!
વહુએ આગળ કહ્યું, ‘તો ઘરમાં પેઠેલી પાછી નીકળીશ નહિ એવુંય નથી. હવે જવાનાં ઠેકાણાં તો’ પણ અહીં એણે શબ્દો જ નહિ અવાજ પણ પલટી નાખ્યો. સ્વગત બોલતી હોય તેમ ઉમેર્યું : ‘ધરતી ઘણી મોટી છે; તમે તો જોઈ નથી ને હું તો જોઈને આવી છું. પણ મનને હજુ થોડીક લાલસા છે માટે’ – વળી, પાછાં એણે બહાના દાખલ કરેલા ઘૂમટાની કોર બહારથી મુખી સામે જોયું : ‘તમ તમારે બેફિકર રો’! આ ઘરધણી આવશે એટલે લાલસાય પૂરી થઈ જશે ને માટે કોઈય પેટવલૂરા ન કરશો! તે માવતેથી હાથમાં આવેલી છત્રીની સળી વડે તાળું ઉઘાડવાનો પ્રયત્ન કરી રહી.
સ્ત્રી-વર્ગ તો એના શબ્દો સાંભળીને જ દાંતમાં આંગળી ઘાલી રહ્યો : ‘શું બાઈ બોલે છે!’
મુખીને થયું : ‘આ તો વાતમાં જ રમાડી જશે ને હમણાં કાં તો ઘરમાં–’ ને બોલી ઊઠ્યા : ‘અરે, હા ભાઈ હા, પણ કેમ જાણ્યું કે ઘરધણી આવશે જ. જોતી નથી આ બધું વેચી મારીને ગયો છે એ?’
ને પેલીએય આ વખતે મુખીની સાન ઠેકાણે આણી : ‘નહિ આવે તોય તમે શું દુણાઈ ઊઠો છો મુખીકાકા? વાટ તો એની મારે જોવાની છે કે તમારે?’ આ સાથે તાળું પણ, ‘ખટાક’ દેતુંકને ઊઘડી ગયું.
એક તરફ બારણું ઊઘડ્યું, જ્યારે બીજી તરફ જાણે કાયદામાં આવવાની બીકે ન હોય તેમ લોકોએય પીઠ ફેરવવા માંડી. મુખીએય, જાણે જવાબદારીનું પોટલું પગમાં નાખતા હોય તેમ કહ્યું : ‘ ત્યારે સવારમાં ફરિયાદ બરિયાદ થાય તો તું જાણે બાઈ!’ ને ચાલતા થયા.
અને એણેય, મુખીની શિખામણ સરખી લાગતી રૂડી રૂપાળી ધમકી સામે ધડ દેતીકને બંદૂક છોડી, ‘ઘરધણી પરદેશ છે ને ધણિયાણી ઘરમાં છે, ત્યારે ત્રીજો કયો માનો જણ્યો ફરિયાદ કરવાનો છે વળી?’
ઓછું હોય તેમ જ રહેલા ટોળામાંથી હાસ્ય સાથે એક અવાજ પણ આવ્યો : ‘લો, ઘાલતા જાઓ મુખીકાકા ખોળામાં!.....’
ગમે તેમ પણ લોકો આ છટેલની હિંમત ઉપર દિંગ તો થઈ જ ગયાં હતાં. એટલું જ નહિ, એની વાતમાં પણ ઘણાં સંમત હતાં. તેમાંય ભાથી આગળ દિલની વાત કહેનાર પેલા જુવાન પાડોશીએ તો, દીવો દેવતા આપીને આડકતરી રીતે એને હિંમત પણ આપી...
પાછલી રાતે કૂકડો ને વહુ જાણે સાથે ઊઠ્યાં. કામ પણ બેઉ સરખું જ કરતાં હતાં. કૂકડો લોકોની ઊંઘ ઉડાડતો હતો; જ્યારે આ ઘર-ચોપાડનાં બાવાં ઝાડતી હતી.
અજવાળું થતાં જ એ મનજીનું સરનામું લઈ આવી. સાથે એક ભણેલા ભાઈને પણ તેડતી આવી. જોતજોતામાં ગામલોક પણ – અરે એ આખીય ચોપાડ ઠઠ વળી ગઈ. પણ એણે તો જાણે એ એકલી જ હોય રીતે કાગળની માંડણી કરી રહેલા ભણેલા ભાઈને સૂચના આપી : ‘જુઓ ભાઈ, એ નામઠામ લખ્યાં પછી હું કહું એ શબ્દ ને એ જ વેંણ ઉતારી લેજો.’ પેલાનું સ્વમાન ન ઘવાય માટે હસીને ઉમેર્યું, ‘જાણે ફોટો પાડ્યો!’
ટોળામાંથી અત્યારે કોઈક મોં છુપાવીને બોલી ઊઠ્યા : ‘ત્યારે તો ફોટો-બોટો પડાવી આવ્યાં લાગો છો?’
તો લોકોને હિસાબે પેલીય ક્યાં કાચી હતી? ફટ જવાબ આપ્યો, ‘હા ભાઈ, પણ ભીતરનો હજી બાકી છે!’
કોણ જાણે કેમ લોકોએ પેલા બોલનારની, શબ્દો કરતાંય આંખની ભાષામાં વધારે–જાણે ધૂળ નાખી. ને સૌ કોઈ એક કાને ને એકીટસે વિચાર કરી રહેલી બાઈ તરફ તાકી રહ્યાં.
અને સામે જ એ, જાણે ભીતરમાં જોઈને ન બોલતી-ઉકેલતી હોય તેમ બોલવા લાગી : ‘લખો : ફલાણાને માલૂમ થાય કે, છઠ્ઠીના લેખ મને પાછી લઈ આવ્યા છે... બાપના ઘરનાં કમાડ તો ન ઉઘડ્યાં! પણ તમારા ઘરનાં કમાડ ‘ધણિયાણી’ થઈને ઉઘાડ્યાં છે. વળી, પેલો ખોડો બળદ ને બીજાં ઢોર પણ લઈ આવી છું... બાકી તો અડધું ગામ સાંભળે છે ને શું લખાવું? ને તોય એ બધાની શાખે જ પેલો ‘ધણિયાણી’ શબ્દ લખાવ્યો છે. બસ મારી પા આટલું... હવે તમારી પા, હું; તો તમારા પંડને ઝંખું છું. ને છેવટમાં તમે જાતે નઈ તો તમારો, ‘હા-ના’નો કાગળ તો જોઈએ જ. પણ એય, ગણેલા પંદર દનમાં. માટે આજનો દન બાદ કરતાં પંદર દન તમારા ને સોળમો મારો, નક્કી માનજો. સત્તરમી રાતે તો પેલું ઉઘડેલું તાળું ફેર પાછું ‘ખટાક’ દઈને વસાઈ જશે.’
ને લખનારને કહ્યું : ‘નીચે મારું નામ ઘાલો ભાઈ.’
ટોળામાંથી બેત્રણ જણે તો કહ્યુંય ખરું : ‘અરે એટલા દન તે હોય? પાછી ચોમાસાની વાટ છે ને કાગળ કાં તો મળ્યો કે ના મળ્યો?’
પરંતુ એણે – ‘કાલ ટપાલી આવશે, એ પછી તો બીજા ચાર ફેરા થશે, માટે એટલા દન કાંઈ ઓછા નથી!’ એવું બધું ગણી સંભળાવતાં ટૂંકમાં જ પતાવ્યું : ‘તો ભગવાનની જેવી મરજી!’ અને એ કાગળ લઈ નીચી નજરે પણ મક્કમ ડગલે ચાલતી થઈ ઘરમાં.
લોકો પણ ભારે હૈયે સૌને કામે વળ્યાં.
એટલું જ નહિ, આ પછી તો પેલીને બદલે જાણે લોકો વધારે અધીરાઈથી ભાથીની વાટ જોતાં હતાં. તેમાં પેલા ટપાલીનો પહેલા ફેરાથી જ જેણે ને તેણે જીવ ખાવા માંડ્યો : ‘ભાથીનો હા, ના, નો કાગળ ભાઈ?’
પરંતુ ભાથીની વહુને આ ટપાલીમાં ઝાઝો જાણે રસ જ નથી. એ તો એ આવવાનો હોય દિવસેય વહેલી ઊઠી, વાસીદું પાણી કરી, ખાધું ન ખાધું કરી, ખોડા બળદને લઈ વહેલી વહેલી પેલી પાર તરફની ટેકરી ઉપર જ ચઢી જાય છે. એક તરફ બળદ ચરે છે અને બીજી તરફ એ, પેલા ઝાડને અઢેલી ઊભી ઊભી, સામેના એ ધોરી માર્ગ ઉપરની ક્ષિતિજે અનિમેષ આંખે બસ તાકી જ રહે છે. જાણે આથમણી પા જ એનો પેલો સોનાસૂરજ ન ઊગવાનો હોય!
(‘દિલની વાત’માંથી)
સ્રોત
- પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 99)
- સંપાદક : રઘુવીર ચૌધરી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999
