સરોજ પાઠક
Saroj Pathak
બ્લડપ્રેશરનો ભારે ઍટેક લાગે છે... કાં તો... એમાંથી પક્ષાઘાત થઈ જાય... હવે તમે બધાં ભીડ ન કરો, ડૉક્ટર દેવને આવવા દો, તે પહેલાં તમે બધાં દોઢડાહ્યાં થઈને...
હવે આ બધાં રડારોળ કરો છો તે અપશુકન થાય છે. કંઈ ભાન છે કે? નાનાં છોકરાંને પડોશમાં મોકલી દો તો!
કમુને કહો કે તમે આમ કરશો તો છોકરાં ગભરાઈ જશે, જરા હિંમત રાખો... માંદગી તો આવી છે ને હજી કાંઈ મોત તો નથી.
ટીંગલુ બિચારો હજી તો ઊગીને ઊભો થયો છે, માંડ પંદર પૂરાં થયાં છે... ગળે ધૂંસરી પડે કે છોકરો એકદમ મોટો...
ટીંગલુ વિશાળ દીવાનખંડના એક ખૂણામાં ઊભો ઊભો આંગળીના નખ ખાતો હતો... એણે એકદમ હાથ મોંમાંથી કાઢીને પીઠ પાછળ ગોઠવી દીધા. તે હવે ‘મોટો’ થઈ રહ્યો છે. તેણે મોટા થવાનું છે. પથારીમાં ચત્તા પડી રહેલા બાપુની આંખો બંધ છે. ઉઘાડે તો કેવડા મોટા લાલ ડોળા નીકળે...! ‘સાલા ડફોળ... હું નહીં હોઉં તો ભીખ માગશો ભીખ!’
ટીંગલુ ટટ્ટાર થઈ ગયો. બાપુ નહીં હોય તો? આ માંદગી ગંભીર પ્રકારની છે. બાપુ કદાચ હવે નહીં જીવે! નાનકી રોફ મારતી ફરતી હતી તે કેવી ડૂસકાં લઈ રહી છે? ડૉક્ટરને બોલાવવા જવાનું છે. એથી કેવા ફટ દેતાકને સાયકલના ભાડાના પૈસા નાખી દીધા! નહીં તો ‘રખડેલ’... ‘એક્સિડેન્ટ કરી આવશે તો તારા લૂલા-લંગડા દેદાર લઈને પડી રે’જે આ ખૂણામાં...!’
આજે એ બાપુ હાથ ખુલ્લા રાખી ખૂણામાં પડી રહ્યા છે. મામા અને દૂરના કાકા પણ આવી ગયા છે. હમણાં છે બધાં દોડાદોડી કરે.
‘છોકરો ડરી ગયો છે હોં! ભાઈ ભગવાનની પ્રાર્થના કરજે... કાંઈ નહીં થાય... દીકરા... આવડા દીકરા પરથી બાપનું છત્ર ઉઠાવી લે... એવો ભગવાન ક્રૂર નથી હોં!’
દાંત વગરનું બોખું મોં, ટાલકું માથું, ડગડગ શરીર... આ મારાં વાલેશરી! બાપા નહીં હોય તો...! એટલે કે બાપા હવે આ ઘરમાં નહીં હોય તો...
ટીંગલુએ દાંતથી હોઠ કરડવા માંડ્યા! ‘ડૉક્ટર દેવ શું કે’તો’તો... આ ચોખ્ખું દેખાય છે ને?’ ટીંગલુની નજર બાપુના ખિસ્સા તરફ ગઈ. સ્કૂલે જતી વખતે હવે પેલી ઇન્ડીપેન પોતાની બની જવાની. રોજ સાયકલ પર રખડવા જવા મળશે... ટીંગલુની કોણી વાગતાં માચીસ નીચે પડી ગયું. તેની નજર સામે ધુમાડાનાં વર્તુલ... પેલો પોંગી નાકમાંથી આમ વર્તુલો કાઢતો... મોટો ઠાંસ મારે છે, અમારે પ્રેક્ટિસ નહીં તેમાંસ્તો? હવે જોઈ લેજે બેટમજી! મને ટીંગડી ટીંગડી ખીજવતો હતો...
‘આ વહેંત જેવડા છોકરાને માથે કુટુંબનો ભાર પડી જશે...’
ટીંગલુએ અકળાઈને પોતાનો ખભો કાકાની ઘરડી હથેલી નીચેથી સરકાવી લીધો. સરખા ખમીસને બેય હાથે જરા નીચું કરી લીધું. કૉલર પાસે થોડી ખંજવાળ આવી. માથાના વાળને જરા ફંફોસી નાખ્યા... ‘વહેંત જેવડો છોકરો!’
ચત્તાપાટ પડેલા બાપા કેટલા લાંબા અને પહેલવાન હતા. બા જરા નીચી હતી. એના કરતાં એની નાની બેન છેક ખભા સુધી આવી ગઈ હતી. પોતે ‘ગટ્ટી’ રહી ગયો! બાપા પર તેને ખૂબ ખીજ ચડી ગઈ. મા પર ખીજ ચડી ગઈ. નાની બેન પર તો એવી દાઝ ચડી કે એક જો માથામાં મુક્કી મારી હોય તો એક વહેંત ખભાથી નીચી સદાને માટે કેમ ન થઈ જાય?
દોસ્તો-મિત્રો તેને ગટ્ટી-ટીંગડી... કહેતા! કહે જ ને? આ બાપાએ એવો ઠીંગણો જન્માવીને મૂક્યો! પોતે મોટા છ ફૂટ જેવા એટલે તે ઘરમાં રોફ મારે! દાદી હતાં તો દાદીને વઢી કાઢતા, ને બિચારી માને તો... ભલે આપણા દેખતાં નંઈ ને આમેય ખબર તો પડે જ ને કે બાપાને તો હાથની ચળ તો જ ભાંગે... આ ટપલાં ખાઈ ખાઈને તો અમે ડફોળ થઈ ગયાં. ઉપરથી પોતે જ અમને ડફોળની ગાળો દે’તા’તા!
ટીંગલુ પાણી પીવાના માટલા તરફ જઈને પાછો આવ્યો. બારીની સ્ટૉપર ઊંચી-નીચી કરતો હતો. આ મામો મોટો કર્તાહર્તા ન જોયો હોય તો! એને ત્યાં જ આવતે વર્ષે આ ડફોળ ભાણિયાને ‘સીધો’ કરવા મોકલી દેવાનો હતો કેમ? હવે મોકલજો ને!
બાપુનું તો મોં વાંકું થઈ ગયું. હવે તે બોલી શકશે? રઘુનાથના દાદા પથારીમાં પડ્યા હતા તેને તો ચમચે ચમચે બધા પાણી પીવડાવે. ઊઠી-બેસી શકવાની વાત જ ક્યાં, જ્યાં પાણી ય મોંમાંથી નીકળી જાય! હવે પાડજો ઘાંટા, દેજો ગાળો... આ વાંકું મોં થયું તેમાંથી મને હુકમ કરીને કહેજો કે મામાને ત્યાં...
નહીં રે... આ લોકો કેટલા દયામણા થઈ થઈને ટીંગલુ સામે જોઈ રહે છે. મામા પણ ખૂબ પ્રેમાળ થઈ ગયા છે. આ રવિશંકરનું અહીં શું દાટ્યું છે? સાલા તમાશો જોવા ભેગા થયા છે. મારા બાપાની કાપડની દુકાન છે... તેમાં ભાગીદાર! એંહ... લાવ મારો ભાગ... બધું વેચી ખાઈશ. હું કાંઈ સ્કૂલમાં ભણવા જવાનો નથી. હા, ફેરી કરીશ ફેરી! ના રે, દાણચોરીમાં તો એટલા બધા પૈસા મળે છે. હું તો પેલા પ્રવીણચંદ્રની જેમ વિદેશી વસ્તુઓ જ છાનોમાનો... ના, ઘડિયાળોનો સ્ટૉક લેવા માટે... ‘એય, ઊંધો ધંધો કરે છે કે?’ એવી રાડ પાડીને કોઈ ડોળા કકળાવી હવે ટીંગલુને કહી શકે એમ નથી. હા, આ બા હજી છે... રોજ મને વઢીને એક વાર હનુમાન ચાલીસા ગોખાવતી... હવે તો મોઢે થઈ ગયું.’
‘મરશે... હવે તમે રાહ જુઓ ને! અધીરાં શું કામ થઈ જાઓ! જીવન-મરણ કાંઈ આપણા હાથમાં છે? ડૉક્ટરે કહ્યું છે, ‘કાંઈ કહેવાય નહીં...’ એટલે દુઆ કરો... બીજું શું? આવા દરદમાં તો એકદમ ધપી જાય ને ખબરેય ન પડે, અને કાં તો વર્ષો સુધી આમ જ પથારીમાં પડ્યા રહે...’
હેં... એંએં... ટીંગલુના મનમાં સીસોટી વાગી! એટલે કે બાપા હવે મરી જવાના હોય તો...? મરી જાય એટલે આ બધા મોટેથી પોક મૂકશે... પેલી ડોકરી તો જુઓ કહે છે અભરાઈ પર હતો ગંગાજળનો લોટો... એની ફૂવડ વહુને જડ્યો નહીં. બધાં સગાં એક પછી એક આવી ગયાં છે. એ બધાં જ હવે ખભા પર ટુવાલ લઈ લેશે... ધોળાં ધોતિયાં ને ખભા પર ટુવાલ!
આપણને બંદાને પહેલી વાર સ્મશાનમાં જવાનું મળશે. કેમ નહીં? બાપાને અગ્નિદાહ તેના દીકરાને હાથે જ... હું ટીંગલુ ભલે રહ્યો... આ ભાયડાઓ વચ્ચે ‘છોકરું’ ભલે રહ્યો પણ હું ‘મોટો’ છું તેની કોણ ના પાડવાનું છે? મને લઈ જ જશે! હું કાંઈ સ્મશાનથી બીતો નથી, પેલો મીનકો તો ગભરાઈને ભાગી આવ્યો હતો. બધા એની કેવી ઠેકડી કરતા હતા? હું કંઈ ‘બાયલી’ નથી.
બધાની આગળ મારે ખભે પહેલાં ઠાઠડી મૂકવી જ પડશે! મામા અને કાકા પણ પછી. આ ચત્તાપાટ પડેલા બાપુને આ લોકો હજી તો નવડાવશે... પછી લાકડાં-વાંસ લેવા કહેવા જવાનું. રમેશ મને સાયકલ આપે તો એ દુકાનમાં હુંય જાઉં એમાં કંઈ મોટી ધાડ મારવાની! ઘરનાં કામ નથી કરતો એવું બા હંમેશાં કોચવાઈ કોચવાઈને બધાંને કહેતી ફરે છે તે... હવે આ ટીંગણું જ તારો આધાર છે. જોજે તો ખરી... બજારમાંથી શાક, દુકાનમાંથી ખર્ચો, બિલ ચૂકવવા તારે આ ટીંગલુના હાથમાં પૈસા દેવા જ પડશે... ખાઉં કે ખર્ચી નાખું, આ પૈસા હવે બાપુ પછી તો મારા જ ને?
પણ બાપુના વાંસ-લાકડાંના પૈસા તો મામા જ કાઢશે, એનાં ખિસ્સાં ભરેલાં હોય છે. જાઓને, હમણાં જેને જે કરવું હોય તે કરે... મને સ્મશાનમાં તો લઈ જશો ને? સ્મશાનમાં નાનાં છોકરાંને કોઈ લઈ ન જાય, હું ઘરનો ‘મોટો’ થઈ ગયો. પેલી લા-વારિસ ડોસલી મરી ગઈ તે બધી ટીણિયાટોળી સ્મશાનમાં જોવા નીકળી... પણ મોટેરાંઓએ બધાંને ભગાડી મૂક્યાં! ને તેમાં હું તો ‘ઠીંગુજી’... મને કોઈ ફરકવા જ ન દે! હવે ક્યાં જવાનાં છો? રમેશ, કાંતિ, પૂંજો, વાંજુ, મફત, પોચકી બધાંથી પહેલો હું સ્મશાનમાં જઈ આવીશ. પછી બધાં ભેગાં થઈ મને ખુશામત કરી કરી વાતો કઢાવશે. આપણે બંદા બધું મીઠું-મરચું ભભરાવી બધાંને છક્ક કરી દેવાના! પણ આ બાપુનો શ્વાસ હજી ચાલે છે...
અંદર રસોડામાં એક પછી એક બધાં ચા-પાણી પીને ચૂપચાપ નીકળતાં હતાં. તનમનીશંકર ક્યારના ટીંગલુને ઇશારો કરતા હતા. એ જાડિયાને વળી શું કામ પડ્યું મારું? મને કોણ ચા પાવા નવરું છે તે? ચાલો જઈએ... અરે... આ તો પડોશનું બારણું ખુલ્લું મૂક્યું છે, તેમાંથી થઈને બબલીના ઘરમાં બધાં ચા પીએ છે. બાની આંખો કેવી લાલ થઈ ગઈ છે. બા ચા પી જ ક્યાંથી શકે...
‘આ છોકરા સામું તો જુઓ? બિચારો સાવ લેવાઈ ગયો છે. આ મોટા છોકરાના સોગંદ - જરા કોઠો ગરમ રહેશે... કમુ વહુ આમ ન કરો... એ ટીંગલુ, જરા તારી બાને સમજાવ તો દીકરા... એને ચક્કર આવી ગયા હતા.’
દીકરાને કાખમાં તેડે તેમ કમુએ-બાએ ટીંગલુને એકદમ ખોળામાં ખેંચી લીધો. ટીંગલુએ અંગો સંકોચી લીધાં. સાવ અક્કડ થઈ ગયો. આ કેવું...? બાનો સ્પર્શ! આટલો નજીક બા પાસે એ ક્યારેય બેઠો નહોતો. બાએ આવી રીતે રડતાં રડતાં તેને મોં દેખાડ્યું નહોતું. બાને તો બાપુ મારથી હુકમ કરતા, આંસુ સારવા સામેય હુકમ, બાપાની મરજી એ જ બાની ઇચ્છા! ટીંગલું મૂંઝાઈ રહ્યો. બબલી હીંચકા પર બેઠી જોઈ રહી હતી. પેલી સાલી નાનકી પણ ઇર્ષ્યાથી જોતી હતી. બાએ રકાબીમાં ચા રેડી અને ટીંગલુને માથે હાથ મૂક્યો: “દીકરા... મારા ફૂલ જેવા દીકરા... આ ચા પી લે. તારે તો હજી ઘણી દોડધામ કરવી પડશે.”
અરે... જાણે આ તો હું જ મરી ના ગયો હોઉં એવું બા કહે છે... ટીંગલુ રડતા મોં સામે ચૂપચાપ જોઈ રહ્યો. તો ત્યારે હવે બાપુ મરી જવાના એમ ને?
અહીં બધી જ ડોસલીઓ બેઠી બેઠી માંદગીના કેસની, હોસ્પિટલની, પોતાના સગાંના મરણની, કોણ ક્યારે રાંડી, કોના વાળ લીધા, કોનું ચૂડીકર્મ થયું ત્યારે કોણ કોણ હાજર...
બૈરક વાતોમાંથી ટીંગલુએ તારવ્યું... આમ બાપા કાં તો મરીય જાય... તે તો જાણે કે ઠીક... બાના હાથમાં ચાની રકાબી હતી. બે જાડી કાચની બંગડી ને તેની આસપાસ ઘસાયેલી સોનાની બંગડી ઊંચી થઈને રકાબી સમેત ટીંગલુના મોં સામે આવી. હા-ના કરવાનો કોઈ સમય જ ન મળ્યો ને ટીંગલુના હાથોએ પોતાના હાથથી રકાબી પકડતાં બાના હાથની બંગડીઓનો ખડીંગ અવાજ સાંભળ્યો!
હેં...! તો પછી અહીં આ બધી પણ પોતાની જેમ જ તૈયાર બેઠી હતી, બાનું ચૂડીકર્મ કરવાની હોંશમાં! બાને બધીય ઘેરીને બેઠેલી આ ડોસલીઓ ડાકણ જેવી લાગતી હતી. તેમના હાથ ઠૂંઠા હતા. હાથ પર કરચલીઓ વળી ગઈ હતી. હથેળીઓની રેખાઓ ઘસાઈ ગઈ હતી. બોખા મોંમાંથી જીભડી હાલતી હતી અને ‘ચૂડીકર્મ’નાં ગુણગાન થતાં હતાં.
બાનું કપાળ... ચાંદલો ઝાંખો હતો, અંબોડો ઢીલો થઈ ખભા પર ઝૂલી ગયો હતો, ખભા સુધીના વાળ હતા, નાહીને ઉતાવળમાં બા વાળ ભેગા કરીને ગાંઠ મારી અંબોડો વાળી દેતી...
હેં...!
ટીંગલુના શરીરમાં કમકમાટી આવવા લાગી. નજર સામે બાનું જે સ્વરૂપ છે, તેને બદલે ધીમે ધીમે પેલી ડોસલી જેવું વિકરાળ, લુખ્ખું, ડાકણ જેવું... વાળ ઉતરાવેલા, હાથ અડવા, અને કપાળ કોરું...?
બાપા મરી જાય તો... બીજું બધું તો ઠીક... રડતું મોં તો બાનું જોવા તે ટેવાયેલો હતો. રડી રડીને સૂજેલી આંખો તો તેણે ઘણી વાર જોઈ હતી. તેણે છણકો કરી ખીજમાં બાનો હાથ ઝટકાવી કાઢ્યો ત્યારે કદીક કાચના ટુકડા તેના માથા પર પડ્યા હતા.
‘જા ને હવે! નથી ખાવું મારે! હું કંઈ નાનકી નથી કે આમ મારાં પટિયાં સમારી મને ફોસલાવવા આવી છે.’
બાપા ભણવા માટે મારી મારીને તેને અધમૂવો કરી મૂકતા ને તે રીસ ને રોષમાં દાદરાના ખૂણે ઓશિકું લઈ ઘાટીની જેમ સૂઈ જતો જમીન પર.
‘ના, ઘેર નથી આવવાનો જા!’
‘કહ્યું ને એક વાર... ભાગી જવાનો છું. તું તારે જા ને હવે! સવારે હનુમાન ચાલીસા બોલવાનું કહેવા આવી છે તો જોજે ભાગી જ જઈશ. મને સૂઈ જવા દે, માથું ન ખા!’
કેટલી અક્કડાઈથી, બાપની જ લઢણમાં દીકરો બોલી જતો! માને ધમકાવી લેતો, છોછિયાં-છણકા-ખીજ... બધું એનું એ જ. બાપનો જ વારસો જાણે! બાપનો જ પૂરેપૂરો વારસો! એ જ ગુસ્સો ને એ જ એંટી! ટીંગલુને ગુસપુસ વાતો સંભળાઈ જતી અને તે પડખું ફરીને સૂઈ જતો.
બાપુ મરી જાય તો... બાને દીકરામાં જ બાપ દેખાવાનો... પણ દીકરાને પોતાની મા બદલાયેલી... આવી વિકરાળ ડોસીઓ જેવી ન ખપે, ન ખપે...!
શું? ડૉક્ટરો શું કહે છે? આ દરદમાં તો એકદમ ઢબી જાય, ને કાં તો વર્ષો સુધી પથારીમાં પડ્યા રહે! ત્રીજું કાંઈ નહીં હવે તો!
એટલે હા, એટલે હા! આપણે સ્મશાને નથી જવું. બાપુ ભલે પડ્યા રહે. હું તો ‘મોટો’ થવાનો જ! આ મામાનું ડાચું જોવું નથી. આ રડારોળ ઘરમાં ન જોઈએ. આ બધી ડોસલીઓ મનમાં હોંશ લઈને આવી છે તો બધાંને લાકડી ફટકારી એક એક કરી તગેડી મૂકું... ‘નીકળો મારા ઘરમાંથી. હમણાં ને હમણાં ભાગો છો કે નહીં?’
ટીંગલુને થયું કે તે બધાં વચ્ચે ઊભો થઈ પેલા સમાજબાબુની જેમ કહેશે... “ના, નહીં! વાળ નથી ઉતારવાના! થાય તે કરી લો! હવે જમાનો બદલાઈ ગયો છે. હું મારી બેનને ફરી પરણાવવાનો છું. થાય તે કરી લો!”
ગીતાના વાળ નહોતા લીધા. હજી તે બંગડી પહેરતી હતી. સીવણ ક્લાસમાં જતી હતી. સમાજબાબુએ તેને નર્સની ટ્રેનિંગ લેવાનું કહ્યું હતું. ગીતા આ બધી ડોસલીઓ જેવી નહોતી લાગતી. કોરા વાળ, નાનકડું કપાળ, ધોળાં લૂગડાં, ધોળી ચોળી... સ્વચ્છ પવિત્ર... મારી બા એવી જ લાગશે... એવી જ લાગવી જોઈએ.
‘હઠો... હઠો બધાં... મારું કોઈ હમણાં નહીં માને! એથી બાપુ તમે જીવો! ભગવાન મારા બાપુને જીવાડો! એને પથારીમાં પડ્યા રહેવા દેજો! ભગવાન એના શ્વાસ ભલે આમ જ ચાલ્યા કરે! ભલે... ભલે હું રોજ આ વાંકા મોંમાં ચમચીથી પાણી પાઈશ, દુકાને જઈશ, બાપુ કહે તેમ ભણ્યા કરીશ. સમાજબાબુ જેવો લીડર થઈશ, આગેવાન થઈશ... ત્યાં સુધી બાપુ તમે પથારીમાં પડ્યા રહો...
બા, હનુમાન ચાલીસા હું બોલવા માંડ્યો છું હોં! તું જરાય ગભરાતી નહીં. એક પણ ભૂલ વગર હનુમાન ચાલીસા બોલો તો બધો ભય દૂર થઈ જાય... ભૂત-પિશાચ નિકટ નહીં આવે... હું રોજ રોજ બોલીશ:
સંકટ સે હનુમાન છુડાવે,
મન-ક્રર્મ-વચન ધ્યાન જો લાવૈ!
નાસે રોગ, હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમત વીરા.
જાનકી માતાનું વરદાન... હનુમાનનું પૂંછડું... એ પૂંછડાથી લંકાદહન... અસુરો ભાગી જાય... રાવણ હારી જાય... હનુમાન જેવું બળ... શક્તિ હું ટીંગલુમાં નહીં આવે... તે નવું લેસન કરવાનો, ભગવાનનું લેસન કરવાનું નહીં ભૂલે!
બા... આઆ... બાપુને સારું થઈ જશે... બાપુને... હું હનુમાન ચાલીસાની ચોપડી... તેં ક્યાં મૂકી છે...?
ટીંગલુએ બાના કાનમાં કહ્યું અને તેની બા તેને છાતી સરસી ચાંપીને રડવા લાગી ગઈ...
‘ઊઠ કમુ... આમ કાંઈ નથી. ડૉક્ટર ગયા. હવે કામે લાગી જાઓ. બધાંનો ભગવાન છે. નસીબ હશે તો બધું... ઊઠ છોકરા, જા તારા બાપુ પાસે બેસ તો... રસોડામાં ક્યાં ભરાઈ રહ્યો છે. હવે તું ‘મોટો’ થયો છે.’
ટીંગલુ ટટ્ટાર થઈ બહાર ચાલ્યો ગયો.
સ્રોત
- પુસ્તક : નવી વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 130)
- સંપાદક : રાધેશ્યામ શર્મા
- પ્રકાશક : શ્રી ગુલાબદાસ બ્રોકર સાંસ્કૃતિક પ્રકાશન ટ્રસ્ટ
- વર્ષ : 1975
