Bhadrmbhadram ane hu - Short Stories | RekhtaGujarati

ભદ્રંભદ્ર અને હું

Bhadrmbhadram ane hu

વિઠ્ઠલ પંડયા વિઠ્ઠલ પંડયા
ભદ્રંભદ્ર અને હું
વિઠ્ઠલ પંડયા

આગળ-પાછળ કાંઈ કહેતાં કાંઈ નહોતું, આથી મહિનોમાસ આમતેમ રઝળીને હું પાછો મુંબઈ આવી રહ્યો હતો. સુરત ગયું એટલે ગાડીમાં પગ લાંબા કરી ઝોકાં ખાતો હતો, ત્યાં તો કોઈકે હળવો ગોદો માર્યો.

‘એ સજ્જન, આપનાં ચરણ પાછાં સંકોરી લેશો?’

ચિડાઈને, ઉશ્કેરાટમાં મેં આંખો ખોલી ગોદો મારનાર વ્યક્તિ સામે જોયું, તો તેલના પીપ જેવું શરીર, આટાપાટા દોર્યા હોય એવું કપાળમાં ત્રિપુંડ, માથે બ્રહ્માંડનો ભાર ઝીલતી અણિશુદ્ધ બ્રાહ્મણિયા પાઘડી, હાથમાં બળવંતરાય ઠાકોર ટાઇપ લઠ્ઠ, મૂળાના ભોથા જેવી મોટી મૂછો, શરીરે મદ્રાસીઓ ઓઢે છે એવો ખેસ ને તીક્ષ્ણ ચળકતી કોમાંથી મહાકાય મહાશય મારી સામે જાણે ત્રાટક કરી રહ્યા હતા.

હમણાં ઊતરી ગયેલાં સુરતી મુસાફરોની અસર હજી ઓસરી નહોતી, એટલે ઊંઘમાં ખલેલ પડતાં મારા મોઢામાંથી એકાદ કિલોની ગાળ નીકળી જાત! પરંતુ બ્રહ્મદેવનો પ્રભાવશાળી દેખાવ જોઈ મારી જીભ તાળવે ચોંટી ગઈ ને પગ ખેંચી લેતાં મેં કહ્યું : ‘લ્યો, પગ તો સંકોરી લીધા, હવે આજ્ઞા હોય તો દેહ પણ સંકોરી લઉં!’

સાંભળીને એમણે ડચકારો બોલાવ્યો ને જવાબ દીધો :

‘મિત્રવર્ય! એટલું કષ્ટ લેવાની શી આવશ્યકતા છે? જીવનથી બહુ ત્રસ્ત છો?’

‘હા જી, ત્રસ્ત છું અને ઊંઘવામાં વ્યસ્ત પણ છું. લાંબી મુસાફરીથી આવું છું ને મુંબઈ જખ મારવા જાઉં છું.’

‘છિ: છિઃ! યવન છો કે?’

‘ના જી. પાપી પેટમાં હોમહવન કરનાર બ્રાહ્મણ છું.’

‘તો પછી જખ મારવા જેવું યવની કાર્ય કેમ કરો છો?’

‘જુસ્સામાં બોલી જવાયું ક્ષમા કરો. બાકી, હું કે મારા બાપદાદાએ જનમ ધરીને જખ એટલે માછલાં કદી નથી માર્યાં. પણ તો કહો : આપ ક્યાં જાઓ છો?’

‘આ શરીર પણ મુમ્બાપુરી પ્રતિ પ્રયાણ કરી રહ્યું છે.’

‘આપનો પરિચય?’

‘આ શરીર ભદ્રંભદ્રનું નામાભિધાન ધરાવે છે.’

‘ભદ્રંભદ્ર?’ ઊછળતોક હું ટટ્ટાર થઈ ગયો. ‘આપ... આપ શું ભદ્રંભદ્ર?’

‘આશ્ચર્ય! આશ્ચર્ય!! નામથી તમે અજ્ઞાત છો?’

‘બિલકુલ નહિ. હું તો આપનો ગુણાનુરાગી છું.’ કહી વિસ્ફારિત નેત્રોમાં અકળ ભાવો ઉમટાવી મેં એમનો ચરણસ્પર્શ કર્યો, ‘આપનો પ્રશંસક છું–ચાહક છું. ઓહોહો! વાતને કેટલાં વરસો થયાં, છતાં આપની ખ્યાતિ હજી જેમની તેમ છે. આપ તો ભારતરત્ન છો. આપની ટાઇમબૉમ્બ જેવી સંહારક વિદ્વત્તા, સબમરીન જેવું આંતરબાહ્ય વ્યક્તિત્વ. રોકેટ જેવી આપની ગતિમતિ,... આહ! સુધારાવાદીઓનાં ત્યારે આપ કેવાં છોતરાં ઉડાડી દેતા’તા! પણ હવે તો આપે મુંબઈ તરફ આવવાનું સાવ છોડી દીધું લાગે છે!’ કહી કંઈક યાદ કરી મેં પૂછ્યું, ‘આપના નિકટના જોડીદાર શ્રી અંબારામ હતા એમનું શું થયું, મહારાજ?’

‘એ મિત્ર કાળધર્મ વર્યા. પછી હુંય કાયાકલ્પ કરવા વરસો સુધી એકાંતમાં રહ્યો. વરસે વળી પ્રવાસે નીકળ્યો છું.’ કહી એમણે એમની ચકળવકળ આંખો આસપાસનાં મુસાફરો પર ફેરવી લીધી ને કહેવા લાગ્યા. ‘પરંતુ જનસમૂહનાં વાણીવર્તન જોતાં એમ લાગે છે કે લોકો ભ્રષ્ટાચારને પંથે વળ્યા છે. સુધારાવાદીઓ ફાવી ગયા છે અને...’

‘એકલા સુધારાવાદીઓ નહિ, હવે તો કૉન્ગ્રેસવાદીઓ, સમાજવાદીઓ, સામ્યવાદીઓ ને એવા અસંખ્ય વાદીઓ ધરતીના પટ પર ફૂટી નીકળ્યા છે.’ ભદ્રંભદ્ર જેવા ભારતભૂષણ પંડિતને મળ્યાથી મારી મંદ મતિ પણ ગતિમાં આવી ગઈ ને એમને દુનિયાની વધી પડેલી કુટિલતાનો ખ્યાલ આપવા મેં પ્રયત્ન કર્યો, ‘અને બધાને ટપી જાય એવા અમદાવાદીઓ પણ હવે તો ત્રાસ વર્તાવે છે, મહાશય!’

‘અમદાવાદીઓ?’ આશ્ચર્યથી એમની કાચની લખોટી જેવી આંખી પહોળી થઈ ગઈ, ‘અસંભવ! અમદાવાદી તો હું પણ છું! અને મારી મતિ પ્રમાણે તો બિચારા મન, વચન, કર્મથી તદ્દન વિશુદ્ધ છે!’

‘એ તો આપનો ભ્રમ છે, મહારાજ! અણુયુગમાં તો દૂરનાંને જેટલી આસાનીથી જાણી શકીએ એટલાં નજીકનાંને નથી ઓળખી શકાતાં! બાકી, અમદાવાદીઓ માત્ર ધંધામાં લોભી છે એમ નહિ; રાજકારણ, વિજ્ઞાન ને સાહિત્યમાં પણ એમની વૃત્તિ સળવળવા લાગી છે. અને છેલ્લી વાત કરું એમના લોભની; તો આપ દિગ્મૂઢ થઈ જશો. એમની કુંવારી જુવાનજોધ કન્યાઓને ઠેઠ હિમાલયનું શિખર સર કરવા મોકલી હતી!’

‘અબ્રહ્મણ્યમ્! અબ્રહ્મણ્યમ્!’ કહી ભદ્રંભદ્રે કાને હાથ દીધા, લાગે છે કે મારે પાછો વિરોધનો ઝંડો લઈ બધા મતિભ્રષ્ટ લોકોની આંખો ઉઘાડવા ગર્જનાઓ કરવી પડશે.’

બીજા લોકોય એમની સામે તાકી રહ્યા હતા. જોયું તો આંખો મીંચી, નાકનાં ફણાં ફુલાવી, ધમણની જેમ શ્વાસ ભરી બે મિનિટ મૌન રહ્યા. પછી આખો ખોલી, ગંભીર નાદે મને પૂછ્યું :

‘મોહમયી (મુંબઈ)ની શી પરિસ્થિતિ વર્તે છે!’

‘ત્યાં પણ મહારાજ, સત્યાનાશની પાટી વળી ગઈ છે!’

‘ચિંતા સેવો, હું હવે પ્રતિ પ્રયાણ કરી રહ્યો છું તો મારી સર્વ શક્તિથી મોહમયીનાં પડળો છેદી નાખીશ!’

‘મને આપના પ્રત્યે પાંચ-છ લિટર જેટલી શ્રદ્ધા જન્મી છે, પંડિતજી! તો મુંબઈ કોઈ બીજાને ત્યાં જતાં આપ મારે ત્યાં ધામા નાખજો.

એથી મને બેવડો લાભ થશે.’

બોલી ઊઠ્યા : ‘કયા નામથી તમે પરિચિત છો?’

‘જી!’ બચપણમાં બધાં મને શંકો કે શંકરિયો કહેતાં; પછી યુવાવસ્થામાં શંકર કહેતાં થયાં. પરંતુ ધીમે ધીમે ભૂખમરાની, ભાવવધારાની, અકસ્માતો ને હાર્ટફેલ જેવાં ઓચિંતાં મૃત્યુની સંભાવના વધી હોવાથી, આત્મસંતોષ ખાતર મેં યોગક્ષેમશંકર નામ ધારણ કર્યું છે. એની પાછળ આશય એટલો શુદ્ધ છે કે જ્યાં જાનની સલામતી લાગે ત્યાં હું સ્થિર થાઉં, બાકી તો ગચ્છતિ!’

‘યથેચ્છ છે. તો યોગક્ષેમશંકર, હું અવશ્યમેવ મારો ઉતારો તમારા ગૃહે રાખીશ.’ એટલું કહી, નિરાંત થઈ હોય એમ એમણે પાછી ધ્યાનમુદ્રા ધારણ કરીને સમાધિમાં લીન થયા.

મુંબઈ ઊતરી અમે વિક્ટોરિયા ગાડી કરી લીધી તો તરત એમણે પૂછ્યું : ‘હવે અહીં રેંકળા નથી ચાલતા?’

બળદથી ચાલતા રેંકળાની વાત કરી રહ્યા હતા. આથી મેં જણાવ્યું : ‘ના જી. હવે તો ટ્રામગાડીઓ પણ બંધ થઈ છે ને બધે બસો દોડાવે છે. જતે દહાડે વિક્ટોરિયા ગાડી પણ દેખાતી બંધ થશે.’

‘અધોગતિ, બીજું શું?’ કહી એમણે ભ્રમરો ખેંચી અને એકાએક બોલી ઊઠ્યા, ‘પેલી દુકાન આગળ ભિક્ષુકોનાં ટોળાં કેમ દેખાય છે? દુકાનદારો પણ હવે સદાવ્રત આપે છે?’

‘અરે, ના રે! ભારતના દુકાનદારો એટલી હીન કોટીએ હજી નથી પહોંચ્યા કે ધન-ધાન્યની ખેરાત કરે! ઊલટું સમયની ગતિ પ્રમાણે મતિ લડાવી એય કાળાબજાર કરે છે. અને હાથમાં થેલીઓ અને ડબલાં લઈ ઊભેલી કતારો ભિખારીઓની નથી; પણ આપણી પરગજુ સરકારે પરદેશથી ભીખી આણેલું, સડેલું ને ભેળસેળવાળું અનાજ ખરીદવા લોકો કલાકોથી ત્યાં ઊભા છે.’

‘તો અશ્વરથ ઊભો રાખો, યોગક્ષેમશંકર! મારે બધા બુદ્ધિહીનોની આંખો ઉખાડી નાખવી છે.’

‘એમની આંખો તો ઊંચા વધેલા ભાવ જોઈ ક્યારનીય ફાટી ગઈ છે, મહારાજ!’ મેં કહ્યું.

‘ના, ચક્ષુ ખુલ્લાં છે છતાં અંધો કંઈ દેખી નથી શકતા. અશ્વરથ થોભાવો –’

ઘોડાગાડી મારે ઊભી રાખવી પડી. ફોકલેંડ રોડને વીંધીને જતા માર્ગે વારાંગનાઓની લાઇનબંધ હાટડીઓ પણ આવેલી હતી. ગાડી ઊભી રહી એવા સાતેક મણની કાયા ધરાવતા ભદ્રંભદ્ર તાબૂતની જેમ સીટ પર ઊભા થયા અને મગદળ જેવો પુષ્ટ હાથ લાંબો કરી ગર્જના કરી ઊઠ્યા :

‘હે અધોમાર્ગે જઈ રહેલા મૂર્ખાઓ! તમારા પેટનો પ્રપંચ શું એટલી હીનકક્ષાએ જઈ પહોંચ્યો છે કે તમારે ભિક્ષુકોની જેમ હાથમાં ઝોળી લઈ આમ તપવું પડે છે? ફેંકી દો ઝોળીઓ. પરભૂમિથી પ્રાપ્ત થયેલું અન્ન ભ્રષ્ટ છે. યવનોના હાથે ઉત્પન્ન થયેલું છે અને સમુદ્રપારથી આદાન થયેલું છે. તમારા ઉદરમાં જઈ અણુએ અણુમાં વિષ ફેલાવશે. એથી તમને વિષમજ્વર લાગુ પડશે. એથી તમારી મતિ ભ્રષ્ટ થઈ જશે. તે કારણે ચાલો દુષ્ટો, સ્વ સ્વગૃહ પ્રતિ પ્રયાણ આદરો!’

વેશ્યાઓનાં કરમાયેલાં મુખ પણ ઓટલાઓ પર દેખાયાં. ટીખળી નજરે એય પંડિતજીનો પ્રલાપ સાંભળી રહી. અને ઘઉં કે ચોખા મળશે કે નહિ એવી ચિંતામાં ઊભેલા ટોળામાં પણ ભદ્રંભદ્રના પ્રવચનથી ગરમી આવી. આથી એક લંબૂસ તો એકદમ આગળ આવી સામાં બોધવચનો દેતો હોય એમ બોલી ઊઠ્યો : ‘ખાઈ વકરીને પાડા જેવો થઈ ઊભો ઊભો લેક્ચર શું ઝાડે છે? જરા હેઠો ઊતર ટીલવા! તારું ભેજું હું ઠેકાણે લાવું છું!’ બોલીને બાંયો ચડાવવા લાગ્યો.

ભદ્રંભદ્ર એની મતિ ઠેકાણે લાવવા શબ્દો શોધતા હોય એમ દબાયેલા ચીપિયાની જેમ બે હોઠ બંધ રાખી તાકી રહ્યા હતા. ત્યાં તો મામલો સમજી લઈ ગાડીવાળાને મેં ઇશારો કર્યો : હં હંકારી મૂક ભઈલા!

ગાડી દોડી એવો પેલો લંબૂસ ચિત્કારી ઊઠ્યો :

‘ભાગ્યા ને, ઉલ્લુના પઠ્ઠાઓ!’

ભદ્રંભદ્ર નજર વાળી લઈ ગાડીમાં બેસી પડ્યા. પછી કહેવા લાગ્યા : ‘જોયું ને, લોકોની બુદ્ધિનું પ્રમાણ કેટલું નીચું ગયું છે? પોતાના હિતની વાત પણ મંદમતિજનો સમજી શકતા નથી!’

‘બધે એવું છે. એટલેસ્તો અહીં મુંબઈમાં લોકોની મંદમતિ ઠેકાણે લાવવા ટૅક્સીવાળાઓ ઓચિંતી હડતાળ પાડે છે. દોડતી બસોના ડ્રાઇવરો ‘રીપેરિંગ ઝાલા પાહિજે’ કરીને, સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલી બસો રસ્તા વચ્ચે ખડી કરી ઊતરી જાય છે. મહાપાલિકાના ઝાડુ કામદારો પહેલાં તો અતિશય ગંદકીના ઢગ થવા દઈ, પછી મોંઘવારી ભથ્થાના વધારા માટે આંદોલન ઉપાડે છે. છેલ્લે છેલ્લે તો નિર્જીવ વીજળી ટ્રેનોએ પણ માણસોની મતિ ઠેકાણે લાવવા આડીવળી ગતિ કરીને ઘણાંને અધોગતિએ પહોંચાડી દીધાં, મહાશય!’

‘એનો હર્ષ-શોક અસ્થાને છે, યોગક્ષેમશંકર! ભગવાને પણ પાપાત્માઓના સંહાર માટે જુદાં જુદાં રૂપ ધારણ કરું છું એમ નથી કહ્યું? જો પેલો યવન જેવો યુવક! એની જોડે ચાલતી સ્ત્રીની બગલમાં હાથ ભેરવી કેવી બીભત્સ ચેષ્ટા કરી રહ્યો છે?’

‘એ બાઈ એની પ્રેમિકા હોવા સંભવ છે, મહારાજ! અને હોય તોયે, મુંબઈ જેવા પ્રગતિશીલ શહેરમાં તો સહજ છે. અહીં તો યુવાન સ્ત્રી, એનું મન માને તો, પરપુરુષ જોડે હરવાફરવા નિઃસંકોચ જઈ શકે છે. અહીંના સમાજની સભ્યતા છે.’

‘સભ્યતા શાની? અસભ્ય સમાજથી ધરતી ઊભરાતી હોય એમ લાગે છે.’

આપને જે લાગે તે ખરું. બાકી, અહીં તો સભ્ય ને અસભ્ય માણસો મિક્સ ખાદ્યવસ્તુઓની જેમ એવાં ભેળસેળ થઈ ગયાં છે કે એમની તારવણી કરવી મુશ્કેલ છે. લો, નળબજારનું નાકું આવ્યું. પેલું આપણું મકાન - માધવ બાગ અહીંથી બે ડગલાં છે!’

સ્નાનાદિથી પરવારી, ગુલાલવાડીની વીશીમાંથી બે ભાણાં મંગાવી અમે ભોજન આટોપી લીધું. જમ્યા કેડે ભદ્રંભદ્ર વામકુક્ષિ કરવા આડા પડ્યા તે થોડી વારમાં કુંભકર્ણની દશામાં આવી ગયા. એટલી નિરાંત મળતાં હું એક મિત્રને પત્ર લખવા બેઠો.

પત્રમાં શ્રી ભદ્રંભદ્રનો ઉલ્લેખ મેં ખાસ કર્યો. કાળે મારા દાદાના વખતમાં ભૂમંડળ, અરે, મુંબઈના વંઠેલા સુધારાવાદીઓ સુધ્ધાં એમના નામ માત્રથી કેવો ત્રાસ અનુભવતા લખ્યું ને એવા દેશોદ્ધારક પૂજ્યપાદ પ્રવાસમાં મને મળી ગયા તે અહોભાવથી પ્રેરાઈ રૂમ પર લઈ આવ્યો છું એય જણાવ્યું. અંતે ઉમેર્યું કે ભદ્રંભદ્રની ઉપસ્થિતિને લીધે મારું વાંઢાનું એકલવાયાપણું હાલ તો બિલકુલ સાલતું નથી!

પરંતુ પત્ર પૂરો લખીય રહ્યો ત્યાં તો ‘હું... હું... હું’ એમ ફૂંફાડો મારતા ભદ્રંભદ્ર એકાએક બેઠા થઈ ગયા. એમની આંખોના ડોળા ચારે બાજુ ઘુમાવતાં બોલી ઊઠ્યા :

‘ક્યાં છે? ક્યાં ગયો પેલો દુષ્ટ?’

‘કયો દુષ્ટ? રૂમમાં તો હું ને આપ બે છીએ.’

‘નહિ. હું પેલા યવન યુવકની વાત કરી રહ્યો છું. પેલી બાઈનાં વસ્ત્રો ઉતારવાની કુચેષ્ટા કરી રહ્યો હતો.’

‘અરે પંડિતજી! તો તમને એવું દુઃસ્વપ્ન આવ્યું હશે! આવતી વખતે રસ્તા પર પેલાં યુવક-યુવતીને જોયાં હતાં ને, એની મન પર અસર રહી ગઈ હશે.’

‘અબ્રહ્મણ્યમ! તો મારે માટે પ્રાયશ્ચિત કરવું પડશે.’

‘તો કરી નાખો. ઝેરનું મારણ ઝેર. તો એવા કુત્સિત દૃશ્યની અસર ભૂંસી નાખવા એથીય વિશેષ અસરકારક પ્રસંગો નિહાળવા જોઇશે!’

‘પરંતુ અહીં મુમ્બાપુરીમાં શક્ય છે ખરું?’

‘એની ચિંતા આપ કરો. એનો પ્રબંધ હું કરી દઈશ.’

એમને તૈયારી કરી નીચે ઊતર્યો ને ટૅક્સી કરી લીધી તો કચવાટથી ઉચર્યા :

‘ઘોડાગાડી કે હાથગાડી નહિ મળી શકે, યોગક્ષેમશંકર?’

‘મળે, પણ મોડું થયું છે એટલે આપણે ત્વરા રાખવી જોઈએ. નહિ તો નિરાશ થવું પડે.’

‘ભલે તો ચાલો –’

હું એમને મુંબઈના એક અદ્યતન સિનેમાગૃહ પર લઈ ગયો.

એના પ્રવેશદ્વારની ઉપર ખુલ્લાં ને મોટાં સ્તનો વાળી મદીલી યુવતીનું ‘બસ્ટ’ સૌનું ધ્યાન ખેંચતું હતું. આસપાસ ઉપરનીચેની રોનક જોતાં ભદ્રંભદ્રની દૃષ્ટિ ત્યાં પહોંચતાં બે ડગલાં પાછળ હટી ગયા : ‘છિઃ છિઃ! તે કેવી હીન કૃતિ મૂકી છે અહીં?’

‘અરે મહારાજ! ટાઢા પડો. હીન નહિ પણ રસલીન કરે એવી વસ્તુ છે. પ્રતીકશૈલીનો એમાં સંકેત છે. આપને હું ટૂંકમાં સમજાવું : કલાકાર કૃતિ દ્વારા સૂચવવા માગે છે કે સ્ત્રી તો જગજ્જનની છે. અને એનું સ્તનપાન કરી જીવતાં આપણે સૌ એનાં બાળકો માત્ર છીએ.’

‘ધન્ય! શી અદ્ભુત કલ્પના કરી છે કલાધરે!’ કહી ભાવાવેશમાં આવી જઈ ભદ્રંભદ્ર થિયેટરના ખુલ્લા ચોગાન આગળ સાષ્ટાંગ પ્રણામ કરી નીચે ફરસબંધી પર આળોટવા જતાં હતા. પણ મેં મહાપ્રયાસે એમને રોક્યા :

‘નિમ્ન પ્રકારના જનસમૂહની પદરજથી જગ્યા ગંદી થઈ છે તો આપનું ઉપવસ્ત્ર તથા ધોતિયું રગદોળાશે, માટે રે’વા દ્યો!’

અંદર ગયા તો ન્યુઝરીલ શરૂ થઈ ગયાં હતાં. એમાં વિગત એવી જણાઈ કે આસમાને ચઢેલા ભાવોનો પારો નીચો ઉતારવા સરકારી અમલદારો અને વેપારીઓ આજકાલ કેવા પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે!

ચકિત નજરે ભદ્રંભદ્ર જોતા બેઠા હતા ને પોતાનું ચોવીસ ઈંચના વ્યાસથી વ્યાપ્ત માથું હલાવી રહ્યા હતા એટલામાં પાછળથી એક જણે એમની કાંધે ગોદો માર્યો :

‘એઈ મિસ્ટર શાસ્ત્રી બુવા! હાંડા જેવી તમારી પાઘડી ઉતારી નાખશો?’

ભરસભામાં કોઈ પાઘડી ઉતરાવે તો સ્વમાની માણસને માથું વાઢ્યા જેવું લાગે! ભદ્રંભદ્ર પણ પેલાનો પ્રસ્તાવ સાંભળી છેડાયા; પણ મેં તરત સમજાવ્યા :

‘આવી ભારે પાઘડીને લીધે આપને તાલકા પર ઉકળાટ થતો હશે જાણી સજ્જન હિતચિંતકની જેમ માત્ર સલાહ આપે છે. આપણી આર્થિક ભીંસનો ઉકળાટ પારખી અમેરિકન હિતેચ્છુઓએ રૂપિયાનું મૂલ્યો ઘટાડવાની યોગ્ય સલાહ દીધી તો જુઓ ને અત્યારે સરકાર અને જનતાને કેટલી રાહત મળી છે? તો પછી પાછળથી ગોદો મારનાર સજ્જનની વાતનો પણ શા વાસ્તે વિરોધ કરવો ?’

‘યથેચ્છ છે! લેવી નાના પાસથી પણ ચાતુરીની વારતા.’ કહી ભદ્રંભદ્રે છેવટે પાઘડી ઉતારી નાખી, ને પાછળ ડોક ફેરવી બોલ્યા, ‘ધન્યવાદ!’

એટલામાં મુખ્ય ચિત્ર શરૂ થયું.

કૉલેજ-જીવનથી વાર્તા શરૂઆત પામી. એક પ્રૉફેસર વર્ગમાં કશોક ‘પ્રોબ્લેમ’ સમજાવતા હતા, ત્યારે અલગ અલગ પાટલી પર બેઠેલાં યુવકયુવતીએ પરસ્પર ઇશારા કર્યા ને ગુપચુપ વર્ગ છોડી બહાર નીકળી ગયાં. પછી ત્યાંથી નાયકની મોટરમાં સમુદ્રતટે પહોંચ્યા. ત્યાં બેઉ સ્નાન કરવાનાં વસ્ત્રો (બેધિંગ કોશ્ચ્યુમ) પરિધાન કર્યાં. પછી સમુદ્રમાં એમણે ઝંપલાવ્યું. વખતે નાયકે નાયિકાને આશ્લેષમાં લીધી પણ ત્યાં તો

‘અરે અરે, હેવાન! તારી હિંમત?’ કરતા, ઓચિતાં ધડાકાની જેમ ભદ્રંભદ્ર ખુરશી પરથી ઊભા થઈ ગયા, ‘મુક્ત કર બાળાને! આવો ભ્રષ્ટાચાર હું નહીં ચાલવા દઉં!’

સાથે આસપાસથી શબ્દોનો મારો ચાલ્યો :

‘એ બબૂચક, બેસી જા! બેવકૂફ કહીં કા! નિકાલો બાહર! ગધા હૈ, ગધા!’

છતાંય ભદ્રંભદ્ર બેઠા. મેં હાથ ઝાલી એમને રોકવા યથાશક્તિ પ્રયત્ન કર્યો તો મનેય હડસેલો માર્યો ને ભાષણ આગળ વધાર્યું :

‘હે અંધજનો! તમારાં ચક્ષુ શું ફૂટી ગયાં છે કે છતે ડોળે આવો અત્યાચાર નિભાવી લો છો? ભારતવર્ષમાં નારીની લાજ લૂંટાય ને પુરુષો નિર્માલ્યની જેમ શું જોતા રહે? અરે, ચંડાળો, દોડો અને પકડો વ્યભિચારીને...

પરંતુ પછી તો આખા થિયેટરમાં એવી કિકિયારી ને બુમરાણ મચ્યાં કે કશું કાંઈ સમજાયું નહિ. પછી શો એકદમ બંધ થયો ને ટાઇટ કપડે ગેટકિપરો રાતાપીળા થતા એવા ધસી આવ્યા કે સમયસૂચકતા વાપરી ભદ્રંભદ્રને નજીકના દરવાજેથી ખેંચતોક હું બહાર નીકળી ગયો

પણ બહાર નીકળતાં નીકળતાં બેચાર જણે અમને બેઉને થોડોથોડો મેથીપાક ચખાડ્યો ખરો!

પાછળ હોહા થતી રહી ને અમે બહાર આવ્યા ત્યારે ગર્વભેર ભદ્રંભદ્ર કહેવા લાગ્યા : ‘જોયું ને, મારા શબ્દોનો કેવો પ્રભાવ પડયો! લોકોને માર્ગદર્શન આપવાનં કેવું ધાર્યું પરિણામ આવ્યું!! પેલી જળક્રીડા એકાએક બંધ થઈ ગઈ ને?’

‘હા, તો બંધ થઈ; પણ એકાદ ક્ષણ વધારે અંદર રોકાયા હોત ને, તો આપણાં હ્રદય બંધ થઈ જવાની નોબત આવી જાત! ઓહ! મારે ખભે તો એવું દુ:ખે છે!

‘ચિંતા કરો. એવું થવાની આવશ્યકતા છે. વિના જનસમૂહને અધોમાર્ગથી સદ્માર્ગે કદાપિ નહિ વાળી શકાય.’

‘બરાબર! પણ હવે ઘેર ચાલો, તો શાંતિથી ઊંઘી જઈએ.’

બીજે દિવસે બપોરે પાછું ગુલાલવાડીની વીશીમાંથી ભાણું મંગાવ્યું તો ભદ્રંભદ્ર કહે : ‘સત્ત્વશીલ આહાર વિના જીવને પૂરો સંતોષ થતો નથી, તો એનો કોઈ ઉપાય નથી?’

‘છે મહાશય. આપણા લોકોની બુદ્ધિપ્રતિભા માત્ર ભાષાવાદ ને સરહદી ઝઘડાઓ પૂરતી નથી વિકસી; પરંતુ ભોજન પરત્વે પણ આપણા લોકો જગતથી બહુ આગળ નીકળી ગયા છે.’

‘તો સાંજે એવા કોઈ ભોજનાલયમાં લઈ ચાલજો.’

‘જેવી આપની ઇચ્છા, પ્રભુ!’

સાંજે અમે બેઉ જણા શહેરના એક અપ-ટુ-ડેટ ભોજનગૃહમાં જઈ પહોંચ્યા.

ઝાંખા પ્રકાશથી હોટલનું વાતાવરણ મોહક લાગતું હતું. એમાં વળી કોઈ અંગ્રેજી ગીત-ગુંજનથી જીવ ડોલાયમાન થાય એવું હતું. ભદ્રંભદ્ર અને હું ચારેપાસ બરાબર જોઈ શકાય એમ વચ્ચેના ટેબલ આગળ ગોઠવાયા. તો આસપાસની વ્યક્તિઓ આંખો ફાડી અમને તાકી રહી. ભદ્રંભદ્રે પણ આશ્ચર્યચકિત સ્વરે પૂછ્યું :

‘ચિત્રવિચિત્ર વેષ પરિધાન કરી અહીં ઉપસ્થિત થયેલાં બધાં કોણ છે?’

‘આ લોકો શહેરનાં પ્રતિષ્ઠિત શહેરીઓ છે. એમાંથી કેટલાંક ઘણાં પરિચિત છે. ડાબી તરફ નિહાળો; મુખે મેક-અપ લગાવીને બેઠેલી આધેડ બાઈ લક્ષાધિપતિ છે, પોતે ધર્મથી શુદ્ધ વૈષ્ણવ છે એટલે ઘેર બે રસોયા રાખ્યા છે. તોયે પોતાના પેલા આશકને લઈ અહીં આવે છે ને ઈંડાની આમલેટ ને મરઘીની ટાંગ ચૂસે છે. પેલા છે તે એક નામાંકિત વૈદરાજ છે. ઘણું કરી એમના ઘરાક મોટા બકરા હોય છે જોડે બેઠેલો ડાયાબિટીસનો રોગી એક કરોડપતિ છે. વૈદ્ય એને ઊંચી ભસ્મો ખવરાવે છે ને એવી રીતે નવરાવે પણ છે! બેઉ જણ અહીં આવી

કોફતા ને કબાબ ખાય ત્યાં સુધી ચેન પડે!’

‘પરંતુ કોફ્તા ને કબાબ કઈ વસ્તુઓ છે?’

‘એ બધીય મલેચ્છ વાનગીઓ છે, મહાશય!’

‘ઓ હો હો! તે બધાં શું એવાં વર્ણસંકર છે, યોગક્ષેમશંકર?’

‘આ એકલાં નહીં, હવે તો બધાં લોકો વર્ણસંકર થતાં જાય છે, મહારાજ! આપણા ભીખપ્રધાન દેશમાં અમેરિકાથી ભીખીને ઘઉં લાવે ને ઑસ્ટ્રેલિયાથી ચોખા, ફ્રાંસથી આટો, તો જર્મનીથી માછલીનો પાવડર...’

‘બસ, બસ! બધી વર્ણસંકરતા વચ્ચે ભારતની નીતિમત્તા મને ડૂબતી દેખાય છે. આપણો ધર્મ રસાતળે જતો લાગે છે! મન, વચન ને કર્મથી આપણાં લોકો મલેચ્છ થઈ રહ્યાં છે! એથી દીનતા ને દારિદ્ર્ય વધી પડ્યાં છે. જોઈ મારો આત્મા પ્રજ્વળી ઊઠે છે. હું મારા દેશબાંધવોની બુદ્ધિ જાગ્રત કરવા માગું છું... હું...’

મને થયું કે સત્ત્વશીલ ભોજન લેવા તો આવ્યા છીએ પણ લીધા પહેલાં ભદ્રંભદ્ર ભાષણ ઠોકવા બેસશે તો થાળીય રઝળી જશે. આથી હું એમને વિનંતી કરવા ગયો :

‘પહેલાં આપણે ભોજન...’

પરંતુ મારું સાંભળે છે કોણ? આગલા ટેબલ પર જે ચઢી ગયા ને રસ્તામાં ફેરિયો ઘાંટા પાડતો હોય એટલા ઊંચા સાદે કહેવા લાગ્યા :

‘અરે, મલેચ્છો! તમારી મતિ કેમ ભ્રષ્ટ થઈ ગઈ છે? આમ હાડકાં ચૂસો છો, તે તમે શું શ્વાન છો? માંસ ને માછલીનો આહાર કરો છો, તે શું તમે જળચર છો? હે દુષ્ટાત્માઓ! હજીય ચેતી જાઓ! શા માટે ધર્મથી ભ્રષ્ટ થઈ કર્મથી ચ્યુત થઈ રહ્યા છો? એથી તમારો રૌ રૌ નરકમાં વાસ થશે. તમને ગીધ પક્ષીઓ ચૂંથી ખાશે... તમારી લાશોય...’

‘યુ શટ અપ રાસ્કલ! યુ શટ અપ બ્રુટ!’ એમ ઘાંટા પાડતા જમદૂત સમા બે વેઇટરો માલિકના ઇશારે ત્યાં ધસી આવ્યા ને ટેબલ પરથી ભદ્રંભદ્રને ખેંચવા લાગ્યા.

પરંતુ સહેજમાં ડગે તો ભદ્રંભદ્ર શાના? પેલા બેઉને એમણે જુસ્સાપૂર્વક વીંઝી નાખ્યા ને બરાડતા ગયા :

‘જ્યાં સુધી હે મૂર્ખશિરોમણિઓ, હાથમાં જળ લઈ તમે પ્રતિજ્ઞા નહિ લ્યો ત્યાં સુધી અહીંથી હું નીચો નહિ ઊતરું! મારું મૃત્યુ ભલે થાય, પણ હું...’

પરંતુ એટલામાં તો વેઇટરો ભેગા બટલરો પણ ભળ્યા. આથી ભદ્રંભદ્રને ખેંચી લેવાનો મને મોકો મળ્યો. ઊલટો એક જણાએ તો મનેય ‘હટ યહાઁ સે –’ કહી ગરદને પકડી ધક્કો એવો માર્યો કે પછી ત્યાં ઊભા રહેવામાં મને કોઈ જાતની સલામતી દેખાઈ

પાછળ છ-સાત જણે પીપની જેમ ભદ્રંભદ્રને ઊંચકીને હવામાં તોળ્યા. બૂમો મારતા પણ સંભળાયા :

‘અરે, યોગાક્ષેમશંકર! યોગ... ક્ષે... મ...’

પરંતુ હું તો ત્યારે મારું ‘યોગક્ષેમ’ સાચવવા મુઠ્ઠીઓવાળી હોટલની બહાર જઈ ઊભો હતો

માફ કરજો! પછી અંદર હોટલમાં ભદ્રંભદ્રનું શું થયું તે મને ખબર નથી!

(‘જખમ’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 215)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999