Bhabhi - Short Stories | RekhtaGujarati

ડેમ રિપેર થયા પછી ગામમાં આજ પહેલીવાર આવવાનું થયું હતું એટલે સૌથી વધુ અધીરાઈ તો કેનાલના વહેતા પાણીને જોવાની હતી.

પહેલો એવો બનાવ હતો કે બસમાંથી ઊતર્યો હોઉં ને સામે કોઈ બેગ ઉપાડવા દોડ્યું હોય. નહિતર ગમે તેવો સમય હોય તોયે નભાશેઠની દુકાને પાનની પિચકારી કરતાં ટપુની હાજરી તો અચૂક જોવા મળે.

જોયું તો નભાશેઠ થડા ઉપર પગ માથે પગ ચડાવીને પરસેવો લૂછી રહ્યા હતા.

‘કાં શેઠ, વાહરવા બેઠા છો ને?’

‘આવ ભાઈ, આવ. તારા જેવા ઘરાકની રાહ જોઉં છું.’ હું થોડો નજીક આવ્યો એટલે કહે, ’જો ને, ડેમનું પાણી આવતાં તો અમારાં કપડાં પલળી જવા માંડ્યાં.’ બોલતાં શેઠ ફાટેલ વાંસડા જેવું ખખડ્યા.

‘કેમ, બહુ માખીઓ મારવી પડે છે?’

‘પાછા સાંજે એટલા માણસોયે મારી લઈએ’ શેઠે ફરીને એવા દાંત કાઢ્યા.

મને થયું, તો હવે પહેલાં કોઈ મળે. ઘરે પહોંચીને નાઈ-ધોઈને લીંબડા નીચે ખાટલો ઢાળીને સૂઈ ગયો. ઘોરણ એવું ચડ્યું કે ઊઠ્યો ત્યારે ચાર!

સાંજે ડોબાંને લઈને તળાવ બાજુ પાણી પાવા નીકળ્યો. અવાડા પાસે આવીને ઊભો, ત્યાં કોઈએ વાંહે ધબો માર્યો.

‘ભલાદમી આવ્યો છું તે કે’વડાવાય નહિં?’ મેં પાછું જોયું. ટપુ હતો.

‘રાતે મળવાનું હતું ને!’ મેં એના ખભે હાથ મૂકીને હડબડાવ્યો: ‘કેમ હવે તો જલસામાં ને?’

‘હા, હો, કેનાલની દયા છે.’ પછી અટકીને કહે : ‘લે હાલ હવે, બાજુ આંટો મારતા આવી. કાગળમાં બહુ પુછાવતો’તો ને?’

‘કાલ ઉપર રાખીએ તો?’ મેં સૂરજ સામે જોઈને કહ્યું.

‘હાલને હવે આજ, કાલ વળી બીજી વાર જાશું. ડોબાં તો એની મેળે ઘરે જતાં રે’શે.’

ડોબાંને ઘર તરફ વેતાં કરીને અમે સડક ઉપર ચાલવા માંડ્યું. રસ્તે આવતાં ખેતરો વિશે ટપુ વાત કરતો જાય: ‘શિવા મંગુએ દશ વીઘાનું પી’ત્ત કર્યું. જેઠા ઉકાએ આટલો કપાસ કર્યો. ધૂળા ઘાંચીએ આટલી મગફળી કરી.’

ચારેક ખેતરવા માંડ ચાલ્યા હશું ત્યાં સામેથી મનસુખ સાઇકલ લઈને આવતો દેખાયો. એનાં કપડાં લાલચોળ હતાં. મને જોયો એટલે એણે સાઇકલ તરત ઊભી રાખી.

‘કાં રામકાકા, ક્યારે પોગાડ્યા?’

‘સવારે, મજામાં ને?’

‘હોવે, આપણને શું વાંધો છે?’ ખાસિયાણું હસ્યો.

‘તારાં બા શું કરે છે?’

થોડી વાર તો કાંઈ બોલી શક્યો. પછી કહે: ‘તમને કોઈએ કાગળમાં નહિ લખ્યું હોય?’

‘શું?’ મારું મન વિગત જાણવા અથરૂં થવા લાગ્યું.

‘સાંજે ઘરે આવજો ને!’ કહેતાં એણે સાઈકલ મારી મૂકી. આમ વાત અડધી મૂકી, મારું માન તોડીને જતો રહેશે એવું મેં નહોતું ધાર્યું.

‘શું છે વાત?’ મેં ટપુ સામે જોઈને પૂછ્યું.

‘એની મા જગ્યામાં જતી રહી ને!’

‘જગ્યામાં? કાં?’ ગાંડા બાવળનો કાંટો પગમાં વાગ્યો હોય એવો ઊંહકારો મારાથી નીકળી ગયો.

‘ઘરમાં બેઠી બેઠી શું ખાય? ઢેફાં ભાંગીને!’

‘કેમ, ખેતરમાં પી’ત ન’તું કર્યું?’

‘એની તો બાઈને કઠણાઈ નડી ને! આથમણી પા પાણી ક્યાં આવ્યું છે?’ ક્ષણેક થંભીને કહે, ’આ ગ્યો ખેતરેથી આવ્યો હોય એવું લાગ્યું તને? ભૈ નળિયાના કારખાને માટી ચૂંથીને મજા કરે છે.’

‘તો અત્યાર સુધી તે મને આટલાં ખેતર ગણાવ્યાં ને ભાભીના ખેતરની વાત કરી?’

‘સંધ્યાટાણે એને વળી ક્યાં યાદ કરવી? ને એય થ્યું. પાછું તને આવી વાત કરુ ને તારું મોઢું બગડી જાય. તને એનું બહુ દાઝે ને!’

હું ઠપકાભરી નજરે ટપુ સામે જોઈ રહ્યો.

‘લે હાલ હવે.’ ટપુએ મારો હાથ ખેંચ્યો ત્યારે હું આગળ ચાલ્યો. પણ મને હાડોહાડ લાગી આવ્યું. મને થયું, હવે કેનાલ જોઈને શું કરવી છે? ને જો મારું ચાલ્યું હોત તો ત્યાંથી પાછો વળી જાત.

પણ આખા રસ્તે ભાભી મારા મનમાંથી આઘાં ખસી શક્યાં.

ભાભી વિધવા થયાની ઘટના મને હજુ પણ એવી ને એવી યાદ છે. તે દિવસે સવારના પહોરમાં પાણીનો લોટો લઈને ફળિયામાં દાતણ કરવા જતો હતો ત્યાં. વાણંદનો અવાજ આવ્યો: ‘કડવીભાભુ, બચુભાઈને મજા નથી. આભડવા આવજો.’ બા છાશ અધૂરી મૂકીને દોડ્યાં હતાં.

‘હાય હાય, કાલે સાંજે તો એટલું વધારે કૈં નો’તું, સાવ અણધાર્યું જ... થ્થું, બચારો જીવ પીડાતો છૂટ્યો... લે હું જઉં છું. તુંય ઉતાવળે બધું સમેટીને આવજે.’

ત્યારે ભાયુંના નાતે મારે દોણકિયા થવું પડ્યું હતું. કુટુંબમાં બચુભાઈના મનસુખ સિવાય મારાથી કોઈ નાનું નહિ એટલે દેન પણ મેં દીધું હતું.

તે વખતે વાતડાહ્યાં માણસોને મોઢેથી ભાભીનાં કાંઈ વખાણ થતાં હતાં! દુશ્મનોય ત્રણ દિવસ સુધી એની નિંદા નહોતા કરી શક્યા. ત્યારે પહેલી વાર મેં બાના મોઢેથી ભાભી વિશે કંઈક સારું સાંભળ્યુ હતું: ‘બાઈ ગમે તેવી છે. પણ ધણીની ઊભા પગે ચાકરી કરી તો કે’વું પડશે હો!’

હા, સાચે હીરાભાભીએ મોટા ભાઈની ચાકરી રાત-દિવસ જોયા વગર કરી હતી. મોટાભાઈને પહેલેથી ટી.બી. હતો. એમાંય મહિનાથી તો ખાટલાવહુ. નબળી વાડે છીંડાં વધારે પડે એમ પાછું ભાભીને ત્યાં કંઈક ને કંઈક વિઘન આવીને ઊભું હોય. કાં તો છોકરાને ઓરી નીકળ્યાં હોય, કાં તો ખેતર ભેળવાઈ ગયું હોય. તો યે ભાભી આવી કઠણાઈમાં કેવી રીતે ગાડું ગબડાવતાં હશે એનું મને ઘણીવાર અચરજ થતું. કુટુંબ કે ગામ તો એમને પાવળું તેલ પણ આપે એમ નહોતું. કદાચ, એમનું પિયર ખમતીધર છે તે એનો ટેકો મળતો હોય તો ના નહિ.

બરોબર વરસે મચ્છુ વેરણ બની. ખેતરો ધોવાણાં. લાખોની મિલકત તણાઈ. જીવથી વહાલાં જાનવર ની’ણના અભાવે મૂવાં. સાત પેઢીમાં કોઈએ નહોતી જોઈ એવી પાયમાલી આંખ સામે ડોળા કાઢીને ઊભી રહી ગઈ. જિંદગીમાં પહેલી વાર દાડીએ જવું પડ્યું, સરકારી સડક બંધાતી હતી ત્યાં. પણ કો’ક કહે ત્યાં કોદાળી પછાડવી ફાવી. બે દિવસ ગયો ને બંધ કરી દીધું.

‘બેહી શું રહ્યો છું? નાનો નથી. મારી ઠાઠડી ઉપાડે એવો થઇ ગયો છે. આવડો જણ તો ગમે ત્યાંથી સાંજ પડ્યે પાટુ મારીને પાંચ રૂપિયા પેદા કરી આવે.’ ઊભે ઊભા સળગાવી દે એવાં બાનાં કવેણ મારાથી જીરવાણાં.

મનેકમને મારે ગામની ટોળી ભેગું મુંબઈ હીરા ઘસવા જવું પડ્યું. ઘાટમાં બેઠો. શરૂશરૂમાં ફાવ્યું. નાનકડી ઓરડીમાં ગોંધાઈ રહેવું પડે. હાથે લૂગડાં ધોવાનાં, સાંજ પડે ને ઘર યાદ આવે. પણ મેં ધીરે ધીરે દિલ વાળવા માંડ્યું. ત્યાં તડકામાં ડાંડા ઉમેરવા કરતાં અહીં ટાઢો છાંયો તો ખરો. પાછું કોઈ ટોકવાવાળુંય નહિ. બધા સરખેસરખા ભેગા થઈને વાતો કરતાં હીરા ઘસતા હોઈએ. ને સૌથી મોટો ફાયદો છૂટે હાથે રૂપિયા તો વાપરી શકાય. એય ને અઠવાડિયામાં એકબે ફિલમ જોઈ નાખી... રવિવારે ચોપાટી બાજુ આંટો મારી આવી.

મહિના પછી વૈશાખમાં લગ્નગાળાની રજા પડી ને બંદા પહેલી વાર ગામમાં ઇનશર્ટ કરીને આવ્યા. વટ પડે કાંઈ! સંધાય ઘરે ચા પીવા બોલાવે. કોઈ વળી પાન ખવડાવે. એમાંયે હીરાભાભીને ખબર પડી ને તો જમવાનું કહી ગયાં. આમેય ભાભી સાથે મારે પહેલેથી ગળામેળ. કંઈક સારું કામ કરવાનું હોય એટલે મને મોટો કરે.

પણ ભાભી અત્યારે બહુ લેવાઈ ગયાં હતાં. મોટાભાઈને ગયાને આઠેક મહિના થઈ ગયા હતા તો યે ભાભીનું દુઃખ હજી ઓછું નહોતું થયું. જમતી વખતે મેં એમને ઘણાં સમજાવ્યાં:

‘ભાભી, આમ ને આમ જીવતર ધૂળધાણી કરી નાખવા કરતાં ક્યાંક આછું-પાતળું ગોતી લ્યો ને! અત્યારે કોઈના ભરોસે રે’વાય એમ નથી. તમે ભલે લાખ રૂપિયાનાં હો, પણ જમાનો ખોટો છે.’

‘ના હો, બોલ્યા બોલ્યા. મારે એક ભવમાં બે ભવ નથી કરવા.’ ભાભી તરત બોલી ઊઠ્યાં.

‘પણ આમાં બે ભવની વાત ક્યાં આવી? નાતરે તો બધાંય જાય છે.’

‘પછી છોરો?’

‘એ તો મોહાળમાં ઊછરશે. એવું હોય તો આંગળિયેય ક્યાં નથી લઈ જવાતો?’

‘ના, ના, એવું નૉ થાય.’ ભાભીએ મોઢું ફેરવી નાખ્યું.

‘તો પછી આમ પારકી મજૂરી કરતાં રે’શો? બાઈમાણસ થઈને કેટલાના વિશ્વાસે જીવશો?’

‘ત્યાં તો પાછું કેનાલનું પાણી નહિ આવી જાય?’ ભાભી મારી સામે જોઈ રહ્યાં. મેં કાંઈ જવાબ વાળ્યો એટલે ફરી ઢીલાં પડી ગયાં: ‘કરમમાં માંડ્યું હશે તો બધુંયે એવું બને ને! એમને તો કંઈ.જોવાયું નહિ ને!’

મોટાભાઈની કાંઈ વાત નીકળે ને ભાભી સીધાં રોવા માંડે એટલે ઘણીવાર તો મારે વહેવારજોગ વાત પણ ટાળી દેવી પડે.

લગનગાળો પૂરો થયો ને પાછું મુંબઈ જવાનું થયું. પછી તો નક્કી કરી નાખ્યું કે રહેવું તોયે મુંબઈમાં ને મરવું તોયે મુંબઈમાં. નિરાંતની જિંદગી તો ખરી. ગામમાં પડ્યે રહ્યે શેકેયો પાપડેય નથી તૂટવાનો ને સાચું કહું તો પછી તો હાડકાંય એવાં હરામ થઈ ગયાં કે ગામમાં આવું ને કો’ક માથે સૂંડલો ચડાવવાનું કહે તોયે કાઠું થઈ પડે.

વરસમાં બે વાર હીરાની ઘંટીઓ બંધ રહે. દિવાળી ટાણે અઠવાડિયું ને વૈશાખ વખતે મહિનો દી’ થઈ જાય. એટલે વરસમાં બે વાર ઘરે આવવાનું પાક્કું. સિવાય કોઈ મરણું થઈ જાય તો જુદું.

જેટલીવાર ઘરે આવું ને ભાભી પરાણે જમવાનું કહી જાય. કહે, મારે તો આંય જે કંઈ સંગું ગણું તે તમે એક છો તો એક ટંક જમાડ્યે ક્યાં ભૂખ આવી જવાની છે? પણ મને વખતે ધર્માદાનું ખાતો હોય એવો પેટમાં ભાર લાગ્યા કરે. મનમાં થાય, આજનું લાવીને આજ ખાતી રાંડીરાંડ બાઈને ત્યાં મારાથી મફતમાં કેમ જમાય? કોણ જાણે મને જમાડવા પાછળ એમને કેટલા નકોરડા કરવા પડતા હશે?

ઘણીવાર મને થતું કે મારે ભાભીને કંઈક ટેકો આપવો જોઈએ. હું મહિને પંદર સો રૂપિયા પગાર લાવતો હોઉં ત્યારે ભાભીને મારી પાસેથી પાંચ રૂપિયાની લાલચ કેમ હોય?

પણ ખરી રીતે જોઉં તો એમાં હું શું કરી શકું? મારી પાસે રોકડો રૂપિયોય હોય તો હું ભાભીને આપું ને! ઘરે આવું એટલે બા સૌથી પહેલું કામ ગુંજ ખાલી કરાવવાનું કરે. ચાર આનાય મારી પાસે રહેવા દે. કહે, ’ગામડા ગામમાં વળી ગૂંજામાં પૈસા રાખીને શું કરવાના છે? પછી ત્યાં શે’રમાં મનફાવે એમ વેડફવાના છે.’

પણ ખાલી ગુંજે બજારમાં નીકળવું મને મોતથી મોટી સજા લાગે, કોઈ રસ્તામાં મળી જાય ને ટાઢું પીવડાવવાનો આગ્રહ રાખે તો મારે સીધા હાથ ઊંચા કરી દેવા પડે. કાં તો આવતી વખતે વારો એમ કહીને પતાવી દઉં. પણ એટલું કર્યે કઠણાઈનો અંત આવે. ક્યારેક મારા સારુ તમાકુની પડીકી લેવી હોય તોયે નભાશેઠની દુકાને પાવલી ઉધાર રાખવી પડે.

મુંબઈ જેવા શહેરમાંથી કમાઈને આવ્યા પછી ભાઈબંધો વાંહે પાંચપચ્પીનો ખર્ચ કરી શક્યાનો થોડાક દિવસ તો મને ખૂબ વસવસો થતો રહ્યો. પછી ધીમે ધીમે કોઠે પડતું ગયું. તોયે ભાભીને મદદ કરી શક્યાંનો ડંખ કાયમને માટે ખટકતો રહ્યો.

એક વાર મુંબઈથી આવ્યો ત્યારે પાટલૂનના પાછલા ખિસ્સામાં દસ રૂપિયા ભાભીના નામના કરીને સંતાડી દીધા. પણ નાવા ગ્યો ને વાંહેથી બાએ ખાંખાંખોળિયાં કર્યાં. નાઈને આવ્યો એવો મારો ઊધડો લીધો : ‘કાં ગગા, આવડી મોટી નોટ કેમ કરતાં ધ્યાન બારી રહી ગઈ?’

‘એ તો મેં વાપરવા સારુ રાખી’તી.’

‘ગાંડો નથી થઈ ગ્યો. આટલા કાવડિયા તો તારા બાપુએ કોઈ દિ’ ગુંજામાં નથી રાખ્યા.’

ને ધરાહર બાએ દસ રૂપિયા મારી પાસે રહેવા દીધા. મને બહુ દુઃખ થયું. અઢાર અઢાર વરસના થયા તોયે ઘરમાં આપણી કિંમત ધાવણા છોકરાં જેટલીયે નહિ! ચારાના માટેય કાલાવાલા કરવાના! ને તે દિવસે બહાનું કાઢીને ભાભીને ત્યાં જમવા ગયો.

પછી મને થયું. ભાભીને રોકડા આપી શકાય તો આડકતરી રીતે આપવા જોઈએ. ને આમેય બા આગળ મેં ભાભીને આપવાની વાત ક્યાં કાઢી છે?

બા ભલે, મારી હાથખરચીમાં કાપ મૂકતાં હોય. કદાચ, ભાભીને આપવામાં આડી જીભ નયે વાળે. એટલે વખતે આવ્યો ત્યારે રેકડીમાંથી જૂની સાડી લેતો આવ્યો. જૂનો ગાભો છે એટલે આમેય બાનો જીવ નહિ કોચવાય એવું માનીને બાને સાડી દેખાડતાં એની આગળ ભાભીને આપવાની પહેલાવહેલી વાત કરી, પણ ત્યાં તો બાની આંખોના ડોળા ફાટી ગયા!

‘અરે ગાલાવેલા, તને આવો ડોઢડાહ્યો કોણે કર્યો?’

‘હું આટલું કમાઉં છું ને લાવ્યો એમાં શું થઈ ગયું? બિચારી હાથબાવડાં ઉપર છે.’

‘એ સંધુંય સાચું, પણ એને વટ કેટલો છે તું જાણે છે? રાંડ, બાંધી ગાંઠ કોઈ દિ’ છોડે છે? ખબરદાર એને કાંઇ આપ્યું છે તો! લાવ. આનું તો હું ગોદડું કરી નાખીશ.’

મારો આખો દિવસ બગડ્યો. બા ઉપર રહ્યું ખડ્યું માન હતું જતું રહ્યું. ડોસીને ક્યાં બધું ઠાઠડીને છેડે બાંધી જાવું હશે તે છાતીએથી કાંઈ છૂટતું નથી! ને બા કદાચ, ભાભીના વટનું બહાનું કાઢતાં હોય તો સાવ ખોટું છે. ભાભી વટીલી છે પણ અમારા ઘર સાથે એવું ક્યારેય નથી રાખ્યું. સારાહીણા પ્રસંગે અમારે ત્યાં મોખરે હોય. બા માંદાં પડ્યાં હોય તો બધું કામ ભાભી કરી જાય. બાને ગામ જવાનું થાય ત્યારે પણ ભેંસ દોવાનું અને વાસીદું ભાભી માથે હોય.

બન્યું એવું કે એક વરસે હીરામાં ભારે તેજી આવી. એક દિ’નો પગાર જાતો કરતાં જીવ હાલે. તે વખતે મેં દિવાળીએ ઘેર જવાનું માંડી વાળ્યું. વૈશાખથી વૈશાખ ખેંચી કાઢ્યો.

વરસ દિ’ કેડે ગામમાં આવવાનું થાય ત્યાં તો કેટલીયે નવાજૂની થઈ ગઈ હોય. કેટલાંય ડોસીડોસાના લાડવા ખવાઈ ગયા હોય. ત્યાંથી આવું એટલે થોડા દિ’ ગામની વાતો ખૂટે નહિ. પાછી અમારે તો ટોળીયે એવી. ટપુ પાસે ગામના સમાચાર હોય. તો વળી શિવો સીમની ખબર આપે. ને રૈયો તો પોટરીની વિગત ચોપાનીયું વાંચતો હોય એમ કડકડાટ કહી સંભળાવે. બધામાં હું થોડો ઓછાબોલો. આમેય મારી છાપ પહેલેથી ભગતની, તોયે સાળું બધાયમાં ભળવા સારું ક્યારેક ‘હા’માં ‘હા’ કરવી પડે.

એક દિ’ અમે બધા ઓટલે બેઠા હતા ત્યાં બરોબર તલકચંદ વાણિયો ત્યાંથી નીકળ્યો. એને જોઈને ટપુએ મને હળવેકથી ગુસ્સો માર્યો, મને કહે, ’રામા, તને એક અસલ વાત કહું?’

મેં કીધું: ‘કે’ને!’ આમે ટપુની વાત સાંભળવા જેવી તો હોય.

‘આ તલકચંદ ગ્યો ને, ઘરભંગ થ્યો છે.’

‘એમાં સારી વાત ક્યાં આવી? તો ભારે કરી કે’વાય. એક તો લાળિયો હતો ને પાછો લુખ્ખો થઈ ગયો.’

‘પણ પૂરું સાંભળ તો ખરો!’ ટપુને આમ વાતમાં મો’ણ નાખવાની ટેવ ખરી. મારા કાન પાસે મોઢું લાવીને ધીમેકથી કહે: બીજી હાર્યે ચાલુય થઈ ગ્યો છે.’

‘હેં! કોની હાર્યે?’

‘ઓલી રાંડ, હીરકી, તારી ભાભી, લે ને!’

‘શું કે છે તું? દેવી જેવી ભાભી માટે આવું બોલતાં તારી જીભ કપાઈ નથી જતી? પાણી નો હોય ત્યાં મોત થાય તારું.’ મારું મોઢું ધગધગતા ઉંબાડિયા જેવું થઈ ગયું. ‘બોલ્યો બોલ્યો, ફરી ક્યારેય આવું બોલ્યો તો સારાવટ નહિ રે.’

‘એ તો હુંય પે’લા નો’તો માનતો. તો નજરે જોયું ત્યારે...’

‘હવે મૂંગીનો મરી રે’ને નહિતર ખાઈ બેહીશ હાલો.’ મારાથી સહન થતાં હું મા સમાણો આવી ગયો.

‘રામા, તું ભલે શે’રમાં રહીને આવ્યો હોય, પણ આવી વાતમાં અમારી આગળ નાનો પડે.’ ત્યાં તો શિવોય એના ખોળામાં બેસી ગયો.

મારાથી હવે ત્યાં બેસી શકાય એમ નહોતું. આમેય મારો સ્વભાવ તોકલી. હાલતાં બગાડી નાખું. નકામું ભાઈબંધો હાર્યે ગુસ્તા-પાટુએ આવી જવાશે, એટલે ત્યાંથી ઊભા થઈને હાલવા માંડ્યું. હવે ગામ ઉપર મને પૂરેપૂરી ભરાઈ આવી. પારકી પંચાત કરવામાં અમારું ગામ આખા પંથકમાં જાણીતું. આમેય મચ્છુકાંઠાના ગામડામાં ખટપટ તો સૌની નસોમાં વહે. એમાં પાછું અમારું ગામ તો કામ-ધંધા વગરનું. કોઇને વાડી નહિ. બધા સૂકી ખેતીવાળા. એટલે દિવાળી આવતાં તો બધા નવરાધૂપ. તે ત્યાંથી ઠેઠ અષાઢ સુધી તારામારી કરવામાં સમય કાઢવો પડે. સારું વરસ આવ્યું હોય ને પટારામાં નાણું હોય તો બધા સાગમટે ગંજીપો લઈને તીનપત્તી રમવા બેસી જાય. નહિતર પછી ઓટલા ઘસવા સિવાય બીજું કાંઈ કામ મળે. ગમે તેવી જાતવાળી બાઈ હોય, પણ રાંડી એટલે એનું આવી બન્યું. કો’કે તો એને ગામના કોઈ ઘરભંગ આદમીના ચૂડલા પહેરાવી દીધા હોય. એમાં પાછું ભાભીનું તો હળવુ લોહી હવાલદાર જેવું.

સાંજે મારે ભાભીને ત્યાં જમવા જવાનું હતું. મને શું ખબર કે વાત માત્ર ટપુ પાસે નહિ, પણ આખા ગામના મોઢે ચાલતી હશે. હું તો સાંજે તૈયાર થઈને નીકળ્યો ત્યાં બાએ મને રોક્યો.

‘ક્યાં જા’શ ગગા?’

‘ભાભીને ત્યાં જમવા.’

‘ના, ત્યાં નથી જાવું.’

મને એમ કે બાને કંઈક વાંધો પડ્યો હશે. મેં કહ્યું, ’કાં?’

‘હવે ઘર નથી રહ્યું. રાંડનો વાડો થઈ ગ્યો છે વાડો!’

‘શું કો’છો બા? જેઠના દીકરાની વહુ માટે તમને આવું બોલતાં શરમ નથી આવતી? તમારી જીભમાં વાળા નીકળે.’ મારાથી હવે બાની મર્યાદા જળવાઈ.

‘નીકળે તો તું તારે નો કાઢવા આવતો.’ બાએ મારું બાવડું પકડી લીધું. ‘પણ જોઉં છું ગગા કે તું ત્યાં કેવોક જા’શ?’

‘તો હું શું તમારી દબાવણીમાં રહેવાનો છું? રામનાં ભજન કરો.’ બાનો હાથ છોડાવીને મેં હાલવા માંડ્યું. બાએ વેંત વેંત ચોપડવા માંડી. પણ આપણે કાને ધરીએ તો ને! ઘરે માથાકૂટ થઈ એટલે થોડું મોડું થઈ ગયું હતું. ભાભીને ત્યાં હું પહોંચ્યો ત્યારે એમણે રાંધી નાખ્યું હતું. હું ને મનસુખ સાથે જમવા બેઠા. ભાભી આમેય દેખાવે ગરીબડાં ને પાછું આજની વાત પરથી મને એમના ઉપર વધારે દયા આવતી હતી. મને થયું, ગાય જેવી ભાભીને શું ખબર કે ગામ એના વિશે કેવું કેવું બોલી રહ્યું છે!

‘હવે દેરાણી ક્યારે લાવવાં છે?’ ભાભીએ પીરસતાં વાતો કરવા માંડી.

‘હજી ઘણી વાર છે.’

‘આ તો હોય તો રાંધી ખવડાવે ને?’

‘ખાવાનાં તો ત્યાં ઘણાંય ઠેકાણાં છે. મુંબઈમાં રોટલો છે. ઓટલો નથી. અમે તો ત્યાં ગાભા વીંટીને નાનકડી ઓરડીમાં પડ્યા રહીએ, પણ એને ત્યાં ક્યાં બેસાડવી? ને આંય પણ બાના સ્વભાવને તમે ક્યાંથી નથી જાણતાં?’ ક્ષણેક થંભીને મેં કહ્યું: ‘આવો ક્યારેક બાજુ?’

‘અરેરે! અમારા કરમમાં બધું જોવાનું ક્યાં લખ્યું છે? જોવાવાળા વ્યા ગ્યા ને મારે બધું જોઈને શું કરવું છે?’ ભાભીએ જીવ બાળવાની શરૂઆત કરી દીધી. ‘એવું લાગે તો છોરો મોટો થાય તયેં એને લઈ જાજો. તમે આટલા આગળ આવ્યા છો તે એટલું કામ કરજો.’

‘એટલું કામ કરજો’ વાક્ય ભાભી દઈને બોલ્યાં કે પછી મારા અપરાધીપણાને કારણે મને એવો ભ્રમ થયો હોય. પણ સાંભળતાં મારા મોઢામાં કોળિયો જાતાં થોડીવાર અટકી ગયો.

‘હા, તો મારા ધ્યાનમાં છે. મુંબઈમાં તેર તેર વરસનાં છોકરાંય સાંજ પડ્યે પચીસ રૂપિયાના હીરા ઘસી નાખે છે.’ કોળિયો ગળે ઉતારતાં મેં આગળ ચલાવ્યું : ‘પણ તમારે એને અળગો કરવો પડશે. એમાં કાંઈ નહિ હાલે.’

‘એ તો આજ નહિ તો કાલેય અળગો તો કરવાનો છે ને! હું થોડી કાયમ ભેગી બેહી રે’વાની છું. બહુ બહુ તો એનાં લગન સુધી.’

પછી ક્યાં મારા ભાઈ પાસે જતાં રહેવું છે!’ મેં મજાક કરતાં કહ્યું.

‘અરેરે, એવાં ક્યાં ભાયગ છે કે ઉપરેય એમનો મેળાપ થાય. તો મનમાં લગન લાગી છે કે પછી ભગતીમાં મન પરોવી દઉં. ક્યાંક સારી જગ્યામાં જતાં રે’વું છે. એમની વાંહે કંઈ પૂન-દાન તો કરી શકી. પણ થાય એટલી ભગતી તો કરું!’

વાતચીત ચાલી રહી હતી ત્યાં એકાએક ખડકીનું બારણું ખખડ્યું. પણ ભાભીએ તરફ કાંઈ ધ્યાન આપ્યું. તાણ કરીને મને પીરસતાં રહ્યાં.

ફરી પાછું બારણું ખખડ્યું. વખતે ભાભીએ કંઈક ધ્રાસકો અનુભવ્યો હોય એવું મને એમના મોઢા પરથી લાગ્યું: ‘કૂતરા રાતેય સખ નથી લેવા દેતાં.’ કહેતા ભાભી હવે ઊભાં થયાં. લાકડી લેતાં ખડકી તરફ વળ્યાં.

‘છેટેના ઘરનો વાંધો. ડોબાં અહીંથી નીકળે તોયે ઢીંઢું ઘસતાં જાય.’ મેં કહ્યું.

થોડીવાર થઈ તોયે ભાભી અંદર આવ્યાં. મનસુખ અત્યારે મારી બાજુમાં બેઠો હતો. વાટકીમાં દાળ ખૂટી ગઈ હતી તે મારે જાતે લેવી પડી.

મને થયું, ભાભી હજી કેમ આવ્યાં? ત્યાં તો ફળિયામાંથી ધીમો ગણગણાટ સંભળાવા લાગ્યો. હું ઉતાવળે બહાર આવ્યો.

જોયું તો તલકચંદ વાણિયો ડેલી ઉપર લાકડીનો ટેકો દઈને, ધોતિયાનો એક છેડો છેક સાથળ સુધી ઊંચો કરીને નફફટની જેમ બેઠો હતો. વેણે વેણે જમીન સાથે લાકડી પછાડતો ભાભી સામે એકધારો તાકી રહ્યો હતો. ભાભી થોડેક છેટે લાંબો ઘૂમટો તાણીને ગળગળા અવાજે વિનંતી કરતાં હોય એવું મને એમના છેલ્લા વાક્ય પરથી લાગ્યું.

હું નજીક આવ્યો એટલે બેય ચૂપ થઈ ગયાં. વાણિયાએ મારી સામે કતરાતી આંખે જોવા માંડ્યું. મને અત્યારે ટપુવાળી વાત યાદ આવી ગઈ. મારું રૂંવાડેરૂંવાડું સગળવા લાગ્યું.

‘શું છે શેઠ?’ હું બરાડી ઊઠ્યો.

‘કાં, તારે વળી શું કામ છે?’ તોછડાઈથી પૂછતાં વાણિયાએ ઊભા થઈને ત્યાંથી હાલવા માંડ્યું. જતાં જતાંય સંભળાવતો ગયો: ‘હજી તો નાકેથી શેડા કાઢતાં નથી આવડ્યું ને ઊંચા સાદે બોલવા માંડ્યો છે. લાજ નહિ આવતી હોય દેવાળિયાના દીકરાને!’

મારો પિત્તો હવે ગયો. મેં ભાભી સામે જોયું.

પણ ભાભીને તો વાણિયાએ મારું અપમાન કર્યું એનો જરાય ધ્રાસકો નહોતો. ઊલટાનાં તો મેં વાણિયાને છણકાવ્યો હોય એમ મારી સામે ઠપકાભરી નજરે જોઈ રહ્યાં.

‘ભાભી શું છે બધું?’ મારાથી ત્રાડ નંખાઈ ગઈ.

‘એમાં આટલી બધી રાડું શું કામ પાડો છો?’ ભાભી મારી શંકાને પારખી ગયાં હોય એમ ઊંચા સાદે બોલ્યાં.

‘કોને ઘરમાં ઘાલી રહ્યાં છો ?’

‘કાં ? ઘર છે તો કોઈ આવે નહિ?’

‘રાંડ, હલકટ, છિનાળ, તને હજી સામે બોલતાં શરમ નથી આવતી?’

‘બોલી નાંખો. તમે એક બાકી હતા તે હવે તમેય બોલી નાખો.’

‘બીજું તેં શું બોલે એવું રે’વા દીધું છે. નો’તું જીરવાતું તો નાતરે હાલ્યું જાવું’તું ને? કોણે તને બાંધી રાખી’તી?’

‘જોવું છે ને તમારે. હાલો બતાવી દઉં.’ ભાભી લાલચોળ થઈ ગઈ. મારો હાથ પકડીને ખેંચવા માંડ્યો: ‘હાલો, જોઈ લ્યોં તયેં. પછી તો ખબર પડશે ને?’ મને થયું, ભાભીને હવે કળવકળનું ભાન નથી રહ્યું લાગતું.

‘હાલો ને, ઊભાં કાં રહી ગ્યાં?’ એણે હવે બળપૂર્વક મારો હાથ ખેંચવા માંડ્યો. હું પાછળ ખેંચાતો રહ્યો.

ઓરડાની અંદર મને લઈ જઈને ભાભીએ ઉતાવળે પટારો ખોલ્યો. ગોદડાં ઉથલાવીને એમાંથી એક ચોપડી કાઢી. મારી સામે ઘા કર્યો : ‘લ્યો, ભણેલા છો ને? વાંચી લ્યો તયેં.’

મેં ચોપડી હાથમાં પકડી. વાંચ્યું તો મોટાભાઈની બીમારી વખતે ચાર હજાર રૂપિયાનો વાણિયા પાસેથી ઉપાડ કર્યો હતો. નીચે મોટાભાઈનો અંગૂઠો ચાંપેલો હતો.

ગાડાનાં પૈડાંનાં ટ્યૂબમાં ધડાકો થાય ને ટાયર જેવું એક મિનિટમાં ઢીલું પડી જાય એવો હું ઢીલોઢસ થઈ ગયો. મને થયું, ખારમાં આવીને મેં કેવી ગાળાગાળી કરી નાખી. પૂરી વાતેય સાંભળી.

‘તો આટલા દિવસ મને કેમ...’ મેં હવે બચાવ કરવા માંડ્યો. પણ અહીં પણ હું પાછો પડ્યો. વાક્યેય મારાથી પૂરું બોલી શક્યું. ભાભીને અત્યારે ટોણો મારવાનો મોકો હતો કે કહ્યું હોત તો પણ તમે શું કરી શકવાના હતા? પણ કાંઈ બોલ્યાં. જાણે કાંઈ બન્યું નથી એમ. ‘લ્યો હવે, છાનામાના ખાવા બેહી જાવ. અધૂરા ભાણેથી ઊભા થઈ ગ્યા’તા તે.’ કહેતાં મને નીચે બેસાડવા માંડ્યાં.

હું નીચો મુંડો કરીને બેસી ગયો. પણ મારાથી રહેવાયું.

‘ના, ના, અત્યારે ને અત્યારે વાણિયાની છાતી ઉપર રૂપિયાનો ઘા કરતો આવું. ત્યાર પે’લાં મને ખાવું નહિ ભાવે.’

‘હવે રે’વા દો. હજુ એટલો બધો પગાર નથી થઈ ગ્યો કે એમ દોડીને ઘા કરી આવશો.’ ભાભીએ મને હસાવવા માંડ્યો.

અરે, ગમે તેમ કરીને...’

‘તમારેય ઘરે મા બેઠી છે. કેટલાંના પેટ ભરશો?’ સહેજ થંભીને, આંગળીના વેઢાં ગણતાં કહે: ‘હવે કેનાલને આવતાં કેટલી વાર? અરે, એટલી રૂપરડી તો એક વરસમાં પેદા કરી લઉં એવી છું.’

‘પણ ભાભી, વાણિયાની દાનત ખોરી છે.’

‘હાથ તો અડાડી જુએ, એની માને વેચી આવું એમ છું. જેવીતેવી સમજતા.’

હું સારી રીતે સમજતો હતો કે મને દુઃખ પહોંચે માટે ભાભી બધી મોટપ કરે છે. બાકી એક રાંડીરાંડ બાઈનું કેટલું ગજું?

મને જમવું ભાવ્યું. જેમતેમ ચળું કરતો ત્યાંથી ઊભો થઈ ગયો.

ઘરે પહોંચ્યો ત્યારે બા ઓટલા ઉપર બેસીને બજર દેતાં, મારી રાહ જોતાં બેઠાં હતાં.

‘કાં ગગા? જોયો ને તલકચંદ વાણિયાને?’

‘ક્યાં?’

હવે અજાણ્યો થા મા અજાણ્યો, તારી માનાં આંખકાન કામ કરે છે. સાજા સુથારની ઘડેલી છે, સમજ્યો?’

બાને હવે શું કહેવું? મને થયું, હવે કેટલા દિ’નાં મે’માન છે તે જાતી જિંદગીએ એની સાથે લમણાઝીંક કરવી?

‘પણ આમ જો, હવે પછી એનાં આંગણામાં પગ મૂક્યો છે તો મારા જેવી ભૂંડી નહીં ભાળી હોય, મને જરાય નથી પોહાતું કાલ ઊઠીને એના ચોપડામાં કો’ક તારું નામ ચડાવી દેશે તો મારાથી સહન નહિ થાય.’

રાતે હું બહાર નીકળ્યો. મને ખબર હતી કે ટપુ અને શિવો પણ બાની જેમ વાંકું બોલ્યા વગર નહિ રહે ને હું સાંભળી નહિ શકું. માથે ગોદડું ઓઢીને સૂઈ જવાનું ભલું માન્યું.

આખી રાત મારો જીવ બળ્યો. ભાભીના ઘરવાળી વાત ડંખ્યા કરી. મને થયું, મેં પૂરું સમજ્યા વગર કેવું બોલી નાખ્યું! તોયે ભાભી પાણીનો ઘૂંટડો ઉતારે એમ ગળે ઉતારી ગયાં. એટલું નહિ આજ દિ’ સુધી ક્યારેય ચાર હજાર રૂપિયાવાળી વાતેય કરી. પછી જેમ જેમ બધું યાદ આવતું ગયું ને મને બા ઉપર ખીજ ચડતી ગઈ. બા કદાચ અત્યારે આડાં આવતાં હોત તો ભાભીનું દેણું ક્યારનું ભરી દીધું હોત. બધી મોંકાણ માટે બા જવાબદાર છે.

બીજે દિવસે સવારમાં મુંબઈનો રસ્તો પકડી લીધો. ટપુ અને શિવાને મળવાય ગયો. ઘરમાંથી નીકળતાંની સાથે નક્કી કરી નાખ્યું કે બા જીવે ત્યાં સુધી ગામના ઝાંપામાં પગ મૂકવો. મોટા બે ભાઈઓ તો વરસોથી આવ્યા નથી કે નથી ક્યારેય એક કાવડિયું મોકલ્યું. તોય એને... ને મેં તો ગૂંજા ઠાલવીને બાનો પટારો ભરી દીધો તોયે ગોળામાંથી પાણી પીવું હોય તોયે બાને પૂછવા જવાનું!

મુંબઈ આવ્યા પછી પહેલી વાર ગામ ઘણું છેટું છે એવું લાગ્યું; કાંઈ સમાચાર નહિ ને! કોઈ વળી વરસે દા’ડે જાય ને સમાચાર લાવે ત્યારે ખબર પડે કે મંદિરવાળા ચોકમાં ગુરુ પારાયણ વંચાઈ હતી, ટેમભાબાપુને મગજમેટ જેવું થઈ ગયું છે. ત્યાં વળી કોઈ દિવાળી કરીને ઘેરથી આવ્યું ને વાવડ લાવ્યું કે ગામલોકોએ ભાભીને નાતબા’રાં મૂક્યાં છે. કોણ જાણે ભાભીએ તલકચંદનું માથું ફોડી નાખ્યું હશે તે વાત જગજાહેર થઈ ગઈ ને ગામલોકોને બહાનું મળી ગયું. વાણિયની નાતે પણ તલકચંદને નાતબારો મૂક્યો છે. ગામમાં અત્યારે ભાભીને કોઈ છાશનું પાણીયે નથી આપતું. દાડિયાંની ગમે તેવી અછત હોય તો યે ભાભીને કોઈ કામે લઈ જાય. ભાભીને એટલે એક ગાઉ ચાલીને નળિયાના કારખાને જાવું પડે છે. બધું સાંભળીને મને બહુ જીવ બળ્યો. એક વિચાર તો એવો આવી ગયો કે લાવને અહીંથી ઘેર જઈને છાનોછપનો ભાભીના પૈસા ભરી આવું. પણ થયું, રખે ને અહીંથી કોઈ ગાંઠનું ભાડું ખરચીને બાને વ્હાલું થઈ આવે તો મારે તો ગળે રોંઢવું વીંટાળવાનો વારો આવે ને!

ત્યાં વળી બાએ લાંબું ગામતરું કર્યું ને ઘરે આવવાનું થયું. ડોસી ભલે જીવતે જીવ કોઈને ખવડાવી શક્યા હોય પણ એની વાંહે ગામમાં કોઈએ નહોતું કર્યું એવું ખરચ કર્યું. ગામ આખું ધુમાડેબંધ રહ્યું. એકમાત્ર ભાભીના ઘરનો ચૂલો ઠર્યો. પંચે શરત મૂકી હતી કે ભાભીને કહેવામાં આવે તો અમે આવીં. ને મારે એમની આગળ નમતું જોખવું પડ્યું. પાછળથી મને બહુ પસ્તાવો થયો. મને થયું, મારા ઘરે પારકાં જમી જાય ને ઘરની ભાભીને વંછો થાય? પછી મેં મોડેથી કોઈને ખબર પડે એમ પીરસણું મોકલી આપ્યું.

બીજે દિ’ સવારમાં ભાભી બરોબર ઝાંપા પાસે ભેગા થઈ ગયાં. મને એમ હતું કે ભાભી કંઈક સંભળાવશે. પણ તો વિશે કંઈ બોલ્યાં. કહે : ચા પીવા આવશો ને?’

‘ચા હવે છોડી દીધી છે.’

‘તો વરિયાળીનું શરબત બનાવીશું.’

‘મનસુખ અત્યારે કેટલામી ભણે છે?’ મેં વાત ફેરવી નાખી.

એને તો ઉઠાડી લીધો. ખેતીમાં લાગી ગ્યો છે.’

‘કાં?’

‘તો બીજું શું કરે? અમારા માટે તો ભલું. હવે તો કેનાલને ક્યાં બહુ વાર છે? ત્યાં સુધીમાં તો સાંતી હાંકતાંય શીખી જાશે.’

હું ચૂપ રહ્યો.

‘હવે તો અમારા જોગું કો’ક સારું ઠેકાણું મળી જાય તો પરણાવીયે દેવો છે. પછી મારો તો છુટકારો...!’ કહેતાં ભાભી ત્યાંથી ચાલતાં થઈ ગયાં મારે હજી એમને ચાર હજાર રૂપિયા વિશે પૂછવું હતું, પણ એમણે તો પાછું વાળીને જોયુંય નહિ.

સાંજે મોટાભાઈઓ ભેગા મુંબઈની ગાડી પકડી લેવી પડી. ચાર હજાર રૂપિયાવાળી વાત પૂછ્યા વગરની રહી ગઈ. મને થયું, ભાભી હવે રૂપિયા ક્યાંથી કાઢશે? મનસુખના ભણતર ઉપર આશા હતી. પણ ફળી. ટ્રેનમાં બેઠા ભાભીના ખેતર પાસે કેનાલની પાળ બંધાતી જોઈ ત્યારે મારા જીવને સહેજ કળ વળી.

ત્યારનો ગયો તે આજ ગામમાં આવ્યો. જોયું તો ભાભીને અત્યારે કોઈ યાદ નથી કરતું. કોઈને પૂછું તો કહે છે કે ‘જડેશ્વરની જગ્યામાં પાપ ધોવા ગઈ છે.’

*

સાંજે વાળુ કરતો હતો ત્યાં મનસુખ ચા પીવા માટે બોલાવવા આવ્યો. થોડીવાર બેઠો. વાળું કરી લીધા પછી બેઉ સાથે નીકળ્યા.

ઓરીસામાં ખાટલો ઢાળ્યો. મનસુખે વહુને ચા બનાવવાનું કહ્યું. વહુ બાજુના ગામનાં હતાં. ગરીબ માવતરની દીકરી હતી. જોગાનુજોગ એય નાતબાર હતાં તે સારો મેળ પડી ગયો હતો.

ઘર અત્યારે ની’ણ ભરવાના ખંડેરિયા જેવું લાગતું હતું. મોટાભાઈના ગયા પછી ઘર ઘર તો રહ્યું નહોતું. પણ એમાંય અત્યારે તો ભીંત સિવાય મને કાંઈ દેખાતું નહોતું. ફળિયામાં એક વસૂકી ગયેલ ગાય બાંધી હતી. બાકી મોટાભાઈના વખતના બળદનું તો અત્યારે ક્યાંય નામનિશાન નહોતું. વહુને ચા બનાવતાં વાર લાગી એટલે મને થયું ઘરમાં ચા કે ખાંડ કંઈક ખૂટ્યું હશે. મેં ફરીને ના પાડી કે વાળુ કર્યા પછી મને ચા નથી ફાવતી. પણ મનસુખે આગ્રહ છોડ્યો.

સારીવારે વહુ ચા લઈને આવ્યાં. હજુ મારા મનમાં ચાર હજાર રૂપિયાવાળી વાત ગૂંગળાયા કરતી હતી. પણ મને થયું, છોકરા આગળ વાત કઈ રીતે કરવી. તો રહેવાતાં મેં આડકતરી રીતે પૂછી જોયું:

‘મનસુખ, તને કદાચ નહિ ખબર હોય, તારા બાપુના વખતનું તમારા માથે વાણિયાનું ચાર હજાર રૂપિયાનું દેણું છે.’

‘એ તો બાએ ક્યારનું ભરી દીધું. તોયે કાકા, વાણિયો ધક્કા ખાતો હતો તે બાથી નો રે’વાયું ને વાણિયાનું માથું...’ એટલું બોલતાં છોકરો શરમાઈને નીચું જોઈ ગયો. પછી કહે : ‘કાકા, તોયે ગામના હજુય એવો અંતરાયો રાખે છે. બા જતાં રહ્યાં એનું કોઈને દુઃખ નથી. ઊલટાના ઘણાય તો રાજી થ્યા કે, હવે ધરતી હળવી બની.’

‘બોલવા દે.’

‘પણ, હજુયે મારી સાથે કોઈ વે’વાર નથી રાખતું.’

‘કાંઈ નહિ, આપણે કોઈના ઓશિયાળા રહીએ. એકમાત્ર ભગવાનની આગળ માથું નમાવીએ.’ મેં વાતડાહ્યા માણસની જેમ સલાહ આપવા માંડી: ‘ને બધાં હજી કંઈ પાર નથી ઊતરી ગયા. ફરતો ફાગણ સંધાયને ત્યાં આવવાનો છે.’

મોડે સુધી બેઠાં. ઊઠતી વખતે મેં કહ્યું : ‘લે હાલ, કો’ક દિ’ જડેશ્વરના મેળામાં બાને મળવાનું થાય તો કહેજે કે રામકાકા બહુ યાદ કરતા હતા.’

ત્યાં તો બહારથી સાદ આવ્યો : ‘એલા રામા, હાલ હવે હાલ, ક્યારનો ત્યાં શું ઘલાઈ’ર્યો છે?’

મેં બહાર આવીને જોયું તો ટપુ ને બીજાં બે મિત્રો હાથમાં ગંજીપો પકડીને મારી રાહ જોતાં શેરીમાં ઊભા હતા.

સ્રોત

  • પુસ્તક : મનગમતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : જિતેન્દ્ર પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2005