barnu - Short Stories | RekhtaGujarati

“મોઈ આમ ને આમ મરવાની, આજ ચાર દા'ડા થયા તે પેટમાં ચૂંકાતું નથી? બધીઓ નિરાંતે જાય છે તે દેખતી નથી, તું મારે એક નવાઈની લાજુ લાડી ના જોઈ હો તો...”

સવલી પરાણે ઊભી થાય માને આમ બબડતી સાંભળીને, તોયે ખાડીની બીજી બાજુ જતાં તો એને ટાઢ ચડી જાય. બે દહાડા પહેલાં ગગડી ગગડીને ઝીંકાયેલો. લપસણા કાદવિયા રસ્તા, ગંદા પાણીની નીકો કૂદતાં ઓળંગતાં ઠેઠ દૂરનાં ઝાડીઝાંખરાં લગી જવું પડે. ત્યાંય પાછું ગોબરું કાદવિયું ઘાસ કેટલાય પગ નીચે ચબદાઈને ચપ્પટ થઈ ગયેલું, એવામાં એકાદ સરખી જગ્યા ખોળીને બેસવાનું. એકાદ દેડકું કૂદે, કે પગને અળસિયું અડી જાય તો બૂમ પડાઈ જાય. અધ્ધર જીવે, ચકળવકળ આંખે બધું પતાવી દેવાનું. ખબર નહિ શાથી, સેવંતી કે દેવુંને તો કંઈ ખરાબ ના લાગે આમાં. ગમે ત્યાં ફટ દઈને બેસી જાય.

“એટલે દૂર કાદવ ડખોળતા કંઈ જવું નથી. ચાલે આટલે જ, કોઈ નવરું નથી જોવા... પછી ખિખિયાટા કાઢતી કહે કે બધા પોતપોતાનું કરતા હોય તાં કોણ કોનું

જોવા બેસે... છેક નફ્ફટ સેવંતી તો.

ઝાઝા અંધારે ને આછા અજવાળે, મળસકું થતાંમાં ખાડી ભણીથી ફૂટતા પગરસ્તે ચૂપચાપ ઓળાઓ સરકતા દેખાય. આખું દૃશ્ય આમ તો ભારે ભેદી લાગે, પણ વાતમાં દમ નહિ. ખાડીની આસપાસની વસ્તી અડખેપડખેની ખુલ્લી જમીનનો અને ખાડાટેકરાનો ઉપયોગ આમ કરતી આવેલી. કોઈને એમાં કંઈ લાગે નહિ, સવલી ડરપોક અને શરમની પૂંછડી એટલે ખુલ્લાં ખેતરાંથી બીએ.

“સવલીની મા કે’કે એને હારે લઈ જાવ, પણ સવલી તો બાપ બહુ નખરાળી. અહીં ના ને તાં ના, ચાલ ચાલ કરીએ તારે એકાદ ખૂણો જડે એને.”

“અલી ઓ... એટલે દૂર કાં ચાલી, જર જનાવર ચોંટી પડે પગે...”

સવલીને અટકવું પડતું. ઝાંખરાંટેકરાની આડશે સંતાતી બેસતી તો ખરી, પણ જરા પગરવ સંભળાય તો ફટ દઈને ઊભી થઈ જતી. ખુલ્લું આકાશ એને માથે તોળાઈ રહેતું અને ઝીણો અમથો ખાડો ગુફા જેવો દેખાતો. ગામમાં હતી ત્યારે એને ને બુધિયાને બહાર ખાટલી પર બાપા ઊંઘાડી દેતા. પછી રાતે એકાએક ઝબકીને જાગી જતી તો બાપા દેખાતા નહિ, અને ઓરડીનાં બારણાં તો બંધ જણાતાં. આઘે આઘે શિયાળવાં રડતાં, પવનમાં બે-ચાર સૂકાં પાંદડાં ઝાડની ઠેઠ ઉપરની ડાળીએથી ખરી પડતાં, અને અથડાતાં કુટાતાં નીચે આવતાં, પડખે વાડાના ઘાસમાં કશુંક સરકતું હોવાનો ભાસ થયા કરતો. એવે વખતે અંધારું એને ગળી જતું, અને શિયાળાની રાતમાંય પરસેવે રેબઝેબ થઈ જતી. એક વાર તો બહુ બીક લાગી એટલે દોડીને બારણું જોરજોરથી ઠોક્યું હતું, અને કશું નથી જાણ્યા પછી બાપાએ એક થપ્પડ મારેલી, બહુ જોરથી નહિ જાણે, કારણ બાપાય જરા ઘેનમાં હતા.

પણ ત્યાર પછી બારણું ઠોકીને બાપા કે માને જગાડવાની એને બીક લાગતી, અને આમ કાળી રાતમાં ખુલ્લી આંખે એકલાં એકલાં ખાટલીમાં પડી રહેવામાંય હાથપગ પાણીપાણી થઈ જતા. બુધિયો તો સાવ નાનો તે નિરાંતે ઘોરે. એને કશી ગમ નહિ.

અહીં શહેરમાં બધું જુદું. આખી વસ્તી રાત-દહાડો ખદબદે. એવામાં ખુલ્લામાં પાણીનું ડબલું ઝાલીને બધાં નાની કાકી એક વાર બંધાયેલાં જાજરામાં લઈ ગઈ. ત્યાં લાઇન તો હોય, પણ એક વાતથી સારું કે બારણું તો બંધ થાય. તો અંદર ગઈ ત્યારે ખબર પડી કે બારણું તો નામનું જ, આંકડી તૂટી ગયેલી. એણે નાની કાકી અને પનીને ઊથલાવી ઊથલાવીને કહેલું કે જોજો કોઈ ખોલી નાખે, પણ બેય હાહાઠીઠીમાં પડેલાં તે એને અંદર ભૂલી ગયાં ને કો'ક મુછાળા તગડા મરદે ધડાક દઈને બારણું ખોલી કાઢેલું. તો અંદર થીજી ગયેલી, પછી ઊભી થઈ ત્યારે પગ થરથર કંપે. પેલો નાલાયક તો બહાર હસતો'તો, જરી આંખ મિચકારી હોય એવુંય લાગ્યું. પછી તો રસ્તે જતાં આવતાં મળી જાય તો સવલી આઘુંપાછું જોઈ લેતી.

આઠમની રાતે દયાળજીનગરમાં સિનેમા દેખાડેલો. અડધું તો ઊંઘમાં ગયેલું, પણ ગુલાબી લાદીવાળો બાથરૂમ અને એમાં સાબુના ગોટેગોટામાં લપેટાયેલી પરી જેવી છોકરી યાદ રહી ગયેલાં બરાબર. સેવંતી કહે કે બંગલામાં એવા બાથરૂમ હોય. એટલે બંગલામાં કામ કરતી હશે કદાચ. અહીં તો ચાર વાંસ પર લપેટેલા કોથળા એવા ઘસાઈ ગયેલા કે કપડાં કાઢીને તો પાણી રેડાય નહિ. ફડક રહ્યા કરે કે વખત છે ને કો'ક જોઈ જશે કે કો'ક જોતું હશે. પાછળ કારખાનાવાળો રસ્તો એટલે સાઇકલ-સ્કૂટરની ધમધમાટી ચાલે, નવરાધૂપ છોકરાઓ સિસોટી મારતા રઝળ્યા કરે મવાલી જેવા, એટલે બંદર પણ જાણે લોકની સામે ખુલ્લાં થઈ નહાતાં હોઈએ એમ જ. સેવંતી અને મુમતાઝ તો પાંચ-છ મહિનાથી માથે નહાતાં થયાં છે તે કે'કે એવા દહાડામાં બહાર જવાની બહુ પંચાત. બધું રોકી રાખવું પડે. પછી લોકો તો જાણે બંગલે કામ પર જાય ત્યાં બધું પતાવી લે. પની કે'તીતી કે પછી એનુંયે એવું થશે. એવું એટલે દર મહિને બધી ગંદકી... મા તે પછી કોને ખબર કેટલું બબડશે. અત્યારેય તે -

“દાધારંગીને રોજેરોજ સાબુ જોઈએ છે. હજી તો એક પૈસો સરખો લાવતી નથી. ઘરમાં પણ ચાળા એના બધાંથી ચડે એવા. ને ઘસે એટલો કે અઠવાડિયામાં તો પાતળી પાતળી પતરી થઈને રહી જાય છે...

મેદાનમાં મેળો લાગ્યો છે. વસ્તીમાંથી ધાડેધાડાં તે તરફ આંટા માર્યા કરે. બે-ચાર

દિવસથી પની ને સેવંતીને બધાં પાછળ પડી ગયાં છે, પણ માનો નન્નો. એના મનથી એમ કે પાછી સવલી પાંચેક રૂપિયા ખરંચી આવે તે કરતાં જાય નહિ તો... સેવંતીને તો જાણે એના પોતાના પૈસા એટલે કોઈને પૂછવા કરવાનું નહિ.

છેવટે મા વળી કંઈ માની ગઈ ખરી, તે ચીપી ચીપીને વાળ ઓળી, પાવડરના લપેડા કરી સેવંતીની આંગળી ઝાલી ભીડમાં ભળી ગઈ. માએ દસ વાર કહેલું કે હાથ છોડશો નહિ, નકર અટવાઈ જશો ભીડમાં અને એકમેકને ખોળવામાં રાત પડી જશે. અંધારું પડવા દેશો નહિ, એકની એક જગ્યાએ વધારે વખત થોભશો નહિ. બંગડી-ચાંદલાની લારીઓ લાઇનબંધ ને ત્યાં પડાપડી. એવામાં ભાગદોડ અને રીડિયારમણ. સમજ કશી પડી નહિ, પણ હો હા અને દોટંદોટ, ભારે હડબડાટીમાં સેવંતી છૂટી ગઈ. બૂમો પાડી પણ રાડારાડમાં કશું સંભળાતું નહોતું. ઊભી ઊભી રડવામાં હતી, ત્યાં કોઈ ભલી બાઈએ હાથ ખેંછી લીધો. એને સાચવીને બહાર લઈ આવી, ને બધું પૂછવા બેઠી.

“દયાળજીનગર ? ચલ છોડ આઉં, ડર મત. ભીની આંખો ફરાકની બાંયે કોરી કરી એણે બાઈ જોડે ચાલવા માંડ્યું. રિક્ષા કરી બાઈએ, પછી બોલી.

“પહેલે જરા ઘર જા કે બતા દે, બાદ મેં તેરે ઘર ચલેંગે, જલ્દી નહિ તેરેકુ?

એણે ડોક હલાવી. ગલીકૂંચી અને ઝાકઝમાળ દુકાનો વચ્ચેથી સડસડાટ રિક્ષા ચાલતી હતી. કેટલાંક બારણાં બંધ ને કેટલાંક ખુલ્લાં, બધું અજાણ્યું, પણ એને કંઈ બીક લાગી. બાઈ ભલી હતી તેથી હશે એમ, એક ખૂણે રિક્ષા અટકી. મોટું મકાન, મોટો ઓટલો, તોતિંગ મજબૂત બારણાં.

વચ્ચે ચોક હતો. ઉપર થોડી ઓરડીઓ. નાની નાની બારીમાંથી બેચાર ચહેરા ડોકાયા, પછી બારીઓ બંધ થઈ ગઈ. ઘણા માણસો રહેતા હશે આટલી મોટી જગ્યામાં આમતેમ જોતી અધૂકડી ઊભી રહી.

ક્યાંકથી ગાવાના હસવાના દબાયેલા અવાજો આવ્યા કરતા હતા. ઉપર તો કશું દેખાતું નહોતું. ઓરડીઓનાં બારણાં બંધ હતાં ચસોચસ, ને જે ખુલ્લાં હતાં લાલ ગુલાબી ફૂલોવાળા પડદે પૂરાં ઢંકાયેલાં, અંદરનું કંઈ દેખાય નહિ.

“આતી હૂં અબી, ફિર ચલેંગે તેરે ઘર છોડને કે વાસ્તે...” બાઈ આઘી-પાછી થઈ ગઈ.

સેવંતી ખોળતી હશે એને ભીડમાં, બધાં હવે તો ઘેર પહોંચી ગયાં હશે અને કદાચ મા કાળો કકળાટ કરતી હશે. ના પાડેલી આટલા સારુ, ભીડમાં હવે સવલીને કાં ખોળવા જવાનું, આવડીફોતરા જેવી છોકરી ભચડાકચડીમાં કોને ખબર કાં... મા એને ફોતરા જેવડી છોકરી કહેતી.

એકાએક એને પેટમાં જરા ચૂંક જેવું લાગ્યું. થોડી ભૂખ અને તરસ તો લાગેલી જ, હવે પેટનો અમળાટ. અમળાય ને, આજે ત્રણ દિવસથી ટાળતી હતી જવાનું તે... બાઈ બહાર આવે તો પૂછીને જવાય. આવડા મોટા ઘરમાં બધું હશે તો ખરું સ્તો.. પતાવી દેવાય તો કાલે ખટપટ નહિ.

પેટમાં હવે કશુંક ગોળગોળ ફરતું હતું, અધીરાઈમાં આકળવિકળ થઈ ગઈ. અબઘડી બાઈ બહાર આવે કે તરત જ... આવી વાતે કંઈ કોઈ ના ઓછું પાડે? એણે લાગલું પૂછ્યું.

“હાં, હાં, અરે મુન્ની, જરા ઉસે...”

ચોકની એક તરફ બે મોટા બાથરૂમ, સરસ સુંવાળી ગુલાબી અને આસમાની લાદીવાળા. પેલી ફિલમમાં જોયેલા બાથરૂમ યાદ આવી ગયો. બાજુમાં એકદમ ચોખ્ખું, બરાબર બારણાં બંધ થાય એવું, પાકી મજબૂત દીવાલોવાળું... આમાં જવાનું? બધાં આમાં જતાં હશે!

આંખો ફાડીને બારણું અને આગળો જોઈ રહી. બારણું બંધ થાય એટલે બધુંય બહાર રહી જાય... આપણને તો અંદર કશી બીક નહિ, કોઈથી ખોલાય સુધ્ધાંય નહિ, કોઈને દેખાય પણ નહિ, કશો રઘવાટ નહિ.

“જા અંદર...”

હરખની મારી જમીનથી ઊંચકાઈ ગઈ, સપનું જોતી હોય એમ અંદર દાખલ થઈ, અને એની પાછળ બારણું બંધ થઈ ગયું, ચસોચસ.

(એ લોકો'માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 304)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999