દીપક રાવલ
Dipak Raval
બાલુભાઈ ક્યારના આઘાપાછા થતા હતા, આજે લીલા કેમ મોડી પડી હશે? રોજ આ ટાઈમે તો આવી જ જાય છે. શંકા-કુશંકાથી એમને બેચેની થતી હતી. એ આંટા મારીને કંટાળ્યા એટલે આરામખુરશીમાં બેઠા. એમનું ધ્યાન સામેના ઘર તરફ ગયું. નારણ છાપું વાંચતો બેઠો હતો. એનું ધ્યાન પણ બાલુભાઈ તરફ ગયું. એટલે એ એની વિચિત્ર સ્ટાઈલમાં હસ્યો. બાલુભાઈએ મોં ફેરવી લીધું. બાલુભાઈને નારણ્યાનું મોઢું જોવું ય ગમતું નથી. હરામખોર સાલો જ્યારે જુઓ ત્યારે એનું મોં વાકું કરીને લુચ્ચું હસતો હોય છે. છેલ્લા થોડા દિવસથી તો... કદાચ એને ગંધ આવી ગઈ હશે. ઊભા થઈને એમણે બારી જ બંધ કરી દીધી.
ઓશીકા નીચેથી ગડીવાળીને મૂકેલો ગુલાબી રંગનો બંધ ગળાનો ઉનનો કબજો કાઢ્યો. હાથમાં લઈ થોડીવાર પંપાળ્યો. એકદમ સુંવાળો સુંવાળો સ્પર્શ માણ્યા કર્યો. નટુભાઈની પસંદગીમાં કઈ કહેવું ન પડે. એટલે જ તો એમણે નટુભાઈને આ કામ સોંપેલું. અહીં ગામમાંથી ખરીદવા જાય તો આવો કબજો મળે પણ નહીં. બધા દુકાનવાળા ઓળખતા જ હોય એટલે પૂછે પણ ખરા કે, “સાહેબ, તમારે કોને માટે કબજો ખરીદવો છે?'' એ બીકે જ એમણે નટુભાઈને કહેલું, “સાહેબ, તમે હરિદ્વાર જાવ છો તે મારું એક કામ ન કરો?”
“અરે કહોને સાહેબ, શું કામ છે ?” નટુભાઈએ કહેલું.
“આ મારે ત્યાં એક કામવાળી રાખી છે. બિચારી ગરીબ છે, વિધવા છે. તમે તો જાણો જ છો કે તમારા બેન તો પથારીવશ જ રહેતાં હતાં. ઘરનાં બધાં જ કામ મારે જ કરવા પડતા હતા. પાછી નોકરી પણ કરવાની. પહોંચી નહોતું વળાતું એટલે એને કામે રાખી. મારે કામનો ભાર ઓછો થયો ને એને થોડો આર્થિક ટેકો મળી રહ્યો. તમારા બેનના સ્વર્ગવાસ પછી પણ એને છૂટી નથી કરી. હું છૂટી કરું તો એને ખાવા-પીવાનાય સાંસા પડે. તમારી બેનના બધા કપડાં એને આપી દીધાં છે. પણ આ શિયાળામાં બિચારી ટાઢે ઠરે છે. તે મને થયું કે એના માટે એકાદ ગરમ કબજો લઈ આપું. ત્યાં મેં જાણ્યું કે તમે હરિદ્વાર જાવ છો, એટલે થયું કે તમને કહું.”
“અરે જરૂર લેતો આવીશ. એમાં શું?”
“બંધ ગળાનો જ લાવજો. પૈસા જે થશે તે આપી દઈશ.”
“અરે સાહેબ, એ શું બોલ્યા? પણ હા, કબજો કઈ સાઈઝનો લાવું?”
“લગભગ ચાલીકેસની ઉંમર છે. મધ્યમ બાંધો છે.” બાલુભાઈએ સંકોચાતા સંકોચાતા કહેલું. નટુભાઈને જરા હસવું આવ્યું પણ રોકી રાખ્યું. બાલુભાઈ વડીલ હતા ને એમના દીકરાનું ટ્યૂશન કરતા હતા એટલે મરતબો તો રાખવો પડે ને? નટુભાઈ યાદ રાખીને ગુલાબી રંગનો બંધ ગળાનો ગરમ કબજો લઈ આવ્યા હતા. બાલુભાઈએ પૈસાનો આગ્રહ કર્યો હતો પરંતુ એમણે લીધા ન હતા.
બાલુભાઈએ કબજાની ગડી ઉકેલી અને જોવા લાગ્યા. થઈ તો રહેશે. છાતીએ કદાચ ફીટ થાય પણ બે ચાર વખત પહેરશે એટલે ઢીલો પડી જશે. બાલુભાઈએ કબજાને ગડી વાળી પાછો ઓશિકા નીચે મૂકી દીધો અને લીલાની રાહ જોવા લાગ્યા.
બાલુભાઈનું આખું નામ તો બાલાશંકર પણ સૌ બાલુના નામે જ ઓળખે. બિચારા બાળોતિયાના બળેલા અને દુઃખ સાથે લઈને જ જન્મેલા. ગરીબ ઘર. ટૂંકી ખેતી. ગામમાં ચોથા ધોરણ સુધી ભણ્યા. આગળ ભણવા ઈડર જવું પડે પણ એટલો ખર્ચ કાઢવો ક્યાંથી? ઈડરમાં બાલુભાઈના ફુઆ રહેતા હતા. વિધવા માએ હાથ-પગ જોડીને એમને ત્યાં ભણવા મૂક્યા. બાલુભાઈને ફુઆને ત્યાં ભણવા કરતાં ઘરના કામ કરવામાં જ સમય વધારે જતો. ઘરની સાફસફાઈ, કપડાં ધોવાના, રસોઈ કરવાની, વાસણ સાફ કરવાના, કંઈ ભૂલચૂક થાય કે વહેલું મોડું થાય તો ઢોરની જેમ માર ખાવાનો. આ સઘળું મૂંગે મોઢે સહન કર્યું અને ફાઇનલ પાસ થયા. ફાઇનલ એટલે સાતમું ધોરણ. એ જમાનામાં ફાઇનલ પાસ થાય એટલે શિક્ષક કે તલાટીની નોકરી મળી જતી. બાલુભાઈના એક શિક્ષક બાલુભાઈની સ્થિતિ જાણે. એમણે શિક્ષણાધિકારીને ભલામણ કરી. બાલુભાઈને એક આદિવાસી ગામની શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. એ દિવસોમાં વાહન-વ્યવહારની બહુ સગવડ નહીં. ખેડબ્રહ્મા સુધી બસ જતી હતી. ત્યાંથી પંદર કિલોમીટર ચાલીને નોકરીના સ્થળે પહોંચ્યા હતા. ગામના સરપંચે એમની રહેવાની વ્યવસ્થા શાળાના ઓરડામાં જ કરી આપી હતી. એક ઓરડાની શાળામાં બીજા જ દિવસથી બાલુભાઈએ પાંચ વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું.
બાલુભાઈને જેવી નોકરી મળી કે તરત જ એમની બાએ એમના લગ્નની તજવીજ શરૂ કરી દીધી. સગાઈ તો નાનપણમાં જ થઈ ગયેલી. વિધવા માએ શક્તિ પ્રમાણે ખર્ચ કરી લગ્ન પ્રસંગ ઊજવ્યો. બાલુભાઈએ છોકરીને કોઈ દિવસ જોયેલી પણ નહીં. ઘણીવાર સાંભળેલું કે માંદી જ રહે છે. કાન્તા એનું નામ. સોળ-સત્તર વરસના બાલુભાઈ ઉમંગથી પરણ્યા.
શરૂઆતના થોડા વરસ બાલુભાઈ નોકરીના સ્થળે એકલા જ રહ્યા. કાન્તા એમની બા પાસે જ રહેતી. સાસુ અને વહુને જરાય બનતું નહીં. રોજ કંકાસ થતો. રજાઓમાં બાલુભાઈ ઘરે આવે ત્યારે બંનેનો કકળાટ ચાલતો જ હોય. બાલુભાઈ બાને કશું કહી શકે નહીં. કાન્તાને ઘણું સમજાવી પણ પથ્થર પર પાણી. ઘણીવાર તો કંટાળીને રજાઓ બાકી હોય તો પણ પાછા ચાલ્યા જતા. પરંતુ જ્યારે બાનું અવસાન થયું ત્યારે ના છૂટકે કાન્તાને પોતાની સાથે લઈ જવી પડી. કાન્તા ગામડામાં જ ઉછરીને મોટી થઈ હતી છતાં એને આદિવાસી ગામમાં ફાવતું નહોતું. વાત વાતમાં ઝઘડા કરતી. એની માંદગી તો જતી જ નહોતી. બાલુભાઈએ જેમ તેમ કરીને ઘરસંસાર ચલાવતા હતા. એવામાં કાન્તાને સારા દિવસ રહ્યા. બાલુભાઈને થયું કે ચાલો બાળક આવશે એટલે એનો સ્વભાવ બદલાશે. પરંતુ દુર્ભાગ્યે કાન્તાને કસુવાવડ થઈ ગઈ. કાન્તાનો સ્વભાવ વધુ બગડ્યો. બીજે વરસે ફરીથી સારા દિવસો રહ્યા ને ફરીથી કસુવાવડ થઈ ગઈ. કાન્તાનો સ્વભાવ વધુ બગડ્યો. નજીકના શહેરમાં બાલુભાઈએ સારા ડૉક્ટરની સલાહ લીધી. ડૉક્ટરે કહ્યું કે “આ બેનને બાળક નહીં થાય. ફરીથી ગર્ભ રહેશે તો જીવનું જોખમ છે.” બાલુભાઈ બહુ જ ઉદાસ થઈ ગયેલા. કાન્તાનો કકળાટ વધતો ગયો. એની માંદગી અને દવાદારૂનો ખર્ચ પણ વધતો ગયો. શહેરના દવાખાને એને લઈ જવા લાવવામાં પણ ઘણી અગવડ પડતી હતી એટલે બાલુભાઈએ તાલુકાની શાળામાં જ બદલી કરાવી. દુર્ભાગ્ય ત્યાં પણ સાથે જ હતું. કાન્તાને ઍટેક આવ્યો અને લકવો થઈ ગયો. ખૂબ દવાદારૂ અને સારવારને અંતે કાન્તા બચી તો ખરી પણ કાયમની પથારીવશ થઈ.
બાલુભાઈએ આ પરિસ્થિતિને પણ ઇશ્વરેચ્છા માનીને સ્વીકારી લીધી. સંસારનું સુખ જાણે એમના નસીબમાં જ નહોતું. કોઈવાર એ કાન્તાની પાસે જવા કરતા તો એ છાસિયું કરતી. એના ગંધાતા મોં પાસે મોં પણ લઈ જવાતું નહોતું. ધીમે ધીમે એમની ઇચ્છા જ જાણે મરી ગઈ.
નિવૃત્તિના બે-ચાર વરસ બાકી રહ્યા હતા. બાલુભાઈનો જીવનક્રમ યથાવત્ ચાલતો હતો. ત્યાં કાન્તાની તબિયતે વળી ઊથલો માર્યો. દિવસમાં બે-ચાર વખત પથારી બગાડતી. બાલુભાઈને જ બધું સાફ કરવું પડે. પાસેને પાસે રહેવું પડે. દવા અસર કરતી નહોતી. બાલુભાઈ ભારે ચિંતામાં હતા. ત્યાં એક દિવસ સામે રહેતો નારણ આવ્યો. નારણ એટલે ગામનો ઉતાર. આબરૂ વગરનો માણસ. એ બાલુભાઈને દીઠો ગમતો નહોતો. એ આવ્યો તો બાલુભાઈએ ‘આવો’ એમ પણ ન કહ્યું. તેમ છતાં નારણ આવીને બેઠો અને કાન્તાની ખબર પૂછવા લાગ્યો. પછી ધીરે રહીને એણે વાત મૂકી, “મારું માનો તો કામવાળી રાખી લ્યો.”
બાલુભાઈ કહે, “કોણ કામવાળું આવી સેવા કરવા તૈયાર થાય?”
“અરે છે એક મારા ધ્યાનમાં. પેલી શાંતિલાલની વિધવા છે ને! બિચારીને ખાવાના સાંસા છે. ધણી દેવું મૂકી ગયો છે. મારે પણ બે હજાર લેવાના નીકળે છે. તમારે ત્યાં એ કામ કરશે તો એને બે ટંક ખાવા મળશે ને તમારે કામનો ભાર ઓછો થશે અને તમે જે પગાર આપશો એમાંથી હું મારા લેણા નીકળતા રૂપિયા પણ વાળી લઈશ. ખરું કે નંઈ? તમે કહેતા હોત બોલાવી લાવું.”
બાલુભાઈએ હા પાડી. નારણ તરત જઈને એને બોલાવી લાવ્યો.
એ આવીને ઊભી રહી. જાણે લજામણીનો છોડ! સાડલો ફાટેલો પહેર્યો હતો. પણ ચહેરા પર તેજ હતું. શામળો પણ નમણો વાન ઢાંક્યો ઢંકાતો નહોતો.
“આવો શું નામ છે તમારું?” બાલુભાઈએ પૂછ્યું.
“લીલા.” નારણે વચ્ચે જ કહ્યું. “એ બોલશે નહીં. મૂંગી છે. મેં એને કામ સમજાવી દીધું છે. દિલ દઈને કામ કરશે એની ગેરેન્ટી મારી.” અને લીલા તરફ ફરીને કહ્યું, “મેં તને કહ્યું હતું ને કે કામ અપાવવી દઈશ? અપાવી દીધું ને? અને હા, સાહેબની હાજરીમાં જ કહું છું દર મહિને અડધો પગાર મને આપી દેવાનો. જો જે પાછી ભૂલતી નહીં.” છેલ્લું વાક્ય બોલતી વખતે નારણે આંખ મિચકારી હતી. અને એનું મોં વાંકું કરીને હસતાં કહેલું, “લ્યો ત્યારે હવે હું જાઉં. તમે જાણોને તમારું કામવાળું જાણે.”
એ ચાલ્યો ગયો પછી પણ લીલા ત્યાં જ ઊભી હતી. બાલુભાઈએ કાન્તા સાથે એની ઓળખાણ કરાવી. ઘર બતાવ્યું. કામ સમજાવ્યું. લીલા તરત જ કામે વળગી. સ્ટવ પર પાણી ગરમ કરવા મૂક્યું. પાણી ગરમ થાય ત્યાં ઘર સાફસૂફ કરી નાંખ્યું. ગરમ પાણીથી કાન્તાને નવડાવી કપડા બદલાવી આપ્યા. પથારી સરખી કરી ચાદર બદલી નાખી. ફટાફટ રસોઈ કરી કાન્તાને અને બાલુભાઈને જમાડ્યા. બાલુભાઈ તો ગદગદ્ થઈ ગયા. નિરાંતે જમીને સ્વસ્થ ચિત્તે નોકરી પર ગયા. સાંજે ઘરે આવ્યા ત્યારે પણ રસોઈ તૈયાર હતી. કાન્તાએ જમી લીધું હતું. બાલુભાઈ જમવા બેઠા. ગરમાગરમ ખીચડી, રીંગણનું શાક અને મકાઈનો રોટલો ધરાઈને જમ્યા. પછી લીલાએ વાસણ સાફ કર્યા, રસોડું સાફ કર્યું, ઘેર જવા લાગી ત્યારે બાલુભાઈએ પૂછ્યું, “તમે જમ્યા?” એણે માથું હલાવી હા પાડી. “રોજ સમયસર જમી લેજો. સંકોચ ન કરશો. તમારું જ ઘર માનજો. તમારે બીજી કાંઈ જરૂરિયાત હોય તો પણ મને કહેજો. મૂંઝાશો નહીં.” લીલા નીચું મોં કરીને સાંભળતી હતી. બાલુભાઈ હજી બોલતા હતા. “સવારે જરા વહેલા આવી જજો. પાણી વહેલું જતું રહે છે.” ફરી લીલાએ માથું હલાવ્યું અને ધીમે પગલે ચાલી ગઈ.
બાલુભાઈ હીંચકા પર બેસીને એના વિશે ક્યાંય સુધી વિચારતા રહ્યા. ઊંઘવાનો સમય થયો એટલે ઊઠ્યા. પથારી તૈયાર હતી. સરસ ધોયેલી ચાદર અને ધોયેલા અસ્તરવાળું ઓશીકું. જેવા સૂતા કે તરત જ આંખ મળી ગઈ. સપનામાં લીલા સામે આવીને ઊભી રહી. હસતો ચહેરો, હસતી આંખો. બાલુભાઈ ઘડીક જોઈ રહ્યા. પછી ચહેરો બંને હથેળીઓમાં લીધો અને ચૂમવા ગયા ત્યાં આંખ ઊઘડી ગઈ. શરીર આખું પરસેવે રેબઝેબ! ક્યાંય સુધી પથારીમાં બેસી રહ્યા. “અરેરે ! મારા મનમાં આવો વિચાર? મારાથી આવું થાય? કોઈ જાણે તો શું કહે?” બાલુભાઈ આખી રાત માળા ફેરવતાં બેસી રહ્યા પરંતુ માળા ફેરવતી વખતે પણ મનમાં તો લીલાનું જ સ્મરણ રમતું હતું.
દિવસો પસાર થતા હતા. લીલા મન દઈને કામ કરતી હતી. બાલુભાઈને ઘરની ચિંતા જરા પણ રહી નહોતી. નિયમિત જમવાનું મળતું હતું. ઊંઘ પણ સરસ આવતી હતી. હવે સપનામાં લીલા આવે તો જાગી નહોતા જતા પરંતુ એ સપનાને માણતા હતા. શરીર હવે સારું થયું હતું. લીલા ઘરમાં કામ કરતી હોય ત્યારે એને ખ્યાલ ન આવે તેમ જોયા કરતા. કોઈવાર બંનેની નજર મળી જાય તો તરત નજર ફેરવી લેતા હતા. કોઈ કામસર લીલા પાસે આવતી કે પાસેથી પસાર થતી તો હૃદયના ધબકારા વધી જતા. લીલાને જોઈ બાલુભાઈને અપાર સુખનો અનુભવ થતો.
એવામાં એક દિવસ સાંજે કાન્તાની તબિયતે ઊથલો માર્યો. બાલુભાઈ ડૉક્ટરને બોલાવી લાવ્યા. ડૉક્ટરે કાન્તાને તપાસી અને બાલુભાઈ સામે જોઈને માથું હલાવ્યું. “નહીં બચે. થોડાક કલાકના મહેમાન છે.” બાલુભાઈ ડૉક્ટરને મૂકી આવ્યા. લીલા સતત સેવામાં હતી. બાલુભાઈએ કહ્યું, “રાત થવા આવી છે. તમારે જવું હોય તો જાવ. હું પાસે છું ને!” લીલાએ માથું હલાવી ના પાડી અને કાન્તાની સારવાર કરતી રહી. કાન્તાના ઊંહકારા વધતા જતા હતા. શરીર ખેંચાતું હતું. ક્યારેક ખાટલામાં ઊંચકાતી હતી. લીલા અને બાલુભાઈ એને દબાવી રાખતા હતા. મોડી રાત્રે કાન્તાએ દેહ મૂક્યો. બાલુભાઈએ પોક મૂકી. આસપાસના ઘરના સૌ દોડી આવ્યા. સવારે કાન્તાના દેહને અગ્નિદાહ દીધો. બાલુભાઈએ વિધિવત્ બધી મરણોત્તર ક્રિયાઓ કરી. સૌને જમાડ્યા. યથાશક્તિ દાન કર્યું. આ બધો વખત લીલાએ ઘરની જવાબદારી સંભાળી.
બધું પતી ગયું. પછી એક દિવસ બાલુભાઈ પથારીમાં આંખો બંધ કરીને સૂતા હતા. કાન્તા સાથે પસાર થયેલા દુઃસ્વપ્ન જેવા વર્ષો સાંભળીને અંદરને અંદર રડતા હતા. એવામાં નારણ આવી ચડ્યો.
“શું બાલુભાઈ આરામમાં?”
બાલુભાઈ જવાબ આપ્યા વિના પથારીમાં બેઠા થયા અને મુંડન કરાવેલા માથામાં હાથ ફેરવ્યો. નારણ જાતે ખુરશી લઈને બેઠો.
“બિચ્ચારા કાન્તાબેન! છૂટી ગયાં. તમેય છૂટ્યા ખરું કે નંઈ?” કહી ટેવવશ તાળી માટે એણે હાથ લંબાવ્યો. બાલુભાઈએ કંઈ પ્રતિભાવ ન આપ્યો એટલે ઘડીક શાંત બેઠો. પેલી શામળી નથી આવી?”
“કોણ શામળી?”
“અરે! લીલા...” નારણે આંખ મિચકારી બાલુબાઈનો ઢીંચણ દબાવ્યો.
“હમણાં જ કામ કરીને ગઈ.” બાલુભાઈએ ઠંડો જવાબ આપ્યો.
“ભાભી તો હવે રહ્યા નહીં. રહ્યા તમે એકલા ને તમે તમારા પૂરતું તો કામ કરી જ લ્યો છો પછી ખોટો પગાર શું કામ આપવો? હવે લીલાને છૂટી કરી દોને” નારણે ધીમે રહીને વાત મૂકી.
બાલુભાઈ મૂંઝાયા. તરત જવાબ સૂઝ્યો નહીં. લીલાને રજા આપવાની વાતથી જ થથરી ગયા. એ આવી ત્યારથી ઘર ભર્યુંભર્યું લાગતું હતું, જીવવાનું મન થતું હતું. હવે તો એની ટેવ પડી ગઈ છે. ઘરની એક એક વસ્તુ ઉપર એનો સ્પર્શ વરતાય છે. હવે લીલા કામ કરવા નહીં આવે તો ઘર સાવ સૂનું થઈ જશે. નારણ લીલાનું કામ બંધ કરાવવાની વાત એવી રીતે કરતો હતો જાણે એ એના કબજામાં હોય! બાલુભાઈને ગુસ્સો તો આવ્યો પણ શું કરે? સૂનમૂન થઈ ગયા.
“શું વિચારમાં પડી ગયા?”
“વિચારવાનું શું હોય? આમ તો તમારી વાત સાચી છે પણ હમણાં મારી તબિયત પણ નરમ-ગરમ રહે છે. હવે મારાથી પહેલાની જેમ કામ થતું નથી એટલે થાય છે કે ભલે ને આવતી, એને બિચારીને પણ કામની જરૂર તો છે જ ને! અને હજી તમારું દેવુ ય બાકી ઈ...” બાલુભાઈએ ઠાવકાઈથી, પોતાના મનમાં ભાવ પ્રગટ ન થઈ જાય એની કાળજી રાખી જવાબ વાળ્યો.
“મારા દેવાની તો ચિંતા જ ન કરતા. એ વસૂલ કરતાં મને આવડે છે. તમારી વાત કરો. તમે કહો છો તમારી તબિયત સારી નથી રહેતી પણ લોકો તો કહે છે કે તમે જુવાન જેવા લાગવા માંડ્યા છો.” નારણ જરા બાલુભાઈ તરફ ઝૂકીને બોલ્યો. “આ તબિયતના બહાને બીજું કશું તો નથી ને?”
“જુઓ મોં સંભાળીને બોલો. તમારી વાત કરવાની આ રીત મને ગમતી નથી.” બાલુભાઈ ગુસ્સો રોકી ન શક્યા.
“ભલે ભાઈ તમને ન ગમતું હોય તો નહીં બોલીએ. ટેકો તો એને મારે ત્યાં પણ મળી રહેશે. મારા પૈસા તો હું એને મારે ત્યાં કામ કરાવીને પણ વસૂલ કરી લઈશ. ઠીક છે એ તો હું જ એની સાથે વાત કરી લઈશ. મારું કહ્યું તો એને માનવું જ પડશે ને! ચાલો, તમે આરામ કરો. જયશ્રી કૃષ્ણ!”
નારણ ચાલ્યો ગયો. પણ બાલુભાઈના મનમાં ખળભળાટ મચી ગયો. એમને ચિંતા થવા લાગી. એ આ પારેવડીને ફસાવી દેશે તો? આખી રાત ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે લીલા આવી કે તરત બાબુભાઈએ નારાણના ઘર તરફ નજર કરી. એ નહોતો એટલે જાળવીને બારણું બંધ કરી ધીમા પગલે રસોડામાં ગયા. લીલા વાસણ ગોઠવતી હતી.
“એક વાત કરવી છે. નારણ આવ્યો તો ગઈકાલે. અહીંથી તમારું કામ છોડાવવાની વાત કરતો હતો. એ નકામો માણસ છે. જો જો એની વાતમાં આવતા.” બાલુભાઈ ધીમા અવાજે કહેતા હતા. લીલા સ્થિર થઈને સાંભળતી હતી. એણે માથું હલાવીને સંમતિ આપી એટલે બાલુભાઈને ધરપત થઈ. એ લીલાની થોડા વધુ પાસે ગયા. “તમને ટાઢ નથી વાતી? સવાર વહેલા આવો ત્યારે ગરમ પહેરતા હો તો જોકે મેં તમારા માટે બંધ ગળાનો કબજો મંગાવ્યો છે. આ તમારી છાતી ઉઘાડી દેખાય છે તે મને નથી ગમતું. બંધ ગળાનો કબજો પહેરશો તો છાતી પણ ઢંકાશે અને ટાઢ પણ નહીં વાય. આવતીકાલે જ કબજો આવી જશે.... તમે જરા વહેલા આવજો.” આટલું બોલતાં તો બાલુભાઈને પરસેવો વળી ગયો હતો. મનમાં બીક લાગતી હતી કે લીલા શું કરશે? પણ લીલા એમ જ ઊભી રહી એટલે બાલુભાઈને હિંમત આવી. એમણે ધીમેથી લીલાના ખભે હાથ મૂક્યો. ગાયના શરીર પર કોઈ પંખી આવીને બેસે અને એની ત્વચા જેમ કંપે એમ લીલા પગથી માથા સુધી કંપી ગઈ. એણે ઊંચે જોયું અને બંને હાથે પાછળનું પ્લેટફોર્મ પકડી લીધું.
“તારે કોઈવાતની ચિંતા નહી કરવાની. હું છું ને!” બાલુભાઈ ‘તમે’થી ‘તું’ પર આવી ગયા. લીલા ટગર ટગર જોતી હતી. જાણે આંખોથી સાંભળતી હતી. બાલુભાઈએ આજે સાવ પાસેથી લીલાનો ચહેરો જોયો. વિધાતાએ નિરાંતે ઘડ્યો છે. સહેજ અણિયાળું નાક, હરણી જેવી આંખો, સપ્રમાણ હોઠ... બાલુભાઈને થયું કે ચૂમી લઉં પણ હજી સાહસ થતું નહોતું. રખે ને એને ન ગમે ને ભાગી જાય તો? ના... ના એવું નહીં કરે. નહીંતર આમ સાવ અડોઅડ ઊભી રહે ખરી? એની આંખોમાં બાલુભાઈનું પ્રતિબિંબ દેખાય છે. એ પલકારો પણ મારતી નથી. બાલુભાઈનો હાથ લીલાના ખભેથી સરકીને છાતી પર જઈ અટક્યો. અતિશય રોમાંચ થયો. નાભિ નીચેનું શરીર સળવળી ઊઠ્યું. ના...ના... શરીર હજી મરી ગયું નથી. ઇચ્છાઓ હજી જીવે છે. બાલુભાઈને થયું કે આખ્ખા આયખાની અબળખા પૂરી કરી લઉં. એમણે છાતી પરથી હાથ લઈને એની કમર પર મૂક્યો. ત્યાં કંઈક વાસણ ખડિંગ દઈને પડ્યું... બાલુભાઈ ચમક્યા... સફાળા દોડતા રસોડાની બહાર નીકળી ગયા. પલંગમાં જઈ હાથમાં છાપું લઈ વાંચવાનો ડોળ કરતા બેઠા. જોયું તો આગળનું બારણું તો બંધ જ હતું. પાછળનું બારણું ખુલ્લું હતું. કોઈ જોઈ ગયું હશે તો? નારણ હશે? એ હશે તો આખા ગામમાં ધજાગરો બાંધશે. બાલુભાઈના મનમાં આ બધા તર્ક-વિતર્ક ચાલતા હતા ત્યાં દૂધવાળું મોઢું લઈ બિલાડી બારણામાં આવીને ઊભી રહી. બાલુભાઈને થયું ધત્ તેરેકી! અમસ્તો ડરી ગયો. બિલાડી રસોડામાં પાછી ગઈ તો લીલાએ એને કચકચાવીને લાત મારી. બિલાડી મિયાઉં... મિયાઉં... કરતી નાસી ગઈ. બાલુભાઈને રસોડામાંથી હળવું ડૂસકું સંભળાયું. કદાચ એ રડતી હતી. બાલુભાઈને થયું કે જઈને એના આંસુ લૂછે, એને ગળે લગાડી પીઠ પર હાથ પસવારે. પણ એ જઈ ન શક્યા. એમને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. ક્યારે જશે આ બીક? જીવતર જરાય માણ્યું નહીં. આખો અવતાર એળે ગયો. આજે સુખ હાથવગું હતું તોય માણી શક્યા નહીં. લીલા શું ધારશે? બાલુભાઈના મનમાં આ ઘમાસાણ ચાલતું હતું અને રસોડામાંથી વાસણોનો ખખડાટ જોશથી સંભળાતો હતો. થોડીવાર પછી લીલા પાલવથી હાથ લૂછતી, પગ પછાડતી ચાલી ગઈ. બાલુભાઈ સામે જોયું પણ નહીં. જતી વખતે બારણું જોરથી બંધ કર્યું એ જાણે બાલુભાઈને માથામાં વાગ્યું.
બાલુભાઈ ક્યાંય સુધી આંખો બંધ કરીને પડ્યા રહ્યા. જમ્યા પણ નહીં. ત્યાં યાદ આવ્યું કે નટુભાઈ હરિદ્વારથી આવી ગયા હશે એટલે એમને ત્યાં જઈને કબજો લઈ આવ્યા. કબજાને ઓશીકા નીચે મૂકીને સૂઈ ગયા. બાલુભાઈને લાગ્યા કર્યું હતું કે જાણે લીલાની છાતી પર માથું નાખીને સૂતા ન હોય!
આજે વહેલી સવારના નિત્યક્રમથી પરવારીને લીલાની રાહ જોતા હતા. ક્યારે લીલા આવે ને ક્યારે કબજો આપું! પણ આજે હજી સુધી આવી નહોતી. એટલે બાલુભાઈનું મન ચિંતામાં ડૂબેલું હતું. બાલુભાઈએ નજર નાખી તો નારણ હજી ત્યાં જ બેઠો હતો. એમને થયું કે લીલા હવે આવશે જ નહીં. ગઈકાલની ઘટનાથી નારાજ થઈ હશે. કદાચ એને મારી કાયરતા ગમી નહીં હોય. કદાચ ડરી ગઈ હોય. નારણે ભરમાવી હોય એમ પણ બને. નારણ ક્યારનો બહાર બેઠો છે. કોઈ દિવસ આટલું બેસતો નથી. કદાચ એ પણ વાટ જોઈને જ બેઠો હશે. એ ગામનો ઉતાર કંઈ પણ કરે એવો છે. આમ વિચાર ચાલતા હતા ત્યાં જ બાલુભાઈએ લીલાને આવતી જોઈ. બાલુભાઈને હાશ થઈ. જરા ટટ્ટાર થઈને બેઠા. પણ એમણે જોયું કે લીલાને આવતી જોઈને નારણ પણ ઊભો થઈ ગયો છે. બાલુભાઈના પેટમાં ફાળ પડી. નક્કી આ હરામીએ જ કંઈક કર્યું લાગે છે. હવે શું થશે?
લીલા હંમેશની જેમ ધીમે ધીમે ચાલતી આવતી હતી. નારણના ઘર આગળ આવી ત્યાં નારણે ઇશારો કર્યો. લીલા અટકી. એક નજર બાલુભાઈના ઘર સામે નાખી પછી નારણના ઘર તરફ વળી અને એના ઘરમાં ચાલી ગઈ. એની પાછળ નારણ પણ ઘરમાં ગયો અને બારણાં બંધ કરી દીધા.
બાલુભાઈ કાપો તો લોહી ન નીકળે એવા થઈ ગયા. ઓશીકા નીચે ગડી વાળીને રાખેલા કબજાને મુઠ્ઠીમાં પકડી રાખ્યો હતો તે મુઠ્ઠી છૂટી ગઈ. નિરાશ થઈને રડી પડ્યા.
એવામાં જોશથી સટાકો સંભળાયો. ધડામ્ દઈને નારણના ઘરનું બારણું ખૂલ્યું. બાલુભાઈ સફાળા ઊભા થઈ ગયા. જુએ છે તો લીલા સડસડાટ આવી રહી છે. હાંફળી હાંફળી આવીને બાલુભાઈ પાસે ઊભી રહી ગઈ. બહાર નારણ બરાડતો હતો – “જોઈ લઈશ... આ લાફો તને બહુ જ મોંઘો પડશે... તારા વરને રૂપિયા ધીર્યા છે એ વસૂલ કરતા મને આવડે છે... હા…”
બાલુભાઈએ બારણું બંધ કરી દીધું. લીલા બીકની મારી ધ્રુજતી હતી. એની છાતી પર નખના ઉઝરડા હતા. બાલુભાઈએ ઓશિકા નીચેથી કબજો કાઢ્યો અને એની છાતી પર ઢાંકી દીધો. લીલા બાલુભાઈને વળગી પડી. બાલુભાઈએ એને બંને હાથથી ભીંસી દીધી.
સ્રોત
- પુસ્તક : બારી (પૃષ્ઠ ક્રમાંક 108)
- સર્જક : દિપક રાવલ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2016
