Bakvas - Short Stories | RekhtaGujarati

‘મોટાભાઈ, ગોળ ગોળ ફેરવોને!’ તે આવીને કહે છે. વાર્તાલાપમાં ભંગ પડાવવા બદલ તેની સામે તે ડોળા કાઢી જુએ છે. તે ચૂપ જાય છે. જૂનાપુરાણા ઘરમાં બધા મહેમાનો એકઠા થઈ બેઠા છે. રમણ સિગારેટ ઉપર સિગારેટ લગાવી રૂમમાં ધુમાડો કર્યે જ જાય છે. હવે તો બીક લાગે છે. આવા ને આવા જે રોજ ઘરમાં આવતા રહે તો તેનું આ વાચનરૂમ રસોડા જેવું જ થઈ જાય ને! અને આમ પણ વ્હાઈટ વૉશ કરાવ્યાને કોણ જાણે કેટલાં વરસ થઈ ગયાં હશે! હા, કદાચ મોટીબેનનાં લગ્ન વખતે આ ભીંતોએ કળીચૂનો ભાળ્યો હશે. મકાનમાલિક તે શાનો ધ્યાન આપે જ! ત્યારની કોણ જાણે કેવાંય સ્વપ્નો આ ભીંતો જુએ છે. રોજ તેમની ચૂનાની સપાટી ઉપરની ડિઝાઈનમાં અવનવા ફેરફારો થાય છે. એ સ્વપ્નો નહિ તો બીજું શું? કે પછી ભીંતોય વાર્તાલાપ કરતી હશે એકબીજા સાથે? અને આ બધા ફેરફારો શું તેમના શબ્દો છે? જુઓને, હાલ તો કોઈ જુએ તો પણ શું ધારે? શું આ ઘરના લોકો એટલા બધા કંગાલ થઈ ગયા છે કે... પણ આ મહેમાનો કંઈ આ બધું જોતા હોય એમ લાગતું નથી; હાશ, તેમની કેટલી મોટાઈ! કેટલી બધી ઉદારતા! મિત્રની લાગણી ન દુભાવવાનું કેટલું બધું ભાન! એમ તો તે બધા જિગરજાન મિત્રો ખરા ને! નહિ તો આ ભીંતોનાં સ્વપ્નો, આ ભીંતોનો વાર્તાલાપ આખુંયે જગત જાણે. પણ આ બધા સદ્ગૃહસ્થોને કંઈ તેની પડી હોય એમ પણ લાગતું નથી. તે તેની નોંધ શાના લે? તે તો સૌ તેમના નાના નાના મગજમાં તેમનું પોતાનું બજાર સાથે લેતા આવ્યા છે. તેમને તેની જરાય પડી હોય એમ લાગતું નથી. શું આ મોટાઈ હશે? કે પછી બીજું કંઈ? તેમને તો અત્યારે-હા, અત્યારે શું ચાલે છે? તે સાંભળે છે. હા, ગુગલી બોલ અને ચોગ્ગા અને છગ્ગા મારવાની મઝા! તેય કેવો માણસ છે! ઘડીકમાં રસોડામાં ને ઘડીકમાં ભીંતો ઉપર, ઘડીકમાં ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર! પણ ના, તે તો વિચારતો હતો પોતાના આ વાચનરૂમની દીવાલો વિષે. તેને તેમને શું કહેવું છે? શું કરવા તે તેમને તેડી લાવ્યો છે? ઓહ! તેય કેવો મૂર્ખ છે? યાદશક્તિનું કેવું દેવાળું કાઢ્યું છે! એવું તે વળી પૂછાય? તેને તમને શું કહેવું છે? હા, ઠીક યાદ આવ્યું. એમ ન ધારતા તમને તે પોતાના વિષે કંઈક કહેવા માગે છે. ના સાહેબ, તે તો તરંગ કરતો હતો. જે આવા ને આવા રોજ રોજ આ રૂમમાં આવી ભરાય તો તો આ રૂમ રસોડા જેવી કાળી મેંશ થઈ જાય થોડાક જ સમયમાં. તેને રમણની સિગારેટ સામે જરાય વાંધો નથી. એમ તો તે પોતે ક્યાં નથી પીતો બીડીઓ? પણ તે જરા જરા વારમાં ખૂં-ખૂં કરી, ગળફો મોંમાં લઈ, મલમલાવતો મલમલાવતો જે રીતે બિલ્લીપગે ચોકડીમાં થૂંકવા જાય છે તે તેને સહેજ પસંદ નથી. તેને તેની સામે બીજો કોઈ વાંધો નથી. રમણ તેનો મિત્ર છે. તે રમણનો મિત્ર છે. તેને ઘણાબધા મિત્રો છે - બધા સારા અને મળતાવડા. તે સારા અને મળતાવડા મિત્રો જ રાખે છે. એ જ તેનો કાયમનો દાવો છે. તે સારા, મળતાવડા, સાચા અને દિલોજાન મિત્રો જ રાખે છે. અહીં બેઠેલા આ બધા એકબીજાના જૂના મિત્રો જ છે - હા, લંગોટિયા મિત્રો. એટલે જ તો બળજબરીથી તેમને સૌને વહાલપૂર્વક આજે અહીં તેડી લાવ્યો છે! નહિ તો અત્યારે તે બધા અહીં શાના હોય? તે તો સૌ ફરવા જતા હતા. તે જ તેમને આગ્રહપૂર્વક અહીં ઘસડી લાવ્યો છે. હા, તો તેને શું કહેવું હતું?

તે બધા લંગોટિયા મિત્રો સાથે ક્રિકેટ રમેલા. અને એટલે જ તો અત્યારે બધા સાથે ક્રિકેટ રમતા ત્યારે કેવી મઝા પડતી તેની વાતો કરી રહ્યા છે ને! તેનો તેની સામે જરાય વાંધો કેમ હોઈ શકે? આ તો જરા રાત્રે પાણી પીવા કે પેશાબ-પાણી કરવા ઊઠીએ ત્યારે ઉઘાડા પગ નીચે વંદો કચરાયા જેવું - ખાસ તો ચીકણું - તેને તેની ચોકડી કાયમ ચોખ્ખી ચટાક જ રાખવી ગમે છે. કાયમ એ જ રૂમ તેનું શયનગૃહ અને એ જ રૂમ તેની બાથરૂમ પણ હોય છે. બાકી તેને રમણના થૂંકવા સામે ખાસ, કંઈ વાંધો નથી. શું કરે કોઈ? થૂંકવાનું થાય ત્યારે થૂંકે તો ખરો જ ને ઘરમાં બોલાવ્યો છે એટલે? તમે એમ ન ધારતા તેને રમણ ઉપર ખીજ ચડે છે થૂંકવા માટે. તમે એમ પણ ન ધારતા તે રમણનું કંઈ ભૂંડું ઈચ્છે છે. ના, એમ તો તે ખૂબ પ્રેમાળ અને મળતાવડો માણસ છે. ઘરમાં સૌ આવ્યા કે તરત જ “કેમ ભાઈ, હવે કેમ રહે છે તબિયત?” એ જ તેનો પ્રથમ સવાલ હતો. હાથ મિલાવવાનાં ચેડાં કરવાં, ખોટું ખોટું મલકાવું, “હલ્લો!” વગેરેમાં તે માનતો નથી. તન અને મનની સ્વસ્થતાને જ તે સૌ પ્રથમ સ્થાન આપવામાં માને છે. ખરું પૂછો તો તે માનવપ્રેમમાં માનનારો એક ભલો ગભરુ માણસ છે. માણસ એકબીજાનાં સુખદુઃખમાં કામ આપી મદદરૂપ ન થાય તો માણસ શેનો? વળી જેની આગળ હૈયું ઠાલવી ન શકાય તે મિત્ર શેનો? અને વળી આ તો બધા દિલોજાન દોસ્તો છે - લંગોટિયા મિત્રો! રમણ જેવાને તો પાડોશીય કહી શકાય. સાથે ક્રિકેટ પણ રમેલા, ભણેલા, ગણેલા, લડેલા - ના, તે બહુ લડ્યા નથી. લડ્યા હોત તો તો અત્યારે - આ બધું તો એટલા માટે કહેવાય છે કે તમે કદાચ તમારા મનમાં એમ માની બેસો કે આ એક સ્વાર્થી અને કપટી માણસ છે, મિત્રો મળવા આવે તોય વાર્તાલાપમાં ભાગ ન લે તેવો મીંઢો છે. પણ ના, એવું નથી. તેને સુરેશ સામેય તેવો કંઈ વાંધો નથી. આ તો રમણ વગર બોલાવ્યો ઘૂસી આવ્યો તેનું જરા - પણ એ પણ જરાક જ હોં, સહેજ ચૂંટલી ભર્યા જેવું દુઃખ થયું એટલું જ. બાકી તેને બીજો કંઈ વાંધો નથી.

પણ આ લોકો કંઈ અગત્યની કે રસિક વાત કરતા હોય એમ લાગતું નથી. ક્રિકેટ એટલે તો કેટલો મઝાનો વિષય! ક્રિકેટની કોમેન્ટ્રી, ક્રિકેટનાં સંસ્મરણોને તમે શું સમજો છો? સાહેબ, ખરું પૂછો તો હજીય કેટલીકવાર ઊંઘમાં તે ચોગ્ગા અને છગ્ગા જ લગાવતો હોય છે. પણ આ લોકો એવી કોઈ મઝાની વાત મૂકી આડાઅવળા ચાલ્યા જાય છે. જુઓને, અત્યારે સુરેશને કયા દાંતના ડૉક્ટરને ત્યાં જવું તેની સલાહ અપાય છે. જગતમાં હશે કોઈ બીજો આથી વધારે નીરસ વિષય વાર્તાલાપ માટે? અને તે પણ ખાસ આગ્રહ કરી કોઈ કોઈને ઘેર તેડી લાવે ત્યારે! તેને તેમાં કંઈ જ રસ નથી. છતાં તે હજી પણ ચોગ્ગા અને છગ્ગાની જ મઝા આમાં પણ માણે છે. તેનો તેમના આનંદ સામે વાંધો નથી. પણ ક્રિકેટ વિષે વાત કરવામાં તેમના બાપનું શું લૂંટાઈ જતું હશે?

એનો અર્થ એ નથી કે તેને ક્રિકેટ વિષે જ વાત કરવાની ચળ ઊપડી છે. એનો અર્થ એ પણ નથી કે તેમને ક્રિકેટ વિષે જ વાત કરવા તેડી લાવ્યો છે. ના, એવું કંઈ જ નથી, મારા સાહેબ. પણ આ તો કંઈક ઉપયોગી વાત, કંઈક આનંદની વાત - તે મૂગો મૂગો, બગાસાં ખાતો, વાતો કરતા મિત્રો વચ્ચે, એકલો બેઠો છે. બાજુના રૂમમાં ધમકાવી કાઢેલી છોકરી રડે છે તેનો અવાજ આવે છે. બધા વચ્ચે તે ગુપચુપ બેધ્યાનપણે બેઠો છે. જાણે મૂક સંમતિ આપતો વાર્તાલાપ સાંભળી રહ્યો છે. તેનું માથું દુખવાની શરૂઆત થઈ હોય એવાં બાહ્ય ચિહ્નો વર્તાય છે; કારણ તેનું મન ભારે લાગે છે. છોકરીના અવાજથી તે એકલો જ ત્રાસતો લાગે છે. પહેલાં ક્રિકેટ રમતા ત્યારે બધા તેને ઘનશ્યામદાસ ઘો કહીને બોલાવતા, હજી પણ ‘મિસ્ટર ઘો’ કહીને કેટલાક તેને મજાકમાં બિરદાવે છે ખરા - પણ તે માનાર્થે હોં, જોજો ‘ઘો’ શબ્દનો અનર્થ ન કરતા. જોજો રખે એમ માનતા –તેઓ તેને હસે છે. ના સાહેબ, તે સાવ ખોટું છે, કોઈ કહે તોપણ ન માનતા. પેલો તેની પોળનો જ રમણ કહે, તો તો હરગીજ ન માનતા. રમણને જરા ટેવ છે તેની વિરુદ્ધમાં બોલવાની – પોળનો ખરોને એટલે. છતાં અત્યારે ઘનશ્યામદાસને કોઈ ખાટલાની કોરે, ઘૂંટણ ઉપર વધેલી દાઢી ટેકવી, પગ આસપાસ હાથ ભીડાવી સૂનમૂન બેઠેલો ફક્ત એક જ ક્ષણ માટે જુએ તોપણ તેને તરત ‘મિસ્ટર ઘો’ નામની યથાર્થતા સમજાઈ જાય. જાણે તપ કરતો મુનિ, હવે હાલશે કે ચાલશે ય નહિ એમ તે આંખો ઢાળી ભોંય ઉપર તાકતો બેઠો છે. જરા મોં દયામણું ખરું. છતાં તેની મોટી આંખો કોઈક વાર ખૂબ ખૂબ ભારે ભારે રૂમમાં ફરે છે અને તે બધા તરફ જુએ છે, છતાં કોઈની તરફ નથી જોતો તેની જાણકારને જાણ થઈ જાય. ફરી ફરીને તેની આંખો સુરેશ ઉપર જઈને અટકી જાય છે. જાણે ફરી તે ‘ફિલ્ડ’ ઉપર ‘સ્ટોપ’ રમે છે.

સુરેશ તો બીજાઓની પીઠે ધબ્બા મારતો, વાત વાતમાં તાળી લેતો, વાતોનાં વડાંમાં એકતાન છે. કોઈકવાર તે પણ મિસ્ટર ઘોની સામે જુએ છે. જાણે વાતોની રસલહાણમાં તેને પણ નિમંત્રણ આપે છે. હસે છે. પણ તે તો તે આમંત્રણને પણ ‘સ્ટોપ’ જ જવાબ આપી દે છે.

કેટલા સડેલા દાંત! કેવા કેવા ફેરફારો થઈ જતા હોય છે માણસોમાં! ક્યાં પેલો સુરેશ કેપ્ટન અને ક્યાં આ ગંધ મારતું મોં! મિસ્ટર ઘો ‘સ્ટોપ’ કરે જ ને પછી! એમાં એનો પણ શો વાંક? તે તો કાયમ સ્ટોપમાં જ માનનારો ખેલાડી હતો. ‘સ્ટોપ’ એ જ તેનો મુખ્ય ગુણ હતો. ભલેને બૉલર બૉલ પછાડ્યા જ કરે - લેગબ્રેક, ઓફબ્રેક કે થ્રો બૉલ - પણ ગમે તે કેમ ન હોય, ઘનશ્યામ તો બસ લહેરથી દરેકે દરેક બૉલ ‘સ્ટોપ’ જ કરવામાં માનતો. જેવો આવ્યો કે જમણો પગ આગળ લઈ, સ્વસ્થ રીતે બૅટ જ આડો ધરી દેવાનો ઠંડા કાળજે - ‘સ્ટોપ’! ‘બાય રન’ મળે તેટલા લેવાતા. કદાચ ભૂલેચૂકે કટ વાગે ત્યારે વહેલામાં વહેલી તકે સામે દોડી જવાનું. બાકી તો બસ ‘સ્ટોપ’ ‘સ્ટોપ’ ‘સ્ટોપ’. સમય જાય તેમ સામી ટીમના ખેલાડીઓ ઉકળવા માંડે. આંખે આંખે મૂક ક્રુદ્ધ સંદેશા મોકલાય: ‘મારો સાલાને, મોકલી આપો ઘાયલ કરી પાછો ટેન્ટમાં’ વગેરેની ગુપચુપ ઇશારાબાજી થાય. બૉલરો એક પછી એક બદલાય. ફિલ્ડિંગ દરેક બૉલે ચેન્જ થાય. ઓવરે ઓવરે બૉલર વધારે ને વધારે ઊંચો જંપ લઈ લઈ ધમપછાડા કરે. ઘનશ્યામ બૉલ ચૂકે કે પાછળનો વિકેટ-કીપર ક્રમશઃ ઊંચે જતા સાદે દાઝમાં ‘હાવ્ઝ ધેટ!’ બરાડે, અને તેમનો જ મળતાવડો કોઈ અમ્પાયર બપોરના બળતા તાપમાંય ઠંડા કાળજે ડાબી કે જમણી બાજુ મિલિટરી અદાથી જોઈ લઈ નોટ-આઉટ જાહેર કરે, અને વળી પાછી બમણી દાઝમાં રમત શરૂ થાય. વળી પાછું રમતનું મેદાન સમરાંગણનું આછેરું રૂપ લે. ફરી એનું એ જ ‘સ્ટોપ’ ‘હાવ્ઝ ધેટ!’ ‘રન અપ યૂ ફૂલ!’ સ્ટોપ! સ્ટોપ! સ્ટોપ! અજાયબી લાગે છે મિસ્ટર ઘોની રમતની તમને?

ખરેખર તેને ખૂબ મઝા આવતી. ક્રિકેટમાં તે એક ખરેખર સારો ખેલાડી હતો. તમે કદાચ માનશો નહિ, પણ અત્યારે આ બધા અહીં બેઠા છે એમને પૂછો. કટોકટીના સંજોગોમાં ‘સ્ટેડી’ રમત રમી કેપ્ટન સુરેશને ‘સાઉન્ડ સ્ટેન્ડ’ આપવામાં - ટાઈમ વેસ્ટ કરવામાં તેના જેવો ઉસ્તાદ આખી ટીમમાં બીજો કોઈ ન હતો એટલે તો તે કેટલીકવાર ‘ઓપનિંગ’માં જતો અને છેક રમતના અંત સુધી અણનમ રહેતો. હા, સ્કોર જૂજ થાય એમ બને. પણ ‘ગેઈમ’ બને નમૂનેદાર. એવો તે ખેલાડી હતો. તમે કદાચ માનશો નહિ, પણ જો તમને તે જૂઠું કહેતો હોય એવો શક હોય તો પૂછી જુઓ આ મિત્રોમાંના કોઈને પણ. ના, રમણને ન પૂછતા. તે તેને કદી સમજી નથી શક્યો. તે સાચો જવાબ નહિ આપે. તેમનો વાઇસ કેપ્ટન દાણી અત્યારે અહીં હાજર નથી. પણ પૂછી જુઓ કેપ્ટન સુરેશને. કદાચ એટલા બધા ઉત્સાહથી વાત નહિ કરે. પણ એ તો કદાચ એના દાઢના દુઃખાવાને લીધે. પણ વખાણ તો તેનાં કરવાનો જ. હજી અત્યારે પણ ખાલી મફતમાં તેને જૂઠું શું કરવા બોલવું પડે? હા, તેણે કહ્યું તેમ કદાચ તારીફના પુલ નહિ બાંધે. પણ તે તો તેણે કહ્યું ને એમ. તમે તો જાણો છો ભલા માણસ, માણસજાતને કેટલી વીતતી હોય છે દાઢ દુખતી હોય ત્યારે. પણ તોય તેની પ્રશંસા તો કરવાનો જ. કારણ, તેનો પણ જમાનો હતો દોસ્ત. આપણો પણ જમાનો હતો દોસ્ત! તેનાથી મોટેથી બોલાઈ જાય છે. તે સુરેશ તરફ જોઈ રહ્યો છે. ઓરડામાં ચાલતો વાર્તાલાપ એકાએક આ અણધાર્યા અવાજે થંભી જાય છે! જાણે ઘનશ્યામે ફરી ‘સ્ટોપ’નું બૅટ ધરવાને બદલે છગ્ગો લગાવ્યો. ઓરડામાં શાંતિ છવાય છે. ફક્ત ફરી બારણામાં આવેલી છોકરી ફ્રોકની બાંય વડે નાક લૂછતાં સડાકો બોલાવે છે. ઘનશ્યામ ભાનમાં આવે છે.

તેને ખરેખર રૂમની દીવાલો કાળી થતી ભાસે છે. તેનું માથું પણ ચઢ્યું જ છે તો! ‘શું કહ્યું?’ અવાજ આવે છે. સૌ એકબીજા સામે વ્યંગમાં જુએ છે. ‘ઓહ, એ તો...’ પંડ્યા વાત વાળી લેવા કહે છે. કોઈક હસે છે. એ તો એમ જ ખાલી મજાકમાં. તે સુરેશ સામે જુએ છે. તમે સામે હોવ તો કદાચ તમને મોં દયામણું લાગે ખરું. પણ એ તો તેનું મોં જ એવું છે. સુરેશ હસે છે. પણ તે તો સહાનુભૂતિસૂચક હાસ્ય છે. તેને તેની સામે કેમ વાંધો હોય? આમાંના કોઈને તેની સામે પણ વાંધો નથી. તમે જોઈ શકો છો. તેઓ સૌ હસે છે. કંઈપણ સમજ ન પડતાં તે પણ હાસ્યમાં ભળે છે. તેઓ બધા મિત્રો આજે રવિવારે અહીં તેના ઓરડામાં જૂના ક્રિકેટના સમયની માફક એકત્ર થયા છે. અત્યારે તેઓ ક્રિકેટ નથી રમતા. અત્યારે તેઓ બીજી કોઈ પ્રવૃત્તિ પણ નથી કરતા. ફક્ત અઠવાડિયાના કામથી થાક્યાપાક્યા જીવ માનસિક બોજો હળવો કરી સ્વસ્થ થવા વાતોના ગપાટા હાંકે છે અને ખૂબ આનંદ માણે છે. હા, છગ્ગા અને બાઉન્ડરીનો આનંદ. તે કંઈ વાત નથી કરતો તેથી તેને તેમાં બિલકુલ રસ નથી એમ રખે માનતા. તેને તેમની સાથે વાતો કરવી હતી એટલે તો તે તેમને અહીં આમંત્રી લાવ્યો છે. હા, તેઓ વાર્તાલાપ જ કરે છે અત્યારે, અને મોજમાં સમય પસાર કરે છે. કારણ, તેઓ ગઈ ગુજરી વાતોમાં પડ્યા છે, એમ તેને લાગે છે. ખૂબ ખૂબ મોજમાં દૂરના કોઈ પરદેશી ઠંડા મુલકમાં વરસો પછી મળેલા જૂના જિગરજાન મિત્રો કોઈ શાંત મઝાની જગાએ બેસી, હૈયેહૈયું ખોલી, એકબીજાનાં સુખદુઃખનો ભાર હળવો કરતા વાર્તાલાપમાં પડ્યા હોય એમ તેને લાગે છે.

તેઓ એમ તો એકબીજાને લગભગ રોજ નહિ તોય દર અઠવાડિયે તો જરૂર મળે છે. કેટલાક રમણ જેવા તો પોળમાં જ રહેનારા એટલે લગભગ સાખપાડોશી જેવા. એટલે કદાચ તેના ‘વરસો પછી મળેલા’ ‘પરદેશી મુલક’ વગેરે શબ્દોથી કોઈને અજાયબી લાગે. પણ તે તો તેની મોજની નિશાની છે. વાર્તાલાપમાંના ખરા રસની દ્યોતક. તેનો શબ્દાર્થ તમે ‘પ્લીઝ’ ન લેતા, પણ વ્યંગ્યાર્થ, વ્યંજના કે એવું એવું કંઈ - હાઈસ્કૂલમાં પેલા માસ્તર ભણાવતા ને વાતો કરતા એવું એવું જો યાદ હોય તો. સમજુ માણસોને તો ઇશારો જ પૂરતો હોય.

‘શું કહ્યું?’ હા, હવે વાતનો વિષય બદલાયો છે. હવે રમણ કાલે જોયેલી ફિલ્મની સંવાદકથા ભજવી બતાવે છે એટલું જ. પણ તેને થાય છે ‘એમાં શું?’ એ સિવાય એ લોકો બીજું શું કરી શકવાના હતા? શું કરી શકે કોઈ પણ કોઈ માટે? તે ઘડિયાળ સામે જુએ છે. તેને લાગે છે તેઓ ટાઈમ બરાબર પસાર કરી રહ્યા છે. ‘કેમ તમારે ક્યાંક જવું છે?’ પંડ્યા પૂછે છે. ‘ના.’ તે કહે છે, અને બગાસું રોકતો અંદરના બારણા તરફ જાય છે. હવે તો બેબીની બા ચા લાવે તો સારું. તે તેમને ચાનું જ નામ આપી નથી તેડી લાવ્યો શું?

અભિનેત્રીનાં અંગાંગનું રસિક વર્ણન ચાલે છે. તેને તેની સામે જરાય વાંધો નથી. વાતોનો તો તેનેય ખૂબ શોખ છે. રસિક વાતોનો તો ખાસ. ફક્ત આ રમણ આ જોર જોરથી ઘાંટા ન પાડતો હોય તો ન ચાલે શું? બધાને ખબર છે તેને શું કહેવું છે તેની. આ ત્રીજી વારનો એનો એ જ રમૂજી પ્રસંગ તે કહી સંભળાવે છે. તે એક થિયેટરમાં નીચલા વર્ગમાં બનેલો પ્રસંગ છે. રમણે કેવી રીતે પડદા ઉપર સિગારેટના ખોખાની અંદરથી નીકળતા ચાંદી જેવા કાગળનો બનાવેલો ‘બલ્બ’ પડદા ઉપર ચોંટાડી દીધેલો તેની આ વાત છે. હિરોઇનની આંખ ઉપર જ જઈને ચોંટી ગયેલો. જરાય સંકોચ વિના તે એની એ ‘નજરના તીર’ની વાત આ કંઈ હજારમી વાર કરે છે. તમે એમ ન ધારતા, રમણ તેને જરાય નથી ગમતો. ના. પણ આવાં નખરાં અને ઘાંટા અને આવા આવા ‘લાઉડ’ ચાળા ફિલ્મ-અભિનેતાઓના તેને-તેનો તે સામે જરાય વાંધો નથી. વાતો કરવી તો તેને પણ ગમે છે. ખૂબ ગમે છે. એટલે તો આજે તેમને અહીં તેડી લાવ્યો છે. તે તો બધા કાંકરિયે ફરવા જતા હતા. પણ બાજુના ઓરડામાં જ દાદા સૂતા છે. તે જાગી જાય, તેમની ઊંઘમાં ખલેલ પડે એ કેવું? પારકાના ઘરમાં જરા સભ્ય રીતે વર્તીએ તો કેવું? તમે એમ ન માની લેતા કે તેનો રમણના તેના રૂમમાં આવવા સામે જ વાંધો છે. ના, ના, એમ તો રમણ સાવ નાલાયક માણસ નથી. તેને ય સમય કેમ કાઢવો તેની સૂઝ પડતી નથી. આડા દિવસે તો ઓફિસમાંય આમ જ બને છે. બંને ટાઈપિંગનું કામ કરે છે. પણ ઘનશ્યામને તો તે ‘કામ’ કરતો હોય એમ જરાયે લાગતું નથી. સમય પસાર કરે છે એમ જ લાગે છે. ‘ટાઈમ કીલિંગ’ જેવું. અને ‘સમય પસાર કરું છું’ એવા ભાન સાથે સમય પસાર કરવો એના જેવી કંટાળાજનક બીજી કઈ સજા હોઈ શકે એ કહેશો ભલા? એટલે પછી સાંજ કે સવાર હોય તો પોળના ઓટલે ગામગપાટા હાંકવામાં જોડાઈ જાય છે. શહેર સુધરાઈ કે ચૂંટણી, પંચવર્ષીય યોજના કે જગતશાંતિ, જેના વિષે વાર્તાલાપ ચાલતો હોય તેમાં ભાગ લઈ લે છે. રાત હોય તો છેલ્લો શો તો છે જ! તે વિના સમય કેવી રીતે વીતાવવો? કંઈક તો મઝા જોઈએ જીવનમાં? એટલે જ તે કહે છે: ‘વાર્તાલાપ એ જીવનમાં સભ્ય, ઉપયોગી અને આનંદમય રીતે સમય વ્યતીત કરવાની સારામાં સારી કલા છે.’ શું કહ્યું?

‘મોટાભાઈ, ગોળ ગોળ ફેરવોને!’

‘જા અત્યારે આઘી અહીંથી, અત્યારે નહિ. આ શું આખો દિવસ લોહી પી જાય છે!’ અને બેબી ચૂપ થઈ છોભીલી પડી જઈ, નીચું મોં ઘાલી અંદરના ઓરડામાં ચાલતી પકડે છે. ‘બાળકોય સાલાં કેટલીકવાર ‘ન્યુસન્સ’ થઈ પડે છે,’ પંડ્યા કહે છે. ‘ખરેખર.’ તે ટાપસી પુરાવે છે. પણ પછી બેબીનું ગંદું નાક યાદ આવતાં થાય છે: ‘તારી બેબી હવે કેટલી ચોખ્ખી રાખે છે તે આખું ગામ જાણે છે. ઘરનો ઉકળાટ અહીં આવી ઠાલવતાં લાજ નહિ આવતી હોય એ નફ્ફટને!’

વાર્તાલાપ હવે શાક માર્કેટમાં વાઘરણો કેવા કેવા પ્રકારની ગાળો કાઢે છે તે તરફ વહે છે. એમ ન માનતા તે વાર્તાલાપમાં ભાગ નથી લેતો. તેણે તો કહ્યું જ છે. તેને વાર્તાલાપ ખૂબ ગમે છે. વાર્તાલાપ વિના જીવવું મુશ્કેલ છે. આ જમાનામાં વાર્તાલાપ સિવાય યુવાન માણસોનો સમય કેમ પસાર થઈ શકે? અને તે પણ વળી આવા તાપમાં અને રવિવારના દિવસે! ભાદરવાના તાપમાં તેનું માથું તો કાયમ ચઢેલું જ રહે છે. નહિ તો આજે કાંકરિયે જરૂર ગયા હોત. બધા જ તૈયાર હતા. પણ તેણે જ કહ્યું, તેનું માથું દુખે છે. તેને ઘેર જવા દો. તેણે તો ખૂબ કહ્યું તેમને સૌને જવાનું, પણ તે લોકો માન્યા નહિ. એમ ન માનતા કે પૈસાના અભાવે તે પાછો આવ્યો: ના, એમ તો મિત્રો ય પૈસા તો ઉછીના આપે. સુખ-દુઃખમાં કામ આવે એટલા માટે તો પ્રભુએ મિત્રો આપ્યા હોય છે. મિત્રો તેને ઘણા છે. ખાલી જૂઠું શું કરવા બોલવું પડે? કોઈ પણ પૈસા તો આપે – રસ્તે ચાલ્યો જતો પણ. મિત્રો તો તેને ઘણા છે. અને બધા જ મળતાવડા. પણ આ તો તેનું માથું જ પાકી જાય છે. તેનાથી નથી સહેવાતું. એકનું એક ટક-ટક-ટક ઘડિયાળની માફક – કે ટાઈપરાઈટરની માફક! શી મઝા આવે છે આ લોકોને વાઘરીઓની વાતોમાં? હવે ખ્યાલ આવે છે પેલા ખેલાડીઓને શું થતું હશે તેની ‘સ્ટોપ-ગેઈમ’થી! રમત કેવી ‘ટીડીઅસ’ લાગતી હશે! પણ ના, વાર્તાલાપ એ તો એક સારી જ રમત છે. છતાં તેને લાગે છે તે લોકો કાંકરિયે ગયા હોત તો સારું થાત. એમાં એમના બાપનું શું લૂંટાઈ જવાનું હતું? સહેજ કેપ્ટન સુરેશને કહ્યું કે બધા દોડી આવ્યા. તેની કોટે વળગ્યા. સહેજ આગ્રહ કરવો એ કંઈ ગુનો છે? સહેજ ચાનું કહ્યું કે આ દોડી આવ્યા. તે તો સજ્જન છે, નહિ તો છડેચોક કહી દે. સાલા બધા કડકા બંગાળી છે. અને તેનો કેડો મૂકતા નથી. તેણે કહ્યું કે જાવ તેનું માથું દુઃખે છે. પણ ન ગયા. અને અહીં આવ્યા તેના લોહીનું પાણી કરવા. બળતામાં ઘી હોમવા. આગ્રહ, સહેજ આગ્રહ કરવો એ કાંઈ બહુ મોટો ગુનો છે શું? તેને એમ હતું કે તે લોકોમાં સહેજ સદ્વિવેક હશે. તમે જ કો, તેમાં તેનો છે વાંક જરાયે? તેને વાતો તો સુરેશ સાથે કરવી હતી. ખાલી વાતો જ કરવી હતી હો. પણ બધા જ લંઘારની માફક દોડી આવ્યા. તમે એમ ન માનતા – તે તમને ફરી ફરી કહેશે - કે તેને તેમનામાંના કોઈની સામે જરા જેટલો પણ વાંધો છે. શું તમે એમ સમજ્યાં કે તે તેમને મનોમન ગાળો ભાંડે છે, આમ ઘરમાં આવી ‘ન્યુસન્સ’ રૂપ બનવા માટે? ખાટલાની ઈસો ભાંગવા માટે? ના સાહેબ, તો આપ ખોટું સમજ્યા, કોઈની ઉપર ખોટું તહોમત ન મૂકો. વાર્તાલાપની એ જ મોટી તકલીફ છે – ગેરસમજ. આ બધા જ તેના મિત્રો છે એમ તેણે ન કહ્યું તમને વારુ? તેમને તે તેડી લાવ્યો હતો તેની તે ના નથી પાડતો. તેઓ બધા જ એકબીજાનાં સુખદુઃખના સાથી છે. અને તે તેમના વિના તેનો રવિવાર કેવી રીતે પસાર કરી શક્યો હોત? તમે તો કલ્પી પણ કેમ શકો તેને શું વીતી હતી ગયા રવિવારે? મન હળવું કર્યા વિના જીવી શકાય? તમે જ કહો, બગાસાં ખાધે દિવસ ખૂટે?

તે ખરેખર બગાસું રોકવા મથે છે. એમ ન માનતા કે તે કંટાળી ગયો છે. એ તો આજે જરા ઠીક નથી તેને. જરાક શાંતિની વધારે જરૂર છે એટલું જ. અને આ લોકો ય જરાય વધારે પડતો – હા, હવે તો તેમને અન્યાય કર્યા વિના કહી શકાય કે સહેજ અજુગતો કહી શકાય એવો વાર્તાલાપ તેઓ કરી રહ્યા છે. ઘરમાં મા-બેન તો સહુને હોય એમ કહે. તો તમને અજાયબી લાગશે. કોને મા-બેન નથી હોતી? પણ જો તે આ વાત આ ‘નાલાયક’ લોકોને કહે તો - પણ માફ કરજો આ શબ્દ માટે. અપશબ્દનો જવાબ અપશબ્દ ન હોય તે તે જાણે છે. પણ તમે જો આ કંપનીમાં હોત તો તમે કદાચ કોઈક આથી વધારે જ કડક શબ્દ વાપર્યો હોત આની જગાએ. આપણે સદ્ગૃહસ્થોને શું કામ છે વાઘરી લોકોની ગાળો અને તેમના રીતરિવાજોનું? આપણા જ રીતરિવાજો તો જુઓ!

પણ ના, અત્યારે તો શર્ટિંગ વિષે વાત થાય છે. તે તેમને તેના નવા પેન્ટ વિષે ઉત્સાહથી વાત કરે છે. તમે જોઈ શકો છો તેને તેમાં કેટલો બધો રસ પડે છે તે. તેઓ સૌ ઉત્સુક થઈ કાપડ જોવા વિનંતી કરે છે. રમણ કહે છે: ‘ક્યાંથી, સુંદરલાલમાંથી ખરીદ્યું?’ તેનો ઉત્સાહ પડી ભાંગતો લાગે છે. કેપ્ટન સુરેશ કહે છે: ‘વ્હાઈટ પેન્ટનું છે? વ્હાઈટ હોય તો ટી. એમ. માં ન સીવડાવતો. ત્યાં અમેરિકન પેન્ટસ જરા પણ સારાં નથી સીવી આપતા.’ ફરી કાપડ જોવા બધા તાલાવેલી બતાવે છે. પણ હવે તો તેનું માથું ખરેખર ખૂબ દુઃખે છે. તે ઊઠીને બીજા રૂમમાં જાય એટલી શક્તિ તેનામાં નથી. એમ ન માનતા ઇચ્છા નથી. પણ પહેલાં નીચું જોઈ દાદાની રૂમમાં, અને પછી તેઓ જેને રસોડું કહે છે તે ઓરડીની લગોલગની સીડી ઉપરના ભંડકિયામાં જવું અને પેન્ટનું કાપડ લઈ, નીચી આંખો રાખી, પાછા ફરવું – નરકમાં જઈ પાછા ફરવા જેવું તેને અત્યારે લાગે છે. પાછા આવતાં કદાચ દાદાને પાણી પાવું પડે તે બહુ મોટી વાત નથી. પાણી પીધા બાદ ફરી એ જ એમની ટક-ટક-ટક અને ખૂં-ખૂં-ખૂં તે પણ તે સાંભળવા તૈયાર છે. તેને તેનો જરાય વાંધો કેમ હોય? દાદાએ ઉછેરી મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા અને તેમને એક ગ્લાસ પાણીનોય ન અપાય શું? તે એટલો નાલાયક તમને લાગ્યો શું? વાહ ભલા માણસ! કેવી વાત કરો છો!! દાદાને તો તે ખૂબ ચાહે છે. તમે તેને ગમે ત્યારે પૂછો, તે એક જ જવાબ આપશે. દાદાને તો તે ખૂબ ખૂબ ચાહે છે. એટલે જ કહે છે દાદાને પાણી પાવામાં તેને જરાય વાંધો નથી. અને બેબી પણ હવે તો મોટી થઈ એટલે ખૂબ ડાહી થઈ ગઈ છે. એક વાર સહેજ જરાક ધીમેથી કહી દઈએ એટલે તમારે ફરી પૈસા બૈસા માગવાના નહિ, એમ તો આખરે ખાનદાન કુટુંબનું છોરું છે ને! એક વાર ધીમેકથી સહેજ આંખના ઇશારે કહી દીધું કે તરત ચૂપ. પછી ભલેને બહાર ફેરિયો ઘાંટા પાડ્યા જ કરે અને તેની ઘંટડી ટન – ટન - ટન કર્યા જ કરે! પણ ગમે તેમ તેને સીડી ચઢતાં ચઢતાં થાક લાગે છે. હા, ખૂબ થાક લાગે છે. તમે તો જાણો છો, માથું ચઢ્યું હોય ત્યારે માણસજાતને કેટકેટલી પીડા થતી હોય છે તેની! સમજુને ઇશારો જ પૂરતો. તમે તેનું દુખ સારી રીતે સમજી-કલ્પી શકો છો. બેબીની બાયે આમ સમજુ ખરી. ગમે તેમ તોયે તે પણ સુખદુઃખની સાથી ખરીને! રસોડામાં થઈને સીડી ચઢવાની. પણ તે તો તેની સામેય નહિ જુએ. પહેલાં જેટલી જ શરમાળ છે. કોઈ બૈરું હોય તો રસોડામાં પેઠું કે એ જ પુરાણ શરૂ. બેબીની બા તો સમજુ છે. સીડી પાસે જ બેબી રડે છે તેનો તેને વાંધો નથી. તેને વાંધો તો ભલા માણસ, કોઈ દિવસ કોઈ વાતનો હોતો જ નથી. જગતમાં શું ખરું ને શું ખોટું! બે દિવસના મહેમાન છીએ. કહ્યું છે ને કે આ તો પંખીનો મેળો. એટલે જ તેણે કહ્યુંને એમ. રસોડામાં થઈને સીડી ચઢવાની ન હોત તો તે દાદાને જરૂર પાણી પાત. તેઓ જોરજોરથી તેને સંભળાવવા જ ખાંસતા લાગે છે, બાજુના ઓરડામાં, તે તે ખૂબ સારી રીતે સમજે છે. પણ અત્યારે તેનું માથું ચક્કર ચક્કર ફરતું લાગે છે.

બેબીની બાએ પણ આજે કોણ જાણે કેમ આટલી બધી વાર કરી. દૂધવાળી તો ક્યારનીય દૂધ આપી ગઈ છે. પણ ચા બનાવવામાં કેમ વાર થઈ કોણ જાણે. તે ફરી ઘડિયાળ સામે જુએ છે. એમ ન માનતા તમે કે ચા રોજ મોડી થાય છે. ના સાહેબ, ચા તો તેઓ વહેલાં જ પી લેવાના. કંઈક થાય ને જરાક બોલચાલ – પોળમાં - તો ખાવાનું આઘુંપાછું થઈ જાય. પણ ચા તો તમારે બરોબર ત્રણના ટકોરે. રેગ્યુલર, ટાઈમ ટુ ટાઈમ. અત્યારે કદાચ બેબીએ રડીને ઊંઘમાંથી જગાડી હશે એટલે કદાચ તેનું ઠેકાણે નહિ હોય. હવે તે પણ માણસ જ છે ને? તે તો આમ પોતાની જાતને ખૂબ ઉદાર માને છે. અને એક ભગવાન જાણે છે તે કેટલો ઉદાર અને મોટા મનનો છે તે! અત્યારે તેને ખરેખર આ લોકોને પેન્ટનું કાપડ બતાવવાની ઘણી જ ઇચ્છા છે. જો તેના આત્મા આ દુખતા માથાવાળા શરીરને ત્યજી બહાર જઈ શકતો હોય તો તો તે જરૂર નર્કમાંથી પણ પેન્ટ લઈ આવત. ન હોય તો સીવડાવી લાવત. તે સુંદરલાલના કેસમાં લટકતું પેન્ટનું કાપડ કે ટી. એમ. માં લટકતું પેન્ટ કલ્પી શકે છે. તેની ઘ્રાણેન્દ્રિય તો તેના કડપની, તેના આરની સુગંધ પણ અનુભવી શકે છે, માણી શકે છે. પણ તમે પાછા જોજો એમ ન માની લેતા કે તે મરી જવા ઇચ્છે છે. અને એટલે આ શરીરનો ત્યાગ કરવાની વાત કરે છે. ના સાહેબ, વધારે સમજુ માણસ જોડે વાત કરવાની આ મોટી તકલીફ. કંઈનું કંઈ સમજી બેસે. અર્થનો અનર્થ કરે. અને પાછા એ પણ જોજો પેન્ટના અસ્તિત્વ સામે તમે ઊલટાનો કંઈ વાંધો ન લેતા. તમારું તો ભલું પૂછવું. આ તો એક કહેવાની રીત છે માત્ર. તમે ‘જોક’માં પણ નથી સમજતા શું? આ તો એક ‘જોક’ છે. વાર્તાલાપમાં ‘જોક’ તો હોય જ ને ભલા માણસ!

હા, તો તે વિચારતો હતો આ તેના ભારે માથાવાળા દુખતા શરીરને ત્યજી જો તે સીડી અલોપ રીતે ચડી શકતો હોત! અરે તો તો કોઈ પણ દુકાનમાં પણ પેસી શકાય! કાંકરિયે પણ પળવારમાં. અરે દુનિયાની પેલે પાર ગમે તે ઠંડા મુલકમાં પળવારમાં જવું હોય તો જઈ શકાય! અદૃશ્ય માનવી હોઈએ તો કેવી મઝા! તો તો તે શોખથી તેમને પેન્ટનું કાપડ લાવી બતાવત! પણ પ્રભુએ કેટકેટલી બલાઓ માણસજાતને આપી છે! દરેકે દરેક વસ્તુ કેટલીકવાર ‘ન્યુસન્સ’ લાગે છે. કંઈ પણ માલ નથી લાગતો કોઈ પણ વાતમાં. જગત આખું બળી જાય તો સારું એમ થાય છે. કોને જઈને કહેવું એ બધું? જગતમાં એવા કેટલા મિત્રો હશે જેમને આવું આવું બધું કહી શકાય? તમને થશે તે કેવો નીચ માણસ છે. પણ ના, એવું કંઈ નથી. હમણાં જ કહ્યું તેમ તે તો એક સાદો, ભલો, ગભરુ, ઓછાબોલો માણસ છે. પણ આ લોકો - શેની? હા, હવે તો ઉજાણીની વાત ન કરતા હોત તો એમના બાપનું શું જાત? સાલા - એને એટલીયે ખબર નહિ હોય મંદવાડવાળા ઘરમાં આવું આવું અજુગતું ન બોલાય! કોઈ ગરીબ સદ્ગૃહસ્થની લાગણીનો જરા વિચાર તો કરવો જોઈએ!

તે પાણી પીવા ઊઠે છે. કપાળ પરનો પરસેવો લૂછે છે. નથી જોવું છતાં રમણ તરફ જોઈ લે છે. હમણાં તે ખૂંખારો ખાશે એ બીકે કે પાણી માગશે એ બીકે તે નીચું જોઈ લે છે. અને માટલા પાસે જાય છે. તેના જ રૂમમાં માટલું ય રાખવામાં આવે છે. બધું તેના રૂમમાં જ રાખવામાં આવે છે - આખીય દુનિયાનો ભાર જાણે. હાય, એવી તરસ લાગી છે કે રણના વટેમાર્ગુઓને પણ આવી તો નહિ લાગતી હોય. પ્રભુ કોઈ ઠંડા દૂરના પ્રદેશમાં - તે મોં બગાડે છે. તમે એમ રખે માનતા તે ઢોંગ કરે છે કે કોઈ તેને જુએ એટલા માટે આમ કરે છે. તેણે તો હજાર વાર કહ્યું છે તમને, તમે કેમ સમજતા નથી? - કે તેનું માથું પાકી ગયું છે! એટલે તો તે પાણી પી લેવાને ઇરાદે ઊઠ્યો છે! રમણ ખૂંખારો ખાય છે. ઊઠીને પાણિયારા સુધી તે આવે છે. ચોકડીમાં પાન થૂંકી તે ફરી પાછો ખાટલે જઈ બેસે છે. તે ખૂબ ખૂબ શાંતિથી પાણી પીએ છે. ‘દોસ્ત! મને પણ આપજે.’ સુરેશ કહે છે. ‘મને પણ.’ રમણ પાસે બેઠેલ પંડ્યા કહે છે. રમણ પણ હસીને પોતાનું સૂચન કરે છે. હવે તમે જ કહો તેનું માથું ન પાકે? પાણિયારા સુધી આવીને થૂંકી ગયો. ને કહે છે: ‘પાણી આપજે!’ હાથે શું ન પી શક્યો હોત? લાયમાં ને લાયમાં પવાલુંય ઘનશ્યામના હાથમાંથી ચોકડીમાં પડી જાય છે. તેને નથી ગમતું, જરાય નથી ગમતું, એમ ન માનતા કે તેણે તેમને પાણી નથી આપવું, પણ તેને ગંદી ચોકડી નથી ગમતી. લાખ વાર કહ્યું છે કે તેને ગંદકી નથી ગમતી - તમેય કેમ સમજતા નથી ભલા માણસ! તેને ઢોંગ જૂઠાણાં નથી ગમતાં, બાદશાહી ઠાઠ નથી ગમતો, રૂમમાં ધુમાડો નથી ગમતો, અવાજ, ઘોંઘાટ, ગંદી ગલીચ વાતો નથી ગમતાં, ખાલી મફતની ટક-ટક-ટક નથી ગમતી. આ બધું તેને કહેવાનું મન થાય છે. પણ તેણે ગ્લાસ જાણી જોઈને ચોકડીમાં ફેંકી દીધો એમ તમારાથી નહિ કહી શકાય; કારણ, હવે તો તેને તે ધોઈને બધાને પાણી પાવું પડશે, બમણી મજૂરી કરવી પડશે. ના, તે એવો લુચ્ચો નથી. તે ફક્ત ખૂબ અસ્વસ્થ છે. એકવાર તો તેના હોઠ પણ કંઈક ફફડી ઊઠે છે. તેને કંઈક કહેવું છે. તેને બધું કહેવું છે. તે બારી બહાર જુએ છે.

બહાર પોળમાં સફેદ જીંથરા વાળવાળો ‘ઉંદર’ ડોસો નીચું જોઈ બબડતો બબડતો ધીમે ધીમે જઈ રહ્યો દેખાય છે. તેના જુવાનજોધ દીકરાને દીકરાની વહુએ ઝેર પાયેલું, એમ સહુ કહેતા. ઘનશ્યામ તેને જોઈ રહે છે. ઇલેક્ટ્રિક બત્તીના થાંભલા પાસે છાંયડે બેઠેલી ગાય એંઠવાડ વાગોળતી બેઠી છે. ‘કેટલાય, કેટલાય વખતથી’ તેને લાગે છે. ‘નાલાયકો મારે ત્યાં કોઈ દિવસ ન આવતા’ શબ્દો મગજની છેક ઉપલી સપાટી પર છે. પણ, તમે જોઈ શકો છો. તેના હોઠ જ ફફડે છે. તેની જીભ હાલતી નથી. શબ્દો હોઠે આવતા નથી. આખરે પણ તે એક સદ્ગૃહસ્થ છે. તેને લાગે છે કે ડોસો કદીય પોતાને ઘેર નહિ પહોંચે. અને વિચાર આવતાવેંત તેને જાણે તે ભવિષ્યવાણી હોય એમ તેમાં શ્રદ્ધા બેસી જાય છે. તેને નથી સમજાતું તેને કેમ રડવાનું મન થઈ આવે છે. તે પોચા મનનો છે એમ ન માનશો. પણ અત્યારે કહ્યું તેમ તેનું મન વધારે અશાંત જ હશે. નહિ તો બારી બહારના તે સામાન્ય દૃશ્યમાં એવું તે વળી શું હતું કે તે જોઈ તેને રડવું આવે? એકલા ડોસાને જોઈને તો ઊલટાનો આનંદ થાય કે શોક? ખરેખર તો તેને હર્ષ થવો જોઈએ કે હાશ બિચારો આ ક્ષણ પૂરતો તો ત્રાસમુક્ત છે. નહિ તો પોળનાં છોકરાંની વાનરસેના પાછળ પડી જ હોય. નામ તો છે ઇન્દ્રજીતસિંહ પણ આળવીતરાં છોકરાઓએ ‘ઇન્દર’નું ‘ઉંદર’ કરી નાખ્યું છે. ‘ઉંદર ગાંડો, ઉંદર ગાંડો!’ કહી તેને નાહક પજવે છે. એક છોકરો તે શબ્દ ન સમજી શક્યો એટલે પછી તો ધંધો શોધી લીધો જાણે. પોળનાં છોકરાઓ માટે ઇન્દ્રજીતસિંહ સમય પસાર કરવાનું સાધન થઈ પડ્યો છે. ફક્ત એક જ નામની ભૂલ - એક જ શબ્દની ગેરસમજ. પછી બિચારા ગરીબ પરદેશીનું કોણ સાંભળે? કોણ સમજે તેની પરદેશી ભાષા? બધાં જ તેને ‘ઉંદર ગાંડો’, ‘ઉંદર ગાંડો’ કહેવા લાગ્યાં છે. છતાં તેને એકલો ડોસો ગમતો નથી. એનાં કરતાં તો છોકરાં ઘોંઘાટ કરતાં હોત તો સારું થાત. ઘોંઘાટમાં બધું ડૂબી જાત એમ તેને થાય છે. તે ગ્લાસ ધૂએ છે - ખૂબ ખૂબ કાળજીપૂર્વક. પેલાઓને થતું હશે તે જાણી જોઈને વાર લગાડી રહ્યો છે. પણ ના, એવું નથી. તે તો સ્વચ્છતામાં માનનારો ખરોને?

વળી પાછી બેબી રૂમમાં આવે છે. તે રડી ચૂકી હોય તેમ તેની ડાબી આંખના ખૂણે આંસુનું એક મોટું ટીપું ચળકે છે. પાણી ભરતાં ભરતાં તેને બેબીને તેડી લઈ ઘર બહાર નીકળી પડવાનું મન થઈ આવે છે - ક્યાંક દૂર પરદેશના ઠંડા મુલકમાં નાસી જવાનું મન થાય છે. જાણે એક બેબી જ તેનો સહારો ન હોય! પણ તમે તો હવે બધું જાણો છો - ફક્ત મૂર્ખાઓને જ ઘડી ઘડી કહેવું પડે – કે તેની આ ઇચ્છા ઉપરથી એમ નથી માનવાનું કે તેને હોટેલમાં જવાની મનાઈ છે કે શાક લેવા જવાની મનાઈ છે. ના. અને કહેવાઈ જ ગયું છે તો એટલું પણ ઉમેરી લેવા દો કે તેને કાંકરિયે જવાની મનાઈ છે એવું પણ મૂર્ખાઓ જ માને. ખોટું ન લગાડતા. તેને તમારી સામે કંઈ જ વાંધો નથી પણ કદાચને તેની પોતાની મરજી જ નથી થતી આવું કંઈ કરવાની. એવું એવું તેને નથી ગમતું. ખરું પૂછો તો અત્યારે તેને શું કરવું તેની કાંઈ સૂઝ પડતી નથી, કહ્યું તો ખરું, તેનું માથું ખૂબ ભમે છે. તે ખૂબ બેચેન છે.

‘થેંક્સ.’ સુરેશ પાણી પી, ગ્લાસ પાછો આપતાં હસતાં કહે છે. તેને તે જાણે લપડાક લગાડતો હોય તેમ તે પરદેશી શબ્દ વાગે છે. તેમાં હસવાનું શું હતું? બધાને આપી રહ્યા બાદ તે વગર માગ્યે બેબીને પાણી પાય છે. ‘બાએ મારી તને?’ એમ નીચે ઝૂકી પૂછે છે. પાણી પીતાં પીતાં ગ્લાસમાં મોં રાખી બેબી ડોકું હલાવી હા પાડે છે. પાણી તેના ફ્રોક ઉપર ઢોળાય છે. ‘બહુ ખરાબ છે બા, નહિ?’ પૂછતાં તેના ગળે કંઈક અવાજ થાય છે. વધુ પાણી ફ્રોક ઉપર ઢોળાય છે. આખરે ગ્લાસમાં શ્વાસોચ્છવાસના અવાજો કરતી કરતી બેબી પાણી પી રહે છે. તે પોતાની કૃશ હથેલી વડે બેબીની ડાબી આંખ લૂછે છે. લંબાયેલા હાથની બાંયે પોતાનું કપાળ ઘસીને લૂછે છે. ગાલ પણ લૂછે છે. ગરમી ખૂબ છે.

‘હા, તો કહો, શા માટે જીવવું જોઈએ?’ પંડ્યાનો અવાજ ઓરડામાં ફરી અટકેલા વાર્તાલાપ શરૂ કરે છે. વાર્તાલાપનો વિષય ક્યારે બદલાયો? યાદ નથી, પણ તે બદલાયો તો લાગે જ છે, તેનાથી બેબીને તેડી બહાર જઈ શકાય એમ નથી. તે બેબી તેને ખૂબ ખૂબ વહાલી છે. પણ આવા તાપમાં આ સૌને મૂકી બહાર ક્યાં જવું? અને હવે તો ચાનો સમય થઈ ગયો જ છે? થોડી જ વારમાં – તે જોરથી ‘બીજા કોઈને પાણી જોઈએ છે?’ એમ પૂછે છે. તમને કદાચ અવાજ વિચિત્ર પણ લાગે. રમણનું ‘લાવજે’ સાંભળી ફરી પાણી ભરતાં તે ફરી બારી બહાર જોઈ લે છે. હજી દૂબળી ગાય કંઈ ચાવી રહી છે. વાગોળી રહી છે કદાચ કાગળના ડૂચા, તે વિચારે છે. શું મળે બિચારાં ઢોરને આ શહેરના સૂકા ગરમ ગંદા રસ્તાઓ ઉપર? ઉંદરડોસા ધીમે ધીમે લાકડીના ટેકે હજી જઈ જ રહ્યા છે. કોણ જાણે ક્યારે, ક્યારેય પહોંચશે તે પોતાને ઘેર. તે પાણી ભરવાનું માંડી વાળી જાણે ડોસાને સામે પોતાને ઘેર પહોંચેલા જોવા ઇચ્છે છે. તે માટે એક મિનિટનો સમય તે ડોસાને મનોમન આપે છે. જાણે તેને તેમાં ખૂબ રસ છે, જાણે ડોસો ઘેર નહિ પહોંચે તો તેમાં પોતાનું સર્વસ્વ લૂંટાઈ જશે? પણ ડોસાની ચાલ ખૂબ જ ધીમી છે. કદાચ પાંચ સાત મિનિટે પણ પોળની છેક અંદરના ભાગમાં આવેલા પોતાના ઘરે તે નહિ પહોંચી શકે. ત્રણેક મિનિટે તો જરૂર. તેની આંખે ઝળઝળિયાં આવે છે. તે બહાર જોઈ રહી બાંય વડે આંખો લૂછી નાખે છે. તેને ખબર નથી તેણે નિશ્વાસ કેમ નાખવો જોઈએ છતાં તેનાથી એક ઊંડો નિશ્વાસ નંખાઈ જાય છે. તે રમણને પાણી આપતાં મલકાવા પ્રયત્ન કરે છે. પછી વગર માગ્યે દાદાની રૂમમાં પાણી લઈ જાય છે, પણ પછી પાછો આવી, બબડતો બબડતો ચોકડીમાં પાણી રેડી દે છે. બધા તેને જોઈ રહે છે.

આખરે બિચારા સૌને ચા વિના જ કાઢ્યા! આજે કેટલા દિવસે આવેલા! અંદરની રૂમ બાજુ જોઈ તે વિચાર કરે છે. તે પોતાની જાતને મનોમન ભાંડતો બહાર ઓટલા ઉપર ઊભો છે - તેનો સહેજ ફાટેલો મેલો લેંઘો ઝાલી પાસે, તેની બેબી ઊભી છે. પણ એમાં તેનો શો વાંક? તેણે તો એ લોકોને કહ્યું, ઊભા રહો. ચા પીને કાંકરિયે જજો. પણ તે જ ન થોભ્યા તેમાં કોઈ શું કરે? જતાં જતાંય કહેતા હતા: ચાલને સાથે હવે. પણ તેણે જ કહ્યું, દાદાની તબિયત બરાબર નથી. બધું સાફ સાફ કહી દેવાનું મન તો થયું હતું ઘડીભર. પણ પછી થયું કે ખાલી મફતમાં કોણ દૂભવે એમનાં મન! બિચારા કેટલા દિવસે આજ આવ્યા હતા! એટલે શાંત રહ્યો. આખરે તો તે એક સજ્જન ખરો ને! એટલે જ તેઓ ખાટલા ઉપરથી ઊઠું ઊઠું કરતા હતા અને તે જ્યારે તેમને બેસો બેસો એમ આગ્રહ કરતો હતો ત્યારે જ પોતાના અવાજ ઉપર તે ખીજાતો હતો. તેમને તેના અવાજમાં કંઈ સ્નેહભાવ લાગતો ન હતો તે પોતે જોતો હતો. અને એટલે જ અત્યારે ઓટલે ઊભો પસ્તાતો હતો. આજે કેટલાય દિવસે આવ્યા હતા! અને તોય બિચારાઓને ચા વિના જ આવા તાપમાં કાઢ્યા.

અને તે ફરી ફરી એનો જ વિચાર કર્યા કરતો ઓટલે ઊભો છે.

‘સારું ત્યારે, હવે અમે જઈશું’ તેઓ કહે છે. સુરેશ બગાસું ખાય છે. તેના દાંત ખૂબ ગંદા છે. અને મોંમાંથી દુર્ગંધ આવે છે. કોણ જાણે કેમ તેને આનંદ થાય છે. ખરી રીતે તો તેને દુઃખ થવું જોઈએ પણ ખરેખર તેને આનંદ થાય છે. કંઈ પણ આગ્રહ કર્યા વિના તે ઓટલા ઉપર તેમને વળાવવા ઊઠે છે. છતાં જ્યારે તેઓ ઓટલેથી એક પછી એક ઊતરી પોળમાં ચાલવા લાગે છે અને રમણ હાથ ઊંચો કરી ‘સારું ત્યારે!’ કહે છે, અને કેપ્ટન સડેલા દાંત દેખાડી, એકીટશે તેની સામે તાકી રહી જાણે બધું સમજતો હોય તેમ. ‘જરા આવ્યો હોત તો ઠીક રહેત કાંકરિયે!’ એમ કહે છે અને લાગણીવશ થઈ ઉમેરે છે: ‘જરાક માથુંય હળવું થાત!’ ત્યારે તેના અંગેઅંગમાંથી જાણે કે વીજળી પસાર થઈ જાય છે. પ્રથમ જ વાર તેઓ આજે કેટલાય દિવસે આવ્યા હતા તેનું જાણે તેને સ્મરણ થાય છે. તેના - હા, તેના સ્તો, બધા મિત્રો કાંકરિયે જઈ રહ્યા છે! અને પોતે નથી જતો. અને જાણે કે ઘોર નિરાશામાં ડૂબી જતો હોય એમ તે બધુંય કહી દેવા છેલ્લી વાર મથે છે. શબ્દો શોધે છે. ‘એ આવજો ત્યારે!’ તે કહે છે અને સુરેશ તરફ જોઈ ઉમેરે છે: ‘જરૂર હોં?’ અને તેને સુરેશની દયા આવે છે. બિચારાના ભરયુવાનીમાં બધા જ દાંત! તેનો લેંઘો ઝાલી ઊભેલી બેબીને તેડી લેવા તે ઘૂંટણે હાથ ટેકી નીચો નમે છે: ‘કહી દે કાકાને આવજો!’ અને બેબીય જાણે બધું સમજતી હોય તેમ ખરેખર હાથ ઊંચો કરી ‘આ...જો’ કહે છે. અને ફરી તેને પેલો ડોસો જોતાં થયેલી લાગણી થઈ આવે છે. ભયંકર નૈરાશ્ય અને એકલવાયાપણાની. જાણે તેનું સર્વસ્વ જતું હોય એવી લાગણીથી આંખે ફરી ઝળઝળિયાં આવવાની તૈયારી છે. તેય જાણે નાનું બાળક હોય એમ બેબી પાસે નીચો ઝૂકી, એક બાજુ ડોક નમાવી ‘આ...જો’ એમ બાળકની જેમ કાલી ભાષામાં બોલવા મથે છે. પણ તેનો અવાજ ઠરડાઈ જાય છે. અને બેબી તેના તરફ જુએ છે એટલે તે તરત બીજી બાજુ જોઈ લઈ ફરી ટટાર ઊભો થઈ જાય છે. અને પછી આંખો લૂછી ‘ચા પીધા વિના જ ગયા’ એમ કહેતો આંખો લૂછતો દરવાજામાં પેસે છે. કોઈએ સાંભળ્યું નહિ હોય જાણી ‘ચા થઈ કે?’ એમ જોરથી અંદરના ઓરડા બાજુ બરાડે છે અને સામે જ ચાના કપને જોઈ ‘જરા વહેલી તૈયાર કરી હોત તો!’ એમ કહેવા જાય છે, પણ પછી તો તે લૂછેલી આંખો સામે જોઈ જાણે આંખોમાં જ ક્ષમા માગી લેતો હોય તેમ પત્ની સામે જોઈ રહે છે. જમણો હાથ ઊંચો કરી, હજીય સહેજ ભીની જમણી આંખ મોં નમાવી બાંય વડે લૂછી લે છે. પછી પત્નીની ‘ખબર છે છતાં આવું કેમ કરતા હશો?’ કહેતી આંખો તરફ જોઈને તો તે હસવાનો પ્રયત્ન કરે છે. જાણે પોતાના મિત્રો તરફથી ય માફી ન માગતો હોય! ‘હોય એવું તો.’ બહાર ઓટલા અને ગલી તરફ જોઈ લેતાં તો જાણે પેલા મિત્રોનીય માફી માગી લેતો લાગે છે. અને કપ લઈ ટેબલ ઉપર મૂકે છે. કોણ જાણે કેમ તેને ખૂબ રડવાનું મન થાય છે. પોતાની જાત ઉપર ખૂબ હસવાનું ય મન થાય છે. કોઈને પોતાના ઘરની દીવાલો વિષે, પેન્ટ વિષે, ક્રિકેટ વિષે, ડોસા વિષે બધું જ કહી દેવાની ઇચ્છા થાય છે. પણ ખરેખર તો તેને શું કરવાની ઇચ્છા થાય છે તેની તેને કાંઈ જ ખબર પડતી નથી. એટલે તે ચાનો એક ઘૂંટડો ભરી, ટેબલ ઉપર ફરી કપ મૂકી દે છે. અને પાસે ઊભેલી બેબીના બંને હાથ કાંડામાંથી ઝાલી તેને ઓરડામાં ગોળ ગોળ ફેરવવા માંડે છે. અને ‘આ...જો, આ...જો’ બોલવા માંડે છે. તેને ખબર નથી, તેનું માથું દુખે છે કે નહિ. તેને ખબર નથી, તેનું માથું દુખતું હતું કે નહિ. ગોળ ગોળ ફરતી બેબી પણ તેની કાલી કાલી ભાષામાં ‘આ...જો, આ...જો’ કહેતી ખિલખિલાટ હસે છે. અંદરથી દાદા ખાંસતા ખાંસતા ‘અલ્યા રહેવા દે, હાથ બાથ ઊતરી જશે છોડીનો,’ એમ કહે છે. છતાં તે તો તેને ફેરવ્યે જ જાય છે, ફેરવ્યે જ જાય છે. તેનું માથું ચક્કર ચક્કર ફરે છે. દીવાલો ભેળસેળ થાય છે. તે હસે છે કે રડે છે તેની તેને ખબર નથી, જાણે કૂદડી ફરવામાં ને ફરવામાં જ બેબીને સઘળું કહી દેવાતું હોય તેમ તે તેને ઘડીભર ફેરવ્યા જ કરે છે, ફેરવ્યા જ કરે છે. તેનું ચાલે તો તો આખોય દિવસ તે તેને ફેરવ્યા જ કરે, ફેરવ્યા જ કરે!

સ્રોત

  • પુસ્તક : નવી વાર્તા (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : રાધેશ્યામ શર્મા
  • પ્રકાશક : ગુલાબદાસ બ્રોકર સાંસ્કૃતિક પ્રકાશન ટ્રસ્ટ
  • વર્ષ : 2005