Baju - Short Stories | RekhtaGujarati

લે, તમે જીવીને નથી ઓળખતા? રામજી મંદિરની બાજુમાં પટેલ અને ભાયાતુંના જે ડેલાં છે... હા, એટલે ન્યાં નથી રહેતી, પણ ડેલીની બાજુમાં પતરાની જે કાટ ખાઈ ગયેલ ઝાંપા જેવા બારણાવાળી ખડકી છે ને જીવીનું સરનામું. તમે ગામમાં જઈને પુછો કે જીવીનું ઘર ક્યાં? તો વેંત જેવડું છોકરુંય તમને જીવીની ખડકી ચીંધી જાય. એટલે આટલી જાણીતી કેમ એવું પણ તમને થાય તો કહીં દઉં કે જીવરી બહુ. વા સાથેય વાત્યું કરે એવી મીઠડી. કોઈ પણને પરાણે વહાલી લાગે એવી. જુઓ, આપણે વાતું કરીએ છીએ ત્યાં જુઓ પેલી હાથમાં દુધની નાની બરણી લઈને, એની ઝાંઝરીની ઘુઘરી રણકે એમ પથરો ઠેકતી, લાંબો ચોટલો ને એમાં દેવુબાનું પાંથીએ પાંથીએ સીંચી આપેલું તેલ, એની મોટી કોડી જેવી આંખોને પટપટાવતી, ગામ આખું સાંભળે એમ ગીત ગાતી ગાતી જે ચૌદ વરસનું વાવાઝોડું આવે છે ને જીવી. સો વરસ જીવવાની ભમરાળી. ચાર બહેનું ને ત્રણ ભાઈઓમાં સૌથી નાની. જીવીના જનમ પછી જીવી તો જીવી પણ એના બાપુ નો જીવી શક્યા, કોઈક અકસ્માતે લાંબે ગામતરે જતા રહ્યા. પણ જીવીના બા દેવુમાએ પછી રાત-દિ' જોયા વિના કાળી મજુરી કરીને આઠ જણાનાં પેટ ભરવાનું ચાલું કરી દીધું પણ બેન એમ તો કાંઈ પેટ ભરાય? તો ટંકે ટંક નકટું થઈ તમારી સામે કોરી આગ અંદર ફુંક્યા કરે. ને દેવુમાને બે છેડા ભેગાં કરતાં તો મોઢે ફીણ આવી જાય. પણ જાતની ભાઈ તો અસલ રજપુતાણી, મરી જાવ પણ માગું નહી! ધરમે તો ભવ આખો ખભે ચડાવી બાપડી ઘર ખેંચતી રહી ને છોકરાઓય બે પૈસા કમાવવાં જ્યાં ત્યાં ફુલ કે પાંખડી મળે એમાં જાત તોડવા માંડ્યા. રાત પડ્યે ને બધા ખડકીમાં થાક્યા પાક્યા એક ઓરડાને નાની ઓશરીવાળા ઘરમાં ગાર્ય પર ગોદડા પાથરીને બખોલમાં ગલુડિયા લપાઈ એમ સૂઈ રહે. જીવી તો સૌથી નાની એટલે કામે જતી પણ આખો દિવસ ઘરકામ કર્યા કરતી. દેવુમા રોટલાં ઘડી નાખે ત્યાં સુધીમાં જીવી ગામની ડેરીએથી દુધ લઈને આવતી રહે. રોટલાં ઘડાતાં જાય એમ જીવી એક એક ભાનુડાને જગાડતી જાય ને વાળું કરાવતી જાય. બહુ બોલ્ય બોલ્ય કર્યા કરે જીવી. એનાથી કંટાળે એક એનાં બા દેવુબા ને બીજી કરશન પટેલની રેખડી. બે જીવીના ખાસ. ને જીવીના ગીતોનું ગણગણ તો આખો દિવસ ચાલુ હોય... ને એમાં કોઈકે ભુલથી વખાણ કર્યા કે વાહ રે સોડી, તારો તો કાંઈ અવાજ...! ને બસ થઈ રહેતું, જીવી નોનસ્ટોપ ગીતો ગાયા કરે, કોઈ ગીત આખું તો આવડે એટલે ગીતો ગાતા ગાતા એક ગીત બીજા ગીતની સરહદમાં જતું રહે એની નો ખબર રે જીવી ને કે નો ખબર રે સામાવાળાને. ને એવું નહીં કે જે ગીતો ગાય એનાં શબ્દો જે હોય રહે, જીવી ભુલી જાય તો ગાતી ગાતી હાથેય શબ્દો ઉમેરી દે ને તે પોતાનો લાભ ગીતનેય દેતી જાય. કોઈક સાંભળે તો કે, જીવી, આવું આપજોડીયું હું કામ ગાતી હો છો? તો તરત જીવી નિશાળમાં જોષીસાહેબે શીખવેલું વાક્ય એની આંખો પટપટાવતી, ટચાકા ફોડી, નાકને ઓતર દખ્ખણ મરોડતી કહી દે, તમને હું ખબર પડે... તો લોકગીત કે'વાય... એમાં લોકો બનાવે. અટલે બધું હાલે.. સામાવાળો હજુ કાંઈ બોલવાની તૈયારી કરે કે તરત જીવી રોકડું પરખાવી દે, મારે નથી લપ કરવી, તમે સાચા બસ. રાજી ને પાછી ગીત ગાતી પગની ઠેક લેતી ઝાંઝરી રણકાવતી હાલતી થાય અલબત મણમણનું મલકાતી તો હોય જ. નિશાળે જોષીસાહેબે દેવુબાને કીધુંય ખરું કે, દેવુબા, તમે જીવીને આગળ ભણવા દ્યો. હવે તો દસ સુધી ભણે ત્યાં માસ્તરની નોકરી મળી જાય છે. બાજુના ગામ સુધી અપડાઉન કરવું પડે એટલું જ. પણ દેવુબાનો જીવ હાલ્યો, ના રે માસ્તર, તમી ક્યો હંધુય હાચું પણ અસતરીના અવતારને તો ઉંબરોય નેજવાનું મન પુછીને ઠેકવાનું હોય, ઈમાં પાછી હું તો ભવની દાઝેલી, એકલા પંડે. ને ટેમ કટલો ખરાબ છે, બળ્યું મારી સોડીનું નશીબ બીજું હું. હવે કામ શીખશે ઘર રહીને. આખો દિવસ જીવી મુંગી રહેલી. ઘરની પાછળ વાડામાં દુધી તોડી આવવાના બહાને રોઈ આવેલી. જીવીની રગેરગ જાણનાર દેવુબા બોલ્યા, જીવી, ઓલ્યું ગીત ગાતો... દાદા હો દિકરી... ને પછી અડધી કલાક જીવીની કેસેટ વાગેલી.

અહીં સુધી તો બધું બરોબર, પણ વાંધો પડ્યો વડસાવિત્રીના વ્રતની પુજા ટાણે. જીવીની ખાસ બેનપણી રેખડી એના બાનું ઘરચોળું પહેરીને આવેલી ને જીવીએ પે'રીથી જુની લાલ દરબારી બાંધણી. ત્યાં સુધીય વાંધો નહોતો આવ્યો પણ જીવી આખી પૂજામાં જોતી રહી રેખડીના જમણા હાથની કોણી ઉપર પહેરેલું સોનાનું બાજુ. બાજુમાં અંદર જડાવેલ લાલ પથ્થર ને છેડે લાઈનબંધ ગોઠવાયેલી ઘુઘરીઓ. ન્યાં તો કંઈ બોલી પણ ઘેર આવીને દેવુમાને ક્યે, બા, મને તમારું બાજુ પહેરવા આપો! જીવીએ કરેલી વિચિત્ર માગણીની અપેક્ષા તો દેવુમા સહિત કોઈએ રાખી નહોતી.

“આ વળી હું નવું સુઝ્યું તને? મોટીબહેન ફળિયું વાળતાં વાળતાં બોલી.

“લે હવે, ફરાળ કરવા બેહી જા..! દેવુમાએ તાવડી પર શેકેલી શીંગ જીવી સામે ધરી. જીવી તો પૂજાની થાળી કોરે મુકીને સીધી ઓયડામાં ગઈને પેટી ખોલીને બધા પોટલા કાઢવા લાગી, અડધી પેટી ખાલી કરી નાખી પછી ઉપવાસના લીધે હાંફી ગઈ ને બેસી પડી. દેવુબા અંદર ઓયડામાં આવ્યા અને બધો સામાન ફેંદાયેલો જોયો કે એની કમાન છટકી,

“કાંઈ ભાનબાન પડે છે? હું ફેંદવા બેઠી? કામ તો કાંઈ કરે નહીં ને કામ વધારતી હોય છે. કાંય કે'તા નથી ને દાડે દિ' બગડતી જાય છે.

“બા, મને બાજુ જોવે છે....

“બાજુ ક્યાંથી લાવું, પેર્ય તારી માનું કપાળ. આંય તમાર બાપ ખજાના દાટી ગ્યો સે? ને દેવુબા ફેંદાયેલા લુગડાનાં ઢગલાં પર બેહી પડ્યા ને બે હાથે મોઢું ઢાંકીને રોઈ પડ્યા. બાને તો બાપુ વીયા ગ્યા ટાણેય આવાં રોતાં નો'તા જોયેલાં. જીવીની તો કાપો તો લોહી નો નીકળે એવી સ્થિતી થઈ ગઈ. બીજા ભાંડરડાઓય રોવા લાગ્યા. સાંજ આખી બધાંએ દેવુબાને ભેટીને કાઢી. કોઈ વાળું કરવા ઊભું નો થયું. જીવીને રાતે ખાટલીમાં સૂતાં સૂતાં એની બા વધુ સમજાણી.

અંધારામાં ફાનસની ટુંકી કરેલી વાટ્યના અજવાસમાં ઘરની દિવાલો પીળા રંગ ઓઢીને ખરી પડતાં પોપડાને ટેકો આપતી હતી. બાજુમાં સૂતેલી બાના કપાળ પર જીવીએ હાથ ફેરવ્યો ને બાએ જીવીને ગાલે હાથ મુક્યો.

“જીવી,

“હંમ.

“તારે બાજુ જોઇતું છે? અંધારામાં દેવુબાની આંખ્યું જીવી જોતી રહી. એને લાગ્યું કે ફાનસની ટુંકી વાટ્યમાંથી ઉતરીને પીળો અજવાસ બાની આંખ્યુંમાં બેસી ગ્યો છે. પછી ધીમેથી બોલી,

“નથ જોઈતું બા! જીવીની આંખ્યું ભરાઈ આવી. બાએ જીવીના જમણાં હાથની કોણીના ઉપરના ભાગને હથેળીથી ઢાંકતા કીધું,

“જીવી, લે જો, બાજુ તને પેરાવ્યું, સાચવજે... ખોવાઇ નો જાય. જીવી એનાં જમણાં હાથના કોણી ઉપરના ભાગને જોતી રહી. કાંઈ નહોતું તોય બા હેતથી બાજુ પે'રાવતી હોય એમ ખાલીખાલી ન્યાં હાથ ફેરવતી રહી.

“જો, મેં બાજુ કાળા દોરાથી ટાઈટ બાંધ્યું છે, થોડી ચામડી ભીંસાશે પણ સરી નહીં જાય. બાની આંખ્યું દડદડ વરસી પડી. આખી રાત મા દિકરી વાત્યું કરતી રહી ને જીવી બાજુ પહેર્યું હોય એમ હાથને ઢાંકીને રાતનો છેલ્લો પ્રહર થયો ત્યાં સુધી જાગતી રહી.

પછી તો વડસાવિત્રી પુરા થઈ ગ્યા અને જીવીની ખાસ રેખડીનું વેવિશાળ નક્કી થયું. સામાવાળા સુધરેલાં હતા તો ક્યે કે અમારે ચાંદલા કરવાં આવવું છે વેવાઈ, ખાલી રુપિયો નારિયેળમાં પતાવવું નથી, અમારે તો એકનો એક છોકરો છે. તરફ રેખડીના બાય તે વેવાઈની એક ઓશરીએ આઠ ઘર ને બાપુ સુરતમાં હીરાના ત્રણ કારખાના ભાળી ગ્યા'તા તે રામેરામ. ચુંદડી ઓઢાડવાનો દિવસ આવ્યો. ગામડાં ગામમાં ચોરાનાં ચાર ડોસલા, રામજી મંદિરની દસ ડોશીને નાકે બેસતાં બાર તેર જુવાનડાઓને મન કૌતુક આવ્યું. ગામડાં ગામમાં પેલ્લું વેલ્લું હતું. બસ ભરીને વેવાઈ ચાંદલો કરવા આવ્યા ત્યારે તો ડોશીયુંના મોતીયે ચડેલ ચશ્માંય આંખ્યું હંભાળવા નાના પડતાં હતા. જીવી તો રેખડીની પાછી ખાસ એટલે તો બે દિવસથી ત્યાં ડેરો નાખી બેઠી હતી. એણેય આજે જાંબુડિયા કલરના નેટનાં ચણિયાચોળી પહેર્યા હતા, આમ તો ચારે બેનું વચ્ચે સહિયારી ચણીયાચોળી હતી, બ્લાઉઝના સલ્લા તોડીને ભરીને એકબીજી પેર્યા કરતી. જીવીએ તો તવેથો ઉનો કરી એના વાળની લટને તવેથાના છેડામાં વીંટાળી તવેથો સેરવી લીધો અને વાળની લટ ટી.વી.માં આવે એવી એકદમ આંટીવાળી થઈ ગયેલી. એની ચોલીની ઈસ્ત્રીય જીવી છાલિયામાં દેતવા ભરીને કરી નાખતી, ઉનું ઉનું છાલિયું કપડાં માથે ફરતું જાય ને કપડાંની ગડ વીંખાતી જાય. જીવીની બધી હોંશીયારી ઉપર તો દેવુબાને બહુ માન. તે ચાંદલામાં બાજોટ માથે બેસેલી રેખડીને એની નણદું ચુંદડી ઓઢાડી ઘરેણા ચડાવતી હતી ને જીવી ફોટાવાળાને જોઈ લટ સરખી કરીને કેમેરા સામે સ્માઈલ આપી દેતી. ને જીવીનું ધ્યાન રેખડીના જમણા હાથ પર એની નણંદે ચડાવેલ સોનાના બાજુ તરફ ગયું. જોઈ રહી ચુપચાપ. પછી રાત્રે ઘેર આવીને દેવુબાને ક્યે કે, બા, મારા સાસરિયાવાળાને ચાંદલા માટે બોલાવોને....! અને દેવુબા સહિત બધા ભાંડરડાઓ દાંતે બઠ્ઠા પડી ગયા. જીવી સહિત બધી બહેનુંના સગપણ નાનપણમાં નક્કી થઈ ગયેલાં. પછી ચાંદલા તો નો નક્કી થયા પણ દિવાળિએ બધ્ધી બહેનોનાં દેવુબાએ લગ્ન નક્કી કરી નાખ્યા. બાકીની ત્રણેય બહેનુંના આણા સાથે અને જીવીના ખાલી લગ્ન કરવાનાં રીતે લગ્ન લેવાયા. જાડી જાન આવી. ઘરમાં ચાર ચાર મંડપ રોપાયા. બધ્ધી બહેનોને સાસરિયેથી આવેલ ઘરેણાં પહેરાવવામાં આવ્યા. જીવી તો એની સાસરિયાની છાબ જોઇ રહી, એક સાડી ને મોડિયા પર પે'રવાનું પાનેતર ને કટલેરી ને નારિયેળ, સાકર ને મોડિયો. જીવીની તો આંખ્યું ભરાઈ ગઈ. જે શોધવાં છાબ વીંખી નાખી તો કાંઈ જડ્યું નહીં. દેવુબાએ એને સમજાવી, તારી ત્રણેય બહેનું પરણીને સાસરે વયું જાવાન્યું છે એટલે એના સાસરિયાં સોનું લાયવા છે પણ બટા તારા તો ખાલી લગન છે, આણું નહીં.... એટલે તારા ઘરેણાં નથી આયવા. જીવી રોઇ પડી, તરડાયેલા અવાજે બાને ક્યે, હા તો મારુંય આણું હારે કરી નાખોને બા.... થોડાક દાંત કાઢતી ધીમેથી બા ક્યે, ધીમે બોલ્ય નભ્ભાઈ, કોઈક સાંભળશે તો દાંત કાઢશે.... કેશે કે ગાંડી થઈ ગઈ છે, જાન પાછી જાશે! સાનીમાની માંડવામાં બેસી જાજે પછી જીવીની માંડવા બહેનપણી બનેલી રેખડીને ગાંડીને સંભાળવાની ખાસ ભલામણ કરીને દેવુબા લગ્નના કામમાં પરોવાયા, પણ મોટી ત્રણેય બહેનુંના સોનાના બાજુ જોઈને જીવલીની આંખ્યું વરસવાનું બંધ નહોતી કરતી. માંડવામાં બધા જોઈ રહ્યા કે ચાલું પરણેતરમાંય જીવી તો હિબકે ચડી. ગામની બાયું ને સામેવાળી વેવાણુંએ સીધું લીધું કે, જોયું બેન, કેટલી મમત છે એને એની મોટી બેન્યુંની... કેવી રોવે છે બીશ્શારી... ગમ્મે એમ તોય દેવુબાનાં સસકાર હોં... જીવી તો જીવરી બહું જ! જીવીના રોણામાં લગન પુરા થઈ ગ્યા, ત્રણેય બહેનો સાસરે જતી રહી પણ જીવીનું મોઢું બગડી ગ્યું વાતે કે લોભીયો મારો સસરો એક નાના સોનાના બાજુમાંથીય ગયો. પટેલવાસની છોકરીયું આગળ તો લગન આવ્યા ત્યારે પોતાની સસરાની જમીન અને મિલકતના બહું ફાંકા મારેલા તે હવે ફાંકા પર જીવીને પસ્તાવો થતો હતો કે બધ્યુંને કે'વું તો શું કે'વું? કટલાય દિવસ થ્યા, મહેંદી ઘસાઈ હાથમાંથી નીકળી ગઈ પણ જીવી ઘરની બહાર નો'તી નીકળી.

પછી પગફેરો કરવા માટે મોટીબહેન ઘેર આવી અને એણે જોયું કે જીવીને મોઘરો હજુ મરડાયેલો છે. બધી છોકરીઓ ભાદરવીના મેળામાં જવા તૈયાર થઈ પણ જીવી તો કાંઈ ચલપહલ બતાવતી નહોતી તો મોટીબહેને એની પેટડીમાંથી સોનાનું બાજુ કાઢ્યું ને જીવીના હાથમાં પહેરાવી દીધું. જીવી તો આંખ્યું ફાડી ફાડીને જોઈ રહી ને એવી તો હરખાણી એવી તો હરખાણી કે લગનનું ઘરચોળુ પહેરી લીધું ને પછી ઉતાવળી ઉતાવળી ગામમાં બધી શેરીઓમાં ભાયાતુંના ને પટેલના ડેલામાં બહેનપણીઓને બાજુ દેખાડી આવી. એને તો જાણે નવી પાંખ આવી. આખો દિવસ મેળામાં ચકડોળમાં બેઠી, ભેળ ખાધી કે તો કટલેરી લીધી પણ માટે બચાવેલાં પૈસામાં મોડેલીંગ ફોટો પડાવી આવી. મોઢા પર મણનું સ્માઈલ ને સેંથામાં કંકુ ભરેલું, બંને હાથમાં બંગડીને પાટલા, ગળામાં મોતીની માળા ને સાંઈબાબાનું ચગદું, કેડ્યમાં ચાંદીનો કરજુડો ને જમણા હાથે પહેરેલાં બા જુની નીચે હાથ મુકીને કેમેરા સામે ઊભી રહી ગયેલી. ફોટાવાળાનો તો જીવ ખાઈ ગઈ કે, ભાઈ, ફોટો બરાબર આવવો જોઈએ... મારું બાજુ દેખાવું જોવે હોં... બાજુ ઢંકાઈ નો જાય.. પછી મોડેલીંગથી ક્યા ક્યા ફેરફારો કરવાના છે ને વાતય એણે ફોટાવાળાને સમજાવી ને બે દિવસ પછી ફોટો લઈ જાશે ને જો ફોટો સારો આવ્યો તો એની બહેનપણીયું તે આવાં ફોટા પડાવવાં આવશે ને ફોટાવાળો ફેમસ થઈ જાશે ને વધારે ઘરાક મળશે ને પોતાના સાસરિયે કેટલી જમીન છે ને પોતાની બહેનપણી રેખડીના સાસરિયેથી કેટલું સોનું આવેલું ને કરશનકાકાએ તે કેવો જમણવાર કર્યો હતો ને એનું પેરેલું ઘરચોળું કેટલું મોંઘુ છે ને એને ક્યા ક્યા ગીતો આવડે છે-થી માંડીને બધી વાતું એણે સ્ટુડિયોવાળાને કરેલી. બિચારા સ્ટુડિયોવાળાને તો ખબર હોયને કે લગન પછી મહિના બેન મુંગા હતા ને આજે મહિનાની દાઝ એક હારે આયાં ઊતારી તે બાજુના લીધે. ઠેઠ સાંજે ઘેર આવી ને બંગડી કાઢવા ગઈ ત્યારે ખબર પડી કે હાય હાય મારું બાજુ? ઓરડામાં એણે લાંબા સાદે રોવાનું ચાલું કર્યું. પછી તો એના બે ભાયું બત્તી લઈ ઠેઠ શિહોર મેળા સુધી ગયા તપાસ કરવા, દેવુબા તે ભાયાત ને પટેલની ડેલી સુધી જઈ આવ્યા, મોટી બહેન અને જીવી શેરી શેરી ખુંદી આવ્યા. સરવાળે કશું હાથમાં આવ્યું. ને રાત્રે પછી દેવુબાએ જીવીને નીંઘારી. મોટીબહેન આડા આવ્યા અને જીવીને માર ખાતા અટકાવી. સવારે દેવુબાએ મોટીબહેનના સાસરિયે ભાયાતના ડેલેથી ફોન જોડ્યો ને બાજુ ખોવાઈ ગ્યું એની માફી માગી જવાબમાં સામાવાળા આવીને મોટીને રાતોરાત પાછી તેડી ગયા. જીવીને તો વાતની એટલી મોટી ઠેસ વાગી કે એનું બોલવાં-ચાલવાનું સાવ ઓછું થઈ ગયું.

હવે તો સપનામાંય એને એવું આવતું કે આજુબાજુ મોટા મોટા ચકડોળ ફરતાં હોય, ફેરિયાની બુમાબુમ, પાણીપુરીના થેલાઓ લાગેલા હોય, કટલેરીની દુકાનો લાગેલી હોય, છુંદણા છુંદાતા હોય, બધ્ધી બહેનપણીઓ હસાહસ કરતી હોય, પેલો મોડેલીંગ ફોટોવાળો કે'તો હોય બેન તમારો ફોટો તો લઈ જાવ બહુ મસ્ત આયવો છે, તમારું બાજુ બહુ સારું લાગે છે! ને સપનામાં એને દેખાય કે આખા મેળામાં તો બસ બાજુ શોધે છે ને ઘેર કોરે બેઠી બેઠી મોટીબેન રોયા કરે છે ને બા ભાયાતુનાં ડેલા ખખડાવે છે. ને જીવી જાગી જાતીને ખાટલીમાં રોયા કરતી. દેવુબા જાગી જતાં અને જીવીને છાની રાખતાં. જીવી દેવુબાને ભેટીને સૂઈ જતી અને ડાબા હાથથી જમણા હાથની કોણીવાળો ભાગ અનાયાસે ઢાંકી દેતી.

સમય તો પડખાં બદલતો રહ્યો ને જીવી તો નાગરવેલની જેમ વધતી હાલી. જીવીના સાસરિયે આણાનું પુછાવ્યું ને દેવુબાએ હા પાડી દીધી. જીવીનો કરિયાવર સંકેલાતો ગયો ને બધી બહેનો સાસરિયેથી આવી ગઈ. મોટી બહેનના જમણા હાથ પર જીવીએ પહેલાં હતું એનાં કરતાંય મોટું બાજુ જોયું ત્યારે કેટલાય સમયે હરખાણી. જીવીનું આણું કરવા સાસરિયાવાળા ટ્રેકટર લઈને આયવા. ડાયરો ભરાયો. ઘરેણા અને સાડીની છાબ લઈને બાયું જીવીને તૈયાર કરી હતી ઓયડામાં આવ્યું. રેખડી ધીમેથી જીવીના કાનમાં બોલી, જીવલી, તારા સાસરિયા બાકી કાંય બાજુ લાંયવા છે..... હું તો બળી બળીને અડધી થઈ ગઈ. હાટ્ટ.... તું તો જોજે તો ખરી! જીવીએ એનો હાથ પકડી લીધો, ખા ધારાળી ખોડિયારના સમ કે તું હાચું કે છે....!

“અરે, માર ભોલીયાના બાપાના હામ... હા... પછી તો જીવીને ચટપટી થઈ ગઈ. ઘડીયે ઘડીયે મોટીબેનને બોલાવી બોલાવીને કહે કે બેન, હજી કટલીવાર છે? બધાને જમાડી દ્યોને ફટાફટ... મોટીબેન દાંત કાઢતી અને કહેતી કે જીવી, ધીરે બોલ્ય, તને શેની ઉતાવળ છે ખબર્ય છે પણ કોઈક હાંભળશે તો કેહે કે સોડી ઘેલી થૈ છે ને કટલાય અરથ નીકળશે તારી ઉતાવળનાં. પછી બધાએ જમી લીધું અને જીવીને ઘરેણાં ચડાવાયાં. જીવીને બાજુ પેરાવ્યું પછી જીવી તો એવી હરખાઈ ગઈ, એવી હરખાઈ ગઈ કે ઘડીક તો હરખની મારી રોવાઈ ગયું. પછી અરીસામાં પોતાને આગળ પાછળ બાજુ દેખાઇ એમ દાંત કાઢી જોવા લાગી. બહાર દેવુબા બારણું ખખડાવવાં લાગ્યા એટલે રેખડીએ બારણું ખોલ્યું. દેવુબાએ કીધું કે રેખા, વળાવવાનો સમય થઈ ગયો છે. રેખાએ બાજુ રમાડતી જીવીને ઈશારો કર્યો કે જીવી, રોવાનું ચાલું કર.... પણ જીવી જેનું નામ, રોવું તો આવે કેમ? એય તે જ્યારે પાછી આટલી બધી રાજીની રેડ થયેલી હોય ત્યારે તો ખાસ. બસ પછી તો મોટીબેને ફેરવીને ધોલ મારી ત્યારે જીવીને જેવું તેવું કાંઈક રોવા જેવું આવ્યુ. પછી જીવીને લાલ ઘરચોળા ઉપર સફેદ પછેડી ઓઢાડી ટ્રેઈલરમાં ચડાવી દીધી. જીવીને એના સોનાનાં બાજુ ભેગી દેવુબાએ વળાવી દીધી. આખે રસ્તે છાતી સમાણાં ઘુમટામાં જીવી તો ડાબા હાથથી જમણા હાથનાં બાજુને ઢાંકીને બેઠી અને બાજુની ઘુઘરીઓ રમાડતી રહી.

સાસરિયે પહોંચી ત્યાં દિ' આથમી ગયો હતો. ઘરચોળાની ભાતમાંથી જીવી સાસરિયાને જોઈ રહી. મોટી ડેલી અને અંદર એક ઓશરીએ સાતેક ઘર, મોટું ફળિયું ને ફળિયામાં મોટો લીમડો. એકબાજુ ગમાણમાં ભેંસો ને બળદ બાંધેલા અને બીજી બાજુ પાણીની મોટી કૂંડી. નણંદુએ જીવીને એક ઓરડામાં બેસાડી. જમીન પર પાથરેલા ગોદડા પર બેસીને કુળદેવીના થાનકે જીવીએ બે હાથ જોડ્યા અને પગ સંકોરી મોં નીચે રાખીને બેસી ગઈ. કુટુંબની એક પછી એક બાયું આવીને દુખણા લઈ જાય ને જીવીને દસ દસની નોટો પકડાવતી જાય. ગામના મંદિરે ઝાલર વાગી. રસોડામાં રોટલાં ટિપાતાં હતા. થોડીવારે જેવો તેવો દેકારો સંભળાયો એટલે પોતાનું બાજુ પંપાળવાનું મુકી જીવીએ નણંદને હળવેકથી પૂછ્યું, ઘરમાં કાંઈ થયું છે બેન? નણંદે જીવી સામે જોતાં કહ્યું, ભાભી, કાળનું વરસ છે એટલે તમને બધાં ઘરેણાં કરાવી હકાય એવી બાપુની પરિસ્થિતી નહોતી એટલે તમને મોટા ભાભીનાં ઘરેણાં ચડાવ્યા છે, ને હવે તમીં ઘરમાં આવી ગ્યા છવો તો ભાભી એનાં ઘરેણાં પાછાં માંગે છે, એમાં બધી ચણભણ હાલે છે. જીવીએ તો એનું બાજુ કસકસાવીને પકડી રાખ્યું ને જમીન તરફ જોઈ રહી. બહાર અવાજો વધવા લાગ્યા. થોડીવારે જીવી હતી ઓયડામાં એક આદમી આવ્યો, જીવી હજું એને ઓળખે નો ઓળખે ત્યાં પેલાએ કીધું,

“આ તારાં ઘરેણાં ઉતારી નાખ્ય, મોટા ભાભીને પાછા આપી દેવાનાં છે...! ખોટી લપ કરવાં ચડી ગ્યા સે અટાણમાં, સવ સમો વરતે સે હાહરિના! જીવી પાંચ હાથ પુરાને જોઇ રહી, આછું આછું આને ચૉરીમાં પરણેતરમાં લાલ બાંધણીના ઘુમટામાંથી જોયાનું યાદ આવ્યું, જીવીની આંખો ભરાઈ ગઈ, સામાવાળો ધુંધળો દેખાવવા લાગ્યો. એણે ઘરેણાં ઉતાર્યા.

“આ બાજુય તે ઉતારવાનું છે! પેલી ધુંધળાશમાંથી અવાજ આવ્યો. જીવીએ મહામહેનતે બાજુ ઊતારવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ વાતે બાજુની આંકડી ખુલતી નહોતી, નણંદે બેસીને ફટાફટ ખોલી આપી અને બાજુ ઉતરી ગયું. હવે ઘરમાં જીવી એકલી પડી. ડાબા હાથથી જમણા હાથનાં બાજુવાળા ભાગને ઢાંકતી હિબકે ચડી. આવું રોણું તો વળાવી ત્યારે નહોતું આવ્યું. એના બહાર સરી આવતાં એકાદ ડુસકા બદલ ઘરનાં લોકોએ એમ વિચાર્યું કે સાસરિયે આવેલી નવી નવી બાઈ પિયર સંભારીને રુએ તો સ્વાભાવિક છે. એટલે આંયાંય જીવીનું રોણું ખપ લાગ્યું.

રાત્રે એણે લુસલુસ ખાધું અને કોઈએ એને આજે વધું ખાવાની તાણ્ય પણ કરી. એના ઓયડામાં આવીને જીવી પડખું ફેરવી સુઈ ગઈ. સૂતી સુતી છત માથે લાગેલાં પંખાને જોતી રહી. અચાનક લાઈટ જતી રહી અને આખી ડેલીમાં અંધારું પથરાઈ ગયું. જીવીના રુમમાં બેટરી પ્રવેશી. જીવીએ ધ્યાનથી જોયું, એનાં બાજુનો ઊતરાવનાર હતો, એણે બેટરી કબાટ પર મુકી. બારણાને આગળિયો દીધો. બેટરીનું અજવાળું સામેની દીવાલ પર ભટકાઈને આખા ઓયડામાં પીળાશ ફેલાવતું હતું. પેલો જીવી સુતી હતી એની બાજુમાં બેઠો ને જીવીની સામે જોતાં બોલ્યો,

“જીવી....

“હમ્મ જીવીએ એની સામે જોયા વિના જવાબ દીધો. પેલાએ ધીરેથી કીધું,

“તને ખરાબ લાગ્યું છે જીવી? જવાબમાં જીવી એના રંગાયેલાં નખ પરની નેઇલને ઊખાડતી હતી.

“મને ખબર છે કે તને બાજુ બહુ ગમે છે! જીવી એમની સામે જોઈ રહી. જીવીને લાગ્યું કે અંધારામાં બેટરીની પીળાશ એમની આંખોમાં ઉતરી આવી હતી.

“હું તને બાજુ કરાવી આપીશ, મારા પૈસે... કોઈ પાસે આપણે માગવું નથી, કોઈનું પે'રવી તો કોઈ ઉતરાવેને? જીવીનાં કપાળે એમણે હાથ મુક્યો. જીવીએ એમનો હાથ દબાવ્યો પછી એમના ગાલે હાથ મુકી ને કીધું,

“પણ મારી પાસે તો બાજુ છે જ.... સમજી શક્યા. જીવીએ એમની આંખોમાં આંખો નાખી ને પોતાનો જમણો હાથ બતાવતાં કહ્યું, તમને દેખાય છે કોણી ઉપર બાજુ? છે ને એકદમ મોટું, ચળકાટ કરતું? મને એનાં છેડાની ઘુઘરીઓ બહુ ગમે હોં, મારી બાનું છે બાજુ. નાનપણમાં એને મને અહીંયા બાંધી દીધું હતું. ને તમને કહું એણે કાળો દોરોય ટાઇટ કરીને છેડે બાંધી આપેલો. થોડીક ચામડી ભીંસાય છે પણ સરી નથી જાતું. થોડો સમય તો હુંય ભુલી ગયેલી કે આંયા બાજુ બાંધેલું છે જ. છે ને બાકી મસ્ત...! આછાં આછાં પીળા અજવાસમાં જીવી હાથને પંપાળતી રહી ને જીવીના 'એ' જીવીને આમ બાજુની ઘુઘરીઓ રમાડતી જોઇ રહ્યા.

કેમ બાકી? મેં તમને નહોતું કીધું? જીવી છે એવી, બહુ જીવરી. પરાણે વહાલી લાગે એવી. વા સાથે વાતું કરે એવી મીઠડી. મને તો હજી દેખાય છે જુઓ, પેલી દુધની બરણી લઈને જતી, પોતાની ઝાંઝરીઓની ઘુઘરીઓ રણકે એમ પથરાઓ ઠેકતી, લાંબો ચોટલો ને અલબત્ત દેવુબાનું એમાં પાંથીએ પાંથીએ સીંચી આપેલું તેલ, આખું ગામ સાંભળે એમ ગીતો ગાતી જાય ને કોડી જેવી આંખો પટપટાવતી જાય જ. સો વરસ જીવવાની ભમરાળી!

સ્રોત

  • પુસ્તક : મહોતું (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સર્જક : રામ મોરી
  • પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન
  • વર્ષ : 2016