વિનોદિની નીલકંઠ
Vinodini Nilkanth
“વહુ, હવે તો તમને હાથ જોડ્યા. તમે જે દિવસે અમારા ઘરમાં પગ મૂકયો, ત્યારથી, આટલા વરસમાં, કોઈ ઘડીક જંપીને બેઠું નથી.” અમારી પાડોશમાંથી એક જાજરમાન સાસુની ગર્જના સંભળાઈ. અમે હજી તે લત્તામાં નવેનવાં જ હતાં; પણ આ સાસુના આવા બૂમબરાડાથી થોડા દિવસમાં જ ટેવાઇ ગયાં હતાં. અને જવાબમાં, સાસુને તોબા પોકરાવનારી વહુ કદીયે એક હરફ પણ ઉચ્ચારતી સંભળાતી નહિ. ઘૂમટો કાઢી વાસણનો ખડકલો માંજતી કે લૂગડાંનો ઢગલો ગુપચુપ ધોયા કરતી જ નજરે પડતી. સનાતન કાળથી ચાલી આવતી હિંદુ સમાજની સાસુ-વહુની આ લડાઈ છે એમ સમજી, શરૂશરૂમાં તો મને એ પ્રકરણમાં મુદ્દલ રસ નહોતો પડતો; પરંતુ એમને ઘેરથી ઉછીનો લીધેલા લોટ પાછો આપવા હું ગઈ ત્યારે મેં સાસુ-વહુની આ લડાઈમાં કાંઈક નવું કૌતુક ભાળ્યું. તે દિવસે સાસુ ચંચળબહેન હીંચકે બેસી છીંકણી તાણતાં હતાં અને વહુ લૂગડાંને સાબુ દેતી હતી. વિધવા ફાઈ ગંગાબહેન રસોડામાં હતાં. મેં ચંચળબહેનને લોટ આપ્યો. એટલે એમણે વિવેક કર્યો : અરે, રહેવા દોને! એટલા ચપટી લોટમાં શું પાછો દેવા આવ્યાં?”
મેં કહ્યું : “ના, ચંચળબહેન, હવે તો ચપટી લોટ પણ કીમતી થઈ ગયો; સરકાર માથાદીઠ ગણીને દાણા આપે છે ને! હવે કાંઈ—” ત્યાં તો મારું વાક્ય અધૂરું કાપી નાખી તે વહુ તરફ જોઈ તાડૂકી ઊઠ્યાં : “હવે એ પહેરણ તે ચડ્ડીની જોડી ઉપર જ બધા સાબુ ધસી નાખવા ધાર્યું છે કે શું? એણે વળી બાપ-જનમારામાં સાબુ ક્યારે ભાળ્યો હશે? તમે પણ હદ કરો છો, વહુ!” વહુએ ચૂપચાપ દોષિત ઠરેલાં લૂગડાંની જોડી બાજુએ મૂકી પોતાના પતિના ધોતિયાને સાબુ દેવા માંડ્યો. તે જોઈ સંતાષ પામી સાસુ મારી તરફ ફર્યાં, અને વળી બીજી-ત્રીજી વાતચીતમાં પડયાં. ત્યાં વળી એક બીજો બનાવ બન્યો. એક નાનોસરખો ચાર-પાંચ વરસનો, દૂબળો, પાતળો, કાળો ને મોટા માથાવાળો તથા મોટી કાળી કાળી આંખોવાળો છોકરો વહુ પાસે દોડી આવ્યો. વહુએ પોતાના સાલ્લાના પાછળના ભાગથી તેનું નાક લૂછ્યું અને છોકરો તેના કાનમાં કાંઈ કહેવા લાગ્યો. તે જોઈ સાસુની આંખમાંથી ક્રોધના તણખા જાણે ખરવા લાગ્યા. વહુએ જરા મોઢું મલકાવી ખિસ્સામાંથી એક પૈસો છોકરાની ધૂળ ભરેલી હથેળીમાં મૂકી દીધો. તે જોઈ સાસુનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો :
“બીજા કોઈને તો શરમ આવે; પણ આ વહુ તો તદ્દન નફફટ છે! કોના -પૈસા છે - તમારા બાપના? તે આપ ચપોચપ કાઢીને એ હરામીને આપી દો છો? મારો દીકરો બિચારો રાત-દહાડો વૈતરું કરે છે તે આમ વેડફી નાખવા માટે કે?” મારું કામ પતી ગયું. હાવાથી હું ઉઠી. પણ મને એ કોનો છોકરો તે વિશે જાણવાનું કુતૂહલ થયું. વિચાર કરતાં મને લાગ્યું કે વહુના પિયરને સગો હશે. થોડા દિવસ થયા ને બપોરી વખતે તે પડોશની પેલી ‘વહુ’ મારે ઘેર આવી. તેના હાથમાં ઊનનો દડો ને ગૂંથવાના સોયા હતા. હું છાપું વાંચતી હતી તે હેઠું મૂકીને મેં કહ્યું : “આવો, આવો, બહેન! આજે તમે ક્યાંથી નવરાં પડયાં!”
તે હસીને બોલી : “હાશ, આજે પહેલી જ વાર આ ગામમાં મને કોઈએ ‘બહેન’ કહીને બોલાવી. ‘વહુ’ અને ‘ભાભી’ થવાનો મને જાણે કંટાળો આવી ગયો છે.”
મેં કહ્યું : “તમારા પિયરનો પેલો છોકરો છે, તે તો ‘બહેન’ જ કહેતો હશે ને?”
મારી વાત સાંભળી તે હસી - પણ કેવું કરુણ તે સ્મિત! અષાઢની રાત્રે ઘનશ્યામ વાદળભર્યા આકાશમાંથી એકાદ તારો ક્ષણભર ઝબૂકવાનો પ્રયત્ન કરે - એવું એ સ્મિત હતું. પછી તે બોલી : “બહેન, એ છોકરો મારા પિયરનો સગો છે એમ તમને કોણે કહ્યું?”
મેં જવાબ દીધો : “તમારાં સાસુને એ અળખામણો છે અને તમને એની દાઝ છે, તે ઉપરથી મેં તો અનુમાન કર્યું.”
તે સ્ત્રી બોલી : “હું પરણીને આવી પછી મારા સસરાજી બદ્રી-કેદારની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા ફર્યાં ત્યારે આ છોકરાને સાથે લેતા આવેલા.”
મેં પૂછ્યું : “ત્યાંથી આ છોકરો જડેલો, એમ?”
તે બોલી : “ના. એની વિધવા મા રસ્તામાં જોષીમઠ પાસે કોગળિઉં થવાથી મરી ગઈ. માના શબ પાસે બેઠો બેઠો આ નાનો છોકરો રડતો હતો. સસરાજીને દયા આવવાથી તેને લઈ લીધો.”
મેં કહ્યું : “તેથી તમે લોકો એને ‘બદ્રી’ કહીને બોલાવો છો?”
વહુ બોલી : “હા. સસરાજીએ એનું નામ બદ્રીપ્રસાદ પાડેલું.” મેં પૂછ્યું : “ત્યારે તમારા સસરાનો તો આ છોકરો માનીતો હશે.”
વહુએ જવાબ દીધો : “હાસ્તા, તેમને મન તો મારા કેદાર કરતાં પણ અધિક હતો અને ગયા વર્ષે તે ગુજરી ગયો ત્યારે બદ્રીનો હાથ મારા હાથમાં મૂક્યા પછી તેમણે આંખો બંધ કરી દીધી હતી. પણ મારાં સાસુને પહેલેથી જ આ છોકરો ગમ્યો નથી.”
મેં કહ્યું : “પણ તમે પણ જબરાં છો. સાસુની ઉપરવટ થઈને આ બદ્રીનો પક્ષ લીધા જ કરો છો?”
વહુ બોલી : “શું કરું, બહેન! છોકરો મને જાણે ચોંટી જ પડ્યો છે. પહેલાં તો મને ‘મોટીબેન’ તે મીઠે નામે બોલાવતો, પણ સાસુજીથી ડરીને હવે ‘ભાભી’ કહેતાં શીખ્યો છે. હું વિચાર કરું છું કે અનાથ દુઃખિયારી વિધવાનો એકનો એક દીકરો હતો, તે માએ શું વહાલ નહિ વરસાવ્યું હોય? મારો પોતાનો દીકરો કેદાર છે, તે ઉપરથી મને બરાબર ખ્યાલ આવે છે કે જો કાલ ઊઠીને હું મરી જાઉં તો મારા કેદારની શી ગતિ થાય? એને કોઈ ઓછું આપે, કોઈ લાડ ન કરે, કોઈ વહેરોવંચો કરે...તો?” આટલું બોલતાં તે સ્ત્રીની આંખો ભીની થઈ ગઈ. પાલવથી આંખ લૂછી વળી તે બોલી : “તમે માનશો? કેદારના ભાગમાંથી કાઢીને પણ હું આ બદ્રીને બધી ચીજ આપું. પરમ દિવસે મારાં સાસુ બજારમાંથી શીંગોડાં લાવ્યાં હતાં. તેમણે તો કેદારને આપી દીધાં. કેદાર ખુશી થઈને તે ખાવા માંડ્યો. બદ્રી મોટી આંખો પહોળી કરી પોતાના હોઠ ઉપર જીભ ફેરવતો હતો તે જોઈ મારું કાળજું કપાઈ જવા લાગ્યું. મેં કહ્યું : ‘કેદાર, બદ્રીને પણ બે-ચાર શીંગોડાં આપીને ખા. કોઈને મૂકીને ન ખાઈએ.” ત્યારે મારાં સાસુજી બોલી ઊઠયાં : ‘ચાર-છ શીંગોડાં તો છે, તેમાં વળી ભાગ કેવો? આ તો હજી નવેનવાં આવ્યાં છે. એની ઋતુ બેસશે પછી તો ઢગલે ઢગલા મળશે.’
છતાં મેં કહ્યું : “એમ એકલપેટા થવાથી કેદારને પણ ખોટી ટેવ પડે ને?” મારાં સાસુજી ખૂબ ચીડાયાં ને બોલ્યાં : ‘બાપ કેદાર, એકાદ શીંગોડું એ કાળમુખાને આપ નહિ તો તારી માની જ તને નજર લાગશે.” આટલું બોલી તે સ્ત્રી ફરીથી રડવા લાગી. પછી તે બોલી : “બદ્રી સસરાજી સાથે આવ્યો ત્યારે તેની પાસે એક થેલી હતી. થેલીમાં તેની માએ કેવાં જતનથી કપડાં ગોઠવ્યાં હતાં! ફાટેલાં કપડાં પણ કેવી સરસ સફાઈથી થીગડાં મારી સીવેલાં હતાં! વળી એક ચીથરાના છેડે ત્રણ રૂપિયા તે તેર આના બાંધેલા હતા. અનાથ દુઃખિયારી એ વિધવાની પોતાના દીકરા માટે મહામહેનતે બચાવેલી મૂડી! ગરીબડા બદ્રીને એ વહાલસોયી માનો હેત કેવો યાદ આવતો હશે! પણ અહીં એનું કોણ છે? અમારા કેદારને રમકડાં જોઈએ, બે વખત પેટ ભરીને મનભાવતી રસોઈ જમ્યા ઉપરાંત ભાતભાતના નાસ્તા જોઈએ, શિયાળે ગરમ કપડાં, ચોમાસે છત્રી-ભમરડા, લખોટા, પતંગ, ફટાકડા - બધું મોસમ પ્રમાણે વગર માગ્યે જ, મળ્યા કરે; પણ મારા બદ્રીને બાપડાને એક પીપરમીટની ટીકડી કે મૂઠ્ઠી ચણાનું મન થાય તો પણ કોની પાસે માગે? હું ઘડી ઘડી વિચાર કર્યા કરું છું કે મારા કેદારની આવી ગતિ થાય તો મારો દીકરો બિચારો કેવો ઓશિયાળો બની જાય!”
મેં હસવાનો યત્ન કરતાં કહ્યું : “હં, ત્યારે તો એમ જ કહોને કે તમે બદ્રીને નહિ પણ તમારા કેદારને જ આ બધાં લાડ કરો છો!”
મારો ભાવાર્થ તે સ્ત્રી જરાયે ન સમજી. ને બોલી : “કેદારની મને શી ચિંતા છે? એનાં લાડકોડ પૂરનાર ઘણાં છે. પણ બદ્રીનું છે કોઇ? ધારો કે ભગવાનને ઘેર મને તેની માનો ભેટો થઈ ગયો, તો મારે શો જવાબ દેવો? વળી મારા સસરાજી પણ સ્વર્ગમાં બેઠા બેઠા મારી કસોટી કરતા હશે. મારાં સાસુજીને તો શી પડી છે! પણ મારે તો આ બધું વિચારવું રહ્યું ને!”
આ વાતને થોડા દિવસ થયા હશે ત્યાં પાડોશમાં સાસુએ ભારે ધાંધલ કર્યું. વાત તો નજીવી જ હતી. કેદારનો બાપ મુંબઈથી લાલ કેળાં લાવ્યો હતો. બધાંને એક-એક આપી દેતાં પણ વધ્યું તે વહુએ બદ્રીને આપ્યું. તે ઉપરથી તકરાર શરૂ થઈ. સાસુએ બદ્રીના હાથમાંથી કેળું ઝૂંટવી લીધું, એટલે વહુએ પોતાના ભાગનું કેળું બદ્રીને ખાવા આપ્યું. તે જોઈ સાસુએ બદ્રીને ધક્કો માર્યો ને વહુને કહ્યું : “આ કાળિયાને લઈ જુદી રહે. મારે તમારું એકેયનું કામ નથી.” પડતાંની સાથે બદ્રીનો હાથ ઊતરી ગયો. વહુ રડતી રડતી રોતા બદ્રીને લઈ મારે ઘેર આવી. મને પગે પડી કહેવા લાગી : “બહેન, આને હાડવૈદને ત્યાં પાટો બંધાવવા ન લઈ જાવ?” બદ્રીને હાડવૈદ પાસે લઈ ગઈ. પાટો બંધાવી ઘેર આવ્યા, પણ બદ્રી પેલે ઘેર જતાં ખૂબ જ ડરતો હતો; તેથી મેં વહુને બોલાવી કહ્યું : “તમારે ઘેર સાસુજીથી ખમાતો નથી, તો પછી બદ્રી મારે ઘેર ભલે રહેતો.” વહુ બોલી ઊઠી : “અરે, પણ મારા સસરાજીએ મરતી વખતે એનો હાથ મને સોંપ્યો હતો!”
હસી પડતાં મેં કહ્યું : “હા, પણ તે હાથ જુઓને, આજે ઊતરી ગયો ને!” પછી ગંભીરતાપૂર્વક મેં કહ્યું : “તમારા સસરાજી પણ વસ્તુસ્થિતિ સમજી જશે ને તમને દોષ નહિ દે.”
તે પછી બદ્રી મારે ઘેર રહેવા લાગ્યો - પણ તે શૂનમૂન જેવો. બરોબર ખાય નહિ; રાત્રે પથારીમાં સૂતો તો રડયા કરે. એમ કરતાં એને તાવ આવ્યો. તાવની લવારીમાં તે ‘મોટીબેન’ – ‘ભાભી’ના નામની બૂમો પાડ્યા કરે. વહુ બિચારી દિવસમાં દસ વખત બદ્રીની ખબર કાઢવા આવે અને રાત્રે પણ ફેરા ખાયા જ કરે. ઘણી દવાઓ કરી; પણ બદ્રી સારો ન થાય. એક દિવસ ડૉક્ટરે પણ આશા મૂકી દીધી, ત્યારે વહુ મને કહે : “બહેન, બદ્રી સારો થશે તો એને બદ્રી-કેદારની જાત્રા કરવા લઈ જઈશ.” મેં કહ્યું : “બહેન, એવી આકરી બાધા ન રાખો. તમે એટલો ખર્ચો ક્યાંથી કરશો? ને તમારું પોતાનું શરીર કેવું થઈ ગયું છે! એ જાત્રા તો બહુ વસમી છે.”
વહુ બોલી : “ભલે ને હોય! મારા બદ્રીથી વધારે મારે શું છે?” મેં કહ્યું : “કેદાર વળી!” ત્યારે તે શરમાઈ ગઈ, ને બોલી : “ના, બહેન, આજે સોગંદપૂર્વક કહું છું કે આ પારકો જાણ્યો મને મારા પેટના જણ કરતાં અધિક વહાલો છે. પ્રથમ પહેલાં તો ‘કેદારને તો ઘણાં છે, પણ આનું કોણ?’ એમ કરીને મેં તેના પર હેત કર્યું. પણ હવે તો મારે મન આ જ અધિક છે – અધિક નહીં તો સરખો તો ખરો જ!”
વર્ષ - દોઢ - વર્ષ પછી વહુએ બદ્રી-કેદારની જાત્રાની વાત ઉપાડી. સાસુએ પુષ્કળ વિરોધ કર્યો; પણ વહુએ પોતાના પતિને સમજાવી-પટાવીને તેની અનુમતિ લીધી, એટલું જ નહિ, પણ તેણે પોતાની માને પણ સમજાવવાનું માથે લીધું. મને પણ પગપાળા હિમાલય ચઢવાની ને હિમશિખરોનાં દર્શન કરવાની ઇચ્છા થઈ આવી, અને પછી તે સ્ત્રી, બદ્રી તથા હું જાત્રાએ નીકળ્યાં.
હરદ્વારમાં થોડા દિવસ આનંદમાં ગાળ્યા; ધરાઈને ગંગાસ્નાન કર્યું. પછી ઋષિકેશ, લક્ષ્મણઝૂલા થઈ અમે ખરી જાત્રા શરૂ કરી. રસ્તામાં કુદરતે જેટલું સૌંદર્ય ઠાલવ્યું છે, તેટલો જ ગંદવાડ માનવીઓ ઠાલવતાં જતાં હતા. માખીઓનો તો ત્યાં સુમાર જ નહિ. માર્ગમાં બદ્રીને મરડો થયો, તે કેમે મટે જ નહિ. છેવટે જે સ્થળે તેની મા કોગળિયામાં મરી ગયેલી, તે જ સ્થળે બદ્રી પણ મૃત્યુ પામ્યો. બિચારી સ્ત્રીના કલ્પાંતનું વર્ણન કેમ થાય? તે કહે : “હવે પાછાં ઘેર જઈએ.” મેં કહ્યું : “આટલે સુધી આવ્યાં છીએ તો બદ્રીનાથ-કેદારનાથનાં દર્શન કરીને જ પાછાં ફરીએ.”
બદ્રીનાથના મંદિરમાં ભોંય પડી રોતાં રોતાં તે સ્ત્રી બોલી : “ભગવાન બદ્રીનાથ, હવે એ દીકરાને મારે પોતાના પેટ અવતાર આપો; એટલે હું એને ધરાઈને લાડકોડથી મોટો કરું.”
જાત્રા કરી પાછાં ફર્યાં તે પછી બાર મહિને તે સ્ત્રીને બીજો દીકરો જન્મ્યો. સાસુએ ઊલટથી જોષી પાસે નામ પાડવા માટે રાશિ જોવડાવી. જોષી કહે : “વરખ રાશિ છે; ‘બ' ‘વ’ કે ‘ઉ’ ઉપરથી નામ પાડજો.” સુવાવડી વહુ તે સાંભળી બોલી ઊઠી : “જોષી મહારાજ, નામ તો પાડેલું જ છે. બદ્રીનાથની મારી જાત્રા ફળી છે, તેથી નામ બદ્રીપ્રસાદ પાડવાનું છે.” આટલું બોલી તે નાનકડા, કાળી આંખાવાળા અને મોટા બેડોળ માથાવાળા બદ્રીના શરીર ઉપર અથાગ પ્રેમથી હાથ ફેરવવા લાગી. તેના મોઢા ઉપર પરમ સંતોષની લાગણી સ્પષ્ટપણે દેખાતી હતી.
સ્રોત
- પુસ્તક : લીલાવતી મુનશીથી હિમાંશી શેલત (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : ભારતી વૈધ
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1987
