Badmash - Short Stories | RekhtaGujarati

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઈએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યાં. રુક્ષ્મિણીએ એ પછડાટમાંથી ઊઠી પેટી તથા બાબો સંભળાવ્યાં નહીં ત્યાં તો ટ્રેન સ્ટેશન-યાર્ડને વટાવી ગઈ.

ખાલી પડેલા પ્લેટફૉર્મ પર જે કોઈ આ દૃશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી :

“સા’બ લોકના પોરિયા થઈ ગયા બધા! પંક્ચ્યુઅલ ટાઈમ પર જ આવનારા!”

“ને પછી બૈરું કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે!”

આ વાક્યે રામલાલને ચમકાવ્યો : ડબામાં કોણ હતું? પોતે કોને ભલામણ કરી હતી? યાદદાસ્તને નિચોવી જોઈ :

એના નાકને દેશી બીડીના ગોટેગોટ ધુમાડાની દુર્ગંધ યાદ આવી. એના કાન પર આઠ-દસ ઘોઘરા અવાજોમાંથી ગલીચ વાક્યોના ટુકડા અફળાયા. એની આંખોએ તો સ્પષ્ટ કોઈ ચહેરો પકડ્યો જ નહોતો. માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી, કાળી દાઢી, કાળી લુંગી વગેરેની કાળાશ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિંતાનું વાદળું રચતી હતી. ફાટકમાંથી બહાર નીકળતાં એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્યું :

“સંગાથ કોણ હતો, રામલાલભાઈ?”

“સંગાથ તો કંઈ જ ન મળ્યો.”

“ત્યારે તમે એ કોને કહેતા’તા કે ભાઈ, આ બચ્ચાનું ધ્યાન રાખજો!”

“મેં કહ્યું ખરું, પણ કોને કહ્યું તેનું તો મનેય ભાન નથી.”

“આટલી ઉતાવળ નહોતી કરવી; કાલે મોકલવાં’તાં.”

“હવે મને પસ્તાવો થાય છે.”

“કોણ જાણે, આપણા લોકો આગગાડીને દેખીને ભૂરાંટા જ થાય છે, ભૂરાંટા!”

‘ભૂરાંટા’ શબ્દ રામલાલની છાતી સોંસરો ગયો. એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું. લાલ લૂગડું દેખીને ગોધો વકરે, ઊંટને ભાળીને ભેંસ વીફરે, મિલમાલિકને જોતાં આજકાલનો મજૂર-નેતા ચમકે, તે પ્રમાણે જ રામલાલ રેલગાડીના ગાર્ડડબાનું લાલ ફાનસ ચલાયમાન થયું જોઈ પાગલ બની ગયો. એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતાં વહાલસોયાં સ્વજનો લેખે વીસરી જઈ સામાનનાં નિષ્પ્રાણ પોટકાં સમજી લીધાં. અરે રામ! માણસ પોટકાંને પણ કોઈક જાણીતા અથવા ભરોસાપાત્ર સથવારા જોગ જ રવાના કરે. એક વાર દેશમાં કાચી આફૂસનો કરંડિયો મોકલવો હતો ત્યારે પોતાના એક સંબંધીની જોડે મોકલવાનોય વિશ્વાસ નહોતો કર્યો રામલાલે; કેમ કે એ સંબંધી રસ્તામાંથી કચુંબર કરવાય એકાદ કાચી કેરી કાઢી લેશે એવો એને અંદેશો થયેલો. તો પછી આજ આ પોતે શું કરી બેઠો?

બીજો એક માણસ રામલાલને કાનમાં વાત કહી ગયો. વાત કહેતાં કહેતાં એ કહેનારની આંખો ચારે બાજુ જોતી હતી. જાણે કે રખેને કોઈક આ સ્ટેશનની દીવાલોના અથવા લાદીના પથ્થરો ઊંચા કરીને છૂરી હુલાવવા નીકળી પડવાનો હોય!

તેણે વાત કહી તે આ હતી :

“શેઠ, એ ડબામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલારખો બેઠો’તો, ને બીજા આઠ-દસ એના ભંગેડીગંજેડી ગળાકાટુ સાથીઓ હતા. હું ત્યાં જ ઊભેલો હતો. ભેગી એક રાંડ હતી. તમામ મળીને રાંડની ઠઠ્ઠા કરતા’તા. એ રાંડને બધા ધકાવી ધકાવી અલારખાને માથે નાખતા’તા. એ બધી ચેષ્ટાઓ મેં નજરોનજર ભાળી. ત્રીસ પાસિન્જરોનો ડબો છતાં એમાં દસ ઉપર અગિયારમું કોઈ પાસિન્જર નહોતું બેઠું. મોઢાં જોઈ જોઈને જ તમામ લોકો આગલા ડબાઓમાં જઈ ભરાયાં. શેઠ, તમે તમારાં બાલબચ્ચાંને વાઘવરુની વચ્ચે દેખીપેખીને ક્યાં ફેંક્યાં?”

રામલાલ તો થીજી જ ગયો. પેલાએ ફરી એક વાર ચોમેર નજર ખેંચીખેંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો ન કહેવાનું હતું તે પૂરું કર્યું : “શેઠ, આઠે-પંદરે દા’ડે અલારખિયો આંહીના ફેરા મારે છે. એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબાઓમાંથી પાંચ વાર તો ખૂનની લાશો હાથ આવી ને આ શહેરમાં સાતેક લૂંટો થઈ. આ કાળાં કામોનો કરનાર કોણ તે તો સહુ કોઈ જાણે છે. પોલીસ શું નથી જાણતી એમ તમે કહો છો? હું કહું છું કે પોલીસ ચોક્કસ જાણે છે પણ પોલીસને અલારખાએ ગળા લગી ધરવી નાખ્યા છે. હવે શું કહો છો મારા સાહેબ! એ તો કેના બાપની ગુજરાત જેવું છે! ‘સરકારના રાજમાં ઢેડ મારે ધક્કે : દેવ ગિયા ડુંગરે ને પીર ગિયા મક્કે’વાળી વાત થઈ છે. વરણાવરણી ભ્રષ્ટ થઈ ગઈ. ગાંધીએ ભૂંડું કરી નાખ્યું. આમાં શું રાખ સવરાજ મળવાનું હતું? સારા પ્રતાપ માનો અંગ્રેજી રાજના–”

આવું તો બહુ બહુ તત્ત્વદર્શન ઠાલવી દઈ પોતાના હૃદયનો ઊભરો હળવો કરવાની એ આસામીને તલપાપડ હતી; પરંતુ જ્યારે એ આસામીએ જોયું કે રામલાલનું તો ધ્યાન જ બીજે કોઈ સ્થળે ગુમ થયું છે, ત્યારે પછી એ ત્યાંથી ખસ્યો. ખસીને દૂર જઈ એક બીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો. બેઉ વચ્ચે ઠઠ્ઠા ચાલતી હતી. બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટાનો, દૂરથી જોનારાને ‘મીઠા વિનાનો લાગે છે’ એવો કંઈક અર્થ બંધ બેસે.

રામલાલને તારઑફિસ પર જવું હતું. તારઑફિસ પોતાની સામે જ હતી. આંધળોય વાંચી શકે એના અક્ષરો ‘તારઑફિસ’ વીજળીના તેજે સળગી રહ્યા હતા, છતાં રામલાલ એટલો ગુમસાન હતો કે એણે બાજુમાંથી જતા માણસને પૂછવું પડ્યું.

તારનું ફારમ મેળવીને એ અંદર સંદેશો બેસારવા લાગ્યો. ગાડી અત્યારે ક્યાં હશે તેની પૂછપરછ કરી જોઈ. સંભવિત સ્ટેશનના માસ્તર પર તાર લખ્યો. ઓછામાં ઓછી શબ્દસંખ્યા બનાવી. નવ આનામાં પતી જાય છે એવું જણાતાં પોતાની અક્કલમંદી પર આફરીન અનુભવ્યું. તાર બારી પર મૂકી બાધો એક રૂપિયો સેરવ્યો.

“બીજા બે રૂપિયા” તાર-માસ્તરે જરાક ડોકું ઊંચું કરી પાછું કંઈક લખતાં લખતાં ટૂંકી માગણી કરી.

“શાના?” રામલાલ સહેજ તપ્યો : “અજાણ્યા જાણીને શું...”

“ઍક્સેસ ચાર્જ”. તાર-માસ્તરે જવાબ આપ્યો.

“શાનો?”

“લેટ ફી, પ્લસ સનડે.’

રામલાલને જાણે કોઈએ ગાઢી નિદ્રામાંથી ઢંઢોળ્યો. ત્રણ રૂપિયાની રકમ એણે ખાનગી તારમાં અવતાર ધરીને ખરચી નહોતી. ખરેખર શું ત્રણ રૂપિયા ખરચવા જેવું સંકટ ઊભું થયું છે? શું મારી પત્ની પોતાની જાતે જ અક્કલ ચલાવી ડબો બદલી નહીં નાખે? શું મારા આટલાં વર્ષોના સહવાસ પછી પણ એનામાં અક્કલ નહીં વધી હોય? કોણ જાણે! બૈરું છે. સ્ત્રીની બુદ્ધિ હંમેશાં પાનીએ જ હોય છે. ભૂલ ખાઈ બેસશે. પણ શું એ કંઈ વિપત્તિ પડતાં સાંકળ નહીં ખેંચી લ્યે? એ બેઠી હશે ત્યાંથી સાંકળ તો નજીક જ હશે ને? પણ સાંકળ ચાલુ હાલતમાં તો હશે ને? અરે રામ! આ ચોમાસામાં સાંકળ કદાચ જામ થઈ ગઈ હશે તો? અમસ્તાય રેલવેવાળાઓ સંકટ-સાંકળને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે? પણ તો પછી શું એ ચીસ નહીં પાડી શકે? શું કીકો ચીસ નહીં પાડે? પેલા ડાકુ અલારખાનો પંજો એના મોંને દબાવી રાખશે તો...?

આવી વિચારપરંપરા વહેતી થઈ હતી તેમાં તાર-માસ્તરે પેલો રૂપિયો તથા તારનું પતાકડું બહાર હડસેલીને ભંગ પાડ્યો, વિશેષમાં ઉમેર્યું : “શેઠજી, વિચાર કરીને સવારે જ આવજો. સોમવાર થઈ જશે.”

રામલાલને પોતાની જાત પ્રત્યે તે જ પળે ઊંડો તિરસ્કાર ઊપજ્યો. એની કલ્પનાએ સ્ત્રીને જંગલના અંધકારમાં અસહાયતાની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે ચૂંથાતી દીઠી. એનું નાનું બાળક તો જાણે કે ફડકીને ક્યારનું ફાટી પડ્યું હશે!

“ઓ મારા પ્રભુ! ચૌદ લોકના નાથ! ગરુડગામી!” એવી પ્રાર્થના એના નિઃશ્વાસમાંથી ઉચ્ચારણ પામી. એણે તારનું કાગળિયું પાછું બારીમાં સેરવી પાંચ રૂપિયાની નોટ નાખી.

“રિપ્લાય પ્રી-પેઈડ?” તાર-માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો. દરેક મનુષ્ય પોતાના ધંધાની ભાષાને જ પ્રથમ પદ આપે છે ને સમજી લે છે કે બીજા સહુએ એની ભાષા શીખી લેવી જ રહી.

“હેં જી?... એ-ના-હા જી, હા જી, રિપ્લાય મંગાવી આપો.” રામલાલ માંડ માંડ બોલી શક્યો.

જાણે કે રામલાલના હૃદયમાં એક ગળણી ગોઠવાયેલી હતી. એ ગળણી હતી વ્યવહારુ ડહાપણની. પોતાના હરેક વિચારને પોતે એ ગળણીએ ગાળ્યા પછી જ અમલમાં મૂકતો.

તાર-માસ્તરે આઠ આના પોતાના ગજવામાં સેરવીને થોડાક પૈસા પાછા ફેંક્યા. તે પછી ઘણી ઘણી વિધિક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી. એ પ્રત્યેક ખખડાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસનાં કદમો સંભળાયાં, હાથકડીના ઝંકાર ગુંજ્યા, અલારખિયા બદમાશને કાંડે એ કડીને ભીડતી ચાવીના કિચૂડાટ ઊઠ્યા.

જવાબનું પતાકડું કવરમાં બીડીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પળ કેવી શાતા વળી ગઈ! ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલું :

“ગાડી પાંચ મિનિટ પહેલાં જ છૂટી ગઈ છે.”

વધુ પૈસા ખરચવાની હિંમત હારી જઈ રામલાલે ઈશ્વરનો જ આધાર લીધો. એ છેક પુરાતન યુગનો માણસ હોત તો કુલદેવતાને કશીક માનતા માની લેત; ને છેક અર્વાચીન જમાનાનો હોત તો પૂરેપૂરો પુરુષાર્થ અજમાવત. પણ વચલી દશામાં લટકતો હોવાથી ઘેર પહોંચ્યો ને પલંગમાં પડ્યો ત્યારે એની ચોગમ ભયના આકારો ભમવા લાગ્યા.

નીંદ નહોતી પણ મગજ થાકી લોથ થઈ ગયું હતું, જ્ઞાનતંતુઓ ઉગ્ર બન્યા હતા; ને ન સ્મૃતિ ન સ્વપ્ન, પણ બન્નેની મિલાવટમાંથી નીપજેલ એક ભયકથાએ એને પસીને રેબઝેબ કર્યો હતો.

એને એવો ભાસ થયો કે પોતે જે માણસને “મારાં બાલબચ્ચાંને સંભાળજો” એવું કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એક વાર ક્યાંઈક ભેટો થયો હતો.

ક્યાં થયો હશે?...

...હા, હા, યાદ આવ્યું. રેલગાડીની જ એક મુસાફરીમાં. ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો. એનું મોં ભયાનક હતું, છતાં એણે મારી સામે હાથ જોડેલા કે “ભાઈસા’બ, થોડી વાર છિપાવા આપો. એકરાર કરું છું કે મારી પાસે ચાર અફીણના ગોટા છે, ને મારી પાછળ પોલીસ છે.”

આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું, કે, “નહીં નહીં, બદમાશ! યહાં નહીં, નિકલ જાઓ યહાંસે!”

એ મારી પત્ની રુક્ષ્મિણી સામે ફરીને કરગર્યો હતો કે, “તું મેરી અમ્મા! મુઝે છિપને દે.” પત્નીએ કહેલું કે, છોને બેઠો! મેં પત્નીને ઝાડી નાખી ‘પોલીસ! પોલીસ!’ની બૂમ પાડેલી. પોલીસે આવીને એને પકડ્યો હતો. મને અદાલતમાં શાબાશી મળી હતી, ને એ બદમાશને ત્રણ વર્ષની ટીપ મળી ત્યારે મારી સામે જોઈ એણે શપથ લીધા હતા કે “રામલાલ, છૂટ્યા પછી તને જોઈ લઈશ!”

એ જ એ માણસ, એણે મારી પત્નીને પૂછપરછ કરી... વેર વાળ્યું... ખૂન પીધું... હાય! ઓય! – રામલાલ પોતાના ઓયકારાથી જ જાગી ઊઠ્યો.

*

પ્રભાત આખરે પડવાનું તો હતું જ, તે પડ્યું, દસેક વાગ્યે રામલાલને પોતાના સાળાનો તાર મળ્યો કે બધાં ઘણા જ સુખરૂપ પહોંચી ગયાં છે. ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો. રામલાલને અચંબો થયો. રુક્ષ્મિણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનો કાગળ નહોતો લખ્યો.

કાગળ એક ઓછું ભણેલી અણઘડ સ્ત્રીની ભાષામાં હતો. શરૂઆત “વહાલા” અથવા “મારા વહાલા” અથવા “મારા પ્રાણપ્રિય વહાલા સ્વામીનાથ” જેવા કોઈ સંબોધન વડે ન થતાં સીધેસીધી વેપારી શૈલીએ મુદ્દાની વાત વડે જ થઈ હતી. એથી કરીને એ પત્ર ઍન્જિનથી શોભતી જૂની આગગાડીને બદલે વગર ઍન્જિનની વીજળિક ટ્રેક જેવો બાંડો ને બેડોળ લાગતો હતો. આ રહ્યો એ કાગળ : એમાં ફક્ત વિરામચિહ્ન અમારાં કરેલાં છે :

તમને તે કાંઈ વિચાર થયો? મેં કેટલું કહ્યું કે મને ભલા થઈને પાણીનો એક કુંજો અપાવો. પિત્તળનો નહીં ને માટીનો અપાવો; પણ તમે તો એકના બે ન થયા. કહ્યું કે ટેશને ટેશને પાણી મળે છે. તો લોટાથી કેમ ન ચાલે? ઠીક લ્યો, તમારો બોલ રિયો. રસ્તે પાણીની વપત પડી, છોકરાં નાનાં, રાડ્યો પાડે; ભેળા હતા તેમણે ખાવાનું ચોખામું હિંદુનું અપાવ્યું. છોકરાં પાણી પાણી કરે, ને ટેશને ટેશને એ ભાઈ દોડી દોડી પાણી આણી આપે. મને તો કાંઈ પૂછે કરે નહીં, પણ જોડેનાને ક્યા કરે, “ઈસકા ધણીએ અમકું બોલ્યા, ઈસકું ધ્યાન રખજો!”

નૈ નૈ ને પચાસ વાર એણે આનું આ વચન ગોખ્યું હતું :

“ઈસકા ધણીને અમકું ક્યા હે કે, ઈસકા ધ્યાન રખજો!” બોલતો જાય ને શું રાજી થાય!

હવે માંડીને વાત કરું છું. ગાડી ઊપડ્યા પછી તરત જ એણે પેલી બાઈને પોતાના – મૂઉં, શરમ આવે છે – ખોળામાંથી ઉતારી મૂકી કહ્યું કે, “થોડી છેટી બેશ.” ભેળા હતા તેમને તમામને કહ્યું કે, “ખિલખિલ હસવું બંધ કરો ને બીડીના ધુમાડાઓ એ બાજુ મત કાઢો : કેમ કે, ઈસકા ધણી અમકું બોલ ગિયા કે ઈસકું ધ્યાન રખજો.”

પછી બધા ધીરે ધીરે વાતો કરતા હતા. પછી તો ઘણાખરા ઊંઘી ગયા. પણ એ ભાઈ કે’ કે “અમ નૈ ઊંઘું. ઈસકા ઘણી અમકું કહે ગિયા કે...” વગેરે.

એ બેઠો જ રહ્યો. મને તો કાંઈ ફાળ ને ફડકો, કાંઈ ફાળ ને ફડકો! કોણ જાણે શા કારણે જાગતો હશે! મને કહે કે, “અમા, તમ સૂઈ જાવ”; પણ હું શેં સુખે સૂઉં? ખોટેખોટું સૂતી. બબલી રુવે, રુવે, બૌની બૌ રુવે. એ ભાઈ ઊઠ્યો; મને કહે કે, “અમા, કપડા દે.” મેં ધાર્યું કે લૂંટવા આવ્યો છે. મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું : “ભાઈ, વીરા, આ બધુંય લઈ જા. ફક્ત મારા શરીરને અડકીશ મા, ને મારાં ત્રણ છોકરાંને ઝાલીશ મા.” હું તો ઉતારવા માંડી ડોકનાં દાગીનાં. એ તો ઊભો ઊભો દાંત કાઢે! ઘોડિયાનું ખોયું પોટકીમાં ખોસેલું તે એણે પોતાની જાતે જ ખેંચી લીધું. પોતાની કને દોરી હતી. ડબાનાં પાટિયાં જોડે ઘોડિયું બાંધ્યું. બબલીને અંદર સુવાડી. છેટે બેઠો બેઠો હીંચોળ્યા કરે, ને એની પઠાણી બોલીમાં કોણ જાણે શાયે હાલા ગાય! મને થયું કે, જો તો ખરી મોઈ! તાલ છે ને? એક તો હસવું ને બીજી હાણ્ય. આ દાઢીમૂછોનો ધણી, સાત હાથનો ઊંચો ખવીસ, કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કંઠ કાઢીને ગાય છે! ગાતો ગાતો એ તો મંડ્યો રોવા. આંસુડાં તો ચોધાર ચાલ્યાં જાય. ખૂબ રોઈને મનમાં મનમાં બોલતો જાય કે, “બીબી! બચ્ચાં કિધર! તું કિધર! હમ કિધર!”

બબલીયે રાંડ કેવી! હું રોજ મારીપીટીને ઊંઘાડું, ને આંઈ તો આને હીંચોળ્યે ઘોંટી ગઈ, અરેરે! તમે કોઈ દા’ડો મારી બબલીને હીંચોળી છે? કોઈ દા’ડો હાલાનો એક રાગડોય કાઢ્યો છે? તમે તો જ્યારે હું વીનવું ત્યારે બસ એમ જ કહીને ઊભા રહો કે, એ મારું કામ નહીં; હું મરદ છું. જોજો મરદ જોયા ન હોય તો!

ઠીક, મૂકો એ વાત. એમ કરતાં તો રાતના ત્રણેક વાગ્યા હશે. એક જંક્શન આવ્યું. અમારા ડબાની સામોસામ બગલથેલીઓ ને બિસ્તરાનો એક ઢગલો લઈ વીસેક ખાખી દરેસવાળા આવી ઊભા. પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના ઉપર ગયા. પણ જઈને તરત પાછા ફર્યા. મારા ખાના પર આવીને કહે, “બાઈ, આ ખાનું તમારે ખાલી કરવું પડશે.”

મેં કહ્યું : “શા માટે?”

એ કહે : “ખબર નથી? લોકસેવકની સવારી જાય છે.”

હું સમજી ન શકી. મેં પૂછ્યું : “તમે સરકારવાળા છો?”

એ લોકો હસ્યા; કહે કે, “હા, હા, આજની નહીં પણ આવતી કાલની સરકારવાળા!! ચાલો ઊતરો, તમને બાજુના ડબામાં બેસારી દઈએ.”

મેં દીન બનીને કહ્યું : “ભાઈ, મારાં નાનાં છોકરાં ઊંઘી ગયાં છે; મારી કને ઝાઝો સામાન છે.”

એ કહે : “શરમ છે બાઈ! લોકસેવકને ચરણે જ્યારે બીજી સ્ત્રીઓ દરદાગીના ને હીરામોતીના હાર ઠાલવે છે ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતાં? તમને એટલુંય નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબામાં જ બેસવાનું વ્રત છે? અરેરે, તમને પેલી ‘શ્રેષ્ઠ ભિક્ષા’વાળી કથાય નથી યાદ?”

હું તો કશું સમજી નહીં. મારાથી બોલાઈ ગયું કે, “મૂઆ તમારા લોકસેવક! જીવ શીદ ખાવ છો?”

મારા મોંમાંથી કવેણ તો નીકળી ગયું, પણ સાંભળીને પેલા કહે કે, નહીં ઊતર તે ક્યાં જઈશ! ટૂંકમાં, મારા માથે માછલાં ધોવા મંડ્યા, ને મારા પોટલાં ઊંચકી બાજુમાં કાઢવા ઉપર ચડ્યા. હું “એ ભાઈશાબ” એટલું કહું ત્યાં તો સામેના ખાનામાંથી પેલો ઊઠ્યો. ઉપર ચડેલા પીળા દરેસવાળાની બોચી ઝાલી; ઝાલીને આંખો ફાડી એટલું જ બોલ્યો કે “ઈસકા ધનીએ અમકું કહ્યા હે કે ઈસકા ધ્યાન રખના, માલૂમ?”

પેલા બધાની તો આંખો જ ફાટી રહી, ને પેલો બોચીએથી ઝાલેલો તો વાદીના હાથમાં જેમ ચંદનઘો ટટળે એમ ટટળી રિયો! પછી કોની મગદૂર કે મારા ખાનામાં ચડે? પેલો જે મને ઊતરવાનું કે’તો ’તો ને “લોકસેવક લોકસેવક” કરતો’તો તે જ તરત કહેવા મંડી પડ્યો કે, ‘ભાઈઓ, ચાલો બીજે ડબે; કોમી એકતાને તોડવી ન જોઈએ. આપણે ગમે ત્યાં સાંકડમોકડે ભરાઈ જશું. પઠાણો તો આપણા સાચા ભાઈઓ છે!”

ને પછી કોઈકની જય બોલાવી, ‘અલા-હુ-અકબર’ના અવાજ કર્યા, ને રવાના થઈ ગયા.

એકલો પડીનેય પેલો તો જાણે કે પોતાના મનને કહેતો કે “અમકું બોલા, ઈસકું ધ્યાન રખના! એ? અમકું બોલા? અમકું? શાબાશ, અમકું બોલા કે ધ્યાન રાખજો. શાબાશ!”

એમ લવતો લવતો એ પોતાને જ હાથે પોતાની છાતી થાબડતો હતો : ઘડીક પોતાની છાતી થાબડે ને ઘડીક પોતાની પીઠ થાબડે! ગાંડો જ થઈ ગયો હતો એ તો!

સવારે હું ઊતરી. એણે બચલાને, જેન્તીડાને, તેમ જ ટપુડાને ઝાલી ઝાલીને બચીઓ ભરી; માથા ઉપર હાથ મૂકી કહ્યું કે, “સલામ માલેકુમ.”

મેં કહ્યું : “ભાઈ, તમે મારી બહુ પત રાખી. મુંબઈ આવો તો અમારે ઘેર આવજો. અમારું ઘર અમુક અમુક ગલીમાં છે, ને જેન્તીડાના બાપનું નામ ‘ર’ અક્ષર ઉપર આવે છે.” મારા ભાઈને મેં કહ્યું : “ભાઈ, આમને તમારા બનેવીનું પૂરું નામ તો આપો.” મારા ભાઈએ કહ્યું : “રામલાલ ચૂનીલાલ મેશરી.” કહેતાં જ એના કાન ચમક્યા. ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા. પછી એ હસી પડ્યો.

મારા ભાઈએ એને આપણું સરનામું લખીને ચબરખી આપવા માંડી પણ એણે હસીને ના પાડી; આકાશ સામે આંગલી ચીંધાડી. લખિતંગ રુખમણી.

પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપાલે એક કાગળ લખી પત્નીને તેમ જ ભાઈને પુછાવ્યું કે, “પેલી મારા સરનામાની ચબરખી તમે એને આપી નથી એની તો ખાતરી છે ને? જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો; ને આપી હોય તો ધર્મના સોગંદ દઉં છું, મને સત્ય જણાવશો, કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું.”

જવાબમાં સાળાએ બનેવીને ચબરખી બીડી મોકલી. ભૂલભૂલમાં એ લખેલી ચબરખી સાળાની નોટબુકમાં જ રહી ગયેલી.

આમ છતાં રામલાલ ભોળવાઈ ગાફેલ બની જાય તેવો આદમી નહોતો. એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી.

પોલીસના અધિકારીઓએ પણ ‘આ મામલો ગંભીર છે’ એવી ચેતવણી આપી રામલાલના મકાન ઉપર રામલાલને ખરચે રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો.

રુક્ષ્મિણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને મોટો ઠપકો આપ્યો : “તને કોણે ડાહી કરી હતી કે એ બદમાશને આપણા ઘરનું સરનામું આપજે!”

રુક્ષ્મિણીની આંસુભરી કીકીઓ અલારખાભાઈની કલ્પિત આકૃતિને જાણે આંસુમાં નવરાવી રહી હતી.

સ્રોત

  • પુસ્તક : કથાભારતી ગુજરાતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : યશવંત શુક્લ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
  • વર્ષ : 2000