મણિલાલ હ. પટેલ
Manilal H. Patel
રોઈ-રોઈને અંબાની આંખો રાતીગલ થઈ આવી છે.
વગડા માથે ચડતા બપોરનો તડકો વેરાયો છે.
રસ્તાની બેઉ ધારે ઊઘડેલા સોનારા ખરી રહ્યા છે, એનાં પીળાં આવળ-શાં ફૂલોને જતું-વળતું લોક કચડી નાખે છે.
આંખનાં આંસુને હોઠ કરડીને ખાળવાના અંબાએ ઘણા ઉધામા કર્યા પછી પણ એના પર આજે એનો કાબૂ નહોતો.
ગામ બપોરિયું ગાળવા ખેતરેથી ઘરઢાળું થયું ત્યારે અંબા નાછૂટકે વગડે જવા વળેલી.
પાકવા આવેલી મકાઈ. માથે ઓતરા-ચિતરાના તડકા દેમાર.
ખેતરની મોસમમાં હજી પાછેતરી મકાઈના કૂણા - કાચા છોડ હતા. આકરા તાપમાં વિલાયેલા; કોક ભાંગી પડેલા અડધેથી.
પણ અંબાને તો એક વખત મન મૂકીને રડી લેવું હતું.
રાયજી માસ્તરની બદલીના સમાચારે આજે એને માંહ્યથી વીંખીપીંખી નાખી હતી.
હાથમાંના દાતરડું - બન્ધિયો ક્યારે શેઢા પર મુકાઈ ગયાં ને ક્યારે ખાળેલી આંખોની પાળોનાં અવાણાં ઊઘડી ગયાં એવું અંબાને ભાન ના રહ્યું.
વગડો ભેંકાર.
ઘરમાં ગૂંગળાતો જીવ સીમાડે મોકળો થાય એ ગણતરીએ મન ગાંઠ્યું નહીં. વગડોય મુંઝારે વસમો લાગતો હતો.
શરીરમાં ગરમ લાહ્ય જેવી બળતરા, હીબકાં છાતીમાં સમાય નહીં. વાડ અને મોસમ વચ્ચે મળવા મથતા પડછાયાઓના પાંખાપણામાં અંબા બેસી પડેલી.
આટલું તો ત્રણ વર્ષ પહેલાં એને પહેલવારકા પતિ રાયજી માસ્તરથી બેઉની ઇચ્છા વિરુદ્ધ અળગી કરીને નવા પતિ રેવજી વેરે વળાવી દેવાઈ ત્યારેય નહોતું રડી શકી.
વાધરી માટે ભેંસ મારવામાં આવેલી.
દેવને ઘેર દવ પડે તો બીજું થાય શું!
અંબાએ ધમપછાડા તો ઘણા કરેલા પણ એની એકેય કારી ફાવેલી નહીં. સગા બાપ અને ભાઈએ પંચ વચ્ચે અંબાની ફારગતી કરી નાખેલી. આવી છેટાછૂટ સાંભળીને રાયજી-અંબા તો વાઢો તો લોહી ના નીકળે એવાં ગઈ ગયેલાં. છેવટે તરફડીને બેઉ હાર્યાં-થાક્યાં, ટાઢાં પડેલાં, કારગતિયાઓના કાંઠાકબાડા આગળ કિસ્મત-કરમને દેવદાનવ બધાંય લાચાર. ભર્યા પંચમાં પત્તર ખંડાઈ હોય પછી થૂક્યું ગળવાનો સવાલ આ જન્મારે તો ના ઊઠે. નાત એટલી નઘરોળ.
વાતમાં કોઈ ભલીવાર નહોતો.
અંબાનો ભાઈ અંબાની સગી નણંદ સુખી વેરે પરણાવેલો.
હવે ભણેલા નોકરિયાત ભાઈને સુખી ખપતી નહોતી.
કોહ્યું ત્યાંથી કાપવા બેઠેલા પંચે નર્યાને ગળેય નખ દીધા વિના છૂટકો નહોતો: તમારી છોકરી તમારે ઘેર અને અમારી અમારે ઘેર:
આદમી કાંઈ દેડકે ગળ્યા નથી. જેવું જેનું અંજળ —
આટલું કહીને વાત ઉકેલી દેવાયેલી ત્યારે રાયજી-અંબા હાજરેય નહીં. છૂટા પડવાનું તો એમને શમણુંય નહોતું આવ્યું. હજુ હમણાં જ હળ્યાંભળ્યાં હતાં.
અંબાની જીભ ઝલાઈ ગયેલી.
રાયજીના જીવતરને લકવો માર્યા જેવું થયેલું.
છેવટે અંબાએ ભાઈ અને રયજીને બેન કાજે ભોગ આપ્યાનું મન મનાવ્યું. ગઈ ગુજરીને પાર પાડી.
નાતરિયા ન્યાતમાં આ કંઈ નવીનવાઈ વાત ના ગણાય. પણ મોસમ આવે ને ઝાડ ફૂટે નહીં એવું બનતું તો જાણ્યું નથી.
નીંભાડા જેવી વેળા. એમાં શેકાતી અંબા.
અંબા ફૂટડી. જરા ઊંચીય ખરી. સોટા જેવી ઘડેલી કાયા.
મોટી આંખો, વધારે કાળી, મહુડીનો છાંયો પીઠ ઉપર પાથર્યો હોય એવા વાળ, ભરચક ઊજળા ચહેરા પર સવા૨ જેવી નમણાશ. પીળી કરેણના ફૂલ જેવું નાક. દીવાની જ્યોત જેવી નજર.
રાયજી અંબા પર ઓળઘોળ થઈ ગયેલો.
આંખ ઠરે એવી જુગતે જોડી, છેવટે –
બીજી વારનો પતિ રેવજી
અંબાને પામીને આ બીજવરની આંતરડી ઠરેલી.
રેવજી ઘણો કહ્યાગરો ને જતન કરનારો, રંગેરૂપેય અંબા જોડે નભે એવો. અંબા આવી ત્યારથી એણે એને અછોવાનાં કર્યાં હતાં. પડ્યો બોલ ઝીલવા એ તૈયાર.
અંબાના મોઢા પરથી ઓલવાઈ ગયેલું હસવું પાછું આવે એ કાજે રેવજીએ એક આખું વરસ અંબાને પાંપણોના છાંયડે રાખેલી. રેવજી જાણતો હતો કે અંબાનું ઘર નંદવી નાખનારાએ એનું મન પણ નંદવી નાખ્યું હતું. એ હૈયે હસતી થાય તો ગાલે ખાડા પડે: રેવજીની આ અબળખા પૂરેપૂરી ફળી નહોતી. તોય અંબા ધીમેધીમે નવાં ઘરવર સાથે ગોઠવાતી જતી હોય એમ વર્તાતું. અંબાને ક્યારેક હસતી જોતાં રેવજીનો જીવ ઠરતો. એને મનવર કરવાનો એકેય અવસર એ જવા દે એવો નહોતો.
અંબાનું મન રાખવા તો એણે, પોતે ખેતી કરતો હોવા છતાં નોકરિયાત જેવાં લૂગડાં કરાવેલાં. એ પોતે રાયજી માસ્તરની માફક સુઘડ રહેવા મથતો. રાયજીથી એ કોઈ વાતે જાય એવો નહોતો.
છેડાછૂટની બીજે જ દડાહે રાયજી માસ્તરની સગાઈ થઈ ગયેલી. મોભાદાર ઘરનો આદમી ચાર ઘડી બૈરાં વગરનો રહે તો નાતમાં નાક વઢાય. એમાંય આ તો માસ્તર! રાયજીનાં દુ:ખ કે ઉમંગની વાત તો કોણ જાણે.... પણ અંબાને ગળે એ દા'ડે પિયરમાંય કોળિયો ધાન નહોતું ઊતર્યું. રેવજી વેરે એનાં લૂગડાં પહેરાવવાનું તો ત્યાર પછી ચાર-છ માસે નક્કી થયેલું. ત્યાં સુધી અંબાના વલોપાત ભર્યાભાદર્યા ચોમાસા જેવા રહેલા. કેમેય કરીને જો રાયજી સાથે પાછું... પણ પછી તો જન્મારાનું છેટું પડી ગયું હતું. લાંઘણોએ તથા આંસુએ એને સૂકવી નાખેલી એટલું જ.
નવી વહુ સાથે નોકરીએ ચાલી ગયેલો ભાઈ, એને તો પછી ન દેખવું કે નહીં દાઝવું. પણ પથ્થર કાળજાના બાપા તો અંબા સાથે આંખ મેળવીને વાત નહોતા કરી શકતા. રેવજીનું ઘર માંડવા નીકળેલી અંબા ઘસડીને લઈ જતા કાળને જોતાં એ ડૂસકે ચઢી પાછા સૂનમૂન થઈ ગયેલા.
ઠરીને ઠામ થવા મથતી અંબા અડધે કામે થંભી જતી. પાસે કામ કરતા રેવજીનેય એ ભૂલી જતી.
રયજીને સહવાસ.
ચપટીક પુણ્યનો પ્રતાપ.
આખા બાવન ગાળામાં ધણીના હાર્યે બહારગામ રોટલા ઘડી આલવા જનારી એ પહેલી બાઈ હોય એવો અંબાને એ દિવસોમાં ભાવ ઉભરાતો.
મન મૂકીને જાતભાતનું રાંધતી, જમાડતી અંબાને રાયજી સિનેમા દેખાડવા લુણાવાડા લઈ ગયેલો. પોતે લાખ શરમાઈ તોય એને પાન ખવડાવેલું.
ગામલોકો એને નજર માંડીને જોઈ રહેતાં.
‘સાહેબનાં વહુ’નું માન તો સાહેબથીય વધારે. બધાં એને ‘બહેન’ કહેતાં. રાતે અંબા રાયજી માટે અડધી અડધી થઈ જતી.
બીજામાં ખોવાયેલી અંબાને રેવજી જોઈ શકતો નહોતો.
એ એને વાતે વાળતો. ક્યારેક રાયજી માસ્તરની વાતો પૂછતો ને પાછો પેટ ભરીને પસ્તાતો.
અધૂરામાં પૂરું, વર્ષ પહેલાં રાયજી માસ્તરની બદલી રેવજીના ગામની નિશાળમાં થઈ. અંબા આથી ફફડી ઊઠેલી. પણ ઊંડેઊંડે કોઠામાં એને કશીક ટાઢાશ ફરી તળેલી. જ્યારે એ દિવસોમાં રેવજીના ચહેરાનું તેજ વિલાઈ ગયેલું. અંબાને., આથી ફાળ પડેલી.
અંબા રેવજી માટે પહેલી વાર વલોવાઈ ઊઠી હતી. ચિંતાને લીધે એણે રેવજીની વધારે કાળજી લેવા માંડેલી. રેવજી સાથે રાતે એ વધારે જાગતી એનું મન એને કહેતું કે –
‘ભૂંડી તારેય આ ભવમાં બે ભવ તો થયા, હવે જે મળ્યું છે એનાથીય મોઢું ફેરવી લેવામાં તું શું ન્યાલ થઈ જવાની હતી? આ કણબીને બબ્બે બૈરાં પછીય નિરવાશ થવાનાં દંન આવશે તો તારો આવતો ભવેય કોણ જાણે કેવોક જશે? એક નંદવાયું તે ઓછું પડે છે તને?...’
રેવજીનો ઝંખવાયેલો ચહેરો જોતી ને પાછી અંબા બા વિચારે ચડી જતી:
‘અભાગણી! મૂઈ, આ કણબીએ તારું શું બગાડ્યું છે? તારું ઘર ભાંગ્યું તો તારા સગાંવહાલાએ ભાંગ્યું. આ તો તારા દુઃખમાં ભાગ પડાવનારો ભાઈબંધ મળ્યો ગણાય. એણે તો તને ખાટલે ને પાટલે કર્યા કરી છે. ભૂંડી!' તું એના મૂઢા સામું તો જો.. ગાય તરસી વાળ્યાનું પાપ શું કામ માથે વહોરે છે? આવતો ભવેય બગાડવા બેઠી છે? હવે કોડિયું તો કોડિયું. એના અજવાળાં ઘર લીપવા ઓછાં નથી. એમાં પણ છેદ કરીને તો તું કાંઈ નહીં પામે, હાં...’
આ બધું સંભારતી અંબા કૈંક શાંત પડી.
પાકવા આવેલી સીમ માથે વેરાયેલો તડકો થોડો હતો. પણ સૂનકાર ચત્તોપાટ પડેલો ભળાતો હતો. દૂર સડકના સ્ટૅન્ડથી આવતો મુસાફરોનો અવાજ આઘો-ઓરો સંભળાઈને વિખેરાઈ જતો હતો.
મકાઈના છોડની પાનઠો પીળી પડવા મંડી હતી. પણ ડોડા હજીય લીલા. માએ કેડ્યમાં છોકરું તેડ્યું હોય એવા મકાઈના છોડ એ જોઈ રહી. પોતાની અંદરનું ઓધાન ફરક્યાંનું ઓસાણ જાગતાં પાછો રાયજી સાંભરી આવ્યો. પોતે એના વસ્તારની મા ના બની શક્યાનું દુઃખ ઊમટી આવે એ પહેલાં એણે મથીને રેવજીનું રટણ આદર્યું. આવનાર બાળકનું મોંખરાણું રેવજી જેવું આવે એમ એ ઝંખી રહી.
એકવાર રાયજી બીજા માસ્તરો ભેળો ફળિયામાં સામેના ઘરની પડસાળે આવી બેઠો હતો. અંબાએ ધીમેથી બારણું વાસી દીધેલું. પણ કમાડની તિરાડોમાંથી એને ધરાઈને જોઈ લેવાની તલબ એ દાબી શકી નહોતી. પછીય કામ કરતાં-કરતાં રાયજીનો બોલાશ સાંભળવા કાન સાબદા થતા રહેલા. આજે અંદરથી એ બોલ વળીવળીને સંભળાતા હતા. અંબા ઊપસેલા ઉદર પર હાથ રાખીને આંખો મીંચી રહી...
બીજી એક વાર, ખેતરેથી ઘરે જતાં સામેના રસ્તે, નિશાન છૂટતાં રાયજી પાછો વળતો હતો. એક પળે તો અંબાને થયેલું કે એને ઊભો રાખી ગળે વળગી રડી લે, પણ પછી બીજી પળે વાટ બદલી વળી જવાનો સણકો ઊઠ્યો. એ પગ ઉપાડે એ પહેલાં તો પાસે આવી ગયેલો રાયજી બોલેલો:
‘તમારા ગામમાં આવીએ છીએ તે કોઈ દિવસ ચા-પાણીનો ભાવ તો આઘો રહ્યો, પણ આંખ માંડીને વાત તો કરો – કે પછી બધાંય સગપણ સાવ ભૂલી ગયાં?’
‘ભગવાન ભુલાવે તો બધુંય ભૂલી જવું પડે ને વાતો તો હવે કરીએ કે ના કરીએ, શો ફેર પડવાનો હતો - દઈને ઘેર દવ.’
બોલતાં-બોલતાં અંબાની આંખો ભીની થઈ આવી. ગળું રૂંધાઈ ગયું.
‘વાત કરો તો મનને વિસામો મળે, બાકી વાતે પેટ થોડાં ભરાવાનાં હતાં? તમે તો નજર મેળવવામાંથી...’
અંબાની તકાયેલી આંખોમાં મહુડાં જેવા આંસુ જોતાં રાયજી બોલતાં અટકી ગયેલો.
‘મારું ભલુ તાકતા હોવ તો અહીંથી બીજે કશે બદલી કરાવી લ્યો, મારાથી આવું વેઠાતું નથી.’
ન બોલવાનું બોલાઈ જતાં હલબલી ઊઠેલી અંબા કોઈએ ધકેલી કાઢી હોય એમ ચાલી ગઈ હતી. ઘેર જતાં-જતાં એને ઘણુંય થયેલું કે – ફૂટ્યા કરમની! એણે તારું શું બગાડ્યું છે. એની વાટે નોકરી કરે એમાં તારું શું લૂંટાઈ જાય છે?
આ વલોપાત ઘણું ચાલેલો.
પણ આજે એણે પડોશમાં થતી વાતોથી જાણ્યું કે રાયજી માસ્તરની બદલી થઈ ગઈ છે -- ત્યારે તો એ અંદરથી ખળભળી ઊઠી. ભૂંડી! તારે લીધે જ, તારે કહ્યે જ એમણે બદલી માગી લીધી હશે – કપાતર તું – અંબાએ જાતને તમાચા માર્યા. તોય ધરપત ના વળતાં એ ખરે તડકે ખેતરે આવી વિલાયે ચડી હતી.
રેવજી બજારના કામે લુણાવાડા ગયો હતો.
અંબાની આંખો સુકાઈને સૂજી ગઈ હતી.
ત્રણની બસનો ધમકારો સંભળાયો તોય રેવજીના આવવાનું ઓસાણ ન આવ્યું. એ તો તડકા વચ્ચે ઢગલા જેવી પડી જ રહી.
અચાનક કોઈના આવવાનો અણસારો સંભળાયો.
અંબાએ ડોક ફેરવી, રેવજી સામેથી એને જોઈને સપાટાબંધ આવતો હતો.
અંબા ઊભી થઈ ગઈ.
ખરેબપોરે બેજીવી અંબાને ખેતરે આવેલી જોઈ હાંફળોફાંફળો થઈ ગયેલો રેવજી એની રાતીચોળ આંખો જોઈ ધરુજી ઊઠ્યો.
એ અંબાને કાંઈ પૂછે એ પહેલાં અંબા દોડતીક એને વળગી પડી. એને ખભે માથું નાખી દઈ એને હાથોથી હચમચાવી નાખતી એ રડી ઊઠી.
બાળકની પેઠે રડતી અંબાને પંપાળતો રેવજી પૂછી રહ્યો:
‘શું થયું છે? શું થાય છે, એ કહે. કાંક વાત કર – જરા શાંત થા, સમજ પડે એમ તો કશુંક...’ બોલતા રેવજીનો કંઠ પણ ભરાઈ આવ્યો.
‘તમે મને હવે એકલી મેલીને ક્યાંય નહીં જાવ; હા, કહી દો કે કોઈ દંન કશેય નહીં જાવ.’ કહેતી અંબાની છાતીના બંધ ખૂલી ગયા.
હચમચી ઊઠેલી અંબા શાંત થઈ ત્યારે એણે રેવજીની આંખોમાં આજે આંસુ ચમકતાં જોયાં.
રેવજી આંસુ રૂંધવાને બહાને મકાઈના અડધેથી ભાંગી પડેલા છોડને ટટ્ટાર કરવા મથતો હતો.
રેવજીને પહેલી જ વાર જોતી હોય એમ અંબા એને, બસ તાકી જ રહી.
સ્રોત
- પુસ્તક : માટી મલક ને મોલ (પૃષ્ઠ ક્રમાંક 249)
- સંપાદક : કિશોરસિંહ સોલંકી, હસિત મહેતા, અજયસિંહ ચૌહાણ, કુમારજૈમિની શાસ્ત્રી, કનુ પટેલ, યોગેશ જોશી
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન
- વર્ષ : 2025
