Avaj - Ajvala - Short Stories | RekhtaGujarati

અવાજ-અજવાળાં

Avaj - Ajvala

જયંત ખત્રી જયંત ખત્રી
અવાજ-અજવાળાં
જયંત ખત્રી

છેલ્લેછેલ, ચંપલમાં પગ ઘાલતાં એણે નિશ્ચય કરી લીધો. બહાર પડ્યો. ઓરડીના દરવાજા બહાર નીકળતાં એને મનમાં થયું કે કશુંક બનશે. પણ કંઈ બન્યું નહીં. ઉઘાડાં રહી ગયેલાં કમાડ એમ રહી ગયાં. એણે દાદર પરથી પાછળ ફરીને જોયું અને એનું મોઢું મરડાઈ ગયું. દાદર ઊતરી ગયો.

છેક મોટા દરવાજા આગળ એણે ઊંડો શ્વાસ લીધો અને સ્વસ્થતા મેળવી. દરવાજા બહાર એક જૂના ખાટલા પર બેસી રહેતા બુઢ્ઢા પઠાણની નજર ચૂકવી આગળ વઘ્યો.

ગલી જરી લાંબી હતી. બન્ને બાજુ ઊંચી, પાતળી, ગંદી, માંદલી, હાડપિંજર જેવી ઈમારતો ગિરદી કરીને એકબીજાને ગૂંગળાવતી ઊભી હતી. ઈમારતોની બારીઓ પર અથડાતા પવનમાં ધૂળ ખંખેરવાની તાકાત નહોતી. બારીઓ વાટે નાની ઓરડીઓમાં પ્રકાશ વેરતા તડકામાં ગરમી પણ રહેતી. દિવસના ભીનાશ અને ગંદકી, રાતે માંકડ અને મચ્છર, અને હરહંમેશ રોગિષ્ઠ મન અને શરીર વચ્ચે ઇમારતોમાં વસતું જીવન બિનજવાબદાર બની આગળ ધપ્પે જતું. જીવન તો હતું જ, પણ જીવતા રહેવાના પ્રતીકરૂપ માત્ર ગતિ હતી. ને ગતિના પ્રતીકરૂપ અવાજ હતો.

અને કેવો અવાજ?”

ગલીમાં દિવસે કે રાતે વહેલી રાતે, મોડી રાતે, પરોઢિયે ક્યાંક કોઈક ઠેકાણે ગ્રામોફોન વાગ્યા કરતું. એકાદ કજિયો જામ્યો રહેતો. બાળકો રડતાં હોય. બાળકો છાનાં રહે ત્યારે એમની માતાઓ રડતી હોય અને બન્ને ઊંઘી જાય ત્યારે પિતા ઊંઘમાં બકવાટ કરતો હોય. પથ્થરની લાદીઓ પર નળ ચોવીસે કલાક વહ્યા કરતો. મધરાતે પણ મેલાં લૂગડાં પર ધોકા પડ્યા કરતા અને વાસણો ઊટકાયા કરતાં. કોઈક વાર શાંતિ હોય ત્યારે મચ્છરના ગણગણાટ, ઘિલોડીના અવાજ અને ઉંદરોના ચૂં ચૂં અવાજ સાથે હળવા નિઃશ્વાસ અને દર્દભર્યા સિત્કારો અણઓળખ્યા ભળી જતા.

પણ આજે એને અનાજની દુનિયા પર નફરત આવી હતી. એણે પોતાની ગતિ વધારી, છેક ગલીના મોઢા આગળ, પાછળથી પેલી અસંખ્ય બારીઓની આંખોથી એની તરફ મીટ માંડી રહેલી ઇમારતોની સચોટ નજરમાંથી બચી જવા જરા દોડી ગયો. અને બહાર મોટા રસ્તાના ઝળાંહળાં કરતા અજવાળાએ એને વધાવી લીધો.

એના ધોતિયાની છૂટી પાટલીમાં પવન આવીને ભરાયો. એના વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા બાલોમાં રમી ગયો. એણે હાફકોટની બન્ને બાજુ ખીસામાં હાથ ઘાલ્યા. એના દૂબળા દેહનો સીનો ઉલ્લાસથી આગળ ધસી આવ્યો. એનું માથું ઊંચે ફેંકાઈ ગયું.

એણે ધીમે, એકધારી ગતિએ ચાલ્યા કર્યું. ક્યાં જતો હતો એની એને પણ ખબર નહતી. એ.. તો ફક્ત અવાજની દુનિયામાંથી અજવાળાની દુનિયામાં બહાર પડ્યો હતો. બહાર પડતાંવેંત અજવાળાંનો નશો એની રગેરગમાં ફરી વળ્યો.

જરા વારમાં તો પોતાનું અસ્તિત્વ ભૂલી ગયો. એની આસપાસ, ઉપરનીચે ભડકભડક થઈ રહેલા જીવનની આગમાં એનું ભાન ગુમાઈ ગયું. ડાબે જમણે માથું ફેરવતાં એણે ચાલ્યા કર્યું.

બહારનાં અજવાળાંએ એના અંતરનાં અંધારાંને ઘડીભર આવરી લીધાં. બહારની દુનિયા પર ઓપ ચડાવતી કલ્પનાય દબાઈ ગઈ. માનવતાથી અડકાઈ જઈ ઉશ્કેરાઈ જવા તૈયાર થાય લાગણીઓય સમાધિ લઈ ગઈ. અજવાળાંને પરવશ ફક્ત પશુ બાકી રહી ગયો. એના ખીસામાંથી એના હાથ બહાર નીકળ્યા. ધોતિયાની પાટલીમાં, વીખરાયેલા બાલોમાં અંધારાં, અજવાળાં અને પવન રમી રહ્યાં. અને એણે અજવાળાના એક ટપકેથી બીજે ટપકે નજર ફેરવતાં ચાલ્યા કર્યું.

અજવાળાંની ચિત્રવિચિત્ર દુનિયા પસાર થવા લાગી. સિનેમાની ઝળાંઝળાં કરતી અસંખ્ય વીજળીની બત્તીઓ નીચે પણ ભેળવાળાના ખૂમચા પર ઘાસલેટની બત્તી ધૂંધવાઈ રહી. ઈરાનીની હોટલમાં દોઢ ડઝન બત્તીઓનાં અજવાળાં નીચે કોઈએ હોટલના છોકરાને પીઠ પર લાત મારી કહ્યું : “દેખતા નહીં હય, સૂવરકા બચ્ચા?”

જરા દૂર, આંજી નાખી અજવાળાની બે મોટી આંખો ખોલી દોડી આવતી મોટરગાડીએ ‘ડબલ બ્રેક’ લગાવી. એક આંધળો ભિખારી રસ્તો ઓળંગી રહ્યો હતો.

એણે તો ચાલ્યા કર્યું!

જરા આગળ, જમણી બાજુ પર ગુલમોરની ઘટામાં મ્યુનિસિપાલિટીની એક બત્તીએ અજવાળું ગુમાવી દીધું હતું. અંધારા નીચે એક બદસૂરત સ્ત્રીનો સુંદર દેખાવાનો ડોળ સફળ થવાની તૈયારીમાં હતો. આખરે કોઈ એક ઘરાકે એનો હાથ પકડ્યો. અદા જોઈ જરા દૂર ઊભા રહેલા ગાડીવાળાએ તરફ ઘોડાનું ધ્યાન ખેંચ્યું. ઘોડો ખૂંખાર્યો, ઘરાકે ગળું સાફ કર્યું, ઓરતે અદા સમારી.

એની ગતિમાં જરા શિથિલતા આવી. અને એના હોઠ પર એક ગંદું હાસ્ય આવીને બેઠું. ગુલમોરવાળી બત્તીને થાંભલે અડીને જરા ઊભો રહ્યો અને સિગારેટ સળગાવી. એની આંખ આગળ બળી ગયેલી દીવાસળીના અજવાળા પાછળ, જરા વાર, બધું અંધારામાં ઢંકાઈ ગયું. એણે નખરાથી દીવાસળી ઓલવીને ભોંય પર ફેંકી. એના પશુના મનમાં એક ઇચ્છા જન્મી. હસ્યો અને હાસ્ય પશુના હાસ્ય જેવું મુક્ત અને બેડોળ બન્યું. એની આંખોમાં રસ્તાનાં અજવાળાં ડોકાઈ ગયાં.

બાજુની ગલીમાં પેસતાં પહેલાં પાન ખાઈને એણે હોઠ રંગ્યા મન તો રંગાઈ ગયું પેલા ઓલવેલા દીવાથી.

ગલીના અજવાળાં ભયંકર હતાં ભયંકર હતાં એટલી એને ખબર હતી. તોય એના પગ અટક્યા નહીં. ઊંચી ઇમારતો પ્રકાશિત બની હતી. બારીએ બારીએ લાલ, લીલી, પીળી, બત્તીઓ રંગરંગની, જાતજાતની ટોપીઓ પહેરી નખરાથી લટકી રહી હતી. ગલીની દુનિયાને રાતનાં અજવાળાં સિવાય બીજા કોઈની પરવા નહોતી બીજા કશાની કિંમત નહોતી. બારીએ બારીએ ઊભી રહેલી નગ્ન દેખાવા માટે કપડાં પહેરેલી સ્ત્રીઓ અજવાળાંનાં ફૂલ બનવા અજવાળાંને લૂંટી રહી હતી.

અહીં વીજળીનાં અજવાળાં નીચે આંખો ખૂલતી. અજવાળું ઓલવાઈ જતું ત્યારે આંખો પણ બિડાઈ જતી અને ત્યાં પેલી ગલી બહાર સૂરજ ઊગતો.

એની નજર દોડવા લાગી. ગામને ખૂણે આટલી બધી ‘સુંદરીઓ’ હતી? સુંદરીઓ તો હતી જ. એકેક બારીએ ચચ્ચાર ચડી બેઠી હતી. કોઈના માથામાં વેણી હતી, કોઈના મોઢામાં સિગારેટ હતી, કોઈ પાન ચાવતી હતી, પણ હતી બધી રંગેલી! બીજા માળ પર અરે, પણ કોના પગ સાથે અથડાઈ પડ્યો? “અંધા તો નહીં?”

બીજા કોઈની અડફટમાંથી બચવા જતાં એક કૂતરાની પૂંછડી એણે છૂંદી નાખી. એના કકડાટ પરથી ડોકું ફેરવે છે તો એક દૂબળો, ચાંદીની મેલી બંગડીઓવાળો હાથ ભીખ માગતો એની સામે તોળાઈ રહ્યો હતો. એણે ગતિ વધારવાનું કર્યું પણ અહીં તો અવાજ અને અજવાળાં બન્નેમાં ગજબની ગતિ હતી ગતિને પહોંચી વળવાની એનામાં હવે તાકાત નહોતી. ઢસડાતો ચાલ્યો.

એના કપાળ પર પસીનાએ દેખાવ દીધો. ફૂટપાથ પર ખાસ ગિરદી તો નહોતી પણ અહીં સહુ કોઈ ફાવે તેમ ચાલતું. કોઈ કોઈને હટીને માર્ગ નહીં આપતું. એની આંખો પહેલે માળથી ચોથે માળ ચડઊતર કરી રહી.

કોઈ એને ખભું અડાડી દૂર જતું રહ્યું. એણે પાછળ જોયું તો એક ‘સુંદરી’ બસના થાંભલાને અઢેલી એની સામે અદાથી હસી રહી હતી. એના મોઢા પર હાસ્ય આવીને જતું રહ્યું. આગળ જતાં એણે વિચાર બદલ્યો. પાછો ફર્યો પણ સામેથી, આખી ફૂટપાથનું રાજ્ય ભોગવતા, એકબીજાને આધારે ચાલ્યા આવતા ત્રણ લાલા ટોપીવાળાઓને જોઈ કોટના ખીસામાં એના હાથની મૂઠીઓ વળી ગઈ. ઊભો રહી ગયો. અને એની સાથે એની બાજુમાં એક સાઇકલવાળો ઊતરી પડ્યો અને બીડી સળગાવી ઠંડી શાન્તિથી એની સામે જોયા કર્યું. પહેલે માળથી ‘પચ’ દઈને પાનની પિચકારી એની બાજુમાં પટકાઈ પડી. એને ઊંચે જોવાનું મન થયું પણ હિંમત ચાલી નહીં. મૂઢના જેવો ઊભો રહ્યો.

રાત બહુ આગળ વધી હતી. આગળ કે પાછળ, અહીંની રાત હર રાતના જેવી બધે સરખી હતી. ગુલમોરનાં ફૂલ જેવાં લાલ બદન, ચંપાનાં ફૂલ જેવાં પીળાં મરકતાં બદન, કુમળી કળીઓ અને ખરતાં પાન સહુ કોઈ મિજાજ ચડાવી બારીએ સવાર બન્યાં હતાં.

ગલીનો એક મિજાજ હતો અવાજ અને અજવાળાં! જીવનમાં કાંઈ પણ હતું તો હતું. જૂના અવાજ મટી જતા, જૂનાં અજવાળાં ઓલવાઈ જતાં, જૂના બદન નવાં દેખાવાની જહેમતના થાકથી ખરી પડતાં અને એમની જગ્યાએ કુમળાં અને નવાં આવતાં. અહીંની ગતિ ભયંકર હતી. સહુ કોઈને ગળી જતી.

ગતિએ એને લાંબો વખત ઊભો રહેવા દીધો નહીં. કોઈ એની ઉપર થૂંક્યું, કોઈએ એને ધક્કો માર્યો, કોઈએ એના ખિસ્સામાં હાથ નાખવાનું કર્યું, કોઈએ એની પાસેથી ભીખ માગી, કોઈએ એને નજરથી ડાર્યો, કોઈએ નખરાંથી ઉશ્કેર્યો, કોઈએ એને સંકેતથી આમંત્ર્યો! એને કંઈ સૂઝ્યું નહીં. મૂંઝાઈ ગયો. અજવાળાંના નશાએ એની રંગેરગ ચૂંથી નાખી.

એના સ્નાયુઓ તંગ બની ગયા. એણે દાંત પીસ્યા, એના મગજમાં લોહી ધસી આવ્યું. આંખો ફાટફાટ થઈ રહી.

એને વીજળીના આંચકા જેવો એક વિચાર આવ્યો અને શરીર એવી ઝડપથી હોશિયાર બની ગયું. એણે પીઠ ફેરવી અને સામેના મકાનનો દાદર ધડધડ ચડી ગયો. પહેલો માળે પહેલી ઓરડીના દરવાજે હાંફતો ઊભો રહ્યો. જાણે કોઈ એની રાહ જોઈને ઊભું હોય એમ લાલ પડદો ઝડપથી ખસી ગયો. એણે હજી શ્વાસ પણ પૂરો નહોતો લીધો ત્યાં એક કુમળા હાથે એનો ખભો પકડીને અંદર ખેંચી લીધો. પહેલી ઓરડીમાં, બીજી ત્રણ ‘સુંદરી’ઓનો એની તરફ હસવાનો પ્રયોગ અસફળ ગયો. હાથ એને બીજી ઓરડીમાં ખેંચી ગયો.

હાથે એનો કોટ ઉતાર્યો, ટોપી ઉતારી, એને પલંગ પર સુવડાવ્યો, “અચ્છા, કિતને પયસે લાયે હો?” –ની વિધિથી શરૂઆત થઈ.

અને બહાર શોરબકોર ચાલુ રહ્યો. ક્યાંક એક જૂનું ઘડિયાળ ચાવી ખલાસ થવાની રાહ જોતું “ટકડટક” “ટકડટક” કંટાળાભરી રીતે ચાલ્યા કરતું હતું. રાત એવી ને એવી કપાતી જતી હતી.

થોડાક સવાલ થયા. ભાગ્યે કંઈ બોલ્યો પણ પલંગ પર એમ પડી રહ્યો. વખત પસાર થવા લાગ્યો. ‘પાઉડર’ અને ‘પોમેડ’ની વાસ એને ગમી નહીં. બદન એને જરા અડી પડ્યું ત્યારે એને સખત આંચકો લાગ્યો. અને ગુમાઈ ગયેલી લાગણીઓ પાછી ફરી લાગણીઓનાં પૂર ધસી આવ્યાં. નવી લાગણીઓ સાથે ભૂતકાળની યાદનાં ટોળાં પણ દોડી આવ્યાં. એનું મન દુભાઈ ગયું. અને એક લાંબો નિઃશ્વાસ નીકળી ગયો.

ઊભો થઈ ગયો.

“ક્યા, જા રહે હો?”

“હાં!”

“ક્યોં?”

એણે જવાબ ના આપ્યો.

પેલીએ પૂછ્યું, “તો ફિર આયે કાયકો? પયસે કાયકો દિયે?”

ખરેખર શા માટે એને પણ ગમ પડી નહીં. બહુ થાકી ગયો હતો. એનું હૃદય ‘થડ થડ’ એને હથોડા મારી રહ્યું હતું. પૈસા જહાન્નમમાં ગયા! એની આંખોને અત્યારે રડવાનું મન થયું હતું. પણ કાંઈ રડવાનું સ્થળ નહોતું! ગળે આવતો ડૂમો એણે માંડ માંડ રોક્યો.

એના હાથ બેડોળ રીતે એની ટોપી સાથે રમી રહ્યા.

“શાયદ આપકી તબિયત અચ્છી નહિ પાની લા દૂં?”

પાણી પીને પણ સ્વસ્થ બન્યો. પેલીએ એના હાથ પકડીને ખુરશી પર બેસાડ્યો,

“આપ ક્યા કામ કરતે હો?”

એણે જવાબ નહીં આપ્યો.

“તો આપકે બીવી-બચ્ચે હૈં?”

એનું ટહેલી રહેલું હાસ્ય ઊડી ગયું. ટટ્ટાર થયો. પેલીની સામે જોતાં એની આંખો શૂન્ય બની ગઈ મોઢું ફાટી ગયું. અંધારાનું એક વાદળ એની નજર આગળથી પસાર થઈ ગયું.

“હતાં.” એણે ધીમેથી કહ્યું, “બધાં મરી ગયાં!”

“અરર! ઓરત ખૂબસૂરત થી?”

“હા, ખૂબ સુંદર! હું અઢાર વરસનો હતો અને ચૌદ વરસની હતી ત્યારે અમે પરણ્યાં હતાં. અને અને...”

“ક્યા?”

“કુછ ભી નહીં!”

“વો આપસે પ્યાર કરતી થી?”

એણે વહાલથી એની સામે જોયું અને મીઠું હસી પડ્યો. માથા પરથી ટોપી ઉતારી એના ભરત પર આંગળીઓ ફેરવી રહ્યો.

“બડી નેક ઓરત હોગી!”

શોરબકોર વચ્ચે પણ બન્નેને ચુપકી અડી ગઈ.

“આપને દૂસરી દફે શાદી નહીં કી?”

એને બીજો આંચકો લાગ્યો. એણે પેલીની સામે ભમ્મર નીચી કરીને જોયું. એણે માથે ટોપી ઘાલી દીધી અને ખીસામાંથી રૂમાલ બહાર કાઢ્યો.

“ક્યોં નહીં? આપ અબ તક જવાન હો.”

પેલીએ એની તરફ પીઠ ફેરવી અને ફરી કહ્યું :

“હમસે શાદી કરોગે?” કહેતાં ઝડપથી પાછી ફરી અને હસી પડી. એણે સિર્ફ મશ્કરી કરી હતી અને એના ચહેરાનો અવાજ અને અજવાળાં હસી રહ્યાં તોય હાસ્ય એના ‘મેક-અપ‘ સાથે બંધબેસતું નહીં આવ્યું! એને મશ્કરી ગમી નહીં. એણે ઊભા થઈ ચાલતા માંડ્યું.

પેલીએ પાછળથી કહ્યું :

“આપને પયેસે વસૂલ નહીં કિયે!”

એણે દરવાજા આગળથી પાછળ ફરીને જોયું. એનો સીનો બહાર તરી આવ્યો. અને આંખોએ ઘૂમરી ખાધી.

એના ચહેરા પર એની મરજી વિરુદ્ધ બીજો કોઈ ભાવ ધસી આવ્યો. બદનામ ઓરત પરનો અણગમો છુપાવી શક્યો નહીં. એના હોઠ બિડાઈ ગયા. એની આંખમાંથી તણખા ખરી પડ્યા.

“ફિર કલ આઓગે?” –નો જવાબ આપ્યા વગર દાદર ઊતરી ગયો અને નીચે અવાજ-અજવાળાંના વહનમાં વહેતો થઈ ગયો.

એની નજર અત્યારે કશુ દેખતી નહોતી. અજવાળાં એને મન ઓલવાઈ ગયાં હતાં. એના કાનમાં અવાજની નાનકડી ગલીના પ્રતિઘોષ પડી રહ્યા હતા.

અજવાળાંભર્યા રસ્તા વટાવી અવાજની ગલીમાં પેસતાં એણે છુટકારાનો શ્વાસ લીધો. એણે ગતિ ધીમી કરી. ક્યાંક બત્તી બળી રહી હતી. ક્યાંકથી અવાજ આવ્યા કરતા હતા. એના થાકેલા અંગમાંથી ઠંડીની એક લહર પસાર થઈ ગઈ.

અવાજ એને ઘેરી વળ્યો :

“આપકે બીવી-બચ્ચે હૈં?”

“બધાં મરી ગયાં!”

એનાથી વધારે રહેવાયું નહીં એણે ડૂમો આવવા દીધો. એનાથી એક ડૂસકું ભરાઈ ગયું. મનમાં બોલ્યો : “અત્યાર સુધી બધાં મરી ગયાં હતાં!”

કંઈ પણ અવાજ કર્યા વગર મોટા દરવાજામાંથી પસાર થઈ ગયો. બબ્બે પગથિયાં ચડતો ચોથે માળે દોડી ગયો. દાદર આગળ જરા સંકોચાઈને ઊભો રહ્યો. સામે એની ઓરડીનાં કમાડ એમ ઉઘાડાં પડ્યાં હતાં.

એણે માથું ઢાળી દીધું. અહીં ખરેખર કશું બન્યું નહોતું? કેવી દુનિયા હતી? એના હાથમાંથી ધોતિયાનો છેડો સરી પડ્યો.

ઓરડીમાં પેઠો અને આસપાસ નજર ફેરવી. ઘાસતેલની બત્તીની મોટી કરવા બંગડીવાળો એક હાથ એણે લંબાતો જોયો. દોડી જઈ હાથને એણે પકડી લીધો અને વહાલથી દાબ્યો.

“કોણ તમે?”

“હા, રહેવા દો! મને બત્તી નથી જોઈતી! અરે બાપ રે, તારો હાથ કેટલો તપે છે! ફરી તાવ આવ્યો?”

જવાબમાં એને એક હળવું રુદન સંભળાયું. એના પંજામાંથી દૂબળો હાથ બંગડીઓ ખખડાવતો ખેંચાઈ ગયો. બીજે ખૂણેથી કોઈએ જોરથી ઉધરસ ખાધી. એક બાળક રડી ઊઠ્યું : “ઓ મા!” ફરી બંગડીઓનો અવાજ થયો. અભરાઈ પર દોડધામ કરતા ઉંદરોએ કાચનો એક પ્યાલો જમીન પર પછાડ્યો અને દૂધવાળાએ દરવાજો ઠોક્યો. એણે ખાટલા પર બેસી જઈ માથાના બાલ પીંખ્યા

પાછી અવાજની દુનિયા!

સ્રોત

  • પુસ્તક : કથાભારતી ગુજરાતી વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : યશવંત શુક્લ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2000