વર્ષા અડાલજા
Varsha Adalaja
અનુરાધા તૈયાર થઈ ગઈ. આજે વીમેન રેસ્ક્યું હોમમાં ફિલ્ડ વર્ક માટે જવાનું હતું. બસ. આ છેલ્લો પ્રોજેક્ટ હતો. પછી પરીક્ષાની તૈયારી.
પૂરા એક વર્ષની મથામણ અને મહેનત પછી સોશ્યલ વર્કનો ડિપ્લોમા મળવાનો હતો. પછી નોકરી. એક સ્વતંત્ર જીવન, જે કોઈની ખીંટીએ ટીંગાડેલું ન હતું. શીતળ હવાની લહેર જેવી એક સુખદ અનુભૂતિથી એ રોમાંચિત થઈ ગઈ.
હજી અત્યાર સુધી એ આ ઘરની હસતી રમતી લાડકડી કન્યા હતી. પપ્પા, મમ્મી, દાદી અને નાનો ભાઈ જય. એની નાનકડી દુનિયા અને એ દુનિયાની એ રાજકુંવરી.
સવારે ઊઠતાંવેંત પપ્પા બૂમ પાડે... - અનુ... છાપું...
પપ્પાના હાથમાં છાપું આપી, ચશ્માં પણ પહેરાવી આપે. ગાલ પર પપ્પી આપીને કહે, “પપ્પા, હું છાપું ન આપું તો દુનિયામાં ઊથલપાથલ થઈ જવાની છે?”
પપ્પા કહેતા,
- ના બાબા. પણ મારી દુનિયામાં ચોક્કસ ઊથલપાથલ થઈ જશે. તું છાપું આપે તો સવારમાં બે મીઠડી વાતો કરે એટલે મારો દિવસ ગલગોટા જેવો ખીલી જાય.
ત્યાં મમ્મીની બૂમ સંભળાય,
- અનુ! જલદી નાસ્તો કરી લે. પહેલું લેક્ચર જશે તો મારો વાંક કાઢશે. પોતે તો વહેલી ઊઠતી નથી.
- નાસ્તામાં શું છે? અનુ પૂછે.
- સૅન્ડવિચ ટોસ્ટ બીજું શું?
- ઓ રિયલી! અનુ દોડતી આવી મમ્મીને વળગી પડે.
- અને મારે માટે શું?
જય તાજી ઊગેલી દાઢી શેવ કરતો પૂછે.
- ભઈ, બન્ને માટે જુદો નાસ્તો થોડો બનાવું?
- અરે વાહ! એટલે મારી કોઈ ગણતરી જ નહીં? મારો ભાવતો બ્રેકફાસ્ટ તને ખબર છે.
અનુરાધા જયને અંગૂઠો બતાવતી.
- તને મમ્મીના હાથની ઈડલી ભાવે છે. પણ મમ્મી કંઈ સવારના પહોરમાં તારા માટે સંભાર-ચટણી બનાવવા નવરી નથી, સમજ્યો!
- અને તારા માટે સૅન્ડવિચ ટોસ્ટ બનાવવાનો ટાઇમ છે. મમ્મી, આ ચોખ્ખો સો ટકા અન્યાય છે.
પછી ભાઈબહેન ઝઘડી પડતાં. દોડાદોડી, હસીમજાક અને પછી સુલેહ સંપનો ઝંડો ફરકાવી બન્ને જણ ઉડિપીમાં નાસ્તો કરવા ઊપડી જતાં.
તો કોઈ વાર...
- મમ્મી તું આ અનુડીને કંઈ કહેતી નથી, મારું ટી શર્ટ પહેરીને બહેનબા કૉલેજ ચાલ્યાં.
- મારો ભાઈલો કરું.
- નો ઍન્ડ નો. પપ્પામમ્મી તમે અનુને સાચ્ચે જ માથે ચડાવી છે.
જય રિસાતો. મમ્મી મનાવતી.
- અરે બેટા! નસીબદારને રાખડી બાંધનાર બહેન હોય. બાજુમાં કુંદનબહેનને ત્યાં જો. ચાર પેઢીથી ઘરમાં દીકરીનો જન્મ જ નથી થયો. કેવાં વલવલે છે!
- એક સજેશન મોમ. આ આપણો નમૂનો આપી દેને! ઉધાર. દત્તક. જેમ જોઈએ એમ. ટાઢે પાણીએ ખસ જાય.
ઓહો! એ વાત પર કંઈ દંગલ મચે! હું કાંઈ વધારાની છું? અનુરાધા મોં ફૂંગાવીને બોલે.
એક સવારે તો મહાભારત રચાતાં રહ્યું. છાપું આપતાં અનુએ પપ્પાને એક પપ્પી કરી. પપ્પા સવારથી જ મૂડમાં હતા અને એમાં અનુની પપ્પી. વહાલથી પાસે ખેંચી.
- નક્કી. પપ્પીના બદલામાં કંઈ જોઈએ છે. તું એમ જ વરસી પડે એમ નથી. ક્યા બાત હૈ!
માગ માગ માગે તે આપુંના મૂડમાં પપ્પા હતા. અનુ શું કામ ન માગે?
- પપ્પા પ્લીઝ મને એક વૉર્ડરોબ કરાવી દોને! મોટો. સ્ટીલના આવા કબાટ! છી. આઇ ડોન્ટ લાઇક, મારા વૉર્ડરોબમાં જાતજાતનાં ખાનાં જોઈએ છે. પપ્પા પ્લી...ઝ.
- ઓ.કે. પપ્પાએ હસીને કહી દીધું.
પપ્પાનું ઓ.કે. એટલે શંકર ભગવાનનું તથાસ્તુ. ઘરે સુથારે કામ શરૂ કર્યું ત્યારે છેક જયને ખબર પડી. પછી ઘરમાં જે આંધી આવી છે?
- પપ્પા! આ તો ઉઘાડો અન્યાય છે. હું કેટલા વખતથી જગ્યા માટે હેરાન થાઉં છું! મારી પણ ઘણી વસ્તુઓ રખડે છે. થોડું થોડું કરતાં આખો રૂમ જ એણે પચાવી પાડ્યો છે. રૂમમાં જ્યાં જુઓ ત્યાં નેઇલપૉલિશ, સેન્ડલ અને ક્રીમની બાટલીઓ.
મમ્મીએ મામલો થાળે પાડવાનો ઘણો પ્રયત્ન કર્યો.
- જો બેટા જય. છોકરીનાં કપડાં ને ચીજવસ્તુઓ જાતજાતની હોયને! વીસ તો પર્સ છે ને આ જૂતાંનો ઢગલો જો.
વિજયી સ્મિત ફરકાવતાં અનુરાધાએ કહી દીધું.
- તારા ચાર જીન્સ, પાંચ ટી-શર્ટ્સ અને મસમોટા શૂઝ, તારો વળી શો-સામાન! જોજોને તને મારા રૂમમાંથી ધીમે ધીમે વન-ટુ-થ્રી ન કરાવું તો! મમ્મી તારી આ પૂજાની ઓરડી મારા ભાઈલાને...
પછી તો બન્ને વચ્ચે એવી પકડાપકડીની મસ્તી ચાલી કે પપ્પાએ આઇસક્રીમ મગાવ્યો ત્યારે જ રાત્રે સરહદ પર શાંતિ સ્થપાઈ.
એક દિવસ એ જ મસ્તીખોર અનુરાધાએ પપ્પાને સવારે છાપું આપતાં કહી દીધું, એ અનંગને ચાહે છે અને એની સાથે લગ્ન કરવા માગે છે.
અરે! પપ્પા આશ્ચર્યથી અનુરાધાને જોઈ રહ્યા. અનુરાધા આટલી મોટી ક્યારે થઈ ગઈ? રાજકુંવરીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે વધી ગઈ?
પપ્પા-મમ્મીએ અનંગને ઘરે મળવા બોલાવ્યો. હસમુખ હતો. કૉમ્પ્યૂટર એન્જિનિયર હતો. મમ્મીએ એને જમવા જ રોકી લીધો. ઘરમાં સૌ સાથે જાણે તરત ભળી ગયો. રાત્રે મોડેથી અનંગ ગયો. ત્યારે મમ્મીએ તો કહી દીધું, મને તો અનુની પસંદ પસંદ છે. જયે પણ સર્ટિફિકેટ આપી દીધું, અનુ જેવી મહામાયાને પરણવા તૈયાર થાય એ જીજાજી ગ્રેટ જ હોય. પપ્પાને પણ અનંગ સામે વાંધો ન હતો, પણ એનાં મા-બાપને મળ્યા પછી કંઈ કહેવું એમ એમને લાગ્યું.
પણ બધું સમુંસૂતરું પતી ગયું અને લગ્ન નક્કી થઈ ગયાં. જય એ રાત્રે પેંડા લઈ આવ્યો. મમ્મીએ હરખાઈને કહ્યું.
- જોયું ગમે તેમ તોય ભાઈ.
જયે ગંભીર મોઢું રાખીને કહ્યું,
- મમ્મી અનુરાધાનાં લગ્નની ખુશાલીના એટલે પેંડા વહેંચું છું કે હાશ, આખરે અનુરાધાબહેન મારા જીવનમાંથી, મારા ઓરડામાંથી ચાલ્યાં.
જયના આશ્ચર્ય વચ્ચે અનુરાધા હસીને બોલી,
- ઑફકોર્સ. હવે મારા ઘરે જાઉં છું.
એ સમયે દોઢ વરસ પછી એ જ ઘરમાં એ પાછી ફરશે એવી કલ્પના પણ ક્યાં હતી?
પણ એ પાછી આવી હતી. અણિયાળો પથ્થર ધડ દઈને કપાળે ઠોકાય અને લોહી નીકળે એવી એ હકીકત હતી. એવું શું બન્યું હતું એ તો આજેય એને સમજાયું ન હતું. એવી કોઈ ક્ષણ, એવી કોઈ ઘટના પર એ આંગળી મૂકી શકતી ન હતી. જાણે અનંતથી એ જોજનો દૂર સરી ગઈ હતી. બન્નેનાં સપનાં, આકાંક્ષા અને અપેક્ષા સાવ અલગ હતાં. સ્નેહના છલકતા કટોરામાં એક વિષનું ટીપું પડી ગયું હતું અને એમનું આખું જીવન ઝે૨ ચડીને લીલું કાચ બની જાય એ પહેલાં બન્નેએ છુટ્ટા પડવાનો નિર્ણય લઈ લીધો. પછી એની વિધિને ખાસ વાર ન લાગી.
એ ઘરે પાછી આવી ગઈ હતી.
ઘર? કોનું ઘર? જે ઘરનો ઉંબર ઓળંગીને એ એક દિવસ ચાલી ગઈ હતી, એ જ ઘર આ હતું?
આમ તો કોઈએ કશું કહ્યું નહોતું. એનું લગ્નજીવન ભાંગી પડ્યું એથી પપ્પા, મમ્મી, જય બધાં જ દુ:ખી થયાં હતાં. મમ્મીએ ‘સમાધાન’ થઈ જાય એ માટે બાધા, ઉપવાસ, પૂજા, જ્યોતિષી - બધું જ કરી જોયું હતું. પપ્પાએ સમજાવટનો માર્ગ લીધો હતો. - તમારા બે વચ્ચે સમસ્યા શી છે? દારૂ પીએ છે? મારે છે? કમાતો નથી?
- એવું કશું નહીં? - તો તકલીફ ક્યાં થઈ? ગોઠવાઈ જા બેટા. એમાં તારું ભલું છે. મમ્મીએ સૂર પુરાવ્યો હતો, - બેટા! ત્યાં તું દીકરી નથી વહુ છે. બધું તારું ધાર્યું થોડું થાય છે? બોલવું-ચાલવું, રીતભાત, કપડાં, બહાર આવવુંજવું એ બધામાં ફેર પડી જાય લ્યો. તું કહેતી હોય તો આપણા કનુ ફુઆ અને એમનું એક માણસ બેસે અને ઉકેલ કાઢી સમાધાન કરાવી દઈએ. પૈસેટકે સુખી છે, તારે બીજી તો ચિંતા નહીં.
એણે ઘસીને ના પાડી હતી ત્યારે મમ્મી એની પર નારાજ થઈ ગઈ હતી, પછી જેવી તારી મરજી કહી વાતનો બંધ વાળી દીધો હતો.
જયે એને કહ્યું હતું.
- હેય સિસ્ટર! એ તો તારો ભાઈ છું એટલે તારો મિજાજ સહન કરતો હતો. બીજો કોઈ પુરુષ સહન કરે? નો વે.
અનુરાધાએ જયને ધ્યાનથી જોયો હતો. જય પણ પુરુષ થઈ ગયો હતો. આંખ મીંચકારી એને ખાનગીમાં કહ્યું હતું, “મારી ગર્લફ્રેન્ડ સાથે તારી ઇન્ટ્રોડક્શન કરાવીશ.”
છૂટાછેડા થઈ ગયા પછી પપ્પાએ કહ્યું હતું આ તારું ઘર છે. ઘર પણ એ જ હતું, સ્વજનો અને એ પોતે પણ એ જ હતી. છતાં કશુંક નરી આંખે ન દેખાય, મોસમના બદલાવ જેવું બદલાયું હતું.
એની પાછળ જ એનો ઘણો સામાન આવ્યો હતો. મમ્મીએ પૂજાનો રૂમ ખાલી કરાવી રાખ્યો હતો. હશે બેટા! આ તો ભગવાન છે. રસોડામાં પાટલા પર પાલખની સ્થાપના કરી દઈશ એટલે મંદિર બીજું શું! આમ તો રસોડાની બાજુમાં સ્ટોરરૂમ હતો. પણ મમ્મીએ ત્યાં પૂજાનો રૂમ બનાવ્યો હતો. હવે એ ખાલી કરી ત્યાં મમ્મીએ એક સ્ટીલનો કબાટ મૂકી આપ્યો હતો. ઓહો! કેટકેટલી વસ્તુઓ હતી! એકવીસ વરસ ભેગી કરેલી કંઈ કેટલી વસ્તુઓ, લગ્ન વખતે હોંશથી ખરીદેલી, ભેટમાં મળેલી વસ્તુઓ અને પછીથી આમ જ ભેગી થતી રહેલી.
એ તો આખો સંસાર સમેટીને લઈ આવી હતી. એ નિર્જીવ સામાન ગોઠવે કે જીવનને નવેસરથી ગોઠવે?
દાદી મૃત્યુ પામ્યાં હતાં. પપ્પાને ડાયાબિટીસ થયો હતો. જય ગંભીરતાથી સી.એ.ની એન્ટ્રસ ઍક્ઝામની તૈયારી કરતો હતો. મમ્મી રોજ સાંજે હવેલીમાં દર્શને જવા લાગી હતી.
પપ્પા હવે રોજ સવારે ચાલવા જતા હતા, પાછા ફરતાં છાપું લઈને આવતા. પપ્પાનો અલગ નાસ્તો, હવે દાદીમા નહીં એટલે પૂજાની તૈયારી વગેરેમાં મમ્મી સવારથી વ્યસ્ત થઈ જતી. એ બૂમ પાડતી.
- અનુ જરા જલદી ઊઠને! દૂધ ગરમ કરી લે અને જયને માટે ઈડલીની ચટણી જરા મિક્સરમાં કરી નાખતો!
એ ચૂપચાપ જલદી રસોડામાં આવી જતી.
બપોરે સૂના ઘરમાં એ એકલી પડતી. જય કૉલેજમાં, પપ્પા ઑફિસમાં અને મમ્મી જ્યોતિષી પાસે એની કુંડળી લઈને બતાવવા ગઈ છે. રાત્રે જ એણે કહ્યું હતું.
- ભાનુબહેન કાલે શાસ્ત્રીજી પાસે લઈ જવાના છે. અનુને બીજાં લગ્નનો યોગ ક્યારે છે? કંઈક ગ્રહ નડતો હોય તો પૂજા કરવાનુંય કહી દઈશું બરાબરને!
એ ચમકી ગયેલી.
- પ્લીઝ, મમ્મી, બીજાં લગ્ન? કેવી વાત કરે છે? મને હજી સ્વસ્થ તો થવા દે!
- તારું દુ:ખ સમજું છું બેટા. પણ આપણા સમાજમાં તું જાણે છેને કંઈ ઝટ દઈને, છુટ્ટી થઈ ગયેલી છોકરીનાં લગ્ન નથી થતાં. એટલે પ્રયત્નો ચાલુ કરી દઈએ તો સારું.
- પણ મારે એવા કોઈ પ્રયત્નો કરવા નથી.
- બેટા! એ તો એક ભૂલ થઈ ગઈ. આ વખતે તો નીમાબહેનના મૅરેજ બ્યૂરોમાં જ નામ નોંધાવી દઈશું. જોકે હવે તો બીજવર કે પછી...
- સ્ટોપ ઇટ. અનુરાધાને ચીસો પાડવાનું મન થઈ ગયું હતું. એ ઘરમાં ફરતી રહી. કશેથી પોતાપણાનો ભાવ ઊઠતો ન હતો. હતી માત્ર સ્મૃતિઓની ફિંગરપ્રિન્ટ્સ. એ પોતે તો અહીંથી પગેરું ભૂંસીને ગઈ ન હતી. તો પછી શું બન્યું હતું?
સાંજે મમ્મી કુંડળી બતાવી હરખાતાં હરખાતાં પાછી ફરી હતી. પપ્પા ઑફિસેથી આવીને ટી.વી. પર સમાચાર જોતા હતા. એ રસોડામાં સાંજની રસોઈની તૈયારી કરતી હતી. પરમ દિવસે જયનો જન્મદિવસ હતો અને સાંજે ઘરે પાર્ટી હતી. એને ભાવતી વટાણાની કચોરી માટે મમ્મીએ વટાણાનો ઢગલો જ કરી દીધો હતો. હજી એ પણ ફોલવાના બાકી હતા.
- શું કહ્યું શાસ્ત્રીજીએ?
પપ્પા પૂછતા હતા. અનુરાધા હૃદય માંડીને સાંભળી રહી. મમ્મીને જોયા વિના એ મમ્મીનું મલકતું મોં કલ્પી શકી.
- એમણે કહ્યું, જરાયે ચિંતા ન કરશો. બીજાં લગ્નનો યોગ છ મહિના સુધી ચાલશે. ત્યાં સુધીમાં પ્રયત્ન કરશો તો અનુનું ઠેકાણું પડી જશે. બે સંતાનનો યોગ છે.
- એમ!
- નહીં તો! ભાનુબહેન કહેતાં હતાં શાસ્ત્રીજી કહે એ બ્રહ્મવાક્ય. બોલે તે થાય જ. હું તો જયની કુંડળીય બતાવી આવી.
એ સારું કર્યું. શું કહ્યું?
- શાસ્ત્રીજી તો કુંડળી જોઈને જ ખુશ થઈ ગયા. કહે કે આવી કુંડળીવાળા દીકરા નસીબદારને ત્યાં જ જન્મે. પાંચ વરસમાં તો એની સી.એ.ની પ્રેક્ટિસમાં એવો જામી જશે, એનું નામ થશે કે તમારી છાતી ગજ ગજ ફૂલશે.
- તો લે આજ સુધી તને કહ્યું નહોતું. મેં એની ઑફિસ માટે જગ્યા પણ લઈ રાખી છે.
- તે લ્યો જ ને! નામ તો તમારું રોશન થશે.
બન્ને હસી પડ્યાં.
પ્રેશકૂકરની તીણી વ્હિસલમાં એ મમ્મીનો ધીમો અવાજ સાંભળી શકી.
- હું તો ત્યાંથી નીમાબહેનને ત્યાંય જતી આવી અને અનુરાધાનું નામ નોંધાવી દીધું. કાલે ઑફિસથી બે હજાર રૂપિયાનો ચેક ફીની મોકલી આપજો.
- શું કહે છે?
- મને કહે અનુના ચાન્સ તો ઘણા સારા છે. બિચારીનું ગોઠવાઈ જાય તો ઘણું સારું, આમ તે કંઈ જિંદગી નીકળે! અને આપણે ઘરમાં આવનારીનુંય વિચારવાનુંને!
ઝડપથી વટાણા ફોલતી અનુરાધાનો હાથ અટકી ગયો. એક છોડ ઘરતીમાંથી મૂળ સોતો ઊખડી ગયો હતો. બીજે એ રોપાઈ શક્યો ન હતો. તો એનું મૂળ ક્યાં હતાં? એની કઈ ધરતી?
બીજે દિવસે એણે સવારની ચા પપ્પાને આપતાં કહ્યું,
- પપ્પા મેં આગળ ભણવાનું નક્કી કર્યું છે.
મમ્મીએ માળા બાજુ પર મૂકી દીધી. પપ્પા ચમકી ગયા હોય એમ બોલ્યા,
- શું ભણવાનું?
- હવે તારે ભણવાની શી જરૂર પડી? જો મેં તને કહ્યું નહોતું પણ મેં કાલે જ મૅરેજ બ્યુરોમાં તારું નામ નોંધાવ્યું છે અને...
- ના મમ્મી. મને એવા પ્રકારના પરાણે લગ્ન કરી ગોઠવાઈ જવામાં કોઈ રસ નથી.
પપ્પાએ સમજાવટથી કામ લેવા માંડ્યું.
- જો બેટા, અમે જીવીએ છીએ ત્યાં તું ઠેકાણે પડીને તારું ઘર વસાવી લે એટલે અમને ચિંતા નહીં, સૌ પોતપોતાના સંસારમાં પડ્યા હોય, તારું કોણ?
અનુરાધાએ પપ્પાને ખભે હાથ મૂકીને કહ્યું.
- હું જ મારે માટે છું પછી તમારે શેની ચિંતા? સોશ્યલ વર્કનો ડિપ્લોમા કોર્સ કરવી છે. બધી તપાસ મેં કરી છે. એક વર્ષના કોર્સ પછી ઇન્સ્ટિટ્યૂટ તમને કામ અપાવવામાં મદદ કરે....
- કામ? એટલે કે નોકરી? એ બધી ઝંઝટમાં શું કામ પડે છે? હજી તારી ઉંમર છે, દેખાવડી છો ત્યારે ગોઠવાઈ જવાના ચાન્સ છે. પછી તો ઉંમર વધે અને ડાયવૉર્સ, કોઈ હાથ ન ઝાલે.
- સૉરી મમ્મી. હું આજે જ ઍડમિશન લેવા જવાની છું.
થોડા દિવસ તો મમ્મી એની સાથે બોલી જ નહીં. નીમાબહેનનો ફોન આવ્યો હતો. સિંગાપોરમાં રહે છે. પટેલ છે. હા. એક નાની બેબી છે, પણ ચિક્કાર પૈસો છે. માણસો સારા છે.
અનુરાધાએ ઘસીને ના પાડી. પપ્પામમ્મી નિરાશ થઈ ગયાં. જયે રમૂજ કરી,
- અનુ, તું પરણીને સિંગાપોર જાય તો હું હનીમૂન કરવા ત્યાં આવીશ ઓ.કે.!
અનુએ પણ હસીને કહ્યું હતું,
- સિંગાપો૨માં સરસ હોટેલ્સ છે જય, હું ત્યાં ન હોઉં તોય તું ખુશીથી જઈ શકે છે.
અનુરાધા અભ્યાસ નિમિત્તે જુદા જુદા લોકોને મળતી, સંસ્થાઓ, સેમિનાર્સ અને એણે બહારની વિશાળ દુનિયા જોઈ. જિંદગીના એવા વળાંકો પરથી સ્ત્રીઓ પસાર થતી હતી જેની એને કદી કલ્પના ન હતી.
બહારની દુનિયામાંથી એ ઘરમાં પાછી ફરતી અને એના નાના ઓરડાની બંધિયાર દીવાલો એને ગૂંગળાવી નાખતી. મન પાંખો ફફડાવતું. પોતાનું એક ઘર હોય! ડાયવૉર્સ સેટલમૅન્ટમાં ચારેક લાખ રૂપિયા અને થોડા દાગીના મળ્યા હતા. માબાપથી છૂટો પડી દીકરો જુદું ઘર માંડે એમાં કોઈને કશું અજુગતું લાગતું નહોતું, પણ એ જુદી થશે તો પપ્પામમ્મીને જરૂર ખરાબ લાગશે.
અને એક દિવસ એણે કહી દીધું,
- પપ્પા. હું હૉસ્ટેલમાં રહેવા જવાની છું.
મમ્મીની આંખો ભરાઈ આવી.
- અરેરે! અનુ! આ શું તેં માંડ્યું છે? છૂટાછેડાનું માંડ પત્યું, ત્યાં ભણતું અને આ હૉસ્ટેલના ઉધામા. જરા અમારો તો વિચાર કર.
અનુરાધાએ મમ્મીને સ્નેહથી બાથમાં લઈ લીધી.
- તું કોઈને જવાબ આપવા બંધાયેલી નથી. તોય કોઈ પૂછે તો કહેવાનું કે એ જ્યાં ભણે છે ત્યાં હૉસ્ટેલમાં રહીને જ ભણી શકાય એટલે અનુ ત્યાં રહીને ભણે છે. થઈ ગયો તારા પ્રૉબ્લેમનો ઉકેલ! હવે હસ જોઉં.
હૉસ્ટેલના મોટા ઓરડાઓ બધા ભરેલા છે. અનુરાધાને મળ્યો છે છેવાડાનો એક નાનો ઓરડો. પણ અનુરાધા તો ઓરડો જોતાં જ ખુશ ખુશ થઈ ગયેલી, કારણ કે ઓરડા પાસે નાની સરખી બાલ્કનીનો વૈભવ છે.
એ સામાન ગોઠવવાની મથામણ કરતી હતી કે કોઈ આવીને ઊભું રહ્યું.
- બહેન, મારું નામ હસન. વૉચમેન-માળી જે ગણો એ. લાવો મદદ કરું?
વેરવિખેર સામાન વચ્ચે ઊભેલી અનુરાધાને હાશકારો થઈ ગયો. બાલ્કનીમાં ડોકું કાઢી એ બોલ્યો,
- વરસથી આ ઓરડી બંધ હતી. નાની છે પણ હવાઉજાસ બઉ સારા છે હોં! આ બાલ્કની તો સાવ સૂકીભઠ ભાળું. આંઈ પાળી પર બેચાર કૂંડાં મૂકી દેશુંને તે તમારે બગીચો થઈ જાશે.
- પણ હસન મને ગાર્ડનિંગ નથી આવડતું.
- હું છુંને! ઝટ કરતાં શીખી જાશો. ઊભા રેજો, હું હમણાં જ ગુલાબની કલમ, ખાતર, કૂંડું બધું લઈ આવું. આજ ને આજ ઉદ્દઘાટન છે પછી કાંઈ?
હસન ઉત્સાહભેર નીચે ગયો. અનુરાધા સામાન વચ્ચે ઊભી રહી!
સ્રોત
- પુસ્તક : વર્ષા અડાલજા : સદાબહાર વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 94)
- સર્જક : વર્ષા અડાલજા
- પ્રકાશક : આર. આર. શેઠ એન્ડ કંપની
- વર્ષ : 2020
