Anarkali - Short Stories | RekhtaGujarati

અનારકલી

Anarkali

બકુલ બક્ષી બકુલ બક્ષી
અનારકલી
બકુલ બક્ષી

અડધી રાત થઈ ચૂકી હતી અને સરદાર લહનાસિંહની આંખોમાં થોડી થકાવટ ઊતરી આવી હતી. સામે રસ્તા પર હેડલાઇટોનો એકધારો પ્રકાશ ફેંકાતો હતો અને આસપાસ અંધકારમાં પસાર થતાં ખેતરોનો અણસાર આવી જતો હતો. ટ્રક પૂર ઝડપે જઈ રહી હતી અને લહનાસિંહે બાજુમાં નસકોરાં બોલાવતા ક્લીનર દેવજી તરફ જોયું. રસ્તાના અંધકાર પર એક ટોર્ચનું અજવાળું ઝૂલતું દેખાયું. લહનાસિંહે ક્લચ અને બ્રેક દબાવ્યાં. ધીરે ધીરે વિશાળકાય ટ્રક ઊભી રહી અને એન્જિનના ધબકારા હાંફતા જાનવરના શ્વાસોચ્છ્વાસની જેમ આવવા લાગ્યા. એક બંદૂકધારી યુનિફોર્મ પહેરેલા માણસે પાસે આવી પૂછ્યું.

‘શું ભર્યું છે?’

‘લસણ.’

‘ક્યાંથી આવો છો?'

‘રાજકોટથી.’

‘ક્યાં જવું છે?’

‘અમદાવાદ.'

બીજા બેચાર માણસો નજીક આવ્યા, એમાંના એકે કહ્યું, ‘જરા સરદારજી, તાડપત્રી ખોલી આપો.’

‘હં જી, દેખ લો.' કહીને સરદાર લહનાસિંહ એન્જિન બંધ કરી કૂદીને સડક પર આવ્યો.

‘ઓય દેવજી, ઊઠ યાર.' એણે જોરદાર અવાજથી કહ્યું. દેવજી આંખો ચોળતો ઊભો થયો. લહનાસિંહે દોરડાં ખોલીને લસણની ગુણો બતાવી, પછી એને લગતા કાગળો બતાવ્યા.

‘જાઓ, જાઓ.’ યુનિફોર્મવાળા એક સિપાહીએ રસ્તા પર લાકડી ઠપકારતાં કહ્યું. અને પાછળ આવતી બીજી ટ્રક તરફ લોકો ચાલ્યા ગયા. તાડપત્રી વગેરે બરોબર બાંધીને લહનાસિંહ સ્ટીઅરિંગ વ્હીલની પાછળ બેસી ગયો. ટ્રક ફરી પૂરઝડપે જવા લાગી. દેવજી ફરી સૂઈ ગયો.

વહેલી સવારે જ્યારે આકાશના એક ખૂણામાં નિસ્તેજ ચંદ્ર દેખાયો ત્યારે લહનાસિંહે ટ્રક રોકી, ક્લીનરને ચલાવવાનું કહી પોતે આંખો બંધ કરીને પડી રહ્યો. લીલાંછમ ખેતરો ઉપર ઝૂકેલા કાળા આકાશમાં એણે વીજળીના ચળકતા ઝબકારા જોયા. દરિયા-એ-ચિનાબનું લીલું પાણી જોયું. ક્ષિતિજના પર્વતો પર પડતો ધુમ્મસી વરસાદ જોયો. ટ્રેક્ટરોનો ઘરઘરાટ સાંભળ્યો અને સશક્ત ખેડૂતોના હસતા ચહેરાઓ જોયા. ઘરના આંગણે બેઠેલી શન્નોની ઉદાસ આંખોમાં એકલતાની ઝલક જોઈ. આંચકા સાથે ટ્રક રોકાઈ ત્યારે સતર્ક થઈ ગયો. દેવજીએ સડકના કિનારાની એક હોટેલ પાસે ટ્રક ઊભી રાખી હતી.

જરા ઊંઘ આવી ગઈ અને મારા ગામનું સ્વપ્ન આવી ગયું.' લહનાસિંહે કહ્યું.

સવાર પડી ગઈ હતી અને બન્ને હોટેલમાં ચા પીવા રોકાયા. દેવજીએ ટ્રકનું મશીન તપાસી લીધું. રેડિયેટરમાં નાની બાલદીથી પાણી નાખી લીધું.

લહનાસિંહ પંજાબની વાતો કરવા લાગ્યો -- ગુરદાસપુર પાસેના એના નાના ગામની. નાનપણમાં જ્યારે ભાગલા પડ્યા ત્યારે સિયાલકોટથી ભાગીને કાફલા સાથે હિન્દુસ્તાન આવેલો તે જમાનાની. અને ત્રણ વર્ષ પહેલાં એની પત્ની બની ચૂકેલી શન્નોની, દેવજી ચા પીતાં પીતાં બધું સાંભળતો રહ્યો. જ્યારે જ્યારે પંજાબની યાદ આવી જતી ત્યારે લહનાસિંહ સાંભળનારનો ખ્યાલ કર્યા વિના બોલ્યા કરતો.

દેવજી ટ્રકની બાજુમાં આવીને ઊભો રહ્યો -- આસપાસ બીજી ટ્રકો પણ ઊભી હતી. દેવજીએ એક કપડું લઈને સાફસૂફી કરવા માંડી. ટ્રકના આગલા ભાગ પર નામ લખેલું હતું : અનારકલી. ડ્રાઇવર કૅબિનમાં ભગવાનના ફોટાઓ ફ્રેમ કરીને ટિંગાડેલા હતા. બાજુમાં કોઈ ફિલ્મી માસિકમાંથી ફાડેલો કોઈ અભિનેત્રીનો અર્ધનગ્ન ફોટો પણ હતો. ટ્રકની પાછળ સ્પેર વ્હીલ રાખવાની જગ્યાની નીચે લખેલું હતું- ‘ફિર મિલેંગે'. જ્યાં લહનાસિંહ બેસતો હતો બારણાની ઉપર ‘પાયલટ’ લખેલું હતું અને એક ગુલાબનું ફૂલ ચીતરેલું હતું. લહનાસિંહે અનારકલીને કોઈ દિવસ ટ્રક સમજી હતી. કોઈ વ્યક્તિથી હોય તેવી તેને આત્મીયતા હતી. કહેતો કે અનારકલીનો મિજાજ લહનાસિંહ સિવાય બીજો કોઈ ડ્રાઇવર નહીં સમજી શકે, બન્ને વચ્ચે એક પ્રકારની સમજૂતી હોય તેવું લાગતું. આજ સુધી અનારકલીએ કોઈ દિવસ રસ્તામાં તકલીફ આપી હતી.

સવારનો સૂરજ ઊગી રહ્યો હતો અને લહનાસિંહ બાજુના તળાવ પર નાહીને લીટીઓવાળી ચડ્ડી પહેરીને ઊભો હતો. સવારના આછા તડકામાં એણે વાળ સૂકવ્યા. પછી પોતાની ધોયેલી પાઘડી દેવજીની મદદથી ગડી કરી મૂકી દીધી. બીજી એક બદામી રંગની પાઘડી કાઢીને છેડો મોઢામાં પકડીને પહેરવા માંડી. તૈયાર થઈ ગયા પછી બન્ને ટ્રકમાં બેઠા. એની બેગમાંથી 'ફિક્સો'ની ડબ્બી કાઢીને એણે દાઢી પર ક્રીમ લગાવ્યું અને લહનાસિંહની દાઢી વધારે કાળી અને ચમકદાર લાગવા માંડી, લહનાસિંહે ટ્રક ચાલુ કરી અને થોડી વારમાં હાઈ-વે પર અનારકલી પૂરપાટ જઈ રહી હતી. સવારની ખુશનુમા હવામાં એનો ચહેરો બહુ સ્વચ્છ લાગી રહ્યો હતો. અમદાવાદ પહોંચી, માલ ગોદામ પર ઉતારી શેઠ પાસેથી પૈસા લઈ એણે બીજો ફેરો નક્કી કરી લીધો. શેઠજીની ટ્રાન્સપોર્ટ કંપનીમાં લહનાસિંહ ટ્રક ચલાવતો. રાત્રે વેરાવળ જવાનું હતું. દિવસ-રાત ફરવાનું રહેતું અને ભાગ્યે આરામ મળતો. ચાલુ ટ્રકે આરામ કરવામાં લોકો ટેવાઈ ગયા હતા. કોઈ વાર જ્યારે ફરવાનું રહેતું ત્યારે બન્ને ભરપૂર ઊંઘી લેતા. ફરી પાછી જીપ્સીની જિન્દગી શરૂ થઈ જતી.

આકાશમાં કાળાં વાદળોનાં પડ એક પછી એક ખૂલવા માંડ્યાં અને એક સાંજે વરસાદ શરૂ થયો. વરસાદ ધોધમાર પડ્યો. વાઈપરો વરસાદના ધોધને અટકાવે તે પહેલાં બહારનું દૃશ્ય ભુંસાઈ જતું. વરસાદ અટકયા પછી વાતાવરણ પર ભીની માટીની સુવાસ ઝૂલતી રહી. રસ્તાની બાજુમાં વૃક્ષો હજી ટપકતાં હતાં અને આકાશ ધીરે ધીરે ખૂલતું જતું હતું. રસ્તા પર પસાર થઈ ચૂકેલી ગાડીઓમાંથી ટપકેલા પેટ્રોલના મેઘધનુષી લિસોટા દેખાતા હતા. લહનાસિંહે દૂર ટેકરી પરના આકાશમાં બદલાતા રંગો જોયા. નદી ઉપરના આકાશમાં ફેલાયેલું મેઘધનુષ્ય જોયું. ખેતરમાં કામ કરતા ખેડૂતના પસીનાને ચોમાસાના પહેલા વરસાદમાં ધોવાતો જોયો. પંજાબનાં ગામડાંઓના જીવનની યાદ તાજી થઈ ગઈ. એણે એક્સેલેટર પર પગ દબાવ્યો અને બારીમાંથી લાગેલી ઠંડી હવાની ઝાપટથી ટ્રકની ઝડપ વધ્યાનો અંદાજ આવ્યો.

લગ્ન કરવા ગયો ત્યારે લહનાસિંહ ઘોડા પર બેસીને ગયો હતો અને થોડા બારાતીઓએ ‘ભાંગડા’ કર્યો હતો. રંગબેરંગી કપડાં, ખાવાપીવાની મહેફિલો પછી શન્નો જીવનમાં પ્રવેશી હતી. એને ઘણા બધા નવા અનુભવો કરાવ્યા. શાદી પછીની પહેલી વરસાદી સાંજ પણ કંઈક આવી હતી. એકાએક બધું યાદ આવી ગયું. પંજાબનું જીવન આંખો સામે દેખાવા લાગ્યું.

કાપણી થઈ ગયા પછી કિસાનો મર્દાનગીભર્યું ‘ભાંગડા’ કરતા. ચાંદની રાતોમાં ઢોલકના તાલ પર ગ્રામ્ય જીવનની ઊર્મિઓ ગીતોમાં ગવાઈ જતી, બૈસાખીનો તહેવાર આવતો. ખુશનુમા મોસમમાં પંજાબની જમીન જવાન થઈ ઊઠી હતી. લગ્નો અને બીજી ખુશાલી પર પુરુષોના ભાંગડા જેવું સ્ત્રીઓ ‘ગિધ્ધા’ કરતી. ઊંટસવારો સફરમાં રાતવાસો કરતા ત્યારે આગ જલાવીને રાતરાતભર ઢોલકો પર ‘ટપ્પા’ ગાતા. અને કોઈ વાર રાતના એકાંતમાં બુલંદ અવાજે ગવાતી ‘હીર’ સાંભળવા મળતી ત્યારે દુનિયાનું બધું દુઃખ ભુલાઈ જતું. વારીસ શાહની હીર લોકપ્રિય હીરરાંઝાની પ્રણયકથાને આધાર બનાવી જીવનના દુઃખનું સુંદર વર્ણન કરતી, દુલ્હનની ડોલી જ્યારે બાબુલ (પિતા)નું ઘર છોડી જાય ત્યારે લાક્ષણિક વિદાયગીતો ગવાતાં. પંજાબનાં વિદાયગીતોમાં જીવનની ક્ષણનો ઘેરો રંગ ઊતરી આવતો -- સાઢા બોલીયા ચાલીયા માફ કરના, ચંદ રોઝ તેરે ઘર રહ ચલે વૈ' દીકરી જતી વખતે પિતાને કહેતી હતી : મારું બોલ્યુંચાલ્યું માફ કરી દેજે. થોડા દિવસ તારે ત્યાં પણ રહી ચૂકી છું.

કોઈક વાર દીકરી દૂર ચાલી જતી. કોઈક વાર આવતી ત્યારે બદલાઈને આવતી. જે ઘરમાં મોટી થઈ હોય ઘરમાં પરદેશણ થઈને આવતી. ‘બાબુલ તેરે મહેલાં વિચ્ચોં તેરી લાડો પરદેશણ હોઈ.'

લહનાસિંહે અનારકલીની ઝડપ વધારી. દેવજી જરા સતર્ક થઈ બેસી ગયો. સ્પીડોમીટરનો કાંટો સોના આંકડાથી ઉપર જઈ લગભગ સ્થિર થઈ ગયો. હવાના જથ્થાને ચીરતી અનારકલી જતી હોય તેવો સુસવાટાનો અવાજ આવી રહ્યો હતો. લહનાસિંહને લાગ્યું કે અનારકલીની સાથે શરીરનાં બધાં બંધનો તોડીને ઊડી રહ્યો છે. એકાએક એને શારીરિક અને માનસિક સ્વતંત્રતા લાગવા માંડી. અને એક પ્રકારનો આનંદ આવવા માંડયો. શન્નોનો ચહેરો આંખો સામેથી ખસતો હતો. પણ ગતિથી ડ્રાઈવ કરવામાં જે નશો આવતો હતો તે કદાચ શન્નો પણ આપી શકત, ત્યાર બાદ લહનાસિંહ ટ્રકને ઝડપથી વધારે ને વધારે ચલાવવા માંડ્યો. કદાચ એની અને અનારકલીની સમજૂતીના લીધે કે બીજું કોઈ પણ કારણ હોય પણ અકસ્માત નડતો હતો. આવા જોખમી ડ્રાઇવિંગથી એક નશો આવતો ને લહનાસિંહે એના એકવિધ જીવન માટે એક નવો શોખ શોધ્યો હતો. ક્યારેક દેવજીને કહેતો કે એક દિવસ લહના ટ્રાન્સપોર્ટની ટ્રકો દોડતી હશે. જિન્દગીમાં કંઈક કરી બતાવવું છે.

કોઈ વાર પૂરઝડપે જતી અનારકલી નીચે કોઈ રખડતું કૂતરું આવી જતું અને પાછળ જોવાથી કૂતરાનું તરફડતું શરીર સડકની વચ્ચે એક ટપકા જેવું દેખાતું. બપોરે જ્યારે એકધારા ડ્રાઇવિંગથી આંખોમાં થાક ઊતરી આવતો ત્યારે કોઈ વાર એકાએક ઊડતું કબૂતર આવીને કાચ સાથે ટક્કર ખાઈ જતું અને પીંછાં વેરવિખેર થઈ જતાં. આંખોનો થાક અચાનક જતો રહેતો. અને પ્રકૃતિનાં દૃશ્યોની એકવિધતામાં થોડી ખલેલ પડતી. ફરી પાછું પ્રકૃતિનું દૃશ્ય અને હંમેશ નજરોની સામે લંબાતો જતો રસ્તો.

રસ્તા પરની હોટેલોની ચા પી જે મળે તે ખાઈને બન્ને બને એટલા વધારે ફેરા કરી લેતા હતા. ત્યારે લહનાસિંહ પંજાબમાં મળતા ખોરાકની, ત્યાંનાં લીલાંછમ ખેતરોની સરખામણી અહીંની હોટેલોના ખોરાક અને પ્રાકૃતિક દૃશ્યો સાથે કરી કંઈક અંશે દુઃખી થતો. બેકારીના દિવસોમાં એક પરિચિતની સાથે અહીં આવ્યો હતો અને પછી અહીં એનાં અંજળપાણી મળી ગયાં હતાં. હવે તો કોઈ વાર રજા લઈ પંજાબ જતો -- ત્યાંથી પત્રો આવતા એની માના, શન્નોના. એના મનમાં એક પ્રબળ ઇચ્છા હતી ઘણા બધા પૈસા કમાઈને પાછા પંજાબ ચાલ્યા જવાની. પણ પૈસા કમાવાનો માર્ગ સૂઝતો હતો. એની મુઠ્ઠીમાં ફક્ત શેઠજીની ટ્રાન્સપોર્ટ કંપનીની નોકરી હતી. અત્યારની જિન્દગીમાં ભવિષ્ય બહુ સીમિત લાગતું હતું પણ પ્રગતિમાં એનો વિશ્વાસ અટલ હતો.

બધા વાતાવરણમાં જ્યારે પંજાબના જીવનનો વિચાર આવી જતો ત્યારે ઉદાસ થઈ જતો. ત્યાંનાં લહલહાતાં ઘઉંનાં ખેતરો, કડકડતી ઠંડીમાં ખવાતી ‘મક્કેદી રોટી’ અને ‘સરસોંદા સાગ', ઊંચા પિત્તળના ગ્લાસમાં લસ્સી પીને મૂછો સાફ કરતા જવાન, વિલાયતી શરાબની દુકાનો, દિવસભરના કામ પછી ટ્રેક્ટરમાં આખા કુટુંબને ફરવા લઈ જતો હરિયાળી ક્રાન્તિનો કિસાન, કોઈ ઘરમાં લડાઈમાં ખપી ગયેલા જવાન બેટાના ફોટા આગળ મુકાતાં ફૂલો. જિન્દગીના પ્રવાહની ગતિ ત્યાં જુદી હતી, જીવનનાં પાસાંઓમાં મર્દાનગી ઝલકતી હતી.

‘તું પંજાબ કેમ ચાલ્યો જતો નથી?' એક દિવસ દેવજીએ પૂછ્યું. ‘જઈશ; એક દેવું છે ચૂકવીને,' લહનાસિંહે સિફતથી ટ્રક વાળતાં કહ્યું.

ટ્રાફિક વિનાના ખુલ્લા રસ્તા પર બપોરનો સૂરજ ચળકતો હતો. ‘શાદી વખતે પાંચ હજાર રૂપિયા ઉધાર લીધા હતા ચૂકવાઈ જાય પછી અહીંથી ચાલ્યો જઈશ.'

શેઠ અત્યારે લહનાસિંહને બહુ માનતા. જો બીજો કોઈ ડ્રાઇવર અનારકલી લઈ જાય તો નાદાન છોકરાની જેમ ઝઘડી પડતો. છતાં પણ શેઠ બધું ચલાવી લેતા. લહનાસિંહ કહેતો કે બીજા ડ્રાઇવરો અનારકલીનો મૂડ સમજતા નથી અને લોકો એને સંભાળી નહીં શકે, નુકસાન આવશે.

અહીંથી પંજાબ ચાલ્યો જઈશ તો પછી તારી પોતાની ટ્રકો ક્યારે દોડશે?'

‘બધું થશે, ધીરે ધીરે. હિંમતથી લડતો રહીશ તો મદદ મળતી રહેશે--' લહનાસિંહ આત્મવિશ્વાસથી કહેતો.

લહનાસિંહ અને ક્લીનર દેવજીની દોસ્તી જામી રહી હતી. દેવજીનો હાથ પણ ડ્રાઇવિંગ પર બેસી રહ્યો હતો અને લહનાસિંહ કહેતો કે હવે એણે પણ ડ્રાઇવિંગ કરવું જોઈએ. એમની દોસ્તીમાં, એમના રખડપટ્ટીના જીવનમાં -- દિવસો, મહિનાઓ, ઋતૃઓ વીતવા લાગ્યાં.

એક સવારે ગોદામ પર માલ ઉતારી લહનાસિંહે ઘરેથી આવેલા પત્રો વાંચ્યા. પછી શેઠને મળ્યો અને પાછો ટ્રક પર આવ્યો ત્યારે ચિંતાતુર લાગતો હતો.

‘શું છે?’ દેવજીએ પૂછ્યું.

‘ઘેરથી પત્ર આવ્યો છે. માની તબિયત વધારે ખરાબ છે. થોડા દિવસો જઈ આવવું પડશે.'

બંને એક સસ્તી હોટેલમાં જઈને બેઠા. દેવજીએ જોયું કે લહનાસિંહનો ચહેરો કોઈ દિવસ ન'તો લાગતો તેટલો ગંભીર લાગતો હતો.

‘થોડા પૈસાની પણ વ્યવસ્થા કરવી પડશે,' એણે ચાનો ખાલી કપ મૂકતાં કહ્યું.

પૈસા વગેરેની વ્યવસ્થા કરી લહનાસિંહ રાતે એક ગિરદીવાળા થર્ડ ક્લાસના ડબ્બામાં એના ગામ જવા ચડી ગયો. જતા જતાં એણે દેવજીને કહ્યું હતું—

‘બીજો ગમે તે ડ્રાઈવર આવે પણ અનારકલીનો ખ્યાલ રાખજે, હું પંદર દિવસમાં પાછો આવી જઈશ.'

એના ગયા પછી દેવજીને લાગ્યું કે લહનાસિંહ સાથે કામ કરવામાં એક અજબ આનંદ આવતો હતો જે એની ગેરહાજરીમાં સમજાતું હતું.

*

ક્લીનર દેવજીએ આંખો ખોલી ત્યારે એને શરીર જકડાયેલું લાગતું હતું અને ઉપર ધીમે ફરતા પંખાને વિશાળ છત પર સરકતો જોયો. એણે માથા પર હાથ ફેરવ્યો અને બેન્ડેજના કડક કપડા પર આંગળીઓ એક ક્ષણ અટકી ગઈ -- એની છાતી પણ બેન્ડેજમાં જકડેલી હતી. બાજુના પલંગ પર નવો ડ્રાઇવર ઘેનમાં પડ્યો હોય તેમ સૂઈ રહ્યો હતો. એક નર્સે આવીને એનો તાવ માપી જોયો પછી એક ચમચીથી દવા પાઈ.

સાંજે શેઠ આવીને બન્નેને જોઈ ગયા. ત્યારે દેવજીને સ્પષ્ટ થયું. નવો ડ્રાઇવર ઓવરટેક કરવા જતાં સામેથી આવતા એક તેલ ભરેલા ટાંકા સાથે ટકરાઈ ગયો હતો, ટાંકો અને અનારકલી બન્ને રસ્તા પરથી ઊતરી ગયાં હતાં. અનારકલીને ઘણું નુકસાન થયું હતું પણ દેવજી બહુ ઓછી ઈજાથી આબાદ બચી ગયો હતો. નવા ડ્રાઇવરને ઘણા વધારે પ્રમાણમાં વાગ્યું હતું. એણે અનારકલીને બચાવવાની ઘણી કોશિશ કરી હતી પણ પછી બહુ મોડું થઈ ચૂક્યું હતું. એકાએક લહનાસિંહ યાદ આવી ગયો. પાછો આવશે ત્યારે અનારકલીની હાલત જોઈ એના શું પ્રત્યાઘાતો હશે વિચારમાં એને ઊંઘ આવી ગઈ. સારામાં સારી સારવાર મળે તે માટે શેઠે પૂરતા પ્રયાસો કર્યા હતા.

લહનાસિંહ આવ્યો ત્યારે દેવજીને હૉસ્પિટલમાંથી રજા મળી ચૂકી હતી. લહનાસિંહની માની તબિયત સુધારા પર હતી પણ અનારકલીના સમાચારથી કોઈ સ્વજનનું મોત થયું હોય તેમ એનો ચહેરો ગંભીર થઈ ગયો હતો. દેવજી સાથે ગેરેજમાં ગયો. વેલ્ડિંગના બ્લૂ ઝબકારાઓ, બળતા રબરની વાસ, અંતે લોખંડના અવાજો પસાર કરી અને પંપાળતો હોય તેમ અનારકલીના બોનેટ પર હાથ મૂકીને ઊભો રહ્યો. બન્ને વચ્ચે કંઈક સમજૂતી હોય અને એકબીજા માટે લાગણી હોય તેમ લહનાસિંહ નુકસાન પામેલી અનારકલીને ઉદાસ નજરે જોઈ રહ્યો.

બીજી ટ્રક લઈને લહનાસિંહ નવો ફેરો કરવા ઊપડી ગયો. નવી ટ્રક હતી, નવો ક્લીનર હતો. સાંજે લોકો જગ્યાએ પહોંચ્યા જ્યાં અનારકલીનો અકસ્માત થયો હતો. રસ્તાની બાજુ પર હજી પણ કાચના ટુકડાઓ વેરવિખેર પડ્યા હતા. જે વળાંક પર અકસ્માત થયો હતો તે જોતાં એની ગંભીરતાનો ખ્યાલ આવી જતો હતો. લહનાસિંહને થયું કે આમાંથી દેવજી બચી ગયો ખરેખર એનાં સારાં નસીબ કહેવાય.

હાઈ-વે પર લહનાસિંહની આકૃતિ ડૂબતા સૂરજના પ્રકાશમાં તદ્દન ખોવાયેલી અને એકાકી લાગી રહી હતી. એણે આકાશ તરફ જોઈ લીધું. ક્ષિતિજ સુધી ફેલાયેલી સપાટ જમીન પર અર્ધ-ગોળાકારમાં નજર ફરી ગઈ અને દૂર ઊડતી બદામી ધૂળની ડમરી પર આવીને અટકી ગઈ. અનારકલીના તૂટેલા કાચ પર સાંજનો સૂરજ ચળકી ઊઠ્યો અને લહનાસિંહે પાઘડીના છેડાથી મોઢા પરનો પસીનો લૂછી નવી ટ્રકનું બારણું ખોલ્યું. એક્સેલેટર પર પગનું દબાણ વધ્યું અને ફરી ખેતરો, ક્ષિતિજ, ડૂબતો સૂરજ બધું પૂરઝડપે દોડવા માંડ્યું.

(‘મજલિસ’માંથી)

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા (ભાગ-2) (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999