anarkali ane scotch - Short Stories | RekhtaGujarati

અનારકલી અને સ્કોચ

anarkali ane scotch

વિજય સોની વિજય સોની
અનારકલી અને સ્કોચ
વિજય સોની

જૂન મહિનાની રાતીચોળ સાંજ મારા પર ઝળુંબી રહી હતી. પ્રેશર કૂકરની સીટીમાંથી વરાળ વછુટે એમ બફારો ચારેબાજુથી મને ચોંટી ગયો હતો. ક્યાંય ગમતું હતું. શરીરમાંથી પરસેવો ઝરણાની જેમ ફૂટી નીકળ્યો હતો. કંટાળા ભરેલી એવી એક સાંજે લંડનથી આવેલો દોસ્ત, મને પેપરબેગમાં વીટીને સિંગલ મૉલ્ટ સ્કોચ વ્હિસ્કીની ત્રણ બોટલ આપી ગયો ત્યારે મારી આંખમાંથી, બસ હરખનાં આંસુ આવવાનાં બાકી રહ્યાં હતાં. 'રોયલ સ્ટેગ' અને 'ઓફિસર્સ ચોઇસ' પી પીને અમારાં આંતરડા નિચોવાઈ ગયા હતા. મેં કચકચાવીને ભેટીને મિત્રનો આભાર માન્યો, જતો રહ્યો પછી હું પ્રેમિકાના હોઠને જોતો હોઉં એમ વ્હિસ્કીની ત્રણ બોટલ જોઈ રહ્યો, પછી તરત પહેલો વિચાર રઘુનો અને બીજો વિચાર જયનો આવ્યો.

હું, રઘુ અને જય, અમે ત્રણેય સ્કૂલમાં સાથે ભણતા હતા. સાથે મોટા થયા. એકબીજા સાથે વાત કરીએ ત્યારે અમે બધા પ્રકારની વાતો દિલ ખોલીને કરતા. અમે કોઈ વાત છુપાવતા નહીં. એમ કહેવાય કે અમે અમારી જાંઘ ખોલી નાખતા. રઘુનું નામ રાઘવ પણ અમે એને ચડ્ડીમાં જાંગીયો નહોતો પહેરતો ત્યારથી રઘુ કહીએ છીએ. જયનું નામ બદલીને કંઈ થઈ શકે એમ હતું એટલે એનું રહી ગયું. બંને મને શું કહેતા હશે મને ખબર નથી. હું અને રઘુ શનિવારે રાત્રે મારા ઘરના ધાબે પીવા માટે ભેગાં થવાનું નક્કી કરીને છૂટા પડ્યા ત્યારે મને અચાનક યાદ આવ્યું કે જયને પણ કહી દઈએ તો સારું. ઘણા સમયથી મળ્યા નથી ને બહાને મળી લેવાશે. પાર્ટી-શાર્ટી કરી લેવાશે. મને થયું કે એકલા તો સાલી પાણી પીવાનીય મજા નથી આવતી, તો સ્કોચ છે! બધા સાથે હોય તો મજા આવે. સ્કોચ મારો અને બાઇટિંગ લોકોનું એવું મનમાં નક્કી કરી રાખેલું.. રઘલો તો સ્કોચ પીવા મળશે સાંભળીને અધીરો થઈ ગયો હતો.

મેં એને એમ ચૂંટલો ખણતા પૂછેલું કે પેલાને ફોન કરી દઉં?

કહે, ‘રહેવા દે ને, ગટર છે. પીવા બેસશે પછી એને ભાન નહિ રે, કંઈક ખેલ કરશે તો આપણી મજાની મા અણાઈ જશે. તને ખબર છે ને આપણે બે વરસ પહેલાં સેલવાસ ગયેલાં ત્યારે ગળાથી ગાંડ સુધી ગટકાવી ગયેલો, પછી પેન્ટ કાઢીને બાથરૂમમાં ઘુસી ગયો'તો યાદ છે ને બધી ભવાઈ? પાછી બાથરૂમની સ્ટોપર અંદરથી બંધ કરી દીધેલી, પપુડી પકડીને પેન્ટ પહેરાવતા નાકે દમ આવી ગયો હતો... ખબર છે ને? રઘલો મને બીવરાવતો હતો કે આવનારા સંકટની સામે આંગળી ચીંધતો હતો મને સમજાયું નહીં.

‘કઈ નહીં કરે, યાર. હવે સુધરી ગયો છે. હવે ભેગા બેસીને દારૂ પીવા સિવાય જીવનમાં ક્યાં કંઈ રહ્યું છે?' હું થોડો ફિલોસોફીકલ થઈ ગયો હતો.

‘પીધા પહેલાં તારામાં તો અક્કલ આવી ગઈ! કશો વાંધો નહીં. બધી તારી જવાબદારી. હું કાંઈ નહીં કરું.’ રઘુએ મને ચોખ્ખું કહી દીધું.

‘તું એનાં પેન્ટની ઝીપ તો બંધ કરીશ ને?’ મેં ગંભીર મોં બનાવીને એને પૂછ્યું.

‘રહેવા દે ને, હું બંધ કરીશ તો એનું કંઈ વધશે નહીં.’ મને ધબ્બો મારતા બોલ્યો.

‘તું એની સાથે પીશ તો ખરો ને?’ મેં પૂછ્યું.

‘સ્કોચ તો હું અમરીશપુરી સાથે બેસીને પી લઉં.’ મને ખબર હતી કે રઘલાને અમરીશપુરી નહોતો ગમતો કેમકે એની ગમતી હિરોઈનો સાથે બળાત્કાર કરતો રહેતો હતો. મેં કીધું, ‘અમરીશપુરી તો નહીં આવે તારી જોડે પીવા. અત્યારે મારી અને જયલાથી ચલાવી લે.’

રઘલો સાવ ખેંખલી (જો કે એને કોઈ ખેંખલી કહે એને સહેજેય ગમતું નહીં.) પણ બોલવામાં જબરો. વળિયું મરચું જોઈ લો, દૂરથી સારું લાગે પણ મોઢામાં મુકો તો ફાટી રહે.

મેં રઘલાથી છુટા પડીને તરત જયને ફોન કરેલો, ‘આ શનિવારે રાત્રે મારા ધાબે ભેગા થવાનું છે.’

‘છે કંઈ? માલ બાલ આવ્યો છે?’ એણે પૂછ્યું.

પહેલાં મનમાં થયું કે કહું કે સ્કોચ છે પણ પછી થયું કે રહેવા દે ને કહીશ તો બીજા બેને લેતો આવશે. એટલે ખાલી એટલું કીધું કે, ‘આ શનિવારે રાત્રે મારા ધાબે.’ જો કે સમજી ગયો હશે. આવી રીતે અપાયેલા આમંત્રણ બધા ઝડપથી સમજી જતા હોય છે.

‘માલ કેવો છે?’ એણે પૂછ્યું.

‘મુક ને બધી પંચાત, ડોફા. તારે પીવું હોય તો આવજે અને બાઇટિંગ લેતો આવજે.’ મેં છાસિયું કર્યું.

‘માલ મારો બાઇટિંગ તમારું.’ મેં કીધું.

‘એટલે બીજું કોઈ પણ આવવાનું છે?’

‘હા, રઘલો છે ને...!’

‘અચ્છા, તો તારો લંગોટીયો તો હોય ને!’ એણે મને ટોણો માર્યો.

‘તું છે ને!’ મેં કીધું.

‘ના, તમે બેય તો એક પપૂડીએ મુતરો છો ને, હું ક્યાં તમારી તોલે આવું?’

મને ગાળ દેવાનું મન થયું પણ પછી થયું જવા દે ને, રૂબરૂ મળ્યે વાત.

શનિવાર આવતા સુધી રઘુ મને રોજ ફોન કરતો. ‘કોઈ બીજાને આપી નથી દીધું ને? તું છે પાછો દાનેશ્વરીની ઓલાદ. જૂનો સ્કોચ તો યાર, તને શું ખબર કેવો હોય? અમારી જેવા ટીંચરિયાને પૂછ! છીટંનાં ખોળામાં સુતા હોઈએ એવું લાગે. તમને જન્નતના દર્શન કરાવે.’

મને થયું કે આને શનિવાર પહેલાં ચડવાની શરૂઆત થઈ ગઈ છે. એમાંય વળી મને શું સૂઝ્યું કે મેં એને બોટલનો ફોટો મોકલ્યો. એનો તરત ફોન આવી ગયો. ‘વહેલાં મેળ પડે એવું નથી?’

મેં કીધું, ‘ના... શનિવારે રાત્રે, જયારે આસમાનમાં અપ્સરાઓ, બેવડાઓને કાંખમાં ઘાલીને જન્નતના દર્શન કરાવતી હોય, ચુંબનોથી નવરાવતી હોય, સ્કોચ પીવા માટે એવો સમય નિશ્ચિત કર્યો છે.’

‘તારા પેલાં ખાસ મિત્રને તો અપ્સરાઓ ઉપાડી જશે ને?’ રઘલો દાઢમાં બોલ્યો.

‘હાસ્તો વળી છે કેવો હેન્ડસમ, અપ્સરાઓ જોતાવેંત વીંટળાઈ વળશે…. અને એને ઉપાડી જશે.’

‘પછી એને પાછો મોકલશે ધરતી પર?’ રઘલો બોલ્યો.

‘નહીં મોકલે તો એની વહુનું શું થશે?’ રઘલો એટલો નિર્દોષભાવે બોલ્યો કે મને હસવું આવી ગયું.

‘તું એની વહુની ચિંતા શું કામ કરે છે..? બીજા બેઠા છે હજી.’ હું એવી રીતે બોલ્યો કે રઘલો સતર્ક થઈ ગયો.

‘હજી ચાલુ છે બધું?’ એણે પૂછ્યું.

‘સાલા, ગામનાં બૈરાઓને કેટલામો મહિનો જાય છે તને ખબર હોય છે અને એની વહુની તને કશી ખબર હોય એમ બને? ટોપા… કાલો થઈને મારી કાછડીમાં હાથ નાખે છે..!’ મેં એને ઘઘલાવ્યો.

મને ખબર હતી રઘલાને બધી જાણ હતી.

‘શું કરે છે આજકાલ તારો ભાઈબંધ.. પાવલી સાલો?’

‘કસરત કરે છે ને આખો દિવસ.’ મેં કીધું.

‘શું કરવાનું કસરત કરીને.... પોતાનાં બૈરાને તો હાચવી નથી હે'કતો! શીર્ષાસન કરે ને ભુજંગાસન કરે.... અરે ટોપા જે આસન કરવાનું હોય કર ને!’ રઘલો બોલ્યે જતો હતો.

‘આ વખતે એને કહેવું પડશે.’ થોડીવાર રહીને બોલ્યો.

મેં કીધું, ‘રહેવા દે ને એની વહુ છે.... એને નહિ ખબર હોય?’

‘ના.... યાર, એને ખબર નથી પડતી એટલે તો આપણે કહેવું જોઈએ ને?’ રઘુ વાતને રબરબેન્ડની જેમ ખેંચતો હતો. એને જયની વહુની કોઈ પણ વાતમાં પહેલેથી બહુ રસ પડતો. એમાંય જ્યારથી સાંભળ્યું છે કે એની વહુ ક્યાંક ભેરવાઈ છે ત્યારથી તો એને બાર આંખો ફૂટી નીકળી છે. એની બધી આંખો જયની વહુની પાછળ આખો દિવસ ફર્યા કરે છે. જોકે જયની વહુ હતી એવી કે એકવાર જોઈ લો તો બત્રીસે કોઠે દિવા થાય! કાચની પૂતળી જેવી બાઈ. પર્વતની ટોચે ઊભાં રહીને પૂનમનો ચંદ્રમા જુઓ તો કેવો મોહક લાગે એવી. એની વહુને ન્હાયા વગરની જુઓ તોય રૂપકડી લાગતી. રઘુ તો એને જયારે જુએ ત્યારે ખીલાની જેમ નજર ખોડી દે. રઘુએ મને એકવાર ખાનગીમાં કીધું હતું કે જયલાની વહુને જુએ કે તરત એને એની સાથે સુઈ જવાનું મન થઈ આવતું. એના શરીરમાં વીજળી દોડવા લાગતી. વિહવળ થઈ જતો. પેલી પણ એવી નખરાળી કે ખાલી ખાલીય આંખો ઢાળી દે. એક વાર તો રઘુએ જયની વહુને કીધું હતું કે, ‘તમે તો ભાભી પાણી પીઓ છો ત્યારે પાણી રીતસર ગળેથી ઉતરતું દેખાય છે.’

‘તમને બધું સારું આરપાર દેખાય છે.’ જયલાની વહુ તરત રઘલાને પામી ગઈ હતી.

‘લગન કરી લ્યો હવે રઘુ ભૈ.’ એણે મીઠો છણકો કર્યો હતો.

‘કરવા છે ભાભી, પણ બધી અપ્સરાઓ વીણાઈ ગઈ છે એટલે મન પાછું પડે છે.’ રઘુ પણ પાછો પડતો નહીં.

મને ઘણીવાર થતું કે નખરાળી જયની સામે પણ આંખો ઢાળીને શરમાઈ જતી હશે ત્યારે પાણી પાણી થઇ જતો હશે. હું બંનેની ક્રીડાઓ વિશે વિચારતો રહેતો.

‘એ શું જોઈ ગઈ હશે પેલાં ગામનાં ઉતાર રીક્ષાવાળામાં? હેં?’ જાણે રઘલાએ મને ઢંઢોળીને જગાડ્યો.

‘મને શું ખબર, શું જોઈ ગઈ હશે? હું રિક્ષાવાળાનું કંઈ જોવા ગયો છું?’ હું એવી રીતે બોલ્યો કે જાણે મને કશી ખબર હોય.’

મેં અકળાઈને કીધું. ‘રઘલો તો એવો આખાબોલો કે કદાચ અમે ત્રણેય ભેગા થઈએ ત્યારે પુછીય લે.’

‘આ શનિવારે તો તારા ભાઈબંધને ટકોરા મારીને પાક્કું કરવું છે. અંધારામાં નથી ને તો ખબર પડે આપણને.’ રઘુ જાણે સ્કોચ પીવાની સાથે સાથે નવો પ્રોજેકટ હાથમાં લઈ રહ્યો હતો.

હું સમજી શક્યો નહીં કે રઘુને જયલાની ચિંતા છે? કે એની વહુ રિક્ષાવાળા સાથે ભરાઈ છે ખટકે છે? કે કંઈ કરી શકતો નથી એનો બળાપો છે?

‘મુક ને માથાકૂટ. બે માણસને જે ફાવતું હોય કરે, યાર. આપણને અહીં મજાક સુઝે છે તો જેની વહુ આમ સરેઆમ ફરતી હોય એના ઘરવાળાને પૂછી, જો કેવું વીતતુ હશે એની પર?’ મેં વાતનો છેડો લાવતા કીધું.

‘એ તો એને ખબર પડે? પહેલેથી એવી ધાક રાખી હોય તો? આઘુંપાછું શેનું થાય બૈરું? બીજું બધું માઇ ગયું; સાચું કહું તને, મને તો એને જોઉં છું ને કંઈકનું કંઈક થઈ જાય છે.’ રઘુ જાણે રસનાં ઘૂંટડા પીતો હોય એમ બોલ્યો.

મારે શું બોલવું સમજાયું નહીં. એની વાત સાચી હતી. જયની વહુની વાતો તો જાણે કર્યા કરીએ. એમાંય રઘુ તો વાતો એવી મલાવી મલાવીને કરે કે આપણે જેની કલ્પના કરતા હોઈએ એવું આપણને કહી બતાવે અને પણ એવી રીતે કે તમે જાણે સામે જોતા હો. જો કે જયલાની વહુ હતી પણ એવી. એકવાર એને જોઈ લો, એની સાથે વાતો કરી લો પછી તમારા ચિત્તમાંથી ખસે નહીં.

શનિવારે સાંજે આકાશમાં રૂનાં પોટલાં જેવા વાદળો થીજી ગયાં હતાં. હું સાવ નવરો હતો એટલે ધાબે જઈને આરામ ખુરશીમાં બેઠો બેઠો વાંચતો હતો. સ્કોચની ત્રણ બોટલ નીચે ફ્રિજમાં લપાઈને બેઠી હતી. અંધારું થાય પહેલાં રઘુ આવી ગયો.

‘હજી કોઈ આવ્યું નથી?’ એણે પૂછ્યું.

‘આખી સોસાયટી નથી બોલાવી.’ મારા શબ્દોમાં કંટાળા ભરેલી કડવાશ ભળી ગઈ. મારી સામે જોઈ રહ્યો.

‘હજી નથી આવ્યો પેલો?’ એણે ચીઝની સ્લાઇસ અને બોઇલ ઈંડાનું છાપાનું પડીકું કાઢ્યું.

બોઇલની સુગંધ આસપાસ પ્રસરી ગઈ. મેં બોઇલની એક ચીરી ઉપાડીને મોમાં મૂકી દીધી.

‘તારા લંગોટિયાએ આવતાં બહુ વાર કીધી રે...’ રઘુ ગીતની જેમ ગાઈને મને સંભળાવવા લાગ્યો.

‘લંગોટ તો તારી હારે પણ બદલતો હતો રે...’ મેં વળતો હુમલો કર્યો.

‘મારો નહિ.. તારો લંગોટીયો, જેનો સામાન નથી સલામત રે....' જોરથી ગાવા લાગ્યો. હું હસી પડ્યો.

‘ધીરે ગા. આવતો હશે. પણ બાઇટિંગ લેતો આવવાનો છે.’ મેં કીધું.

‘શું લાવવાનો છે એ? કેળાની લૂમ?’ વ્યંગમાં બોલ્યો.

મને દાઝ ચડી પણ હું મૂંગો રહ્યો.

હું આકાશ તરફ જોવા લાગ્યો જાણે અપ્સરાઓને શોધતો હોઉ. આકાશમાં તારાઓ ભેગા થઈને ચંદ્રમાને શોધવા લાગી ગયા હતા. મેં ત્રણ ખુરશીઓની વચ્ચે એક સેન્ટર ટેબલ ગોઠવી રાખ્યું હતું. ત્રણ ગ્લાસ હતા. મોબાઈલમાં ધીરે અવાજે બેગમ અખ્તર ગાતી હતી. ‘ઐ.. મહોબ્બત... તેરે અંજામ પે રોના આયા.' રઘુ આંખો મીંચીને ખુરશીમાં બેઠો બેઠો ગઝલમાં ઓગળી ગયો હતો.

‘સાલું કેવું થતું હશે મહોબ્બતમાં? એનાં અંજામમાં?’ રઘુ આંખો બંધ રાખીને બોલ્યો. મેં કશો જવાબ આપ્યો નહીં. ગઝલ પુરી થઈ ગઈ. રઘુએ આંખો ખોલી.

‘હજી આવ્યો નથી પેલો માદરબખ્ત? બૈરાંનો જાંગિયો ધોવા રોકાયો હશે! આજ તો એને પીવરાવી પીવરાવીને અધમૂઓ કરી નાખવો છે પછી બધું પૂછી લઈશું. પેલી રાંડ આને અંધારામાં રાખીને ક્યાંક ગલતાન નથી કરતી ને? રઘુ ટ્રાન્સમાં આવી ગયો હતો. હું કશું બોલ્યો નહીં. મેં મહેંદી હસન ચડાવ્યો. ફરી એમાં ડૂબી ગયો. મને થયું આમ કરાય. મૂંગો તો મરી રહે.

જય આવ્યો. મોડો આવ્યો હતો એટલે એના મોઢા પર રઘવાટ હતો. મને, એને જોતાં પહેલો એની વહુનો વિચાર આવ્યો. મને, હવે જાણે જયલાને જોઉં કે તરત એની વહુ પડછાયાની જેમ દોડી આવતી.

‘બહુ મોડું કર્યું તે તો.’ રઘુએ આવતાંવેંત પૂછ્યું.

‘ક્યાં રોકાઈ ગયો હતો, યાર?’ મેં પણ પૂછ્યું.

‘કસરત કરતો હશે.’ રઘલો ધીરેથી બોલ્યો.

મને થયું, મેં પૂછ્યું હોત તો ચાલેત. આવી ગયો ને! બસ. રઘલો પાછું બોલવાનું બોલશે. મેં તરત વાત વાળી લીધી.

જયલાએ આવતાવેંત થેલીમાંથી સફરજન અને તળેલા કાજુ કાઢ્યાં. અમે થોડીવાર ચૂપ રહ્યા. રઘુ એની સામે કોઈ અહોભાવથી તાકી રહ્યો.

‘બસ, એક હોલ છે?’ એણે આવતાવેંત પૂછ્યું.

‘છે ને બીજો! ટાઉનહોલ.’ રઘુ બોલ્યો.

મને હસવું આવી ગયું.

‘આ એક તો પી, ડોફા. જાણે બહુ મોટો તીસમારખાં હોય એમ.’ મારાથી બોલાઈ ગયું.

‘પી જઉં ને. તું કહે તો નીટ મારી જઉં.’ બોલવા લાગ્યો.

રઘુએ મારી સામે જોયું.

‘આપણે થોડા ખેંખલી છીએ કે બે પેગમાં તો આંતરડાં બહાર લબડવા મંડે!’

મને થયું સાલો ઘરેથી લગાવીને આવ્યો લાગે છે.

‘તું પીવાનું ચાલુ તો કર. ખૂટશે તો બીજો લઈ આઈશ.’ મને લાગ્યું કે મેં બંનેને અહીં અમૃત પીવરાવવા ભેગા કર્યા છે અને બેય મને આશીર્વાદ આપીને જશે.

‘આ શરીર જો તું. સ્ટીલ બોડી છે. જેમ તેમ નથી સમજ્યો?’ જય મારી સામે જોઈ બોલતો હતો પણ એનો ઈશારો રઘુ તરફ હતો સ્પષ્ટ જોઈ શકાતું હતું.

જયલાએ ઊભા ઊભા અંગુઠા પકડીને એના ઢીંચણ પર માથું અડાડી દીધું.

‘જોયું?’ એણે બાવડાં ફુલાવ્યા, એનાં ગોટલા ફૂલીને ટીશર્ટની બહાર ઉપસી આવતાં હતા. રઘુએ મારી સામે જોયું, જાણે કઈક બોલવાની રજામંદી માંગતો હોય એમ. મેં એને મોઢા પર આંગળી મૂકી ચૂપ રાખ્યો.

‘હવે બેસ ને ટોપા, તું અહીં બાવડાં ફૂલાવવાં આવ્યો છું?’ મેં જયને હાથ ખેંચીને નીચે બેસાડી દીધો. હજી એના બીજાં કરતબ દેખાડાવાની ફિરાકમાં હતો. મને વિચાર આવ્યો કે આવતાંવેંત સની દેઓલ કેમ થઈ ગયો? પછી પળવાર વિચાર ઝબક્યો કે કદાચ રઘલો એની વહુની કંઈક વાત કાઢે પહેલાં જયલો છાકો પાડી દેવા માંગતો હશે કદાચ! જે હોય તે.

મેં નાહકના વિચારો પડતા મૂક્યા અને સ્કોચની બોટલ ખોલવા લાગ્યો.

રઘુ મને અટકાવીને કહે, ‘શું કરે છે અલ્યા, હડફા? સ્કોચ છે એની જોડે જરા તમીઝથી પેશ આવ, પહેલીવાર માશૂકાની મુલાયમ હથેળી હાથમાં લઈને એને કિસ કરતાં હોઈએ એમ કરવાનું, આમ રાંકાની જેમ મચી નહીં પડવાનું. સમજ્યો?’

ઉર્દુ ગઝલ, જયલાની વહુ અને સ્કોચ, ત્રણેયે રઘુને સકંજામાં લેવાનું શરૂ કરી દીધું હતું. એણે બોટલનું ઢાંકણું ખોલ્યું. બોટલ પર કોઇ કમનીય સ્ત્રીની કમર પર હાથ ફેરવતો હોય એમ આંગળીઓ ફેરવી. એણે બોટલને ચૂમી. બોટલના ઢાંકણમાં સ્કોચ રેડીને તર્જનીથી ચારે દિશામાં એની અંજલિ આપી. પછી મનમાં કશુંક ગણગણ્યો.

‘હવે તું કાઢ!’ એણે મને સૂચના આપી.

‘ત્યાં પણ તું આવું કરીશ?’ મેં એને આંખ મારીને પૂછ્યું.

‘આવું હું થોડો કરીશ? તો પેલા રિક્ષાવાળાએ કર્યું હશે.’ રઘુએ સીધો હુમલો કર્યો હતો, હું નીચું જોઈ ગયો. જયલાને ઘા તો વાગ્યો હશે પણ શી ખબર એને સંભળાયું નહીં કે વાત ને ગળી ગયો પણ કંઈ બોલ્યો નહીં.

રઘુએ બરફના ક્યૂબ્સ ભરેલા ગ્લાસમાં સ્કોચ રેડયો. હું ગ્લાસમાં બરફના ક્યૂબ્સ અને સ્કોચ જોઈ રહ્યો. ગ્લાસ બહુ સોહામણા લાગી રહ્યા હતા. હું કઈક શાયરાના બોલું પહેલા રઘલો કહે, ‘જોયું? હવે બેગમ અખ્તરના આત્માને શાંતિ મળી હશે.’ જયલો મૂંગો થઈ ગયો હતો. બોઇલ ઈંડાનો એક ટુકડો મોઢામાં મમળાવતો હતો. એણે પહેલો પેગ છલોછલ ભરી લીધો હતો. હું અને રઘુ ધીરે ધીરે પીતા હતા. અમારે બે પેગ પૂરા થયા ત્યાં સુધીમાં તો જયની આંખો ઘેઘૂર થઈ ગઈ હતી. રઘુએ મારી સામે જોઈને કીધું, ‘જોયો? તારો પહેલવાન લંગોટિયો ગાંડમાં છાણ નથી તો નીટ પીતો હોય તો?’ હું કશું બોલ્યો નહીં. જયનો ચહેરો સંકોચાઈને નાનો થઇ ગયો હોય એવું મને લાગતું હતું. એનો ગ્લાસ ખાલી થઈ ગયો હતો. એણે મારી સામે ગ્લાસ ધરી રાખ્યો.

મેં કીધું, ‘રહેવા દે ને! થોડું શાંતિથી પી ને. તારું શું લૂંટાઈ જાય છે?’

‘લૂંટાઈ જતું તું, ત્યારે કસરત કરતો હતો!’ રઘલો વખતે જયને સંભળાય એમ બોલ્યો. મેં રઘુનો હાથ પકડ્યો, ‘રહેવા દે ને! સ્કોચની મજા જતી રહેશે.’

‘શું રહેવા દે.. રહેવા દે.. કરે છે, ડોફા! બીએ છીએ કઈ એનાથી? આખા ગામમાં કહેતો ફરે છે ખેંખલી આમ ને ખેંખલી તેમ... એની બહુ સ્ટીલ બોડી છે તો એની વહુ....’ રઘુ પહેલીવાર નિતાભાભીને બદલે 'એની વહુ' બોલતો હતો.

‘તને ખબર છે પેલા રિક્ષાવાળાએ એની વહુને શું કર્યું હતું?’ રઘુ મને પૂછતો હતો.

‘મને શું ખબર હોય હું થોડો ત્યાં હાજર હતો?’ મેં અજાણ્યા બનવાનો ડોળ કર્યો.

જયની આંખો પુરી ખુલી શકતી હતી. એના બે વાક્ય વચ્ચે અંતર પડી જતું હતું. રિક્ષાવાળાની વાતે એની આંખો પૂરી ખુલી ગઈ. મહાપ્રયત્ને આંખો ખુલી રાખતો હોય એવું લાગતું હતું.

‘તને ખબર છે, રિક્ષાવાળો એને ક્યાં લઈ ગયો હતો? દિવસે મળી હતી બોલ!’

મેં રઘુને શાંત રહેવાનો ઈશારો કર્યો.

‘એ શેનો ઘંટાનો બહાદુર છે? પાવલી સાલો!’ એટલું બોલીને રઘુ આખો પેગ એકી શ્વાસે પી ગયો. આકાશમાં વાદળોનું ઝૂમખું ઉમટી પડ્યું હતું. મેં વાદળોની આસપાસ નજર ફેરવી અપ્સરાઓનું ટોળું ગૂંચળે વળીને જાણે અમારી પર ખી ખી હસતું હતું. અપ્સરાઓનો પસીનો ભેગો થઈને વાદળો બંધાઈ ગયા હતાં. અમારાં ત્રણેયનાં શરીરમાં સ્કોચ એની પૂરી મસ્તીથી દોડતો હતો. થોડીવાર અમારી વચ્ચે મૌન ખખડતું રહ્યું. મને લાગ્યું કે રઘલો આજે કેમે કરીને રોકાશે નહીં. જય એની જગ્યાએથી ઉઠયો. મને થયું હમણાં જતો રહશે કદાચ. જતો રહેશે અને વાત અધુરી રહી જશે તો..? મારા મનમાં એવો વિચાર ઝબકયો. જયલો ધાબા પર આંટા મારવા લાગ્યો અને હાથ પગ હલાવીને જાણે વૉર્મઅપ કરવા લાગ્યો. મારા દિમાગ પર સ્કોચે પ્રભાવ પડવાનું શરૂ કરી દીધું હતું. રઘુ એકીટશે જયને જોઈ રહ્યો હતો.

‘તમને બંનેને બધું ખબર છે?’ જયલાએ પુછ્યું.

મારે ના પાડવી હતી. પણ રઘુ બોલ્યો, ‘અમને બેયને નહીં આખા ગામને ખબર છે.’

જયલો અમારી બંનેની નજીક આવીને બેસી ગયો. એણે બીજી બોટલના બાકી વધેલા સ્કોચથી એનો આખો ગ્લાસ ભરી દીધો. મારા મનમાં એનો આખો ગ્લાસ નીટ જોઈને ફડકો પડ્યો. એણે એપલની ચીરી એમાં બોળી અને મોઢામાં મૂકી દીધી.

‘ડાંગના ગામડામાં ભરાઈ ગયા હતા બેઉ જણા. મને ક્યાંકથી ખબર પડી હતી એટલે રાત્રે બસમાં એકલો નીકળી ગયેલો. વહેલી સવારે પહોંચ્યો'તો…’ જયલો ઊંડો શ્વાસ લઈને બોલ્યો જાણે પ્રાણાયમ કરતો હોય.

‘હું લોકોની રૂમમાં ગયો ત્યારે પલંગ પર બેઠી હતી. હું અંદર ગયો ત્યારે એના મોઢા પર પકડાઈ ગયાની સ્હેજ પણ બીક હતી. મને એવું લાગ્યું કે જાણે હું કોઈના ઘરમાં વગર પૂછ્યે ઘૂસી ગયો હોઉ. પલંગમાં બેઠા બેઠા મને એવી રીતે તાકી રહી કે એણે મને પકડી પાડયો હોય. હું એને શોધતો શોધતો જંગલમાં પહોંચી ગયો હતો એટલે હું એની પાછળ પાગલ છું એવું જાહેર થઈ ગયું હતું. મારે એના વગર ચાલશે નહીં એવી એને ખબર પડી ગઈ હતી. મારી લાચારી એની સામે આવી ગઈ હતી. એણે મારી સામે સળગતી નજર ફેંકી અને રૂમની બહાર નીકળી ગઈ.’ આટલું બોલીને જયલો આકાશ તરફ તાકી રહ્યો જાણે અપ્સરાઓના ખીખિયાટા સાંભળતો હોય. રઘુ મારી વધુ નજીક આવી ગયો જેથી જયલાની નજરમાં રહે.

‘અને પેલો ગામનો ઉતાર શું કરતો હતો?’ રઘલાએ સફરજનની બાજુમાં પડેલા ચપ્પુને હાથમાં કચકચાવીને પકડી લીધું. ઉભડક પગે થઈ ગયો હતો.

‘એ પલંગમાં બેઠો બેઠો પેલીને એકીટશે જોતો હતો.’ જયલો ઘેંશ જેવા અવાજે બોલ્યો.

પલંગ ઉપર લીલીનાં અને ગુલાબનાં ફૂલોની પથારી કરી હતી. આખા રૂમમાં સુગંધ સુગંધ હતી.’ જયલો એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે બીજા કોઈની વહુની વાત કરતો હોય. થોડીવાર સુધી સ્કોચના ગ્લાસને તાકી રહ્યો. મને લાગ્યું કે આવું કહેવાનું સાહસ કદાચ વ્હિસ્કી પીધાં પછી આવતું હશે.

‘એ તરત રુમની બહાર આવી ગઈ. હું એની પાછળ પાછળ ચાલી આવ્યો. મેં એનો હાથ પકડવાની કોશિશ કરી. એની હથેળી થીજી ગયેલા મડદા જેવી ઠંડી થઈ ગઈ હતી. એણે મારો હાથ ઝટકી નાખ્યો. વજનદાર ખામોશી અમારી બંને વચ્ચે વીંટળાઈ વળી હતી. મને લાગ્યું કે હું એની લાશ ઘરે લઈ જઈ રહ્યો છું, તો અહીં પલંગ પર લીલી અને ગુલાબની પથારીમાં રહી ગઈ છે. મેં એની હથેળીમાં નખ ખૂંપાવ્યા કે કશુંક બોલે... ચીસ પાડી ઉઠે પણ મૂંગી મૂંગી મારી સાથે બસમાં બેસી ગઈ.

‘ઘરે લઈ આવીને ઠમઠોરવી'તી ને થોડી.’ મારા મોઢામાંથી નીકળી ગયું. ઘણું બોલ્યા પછી જયલાનો અવાજ તૂટવા લાગ્યો હતો. મેં રઘુની સામે જોયું. એના શરીરમાં વ્હિસ્કીનો રંગ ઉફાન પર હતો.

‘મારે રસ્તામાં એને કેટલું બધું પૂછવું હતું. પણ મારા દિમાગમાંથી ગુલાબની પથારી કેમય કરીને ભૂંસાતી હતી. પહેલાં તો મને વિચાર આવ્યો કે એને અહીં પુરી કરી નાખું. બધું તળે ઉપર થઈ રહ્યું હતું. અમે ઘરે આવી પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. સીધી રૂમમાં જતી રહી. મને થયું હું એની બાજુમાં સુઈ જાઉં કે..? મને શું કરવું સમજાતું હતું.’

‘આ પથારીમાં તો તને નહીં ગમતું હોય ને?’ મેં એને પૂછ્યું.

‘શું કીધું એણે?’ રઘલો અધીરો થઈ ગયો.

‘મેં એને પૂછ્યું પેલાએ આખા શરીરે ગુલાબનું ફૂલ ફેરવ્યું'તું? તો જાણે નિર્જીવ પૂતળું જ. તું નહીં માને... યાર, મેં રાત્રે એના શરીરે સળગતી સિગારેટ અડાડી હતી કે કંઈક બોલે.. ચીસો પાડે.. પેલાની વાત કરે.. પણ તું નહીં માને, યાર મરદની ફાડી ખાલી એટલું બોલી હતી કે, ‘તું મને, જેમ નથી છોડી દે'તો એમ હું એને નહીં છોડી દઉં.’ બોલી ત્યારે એની આંખમાંથી આંસુની પાતળી ધાર વહેતી હતી.

‘કેટલો પ્રેમ કરતી હશે પેલાને યાર?’ જયલાનો અવાજ તૂટીને ટફન ગ્લાસની કરચોની જેમ વેરાઈ ગયો હતો. મારો ગ્લાસ ખાલી થઈ ગયો હતો. મેં એક પેગ ભર્યો. સિગારેટની વાત સાંભળીને રઘુ અવાક થઈ ગયો હતો. આસમાનમાં અપ્સરાઓ અને તારા થીજી જઈને સાંભળી રહ્યાં હતાં.

મને રિક્ષાવાળા જેટલો પ્રેમ કેમ નહીં કરતી હોય, હે?’ જય આજીજી કરતો હોય એમ રઘુને હલબલાવીને પૂછતો હતો. જયલાની આંખોમાં આંસુના વાદળો બાઝી ગયાં હતા. રઘુનું શરીર લડખડાતું હતું. એણે મારો હાથ પકડી રાખ્યો હતો છોડીને એણે જયલાનો હાથ પકડી લીધો. એનો ગ્લાસ પૂરો થઈ ગયો હતો. મેં ત્રીજી બોટલ ખોલી નાખી હતી. મેં રઘુનો ગ્લાસ ભરી દીધો. થોડીવાર ધાબા પર સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ. અમે ત્રણેય પોત પોતાના ગ્લાસમાં ડૂબીને ઓગળી જવાય એવું કંઈક શોધતા હતા.

‘રઘુ.. બોલને યારર મારામાં શું ખામી છે કે પેલા...!’ જયલો વાક્ય અધૂરું છોડીને નીચો નમ્યો. ચીઝની સ્લાઈસ પાસે પડેલું ચપ્પુ ઉપાડયું, પછી એણે જમીન પર પોતાની આંગળીઓ પહોળી કરીને બે આંગળીઓ વચ્ચે ઊભું ચપ્પુ મારવાની રમત કરવા લાગ્યો. રઘુ જયલાને દયામણી નજરે તાકી રહ્યો. મને લાગ્યું કે હમણા રઘુ, જયલાના પ્રશ્નના જવાબમાં કહેશે કે, ‘તને બૈરાંને દાબમાં રાખતા નથી આવડતું.’ પણ રઘુ ખાલી થવા આવેલી વ્હિસ્કીની ત્રીજી બોટલની સામે શૂન્ય નજરે તાકી રહ્યો, એની આંખમાં પાણી ઘુમરિયાં ખાતું હતું. જયની આંખમાંથી દારુ અને આંસુ બંને ચોધારે વહેતાં હતાં. રઘુએ જયને બાથમાં લીધો અને એનાં વાંસા પર હાથ ફેરવવા લાગ્યો. મને થયું કે હું પણ બંને ને ભેટી પડું, પણ હું ઉભો થઇ શકું એટલા હોશ મારામાં બચ્યા હતા. અપ્સરાઓ અમને ત્રણેયને નોંધારા મૂકીને આકાશમાં પ્રવાસે નીકળી ગઈ હતી. મારો ફોન રણક્યો, 'ઐ મહોબ્બત તેરે અંજામ પે રોના...’ ફોનમાં રિંગ વાગી. જયલાની વહુનો ફોન હતો. મારા દિમાગમાં શિયાળાની વહેલી સવાર જેવું ધુમ્મસ છવાઈ ગયું હતું. મેં ફોનને ઊંધો મૂકી દીધો અને બંનેની નજીક સર્યો....

સ્રોત

  • પુસ્તક : માણેકચોકની ચકલી (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : વિજય સોની
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન
  • વર્ષ : 2016