વીનેશ અંતાણી
Vinesh Antani
તારાચંદ ડેલી સુધી પહોંચી ગયા હતા. આગળિયો ઉઘાડવા જતા હતા તે જ ક્ષણે પાછળ જોવાઈ ગયું. કોઈએ એમને બોલાવ્યા હતા. કોઈ નહોતું. ભણકાર થયો હશે? ના... ચોક્કસ કોઈકનો સ્પષ્ટ અવાજ એમણે સાંભળ્યો હતો. તારાચંદ હસી પડ્યા. એ જાણે છે કે આ ભ્રમ છે, છતાં તેને નકારવાની ઈચ્છા થતી નહોતી. એ પોતાને જ ઠસાવવા માગે છે કે એ તરફથી કોઈએ-
એ તરફ કોઈ નથી. ઓસરીનાં કમાડ બંધ છે. બે બાજુએ આવેલી મોટી મોટી બારીઓ પણ બંધ છે. બધું એવું ને એવું જ છે. સ્થિર અને બંધ અને ગેરહાજર. ઉપર આવેલો ઝરૂખો ખાલી છે. ઝરૂખામાં પડતું મેડીનું બારણું તો જાણે યુગોથી કોઈએ ઉઘાડ્યું નથી. ઝરૂખાની નીચે ભીંત પર ફાટ પડી છે અને તેમાંથી પીપળો ઊગ્યો છે, વર્ષોથી - નથી વધતો, નથી ઘટતો. હવા હોય છે ત્યારે પણ એનાં પાંદડાં હાલતાં નથી.
તારાચંદનો હાથ આગળિયા પર જ પડ્યો હતો. એ તરફ ધ્યાન ગયું. જરા ચમકી ગયા. હાથ ખેંચી લીધો. આસપાસ જોવા લાગ્યા. કોઈ જોઈ તો નથી ગયુંને? કોણ જોવાનું હતું! એમની નજર ફરતી રહી. આંગણામાં સાંજ ઊતરી આવી હતી. હજી અંધારું થયું નહોતું. તડકો આ તરફથી ઓસરી ગયો હતો. પાછળ આવેલી વંડીમાં તો હજી થોડોઘણો તડકો હશે. એ તરફ ઘરની પછીતનાં નળિયાં પર તો ખાસો તડકો પથરાયો હશે. તારાચંદ એવું માને છે કે પછીતનાં નળિયાં પરથી તડકો જલદી ખસતો નથી. એમણે તો એવું પણ ધારી લીધું છે કે સૂરજ ડૂબી જાય છે ત્યાર પછી પણ ત્યાં થોડોઘણો તડકો બાકી રહી જાય છે – પછીતનાં નળિયાં પર. એ તડકો નથી હોતો, પણ ઓલવાયેલા તડકાનો જાણે ધુમાડો હોય છે.
એ એવું શા માટે વિચારે છે તે વિશે એમને પોતાને પણ સમજાતું નથી. એવું કરવું એમને ગમે છે. જે હોતું નથી એવું કેટલું બધું જાણે ખરેખર હોય જ એવું વિચારવું અને પછી વાસ્તવિકતાની જેમ એને જકડી રાખવું – તારાચંદના મનમાં જાણે કોઈ રમત ચાલતી રહે છે.
બહાર જવું કે નહીં? બંનેમાંથી જે કંઈ કરશે તેનાથી કોઈ જ ફરક પડવાનો નથી. એ ઘરમાં હોય કે ઘરની બહાર – બધું એવું ને એવું જ રહે છે. તો પછી અત્યારે શા માટે રોકાઈ ગયો છું? કદાચ એ કહ્યા વિના બહાર જતા હતા એ વાત બરાબર નહોતી. એ કારણે જ ખચકાયા હતા. આમ તો બહાર જવાની જરૂર જ નહોતી. થોડી વાર પહેલાં જ બહારથી આવ્યા છે. તે વખતે પણ બહુ જરૂરી કામ યાદ આવી ગયું હોય તેવી રીતે આવ્યા હતા. ઘરમાં આવીને જમણા ઓરડાની સામે ઊભા રહેતાંની સાથે જ ભૂલી ગયા હતા. પછી પાણી પીવા માટે જ ઘરમાં આવ્યા હોય તેમ પાણિયારા પાસે જઈ, માટલામાંથી પાણી ભરી, લોટો ગટગટાવીને બહાર જવા નીકળ્યા હતા. બહાર જાઉં છું તેવું કહેવાની જરૂર જ નહોતી, છતાં એ ડેલી પાસે અસમંજસમાં ઊભા રહી ગયા છે.
વિચારમાં ને વિચારમાં ઝભાના ગજવામાં હાથ નાખ્યો. કોઈ ગરમ વસ્તુને અડકી ગયા હોય તેમ હાથ બહાર ખેંચી લીધો. તેની સાથે જ ગજવામાંથી એક કવર બહાર નીકળી આવ્યું. તારાચંદ તેની સામે જોઈ રહ્યા. કવર પર લખેલું સરનામું વાંચ્યું. હજારમી વાર વાંચતા હશે, છતાં પહેલી જ વાર વાંચતા હોય તેમ તાકી રહ્યા. એમનું નામ લખ્યું હતું અને નીચે દેરાસરની પેઢીનું સરનામું હતું. પેઢીના સરનામે શા માટે પત્ર મોકલ્યો હશે? કદાચ ઘરનું સરનામું યાદ નહીં આવ્યું હોય. તારાચંદે આકાશ સામે જોયું. એક નજરમાં આખા ગામને ઉપરથી જોઈ લીધું. એમની શેરી દેખાઈ - સાંકડી, વળાંક વળતી લીટી જેવી. એમના ઘરનું સરનામું શું હોઈ શકે? અહીં સરનામાની જરૂર જ ક્યાં હતી? માત્ર નામ લખ્યું હોય તો પણ ટપાલી છેક રસોડા સુધી અંદર આવીને કાગળ હાથોહાથ આપી જાય.
કવર ઉઘાડવાની ઈચ્છા માંડ માંડ દાબી. એના જ અક્ષરો હશે કે કોઈની પાસે લખાવ્યો હશે? કહી દીધું હોય - આટલું આટલું લખી નાખજો. ના, અક્ષરો તો પરિચિત લાગે છે. કવરમાંથી પત્ર કાઢીને આંખો સામે ધરી રાખ્યો. જાણે એમની આંખો સામે પત્ર નથી, પણ કોઈએ પાટી ધરી રાખી છે. સાફ પાટીમાં પહેલી વાર અક્ષરો પડ્યા તે વાતને વર્ષો વીતી ગયાં છે, પણ એ જોઈ રહ્યા છે. પહેલાં અસ્પષ્ટ, ગરબડિયા, પછી પાકા બનતા જતા અક્ષરો પાટીની બહાર ઢોળાવા લાગ્યા. તારાચંદ ઝબકી ગયા. હાથમાં પકડેલો કાગળ નીચે ધરી રાખ્યો અને પાટીમાંથી ઢોળાતા અક્ષરો પાછા પત્રમાં ગોઠવાઈ ગયા.
ફરી આસપાસ જોવા લાગ્યા. કોઈ જોઈ તો નથી ગયુંને? તારાચંદને સતત એવું પણ લાગે છે કે પોતે જે કંઈ કરી રહ્યા હોય, ગમે ત્યાં હોય પણ એ ક્યાંક કોઈને દેખાઈ રહ્યા હોય છે. આ જાણે એક પ્રકારની ફડક છે. પત્ર કવરમાં ખોસી દીધો. ઉતાવળમાં બરાબર વાળ્યો નહોતો તેથી કવર એક બાજુથી જરા ફૂલી ગયું છે. એ જગ્યાએ જ મોકલનારનું નામ લખ્યું છે. તારાચંદે ત્યાં અંગૂઠો દાબ્યો. કવરમાંથી જરા હવા બહાર નીકળી.
બસમાં આવશે? ના... ના... બસમાં શા માટે આવે? ટ્રેન ગાંધીધામ સુધી જ આવે છે. પેઢીના મુનીમ કહેતા હતા, હજી પણ એક જ ટ્રેન આવે છે. વહેલી સવારે. ત્યાંથી પણ ઘણું દૂર છે. ટ્રેનમાંથી ઊતર્યા પછી છેક અહીં સુધી પહોંચવું - એ લોકોને ફાવશે? ફાવે કેમ નહીં? આ કંઈ નવો મુલક છે? આ ગામમાં, આ શેરીમાં, આ ઘરમાં જ - તારાચંદે જાણે કાતરથી ખચાક દઈને પોતાના વિચારને કાપી નાખ્યો. મગજમાં કરોળિયા દોડે છે. જે કંઈ ખરેખર બન્યું હોય છે તે પણ જાણે ક્યારેય બન્યું હોતું નથી.
દેરાસરની ધજા દૂરથી દેખાય છે. ધજા દેખાશે ત્યારે કશુંક યાદ આવી જશે? કદાચ. કદાચ એ તરફ નજર જ નહીં પડે. ટ્રેનમાં ઉજાગરો થયો હશે. ઝોકું પણ આવી જાય એ જ વખતે. લાંબી મુસાફરી અને ટ્રેનમાંથી ઊતરીને–
બસમાં તો નહીં જ આવે. ટેક્સીમાં આવશે. રોકાશે એટલા દિવસો ટેક્સી પણ અહીં રાખશે. રોકાશે? કદાચ કામ પતાવીને ઢળતા બપોરે જ નીકળી જાય. તારાચંદે પાછળ જોયું. પાછળ ડેલી આવેલી હતી. બંધ. બધી જ શક્યતાઓ બંધ ડેલીની બહાર જ રહી જાય છે એટલું સારું છે. બહાર જે કંઈ બનવાનું હોય તે બને - ઘરમાં કશો ફરક પડવાનો નથી. બધું એવું ને એવું જ રહેશે, ખાલી ઝરૂખા જેવું.
એમણે ઉપર જોયું. ઝરૂખામાં કોઈ ઊભું છે. ડગુમગુ. લોખંડનો કઠેડો પકડીને. સવારનો તડકો ત્યાં પડે છે. ઝરૂખામાંથી કોણ હાથ લંબાવે છે? અરે... અરે... તારાચંદ દોડવા લાગે છે. કોઈ ધ્યાન રાખતું નથી. ઓસરીમાંથી ઘૂંટણિયે ચાલતાં દાદરનાં બધાં પગથિયાં ચઢી જાય છતાં કોઈને ખબર ન પડે? સારું થયું કે તારાચંદ સમયસર પહોંચી જાય છે. ઝરૂખાના કઠેડાની વચ્ચે આવેલી ખાલી જગ્યામાં માથું ઘુસાડી દીધું છે. પગ ઊંચા થયા હોત તો... તારાચંદ અવાજ કર્યા વિના પાછળથી તેને ઊંચકીને કશું જ બન્યું ન હોય તેમ ઝરૂખામાં ઊભા રહ્યા. શિયાળાની સવારે તડકો હૂંફાળો લાગે છે. એક નાનકડો હાથ લંબાય છે નીચેની તરફ. તારાચંદ ઝરૂખામાંથી એ બાજુ જુએ છે. ત્યાં આંગણામાં તારાચંદ ઊભા છે. ડેલી પાસે. આંગણામાં સાંજ વહેલી ઊતરી આવી છે.
બસમાં ન જ આવે. ટેક્સીમાં જ આવશે. દૂરથી ધૂળ ઊડતી દેખાઈ. બહારથી આવતો કાચો રસ્તો અર્ધા તળાવને ચક્કર મારીને ગામ સુધી પહોંચે છે. તળાવમાં પાણી ટકતું નથી. માત્ર કીચડ હોય છે. કીચડની સામેના કાંઠા પરથી આવતાં વાહનો દૂરથી દેખાય છે. તારાચંદ દરરોજ સવારે ફરતા ફરતા તૂટેલા ગઢની બહાર આવે છે. વીરજીએ કાચા મકાનમાં હોટલ કરી છે. તેના બાંકડા પર બેઠા હોય. સવાર આખી. સામે જોયા કરે. તળાવનું કીચડ. સામે પાર કાચા રસ્તાની બંને બાજુએ ઊગેલી બાવળની ઝાડીઓ. પહેલાં ધૂળના ગોટા દેખાય. પછી બાવળની ઝાડી વચ્ચેથી વાહન દેખાય. યાત્રાળુઓને લઈને આવતી બસ, ટેક્સી, કાર નજીક આવે. ધૂળ ઉડાડતાં વાહનો પસાર થઈ જાય. ગઢની તૂટેલી દીવાલના ઢગલા વચ્ચે અડીખમ ઊભેલા મોટા દરવાજામાંથી અંદર જાય. બસમાં આવેલા યાત્રાળુઓએ ત્યાં જ ઊતરી જવું પડે. ગઢના નાકા પાસે જ. નાનાં વાહનો વધારે અંદર જઈ શકે છે. દેરાસર પહેલાંના ખાંચા સુધી. ત્યાં બે-ત્રણ મોટાં મકાનો તૂટી ગયાં છે. ખંડેરની ખાલી જગ્યામાં નાની ગાડીઓ મૂકી શકાય છે. અજાણ્યા લોકો હોટલ પાસે આવીને તારાચંદને રસ્તો પૂછે ત્યારે એ હાથ લંબાવીને કહે કે જરા આગળ જઈને ડાબી તરફ વળાંક લેજો–
તારાચંદ બંધ ડેલીના આંગણામાંથી જોઈ રહ્યા છે. તળાવની સામે બાજુએથી ઝાડીઓની વચ્ચે થઈને એક ટેક્સી વળાંક લઈ રહી છે. પાછળ ધૂળ ઊડે છે. ટેક્સી ધસમસતી આવે છે. તારાચંદ ઝડપથી ખસી ગયા. ઓસરીના જૂના અને મજબૂત કમાડને ધક્કો માર્યો. જમીનની અંદર કશુંક ઘસડાતું હોય તેવો અવાજ થયો. કમાડના લાકડાનો ખરબચડો સ્પર્શ હથેળીમાં ફાંસની જેમ ખટકવા લાગ્યો. ટેક્સી સાવ નજીક આવી ગઈ છે. તારાચંદ બાંકડા પરથી ઊભા થઈ ગયા છે. બંને હાથ ઝભાના ગજવામાં છે. બંધ મુઠ્ઠીમાં સણકા ઊઠે છે. એ ઉંબર પસાર કરીને ઓસરીમાં આવી જાય છે. ટેક્સીવાળો હોર્ન વગાડે છે. તારાચંદ ઓસરીમાં પણ જરા કૂદીને બાજુમાં ખસી જાય છે. ડ્રાઇવર એમને કશું પૂછે કે તારાચંદ ટેક્સીમાં કોણ બેઠું છે એ જોઈ શકે તે પહેલાં તો એ જમણા ઓરડાની સામે આવી ગયા હતા.
એ ઓરડાની સામે ઊભા રહેતાંની સાથે જ તારાચંદ હંમેશની જેમ બધું જ ભૂલી ગયા – અહીં શા માટે આવ્યા છે અને હવે શું કરવાનું છે...
*
બે સાંજ ઊતરી આવી હતી – એક બહાર અને બીજી ઘરમાં. બહારની સાંજ બારીમાંથી દેખાતી હતી. તારાચંદ બારી પાસે આવ્યા. ઊભો સળિયો પકડીને બહાર જોવા લાગ્યા. ત્યાં સૂરજ દેખાતો નહોતો, પણ વંડીની ભીંત પર લગાવેલા કાચના ટુકડાઓ પર તડકો પડતો હતો. વંડીમાં નાનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. તેના પર મચ્છરો ઊડતા હતા. બે-ત્રણ તૂટેલાં માટલાં અને પતરાના ડબા પર નજર પડી. ખસાવી લીધી. આકડો આડેધડ વધી ગયો છે. વંડીમાં ઢળી ગયેલા છાપરાવાળું એકલઢાળિયું હતું. તેની નીચે જૂની કટાઈ ગયેલી સાઈકલ પડી હતી. સાઈકલ પર ધૂળ જામી ગઈ હતી અને પૈડાંના આરામાં જાળાં બાઝી ગયાં હતાં. કોણ મૂકી ગયું હતું સાઈકલ? તારાચંદ સ્મૃતિના એકલઢાળિયા નીચેથી વચ્ચેથી જ પાછા વળી આવ્યા.
ઓરડાની સાંજમાં અંધારું હતું. જૂના લીંપણની અને ભીંતોમાંથી ભેજની ગંધ આવતી હતી. બટાયેલી ગંધ. જાણે કશુંક સડી રહ્યું હતું. ભીંત પર ઘણી જગ્યાએ ચૂનો ઊખડી ગયો છે અને નકરા પથ્થરનાં ભાઠાં પડી આવ્યાં છે. ભેજનું જ કારણ. આખા ઘરમાં આવો ભેજ થઈ ગયો છે. વરસાદને કારણે નહીં. ઘરના પાયામાં જ ભેજ રહી ગયો લાગે છે. ઓરડાના બારણામાંથી ઓસરીનો ખૂણો દેખાય છે. ત્યાં વરગણી પર એમનું ધોતિયું સુકાય છે. એક સાડી પણ લટકે છે. સાડીનો રંગ ઊપટી ગયો છે. એક છેડો લીંપણ પર લબડી પડ્યો છે.
ઘરના સૂનકારમાં કોઈક જગ્યાએથી ખખડાટ સંભળાયો, જાણે કોઈ આવ્યું. ના, ઉંદર દોડ્યા હશે. રસોડામાં અથવા બાજુમાં આવેલા બીજા ઓરડામાં. તારાચંદને આ ક્ષણે જ એ ઓરડામાં જવાનું મન થઈ આવ્યું. ગયા નહીં. જતા પણ નથી. ઘણા મહિના થઈ ગયા. એ ઓરડામાં જવાનું કોઈ કારણ પણ નથી. પેઢીઓ જૂનાં મોટાં મોટાં વાસણો ત્યાં પડ્યાં છે. આખું ગામ જમાડી શકાય. હવે એ વાસણોની કોઈ જરૂરિયાત રહી નથી. બીજી નકામી થઈ ગયેલી ચીજો પણ એ ઓરડામાં ફેંકી દીધી છે. એક ખાટલો, ગોદડાં, ચાલણગાડી. મોટી પેટીમાં કપડાં ભર્યાં છે. રેશમી સાડીઓ. હવે તો ગડી ઉખેડતાં જ લીરા નીકળવા લાગે.
તારાચંદે આંખો બંધ કરી. અંદરની સાંજ વધારે વેરાન હતી. જાણે આખું ગામ ખાલી થઈ ગયા પછીની પહેલી સાંજ. એ લોકો બધું જ એમની પાછળ છોડીને ક્યાંક ચાલ્યાં ગયાં હતાં. મેડીની બેઠકમાં પાથરેલી લાલ જાજમ અને તેના પર મૂકેલાં ગાદલાં-તકિયા અને ત્યાંના ગોખલાઓનાં કાચવાળાં બારણાં પરનાં ચિત્રો... મેડીની ભીંતો પર ફોટા ટીંગાતા હતા. ફેટાવાળા, અચકન પહેરીને ખુરસી પર બેઠેલા પુરુષો અને લાકડીની ચાંદીવાળી મૂઠ પર એમનો હાથ... સાડીના લાંબા પાલવવાળી સ્ત્રીઓ માથે ઓઢીને બાજુમાં ઊભી હતી. તારાચંદ બંધ આંખોની સાંજે મેડી પર ભટકવા લાગ્યા. એમણે ગાદલાં વાળી નાખ્યાં. નીચે ઊતરી આવ્યા. બંધ ઓરડામાં જ ઉંદરો દોડે છે. વાસણો સાથે ભટકાય છે.
આ વખતે સળવળાટ સંભળાયો. ખૂબ બાજુમાંથી. ખાટલાની સીંદરીનો ચરચરાટ. તારાચંદે આંખો ઉઘાડી. બારીમાંથી આવતું અજવાળું ખાટલા પર પડતું હતું. ખાટલા નીચે કોડીનું સફેદ વાસણ પડ્યું હતું. ત્યાંથી પણ વાસ આવતી હતી. એ વાસ ઓરડાની સાંજમાં ભળી જતી હતી.
“કંઈ જોઈએ છે?” તારાચંદે પૂછ્યું.
જવાબ ન મળ્યો. હોઠ ઊઘડ્યા હોય તેવું લાગ્યું. કલાકો સુધી મોઢું બંધ રહ્યા પછી શબ્દો જલદી બહાર નીકળતા નથી. આંખો તગતગે છે. જમણો ગાલ તરડાઈ ગયો છે. ડાબો હાથ ઊંચો થઈ શકે છે. ઊંચો થયો. નજીક બોલાવે છે. કદાચ પડખું ફેરવવું હશે. બેઠા પણ થવું હોય. તારાચંદ બહાર ગયા હોત તો પણ એવું જ બધું થતું રહ્યું હોત. માત્ર કોઈ જોનાર ન હોત અને ઈચ્છાઓ અંદર જ સડી ગઈ હોત.
“પાણી?”
ઓરડામાં જ મૂકેલી માટલીમાંથી પાણી ભર્યું. ખાટલા પાસે ગયા. પીઠ પાછળ બે હાથ ભરાવીને ધડ ઊંચું કર્યું. વજન વધી ગયું છે. દર વખત જેવો વિચાર અત્યારે પણ આવ્યો. એક હાથે ધડને પાછળથી પકડી રાખ્યું. બીજા હાથે જમણો પગ ફેરવ્યો. ડાબો પગ પોતાની મેળે જ ખસી શક્યો. મોઢા પાસે વાટકો ધર્યો. પાણી ગળા નીચે ઊતરવા લાગ્યું. થોડું વંકાયેલા હોઠના ખૂણામાંથી બહાર સર્યું.
“કેટલા... વ...વા...”
ભીંતઘડિયાળ બંધ હતું. જવાબ આપવાની જરૂર નહોતી. ગમે તેટલા વાગ્યા હોય... એ માથું ફેરવી શકે છે. બારી બહાર જુએ છે. કદાચ એણે પણ એકલઢાળિયાનું નીચે ધસી ગયેલું છાપરું જોયું હશે. સાઈકલ? ના... સાઈકલ દેખાતી નહીં હોય. વંડીની ભીંત પર ખોડેલા કાચમાંથી તડકો પસાર થઈને એની આંખો પર પડ્યો હશે.
પછી તારાચંદની સામે જોયું. ઓળખાણ પણ જાણે અપંગ થઈ ગઈ હતી. કદાચ ઓળખાણની જરૂર પણ રહી નહોતી. એ તો મારું નામ પણ ભૂલી ગઈ હશે – તારાચંદે વિચાર્યું. પછી પોતે જ પોતાને રમત પર ભોંઠા પડ્યા. નામ તો, એનુંય, કદાચ તારાચંદને યાદ રહ્યું નથી. યાદ હોય તો પણ હવે એનો ઉપયોગ રહ્યો નથી. ઘણાં વર્ષો થઈ ગયાં. સાથે ને સાથે. તારાચંદે માથું ધુણાવ્યું. ઘણાં બધાં વર્ષો થઈ ગયાં. શો ફરક પડ્યો હતો? એની સાથે એ પોતે કે એમની સાથે એ ક્યાંય પહોંચી શક્યાં નહીં. અફસોસ ઊપટી ગયો હતો. હવે સપાટ વિચારો જ આવે છે. સારું થયું, અહીંથી ચાલ્યા જનારા ચાલ્યા ગયા છે. ઘરના પાયામાં જ ભેજ રહી ગયો છે.
એણે હાથથી ઈશારો કર્યો. તારાચંદ એ ઈશારાને ઓળખે છે. એ નીચે વળ્યા. ખાટલા નીચે પડેલું કોડીનું વાસણ ઉપાડ્યું. આગળ ધર્યું. ગજવામાં હાથ નાખીને ઊભા રહ્યા. ટટ્ટાર. અંદરથી વાંકા વળી ગયેલા. એક ગજવામાં કવર પડ્યું હતું. તારાચંદની આંગળી કવરની સપાટી પર ફરતી હતી. કદાચ એ અહીં પાછળ અને બાકી રહી ગયેલા માણસનું સરનામું ફંફોસી રહ્યા હતા.
*
હવે થોડી વાર સુધી ઘરમાં એમની જરૂર નહોતી. તારાચંદ ઝડપથી બહાર નીકળી આવ્યા. ડેલી ઉઘાડી. બંધ કરી. શેરીમાં આવી ગયા. ચાલવા લાગ્યા. શેરીમાં આવેલાં બધાં જ મકાનો, એમની મેડી સહિત, ખાલી અને નીરવ ઊભાં છે. ઓટલાના પથ્થરો કરકરા થઈ ગયા હતા. વરસાદ વગરના દિવસોમાં આખું ગામ તપતું રહે છે. પડી ગયેલાં મકાનોની ખુલ્લી જગ્યામાં ગાંડા બાવળ અને આકડા ઊગી આવ્યા છે. એક કૂતરું ધૂળમાં ખાડો કરીને સૂતું હતું. તારાચંદને જોઈને ઊભું થયું. પાછળ પાછળ ચાલવા લાગ્યું. શેરીના વળાંક પાસે ઊભું રહી ગયું. ત્યાં ખાડો ખોદવા લાગ્યું.
તારાચંદ વળાંક વળીને આગળ ચાલ્યા. બજાર આવી. ત્રણ-ચાર દુકાનો હતી. એવી જ એક દુકાનમાં આવેલું દાક્તરનું દવાખાનું ખુલ્લું હતું. આજે દાક્તરનો વારો હતો. દર અઠવાડિયે બાજુના ગામમાંથી અહીં આવે છે. મોટરસાઈકલ પર. દવાખાનું ખાલી હતું. તારાચંદ ઓટલા પર ચઢ્યા.
“મને તો એમ કે તમે ચાલ્યા ગયા હશો…” તારાચંદે કહ્યું.
“નીકળતો જ હતો... કેમ છો?” દાક્તરે કહ્યું.
“આપણને શું છે! લે'ર છે…” તારાચંદ હસ્યા.
“દેરાસર બરાબર ચાલે છે?”
“ગામમાં એક જ જગ્યા છે જ્યાં લોકો જીવે છે!”
“ઘરમાં કેમ છે?”
“બધું બરાબર……. એ પણ વાટ જુએ છે. હું પણ વાટ જોઉં છું…!”
તારાચંદ દાક્તર સાથે વાતો કરવા મળે ત્યારે જરા જરા હસી શકે છે. અત્યારે પણ હસવા લાગ્યા.
“બીજા શું નવીન છે?” દાક્તરે પૂછ્યું. એમના વચ્ચેની વાતો બહુ જલદી ખૂટી પડતી હતી.
“નવીન તો શું હોય! બહારથી તમે આવો છો… તમે નવીન સમાચાર આપો...”
“બ...સ...!” દાક્તરે પગ લંબાવ્યા. બે હાથ ઊંચા કરીને આળસ મરડવા લાગ્યા.
“પરમ દિવસે આવે છે..” તારાચંદ ઓચિંતા બોલી ઊઠ્યા. કોઈકને તો કહેવાનું હતું જ.
“કોણ?”
“કોચીનથી...”
“એમ?” દાક્તર લગભગ ઊભા થઈ ગયા, જવા માટે કે સમાચાર જાણીને તે વિશે તારાચંદ નક્કી કરી શક્યા નહીં. “તમેય તારાચંદ, ખરા છે! આવડા મોટા સમાચાર છે અને કહેતા પણ નથી?”
તારાચંદે જાણે સાંભળ્યું નથી. એ દાક્તર સામે જોઈ રહ્યા છે, છતાં જાણે એમને કશું દેખાતું નથી. દાક્તરને સમાચાર આપ્યા તે ક્ષણે જ એમને પણ જાણે પહેલી વાર એ સમાચાર મળ્યા. પ્રગટપણે.
“કેટલાં વર્ષો પછી?” દાક્તરે પૂછ્યું.
“હેં? હા, ઘણાં. અહીંથી ગયો પછી પહેલી જ વાર...”
“એમ? તો લગ્ન વખતે?”
“ત્યાં જ કર્યાં હતાં. કોચીનમાં. અમે બે ગયાં હતાં.”
તારાચંદ એક જ ક્ષણમાં એક લાંબી મુસાફરીના અનુભવમાં મુકાઈ ગયા. અહીંથી બસ. ગાંધીધામથી ટ્રેન. મુંબઈમાં કોઈ ઉતારવા આવ્યું હતું અને કોચીન જતી ટ્રેનમાં બેસાડી દીધાં હતાં. બંને જણ ટ્રેનની સીટ પર રાતે પણ જાગતાં બેસી રહ્યાં હતાં તે યાદ આવ્યું. અંધારામાં ઝાડ પસાર થઈ ગયાં હતાં. સ્ટેશનો આવ્યાં હતાં. ડબામાંથી ખાવાનું કાઢ્યું હતું.
“તમને વેવાઈ સારા મળ્યા, તારાચંદ.” દાક્તરે એમને ટ્રેનમાંથી નીચે ઉતાર્યા.
“હા... આ ગામના જ છે.” પછી હસવા લાગ્યા, “આ ગામના કહેવાય એટલું જ. બાકી ત્રણ પેઢીથી ત્યાં જ રહે છે. અહીં હવેલી જેવડું મકાન ખંડેર થઈ ગયું છે.”
“બધા તમારા જેવા ઓછા જ હોય! આખી વસતી પરદેશમાં જ વસે છે. સારું થયું એને ધંધે પણ વળગાડ્યો અને દીકરીય દીધી...!”
તારાચંદ ખડખડાટ હસ્યા. છાતીમાં લાંબી ગુફા જેવું દેખાયું. લાંબી પોલી જગ્યા. એમનું હાસ્ય ગુફાના પોલાણમાં પડઘા પાડતું હતું. દાક્તરના ખભા પર ધબ્બો માર્યો. “તમેય શું, દાક્તર? ઘરજમાઈ જેવો શબ્દ વાપરતાં અચકાવ કેમ છો?”
દાક્તર ગંભીર હતા.
“ના... સાવ એવું નથી. એણે કામધંધા માટે ક્યાંક તો બહાર જવાનું જ હતું, તારાચંદ... આ ગામમાં તો કશું છે જ નહીં. એ તમારી જેમ આખી જિંદગી—”
દેરાસરમાં સાંજની આરતી થવા લાગી હતી. એકાએક આખા ગામનો સૂનકાર દેરાસરમાં આવીને સમેટાઈ ગયો. ત્યાં દીવીઓ જલતી હશે. ભગવાનને આંગી કરી હશે. ઠંડા આરસ અને કેસરની સુગંધ પથરાઈ ગઈ હશે. તારાચંદે પોતાના ઘરની દિશામાં નજર ફેરવી. ત્યાં એને સંભળાતો હશે આરતીનો રણકાર? ઓરડામાં? હવે તો ઓરડામાં સાવ અંધારું થઈ ગયું હશે. શું કહ્યું હતું તારાચંદે? એ પણ વાટ જુએ છે અને હું પણ વાટ જોઉં છું. શેની વાટ? કશુંક બનવાની.. શું બનવાનું હતું? હવે તો માત્ર એક જ શક્યતા બાકી રહી છે. તારાચંદ ઘણી વાર અર્ધી રાતે જાગી જાય છે ત્યારે ખાટલા પાસે જઈ એના નાક પાસે હથેળી ધરીને તપાસી લે છે. પછી ઊંઘ આવતી નથી. એ નિરાશા અને આશા જેવી સ્થિતિઓથી ખૂબ દૂર નીકળી ગયા છે, છતાં કોઈક રાતે એમની છાતી દુખવા લાગે છે. પાંસળીઓમાં જાણે સૂકો પવન ફૂંકાય છે. એ વખતે તારાચંદ ડરી જાય છે. ક્યાંક એવું તો નહીં બને ને કે એના પહેલાં એ પોતે જ–
અત્યારે પણ ઝબકીને દાક્તર સામે જોવા લાગ્યા. દાક્તર પાસે પણ એવી કોઈ શક્યતા વિશે જવાબ નથી. એ એમની બૅગ બંધ કરતા હતા.
“નીકળું?” પૂછ્યું.
તારાચંદ ઊભા થયા. દાક્તરને જાણે અચાનક કશુંક યાદ આવ્યું.
“એકલો આવે છે?”
“ના, બધાં. પહેલા દીકરાના વાળ અહીં અમારા દેવસ્થાનમાં જ ઉતારવા પડે. અમારા કુટુંબના એ કર છે...” તારાચંદ બોલતા અટક્યા. ગળામાં કડવાશ આવી ગઈ. ઉમેર્યું, “ફરજિયાત આવવું જ પડે, દાક્તર...”
દાક્તર દુકાનને તાળું મારી રહ્યા હતા. તારાચંદ એમની મોટરબાઈકને કિક મારવા લાગ્યા. દાક્તરે હસતાં હસતાં કહ્યું :
“તમારું કામ નહીં, તારાચંદ. ક્યાંક ધોતિયુંબોતિયું ફસાઈ જશે!”
તારાચંદ પણ હસવા લાગ્યા. ખડખડાટ. દેરાસરમાં હજી આરતી થતી હતી. એ ઝડપથી ચાલવા લાગ્યા. સાંકડી શેરીમાં ગીચ અંધારું થઈ ગયું હતું. પાછળથી મોટરબાઈક આવતી હતી. તેની હેડલાઈટના પ્રકાશમાં તારાચંદનો પડછાયો એક મકાનના ખંડેર પર પડ્યો અને પછી ઓલવાઈ ગયો.
*
દેરાસરમાં આરતી પછીની શાંતિ હતી. તારાચંદ ઘૂમટ નીચે ઊભા રહ્યા. અહીં હમેશાં ઠંડક લાગે છે. દીવીઓના થરકતા અજવાળામાં પડછાયા પડતા નહોતા. એક વૃદ્ધ માણસ મૂર્તિની સામે હાથ જોડીને ઊભો હતો. એની આંખો બંધ હતી અને હોઠ બબડતા હતા. તારાચંદને હસવું આવી ગયું. એ શું માગતો હશે - આ ઉંમરે અને આ ગામમાં?
બહાર આવ્યા. પગથિયાં ઊતરીને પેઢી પર બેઠા. મુનીમ હજી પણ કામમાં હતો. એણે તારાચંદ સામે જોયું. આંગળીના ટચાકા ફોડ્યા.
“બે સંઘ આવ્યા છે. બે બસ ભરીને. ભોજનશાળામાં ઘણું કામ નીકળી પડ્યું.”
“વ્યવસ્થા થઈ ગઈ એમના ઉતારાની?”
“હૌ... એમાં તમારે કે'વું જ ન પડે.”
તારાચંદે માથું હલાવ્યું. મુનીમ ફરીથી કામમાં ડૂબી જાય તે પહેલાં ઉતાવળથી કહ્યું, “પરમ દિવસે એ લોકો પણ આવશે...”
મુનીમે પ્રશ્નભરી નજરે જોયું.
“કોચીનથી...” તારાચંદે વાક્ય પૂરું કહ્યું.
“હા, શાંતિભાઈનો કાગળ આવી ગયો છે. કાલે ફોન પણ હતો.”
“શું કહેતા હતા—” પછી જરા ખચકાઈને ઉમેર્યું, “—વેવાઈ?”
મુનીમ હસવા લાગ્યો. “હા, ભૈ, તમારા તો વેવાઈ! પણ અમારા ટ્રસ્ટી... ઉતારાની વ્યવસ્થા વિશે પૂછતા હતા...”
“કોણ કોણ આવે છે?”
“બોલ્યા નહીં... દસેક જણ તો હશે જ ને કુટુંબના? તમને પણ કાગળ તો આવ્યો હશે...”
તારાચંદે મુનીમના સવાલને ટાળ્યો. બોલ્યા :
“એમના ઘરમાં તો રહી શકાય તેવું નથી.”
“તમારા ઘરમાં ઊતરશે!' મુનીમે મજાક કરી. તારાચંદ શૂન્ય નજરે જોઈ રહ્યા. “ચિંતા ન કરો, તારાચંદ શેઠ! બધી વ્યવસ્થા થઈ ગઈ છે. આપણી નવી ધર્મશાળામાં ત્રણેક ઓરડા તો હોટલ જેવા છે. શાંતિભાઈ જેવા મહેમાનો માટે જ બનાવ્યા છે.”
બધાં ત્યાં જ ઊતરશે? એ કદાચ પોતાના ઘેર ઊતરવાનું પસંદ કરે. મેડી સાફ કરી નાખવી જોઈએ. એ, એની વહુ અને જેના વાળ ઉતરાવવા આવે છે તે – શું નામ છે પૌત્રનું? અનુપ પાંચ વર્ષનો થઈ ગયો. તારાચંદને યાદ આવ્યું. એના જન્મની વધામણી આવી તે દિવસોમાં જ–
તારાચંદની આંખ સામે એક બપોરે એકાએક ઢગલો થઈ જતી સ્ત્રી દેખાઈ. એ હીંચકા પર બેઠી હતી. સળિયા પરથી હાથ સરકતો દેખાયો હતો. એને કદાચ એ જ વખતે ખબર પડી ગઈ હતી. ઢળી પડી હતી. બે દિવસ બેભાન રહી. દાક્તર મોટરબાઈક પર આવી ગયા હતા. ઘૂંટણ પર હથોડી પછાડી હતી. પગના તળિયામાં આંગળાં ફેરવ્યાં હતાં. ડાબો પગ સબાક દેતોકને ખેંચાયો હતો. જમણો પગ રબરનો થઈ ગયો હતો. જમણો હાથ પણ લબડી ગયો હતો. કાગળ આવ્યો ત્યારે અનૂપ પંદર દિવસનો થઈ ગયો હતો. તારાચંદે ખાટલા પર સૂતેલી સ્ત્રીને સમાચાર આપ્યા હતા. એણે કશું જ બોલ્યા વિના પોતાના જમણા હાથ સામે જોયું હતું. આ હાથે એને તેડી શકાશે નહીં – એણે કદાચ વિચાર્યું હશે. એની આંખોમાંથી આંસુ વહેતાં રહ્યાં હતાં.
જઈ શકાય તેવું નહોતું. એ લોકોથી આવી શકાય તેવું નહોતું. કોણ જકડી રાખતું હશે લોકોને? તારાચંદે નિઃશ્વાસ નાખ્યો. ઊભા થયા.
“જાઉં તો...”
મુનીમે ઊંચું જોયું.
“બેફિકર રે'જો... હું બેઠો છુંને! જરા પણ અગવડ પડશે નહીં...”
તારાચંદ ધીરેધીરે બહાર આવી ગયા. ભોજનશાળામાંથી વાસણો ઊટકવાનો અવાજ સંભળાતો હતો. ગરમી જરાય ઓછી થઈ નથી. બપોર જેવો જ ઉકળાટ લાગે છે. પાછલી રાતે કદાચ હવા નીકળે. એ ચાલવા લાગ્યા. ગામના સોપા વચ્ચેથી રસ્તો કાઢતા આગળ વધ્યા. ઘરમાં જવાની ઈચ્છા થતી નહોતી. ઘરનો ભેજ, અંધારું, ઉંદરોનો ખખડાટ, ખાટલાનો ચરચરાટ. એ ડેલીમાં પ્રવેશ્યા. પછી એવી રીતે સાંકળ વાસી અને આગળિયો માર્યો, જાણે હવે પછી એ કદી પણ બહાર નીકળવાના જ ન હોય.
*
ફાનસની વાટ નીચી કરીને તારાચંદ જમીન પર પાથરેલી પથારી પર સૂતા. ઝાંખા અજવાળામાં ઓરડાની ભીંતો ખૂબ નજીક આવી ગઈ હતી. છત પર અંધારું પડતું હતું. ત્યાં સુધી ફાનસનું અજવાળું પહોંચતું નહોતું. કાગળ ઝભાના ગજવામાંથી બહાર કાઢીને ઓશીકા નીચે મૂક્યો હતો. એ કાગળ જાણે કશાક વિશેની સાબિતી હતી અને તારાચંદ તેને સાચવી રાખવા માગતા હતા. ઘરમાં કશા જ પ્રકારની હલનચલન નહોતી. કોઈ જગ્યાએથી ખખડાટ પણ સંભળાતો નહોતો. માત્ર અંદર-બહાર થતા શ્વાસોનો અવાજ સંભળાતો હતો.
પડખું ફેરવ્યું. શું કરે છે? ઊંઘી ગઈ હશે? ખબર પડતી નથી. ક્યારેય ખબર પડતી નહોતી. ઊંઘ આવી જાય તો સારું. સૂતા સૂતા જ બારીમાંથી દેખાતા આકાશના ટુકડાને જોતા રહ્યા. ત્યાં હજી પણ શેનું અજવાળું છે? અજવાળિયું ચાલે છે? આકાશ... બહુ દૂર આવેલું છે – દૂર અને ખીચોખીચ. છેવટે ત્યાં જ પહોંચવાનું હોય છે? તારાચંદને ખાતરી નહોતી. આ ઘરને રેઢું છોડીને ચાલ્યાં ગયેલાં બધાં જ લોકો ક્યાંક તો ગયાં જ હતાં... મોટા ભાગનાં પાછાં નહીં આવે... પાછાં આવશે તે લોકો આ ઘરમાં નહીં આવે. ઉતારાની વ્યવસ્થા થઈ ગઈ છે. બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. તારાચંદે કશું જ કરવાનું નહોતું.
એ બેઠા થઈ ગયા. ફાનસની વાટ ઊંચી કરી. વધતાં પાણીની જેમ ઓરડામાં અજવાળું ઉપર ચઢ્યું. ખાટલા પર જોયું. એ આંખો ફેરવે છે. જાગે છે. એને તો ખબર જ નથી કે પરમ દિવસે–
શું થવાનું હતું પરમ દિવસે? ગામના કેટલાય વતનીઓ પરદેશથી આવે-જાય છે. દેવસ્થાન આ ગામમાં ન હોત તો એમાંના કોઈ એકાદ-બે દિવસ માટે પણ પાછા આવ્યા ન હોત. આવે છે અને ચાલ્યા જાય છે. પરમ દિવસના પરમ દિવસ પછી એ લોકો પણ પાછાં ચાલ્યાં જશે. કશો જ ફરક પડવાનો નથી. બીજા દિવસો જેવો જ પરમ દિવસ હશે. તારાચંદ વહેલા ઊઠી જશે. ચા બનાવશે. કોડીનું સફેદ વાસણ ધરી રાખશે. ભીના કપડાથી એનું શરીર લૂછી નાખશે. વાંસામાં પડેલાં ચાઠાં પર પાવડર છાંટી દેશે. સુવડાવી દેશે. હવે તારાચંદના હાથમાં માત્ર વજન જ લાગે છે – એક બીજા શરીરે છોડી દીધેલું પોતાનું વજન. પછી બપોરની રસોઈ બનાવી લેશે. ચૂલો ઠારી નાખશે. ડેલીમાંથી બહાર જશે, પાછા આવશે, બહાર જશે અને–
એમને પાછા આવવું ન પડે એવું કોઈ દિવસ બનશે જ નહીં?
“પ...પ...પા...ણી...”
શરીરના કોથળામાંથી ક્ષીણ અને વાસવાળો અવાજ સંભળાયો. તારાચંદ ઊંઘી ગયા હોત તો એ અવાજ અંધારા ઘરમાં વલવલતો અધૂરો જ રહી ગયો હોત. એના એવા કેટલાય વલવલતા અવાજો આ સૂના ઘરમાં પ્રેતની જેમ ભટકતા રહેતા હશે. તારાચંદ ચમકી ગયા, જાણે ખરેખર–
તારાચંદે ખાટલા પર સૂતેલા શરીર પર પોતાનો હાથ મૂક્યો. આ બાજુ તો સ્પર્શનો અનુભવ પણ નહીં થાય. જીવે છે તે અંગો તો ભીંત તરફ આવેલાં છે. તારાચંદ નિશ્ચિત થઈને એ ઠંડા અને નિર્જીવ હાથ પર હાથ ફેરવતા રહ્યા. એને કશુંક કહેવાનું હજી બાકી છે. પત્ર વાંચી સંભળાવું? ના. કદાચ ઓળખાણ નહીં પડે. ખાલી બડબડાટ જેવું થઈ જશે. ઓળખાણ પડશે તો કદાચ અપેક્ષા જાગશે.
તારાચંદમાં હવે હિંમત રહી નથી. તાકાત પણ નથી. એ કશું જ આપી શકે તેમ નથી. પરમ દિવસે સવારથી ડેલીને બહારથી તાળું મારી દઈશ. ના. હવે અહીં કોઈ રહેતું નથી. જે લોકો રહેતાં હતાં એ લોકો પણ બહાર નીકળી ગયાં છે. બહાર. આકાશમાં બે જણ સમાઈ શકે એટલી જગ્યા તો હશે. ઉંદર દોડ્યા. આ વખતે મેડીમાં. એણે સાંભળ્યો હશે એ અવાજ? કદાચ એને વહેમ પણ જાય – ઘરમાં કોઈ આવ્યું છે અને મેડી પર હરફર કરે છે.
તારાચંદ ગભરાઈ ગયા. પરસેવો વળી આવ્યો. એ પૂછશે તો જવાબ શું આપીશ? મેડી પર ખરેખર કોઈ ચાલી રહ્યું છે. આખું ગામ રાતના અંધારામાં કદાચ ખોવાઈ ગયું હશે. અજવાળિયું હશે તો મોડી રાતે ચંદ્રના મેલા અજવાળામાં ખંડેરો વધારે ખાલી લાગશે. ખખડાટ વધ્યો. ઓશીકા નીચે હાથ નાખ્યો. ત્યાં પેલી સાબિતી હજી પણ અકબંધ હતી. એની જરૂર હતી ખરી? તારાચંદ શું સાબિત કરવા માગે છે? કોના વિશે? કોની પાસે?
હાથ ફેરવતા રહ્યા. એની આંખો ઉઘાડી છે. છત સામે તાકે છે. પછી બારી તરફ મોઢું ફેરવે છે. કદાચ એ પણ આકાશના ટુકડા સામે જુએ છે. એટલી તો જગ્યા હશે. બહાર ચાલ્યા જઈ શકાય. ડેલીને તાળું મારવાની પણ જરૂર નથી.
હવે અહીં કોઈ રહેતું પણ નથી. કદાચ અહીં કોઈ ક્યારેય પણ રહેતું નહોતું. તારાચંદને ઝોકું આવી ગયું. ખાટલાની ઈસ પર માથું ઢળી ગયું. એમનો હાથ હજી બીજા હાથ પર હતો. તંદ્રા અને ઊંઘની વચ્ચે એમને દેખાયું – કોઈ એકલઢાળિયા નીચે પડેલી સાઈકલની ઘંટડી વગાડી રહ્યું છે.
મને એનો અવાજ સંભળાતો નથી, તને સંભળાય છે?
તારાચંદનો અશબ્દ અવાજ આખા ઘરમાં વલવલતો રહ્યો, કોઈને પણ સંભળાયા વગર, પ્રેતની જેમ.
સ્રોત
- પુસ્તક : અહીં કોઈ રહેતું નથી (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : વીનેશ અંતાણી
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2001
