abhinay - Short Stories | RekhtaGujarati

'દીયા દીયા! આજે બહુ મોડું થયું છે. જલદી કર. જાણું છું તું થોડું ખવરાવ્યા વિના નહીં છોડે. ભાષાભવનમાં આજે હિંદીના વિદ્વાન પધારવાના છે. એમના વ્યાખ્યાનમાં પહોંચવું છે.'

'હા! ચાલો, થાળી પીરસીને લાવી છું અને સાહેબ તો હજી તૈયાર પણ નથી થયા! લો, તમારો ખિસ્સારૂમાલ, પેન અને કારની ચાવી. લાવો, વાળ ઓળી દઉં?

'તુંય ખરી છો! અત્યારે તને મજાક સૂઝે છે? પેલી વાર્તા, મેં તને એનું થિમ નહોતું કહ્યું? લખ્યા વિના જંપ વળે એમ નહોતો... અને એક વાર લખવા બેઠા પછી તો તને ખબર છે કે...'

'...ઘડિયાળ તરફ જોવાનું પણ ભુલાઈ જાય છે, ખરું ને?'

'હા, એમ જ. મેં તને કહી તો રાખ્યું છે કે મારો સમય થાય એટલે તારે મને ઢંઢોળવો. નહીં તો હાથમાં લીધેલા આવા કામમાં મને સમયનુંય ભાન નથી રહેતું!'

દર્શન શર્ટનાં બટન ભરાવતો ભરાવતો ડાઈનિંગ ટેબલ પર બેઠો. ઉતાવળે ઉતાવળે ખાવાનું શરૂ કર્યું ત્યાં ફોનની ઘંટડી રણકી ઊઠી. મોંમાં કોળિયો મૂકતાં દર્શને કહ્યું : 'દીયા તું ફોન લે તો!'

દીયાએ ફોન ઉપાડ્યો : 'હેલ્લો! હું દીયા...'

'...'

'દર્શન છે ને. તમે કેમ છો જીજી?'

'...'

'હા, આપું હોં. એ... દર્શન! જીજીનો ફોન છે. તારું કામ છે. તું લે છેને?'

'હેલ્લો જીજી, કેમ છે?'

'...'

'હું અમે મજામાં...'

'અત્યારે?'

'મારતે ઘોડે?'

'...'

'મારતી ગાડીએ આવવાનું છે.'

'...'

'શું કામ છે?... આમ અચાનક...?'

'...'

'વિશેષ રૂબરૂમાં? ભલે.' હાથ ધોઈ પાણી પીતાં દર્શન કહે છે : 'દીયા, જીજી અબઘડી ઊભાઊભ બોલાવે છે. શું કરું?'

'કેમ શું કરું? જીજી જરૂરી કામ હોય તો તમને બોલાવેને? ભવનમાં તમારા સાહેબને ફોન કરી કહી દઉં કે તમે આજે આવી શકશો નહીં. નાસ્તાનો ડબ્બો અને પાણીની બૉટલ કારમાં મૂકી દઉંને?'

'તારું સુખ છે. મારી મતિ મૂંઝાઈ જાય ત્યારે તું ફટાફટ નિર્ણય કરી દે છે એટલે... (દીયાના ડ્રેસ તરફ જોતાં) અરે, આજે તો સૂરજ કંઈ પશ્ચિમમાં ઊગ્યો છેને શું? પણ… કંઈ નહીં.'

'હવે તું જલદી નીકળ. જીજી ઊંચા જીવે તારી રાહ જોતાં હશે…' કહેતાં દીયાએ કારની ચાવી અને સો સોની નોટોની થપ્પી દર્શનને પકડાવી.

દર્શનને જીજીનું 'ઊભાઊભા પણ આવી જા' એમ કહેવાનું કારણ સમજાતું હતું. જીજીની સમાજસેવાની પ્રવૃત્તિનો સાક્ષી હતો. ગાડીની ગતિ સાથે દર્શનની મનની ગતિ તાલ મેળવી રહી હતી. એના મનમાં જીજીની અનેકવિધ પ્રવૃત્તિઓ ઊભરાતી રહી : 'પહેલાં તો જીજી ઝૂંપડપટ્ટીનાં નાનાં બાળકોને પોતાને ત્યાં લાવી સ્વચ્છતાના પાઠ શીખવવામાં અને ભણાવવામાં ગળાડૂબ હતાં. નાનાં નાનાં બાળકો જીજીને કેવાં વીંટળાઈ વળતાં? જીજી બધાંને વાળ ઓળી આપે, નખ કાપી આપે, ક્યારેક વળી, નવરાવી-ધોવરાવીને સાફ કરે. સાથે સાથે અભિનય ગીતો ગવરાવે, વાર્તાઓ કહે, રમતો રમાડે, પાટી-પેન લઈ પેન પકડતાં અને લખતાં શીખવે અને જાતે પોતાનું પહેરણ ધોઈ સૂકવતાંય શીખવે. છેલ્લે થોડો નાસ્તો પણ કરાવે. આમ એમની આંગણવાડી ચાલ્યા કરે... પછી તો અનાથ બાલાશ્રમમાં જીજીની પ્રવૃત્તિ વિસ્તરી. અનાથ બાળકોનાં સાચુકલાં મમતામયી મા બની ગયાં. અનાથાશ્રમનાં બાળકોનાં અપહરણના કિસ્સાઓ હમણાં હમણાં સાંભળવા મળે છે. એવું કંઈ હશે?... કે પછી જીજી રક્તપિત્તિયાના આશ્રમમાં પણ જાય છે; એટલે અંગે કંઈ હશે? જીજીનું એવું છે. પારકાંની પીડાને પોતાની બનાવી લે અને પછી… એમની સંવેદના એમને પોતાનાથી થાય બધું કરવા પ્રેરે છે! શહેરમાં ક્યાંય કોઈ પણ રક્તપિત્તિયાને જુએ તો એને સમજાવીપટાવીને આશ્રમમાં મૂકી આવે. એટલું નહીં એની શુશ્રૂષામાં પણ લાગી જાય તો નવાઈ નહીં! એવા કોઈ રોગીનો પ્રશ્ન હશે?... પણ એમાં મને આમ ઊભાઊભ શું કામ બોલાવે? કંઈ સમજતું નથી.’

જીજીને એક વાર પૂછેલું : જીજી, બધી પ્રવૃત્તિ માટે પૈસા ક્યાંથી કેવી રીતે મળી રહે છે?

ત્યારે જીજીએ સહજભાવે કહેલું : 'ભઈલા, એક વાર લોકોને આપણામાં આપણી પ્રવૃત્તિમાં શ્રદ્ધા જાગે, વિશ્વાસ બેસે પછી પૈસા તો આપોઆપ મળી રહે છે. કેટલાક લોકો એવા છે જેમને સમાજમાં દુભાયેલાં, કચડાયેલાં, પીડિતવ્યથિત, વંચિતો કે અનાથ માટે ચોક્કસ લાગણી સહાનુભૂતિ છે પરંતુ માટે નથી એમની પાસે સમય કે નથી એવા કામની આવડત. આવાં લોકો ઉદાર હાથે દાન—સખાવત કર્યા કરતાં હોય છે...'

'જીજી પોતાને માટે દોડાવે એવું તો બને... પણ એમની તબિયત અંગે કંઈ હોય તો..., તો તો...' દર્શન જીજીની દુનિયામાં આમતેમ ફરી વળ્યો. કંઈ કંઈ વિકલ્પો મનમાં આવ્યા અને ગયા પરંતુ જીજીએ આમ મારતી ગાડીએ ઊભાઊભ આવી જવાનું કેમ કહ્યું હશે કેમેય સમજાયું નહીં!

***

દરવાજે દોરી સાથે બાંધેલી લટકતી નાનકડી ઘંટડીવાળી દોરી ખેંચી અને ઘરમાંની ઘંટડીઓ મધુર રણકી ઊઠી. જાણે જીજી એની રાહ જોતાં હોય એમ તરત બારણું ખોલ્યું. જીજીના મોઢા પર આવકારનું પ્રેમભર્યું સ્મિત જોઈને ઉષ્મા

અનુભવાઈ. નાની કિનારીવાળી ખાદીની સફેદ સાડી અને સફેદ બ્લાઉઝ, આંખે ચશ્કાં, એની આરપાર જોતી મોટી મોટી આંખો અને સુકલકડી દેહ. દર્શને નીચા નમીને વંદન કર્યાં. જીજીએ એનો વાંસો થાબડ્યો અને તેને અંદર લઈ ચાલ્યાં.

'બોલો જીજી, આજ્ઞા કરો. સેવક હાજર છે.'

'દર્શન,તું પહેલાં તાજોમાજો થઈ જા. હાથ-મોં ધોઈ લે. ત્યાં હું ચા મૂકું. આપણે બંને સાથે ચા અને જીરા બિસ્કિટ લઈએ. પછી કામની વાત.'

ચા-પાણી પૂરાં થયાં થયાં અને દર્શને પાછું પૂછ્યું : 'જીજી, આટલાં વર્ષોમાં તમે કદી મને મારતી ગાડીએ આવી પહોંચવાનો આદેશ નથી આપ્યો! તમે તમારી તબિયત તો સારી છેને?'

'અરે, મારી તબિયતને શું થવાનું છે? રાતી રાણ જેવી તો છું!'

'તો પછી?'

'જો, અત્યારે ટૂંકમાં કહી દઉં. આપણે મોડાં પડીએ માટે વધુ વિગતે વાત રસ્તામાં કરીશું. એક રક્તપિત્તિયા માજી પાસે જવાનું છે. લાગે છે એમના જીવનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે પણ એમનો જીવ જતો નથી. કદાચ એમના એકના એક દીકરાને મળવા એમનું મન તલસી રહ્યું છે ઝંખી રહ્યું છે. આખા શરીરે રક્તપિત્ત વ્યાપી ગયો છે ને આંખના દીવા પણ ઓલવાવામાં છે. એમના જીવની સદ્ગતિ થાય માટે તારે એમના દીકરા બનીને મારી સાથે આવવાનું છે. ફાવશેને દર્શન?

એક પળ દર્શનને વાત સાચી લાગી. એમ પણ થયું પોતે બરાબર સાંભળ્યું તો છેને? પણ પછી થયું 'આ તો જીજી! આમ કરે તો બીજું શું કરે?'

'કેમ કંઈ બોલ્યો નહીં.'

'મારે બીજું શું કહેવાનું હોય? જીજીનો આદેશ હોય એને માથે ચઢાવવાનો હોયને!'

'તો જઈએ? તને ફાવશેને?'

'હા.'

'કાર સ્ટાર્ટ થઈ. બંને થોડી ક્ષણો ચૂપ રહ્યાં. થોડી વારે જીજીએ વાત શરૂ કરી :

'દર્શન, સાંભળ. માજીને કોઈ ગામ બહાર નાંખી ગયેલું. શરીર આખું રક્તપિત્તથી ઘેરાઈ ગયેલું. એની પીડાથી કણસતાં એમને રસ્તાની કોરે પડેલાં જોયાં. પીડાથી બેભાન કંઈક લવારો કરતાં'તાં. એમને ઊંચકીને કારમાં લીધાં

અને 'શ્રમમંદિર' પહોંચાડ્યાં. વાતને તો મહિના જેવું થયું હશે. થઈ શકે બધી સારવાર કરી પણ એક તો રોગ અને પાછી અવસ્થા! કંઈ નહીં તોય માજી એંશી બ્યાંશીનાં તો હશે જ! હવે કોઈ ઉપચાર કારગત થાય એવું નથી. બસ, આવનારી પળની રાહ જોવાની છે... એમની તૂટક-છૂટક વાતો પરથી એટલું સમજાય છે કે એમનો એકનો એક દીકરો ભીખો ભયાનક રોગથી બચવા એમને ઘર-ગામથી દૂર ભિખારીની વસ્તી નજીક છોડીને ચાલ્યો ગયો છે. પણ તોય અંતકાળે એમની એક રટણા છે : 'મારો ભીખો આવ્યોને? આવે જ, મને લેવા આવે જ! મારું પેટ છેને!…' હવે એમની સદ્ગતિનું પુણ્યકાર્ય તારે ભીખો થઈને કરવાનું છે... તારે એમનો 'ભીખો' બનવાનું છે' બોલતાં જીજીનું ગળું રૂંધાયું.

થોડી વારે દર્શન સ્વસ્થ થઈ બોલ્યો : 'જીજી, શાળા—કૉલેજમાં ઘણાં નાટકો કર્યાં છે. પરંતુ જીવનમાં આવું નાટક કરવાનું આવશે એવી તો કલ્પનાય ક્યાંથી કરી હોય?... પણ તમે ચિંતા કરો... એક તરછોડાયેલી માના દીકરા થવાનું સદ્ભાગ્ય તો કોઈ નસીબદારને સાંપડે! જીજી, તમે... તમે મને...' દર્શનના શબ્દો ગળામાં રહી ગયા.

'અહીં માણસો નથી એવું તો નથી, પણ થયું : કામ તો તું કરી શકીશ. જોકે માજી પાસે જતાં નર્યા નરકનો અનુભવ થવાનો. શરીર આખું રોગથી ગદ્ગદી ગયું છે. પસ-પરુના રેલા ચાલે છે. ગૂગળનો ધૂપ વગેરે કરીએ છીએ પણ દુર્ગંધ ગાંઠતી નથી. તું બધું તને ફાવશે તો ખરુંને, દર્શન? તું એમની...'

દર્શને જીજીને અધવચ્ચે રોકીને કહ્યું : 'જીજી, તમે આટલાં વર્ષોથી મૂંગાં મૂંગાં જે વેઠી રહ્યાં છે હું થોડી ક્ષણો માટે માજીની સદ્ગતિ માટે સહન નહીં કરી શકું?' કહેતાં કહેતાં દર્શનનાં અંગાંગમાં હળવી ધ્રુજારી પસાર થઈ ગઈ.

'આપણે 'શ્રમમંદિર'ના દરવાજે આવી ગયાં છીએ. બીજા બધા રોગીની સારવાર હૉસ્પિટલમાં થાય છે. તેમનાથી માજીને અલગ રાખવામાં આવ્યાં છે સ્વાભાવિક છે. હૉસ્પિટલને છેવાડે અલગ કુટિરમાં એમને રાખ્યાં છે... હં, જરા આગળ... બસ, સામે દેખાય છે કુટિરિ.'

કાર થોભી. તરત મોં અને નાક પર બાંધેલા રૂમાલ સાથે એક નર્સ આવી પહોંચી. જીજીએ એમનો સફેદ મોટો રૂમાલ મોં-નાક પર બાંધી લીધો. બીજો એવો રૂમાલ દર્શનને આપી બાંધવાનું કહ્યું પણ દર્શને એને વાળીને ખિસ્સામાં

મૂક્યો.

કુટિર તરફ જતા રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હાર હતી; તેમજ ફૂલછોડ ઉપર છૂટાંછવાયાં ફૂલોની સુગંધ આવતી હતી. ગૂગળના ધૂપની હળવી સુવાસ પણ આવતી હતી. કુટિરના દરવાજે પહોંચ્યાં અને ધીરે ધીરે પેલી ધૂપ-સુગંધને દાબી દેતી રોગીની ગંધે જાણે હુમલો કર્યો... નાનકડા પલંગમાં સ્વચ્છ બિછાના પર સૂતેલાં કૃશકાય માજીના શરીરને ઢાંકતી ઝીણી ચાદર ઓઢાડેલી. એમના ખુલ્લા મોઢા તરફ નજર પડતાં દર્શન કંપી ઊઠ્યો. એમનાં હોઠ, નાક, નેણ બધું ખવાઈ ગયું હતું. માત્ર રહી રહીને પાંપણ વિનાનાં પોપચાં ફરકતાં હતાં હળવાં હળવાં! જીજીએ દર્શનનો હાથ પકડી એમની સાથે એને લીધો. પલંગની નજીક જઈ બોલ્યાં : 'અરે મા, મા! જુઓ તો કોણ આવ્યું છે? સાંભળો છો? તમારો ભીખો આવ્યો છે તમને ઘરે લઈ જવા!'

પથારીમાં માજી સહેજ સળવળ્યાં અને મોં જીજી તરફ ફેરવ્યું : 'હેં?... શું કો... છો... બેન?'

'આ તમને લેવા તમારો ભીખો આવ્યો છે.'

'હે?... તમે હાચું... કો'છો? ચ્યાં... છે...?' માજીએ હાથ લંબાવ્યા.

'અહીં મારી પાસે... ઊભો તમારો દીકરો ભીખો!'

'ભીખા... ભીખા... દીકરા તું... આયો?...' કહેતાં કહેતાં માજી પથારીમાંથી અધૂકડાં બેઠાં થઈ ગયાં અને દીકરાને બથમાં લેવા બે હાથ ફેલાવ્યા : 'દીકરા... અહીં... મારી પાંહે... આવ...'

દર્શન જરા માજીની નજીક સર્યો. એના પગલાંમાંનો ખચકાટ અછતો રહ્યો. માજીના હાથનાં આંગળાં ખવાઈ ગયાં હતાં.

'ભીખા!... તું... મારી પાંહે... તો... આવ!' કહેતાં કહેતાં માજીના હાથ વધુ લંબાયા. અશક્ત અને ધૂજતા ઢળી રહેલા હાથ પોતાને વીંટળાઈ વળે એમ દર્શન ઝૂક્યો અને માજીના હાથ એને વીંટળાઈ વળ્યા. એક અસહ્ય ભીનાશપચપચાહટથી કંપતા અવાજે અને તીવ્ર ધ્રુજારીથી કંપતા શરીરે દર્શને કહ્યું : 'મા, હું તારો ભીખો... તને લેવા આવ્યો છું... હાલ, તારે ઘરે... આવવું છેને?'

જીજીએ દર્શનની પીઠે હાથ પસવાર્યો ને માજીનું નિશ્ચેષ્ટ શરીર એના હાથમાંથી પલંગ પર સરી પડયું!

સ્રોત

  • પુસ્તક : ધરાથી આભ સુધી (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : પારુલ કંદપ દેસાઈ
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2017