aansunii muurti - Short Stories | RekhtaGujarati

આંસુની મૂર્તિ

aansunii muurti

ધૂમકેતુ ધૂમકેતુ
આંસુની મૂર્તિ
ધૂમકેતુ

“અરે ભાઈ! એમ નહીં—” અમે એને બહુ વાર્યો. પણ માને શાનો? આઠદસ વર્ષ પહેલાંની વાત છે. જૂનાગઢમાં રસિકમાં રસિક સ્થળ પંચહાટડી છે. દહીંવાળાની, મીઠાઈવાળાની, પાનવાળાની ને બંગડીઓવાળાની એવી ચાર-પાંચ દુકાને ત્યાં પાસે પાસે છે. અને રાઘવજી ભટ્ટની વીશી પણ ત્યાં જ, એટલે સ્થળ રસિક ઉતારુઓ માટે ને રસિક વિદ્યાર્થીઓ માટે બહુ યોગ્ય મનાતું. જુઓ ભાઈ, આમ મેં બે વખત 'રસિક' શબ્દ વાપર્યો છે, માટે ખિજાતા નહીં; તમારો સેવક રાઘવજી ભટ્ટની વીશીનો નિત્યમિજમાન હતો.

વીશીના અનેક ગુણજ્ઞ સભ્યોમાંથી અત્યારે તો માત્ર ત્રણનો સુગંધસહવાસ મળશે. એક તો જાણે, વીશીવાળા રાઘવજી ભટ્ટ! સારામાં સારી મેટરની ઝડપ કેટલી ગણાય? સો માઈલની? ત્યારે રાઘવજી ભટ્ટ કલાકની

સો 'સા'બ ફૂલકાં' રોટલી ઉતારતા. 'સા'બ ફૂલકાં' એટલે કે રાઘવજી ભટ્ટ રોટલી ઉતારીને પછી, સા'બ, ફૂલકાં લેશો? એમ બોલતા, ને જમનારામાં ટીખળી વિદ્યાર્થીઓ બહુ હતા, એટલે પછી રોટલીનું નામ 'સા'બ ફૂલકાં' પડી ગયું! રાઘવજી ભટ્ટનાં રાણી - અથવા જવા દો, એમના વિશે પછી કહેવાશે.

બીજાં રાઘવજી ભટ્ટના ભાઈની વહુ, અ. સૌ. ગુલાબભાભી.

અને ત્રીજા, અમારા ભાઈ રસિકલાલ ગાંધી, જેમને અમે શહીદ થવા માટે વારી રહ્યા હતા, અને કહી રહ્યા હતા કે “અરે ભાઈ, એમ થાય નહીં! બીજી વખત પાસ થવાશે.”

વાત એવી હતી કે રસિકલાલ નાપાસ થયા હતા, અને તેથી હવે ઘેર શું મોં બતાવવું એમ વિચારી ભાગી જવાની તૈયારી કરતા હતા.

રસિકલાલ હતા જરા રસિક - જરાક એટલે થોડાક.

અમે સૌ તેમને 'શહીદ' બનવા વીનવતા હતા. રસિકલાલ સૌથી પહેલા સવારે નવ ઉપર પાંચ મિનિટે આવે. પછી કામવાળી બાઈને બોલાવી પોતાની થાળી મંજાવે, પછી બે આનાનું દહીં મંગાવે, પછી એક આનાની ખાંડ મંગાવે, પછી “મા'રાજ ઘી છે કે?” એમ રાઘવજી ભટ્ટને પૂછે. પછી પોતે 'સા'બ ફૂલકાં' રોટલી જમવા બેસે. અને જો રાઘવજી ભટ્ટને બદલે અ. સૌ. ગુલાબભાભી રોટલી કરવા બેઠાં હોય, તો તમારે, તે દિવસે રસિકલાલ

જમતા જાય, “ભાભી! કેળાં ખાવાનું મન થયું છે!” એમ જરા લાડમાં બોલતા જાય, અને છેવટે ભાભી કહે કે, “મોકલા ને પૂરીને, લઈ આવશે.” એટલે પોતે કામવાળી પૂરીને ખીસામાંથી પૈસા કાઢીને આપતા જાય, પણ તે દિવસે પાટલા પરથી બેઠા થવાની વાત નહીં!

કામવાળી પૂરી તેનું માન રાખતી, કારણ કે પોતે મહિનો પૂરો થાય એટલે એક 'આઠ આનડી' ફેંકી દેતા. ‘આનડી’ શબ્દ માટે મને મહેરબાની કરીને કો, ધકેલપંચે લેતા નહીં, કારણ કે શબ્દ રસિકલાલનો છે. પોતે મહિનો પૂરો થયે અરધો રૂપિયો પૂરીને આપતા ત્યારે એના તરફ ફેંકીને બોલતા : “લે પૂરી! આઠ આનડી.”

અ. સૌ. ગુલાબભાભી જરાક શ્યામ રંગે હતાં, પણ રંગ એમને શોભતો બહુ. હસમુખાં તો બહુ હતાં : જ્યારે જુઓ ત્યારે હસીને બોલે. “લ્યો, રસિકભાઈ તો જમવા આવ્યા”, એમ કહીને હંમેશાં તે આકર્ષક રીતે મોં મલકાવતાં ને પોથીનો રંગ મૂકેલા એમના દાંત શોભી રહેતા. એમના મીઠા સ્વભાવ માટે સૌ કોઈને નિર્મળ પ્રેમ હતો. રસિકલાલ ને અ. સૌ. ગુલાબભાભી તો કોઈ મીઠા ઘરનાં દિયેરભોજાઈ હોય તેમ વર્તતાં. રસિકલાલ ભાભી માટે બંગડી લાવતો. અને ભાભી પણ શાક પીરસતી વખતે રસિકલાલના ઉપકારનો બદલો વાળી દેતાં!

રાઘવજી ભટ્ટનો ભાઈ તો આફ્રિકામાં કમાવા માટે ગયો હતો, અને દર મહિને ત્યાંથી પચાસ રૂપિયા મોકલી આપતો. ગુલાબભાભી કામકાજથી પરવારે ત્યારે અગાશીમાં જઈને બે ઘડી બેસે, અને નીચે આવતા-જતા માણસોની ઠઠ જોયાં કરે. કોઈ વખત કપાળે હાથ દઈને એકલા ઊંડા વિચારમાં બેઠાં હોય ત્યારે તો, બારે કલાક હસતું-રમતું એમનું માં જે વેદના બતાવે તે જોઈને ભલભલા તર્કવાદીઓ પણ લાગણીવશ થઈ જાય. ગુલાબભાભી જ્યારે જુઓ ત્યારે ચાલતાં હોય પણ દોડતાં હોય : એમના પગ પણ 'ધબ' દઈને પડે.

આટલાં રમતિયાળ ભાભી કોઈક દિવસ શાંતિભરેલી વેદનામાં પડી જાય, ત્યારે રસિકલાલને તો ખાવાનું ભાવે નહીં. બીજે દિવસે, જ્યારે સૌથી વહેલા જઈને, ભાભી! કાલે મારા ભાઈ સાંભર્યા હતા કે? એમ કહીને ભાભીનું મોં જરા મલકાવે ત્યારે તેને નિરાંત થાય.

હિંદુઓના બારે માસમાં શ્રાવણ માસ જેવો રસિક મહિનો એકે નથી. રસિકતા અને ધાર્મિકતા બન્ને હિંદુ સંસ્કૃતિમાં 'હિર-હર બન્ને એક જ' રૂપ જેવાં હોવાથી, રસિકતા ધર્મનાં અનેક રૂપોમાં વહેંચાઈ ગઈ છે. શ્રાવણ માસ આવ્યો : આકાશમાં વાદળાં ઘેરાય, વરસાદ પડે, ને ઘડી પછી સ્વપ્નની માફક બધું વેરાઈ જાય.

ગુલાબભાભીએ મહિનામાં પાઠપૂજા ને એકટાણાં કરવા માંડ્યાં, અચાનક રમતિયાળ સ્વભાવ છોડીને એકદમ શાંત બની ગયાં. કેટલાંક જાનવરો જ્ઞાનને લીધે નહીં પણ પ્રેરણાને લીધે આગામી તોફાનનાં ચિહ્ન અંતરમાં ઊંડાં ઊંડાં અનુભવી શકે છે; તેમ ગુલાબભાભી, તેમના હૃદયમાં પ્રેરણા જન્મી હોય કે ગમે તેમ હોય, પણ વારંવાર બોલતાં કે, “રસિકભાઈ! પીટ્યું એવું થાય છે કે પેટમાં જાણે આખો દી બળ્યાં કરે છે. મને લાગે છે કે હવે સુખના દિવસો પૂરા થાય છે.”

રમતિયાળ ભાભીને આવું બોલતાં સાંભળીને રસિકલાલ ગળગળો થઈ જતો. તે પહેલાં તો ગુલાબભાભી ત્રણ-ચાર મહિને ક્યારેક ટંક બપોરે ગંભીર બની જતાં અને થોડી વારમાં તેમનો મૂળ સ્વભાવ પાછો ફરતો. પણ આખો શ્રાવણ માસ લગભગ હમેશાં ગુલાબભાભી, ઊંડી વેદના અનુભવતાં હોય તેમ નહીં પણ કોઈ જબરદસ્ત તોફાનનાં ચિહ્ન જોતાં હોય તેમ, વ્યગ્ર બની રહેતાં. શ્રાવણ માસનો છેલ્લો દિવસ હતો : તે દિવસે સોમવાર હતો : વિદ્યાર્થીઓએ ને વીશીના બીજા નિત્ય જમવાવાળાઓએ એક મિજબાની ગોઠવી હતી. રાઘવજી ભટ્ટ અને તેનાં વહુ કામમાં મશગૂલ હતાં. માત્ર ગુલાબભાભી, કામમાં મન ચોંટ્યું નહીં તેથી કે ગમે તેમ, અગાશીમાં બેસીને નીચે આવતા-જતા માણસોને શૂન્ય દૃષ્ટિથી જોઈ રહ્યાં હતાં. હરતાંફરતાં આવું જોતી ત્યારે રાઘવજીની વહુ તેને ઠપકો આપતી : “એલી વહુ! તું તે બાઘાની જેમ બેઠી બેઠી જોયાં કરે છે, અને કામ પડ્યું કોણ તારો દાદો કરવાનો છે? મહિના દી થયાં, બાઈ! વહુએ તો ઉપાડો લીધો છે. ધણી તો કેટલીયે બાયડીના પરદેશ વેઠે છે, પણ આવો ઉપાડો કોઈ લેતું નથી.”

ગુલાબભાભી કાંઈ બોલ્યાં નહીં. પણ તેમણે સજળ નેને જેઠાણી સામે જોયું. “બા!” એટલું તે બોલી શક્યાં.

રાઘવજીની વહુ દૃશ્ય જોઈને થંભી ગઈ. તેને પણ લાગ્યું કે દેરાણી કાંઈક એવું એવું અંતરમાં અનુભવી રહી છે કે અત્યારે વધુ બોલવામાં સાર નથી. તે અગાશીમાં પડેલી સાવરણી લઈને રસોડા તરફ ચાલી; ધબ ધબ પગિથયાં ચડીને કાઈ આવતું હોય તેમ લાગ્યું, એટલે ઊભી રહી ગઈ. એટલામાં રાઘવજી હાંફળોફાંફળો ઉપર આવ્યો. ગુલાબભાભી સફાળાં બેઠાં થયાં, ને લાજમાંથી તેના હાથમાં લટકતા પીળા કાગળ તરફ જોઈ રહ્યાં.

રાઘવજીની વહુને ફાળ પડી : “શું છે? કોઈનો તાર છે?”

“હા. દૂધી તો ત્રણ પૈસે શેર છે; પછી બટેટાં લાવ્યો. પણ કોઈ છોકરો નથી આવ્યો?”

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સે’જે

ગાતો ગાતો રસિકલાલ ઉપર આવતો હતો. ગુલાબભાભી એકીટશે સાક્ષાત્ મૃત્યુને જોતી હોય તેમ તાર સામે જોઈ રહી. રસિકલાલ તો, ઘરના એક ખૂણામાં છત્રી ફેંકીને ટોપી હાથમાં લઈ ગાતો ગાતો આગળ આવ્યો :

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સે’જે.

ગુલાબભાભી આતુરતાથી અક્ષરેઅક્ષર અનુભવતી હોય તેમ લાગ્યું. રાઘવજીએ તારવાળો હાથ રસિકલાલ તરફ લાંબો કર્યો; તેનો સાદ જરાક ખોખરો થઈ ગયો : “રસિકલાલ! કોનો તાર છે?”

રસિકલાલે તાર હાથમાં લીધો. કવરની ઉપલી કોર ફાડી : જરા જેટલો અવાજ જાણે ભયંકર વેદનાભરી ચીસ હોય તેમ ગુલાબભાભી વ્યગ્ર બની ગઈ. રસિકલાલની આંખ તારના અક્ષરો પર ફરી.

“આફ્રિકાથી છે.”

શીણીના જેવી, હૃદયને ફાડી નાખનારી, ઝીણી વેદનાભરી ચીસ સાંભળીને રાઘવજીની વહુએ પાછું ફરીને જોયું : ગુલાબભાભી નીચે પડી ગઈ હતી. રાઘવ “શું છે? દિવાળી ઉપર આવે છે?” એમ કહીને વ્યગ્ર ચિત્તે રસિકલાલ તરફ જોઈ રહ્યો.

રસિકલાલની આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં. એક ઘડીમાં બોલ્યા વિના બધું સ્પષ્ટ થઈ ગયું. રાઘવજીની વહુએ વેદનાભર્યા આર્ત્તસ્વરે ઘર ગજાવ્યું. રાઘવજી નીચે બેસીને રોઈ પડ્યો.

મિજબાનીની મોજ લેવા આવતા બેચાર જણ દેખાવ જોઈને પગથિયાં પર થંભી ગયા. “રાઘવજીનો ભાઈ આફ્રિકામાં મરી ગયો”, એમ છાનેછાને વાત કરીને એક પછી એક સૌ સરી જવા લાગ્યા. પાળ તૂટતાં જેમ પાણી વહી જાય છે, તેમ ધણી મરતાં હિંદુ સ્ત્રીનાં બધાં સુખ અદૃશ્ય થઈ જાય છે : એની ગુલાબભાભી જાણે વૃદ્ધ ડોસી હોય એટલી ગંભીર અને શાંત બની ગઈ. છતાં ક્યારેક ક્યારેક એનો મૂળ રમતિયાળ સ્વભાવ પાછો ફરતો; પણ પોતે કઈ અવસ્થામાં છે ભાન આવતાં પાછી શૂન્ય બની જતી.

હવે રાઘવજીની વહુને 'વહુ'ના ઢંગ સારા નથી એમ લાગવા માંડ્યું.

હવે રસિકલાલ જ્યારે જ્યારે 'ગુલાબભાભી!' કહેતો ત્યારે ત્યારે રાઘવજીની વહુ એની સામે જોઈ રહેતી; અને વહુ રસિકલાલને શાક પીરસવા જાય ત્યારે પણ રાઘવજીની વહુ એકીનજરે અનિમિષ નયને, જાણે કોઈ અદ્ભુત દેખાવ જોવાનો હોય તેમ, જોઈ રહેતી.

એક સાંજે રસિકલાલ જમવા આવ્યા ત્યારે ગુલાબભાભી એકલાં ઘેર હતાં.

ગુલાબભાભીને જીવન એવું અકારું થઈ પડ્યું કે કેટલાં વર્ષ કે કેટલા દિવસ નહીં પણ પોતાને કેટલા કલાક જીવવાનું હશે એનો હિસાબ પોતે માંડી રહી હતી : કારણ કે એને જીવનની ભયંકર શૂન્યતા કલાકે કલાકે પ્રત્યક્ષ થતી હતી. રાઘવજી આફ્રિકા ગયો હતો એના ભાઈની કાંઈ માલમિલકત હોય તેની સંભાળ લેવા. રાઘવજીની વહુ તો જ્યારથી ગુલાબભાભી એકલી બની ત્યારથી એને બોજારૂપ માનતી થઈ ગઈ હતી. અને હવે તો હરઘડીએ એના પર ચિડાતી. ગુલાબભાભી બેઠી હતી, ત્યારે રસિકલાલ આવ્યો :

“કેમ ભાભી! જમવાને કેટલી વાર?”

“શાક ચડે છે; પછી બેસી જાઓ.”

“ભાભી! તમે કેમ હમણાં હમણાંમાં તદ્દન લેવાતાં જાઓ છો? દુનિયામાં કોઈના ઉપર દુઃખ નહીં પડતું હોય, એમ?”

પડી ગયેલું છોકરું હિંમતભેર આવતું હોય તેટલામાં કોઈ કહે કે “ફિકર નહીં, લાગ્યું નથી હો!” તો તરત રડી પડે છે, કારણ કે ટકાવી રાખેલી હિંમત બીજું કોઈ હિંમત દેવા આવે ત્યારે પીગળી જાય છે. ગુલાબભાભી તરત રડી પડી. થોડી વાર પછી સ્વસ્થ થઈને બોલી : “રસિકભાઈ! પેલી કવિતા કરી ગાઓ તો!”

“કઈ?”

“પ્રભુનો નાથ સે’જે ને એવું છે નાં?”

“હા, હા.” રસિકલાલે ગાવાનું શરૂ કર્યું” :

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સે'જે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે છે,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

એટલામાં “કાં વહુ! શાક જોયું?” એમ બોલતી બોલતી રાઘવજીની વહુ આવી પહોંચી. દૃશ્ય જોઈને એની આંખ ફરકી ગઈ.

ગુલાબભાભી એની હતી : કામકાજ એનું હતું. રસિકલાલ ને બીજા જમવાવાળા એના હતા : પણ પરિસ્થિતિ એની હતી.

રસિકલાલ ને ગુલાબભાભીના નિર્મળ સંબંધ રાઘવજીની વહુને કણાની માફક ખટકવા લાગ્યો. એટલી હસમુખી ને રમતિયાળ ને પ્રેમભરી સ્ત્રીને તદ્દન શાંત અને શૂન્ય થઈ ગયેલી જોઈ, જમનારા તેને વધુ ને વધુ માયાથી બોલાવવાનું કરતા; પણ તે સૌમાં રસિકલાલ તો પહેલેથી ગુલાબભાભીના લાડકા દિયર જેવો હતો, એટલે તેણે ગુલાબના જીવનમાં પડેલા ઘા ભુલાવવા માટે થઈ શકે એટલું કર્યું :

“ભાભી! કેળાં તમારે માટે મૂકવાં છે.” “ભાભી! દહીં મેળવ્યું છે, મને ભાવતું નથી; તમે ઉપયોગમાં લેજો.” “ભાભી! આજ મેળો જોવા જેવો છે, હો!” “આ ચોપડીમાં રામાયણનાં ચિત્રો સારાં છે, તમે જોઈને મને સાંજે આપી દેજો.” - આમ દરેક નાની નાની તક લઈને રખડુ વિદ્યાર્થી ગુલાબના ઘા પર મલમપટા કરતો; અને આવી મમતાની નાની નાની બાબતો વીણી વીણીને ભેગી કરી, રાઘવજીની વહુ તેના ભયંકર કાંટા બનાવી દેતી.

એક દિવસ સાંજે રસિકલાલ જમીને નીચે ઊતર્યો, ત્યારે છેક છેલ્લા પગથિયા પર ગુલાબભાભી એક તરફ ઊભાં હતાં. રસિકલાલ જેવો નીકળ્યો કે તરત ગુલાબે ઉતાવળથી તેને કહ્યું : “રસિકભાઈ! એક માગણી કરવી છે. માગણી નમાલી છે, પણ તમે સમજુ છો એટલે સમજી જશો.”

રસિકલાલ શાંત ઊભા રહ્યો : “ભાભી, શું છે? બોલો!”

“ભાઈ!” ગુલાબ બોલી : “માઠું લગાડતા, પણ તમે હવે વીશી બદલો તો સારું.”

ગુલાબ એથી વધારે બોલી શકી નહીં.

રસિકલાલે એક વખત તેની સામે જોયું : છેલ્લી વખત જોઈ લેતો હોય તેમ, પોતાની સામે દુઃખભરેલું હેતાળ મોં હૃદયમાં ઉતારી ગયો; જરાક વેદનાભરેલું હસ્યો, અને ધીરેથી બોલ્યો :

“ભાભી, સમજ્યો. કાલથી હું નહીં આવું!”

અને, ગુલાબ કાંઈ પ્રત્યુત્તર આપે તે પહેલાં તે શેરીના અંધારામાં ચાલ્યો ગયો.

*

ત્યાર પછી થોડા દિવસે, કોઈ જાનવર કસાઈખાનામાંથી જીવ લઈને જેટલી વ્યાકુળતાથી ભાગે તેટલી વ્યાકુળતાથી ગુલાબભાભી એક સાંજે નાનું સરખું પોટલું લઈ વીશીમાંથી નીચે ઊતર્યાં. સજળ નેને એક વખત પાછા ફરીને દાદર સામે જોઈ લીધું, અને અનેક ફૂલો અણજાણ્યાં કરમાઈ જાય છે તેમ, અનેક તારા અજાણ્યા ખરી જાય છે તેમ પોતે ભયંકર અંધકારમાં છુપાઈ ગયાં : ક્યાં ગયાં કોઈને ખબર પડી નહીં; રાઘવજીની વહુના દુઃખે ગયાં સૌને ખબર હતી, પણ કોઈ બોલ્યું નહીં. જાણે રમતિયાળ, હસમુખાં, નિર્દોષ ગુલાબભાભી કોઈ દિવસ સંસારમાં હતાં નહીં એવો પડદો પડી ગયો. પરીક્ષામાં બીજી વાર નાપાસ થયેલા રસિકલાલ ગાંધીને ખબર પડી ત્યારે તે વીશીમાં ખબર કાઢવા ગયો; પણ જો મારો પીટ્યો મલકનો ઉતાર 'ગુલાબભાભી!' 'ગુલાબભાભી!' કરતો આવ્યો છે! આંહીં કેવી તારી ભાભી? - એટલા શબ્દો રાઘવજીની વહુ પાસેથી મળ્યા. ગુલાબભાભીના નામની આસપાસ ભેદી શકાય એવો ભયંકર અંધકાર ફરી વળ્યો. ત્રીજી વાર નાપાસ થઈ રસિકલાલ ગાંધી ભાગી ગયો ત્યાં સુધી અંધકાર ભેદાયો નહીં. અને પછી તો તેના પોતાના નામને પણ અંધારું વીંટી વળ્યું.

*

ભાયખલા પોસ્ટ ઑફિસ નં. ૮ના મકાનની બરાબર સામે હૃદય વિનાનું મનુષ્ય હોય એવું એક ઝાડ ઊભું છે. ઝાડમાં જરાય તેજ નથી; થોડુંઘણું છે તે રસ્તા પરની ધૂળથી ઝાંખું પડે છે. પણ જગ્યાએ ઝાડ, આસપાસની બધી રચના સાથે બહુ સુસંગત લાગે છે. પોસ્ટ ઑફિસની બહાર રસ્તાની ફરસંબંધી પર થોડા કાગળ લખનાર બેસે છે. કાગળ લખનારની સામે, જાણે લખાતા અક્ષરો આપણી વેદના બરાબર રજૂ કરશે એવી શ્રદ્ધા ધરાવનારી અનેક ગુજરાતી અને મરાઠી સ્ત્રીઓ પોતાનાં હૃદય ઠાલવવા બેસે છે. કોઈ શોખીન જુવાન રસ્તા પર મોટરમાં બેઠા બેઠા સ્ત્રીઓ સાથે વાતચીત કરે છે. જેમનાં સંસારમાં માત્ર તૃષ્ણા, નિરાશા ને લાલસા રહ્યાં હોય અને જીવન ચાલ્યું ગયું હોય તેવી અનેક અભાગી સ્ત્રીઓ કેટલીક ખરેખર સુંદર, કેટલીક બનાવટી રીતે થયેલી સુંદર ત્યાં આંટાફેરા કરે છે, અને શાહીમાં બોળેલી કલમથી લખનારા આંસુના અક્ષરો લખ્યાં કરે છે. આવા અનેક લખનાર ત્યાં બેસે છે. રસિકલાલ સવારમાં નવ વાગ્યે તુલસીકૃત રામાયણ બગલમાં મારી, શાહીનો ખડિયો ને કાગળ લઈ ત્યાં હાજર થઈ જતો, તે સાંજના ચાર સુધી અશ્રુકથા લખ્યા કરતો. નાપાસ થઈને મુંબઈ ભાગી આવ્યો હતો, અને એણે પોતાના ગુજરાનનો માર્ગ આવી રીતે ખોળી લીધો હતો.

એક દિવસ, સવારે નવ વાગ્યે, તે પોતાના હાથમાં તુલસીકૃત રામાયણનાં પાનાં ફેરવી રહ્યો હતો. ક્યારેક, જાણે જે વાંચ્યું તેથી તે પોતે હાલી ઊઠ્યો હોય તેમ સામેના ઝાડ પર એક દૃષ્ટિ ફેંકી કે રસ્તે પસાર થતી મોટર જોઈ લઈ, પાછો નીચી મૂંડી કરી ફરી વાર વાંચવામાં તલ્લીન બની જતો :

જે મિત્રદુખ હોહિં દુખારી, તિન્હેં બિલોક્ત પાતક ભારી,

નિજદુખ ગિરિસમ રજકરિ જાના, મિત્રકૈ દુખરજ મેરુ સમાના.

નિયમ પ્રમાણે ચોપાઈની ધૂનમાં તેણે રામાયણ બંધ કર્યું : સામેના ઝાડ પર જોયું, પણ નીચી મૂંડીએ આંખો બંધ કરીને

તન્હેં બિલોક્ત પાતક ભારી જે મિત્રદુખ હોહિં દુખારી.

ધૂનમાં પડ્યો. એટલામાં પાસેના હાટ પરથી પાન લઈને મોંમાં ચાવતી એક સ્ત્રી આવી. તેણે તેને જગાડ્યો.

“આ કાગળ લખજો-”

એટલું બોલીને તેણે તેની સામે કવર ધર્યું : નીચી મૂંડીએ યંત્રવત્ શાહીમાં કલમ બોળીને તેણે કાગળ પર ધરી : હં! ક્યાં લખવો છે?

લખો મુંબઈથી લખતંગ-

“લિખિતંગ પછી—” તેણે નીચી મૂંડીએ લખતાં લખતાં જવાબ વાળ્યો “શું લખવાનું છે તે કહો!”

બાઈ લખાવવા મંડી.

દરેકેદરેક વાક્યમાં, લખનારા પીગળી જાય તેવી કરુણ હકીકત આવતી હતી.

હંમેશાં આવી હકીકતોના પરિચયોથી કાંઈક કઠણ કાળજાનો થઈ ગયેલો લખનારો અટક્યા વિના લખ્યે ગયો :

મારી આજ આવી દશા થઈ ને તમને કોળિયો ધાન ગળા હેઠે ઊતરે છે, એટલો કળજુગનો મહિમા ગણવો. ધણી વિનાની થઈ, એટલે હું માણસ પણ મટી ગઈ. તમારા ઘરનું ઢોર પણ આટલી વેદના નહીં સહેતું હોય હું બીજું

તો શું કહું! પણ તમને ચોથો કાગળ લખ્યો છે. તમે આવીને મને નરકખાનામાંથી નહીં છોડાવો તો ઈશ્વર અન્યાય સાંખશે નહીં. તમારું નિર્વંશ જાશે, તમારું ધનોતપનોત થઈ જાશે, અને એક અબળાના નિઃશ્વાસથી તમારું છેવટે સારું નહીં થાય. લોકનિંદાથી ડરીને મને આંહીં તે આંહીં રાખી મૂકો છો, અને આંખ આડે કાન કરીને મને મરેલી ઠરાવો છો, પણ હું જીવતેજીવત મરેલી છું. તમારા ઘરમાં ટાઢો ટુકડો ખાઈને પડી રહીશ, પણ એક વખત મારી ભૂલ વિસારીને મને પાછી તમારા આશરામાં લેવા આવો. છેલ્લું વાક્ય આવ્યું “તમારે ત્યાંથી ભાગી મારી ભૂલ થઈ. રસ્તામાં મને લબાડ મળ્યા, અને મારી દશા થઈ. પણ હવે બધું ભૂલી જાઓ. હં! હવે પતું પૂરું થાય છે.”

વેદનાની જ્વાલા હજી શમી હોય તેમ બાઈ ફરી બોલી : “જો મને નહીં ઉગારો તો મારો શાપ છે કે તમારા જેવા જેટલા હોય તે રૌરવ નરકમાં પડજો. અને પૃથ્વી ઉપરથી તેમનું નામનિશાન પણ નીકળી જાજો.”

વાક્ય બોલ્યા પછી તે જરાક શાંત થઈ : લિખિતંગ તમારા ભાઈની વહુ-

લખનારે અત્યાર સુધી ઊંચું જોયું હતું; તેણે શબ્દ સાંભળી આશ્ચર્યથી એક નિમિષમાત્ર ઊંચે જોયું : જે જોયું તે માનતો હોય તેમ તે થંભી ગયો.

બાઈ આગળ બોલી : “તમારા ભાઈની વહુ ગુલાબ!?”

રસિકના હાથમાંથી કલમ પડી ગઈ. તેણે ગુલાબની સામે જોયું. જે હેતાળ વેદનાભર્યું મોં તેણે હૃદયમાં ઉતાર્યું હતું, તે જાણે ફરી ખડું થઈ ગયું : રમતી, હસતી, કૂદતી, પ્રેમભરેલી ગુલામભાભી તેની સામે આવી ગઈ. તેનાથી બોલાઈ ગયું :

“ગુલાબભાભી?”

તેના હાથમાંથી કાગળ લેવા લાંબો કરેલો ગુલાબનો હાથ થંભી ગયો; તેણે રસિક સામે જોયું : જરાક વ્યગ્ર બનીને ગુલાબભાભી યંત્રવત્ ધીમું હસી :

“રસિકલાલ! હું તો પડેલી સ્ત્રી વેશ્યા છું; હું ગુલાબભાભી નથી.”

“મારે મન તું પડેલી સ્ત્રી નથી : એની એટલી હેતાળ, રમતિયાળ ગુલાબભાભી છે. હું સગાંસંબંધી સૌથી વિખૂટો પડેલો, માતાપિતા વિનાનો એકલો રસિકલાલ જૂનાગઢની વીશીમાં જમવા આવતો જૂનો રસિકલાલ છું. ભાભી! ચાલ, ચાલ, તું મારી સાથે ચાલ. તું હવે મારી સાથે રહે.”

આંસુ આવવાથી વધારે હેતાળ ને વધારે દુઃખમય બનેલું ગુલાબભાભીનું મોં રસિકલાલનું હૃદય વલોવી રહ્યું. તેણે રામાયણ, ખડિયો ને કલમ હાથમાં લીધાં; ગુલાબનો હાથ પકડીને તેને ઊભી કરી : “ભાભી, ગુલાબભાભી, ચાલ મારે ઘેર ચાલ; હું તને જીવનભર સાચવીશ અને તું મને સાચવજે.”

‘એ ટૅક્સી’ કરીને મારેલી રસિકલાલની બૂમે કેટલાક લખનારાનાં ને કેટલીક સ્ત્રીઓનાં ધ્યાન તેની તરફ ખેંચ્યાં. પાઈએ પાઈનો હિસાબ કરનારા વેપારી લખનારાને પણ લખતાં લખતાં મોહનાસ્ત્ર લાગ્યું એમ ધારીને તે સૌ અંદર અંદર ધીમું ધીમું હસવા લાગ્યાં.

સ્રોત

  • પુસ્તક : ધૂમકેતુની વારતાઓ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1973