aanandnu mot - Short Stories | RekhtaGujarati

આનંદનું મોત

aanandnu mot

જયંત ખત્રી જયંત ખત્રી
આનંદનું મોત
જયંત ખત્રી

ડિલાઇલ રોડ પર આર્થર રોડ હૉસ્પિટલ આગળ એક આદમી બસમાં દાખલ થતાં દરવાજામાં જ ફસડાઈ પડ્યો. એને ઊભો કર્યા પછી કંડક્ટરે પોતાના પાટલૂનના પાછળના ભાગમાં ડાઘ ઘસીને સાફ કરી નાખ્યા. આગળની સીટ પર બેઠેલી પારસી બાનુએ એને જોઈ નાક પર રૂમાલ દાબ્યો. એક યુરોપિયને પોતાની સીટ બદલી. બીજા કોઈએ પોતાના રેઇનકોટનો કૉલર ઊંચો કર્યો.

સમી સાંજે ઇસ્પિતાલમાંથી રજા પામેલો એ ક્ષયનો દરદી હતો. જાણે મનુષ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા લાયક જીવતું હાડપિંજર ન હોય! ક્ષયનાં જીવડાંઓના ઘાથી છાતી બેસી ગઈ હતી પણ ગાલનાં હાડકાં બહાદુરીથી આગળ ધસી આવ્યાં હતાં. સુકાઈ ચીપડાઈ ગયેલા હાથમાં ચામડી નીચે હાડકાં, નસો અને સ્નાયુતંતુઓ બેહૂદી રીતે દેખાઈ આવતાં હતાં. બાકીના અંગ પર લેંઘો અને પહેરણ આળસ અને કંટાળાથી લટકી રહ્યાં હતાં. કોટ અને કોટના ખિસ્સામાંથી ટોપી સરી જવાની અણી પર એના ખભા ઉપર પડ્યાં હતાં. એ બધા સાથે બંધબેસતી ન હોય એવી એની મોટી આસમાની આંખો ઘડીભર બસમાંની વ્યક્તિઓ પર તો ઘડીભર બહારની દુનિયા પર કુતૂહલથી નાચી રહી હતી.

કંડક્ટરે દૂરથી પૂછ્યું : 'કહાં જાનેકા?'

'ભીંડી બજાર!'

'કુછ સોચબિચારકે બયઠતા ક્યોં નહિ તુમ લોગ!' એણે જોરથી દોરી ખેંચી અને ડ્રાઇવર આગળ કંડક્ટરની તુમાખીની ઘંટી વાગી : 'ચલો ઊતર જાઓ.'

'અરે ભાઈ, મેહ કહાં ટ્રામ તક છોડ દો.'

'બોલા, ઊતર જાઓ! સુનતા નહિ?'

'કાયકો ઊતર જાય? તુમ અપના પયસા લે લો?'

ફરી ઘંટી વાગી. એક આનાની ટિકિટ કપાઈ. ક્ષયનો એ બાદશાહ સાત રસ્તા પર ઊતરી ગયો. સાત રસ્તાથી એ ટ્રામમાં બેઠો - નિરાંતે થાક ઉતારતો હોય એમ આડો વાંકો થઈને બેઠો. એની બારી આગળથી અલબેલી મુંબઈનો એક ભાગ પસાર થતો હતો, એ જોયા કરતો હતો – જાણે આ દુનિયા પોતાની જ ન હોય - અથવા હોય તો હવે ક્ષણભર માટે જ એવા કુતૂહલથી! એની આંખો ક્યારેક પરાણે મીંચાઈ જતી અને ત્યારે એના ઇતિહાસનો – ના, એના નહિ, એણે પોતામાં સંઘરી રાખેલા ક્ષયનાં જીવડાંઓના ઇતિહાસનો થોડો ભાગ એનાં મનઃચક્ષુ આગળ તરી આવતો!

બે વરસ પહેલાં એના એક ફેફસાએ એકાદ ક્ષયના જંતુને ઉદારતાથી જગા આપી. આજે એનાં બંને ફેફસાંમાં અસંખ્ય જંતુઓને રહેવા-ખાવા માટે ખાડાઓ થઈ ગયા હતા. એ જંતુઓ વાલજીની છાતી જ નહિ – એની ઘણીખરી સંપત્તિ પણ ખાઈ ગયા હતા. એ ગરીબ તો હતો જ. ઘણીબધી ધર્માદા ઇસ્પિતાલોની હવા અને દવા એની છાતી ખાઈ આવી. છેલ્લે આર્થર રોડ ઇસ્પિતાલેય એને બે મહિના સંઘરી એને 'ડીસચાર્જ' કર્યો. વાલજી હજીય મરવાની આળસ કરતો હતો!

બિચારો! ટ્રામની બારીમાંથી બહાર નાસભાગ કરતી એની નજર શો શો સંદેશ એના મગજને પહોંચાડતી હશે? પોતાની ન હોય એવી આ દુનિયામાં હજીય એના માટે ક્યા ભાવો સંઘર્યા પડ્યા હતા!

વરસાદના દિવસોમાં સંધ્યાને પણ પશ્ચિમ તરફ વધારે વાર ટહેલવું ગમે છે. વાલજીની નજર એ ટહેલતી સંધ્યાનું અડપલું કરવા એની પાછળ દોડી રહી હતી. ત્યાં બૂમ પડી : 'ભીંડી બજાર બદલી.'

વાલજી નળ બજાર ઊતરી પડ્યો. પણ એણે બદલી નહિ કરી. ઝીણાં ઝીણાં ફોરાં ટપકી રહ્યાં હતાં, તૂફાની પવન વાઈ રહ્યો હતો. મસ્તીએ ચડેલી સંધ્યા રાત્રિની ધાક વગર રંગ બદલાવ્યે જતી હતી. - નહિ! વાલજીએ ટ્રામની બદલી નહિ કરી. એની અંદરનાં જીવડાંને પણ આ વાતાવરણનો નશો ચઢ્યો લાગ્યો. એણે ચાલવા માંડ્યું.

છ છ મહિનાના ઇસ્પિતાલના વસવાટ પછી આજે એને તંદુરસ્ત માણસની જેમ રસ્તે ચાલવાની તક મળી હતી. વાલજીના વિચારોમાં હજીય યુવાનીની તાકાત હતી. એણે જોરથી પગ ઉપાડ્યા – પણ એ એને તાબે નહિ થતાં થથરી ઊઠ્યા. કંઈ વાંધો નહિ! બીજી વખત એણે એની ચાલમાં બેદરકારી લાવવાનો પ્રયત્ન કર્યો. હાથને ઝટકો આપ્યો. બંકી સાંકળ જેવી ડોકને મરોડ આપ્યો. પાનવાળાની દુકાનના અરીસામાં એણે પોતાનું દર્શન ચોરી લીધું.

અંદરથી એક ઉમળકો ઊઠ્યો અને પહોળા થઈ ગયેલા હોઠ પાછળ પરૂવાળા દાંત હસી ઊઠ્યા. મારકિટ આગળથી રસ્તા પર ફેંકાયલી કહોવાઈ ગયેલી શાકભાજી અને ઈંડાંને થથરતા પગ નીચે કચરતો વાલજી લથડતો લથડતો આગળ ચાલ્યો. આજે એને કશી પરવા નહોતી. એના ખભા પરથી કોટ સરી જાય છે? છો સરી જતો. એક મોટર એના લૂગડાને અડીને પસાર થઈ જાય છે. પણ વાલજી તો હસીને એની પાછળ જ જુએ છે. આ આનંદની કક્ષાએ મોત આવે તોય શું? બબ્બે વરસ મોત તરફ કૂચ કર્યા પછી આ આનંદ આજે પ્રગટ્યો હતો. એ આનંદના વેગ સાથે એનું શરીર ભલેને નહિ ચાલી શકતું તોય એ ડાબે ને જમણે ડોલી રહ્યું હતું. એ ડોલનમાં કોઈક સ્ત્રી સાથે ફસડાઈ પડતા વાલજીને ગાળો પડતી. પણ એ કશું સાંભળતો નહિ. એ તો ફેરિયાઓની હાથગાડીમાં ચમક ચમક કરતાં કાંચનાં રંગબેરંગી વાસણો અને કચકડાનાં રમકડાં પર આંખો નચાવતો ચાલ્યો જતો. અરે શું મજા! ભલેને આ દુનિયા એની પોતાની ન હોય! પણ આ આનંદ અને આ અવધિ આજે ઘણાં વરસ પછી એને મળ્યાં હતાં. બસ વાલજીને ચાલ્યા જ કરવું હતું. જ્યાં સુધી શરીર કાબૂમાં રહે ત્યાં સુધી - જ્યાં સુધી આ વેગ વધારતો આનંદ લથડતા શરીરથી આખરે છૂટી જઈ ક્યાંક ઊડી જાય ત્યાં સુધી!

સેન્ડહર્સ્ટ રોડથી પાયધૂની તરફ ખૂણા પર કાપડવાળાની દુકાન આગળ વળાંક લેતાં એ પોતાની જ ચપળતા પર જરા મુસ્કુરાયો. ચાર-છ શરબતની ગાડીઓએ લપસણી કરી દીધેલી ફૂટપાથ પર એ જરા લપસ્યો પણ તરત જ બેસી ગયો. હસતાં હસતાં ઊઠવા ગયો અને ફરી પડ્યો. પિત્તળની ચમકતી ખીલીઓવાળો ચાબુક લઈ ઊભેલો એક પઠાણ હસી પડ્યો. શરબત ગાડીવાળા એમના ઘરાકોનાં ટોળાં સાથે હસ્યા. સામેની દુકાનમાં ખોળામાં ગજ અને મોટું પેટ લઈ બેઠેલો કાપડિયો પણ હસ્યો.

૫ણ કંઈ પરવા નહિ. બીજો પ્રયત્ન કરીને વાલજી પોતાને મન કોઈ દહાડો નહિ બનાવેલ અદાથી ઊભો થયો.

એ પણ બધાની જોડે જોરથી હસવામાં ભળ્યો. ખૂબ હસ્યો. એનું નબળું શરીર સહન કરી શકે તે ઉપરાંત હસ્યો. આટલો બધો આનંદ! આવા દૂબળા શરીરમાં ક્યાં સમાયો હશે?

અને એ આગળ ચાલ્યો. એની આંખો લાલ થઈ ગઈ. મગજમાં લોહી ધસી આવ્યું. અને ખોપરી પર, નાનકડા સર્પો જેવી નસો દોડધામ કરી રહી. જમણા હાથની પહેલી ગલીમાં વાલજી વળ્યો. એનું નિત્ય જાણીતું વાતાવરણ વહાલભરી રીતે એની નજરને ભેટ.

ઇસ્માઇલખાનની બકરીનું નાનકડું બચ્ચું દોડધામ કરી રહ્યું હતું. બે ખાટલા પર હલીમ ચાચીનાં પાપડ અને સેવ સુકાતાં હતાં. દૂરના મકાનમાં મમદુની તાજી પરણેતર ચોથે માળથી દોરીવતી એક નાનકડી બાસ્કેટ રસ્તા પર સેરવી ભેળપૂરી ખરીદી રહી હતી. મેલા બુરખાવાળી મુસલમાન સ્ત્રીઓ, ફાટેલી સાડીવાળી ઘાટણો! ચીકણી આંખો અને ગંદાં નાકવાળાં અર્ધનગ્ન બાળકો કિકિયારી પાડતી મુરઘીઓ પાછળ દોડી રહ્યાં હતાં. જમણી બાજુ ચાર માળનું વલીમામદનું આલીશાન મકાન અને એની બાજુમાં, જાણે એના ખોબામાં બેઠું હોય એવું બેઠા ઘાટનું શંકર લેલેનું મકાન પડી જવાની બીકે લાંબું થઈ સૂતું હતું. એ મકાન અને દૂર દેખાતી 'બકરા ચાલ'ની પછીત વચમાં 'મેઘા મુરાર'ની ચાલ આવી. હાશ! વાલજીના પગ છેલ્લી વાર એના હુકમનો અનાદર કરી ધૂજી ઊઠ્યા. વાલજીએ ઊંચે જોયું. પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ! બસ એ જ. ગૂણપાટના ફાટેલા પડદા, તુલસી, અજમા અને બારમાસીનાં પાણીની તરતાં કૂંડાં, આઠ દિવસે એક જ વખત સાબુથી ધોવાતાં ફાટેલાં સાડી અને ધોતિયાં. લેંઘા, ખમીસ અને એ જર્જરિત, ફાટેલી, મેલી વસ્તુઓ પાછળ આવજ કરતી વ્યક્તિઓને વાલજીએ ઝાંખી રીતે જોઈ! દરવાજામાં વળતાં જ પાનવાળાની દુકાને એણે શંકરને 'દેશી ડબલ ચૂના, કાળી કાંડી' પાન માગતાં સાંભળ્યો. એની નજર એક ઠેકાણે ઠરી ગઈ. ત્રીજો માળ, તુલસીનાં કૂંડાં નીચે કઠેડા પરથી એક ખાટલો ટિંગાવેલો હતો. એની પાછળ એક બંધ કમાડવાળી એની જ ઓરડી હતી. એણે મહામહેનત કરી હસવું ખાળ્યું. દાદરને પગથિયે પગ મૂકવા જતાં જ એની પાછળથી એના બુઢ્ઢા દરવાન બદરીનાથ ભૈયા બોલ્યા :

'કૌન વાલજી? તું આ ગયા? તબિયત તો અચ્છી હય ના?'

'હાં, અચ્છી હય.'

હજી તો પેલો દાદર પૂરો ચઢ્યો પણ નહિ હોય ત્યાં તો જીવી ડોશી સામે મળ્યાં. 'વાલજી? ક્યારે પાછો આવ્યો?'

'હમણાં જ, મા!'

'સારો છો ને?'

'હા, મા.'

'જીવતો રહે, બેટા!' અને વાલજીનો પગ ઉપરથી પગથીનું નિશાન ચૂક્યો. એણે કઠેડાને પકડી સમતોલપણું જાળવી લીધું. પહેલા માળના નળ પર રામજી મિસ્ત્રીની વહુએ એને જોઈ લાજ કાઢી. એકબે છીકરાંઓ એને જોઈ રમતાં રહી ગયાં અને એને ઓળખ્યાથી સામે જોઈ રહ્યાં. બીજે માળ ગોપાળજી જોશી ચાલીમાં જ ઘીના દીવે પાઠપૂજા કરી રહ્યા હતા. એમણે તો પૂજા થોભાવ્યા વગર એની સામે હસીને ડોકું ધુણાવ્યું.

આખરે વાલજી ત્રીજેમાળ પહોંચ્યો. છેલ્લું પગથિયું ચઢતાં એનું મોઢું ફાટી ગયું ગળામાંથી પરાણે એક અમાનુષી અવાજ નીકળી ગયો. કપાળ પરની આસમાની નસો ફાટફાટ થઈ રહી. એના મનમાં થયું કે અહીં જ બેસી જાઉં! એ વિચારે જ એને હસવું આવ્યું. હાંફતી છાતીએ ખુલ્લા મૂકેલા મોઢા પર સહેલાઈથી હાસ્ય આવી ગયું — પણ કેવું ફિક્કું અને દયામણું! એનાં થાકેલાં અંગો પર એણે જુલમ ગુજાર્યો. પાવડા જેવા હાથથી કઠેડાનો આશરો લેતો લેતો એ આગળ ચાલ્યો. આખરે પેલા તુલસીના પાણી ઝરતા કૂંડા નીચે પહોંચ્યો ત્યારે સામેની પોતાની ઓરડીમાં નજર ફેંકતાં પહેલાં એણે છુટકારાનો દમ લઈ, આંખો મીંચી. અંધારાં ચારે તરફથી એના પર ધસી આવ્યાં, કાનમાં ભીષણ અવાજો થયા. ખોપરીમાં કોઈએ બેચાર હથોડા લગાવ્યાનું દુઃખ થયું. પણ આજના આનંદના પ્રમાણમાં આ દુઃખ શી વિસાતમાં હતું? એણે આંખો ખોલવા ફોગટ પ્રયત્ન કર્યો. આ સ્થિતિમાં એણે ઓરડીમાંથી કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો :

'જોને ગોમતી, દુઃખ તો મને પણ થાય છે. પણ વાલજી આ હાલતમાં કેટલા દિવસ ટકી શકશે! પછી તારો કંઈ વિચાર કર્યો?'

વાલજી કઠેડો મૂકી અધબીડ્યા કમાડ આગળ આવ્યો. એની ઇચ્છા અંદર જવાની હતી. પણ એને ફરી ચક્કર આવ્યાં.

'મારી વાત પર વિચાર કરજે. વાલજીનું મોત હું નથી ઇચ્છતો. તોય એ તો હવે આવવાનું જ છે. ત્યારે મારા નાના પ્રેમજીની મા થઈ મારા ઘરને તારું કરી રહેજે. મારેય દુનિયામાં કોણ છે? વાલજી તો હવે થોડા દહાડાનો મહેમાન! બાકી રહી તું અને મારો દીકરો પ્રેમજી!'

વાલજીએ સાંભળી લીધું. કોઈક બીજી ભાવનાએ એના દિલમાં ફોગટનો બળવો જગાવ્યો. આજનો આનંદ એનો રાજા થઈ બેઠો. બીજા કોઈ ભાવ માટે અત્યારે સ્થાન નહોતું.

એણે કમાડ ખોલી નાખ્યું અને અંદરની સાદડી પર ફસડાઈ પડ્યો. ગોમતીએ એની લા કાઢી. ગોપાળ - એના મિત્રે — એને પકડી લીધો.

'પણ તું એકલો કેમ આવ્યો?'

'હું આવતી કાલે સવારના તો પુરી લઈ આવવાની હતી!' ગોમતી બોલી. 'આટલી

ઉતાવળ શું હતી?'

જવાબમાં વાલજી માત્ર હસ્યો. એ હાસ્ય દૂબળું, ફિક્કું તોય તાજગીભર્યું હતું. એ જોઈ ગોમતીને થોડી ટાઢક વળી. 'કંઈક તો સારા છે.'

પછી ત્રણેયે સાથે બેસીને ચા પીધી. મોસંબીનો રસ નીચોવતા ગોમતીના બંને હાથ પરની બંગડીઓ મીઠું રણકી રહી હતી. ત્યાં બંને પુરુષોનું ધ્યાન ખેંચાયું. ગોપાળને બીજી જ પળે પોતાની જાત પર તિરસ્કાર આવ્યો. એણે પાછું ફરી વાલજી તરફ જોયું અને એને ખભે વહાલથી હાથ મૂક્યો. પણ વાલજીની ચકોર નજરે મોસંબીના રસમાં આંસુનું એક ટીપું ભળી જતું જોઈ લીધું. એ ગોપાળ તરફ જોઈને ધીમું હસ્યો. આજ એના મોઢા પર હાસ્ય ન હોય તો બીજું શું હોઈ શકે?

વાલજીના આગ્રહને વશ થઈ ગોપાળ પણ એ રાતે ત્યાં જ જમ્યો. ગોપાળ એની તબિયતના ખબર પૂછતાં પૂછતાં રહી ગયો. એને એમ થયું કે રખે ગોમતી એનો અવળો અર્થ કરે અને ગોમતીએ પણ એ ખબર નહિ પૂછ્યા. એને બીક લાગી કે રખે એ ખબર પૂછતાં ક્યાંક એમનો આ આનંદ મોળો પડી જાય!

પાછળ મસીદના ઘડિયાળમાં દસના ટકોરા થયા. ગોપાળ ગયો. ગોમતી બારણું અંદરથી બંધ કરી વાલજીની પથારી આગળ ઓશીકા પાસે આવી બેઠી. વાલજી બારી બહાર, 'બકરાની ચાલ' ઉપરથી ફક્ત અંધારા જેવા દેખાતા વાદળછાયા આકાશમાં જોઈ રહ્યો હતો. ટેવાયેલી આંખો, વાદળનો પડદો જાણે ભ્રમમાત્ર હોય એમ એની પાછળ પણ તારલાઓ ગણી રહી હતી. ગોમતીએ ધીમે રહીને ઘૂંઘટ ખુલ્લો કર્યો. માંહ્યથી, અજવાળી સાતમના ક્ષિતિજે ડૂબી જતા ગમગીન ચંદ્ર જેવું, આંસુભર્યું મુખારવિંદ વાલજીની આંખો તરફ નમ્યું, ઝૂકી પડ્યું.

'હજુ કંઈ સારા નથી', ગોમતીનું મન બોલ્યું – શરીર ધૂજ્યું. મોટી આંખો, ગાલના ખાડા, છાતી, હાથ! પળવારમાં તો એની નજર આખા શરીરનું દુઃખદાયક પરિભ્રમણ કરી ગઈ. કેમેય કરીને એનાથી ગળાનો ડૂમો રોકી શકાયો નહિ. વાલજીએ જોરથી પાસું બદલ્યું અને એ તકની રાહ જોતી ગોમતી એના દૂબળા ખભામાં મોઢું સંતાડી રુદનમાં તૂટી પડી. સત્તાવીસ વરસની યુવાન તંદુરસ્ત સુંદર, ઘાટીલી પરણેતરે રડતાં રડતાંય કાવ્યની અસંખ્ય ઊર્મિઓ ફેલાવી. એનાં આંસુથી ભીંજાઈ વાલજીનું જીવતર આ છેલ્લી પળેય ધન્ય બન્યું. એના આનંદની ઉચ્છૃંખલ મસ્તી શમી ગઈ. મંદ ધીરો એકધારો પ્રવાહ વહેવા લાગ્યો. આ વખતે જ એના બારણા પાછળ રહી ગોપાળ-ગોમતીનો સાંભળેલો વાર્તાલા૫ યાદ આવ્યો. ગોમતીનો હાથ પકડી એણે એને બાજુમાં ખેંચી. પેલી વીખરાઈ ગયેલી લટોને એમ જ સમાર્યા વગર રહેવા દઈ એના હાથનાં હાડકાં ગોમતીના ગાલ પર ફરી વળ્યાં.

'ગોમતી, આજે હું ઘેર ફર્યો એથી તને આનંદ થાય છે?'

'નહિ તો! આજે એવું કેમ બોલો છો તમે?' ગોમતી બેઠી થઈ ગઈ.

'કંઈ નહિ – અમસ્તો જ! મારા પગ ન દાબે? બહુ દુઃખે છે!'

ગોમતી પગ દાબવા બેઠી. અને એક પછી એક મિનિટો પસાર થવા લાગી. ઘાસલેટની બત્તીના ઝાંખા તેજમાં પિત્તળનાં વાસણ અજબ ચમકી રહ્યાં હતાં. ઘરની વ્યવસ્થા સફાઈદાર અને સંપૂર્ણ હતી. વાલજી ફરી પહેલાંના જેવું જ હસ્યો. ફરી ફરી એ મસ્તીખોર આનંદ એની પર સવાર થવા તલપી રહ્યો.

'ગોમતી!' એ ખરેખર હસી પડ્યો. 'એક વાત પૂછું, ગુસ્સે ન થાય તો?'

'પૂછોને!'

'હું — હું' એનું હાસ્ય ફાટી જતું હતું, 'મરી જાઉં તો?' એના હાસ્યની પાછળ રહેલું ગાંભીર્ય ગોમતી ન ઓળખી શકી. એને એ મશ્કરી જ ભાસી.

'જાઓ, જાઓ.' ગોમતી પણ હસી પડી. અને એ હાસ્યના આનંદભર્યા આઘાતથી મોઢા પર લાગ જોઈને ધસી આવેલી બેચાર લટોને એણે લટકો કરી સરખી મૂકી. 'એમાં આટલા બધા હસો છો શાના?'

હાશ! વાલજીને ટાઢક વળી. પરણ્યાની પહેલી રાતે જ ગોમતી એને ખૂબ ખૂબ ગમી ગઈ હતી. આ કદાચ છેલ્લી રાત હતી. એ બે રાતો વચ્ચેનું અંતર ઘસાઈ જઈ એ બંને રાતો અસંભવિત રીતે એકબીજાને ભેટી પડતી ભાસી! 'વાહ આનંદ!' વાલજીના મને પુકાર્યું.

કોણ માને કે આ એકોતેર રતલના વજનવાળા પોણાછ ફૂટ ઊંચા ક્ષયના દરદીએ તે રાતે ગોમતીની છેડતી કરી, સતાવી, હસાવી, આનંદથી ભરી દીધી હશે? બબ્બે વરસની અસહ્ય માંદગીનું દુઃખ ભુલાવી દેવાની તાકાત પણ છેલ્લી ઘડીએ એનામાં આવી ગઈ હશે? હાય હાય! શું મજા! ગોમતી હસતી હસતી બેવડી વળી ગઈ ને એમ જ સૂઈ રહી! એમ જ ઊંઘી ગઈ. એ સુકુમાર હોઠ પરથી હાસ્યને ઊડી જવાની તક પણ ન મળી.

એક વાગ્યો, બે વાગ્યા. વાલજીને ઊંઘ ન જ આવી. એની નસેનસમાં લોહી આનંદના ધબકારા કરતું દોડ્યું જતું હતું. એનો ઉશ્કેરાટ વધતો જતો હતો.

'આખરે આ શા માટે?' એણે પોતાની જાતને જ પૂછ્યું. કંઈ જવાબ ન મળ્યો. એ ખરેખર આનંદ હતો કે એની ભમણા જ હતી? આનંદ! આજે કેટલા મહિનાઓ—વરસો પછી એને આનંદ પ્રાપ્ત થયો હતો? વચમાં એ કેવો દુઃખી હતો? એની કલ્પના પાછળ દોડી ગઈ. બબ્બે વરસનો કંટાળાભર્યો ઇતિહાસ એણે ફરી તાજો કર્યો. ગોમતીની કસુવાવડ થઈ, એનું કાંડાનું ઘડિયાળ અને સોનાનો કંદોરો ગયાં. ગોમતીના તો લગભગ બધા દાગીના ચાલ્યા ગયા. અને એને પહેલી રાતના આપેલું વચન યાદ આવ્યું : 'જોજે તો ખરી, મારી મિઠ્ઠી, ક્યારેક તને આખી ને આખી દાગીનાથી મઢી દઈશ!' એ વચન ન જ પળાયું.

અને એણે ગોમતીને વાંકી વળીને સૂતેલી જોઈ. મોઢા પર હાસ્યની સંધ્યા મટી રહી હતી. વાલજી નીચો નમ્યો. પણ કહોવાઈ ગયેલા હોઠથી એ ભરયૌવનમાં તસતસતું તાજગીભર્યું મુખડું ચૂમવાની એની ઇચ્છા મરી ગઈ. એના ઓશીકા પર જેમ તેમ વીખરાઈ ગયેલી સાડીની કોરને એણે ચૂમી લીધી. એને રડી પડવાની ઇચ્છા થઈ પણ કેમે કરીને આંસુ નીકળ્યાં નહિ. થયું, થોડી વાર મનને દુભાવી દઉં, પણ એનો આનંદ એનો શત્રુ નીવડ્યો. એ ભયંકર રાક્ષસી આનંદે એના બીજા બધા ભાવોને હણી દીધા હતા – એ જેમ ક્ષયનાં જીવડાંઓનો શિકાર બન્યો હતો તેમ જ આજે એના આનંદનો પણ ગુલામ બની ચૂક્યો હતો.

ઇસ્પિતાલ છોડ્યા પછી એણે પહેલી જ વાર ઉધરસ ખાધી. સપાટે ઊભો થઈ ગયો. રખેને ગોમતી જાગી જઈ એના મોઢાના હાસ્યની ચિરસંધ્યાની રાત પડી જાય એની બીકે એ બારી તરફ ફર્યો. એક ગરમાગરમ બળખાએ એના મોઢાને ભરી દીધું. બહાર થૂંકી એણે ધોતિયાથી મોઢું લૂછ્યું તો એમાં લાલ ડાઘ પડ્યા. લોહી! ફરી પાછું લોહી!

બહારનું આકાશ હવે ખુલ્લું થઈ ગયું હતું. તારલાઓ ચમકી પરસ્પર ભ્રાતૃત્વની જાણે આપ-લે કરી રહ્યા હતા. એ કેટલું ઊંડું - કેટલું દૂર દૂર હતું! એની-એની આમંત્રણ આપતી મોકળાશનું આકર્ષણ અજબ હતું. એને ફરી ઉધરસ આવી. આ વખતે વધારે જોરથી એની ખોખરી છાતીના ઢીલા તાંતણા ખોટા સૂર કાઢતા હતા.

વાલજીને ખરેખરી બીક લાગી કે હવે ગોમતી જરૂર જાગવાની. અને જાગશે તો?

હમણાં નહિ તો સવારે તો એ ખચીત જાગશે. ત્યારે ફરી પાછી એની એ જ લોહીની ઊલટીઓ, માથું ભમાવી દેતી ઉધરસ, આકરો તાવ અને દુર્ગંધ મારતા પસીનામાં તરબોળ થઈ જતા શરીરનો એને સામનો કરવો પડશે. એ મૂરખી અત્યારે કયા ભ્રમમાં, કઈ આશાને તાંતણે આમ નિરાંતે ઊંઘી રહી છે! અને જોયું પેલું હાસ્ય! હજીય કેવું એના હોઠ પર ફૂદડી ફરે છે? મૂરખ નહિ તો બીજું શું? એને મન આવતી સવાર આજ રાત કરતાંય વધારે સુખભરી ઊગશે!

અરે, પણ આ ઉધરસ મોળી પડશે કે નહિ! ખોં ખોં ખોં જાણે ઉધરસનો ભમરડો ફરવા લાગ્યો. વાલજી બારણું ખોલી બહાર કઠેડા આગળ ઘસી ગયો - આંતરડાં આંટી ખાઈ ઉપર ચઢ્યાં. શ્વાસ બંધ થતો લાગ્યો. છાતી બેસી ગઈ. જાણે આંખોમાં, મગજમાં બધું લોહી ઘસી આવ્યું. એને ઊબકો આવ્યો તે રોકવા પ્રયત્ન કર્યો અને મોઢામાંથી ઊલટીનો ફુવારો વછૂટ્યો. લોહી! હજી કેટલુંક બાકી હતું! હૃદય જોરથી। થડકી ઊઠ્યું. એક, બે, ત્રણ, ગણાય નહિ એટલી ગતિથી આખુંય શરીર હૃદયમય થઈ જઈ વાગી, થડકી રહ્યું. વાલજી ત્યાં જ બેસી ગયો.

એની બીક વધતી ચાલી. કાલે ઊઠીને ગોમતી એને આવો બીમાર જોઈ શું કરશે બીજું? આટલા દિવસ કર્યું હતું એ જ — ચાકરીસેવા! હટ્! હજી પણ ચાકરીસેવા?

એને ફરી ગોપાળ-ગોમતીનો વાર્તાલાપ યાદ આવ્યો. પોતાના મરણ પછી ગોપાળ ગોમતીને એની પત્ની થવા સમજાવતો હતો. ત્યારે ગોમતીએ હા નહિ, તો ના પણ નહોતી કહી.

શા માટે નહિ? હવે એની પાસે આપવા જેવી વસ્તુમાં ક્ષયનો ચેપ માત્ર બાકી હતો. બીજી હતી મોતની છેલ્લી ભેટ! ગોમતીની અરધી જુવાનીભર એણે એને પોતાની માંદગી સિવાયનો બીજો ખ્યાલ આવવા નહોતો દીધો. પણ તેમાં એનોય શો વાંક હતો?

વાંક જરૂર હતો. પોતાને વહાલભર્યું આમંત્રણ આપતા મોતને ખોટા વાયદા આપી, જેમતેમ જીવતો રહી, ગોમતીને વધારે ને વધારે રિબાવી રહ્યો હતો. રસ્તામાં મરી જાણનાર પશુઓ કરતાંય એ હૃદયહીન હતો.

આખરે એની આંખમાં બે આંસુ ચઢ્યાં, ગાલનાં હાડકાં પર જરા ઠરી જઈ નીચે ખાડામાં ટપકી પડ્યાં. હાશ! એને શતિ વળી. એની શુદ્ધિ પાછી ફરતી હતી. એ આંખો મીંચીને પડી રહ્યો. માથાનું લોહી નીચે ઊતરી ગયું. હાથપગ થથરતા બંધ પડ્યા. એના રાક્ષસી આનંદનું મોત થયું.

ધીરે રહીને વાલજી ઊઠ્યો. નળ પર જઈ કોગળા કર્યા. પિવાય એટલું પાણી પી પેટ ભરી લીધું. અને ગોમતી પર છેલ્લી નજર નાખવાની ઇચ્છા કર્યા વગર એ દાદર ઊતરી ગયો. એને કોઈએ પડકાર્યો નહિ. ગલીના નાકા પર ઉધરસ ખાવા એ જરા થોભ્યો અને આગળ ચાલ્યો.

રાત્રિના ત્રણેક વાગ્યા હશે. અલબેલી મુંબઈની ભીંડી બજાર પણ અત્યારે લગભગ સૂની થઈ ગઈ હતી. એની નજર ઊંચી હતી. ચચ્ચાર-છ માળનાં વિચિત્ર મકાનોથી ઊંચે દૂરના આકાશની નિગૂઢ શાંતિ પીતો પીતો એ ચાલ્યો. એનું શરીર લથડિયાં ખાતું હતું. પણ નજરના દોર પર એના વિચારોનો પતંગ કેટલેય દૂર, કેટલેય ઊંચે ગુલાંટ ખાઈ રહ્યો હતો!

હાશ! - કેટલી બધી મોકળાશ! કેવી અલભ્ય મુક્તિ! નળ બજારની મારકિટ સામે ચોર બજારની ગલીના નાકે ફૂટપાથ પર ચઢવા જતાં એણે ઠોકર ખાધી. ઊંધો પડ્યો. પળવાર પડી રહ્યો. માથું ફૂટ્યું ને એમાંથી લોહીની ધાર ચાલી. એણે ઊઠવા પ્રયત્ન કર્યો. ઊઠ્યો. બે ડગલાં ચાલ્યો. અને ભયંકર ઉધરસમાં તૂટી પડ્યો. ક્યાંક આશરો શોધવા એણે ફોગટ વલખાં માર્યાં. સામેની દુકાનના ઓટલે પહોંચવા જતાં અધવચ જ એ તૂટી પડ્યો. એની નજરનાં અંધારાં વધતાં ચાલ્યાં. મોકળાશ વધારે ને વધારે પસરવા લાગી. વનરાજિમાં વાતા પવનના સુસવાટ જેવો શાંતરવ એના કાનોમાં ગુંજી રહ્યો. અંધારું અને સંગીત એકાકાર થવા લાગ્યાં.

અરે - આ ફરી પાછી પેટમાં વાઢ આવી. ફરી પાછું હતું એટલું બધુંય લોહી મગજમાં ધસી આવ્યું. વાલજી ઊઠીને બેઠો થયો. ફાટફાટ થતી આંખોએ એની બાજુમાં જ ટપાલ નાખવાનો લાલ ડબ્બો જોયો. હાથ પહોળા કરી એ એના પર પડ્યો. પકડી લીધો. ત્યાં ફરી ઊલટીનો ફુવારો વછૂટ્યો. ઓહ! ઊબ! એના બંને હાથનાં આંગળાં ઢીલાં થઈ સરી પડ્યાં - પોતાના જ લોહીની ઊલટીમાં એ ઢગલો થઈ પડ્યો. પેલા મોટા આસમાની ડોળા ઉપર પાંપણો લચી પડી. આંખોની દોર તૂટી ગઈ!

સ્રોત

  • પુસ્તક : ડૉ. જયંત ખત્રી સમગ્ર વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સર્જક : જયંત ખત્રી
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1994