રાજેશ વણકર
Rajesh Vankar
હૅડ્સને કંચુડી ચેટલી વાર ?
બારેમાસ હિલ્લોળા લેતા પાનમ નદીના ડેમથી આગળ તૂટી ફૂટી સડકે સડકે ચાલ્યા જાવ તો આગળ ડુંગરા મોટાને મોટા થતા જાય. લીલા ને સૂકા, પથરાળ ને માટીના, ક્યાંક બકરાં ભરેલો ડુંગર તો ક્યાંક રખડતાં ઢોરવાળો. ક્યાંક તો સનેડો, ટીમલી કે વિક્રમ ઠાકોરનાં ગીતોથી ડોલતા ડુંગરાય મળે. ત્યાં ઝાડી ઝાખરા વચ્ચેથી કેડી ચડતી છોકરીએ બે પથરાની ફાટમાંથી ડોકું કાઢીને અડધેક ડુંગરે જરા સપાટ જગ્યાએ બાંધેલા છાપરા સામે આ રાડ નાખી હતી.
- એ આઈઈ આ દોયડી નેમ હોધું સુ......
તાડના પાઠાંથી લદાયેલા છાપરાને ઝીલતી થાંભલીઓ ફરતે ભરેલા કરોંઠોના બાકોરામાંથી કંચુએ ડોકું કાઢયું.
– લે તું કેતેલી દોયડીને ઓંહડો બધુંય સે એટલે અું ના લાયી. બોલતી પેલી છોકરી ઢોળાવના ખેતર ફરતી વાડ વીંધીને છેક છાપરે આવી ઉભી.
– અું જાણું સું તારા ખેલ, તું દાદાના ખાટલેથી જ આંઠે આંઠે વાઢી લાવે એટલે તને ના કયું. ફેલોં ફેરવતાં આથના આંબરા સડે સે. દોયડી એમનેમ થોડી બને સે ? ને પસી ઠંડા તો મનેય પડે ને ! ઘરમાં દોરી શોધતાં કંચુ બોલી.
– તે કાતેડા ખાવાના તે ડંડાય ભેગા ખાવા પડે. બઉ મોટી શેઠોંણી ના જોઈ હોય તો ? વાડામાં નાવણીયા પાસેથી ગલગોટાનું ફૂલ તોડતા પેલી છોકરીએ કહ્યું.
– અલ્યો સોરીઓ ધેરેથી જ વઢવાનું સાલ્યું. કોતડે જતાં હુધી તો સોટલા જ ખેંચવાનીયો સે.
બે અલ્લડ યુવતીઓના મીઠા ઝગડા વચ્ચે રોટલા ટીપતાં ટીપતાં કાશીકાકીએ મોટાઈ દાખવી.
- એ..... તું રોટલા જ ઘડય અમારી વાતમાં માથું મારે તે પાસી. દોરી લઈને દોડતી વાડામાં આવતાં કહ્યુંએ કહ્યું.
– એ હારું રોટલા ખાવા આવો પસી. આલુ મોટા મોટા રોટલા.
– તે ખઈશું જ ને, તું ની આલે તો ધડતાંય આવડે સે. વાડામાં ભરવેલો વાંસ એક હાથે ઝાલીને ખેંચીને બીજા હાથે કંચુએ આંકડીને ટોચ પર ગોઠવી.
- રેવા દે ન કંચુ તુંય નોંની નોંની વાત બઉ દાંત કાઢે સે. પેલુ ફૂલ ઘાઘરાના નાકામાં ખોસીને આંકડી ગોઠવતાં છોકરીએ કંચુને ટાઢી પાડી.
- હારું લે હેંડ્ય મધુ દોયડી હોમે ઝલ્ય તુય ઠોસ્ય વાટયા વગર. દોરીનો એક છેડોછોકરીના હાથમાં આપતા કંચુએ દોરી વીંટવા માંડી.
- પણ આ બોકું તો થોડું જાડું લેવુંતું, ઘોડ તોડતા હૉહાશે તો.
- ઉં સું ને તું સું કોમ ચિંતા કરે કહેતા વાંસ સાથે બોંકાને બાંધતી દોરીને ગોંઠ મારતા ઉમેર્યું લાય લોટો પોણી.
ત્યાંતો મધુએ ભરેલો લોટો રેડવા જ માંડયો.
- લે આથ ફેરય હેંડ્ય.
કંચુના મસ્તીભર્યા હાથ દોરી પર ફરતા હતા અને મધુની ધાર... ત્યાં તો રસોડેથી અવાજ આવ્યો.
- સોરીઓ કૂવેથી બેડાં લઈને ડુંગરા સડતાં કેડ નહીં દુખતી ? ઢુકડું સે તે લોટા રેડો સો?
- લાય બીજોય લોટો કંચુએ માને અકળાવી ત્યાં તો લોટવાળા હાથે તાયથો જ લઈને બહાર આવતી કાશીકાકીને જોતાં બેય જણીઓ થેલી ને આંકડીઓ લઈને ડુંગરો જ ઉતરી પડી જાણે ફરરર.... ફૂ પાછળ કાશીકાકી અડધે જ અટકી ગયાં પણ શબ્દો એ છોકરીઓ પાછળ દોડતા હતા. ડુંગરા ઊતરતા હતા.
- તમને કોઈ રાખવાનું નહીં હોં. ફાટી જીઓ સો તે. પણ મને યાદ કરજો હોંકે...
- એ તું તારી હાહરી હંભાર્ય અમારી હાહરીની ચિંતા કર્યા વગર. છેક બીજા ડુંગરાના ઢોળાવ પરથી કંચુનો અવાજ આવ્યો.
વસુતઋતુ, અલ્લડ છોકરીઓ, ડુંગરે ડુંગરે વાસંતી વાયરે ઝુમતા કેસૂડા, ફાલેલા શેમળા ને કણઝમાં ત્રીજે ટેકરીએ નેળીયેથી કંચુએ હાક દીધી.
- હેંડ્ય ધમલા આંબલીઓ ખાવા.
ધામલો તો બાળપણનો ભેરૂ. ઉંડવા શીખ્યો ત્યારથી સાથે જ ઉછરેલાં. બૂમ સાંભળીને, કેડ્યે વીટેલો રૂમાલ ફંગોળી ચડ્ડી ચડાવતો ધમલો છાપરાની બહાર નીકળ્યો. રસ્તે થઈને આવે તો એ ધમલો નહીં, પાતળો સોટા જેવો મુંછને દોરો ફુટવાને હજું ઘડીકની જ વાર હોય એવો, એક જ હડી કાઢીને વાડામાંથી કૂદ્યો. સીધો જ નળિયામાં. જાણે કોઈએ ઘરમાંથી પથરો નાખ્યો હોય એમ.
પછી તો ત્રિપુટી વગડાની વાટે ચાલી નીકળી.
- ધમલા તારી મા ઓમ તને કૂદતો જોશે તો પસી તારી ટેકરી જ મને ની ચડવા દે. તોફોનમેં પેલો નંબર ને માસ્તર જોડે તો બકરી. કચુએ ધમલાને હાથ પર લેવા માંડ્યો.
- અરે જો ને આ વખતે આખી ગાઈડ જ સડ્ડીમ ઘાલી લાવું તારે ખાલી કયું લખવાનું સે એજ બતાડી દેવાનું.
- અરે, એમ સોરીઓ કરીન તો બધાય-
- ઊભી રે, કંચુ, ઉં હાઈસ્કૂલ મેં રોજ આવતો નહીં એટલે હોં, અને આ નેંદવા-ગોડવાનું, કુણ તું કરી જવાની સું ?
- ના ના કંચુ, ધમલાને આપણા જેટલું તો આવડે જ સે, ચંત્યા નહીં, આપણે રોજ જીયે ને એ કોક દાડો તોય. મધુએ ધમલાનો જ પક્ષ લીધો.
- તું પાસી ધમલા પા થઈજી. પણ આવતા વરહે બોર્ડની પરીક્ષા સે ને કેમેરા ગોઠવશે ખબર સે તને ?
કચુંની વાત સાંભળી બેય ટાઢાં પડયાં. પણ ધમલાએ વાત બદલી કાઢી.
- હા હા આવતા વરહે તો થોડું કોંમ કુબેર કાકાને આલીને હું રોજ આવવાનો પણ આજે જવું સે કઈ આંબલીએ એ તો કો, ઓમ હેડય હેડય કરવાનું સે.. ગોંમ તો બે ડુંગરા પાસર રઈ જયું.
- આ તું હેંડય તો ખરો બતાવું. કંચુ એ પાંપણોં ઉલાળતાં ત્રીજા જ ડુંગરાની કેડી પકડી. આગળ જ થઈ ગઈ.
- હા હેંડય આજે તું ચેવીક આંબલીઓ ખવાડે સે એ જોઉં.
ત્રણેય મસ્તીમાં હતાં. વળી કોયલોનો મીઠો હેલકારો વારે વારે એમની વાતોમાં જાણે હોંકારો દેતો હતો. એક સ્વાભાવિક ઉતાવળ એમના પગમાં ભરી પડી હતી. વાટનાં ઝાડી-ઝાંખરાં પગમાં અટવાતાં એનુય જાણે ભાન નહોતું. પેલો કલશોર ને લ્હેરાતા કેસૂંડાય જાણે આખો વગડો ઝૂમતો હોય એવો ખ્યાલ આપતા હતા.
- પેલા ખાખેડે તુ સડ્ય?
દૂરના ટેકરે ચારેક ખાટલા સમાય એટલી જગ્યા રોકી ઉભેલા ઉંચા ખાખરડાને બતાવતાં કંચુએ કહ્યું.
- લે, અજુતું ઓરખતી નહીં મને?
કેતાંમાંતો ચોથી જ ફલાંગે ધમલો ટેકરે, એક હાથે ઉપરની ડાળ ઝાલી, બીજો પગ ડાળના ખાંગામાં નાખ્યો, ત્રીજા ને ચોથા ડગલે તો ટોચ પર.
- લે હવે આય હેંડ્ય.
ફૂલોથી લદાયેલા કેસૂડા પરથી ધમલે હાક પાડી.
- ચ્યમ?
- તમે નેચે તો આવો.
- ઉપર્યથી કુદવાનો તો નહીં ને ?
હેંડય તો ખરી શું કરે સે એ તો જોઈએ ?
મધુએ કંચને ધકેલી.
બેય બરાબર થડ પાસે પહોચ્યાને ધમલાએ આખોય કેસૂડો ભાથીદાદા ચડયા હોય એમ ઝંઝેડી નાખ્યો. ને ફૂલોનો તો વરસાદ થયો જાણે એક સામટો કોયલોનો કલશોર થયો હોય એમ મધુ ને કંચુની હાસ્યમિશ્રિત કિલકારીઓથી એ સઘળી વનરાજી ઉભરાઈ ઉઠી.
બેય દોડતી દૂર જઈ ઉભી.
- હેઠો ઉતર્ય પસી રાગ ઘડીએ. અમે બે સીએ ને તું એકલો એ તો ખબર્ય સૈ ને ! કંચુએ હાથ લંબાવીને પડકાર ફેંક્યો.
- પણ ના ઊતરું તો ? ધમલો ગાંજપો જાય એવો ન્હોતો.
- કય હુંધી ઉપર રેવાનો, પેટમે બલાડોં બોલસે પસી તો નેચે આવશે ને ! કંચુએ ચાલવા માંડવાનો અભિનય કર્યો.
- અને આંબલીઓ ની મલે એ જુદું.
મધુએ વળ ચડાવ્યો.
- હારુ પેટની ભૂખ તો વેઠાશે પણ તમારી જોડે આંબલીઓ ખાવાની ભૂખ તો નઈ વેઠાઈ હોં. ધમલાએ ખાખડા પરથી સીધો જ નીચે કૂદકો મારતાં કહ્યું.
વળી થોડી દોડા દોડી થઈ.
ધમલો આગળ ને આ બેય પાછળ. કબજા પર ગળે નાખેલી ઓઢણીઓ હાથમાં પકડીને બેય દોડી. જાણે બાંધવાનો જ હોય. પણ ધમલો એ ધમલો દોડીને એક ઘેઘૂર ગોરસઆંબલીના ઝાડ પર ચડી ગયો.
- અવે આવો અને ચેવીક પાડો સો એય જોઉં. હું તો આ બેઠો.
ધમલો બે ડાળના ખાંગામાં પગ લબડાવીને બેઠો. બાજુની ડાળખી પર લાલ લાલ બીટકાવાળી આંબલીઓ ઝૂલતી હતી એ તોડી તોડીને ખાવા માંડયો.
- ધમલા નહીં છોડીએ હોં !
કંચુ ને મધુ પણ લાલ લાલ થઈ ગયેલાં.
- શું કરશો?
- તારી માને જ કહી દેશું કે પેલા કુબેર કાકાને ત્યાં દારૂ પીવા જેલો.
- મારુ હારુ તમને તો આથમે જ આઈ જયું, હારુ લો. એમ કરીને ઘમલાએ બે બીટકા ગણીને નીચે નાખ્યા.
કંચનો પીત્તો હવે ગયો. અકળાઈને સીધી આંકડી જ ધમલા સુધી પહોંચાડી. ના પહોંચી એટલે ઘાઘરીનો કાછડો માર્યો ને ડાળ ઝાલીને સીધી અડધે પહોંચી. મધુ પાસે આંકડી માગી ને ધમલા તરફ લંબાવી ધમલાએ આખી આંકડી જ ખેંચી લીધી.
- લો અવે પાડો આંબલીઓ ને મારો આંકડીઓ.
કંચુ ઢીલી પડી ગઈ પણ હારે તો કંચુ નહીં. એ સીધી ડાળે થઈને પહોંચી ઘમલાવાડી ડાળે. ધમલો તો પાકકો ખેલંદો. એક હાથે ડાળ ઝાલીને લબડયો નીચે. કંચુ પાછી વળી ગઈ જાણે કુદશે તો હાથ પગ ભાગશે. પણ ધમલાએ પગ લંબાવ્યો કંચુવાળી ડાળ લગી પહોચાડવા એટલે કંચુએ એ પગ ઝાલવા પ્રયત્નો કર્યો પણ ઝોલો ખાઈને ધમલો પાછો લટકી ગયો.
- લે ઝાલ્ય.
- એ ઉભો રે તો.
- કહેતી કંચુ નજીક આવી, ધમલો અડુ ના અડુ થયો ત્યાં તો ભૂમ કરતોકને સીધો નીચે. મધુ હસી હસીને થાકી ત્યારે બોલી.
હારુ હેંડો અવે વઢવાનું મેલો. કોઈનું આથટોટિયું ભાગસે તો દવાખોનું તો ઠીક ઘરે ડંડા જ પડશે.
મધુએ સમાધાન કરાવ્યું પછી તો આંકડી છોડીને ફરી મજબુત બાંધી. ધમલો પાડવા રહ્યો. કંચુ બતાવવા રહી અને મધુ વીણવા. લાલ બિટકા વાળી, કાતેડો ને ગોળખો. ધમલો જાણી જોઈને આંબલી વાડમાં પડવા દે અને મધુ અકળાય.
- આ ધમલાનું પોંણી ઉતારવું પડશે કોક દાડો.
વળી બીજી આંબલીએ ગયા ત્યાં નરી ધોળી ધબ આંબલીઓ, દશ બાર બિટકાવાળી ને ફાટેલી, થેલી આખીય ભરાઈ ગઈ એટલે મધુ કે,
- બઉ થઈ અવે ઉંસકાતીય નહીં હેંડો ભાગ પાડી લઈએ.
પણ સાંભળેતો ધમલો નહીં. એણે તો ખેંચે જ પાર રાખ્યો. વચ્ચે વચ્ચે પાછો બીડી સળગાવી લે. એક હાથે આંકડી ઝાલે ને બીજા હાથે બીડી સળગાવે. કચુ અને મધુ બેય ઉંચું જોઈ જોઈને થાકી હતી આખીય લાલ લાલ થઈ ગઈ હતી. જાણે લાલ લાલ બિટકાવાળો કાતેડો જ જોઈલો.
- આટઆટલી આંબલીઓનું કરશો શું ? મધુએ ઢગલી ને ભરેલી થેલી જોઈ કંચુએ કહ્યું.
- શું તે વધાર? મધુ હવે અકળાઈ હતી.
- વેંચજો સોરોને. ધમલો ખેંચવામાં તલ્લીન હતો.
- મઘલી તું પાસી પેલી રૂપલી જેવું ના કરતી ? હસતાં હસાતાં મંચુ બોલી.
- શું થયું રૂપલીને ? એ અમણાંની ઘર બાર્ય દેખાતી નહીં.
આંકડી અટકાવી બુશટ ઊંચું કરી પરસેવો લુછતો ધમલો બોલ્યો.
- ચમ ખબર્ય નહી ગાંમ આખુંય તો જાણે સે. આંબલીઓ ખોબામાં લઈને કોતેડા પર ચોખી જગામાં ઢગલી કરી બેસતાં બેસતાં કેંચુ બોલી.
- પણ કો તો ખરા. ઉ આ ઘઉં વાઢવામ પડેલો એટલે.
ધમલાને થાક લાગ્યો હોય એમ થયું. એ થડના ટેકે પગ પર પગ ચઢાવી બેઠો.
- રૂપાલી બકરાં સારવા આવતી ને આંબલીઓ પાડી લાવતી. એક દાડો પેલો કોક શેરવાળો અને ઘેર આયો અશે. તે આંબલીઓ સખાડી. એને તો બેઉ ભાઈજી. તે રૂપલીને કે તારે રોજ આલવાની. પસી તો રૂખલી રોજ આંબલીઓ આલવા જતી.
કંચુ એક સ્વાસે પાંપણો ઉલાળતાં આખી વાત બોલી ગઈ.
- એને જયાં બોલાવે તોં ! મધુએ આંબલીઓમાંથી કાંટા વીણતાં ઉમેર્યું.
- પેલા મોવડોંમ જાય ને કોતડેય જાય, કંચુએ સ્પષ્ટતા કરતાં મર્મભર્યું હસી દીધું.
- હેં પસી? એનો બાપો તો વાઘમાર સે, એ જોણે તો બેયને વાઢી ન નાખે! ને હાળો એ તો મારો બાપ મર્યો તાણે ફોરમ ભરાવવાની વાત કરતેલો. ઉ એની પાસર્ય બોવ ફર્યો તોય ના ભર્યું આવવા દે અવે, એની માને હાહુ કરું એ હમજે સે શું એના મન મેં ? મારો કુકડો ને દારુય કઢાવુ. હારો ખઈ જયો.
ધમલો આંબલીના ઘોળ ખૂબ તાકાતથી છૂટો પાડતાં બોલી ગયો.
- તે તુ શુ કરવાનો ? રૂપલી ને તો દાડાય રઇ જેલા. ને એ તો પસી ના જ જોવા મળ્યો. આખરે એને ઓફીસમેંથી ઝાલ્યો પસી ગોરીઓ લેવડાઈ તાણે.
- હેં હાળું એટલે હુંધીની વાત સે !
- તો તું શેતરોં એકલામાં ના પડી રે ને આ બધું જોણ્ય. લે તારું ભાડું આંબલી પર કુદકા મારવાનું.
ચાર મોટી આંબલીઓ આપતા કંચુએ કહ્યું.
- કુદકા તો તેંય ઓસા નહી માર્યા.
- લે આ તારું ને તારું બંન્નેને બબ્બે આંબલીઓ આપતાં ધમલો બોલ્યો.
- મને આવી આલવાની ધમલા ? વાક્યના કોંટા તો મેં જ ખાધા સે. મધુ રિસાઈ. એટલે કંચુએ એને બીજીય એક આપી.
લે આ મારા તરફથી.
આંબલીઓના ત્રણ સરખા ભાગ પડયા બિટકે બિટકા, લાલ તો લાલ, ડોંહી તો ડોહી પછી ઉપર જોતાં ધમલો કહે.
- અજું તો બોવ સે, કાતેડા ને કાતેડા.
- પણ ચેટલીક તારે જોઈએ ?
- ખાવાનો તો નઈને પડી રહેશે ખોટી અું વેંણવાની નહીં તમે બેય પાડો ને ખાવ. મધુ ખોળામાં આંબલીઓ ભરીને ઊભી થઈ ગઈ.
- ના ના મધલી બીજું વિચાર્યુ, ચેટલાય શેરનાંને આંબલીઓ બોવ ભાવે. આજે પાડીએ ધમલો હોંજે શેર મેં આંટો મારી આવશે અને વેચી આવશે. મજુરી કરવા કરતો તો આ હારું. કંચુને તુકકો સૂઝયો.
- અને આપણા હારુ ભજીયોંય બંધાવતો આવશે. મધુએ સંમતિ બતાવી.
- હોવ હોવ હેંડો આપણે તૈયાર.
કહેતો ધમલો વળી બેવડા વેગે આંબલીઓ ખેંચવા માંડયો પહોંચી ના શકાય ત્યાં બાજુના ઝાડ પર ચડીને પણ પહોંચ્યો અને આઠ દશ આંબલીઓ પાડવામાં બે બીડીઓય પી ગયો.
- ચ્યમ થાક્યો કે શું ધમલા ? કંચુને લાગ્યું કે આ ભાઈને ધંધાનો વિચાર નથી.
- ખસ્ય, તારામાં અક્ક્સ જ નહીં. આ તો કમાવાની વાત સે. લાય આંકડી.
- કહેતામાં તો કંચુએ રીતસર આંકડી ખૂંચવીને સટાસટ આંબલીઓ ખેંચવા જ માંડી. કોતેડાવાળી આંબલીએ ને નેળીયાવાળી આંબલીએ. એમ કરતાં ખોળા ને થેલીય છલકાઈ ગયાં. બપોરે ખાધાપાણીનું પતાવીને નમતી બપોરે ધમલો શેરમાં જવા ઉભા ડુંગરાની વાટે ચડી ગયો.
બીજે દાડે હાઈસ્કુલ જતાં ધમલો બગાસાં ખાતો ધીમે ધીમે ચાલતો હતો. મધુ અને કંચુના પગમાં ઉત્સાહ હતો.
- શું થયું કમાઈને રાતે બધું પી નાસ્યું કે શું ? કંચન આજે ધમલાનો મિજાજ જુદો જ લાગ્યો.
- શું ધૂર્ય કમાવું ને પીવું. હું તો રૂમાલમેં આંબલીઓ પાથરીને બેઠેલો લોકોય આયા પણ હારા શેરવારા મેંઠા વગરના સે. જવા દે ને વાત.
ધમલો ધીમા અવાજે બોલતો હતો.
ઝગડો તો નહીં કર્યો ને તે ? મધુ એનો સ્વભાવ જાણતી હતી.
- અરે ! ઝગડો શું કરે ? એમની વાતો જ સટકાવારી; આંબલીઓ કરતાં રૂપિયાને વધારે બચીઓ કરે હારા. એક કે-કાચી સે, બીજો કે કે ઉધરસ થાય એવી સે. તીજે વરી બે રૂપિયામ બધીય લેવા વિચાર કર્યો. શું એનો બાપ અંઈ પાડવા આયલો ?
- પસી ? કંચુએ નિસ્વાસ નાંખતા કહ્યું
- શું પસી, હું બેઠેલો તોં બીજા લારીવારા આયા ને ઉ ખસ્યો. બેહવાનું જ કય ? આખરે માગવા વારો સોરોને જ વેંચીને આવતો રયો.
નીચેથી પથરી ઉઠાવીને ખાલી ઝાડ પર ઝીંકતાં ધમલાએ જણાવ્યું.
- મારો હારોં આ બધાંય પેલાનાં જ ભઈબુનો. એમને ખાતાં આવડતું હોત તો ચેટલી ઓંબલીઓ સે. જવા દે હારોંની વાત. કંચુએ અકળાઈને કહ્યું.
- ના, ના કંચુ આ આંબલીઓ તો આપણે જ પાડવાની.... ને ખાવાની.
એમ કહેતોકને ધમલો સીધો બાજુમાંની આંબલીએ ચડી ગયો.
- પણ શું કરવા ? ધમલા તું ગોંડો તો?
- ના ના ગોંડો પેલોં અતો. અવે નહીં. અવે તો હારી હમજણ મલી કે આ બધું આપણા હારું ભગવોને બનાયું સે. જીભના સટાકા વારો માટે નંઈ. લો આ પાડું ભેગી કરો.
- આપણોં બકરાં ખાશે ને તો લોટો દૂધ વધારે આલશે. અને એય વગડે કુદ્યા-કૂદ કરી મેંલશે. લવારોંય વરહમેં બેં બેં કરતાં મોટાં થઈને દૂજતાં થઈ જશે ખબર્ય સે કંચુ ?
ધમલો હાથે હાથે આંબલીઓ તોડીને સીધો નીચે ઘા જ કરવા માંડયો આ લેલાલ બિટકારી, આ લે કાતેડો, આ લે ગોળખો...
અને આંબલીઓ પણ જાણે સ્કૂલનો ઘંટ વાગે એ પહેલાં ખોળા ઉભરાવી દેવાના હોય એમ ટપોટપ રઘલાના હાથમાંથી વરસવા જ માંડી. ગોરસ ને
કોપરાળી, લાલ ને કાતેડા....
ઘડીક સ્તબ્ધ થયેલી ને પછી ઉત્સાહમાં આવીને દોડાદોડ કરતી અને ખોળા ભરતી કંચુ અને મધુના ગાલ પણ રાજીપાથી લાલ લાલ થઈ ગયા. જાણે આંબલીઓના લાલ લાલ કાતેડા જ ના હોય એમ!
સ્રોત
- પુસ્તક : માળો (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : ડૉ. રાજેશ વણકર
- પ્રકાશક : ડૉ. રાજેશ પરમાભાઈ વણકર
- વર્ષ : 2021
