સુધીર દલાલ
Sudhir Dalal
નીચા ઘાટનું એ માળ વગરનું ઘર કોઈ હિલસ્ટેશન પરના કૉટેજ જેવું કે ડાકબંગલા જેવું લાગતું. વર્ષો પહેલાં ત્યાં કોઈ અંગ્રેજ રહેતો. એણે જ એ બાંધેલું. ક્રમે ક્રમે એણે એમાં સુધારા-વધારા કરાવ્યા કર્યા. અંગ્રેજ એ બંગલો ખાલી કરી ઇંગ્લૅન્ડ ચાલ્યો ગયો, પછી વર્ષો સુધી એ ખાલી જ રહ્યો. ત્યારે જ એનું પ્લાસ્ટર ઊખડી ગયું, એનો રંગ ઝાંખો પડી ગયો અને એની દીવાલમાં ભેજ ઊતરવા માંડ્યો. આંગળીનો લસરકો કરતાં એના પરનું પ્લાસ્ટર ઊખડી આવતું અને નાની નાની પોપડીઓ ખરી પડતી.
બંગલાના છાપરા પર આ વર્ષે નવાં નળિયાં ન ગોઠવાવ્યાં હોત તો ચોમાસામાં એમાં કોઈ રહી જ ન શકત. એનું છાપરું બે કકડે ઢળતું હતું; એક ભાગ વચલા મોટા દીવાનખંડના ઓરડા પર અને બીજો વચમાં, બે બારીઓવાળી દીવાલ છોડી દઈ નીચે આગળના વરંડા ઉપર. બારીઓને બાંધેલી, લાંબી રસ્સીઓ ભીંત પર લટકતી અને એનાથી એ ઉઘાડાતી અને વસાતી.
વડો મોટો હતો. ખરું પૂછો તો આખા બંગલામાં એનું જ વ્યક્તિત્વ આગવું હતું. ત્યાં તમે પાંચેક મિનિટ ઊભા રહો તોપણ એક અવર્ણનીય શાંતિ અને હૂંફ અનુભવ્યા વગર ન રહો. અંદરના ઓરડાઓની હવા ભૂતકાળની. તો અહીંની સોનેરી ભવિષ્યકાળની નહિ તો ઉષ્માભર્યા વર્તમાનની તો કહી જ શકાય. વળી વરંડો આજુબાજુના ચોગાનની જમીનથી બહુ ઊંચો ય નહોતો એટલે આગળના ક્યારાઓમાં વાવેલા છોડનાં રંગીન ફૂલો જ્યારે લાકડાના કઠેરાના ઊભા સળિયામાંથી અંદર ડોકાઈને ડોલતાં, ત્યારે તો વરંડો ખરેખર ભર્યો ભર્યો લાગતો.
બંગલાની આજુબાજુ વિશાળ ચોગાન હતું. પાછળના ભાગમાં તો ચોમાસામાં એટલું ઘાસ ઊગતું કે ત્યાં જંગલ જેવું જ લાગતું. બે મોટા લીમડા અને એક આંબલીની ઘેરી ઘટા બપોરે તો સુંદર છાંયો પાડતી. પણ રાતના એ બાજુને વધુ બિહામણી અને અવાવરું બનાવી દેતી. બંગલાની આગળનો ભાગ સ્વચ્છ હતો. એમાં ય ઝાંપા બહારના બે બાજુનાં બે વૃક્ષો મ્યુનિસિપાલિટીએ રોપ્યાં હોવા છતાં જાણે આ બંગલાને ઓપ આપવા જ ઉગાડ્યાં હોય એવાં સુંદર દેખાતાં. ચોમાસામાં એના ઉપર પીળાં, વચમાં કાથિયા છાંટવાળાં ફૂલો બેસતાં ત્યારે આ વૃક્ષો અને વરસાદમાં જ્યારે એ ફૂલો ખરી પડતાં, ત્યારે એની નીચેની, લીલા કૂણા ચોમાસુ ઘાસ ઊગેલી ભીની જમીન કોઈને બે ઘડી મુગ્ધ કરી મૂકતાં.
બિન્દુ અત્યારે પણ વરંડામાં ઊભી ઊભી એ બાજુ જોયા કરતી હતી. ઘરમાં એના બાબા મલય સિવાય બીજું કોઈ નહોતું. ભૂખરું આકાશ એકધારો વરસાદ ઝીંક્યે રાખતું હતું. એના વિરામનાં કોઈ ચિહ્ન દેખાતાં નહોતાં. છાપરાની કિનારેથી ઠેરઠેર પાણીની ધારો પડતી હતી અને જમીન પર એકઠું થયા વગર ઝાંપા નીચે થઈ આગળના રસ્તાના દોડ્યા જતા પ્રવાહમાં ભળી જતી. પહેલાં પહેલાં તો રસ્તા ઉપર રડીખડી મોટરના પાણી કાપવાના ખળખળ અવાજ પણ સંભળાતા, પણ હવે તો તેય સંભળાતા બંધ થયા. રસ્તો સૂનો બની ગયો.
આવે વખતે ખાસ એકલું એકલું લાગે. રમેશભાઈ મુંબઈ ગયા હતા. બિન્દુને એકલતા કોરી ખાવા લાગી. એમને એણે કેટલીય વાર કહ્યું કે આ ચોમાસાના દહાડામાં મુંબઈ ન જાવ, ગાડીઓનાં ય ઠેકાણાં નથી પણ એ માને? ગાડીઓ એણે કહ્યું'તું એમ જ બંધ થઈ ગઈ, એટલે એ ત્યાં રખડી પડ્યા અને પોતે અહીં એકલી પડી ગઈ.
એને ચા પીવાનું મન થયું. પણ પછી માંડી વાળ્યું. એકલાં એકલાં કોણ પીએ? મલય બોલ બોલ કરતો હતો એટલે કંઈક સમય પસાર થતો. એણે ઘડિયાળમાં જોયું તો, હજુ પાંચ જ વાગ્યા હતા પણ વરસાદ અને વાદળાંથી ઘેરાયેલા આકાશે પૃથ્વી પર એવો છાંયો નાખી દીધો હતો કે હમણાં રાત પડી જશે એમ લાગે. ‘આવે વખતે જ એમને મુંબઈ જવાનું સૂઝ્યું.’ એ બબડી.
‘પેલો માણસ જોને મમ્મી, ક્યારનો પલળે છે. એને ઘર નહિ હોય?’
ઝાંપા બહારના પેલા ઝાડ નીચે એક માણસ ઊભો હતો.
‘બધાયને ઘર તો હોય જ ને! હમણાં વરસાદ ધીરો પડશે એટલે જતો રહેશે.’ બિન્દુએ કહ્યું.
પણ વરસાદ ધીરો પડવાને બદલે વધ્યો. ઝાડ નીતરવા લાગ્યું. એની નીચે ઊભેલાને હવે એ વધારે પલાળતું હતું.
મલયથી રહેવાયું નહિ: ‘ઘરમાં બોલાવું? બિચારો આખો પલળી ગયો છે. અહીં વરંડામાં ઊભો રહે તો?’
બિન્દુએ ના પાડી, પણ એમ કંઈ મલય માને? થોડી વાર પછી બિન્દુએ હા પાડી. મલયે બૂમ પાડી, ‘એય, એ ય?’
પેલો માણસ આ વરસતા વરસાદના અવાજમાં શું સાંભળે? એ તો એમનો એમ જ ઠૂંઠવાયેલો ઊભો હતો. મલય અંદરથી છત્રી લઈ આવ્યો અને બહાર ગયો. બિંદુએ મલયને પોતાને બતાવી એને કંઈક કહેતો જોયો અને તરત જ બન્ને અંદર આવ્યા.
માણસ આખો નીતરતો હતો. પગથિયાં ચઢી એ જ્યાં ઊભો રહ્યો ત્યાં એના કપડાંમાંથી પાણી નીતરી એક નાનું ખાબોચિયું થઈ ગયું. એ ઊંચો પહોળો અને સશક્ત લાગતો હતો. કદાચ એની અચ્છી તબિયતને લીધે જ એ રૂપાળો પણ લાગતો હતો.
‘તમે મને બોલાવ્યો?’ એણે પૂછ્યું.
‘ના, ના. એ તો આ મલય કહે કે તમે વરસાદમાં ભીંજાઓ છો એટલે તમને અંદર બોલાવું? મેં હા પાડી. તમે અહીં વરંડામાં બેસો. વરસાદ જરા ધીરો પડે એટલે જજો.’
કંઈ પણ બોલ્યાચાલ્યા વગર એ વરંડાના એક ખૂણામાં કૂતરું લપાય એમ સંકોચાઈને બેઠો અને બિન્દુ અંદર ચાલી ગઈ.
વરસાદ એ જ ગતિએ વરસતો જતો હતો, આગળનો રસ્તો તો જાણે હવે નહેર જેમ છલકાતો હતો.
બિન્દુ ફરી બહાર આવી ત્યારે પેલાએ ભીનું ખમીસ કાઢી કઠેરા ઉપર સૂકવ્યું હતું. લેંઘો ઘૂંટણ સુધી ઊંચો ચઢાવી ઊભા પગે એ બેઠો હતો અને બીડીના દમ ઉપર દમ ખેંચતો હતો. બિન્દુને જોઈ એ બીડી સંતાડવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ મલય એ જોઈ બોલી ઊઠ્યો:
‘તમે શું પીઓ છો? બીડી? મારા પપ્પા તો સિગારેટ પીએ છે. હું પણ મોટો થઈશ ત્યારે પીશ.’
બિન્દુએ મલય સામે ડોળા કાઢ્યા.
‘બહુ બૂરી આદત છે બાબાશેઠ, બીડી-સિગારેટ કંઈ સારી વસ્તુ છે?’
‘તો તમે કેમ પીઓ છો?’
‘ટેવ પડી ગઈ છે એટલે !’
મલય હવે એની સામે જ ઊભા પગે બેસી ગયો. બિન્દુએ એને ‘ચાલ અંદર’ કહ્યું પણ એ અંદર ગયો નહિ.
ચારે બાજુ ભેજ-ભેજ લાગતો હતો. ઘર પણ હવે કસમયનું અંધારિયું લાગતું હતું. બિન્દુનું શરીર અકળાઈ ગયું હતું. એને થયું કે ચા તો પીવી જ પડશે, રસોડામાં જઈ એણે ચા મૂકી.
‘કોને માટે બનાવે છે?’ મલયે અંદર આવી પૂછ્યું.
‘મારે માટે, બીજું વળી કોણ છે?’
‘પેલો માણસ.’
‘એ ના પીએ.’
‘એ પીએ છે. મેં પ્રાઈમસનો અવાજ સાંભળીને એને પૂછી જોયું. એણે કહ્યું કે એ પીએ છે.’
‘મલય, તું ચૂપ રહીશ?’ બિન્દુ બોલી અને તપેલીમાં બીજાં દૂધ-પાણી રેડ્યાં.
પિત્તળના પ્યાલામાં ચા લઈ એ બહાર આવી અને પેલા માણસ આગળ મૂક્યો. કૂતરાને દૂધ નાખતાં એ જેમ તાકી રહે તેમ તે ચાના પ્યાલા તરફ તાકી રહ્યો. એની આંખમાં આનંદ નાચવા લાગ્યો. પૂંછડી હોત તો એ જરૂર પટપટાવત. હાથમાં પ્યાલો લઈ એ ચા પીવા માંડ્યો.
બિન્દુએ અંદર આવી પોતાની ચા પીધી, શરીરમાં કંઈક ગરમાવો, ચેતન અને શક્તિ આવ્યાં. ‘પેલો શું કરે છે?’ એણે મલયને પૂછ્યું.
‘બેઠો છે,’ મલય બોલ્યો.
‘હજુ ગયો નથી?’
‘ક્યાંથી જાય? વરસાદ ક્યાં અટક્યો છે?’
‘ક્યાં સુધી બેસી રહેશે? આ વરસાદ કંઈ અટકે એવું લાગતું નથી. અંધારુંય થવા આવ્યું.’
‘કહું કે જાય?’
‘ના, ના જશે એની મેળે. આપણને શું નડે છે?’
બારીમાંથી આવતું ઘેરું ભૂરું અજવાળું ઓછું થવા માંડ્યું. અંધકાર ઊતરી આવ્યો. વરસાદના સતત અવાજ સિવાય ક્યાંય એકાદ મોટરના હૉર્ન સરખું ય સંભળાતું નહોતું. બિન્દુએ ઊભા થઈ દીવીમાં ઘી પુર્યુ અને વાટ મૂકી દીવો પ્રકટાવ્યો, શ્રીકૃષ્ણની છબી આગળ મૂક્યો અને હાથ જોડ્યા. પછી મલયને લઈ એ દીવાનખંડમાં આવી. દીવો કર્યો. ઓરડાની ઊંચી છત સુધી રોગીના કમળા જેવું ફિક્કું તેજ ફેલાયું. બહારનો અંધકાર વધુ ઘેરો બન્યો. બિન્દુ છાપું લઈ બેઠી. મલય ચોપડી લઈ બેઠો. ભીંત પર ભેજના રેલા વધુ નીચે ઊતર્યા.
છેવટે કંટાળી, બધું બબ્બે વાર વાંચી છાપું એણે બાજુએ મૂક્યું. બહાર વરંડામાં પેલા માણસની બીડીનો લાલ અંગાર આગિયાની જેમ ઘડીક સતેજ થતો, ઘડીક નિસ્તેજ થતો દેખાતો હતો. થોડીક પળો બિન્દુ તટસ્થતાથી એ જોઈ રહી, પછી જ પેલા માણસના અસ્તિત્વનો એને ખ્યાલ આવ્યો. ઊઠીને એ બહાર વરંડામાં ગઈ.
‘હજુ વરસાદ અટક્યો નહિ.’ અંધકાર તરફ જોતાં એ બોલી.
‘જી.’
વરંડાનો એણે દીવો કર્યો. તેજમાં એ વધારે સંકોચાઈને બેઠો. એના મોઢા પર કોઈ જ ભાવનો સદંતર અભાવ બિન્દુ જોઈ રહી. પગથિયાં વટાવી જમીન પર પડતો દીવાનો પ્રકાશ ડહોળા પાણીમાં ભળી જતો હતો. રસ્તા ઉપર પાણી વધ્યું હતું એમ તે આછા અજવાળામાં જોઈ શકી.
‘તમારે અહીં સૂવું હોય તો રાત સૂઈ રહો,’ બિન્દુએ એને કહ્યું.
હકારમાં માથું ધુણાવ્યા સિવાય એ કંઈ બોલ્યો નહિ. બિન્દુ દીવો બંધ કરી અંદર ચાલી ગઈ એટલે એણે બીજી બીડી સળગાવી. એક બાજુ જોડા કાઢ્યા, ભીના ખમીસનો વીંટળો કરી ઓશીકું બનાવ્યું અને એના ઉપર માથું ટેકવી લંબાયો. બિન્દુ એના હલનચલનનો આછો સળવળાટ સાંભળી રહી. એને દયા પણ આવી. બિચારો ભીના કપડે આખી રાત સૂઈ રહેશે. વિચાર આવતાં જ એ ઊઠી અને કબાટમાંથી એક જરાક ફાટી ગયેલું પેન્ટ લઈ આવી.
‘લો,’ એણે કહ્યું.
રમેશનું અને આનું શરીર લગભગ સરખું જ હતું. હાથ લાંબો કરી પેલાએ પેન્ટ લીધું. બિન્દુએ સવારનું ઢાંકેલું ખાવાનું એક જૂના છાપામાં કાઢ્યું અને મલયને આપ્યું: ‘જા, પેલાને આપી આવ. બિચારો ભૂખ્યો થયો હશે.’ મલય આપીને પાછો આવ્યો એટલે પવાલું અને પાણીનું ઢોચકું લઈ એ વરંડામાં ગઈ. ‘બીજું કંઈ જોઈએ છે?’
‘ના બહેન, આટલું તો બહુ.’
અંદર જઈને પાછી એ કંતાનનો કકડો લઈ આવી અને પેલાને આપ્યો. પછી એણે આગલું કમાડ બંધ કર્યું. વરંડો ઘરથી જુદો પડી ગયો.
બિન્દુએ ઓરડામાં પથારી કરી. ત્રણ જણાના ઘરમાં છૂટક કામવાળી સિવાય એ નોકર રાખતી નહોતી. ચાદર પાથરી મલયને સુવાડ્યો અને પડખે પોતે સૂતી. પથારી ય ભીની ભીની લાગતી હતી. ભેજ હાડકાં સોંસરવો નીકળી જાય એવો હતો. કંઈક વરસાદ ધીમો પડ્યો હોય એમ લાગ્યું. થોડી વાર પછી બધું જંપી ગયું.
અડધી રાતે જાગી ત્યારે પેલા માણસના ઉધરસના ઠબકા સિવાય નીરવ શાંતિ હતી. બારી ખોલીને જોયું તો વરસાદ રહી ગયો હતો. તમરાં ને દેડકાંના અવાજ સિવાય વાતાવરણ ખાલીખમ હતું.
થોડી વાર એ જાગતી પડી રહી. રમેશ આજે મુંબઈથી રાતની ગાડીમાં નીકળ્યા હોય તો સારું, એને થયું, પણ પછી યાદ આવ્યું કે ગાડીઓ તો બંધ હતી. નદીમાં પૂર આવવાની ચેતવણીની સાઇરન સાંભળતી સાંભળતી એ ફરી ઊંઘી ગઈ. સાઇરનનો અવાજ એટલો બધો અગત્યનો નહોતો જેટલો... જેટલો અત્યારે કદાચ ટ્રેનના એન્જિનની વ્હીસલનો હોય કે પાટા પર દોડતા ડબ્બાની ઘરઘરાટીનો હોય.
પાછલી રાતે કદાચ ઊંઘમાં એણે બારણાં પર ટકોરા સાંભળ્યા. દૂર ટ્રેન જતી હોય એવો ઘુઘવાટો આવતો સાંભળી એને રમેશ પાછા આવવા નીકળ્યા છે એવું જ સ્વપ્ન ચાલતું લાગ્યું એટલે પેલા ટકોરા ગણકાર્યા વગર એ પાછી પડખાભેર થઈ, પણ ટકોરા સાચા જ હતા.
ઊભા થઈ એણે ઘડિયાળમાં જોયું. પાંચ વાગ્યા હતા. બહાર હજુ કાજળકાળું અંધારુ હતું. દીવાનખંડમાં જઈ એણે દીવો કર્યો.
‘કોણ?’ અત્યારે મુંબઈની એક્કેય ગાડી આવતી હોવાનો એને ખ્યાલ નહોતો.
‘એ તો હું.’
‘કોણ રમેશ?’
‘ના બહેન, હું બહાર સૂઈ ગયો હતો ને એ માણસ.’
‘કેમ?’
‘બહેન, પૂર આવ્યું લાગે છે.’
‘વ્હીસલો વાગતી’તી’, કમાડ ખોલ્યા વગર જ એ બોલી.
‘પાણી આપણા ઘર સુધી આવ્યું છે.’
‘વરસાદનું હશે. નદીનું પાણી અહીં સુધી હોય?’
‘ના, ના, આ તો બહુ છે અને વધે છે, માણસો ય બોલતા સંભળાય છે ને. ભોંયરામાં કંઈ છે તો નહિ ને? એમાં પાણી ઊતરે છે.’
બિન્દુએ બારણું ખોલ્યું. રમેશના પેન્ટમાં એને જોઈને ઘડીભર તો એ ચમકી ગઈ. વરંડાનો દીવો એણે સળગાવ્યો. પગથિયાં સુધી પાણી હિલોળા લેતાં હતાં.
‘ઓ મા, નદીનાં પાણી-ત્યારે તો ભોંયરામાં ય પેઠું હશે,’ એ બાઘી બની ગઈ.
‘મેં નીચે ઊતરી જોયું. બારીમાંથી ભોંયરામાં પાણી જાય છે. બારીના કાચ ભાંગેલા છે.’
‘પણ મારું અનાજ, ગોદડાં બધુંય તો નીચે છે.’ એ બહાવરી બની ગઈ.
માણસ અંદર આવ્યો.
‘મને ભોંયરું બતાવો, હું નીચે ઊતરીશ.’
બિન્દુ એને લઈ ભોંયરામાં ઊતરી. દીવો થતાં જ ભોંયતળિયું બબ્બે ઇંચ પાણીમાં જોઈ એના હોશકોશ ઊડી ગયા.
પેલો માણસ નીચે ગયો. ભોંયરાની બારીમાંથી પુષ્કળ પાણી અંદર આવતું હતું. કંતાનનો કે ગોદડાંનો એવો કોઈ ડૂચો મારી એને બારી બંધ કરવાનો વિચાર આવ્યો, પણ પાણીનું વહેણ અને તાણનો વિચાર કરતાં એને એ તદ્દન નકામું લાગ્યું.
‘આ બધા ય ડબ્બા ઉપર લઈ જવા પડશે,’ એ બોલ્યો,’ ‘તમે ચિંતા ન કરો, હું બધું કરું છું. તમે ઉપર જઈને બેસો.’
બિન્દુને કોઈ નીચે ઊભા રહેવાનું કહે તો પણ ઊભા રહેવાય એવું નહોતું. એના પગ એના શરીર નીચેથી સરી જતા લાગતા હતા. મગજમાં એક જ વિચાર દોડતો હતો, ‘હું એકલી શું કરીશ? આ બધું અનાજ ને ગોદડાં ને રજાઈઓ ને બધું ય!’ ઉપર આવી એ કોચમાં ફસડાઈ પડી.
પેલા માણસે એક પછી એક ડબ્બા ખસેડવા માંડ્યા. મણ મણ અનાજ ભરેલા ડબ્બા ખસેડતાં-ખસેડતાં એનાં બાવડાંના સ્નાયુઓ ઊપસી આવતા હતા. એના ખુલ્લી છાતી પર પરસેવાનાં ટીપાં બાઝવા માંડ્યાં. મોઢા પરથી એ સ્વસ્થ હતો.
ભોંયરાના બે ભાગ હતા. એક ભાગ જાણે એક પગથિયું ઊંચું કર્યો હોય એવો એકાદ ફૂટ ઊંચા ભોંયતળિયાવાળો હતો. આવું કેમ હતું એ બંગલો બંધાવનાર અંગ્રેજ જાણે. બધાં પીપો અને ડબ્બાઓ ખસેડી ખસેડી એણે પેલા ઊંચા ભાગ ઉપર ચઢાવ્યા. વારાફરતી એક એક બબ્બે ગાદલાં કાંધે મૂકી ઉપર આવી ભોંયરાના બારણાની બહાર એ ખડકતો ગયો. બિન્દુ થોડી થોડી વારે ભોંયરાની બહાર દેખાતા એના સુદૃઢ શરીરને સ્વપ્નવત્ જોઈ રહી.
થોડી વાર પછી એ ઉપર આવ્યો.
‘બધું ખસેડી કાઢ્યું. હવે વધારે પાણી અંદર આવશે તો મર્યા. ડબ્બા ઊંચાણવાળા ભાગ પર ચઢાવી દીધા છે તે ય પછી તો પલળી જશે.’
એક ગાદલું લઈ એ બંગલા બહાર ગયો. આજુબાજુથી થોડી ઈંટો વીણી લાવી બારીની આગળ ગોઠવી અને એના ઉપર ગાદલું દબાવ્યું. હવે પાણી રોકાયું.
રસ્તા ઉપર પ્રચંડ વેગે પાણી ધસી જતું હતું. વાદળછાયા આકાશમાંથી પ્રભાતનું ધૂંધળું અજવાળું આ વિનાશકારી પ્રવાહ પર ક્રૂર દૃષ્ટિ ફેરવતું હતું.
બિન્દુએ અંદર જઈ ચા મૂકી. મોઢું ધોયું. મલય હજુ ઊંઘતો હતો. ચા થઈ રહી એટલે એક પિત્તળનો પ્યાલો અને એક કાચનો પ્યાલો ચા રેડી તૈયાર કર્યા અને દીવાનખંડમાં લઈ ગઈ. બૂમ મારીને માણસને બોલાવ્યો.
‘બહુ નુકસાન કરશે,’ અંદર પેસતાં એ બોલ્યો.
‘હા સ્તો વળી, મેં તો કદી આવું પૂર નથી જોયું. બિચારા કાંઠે રહેનારાઓનું તો મોત જ. અને નીચાણવાળાનું ય.’
‘આ તો કંઈ નથી. વડોદરામાં એક વાર પૂર આવેલું એ સામે આ કંઈ વિસાતમાં નથી.’
એ એકાએક અટકી ગયો. એની નજર ટેબલ પરના ફોટા ઉપર પડી. બિન્દુ એને એકદમ ચમકી જતો જોઈ ગઈ. એને નવાઈ લાગી.
‘એ બહારગામ ગયા છે. ગાડીઓ બંધ છે, નહીં તો અત્યારે તો આ ટાઇમે અહીં હોત.’
પેલો પાછો સ્વસ્થ થઈ ગયો પણ એની આંખમાં ઝગારો મારી ગયેલી ચપ્પાની ધાર જેવી ચમક બિન્દુથી છાની ન રહી.
‘સાહેબ હવે ક્યારે આવવાના છે?’
‘ગાડીઓ ચાલુ થાય ત્યારે. મેં ના પાડી'તી તો ય ગયા,’ ચાના પ્યાલા અંદર લઈ જતાં જતાં એ બોલી.
જેટલું ઝડપથી પાણી આવ્યું હતું એટલું જ ઝડપથી ઊતરી ગયું. અગિયારેક વાગ્યામાં રસ્તા ઉપર નર્યા કાંપ, કાદવ અને ડાળાં-ઝાંખરાં સિવાય કંઈ રહ્યું નહિ. છોકરાંઓ કિકિયારીઓ કરતાં પડેલાં ઝાડ અને ઊખડેલા વીજળીના થાંભલા જોવા નીકળી પડ્યાં. રસ્તો કલબલાટથી ગાજી ઊઠ્યો.
બારેક વાગ્યે બિન્દુ ખાવાનું લઈ વરંડામાં ગઈ, ત્યારે પેલો વરંડાની ખુરશીમાં આરામ કરતો હતો. બિન્દુને સહેજ અજુકતું લાગ્યું, પણ એ બોલી નહિ. એ પાછી ફરી ત્યાં જ પેલો બોલ્યો: ‘ઢોચકામાં પાણી નથી. પ્યાલો ભરતાં આવજો.’ બિન્દુને જરાક નવાઈ લાગી, પણ એ પાણી ભરી પાછી આવી અને બોલી: ‘જમીને તમ તમારે જજો. ભોંયરાનું તો હવે કાલે જ બધું સાફસૂફ કરી હું ગોઠવી દઈશ.’
‘સાહેબને આવવા દો. શી ઉતાવળ છે? મને વાંધો નથી. ડબ્બા તમે કાલે ગોઠવજો. આજે વાતો કરીએ.’
માણસના મોં પરના ખંધા સ્મિતથી બિન્દુ બી ગઈ. ‘તમે જાઓ,’ એ શબ્દો જીભ પર હતા પણ બહાર આવી ન શક્યા. અંદર જઈ એ પાંચ રૂપિયા લઈ આવી અને પેલાની પાસે મૂક્યા: ‘તમે બહુ મહેનત કરી છે.’
‘મહેનત શેની? આ તો મારું ઘર છે. મને પાકો ગણે છે?’ ખુરશીના હાથા પર મૂકેલી પાંચની નોટ તરફ એણે ફૂંક મારી. નોટ ઊડીને નીચે પડી. એના મોઢામાંથી નીકળેલા તુંકાર અને ગંદા નિર્લજ્જ ઓડકારે બિન્દુને સળગાવી મૂકી.
દોડતી એ અંદર ચાલી ગઈ. બારણું વાસી દેવાની ય જાણે એનામાં હિંમત કે શક્તિ નહોતાં. ખાટલા પર ઊંધું માથું નાખી એ રડી પડી. શરીરના અણુએ અણુમાં પેલું ભયંકર સ્મિત જડાઈ ગયું હતું. બીકથી એ કંપી ઊઠી. થોડી વારે એને વરંડાનું બારણું બંધ કરી દેવાનો અને પોલીસને બોલાવવાનો વિચાર આવ્યો. દીવાનખંડ સુધી જવાની હિંમત માંડ ભેગી કરી એ અંદર આવી. પેસતાં જ એણે પેલાને કૉચ પર લાંબા પગ કરી સૂતેલો જોયો. આ જ ગઈ કાલવાળો માણસ? આ એ જ ઓછાબોલો, ગભરાતો, સંકોચાતો ગરીબ ગમાર! એની વિચારશક્તિ ચાલી ગઈ.
‘બારણું બંધ કરી દે.’
બિન્દુ ત્યાં ને ત્યાં જ જડાઈ ગઈ.
‘સંભળાયું?’
થોડી હિંમત ભેગી કરી એ બોલી. ‘તમે જશો નહિ તો હું પોલીસને બોલાવીશ.’ ટેલિફોન તરફ એ આગળ વધી. ‘ટેલિફોન ચાલતો નથી,’ એ બોલ્યો અને હસ્યો, ‘હવે?’
એ બહાર દોડવા ગઈ. પેલો સફાળો બેઠો થઈ ગયો અને દોડીને બારણા વચ્ચે ઊભો રહ્યો. ‘અં અં, એવું છોકરમતિયું કાંઈ કરતી નહિ.’
બિન્દુએ બે હથેળીના ખોબામાં માથું ઢાંકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
મલયે બારણું ખખડાવ્યું. બિન્દુ બારણું ખોલવા જાય એ પહેલાં એણે દોડી બારણું ખોલ્યું. ‘મમ્મી, અમારી નિશાળનું મોટું ઝાડ...’ એનું વાક્ય ત્યાં જ અટકી ગયું. પેલો માણસ એની સામે વિચિત્ર રીતે તાકી રહ્યો હતો. એની મમ્મી રડતી હતી. ‘મમ્મી તને શું થાય છે?’
‘મમ્મીને શું થાય છે?’ એણે માણસને પૂછ્યું.
‘એની તબિયત ઠીક નથી. એને બોલાવતો નહિ. તું અંદર જા.’ મલયને આ તુંકાર ગમ્યો નહિ. આટલી નાની ઉંમરે ય એને એ છરીની જેમ ભોંકી ગયો.
બિન્દુએ મલયનો હાથ પકડી ખેંચ્યો અને એને અંદર લઈ જઈ બારણું બંધ કરી દીધું. બંધ બારણામાંથી પેલાના બીભત્સ હાસ્યનો અવાજ અંદર આવતો હતો. મલયને વળગી પડી એ રડી રહી. ધીમે ધીમે બારીનું ઊજળું ચોકઠું કાળું પડતું ગયું. રાત પડી. એને કંઈક આશા ઊગી. કદાચ ચાલ્યો ગયો હશે? ઘડીક આ બધું સ્વપ્નમાં તો બનતું નથી ને એવી એને શંકા ગઈ. ધીમે રહીને એણે બારણું ખોલ્યું. દીવાનખંડમાં અંધારું ઘોર હતું. એને બીક લાગી હશે કે નહિ હોય? હશે કે નહિ?
હોઠ પર હોઠ દાબી એણે ડગલું ભર્યું. ત્યાં એની નજર અંધકારમાં તગતગતા બીડીના લાલ બિન્દુ પર પડી. એની બધી હિંમત ઓગળી ગઈ. ‘આવ,’ એણે સાંભળ્યું. એ પાછી દોડી ગઈ અને બારણું વાસી દીધું.
આખી રાત એણે છત સામે તાક્યા કર્યું. સહેજ સળવળાટના આભાસે એ ચોંકી ઊઠતી. આંખોનાં પોપચાં ભારેખમ થઈ ગયાં હતાં. બારણા તરફ વળી વળીને જોતાં એની ડોક અક્કડ થઈ ગઈ હતી. મલય પાછલી રાતે માંડ ઊંઘી ગયો. એ પછી એને વધારે બીક લાગવા માંડી. કેમ જાણે પુરુષ દીકરો એનું રક્ષણ ન કરવાનો હોય?
છેવટે એ ક્યારે ઊંઘી ગઈ એ એને યાદ રહ્યું નહિ. ઊઠતાં જ એની પહેલી નજર બારણાં ઉપર પડી અને એ છળી ઊઠી. બારણું ખુલ્લું હતું.
જ્યારે બારણામાં પેલો માણસ દેખાયો ત્યારે એનામાં ડરી જવાની પણ શક્તિ નહોતી રહી. એ શૂન્યમનસ્ક તાકી રહી. ‘ચા બનાવ’ જેવું કંઈક એને સંભળાયું. વિચાર કર્યા વગર જ એ ઊઠી. યંત્રવત્ એણે ચા મૂકી. પેલો બારણામાં જ ઊભો હતો. એનાં કપડાં પર નજ૨ જતાં બિન્દુને થોડી વાર લાગી. કપડાં રમેશનાં હતાં. એણે ઓળખ્યાં તો ખરાં, પણ મગજમાં એનો કોઈ પડઘો પડ્યો નહિ. એને ઘડીભર એમ પણ થયું કે કદાચ રમેશ જ હશે. તો ય એ બોલી નહિ.
ચા બનાવી એણે કચરો કાઢ્યો, નોકરબાઈ આવી એને વાસણો આપ્યાં, કપડાં આપ્યાં અને છતાં ય એ મૂંગી જ હતી. એની અંદરથી કંઈક ચાલી ગયું હતું. એ નહોતી બોલી શકતી, નહોતી સમજી શકતી.
દસેક વાગે બંગલામાં ઘંટડી વાગી. એક વાર, બે વાર અને પછી એ એકાએક તંદ્રામાંથી જાગી ઊઠી. બેબાકળી થઈ એ બારણાં તરફ દોડી અને બારણું ખોલી રમેશની કોટે વળગી પડી. ધ્રુસકે ધ્રુસકે રડી રહી.
‘શું થયું બિન્દુ, તને થયું છે શું ગાંડી?’ કહેતાં કહેતાં તો રમેશની નજર કોચ પરથી નિરાંતે ઊઠતી પોતાનાં જ કપડામાં સજ્જ થયેલી પેલી વ્યક્તિ ઉપર પડી.
પેલો માણસ ઊભો થયો, બારણાં તરફ આવ્યો, બન્ને પાસેથી પસાર થતાં સલામ કરી ખંધું હસ્યો અને બોલ્યો, ‘જજસાબ, સલામ. આપકી બીબી આપકુ વાપીસ.’
અને ત્યાંથી એ પલાયન થઈ ગયો.
*
‘હું મન મનાવું છું કે એ “રાણો” નહિ હોય. નહોતો જ. પણ મેં એને બરાબર જોયો હતો. “રાણા” સિવાય એ બીજો કોઈ નહિ.’
‘તમે એને ઓળખતા હતા?’
‘સારી રીતે. એનો કેસ મારી જ કૉર્ટમાં ચાલેલો. એના કેસનો ચુકાદો આપતાં મેં જ કહેલું કે “સરકારી વકીલે કોઈ પુરાવો બાકી રાખ્યો નથી. મારા મનમાં ગુનો આ માણસે જ કર્યો છે એ વિષે કોઈ શંકા નથી. માત્ર આ જ ગુનો નહિ, આવા અનેક ગુનાઓ એણે કર્યા છે. એની આખી જિંદગી આવાં અપકૃત્યોમાં વીતેલી છે. કંઈક સ્રીઓ શરમની મારી એની સામે જુબાની આપવા અહીં આવી નથી. આવા માણસને માટે સમાજમાં કોઈ સ્થાન હોઈ ન શકે...”
થોડી વાર જજ શાંત રહ્યા, પછી બોલ્યાઃ ‘ઓ ભગવાન, ઘણી વાર ઇચ્છું છું કે, આ બધું સ્વપ્ન હતું, કે પેલો માણસ એ જ “રાણો” નહોતો, કે એ કેસમાં સરકારી વકીલ એનો ગુનો સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. અરે, છેવટે એમ પણ ઇચ્છું છું કે એના લોહીમાં આવી વૃત્તિ નહોતી એવું સાબિત થયું હોત તો પણ સારું. શું કરું? બધું સુખ છે, પણ પેલી શંકા સાથે જીવ્યા કરું છું. શું પૂછું? કોને પૂછું? કઈ રીતે પૂછું? બિન્દુ જવાબ આપશે?’
સ્રોત
- પુસ્તક : વ્હાઈટ હોર્સ (પૃષ્ઠ ક્રમાંક 89)
- સર્જક : સુધીર દલાલ
- પ્રકાશક : નવજીવન
- વર્ષ : 2023
