ઈવા ડેવ
Eva Dave
બાગમાં હું આરામથી એક બાંકડા પર નચિંત લેટ્યો હતો. સાંજના પાંચેકનો શુમાર હશે. ઉનાળાની સંધ્યા હોવા છતાં વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું.
મેં આંખો ઉઘાડી. મારી બરાબર સામે, બાંકડાને બીજે છેડે એક ગારુડી આવીને ઊભો થઈ રહ્યો હતો. એની આકસ્મિક હાજરીએ મને નખશિખ ચોંકાવી દીધો. મને એવી ભ્રમણા થઈ કે જાણે પેલો અરેબિયન નાઈટ્સવાળો જીન કોઈના જાદુઈ કોડિયું ઘસવા થકી ભૂલથી મારી સમક્ષ હાજર થઈ ગયો! કેમ કરીને વગર બોલાવ્યે તે આમ મારી આટલી નજદીક આવી ગયો હશે તેની મને સમજણ પડતી નહોતી.
તે ટગર-ટગર મારી સામે જોઈ રહ્યો હતો. તેની આંખો પોલિશ કરેલા બદામી અકીકની જેમ ચળકતી ચકળવકળ થઈ રહી હતી. એની ઉપરનાં રતાશ પડતાં અણિયાળા ભવાં નાનાં સાપોલિયાં જેમ સળવળ-સળવળ થાય તેમ ઊંચાંનીચાં થતાં હતાં. એની મૂછોના આંકડા જાણે અત્યંત ઝેરી વીંછીના વળેલા લાલ ચટક બે ડંખ ના હોય! બકરા જેવી ટૂંકી અને આછી દાઢી એના ચહેરાને ગજબનાક ખુન્નસભર્યો બનાવતી હતી.
હું કમકમી ઊઠ્યો. ત્યાં એકાએક મારા મગજના અમુક ભાગમાં અસાધારણ પ્રક્રિયા થઈ રહી હોય એવું મને લાગ્યું. અમુક જ્ઞાનતંતુઓ ઝણઝણી ઊઠ્યા. આ બધુંય મારી ઇચ્છા વિરુદ્ધ ને મારો પ્રતિરોધ હોવા છતાંય. કશુંય સમજાતું નહોતું મને. માત્ર પારાવાર આશ્ચર્ય અને ડરથી જાણે મારું કાળજું શીત બની ગયું હતું. વળી ફરી પાછી પેલી પ્રક્રિયાનો આરંભ થયો. આવો અનુભવ જીવનમાં પહેલી જ વખત મને થતો હતો. ટેલિગ્રાફ ઓફિસની પેલી કાળી ભૂંગળીઓ જેમ અચાનક કડ-કડ-કટ... કટ...કટ... કરી ઊઠે તેમ મારા મગજના પેલા ભાગોમાં આંદોલન થવા લાગ્યાં. ના જોઈતા સંકેતો આવવાની શરૂઆત થઈ ગઈ. મને તે બિલકુલ ગમ્યું નહિ; તેથી તેને રોકવા મેં અમાનુષિક પ્રયાસો આદર્યા; પરંતુ વ્યર્થ. તે તંતુઓ સંદેશો ઝીલતા જ રહ્યા : ‘બચ્ચા, રુકાવટ મત ડાલો. બચ્ચા, ભાગને કી કોશિશ મત કરો...!’
થોડીક વાર માટે જયારે સંદેશાઓ આવતા બંધ પડ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી જડ આંખો ક્યારનીય સ્થિર થઇ ગઈ હતી. એના ગળે ભેરવેલા અજગરની ઝીણી આંખો પર. એ અજગર સતત ડાબા-જમણી સરતો, એના ગળાની આસપાસ ચૂડ ભેરવતો ને છોડતો મારી સામે તાકી રહ્યો હતો.
ઊઠીને મારે નાસી જવું હતું ત્યાંથી. પણ મારું શરીર ભયંકર અક્કડ થઈ ગયું હતું. મેં મારા હોઠ ખોલવા પ્રયાસ કર્યો-ફોગટ. મેં મારા હાથ ઊંચા કરવા યત્ન કર્યો – પણ તેય વ્યર્થ. મને ખ્યાલ આવી ગયો કે એની ઇચ્છા વિરુદ્ધ હું તણખલુંય તોડી શકવાનો નથી. કોઈ અજ્ઞાત ભયથી મારો સમગ્ર દેહ થર-થર કાંપી રહ્યો હતો, અને મારું આંતર મન કારમું રુદન કરી રહ્યું હતું; પણ કોટિ ઉપાયે આંસુ બહાર વહી શકતાં નહોતાં.
ફરીથી મગજનાં ચક્રો ગતિમાન થયાં. સંદેશ : ‘બચ્ચા, ડરો મત, રોઓ મત. કુછ ભી નહિ હોગા. કિંતુ રુકાવટ મત ડાલો. ભાગને કી કોશિશ ભી મત કરો. સબ કુછ અચ્છા હોગા અગર તૂ મેરે હુકમો કા પાલન કરેગા તો.’
હવે મને પાકી ખાતરી થઈ ગઈ કે તે મારી આ સાવ નિઃસહાય સ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હતો ને એને છેતરવાનો પ્રયાસ કરવો તે મારા પોતાનાં મન સાથે ચાલાકી કરવા જેવું હતું. અંધારા રૂમમાં છાતીના, પેટના ઊંડા એક્સ-રે લેવાતાં જે વિચિત્ર રીતે વીંધાવાનો અનુભવ થાય છે તે પ્રકારનો અનુભવ મને એની આંખો તરફ જોતાં થતો હતો. તેની તેમજ અજગરની આંખોમાંથી જાણે કોઈ વિશિષ્ટ પ્રકારનાં કિરણો ના છૂટી રહ્યાં હોય! અને મારા મગજમાં શું ચાલી રહ્યું હોય તેનો જાણે ક્યાસ ના કાઢી લેતાં હોય! હું એના સકંજામાં પૂરેપૂરો આવી ગયો હતો.
હું અજગરની આંખો ઉપરથી મારી નજર ઉઠાવી શક્યો. મેં એનું વધારે અવલોકન કર્યું. એનો વેશ ભગવો હતો : સાફો, ઝભ્ભો અને લુંગી એના ગળામાં ભૂરા-કાળા-ધોળા, મોટા-નાના મણકાઓની બે લાંબી માળાઓ હતી. એના ખભા પરના એના આડા દંડ પર લટકાવી હતી એના નાગોની છાબડીઓ. એના ડાબા હાથમાં હતી બે નાળવાળી મુરલી.
‘બચ્ચા!’
‘ઓ...’ હું બોલી શક્યો. મારા આશ્ચર્યનો પાર ના રહ્યો. મારો પોતાનો અવાજ સાંભળી મારામાં એક પ્રકારનું ચેતન આવ્યું. જાણે મને સાથીદાર મળ્યો.
‘દેખો બચ્ચા, “ઓ માસ્ટર” ઐસા બોલો. વહ અચ્છા લગતા હૈ. તુઝે ખયાલ હૈ કિ તેરી ચારોં ઓર ક્યા હો રહા હૈ?’
જલદી જવાબ આપવા માટે મારા મગજમાં ભારે દબાણ થયું, છતાંય મારો આત્મા હુંકાર કરી ઊઠ્યો કે ‘પામર, અશક્ત, તું છે કોણ? બેઠો થઈ જા.’
મારી આંખોએ જોયું. ગારુડીએ ગળામાંથી અજગરને ઉકેલી બરાબર મારી છાતી ઉપર હવામાં અધ્ધર કર્યો અને પછી સાવ ધીમે-ધીમે તેને મારી છાતી પર સરકવા દીધો. અજગરનું ચપટું મોં ને પેલી અંગારા સમી આંખો માત્ર પાએક ફૂટ મારા મારા મોઢાથી દૂર હશે કે એની લપકારા લેતી જીભ મારા ઓષ્ઠને અડી ગઈ. ઓહ! તે સ્પર્શ! મારું રોંગટે રોંગટું ખડું થઈ ગયું; શરીર પરના વાળ અધ્ધર થઈ ગયા; મારો સમસ્ત પ્રાણ બીકથી થીજી ગયો. મને સંદેશ મળી ગયો: જો હું એના હુકમને અવગણીશ તો – અ...જ...ગ...ર...!!
હું તરત એના સવાલનો જવાબ દઈ રહ્યો : ‘હા માસ્ટર, મને બરાબર ખ્યાલ છે.’
એનો હાથ પાછો ખેંચાયો; અજગર એને ગળે સંકેલાઈ ગયો. માત્ર એની જીભ ને આંખો તરવરાટ કરી રહ્યાં.
‘બચ્ચા!’
‘ઓ માસ્ટર!’
‘બહોત અચ્છા, બહોત અચ્છા.’
‘અબ તો તૂ જાનતા હૈ ન કિ મેરી ઈચ્છા કે બિના તૂ કુછ નહિ કર સકતા હૈ?’
‘હા માસ્ટર!’
થોડી મિનિટો એમ પસાર થઈ ગઈ. તે દરમિયાન મને વિચાર આવ્યો કે જાણે એને ભૂલી જવા હું સૂઈ જાઉં તો કદાચ છૂટી પણ જાઉં એની પકડમાંથી.
જાણે મને રજા મળી ગઈ. આશંકા ને આશ્ચર્ય અનુભવતો હું આંખ મીંચી સૂવા લાગ્યો. સહેજ આંખ મળી હશે ને બહાર હતી તેનાથી પણ વધુ ભયંકર દુનિયા અંદર ઊભી થવા લાગી. એની મૂછોનું ડાબું પાંખિયું લંબાયું અને ઈંજેકશનની સોયની માફક મારા ડાબા બાહુમાં ભોંકાયું. પછી જાણે શરીરમાંથી રક્તનું શોષણ થવા માંડ્યું. એની ભ્રમરો જાણે જીવ આવતાં સળવળી; નાનાં-નાનાં સાપોલિયાં એક પછી એક પડતાં મૂકી મારાં નાક, કાન ને મોંમાં-! ઓ...ઓ... મારાથી તે સહન ન થતાં મેં ચીસ પાડી. મારી આંખો ઊઘડી ગઈ. તેનું અટ્ટહાસ્ય મારે કાને પડ્યું. મેં જોયું, તેનાં ભવાંના બે છેડા ભાલ પર ઊંચા થઈ ગયા હતા, કીકીઓ ચળક-ચળક થઈ રહી હતી, દાઢી ધ્રૂજી રહી હતી, પણ મોં હાસ્યની કરચલીઓથી ભરાઈ ગયું હતું.
‘અરે ત્તારીની, એ દુષ્ટ બધું જ જાણતો હતો.’ હું મનોમન બોલ્યો.
‘ગાલિયાં મત દે, બચ્ચા.’ હું સપડાઈ ગયો હતો; આબાદ.
મારા મગજમાં સંદેશાઓની ધમાચકડી મચી ગઈ. બહાર અજગર પહેલાંની જેમ એના ગળાની આસપાસ વળાંકો લઈ રહ્યો હતો. આંખોના ખૂણામાંથી મેં જોયું કે જતા-આવતા કેટલાક માણસો કુતૂહલથી રોકાવા લાગ્યા હતા.
સંદેશ: ‘થોડી દેર મેં હી મૈ ખેલ શરુ કરુંગા. તૂ ઊઠ કર પ્રેક્ષકો મેં ચલે જાના. મૈ તુઝે મેરા જંબૂરા બનાનેવાલા હૂં. ભાગને કી કોશિશ મત કરના. ગભરાના મત.’
મારી ગભરામણ સખત વધી ગઈ હતી. મેં એને આજીજી કરી: ‘પણ મારે કરવાનું શું છે? અને તું મને છોડવાનો છે કે નહિ?’
‘ફિક્ર મત કરો. સબ કુછ તૂ આસાની સે સમજ જાઓગે. ખેલ ખતમ હો જાને પર મૈ તુઝે છોડ દૂંગા. ચલો, ખડે હો જાઓ ઔર લોગોં કે સાથ મિલ જાઓ.’
અસહાય મેં એની સૂચનાનું પાલન કરવા માંડ્યું. ભેગા થયેલા લોકોને એમ જ લાગ્યું કે હું પણ તેમની માફક કુતૂહલથી પ્રેરાઈને એમની સાથે વાતચીત કરી રહ્યો હતો.
એણે એની મુરલી કાઢી. બેઉ છાબડીઓ ખોલતાં જ સિત્કાર કરતાં બે કાળા ભમ્મર ફણધર ફૂટ દોઢ ફૂટ જેટલા ઊભા થઈ ગયા. એણે મુરલી વગાડવાની શરૂઆત કરી. વારંવાર તેમની ચીપિયા શી જીભો લપકાવતા નાગો તેની મુરલીના સંગીત સાથે ડોલવા લાગ્યા. એ જોઈને મારો જીવ એવો ડોવાવા લાગ્યો કે ના પૂછો વાત.
એકાએક, કોણ જાણે કે, પણ મને એમ થયું કે હું એના પાશમાંથી છૂટી ગયો છું. મેં જોયું કે એક નાગે સફાળો એના ઉપર હુમલો કર્યો હતો. એ જોઈ આખું ટોળું અસ્વસ્થ બન્યું હતું. જોકે એણે ચપળતાથી નાગને ડંડાની નીચે દબાવી દીધો હતો. હવે તે એનું મુખ પકડવા પ્રયાસ કરી રહ્યો હતો.
હું મૂઠીઓ વાળી પલાયન કરવા ગયો. માંડ વીસ ફૂટ દૂર ગયો હોઈશ ને મારે અટકી જવું પડ્યું. પેલો બીજો નાગ મારી સામે હવામાં પાંચ ફૂટ અધ્ધર થઈ ખડો થઈ ગયો હતો; માત્ર એની પૂંછડીના સાવ નજીવા ટેકાથી. મને ચોક્કસ ખાતરી હતી કે નાગ હજુ ત્યાં છાબડીમાં હતો; ને છતાંય એ કેવી રીતે આમ મારી સમક્ષ આવીને મને રોકી રહ્યો છે તે મને સમજાતું નહોતું. જ્યાં એણે એની જીભ લપકવાની શરુ કરી કે તરત જ પાછા પગે હટતો હું ફરીથી પાછો ટોળામાં જોડાઈ ગયો.
નાગોનો ખેલ ગારુડીએ જલદી આટોપી લીધો. થોડા લોકોએ તાળીઓ પાડી. મેં એના સામું જોયું તો મને લાગ્યું કે એના મોં પર ખેલ બરાબર ના થયો તેનો અસંતોષ પ્રસર્યો હતો.
‘ભાગને કી કોશિશ તૂને કી, ક્યોં બચ્ચા?’ એનો સંદેશ મળ્યો.
‘ભૂલ થઈ ગઈ, માસ્ટર.’
‘અચ્છા, અબ તો તૈયાર હો ન?’
‘હા, હા.’
તે ટોળાને ઉદ્દેશીને બોલવા લાગ્યો:
‘અબ આપ સાહિબો કો મૈ અદ્દભુત ખેલ દિખાઉંગા. આપ લોગોં મેં સે કિસી કો મેરા જંબૂરા બનાઉંગા તો આપ લોગોં કો વિશ્વાસ હોગા કિ કોઈ એક ઉસ્તાદ જાદુગર યહાં આયા થા. હૈ કોઈ સાહબ તૈયાર ઈસ ખેલ કે લિયે?’
એનો સંદેશ: ‘ચલ બચ્ચા, બહાર આ કે પૂકાર કિ તૂ તૈયાર હૈ. જલ્દ બચ્ચા.’
હું યંત્રવત આગળ આવી બોલ્યો: ‘હું જંબૂરો બનવા તૈયાર છું.’ બોલ્યા પછી મને એક નવો જ અનુભવ થયો. આજુબાજુ જે કાંઈ થઈ રહ્યું હતું તેની સાથે જાણે મારે કશી લેવા-દેવા નહોતી. શું થશે, શું કરવાનું છે, ભેગા થયેલા લોકો મારે માટે શું ધારશે વગેરે પ્રશ્નોથી હું પર બની ગયો હતો. ચાવી ચડાવેલા રમકડા જેવી મારી સ્થિતિ થઈ ગઈ હતી.
તે હસીને બોલ્યો: ‘ઐસે પઢે-લિખે આદમી કા જિગર દેખ કર શાહબાશ કહેને કા દિલ હોતા હૈ!’
ટોળામાંથી કોઈએ બૂમ મારી પૂછ્યું: ‘આ તારો માણસ નથી એની શી ગેરંટી?’
ગારુડી જવાબ દેવા જાય તે પહેલાં સૌથી આગળ ઊભેલો એક નાનો છોકરો બને એટલા ઊંચા સાદે જવાબ દઈ રહ્યો: અરે! આમને તો હું ઓળખું છું. અમારી જોડે જ રહે છે. એ તો અંગ્રેજી નિશાળના માસ્તર છે.’ એકસાથે ટોળું હસી પડ્યું. ટોળાને જોકે ખાતરી થઈ ગઈ હોય એમ લાગ્યું કે હું બનાવટી જંબૂરો નહોતો.
‘મેરે જેન્ટલમૅન સાહિબ લોગ! અબ ખેલ શુરુ હોગા.’
એણે એક ધોળી ચાદર જમીન પર પાથરી અને મને તેના ઉપર ચત્તા સૂઈ જવા કહ્યું. મેં એમ કર્યું. ત્યાર બાદ બીજી મોટી કાળી ચાદર એણે મારે માથે, મોઢે, સળંગ શરીરને ઢાંકે એવી રીતે પાથરી દીધી.
એ બોલ્યો: ‘આપ કો જંબૂરા કહ કે પૂકારું તો કોઈ હર્જ નહિ હૈ ન?’
‘નહિ, માસ્ટર!’
સંદેશ: ‘તૈયાર બચ્ચા!’
‘હા, માસ્ટર.’
‘જંબૂરા, જંબૂરા!’
‘ઓ, માસ્ટર!’
‘તૂઝે, ખયાલ હૈ કિ તૂ કહાં ચલેગા?’
‘હા, માસ્ટર.’
‘કહાં ચલેગા તૂ?’
‘આકાશમાં.’
ટોળામાંથી બે-ત્રણ જણ મોટેથી બોલી ઊઠ્યા: ‘એને ક્યાંથી ખબર પડી? આપણા દેખતા તો એણે કશું કહ્યું નથી. કહેવું પડે ભાઈ?’
‘તૂ તૈયાર હૈ બચ્ચા!’
‘હા, માસ્ટર.’
તરત જ મને અનુભવ થયો કે પેલા બે કાળા નાગ મારી નીચે સરકીને ગૂંચળું વળીને બેસી ગયા. એના હુકમ સાથે એકે બરડાથી ને બીજાએ મારા પગોથી મને એમની ડોક પર ઊંચકી વીસ ફૂટ જેટલો હવામાં અધ્ધર કરી દીધો.
‘ઓહ! ગજબ કહેવાય. શેના આધારે એ આટલે ઊંચે રહી શકે?’
‘બોલ સરત, પેલા કાળા કપડા નીચે કાંઈ હોવું જોઈએ.’
‘કહેવું પડે! આ તો કમાલ કરી’ ટોળામાંથી સહુ પોતપોતાનો અભિપ્રાય આપવા મંડી પડ્યા.
ગારુડી બોલ્યો: ‘અબ આપ લોગોં કે સબ સવાલો કા જવાબ બિના દેખે યહ સાહિબ દેંગે.’
પછી તો ખેલ ખૂબ ઝડપથી થવા માંડ્યો. મને એ જાણીને ખૂબ જ નવાઈ લાગી કે એની સાથે અજ્ઞાત રીતે વાતચીત કરવામાં મને બિલકુલ મુશ્કેલી પડતી નહોતી. ખૂબ જ ઝડપ ને આસાનીથી તે એના મગજને વખતોવખત મારા મગજ સાથે એકતાર કરી દેતો. મોટેથી જવાબ દેવાની ક્ષણો પહેલાં મને પૂછેલા સવાલનો જવાબ મળી જતો. અમારી વચ્ચેની વ્યવસ્થા નીચે મુજબની હતી.
‘જંબૂરા!’
‘ઓ, માસ્ટર!’
‘ઇસ સિક્કે કી સાલ તૂ કહ સકતા હૈ?’
‘જરૂર માસ્ટર!’
તે સિક્કો હાથમાં લેતો. તેની સામું સ્થિર નેત્રે જોતો ને બધી જ જોઈતી વિગતો ભેગી કરી લેતો. તરત જ એ બધી વિગતો મારા મગજના અમુક વિભાગમાં જમા થઈ જતી.
‘કૌન સી સાલ હૈ!’
‘ઓગણીસ સો સત્તાવીસ.’
‘કૌન સા સિક્કા હૈ?’
‘ચાર આના.’
‘શાહબાશ, શાહબાશ.’
પછી કોઈના પાકીટના પૈસા, ચશ્માંની બનાવટ, કોઈના ઘડિયાળનો સમય – ફરતા સેકંડ કાંટાની સાથે – ઘડિયાળની બનાવટ ને બીજી વિગતો, માણસનો પહેરવેશ, એમ એવા અસંખ્ય પ્રશ્નોના જવાબ મેં બિલકુલ ગાફેલ થયા વિના સહજ રીતે આપ્યા. લગભગ પિસ્તાળીસ મિનિટ પસાર થઈ ગઈ હશે. એણે મને નીચે ઉતાર્યો ને લોકો પાસેથી ઉઘરાણું કર્યું.
એણે કાળું કપડું મારા મોં ઉપરથી દૂર કર્યું. મેં આંખો ઉઘાડી. તે મારા પગ આગળ ઊભો હતો. થોડાક માણસો કુતૂહલથી મારી ચોમેર ફરી વળ્યા હતા. પળેક તે એકીટશે મારી સામું જોઈ રહ્યો; એ જ ચમકતાં અકીક શાં લોચન, એ જ અણીદાર ભ્રમરો, એ જ મૂછોનાં વાંકાં પાંખિયાં, ને એ જ ટૂંકી દાઢી. અજગર હવે સાવ શાંત થઈ જઈ એના ગળે લબડી રહ્યો હતો. મને ફરીથી બાંકડા પર જઈ બેસવાનો આદેશ થયો. જાણે કશું જ ના બન્યું હોય તેમ ઊભો થઈ ફિક્કું હસતો ઊભેલા માણસોને બાજુએ ખસેડી હું યંત્રવત બાંકડા ઉપર જઈને બેઠો. મારી આંખો જબ્બર ઘેરાઈ રહી હતી.
*
‘એય મિસ્ટર, એય મિસ્ટર!’ કોઈ મને ઢંઢોળીને ઉઠાડી રહ્યું હોય એમ લાગ્યું. હું છળી પડી જાગ્યો ને બેઠો થઈ ગયો. થોડી વાર માટે તો મારા બેબાકળા મનને ખ્યાલ જ ના આવ્યો કે હું ક્યાં હતો, કેવી રીતે ત્યાં આવી પડ્યો હતો, અને મારી ચારે પાસ શું બની રહ્યું હતું. ચારેબાજુ બધું જાણે ગોળ - ગોળ ફરતું ના હોય!
‘એય મિસ્ટર, આ સૂવાની જગ્યા નથી.’
‘હેં?’ મેં સપ્રશ્ન તેમની સામે જોયું. તેઓ બે જુવાનો હતા. નીચે નજર કરતાં મને ખ્યાલ આવ્યો કે બાંકડા પર સૂઈ ગયેલા મને તેમણે ઢંઢોળીને જગાડ્યો હતો. મેં તેમને બેસવાની જગ્યા કરી આપી. થોડી વારમાં સ્વસ્થ બનતાં મેં ઘર તરફ પ્રયાસ કરવા માંડ્યું. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મને પેલું ખૂબ જ ખરાબ સ્વપ્ન આવ્યું હતું.
હજુ હું બાગની બહાર પણ નીકળ્યો નહોતો ત્યાં એક નાનો ગોળમટોળ બાળક દોડતો-દોડતો મારી પાસે ધસી આવ્યો. મારો હાથ પકડી તે મને પૂછી રહ્યો: ‘હેં સાહેબ, તમને જંબૂરો-જંબૂરો બનવાની બહુ મઝા પડી? મારે જંબૂરો બનવું હતું પણ મારા પપ્પાએ મને ના પાડી.’
હું અવાક બની ગયો. મને અનુભવ થયો કે જાણે કોઈએ મને ઊંચી ટેકરી પરથી ધક્કો મારીને ખીણમાં ગબડાવી ના દીધો હોય!
સ્રોત
- પુસ્તક : ઈવા ડેવનો વાર્તા વૈભવ (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : શરીફા વીજળીવાળા
- પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2024
