Aa Zubeda, Aa Kallol - Short Stories | RekhtaGujarati

આ ઝુબેદા, આ કલ્લોલ

Aa Zubeda, Aa Kallol

શિરીષ પંચાલ શિરીષ પંચાલ
આ ઝુબેદા, આ કલ્લોલ
શિરીષ પંચાલ

સગાંવહાલાંઓ ના ના કહેતાં રહ્યાં, આવું કરશો તો આમ થશે ને તેમ થશેની ચેતવણીઓ મિત્રોય આપતા રહ્યા, પણ બધાંની ઐસીતૈસી કરીને ઝુબેદા અને કલ્લોલ એક દિવસ કોઈ મૌલવી નહીં; કોઈ પુરોહિત નહીં; કોઈ અગ્નિની સાક્ષી નહીં અને કોર્ટકચેરીમાં મેજિસ્ટ્રેટની શાહેદીમાં પરણી બેઠાં; આઇસક્રીમ ખાઈને ખવડાવીને મોં મીઠું કર્યું, કરાવ્યું. બંને એમ.એસ.સી. સુધી મીઠાના અને સુરોખારના તેજાબોની ગંધ વચ્ચે હૈયામાંથી ફોરતી ફોરમ માણતાં રહ્યાં હતાં. ક્યારેક ક્યારેક એકાંતની પળોમાં ચાર હોઠની ભીનાશને વાતાવરણમાં વહેતી મૂકતાં હતાં, હૃદયમાંથી વહેતી વાતોની સરવાણીઓમાં શું શું ઓગાળી શકાય એનાં ગુલગુલાબી સ્વપ્નો જોતાં જોતાં ઝુબેદા અને કલ્લોલ બંને પક્ષનાં માતાપિતાના મનમાં વેરઝેરની આગને પ્રગટાવી બેઠાં.

સ્વજનોપરજનો સજ્જનો સન્નારીઓ મિત્રો ઓળખીતાં પારખીતાં શેરી મિત્રો તાલીમમિત્રો : સૌ કોઈ કહેતાં હતાં કે ઝુબેદાએ અને કલ્લોલે જીવનમાં ખૂબ મોટી ભૂલ કરી છે. એવી ભૂલ કે સુધારવા જાઓ તોય ઉઝરડા પડે, પોતાને અને બીજાંનેય. આંખોનાં ઊંડાણોમાં, શ્વાસની આછી બાષ્પમાં, સાવ હળવેથી બોલતા શબ્દોમાં પણ ઝુબેદા અને કલ્લોલને અમંગળ ભાવિના બોલ સંભળાતા હતા, જાણે બધાં એમને સમજાવવા માગતાં હતાં કે પ્રેમ માત્ર સ્ત્રી અને માત્ર પુરુષ વચ્ચે થતો નથી. ઘણી વાર કલ્લોલ ઝુબેદાને કહેતો હતો કે આપણે ભણીને પરવાર્યાં તો ખરાં પરંતુ તેજાબી દુનિયાને તો સાથે ને સાથે રાખવી પડી છે. ક્યારેક પ્રવાસે જતાં ત્યારે મહિનાના મહિનાઓ સુધી ઊભા રહીને પગ સૂઝાવી દેનારા સાધુઓને જોઈને તે કહેતો : લોકો કષ્ટ વેઠે છે ? અણિયાળી પથારી પર માત્ર ગંગાનંદન ભીષ્મ સૂઈ ગયા હતા ?

બંનેનું મિત્રવર્તુળ સીમિત બની ગયું, પાડોશીઓ મોળા થવા માંડ્યાં. ઝુબેદા બબડતી કે ઉપરવાળાની મહેરબાની છે કે માત્ર મોળા છે, તીખા કડવા ખાટા ખારા બની જાય તો ?!

પરંતુ બંને મિયાંબીબી એકબીજાના પ્રેમમાં એવાં તો ગુલતાન હતાં, એવાં તો ગુલતાન હતાં કે ઘરનાંઓની નારાજગીને, તેમનાં અબોલાંને બંનેએ પોતાનાં હૈયાંઓની ક્ષિતિજની પાર ધકેલી દીધાં. એમના જીવનમાં તો નિત વસંતોત્સવ હતો, ઝુબેદાની ગૌર મુખકાન્તિની પડછે સહેજસહેજ માંજરી આંખોમાં કલ્લોલ સેલારા લેતો રહેતો. પાનાં, ફેરફંદરડી, કેરમની રમતોની સાથે સાથે સંતાકૂકડી રમતી તેમની કાયાઓ અને તેની માયા; ઝુબેદાને એમ લાગતું કે આવું સ્વર્ગ તો દુર્લભ છે. અને ઝુબેદાનો આનંદ કલ્લોલને મધમધતો કરી નાખતો હતો. વરસમાં ભાગ્યે એવા કોઈ દિવસ જતા જ્યારે ઝુબેદા માટે ફૂલનો ગજરો આવ્યો હોય. સેવંતીના ગજરા લગભગ ફેબ્રુઆરી સુધી ચાલે, સામાન્ય રીતે કેસૂડાંના ગજરા બજારમાં મળે. પણ કલ્લોલ ફૂલ લઈ આવતો, ક્યારેક રસ્તાની ધારે ઊગેલા ઝાડ પરથી તે ચૂંટી લેતો અને ઘેર ઝુબેદા એનો ગજરો બનાવતી. હોળીના તહેવાર આવે ત્યારથી તો મહેંક મહેંક. મોગરોજૂઈજાઈથી પહેરનાર અને પહેરાવનાર બંને સુવાસિત સુવાસિત થઈ જતાં. મોગરો તો છેક વરસાદ સુધી મળે. પછી દોર શરૂ થાય ચમેલી, સોનચંપાનો. પારધ જેવાં ફૂલોનો વારો તો ભાગ્યે આવતો. મોતિયા મોગરાની મહેંક તો બંનેના મનમાં એવી વસી ગયેલી કે રાતે થોડા મોગરા પાણીમાં પલાળી રાખતાં અને સવારે પાણીથી સ્નાન. એક વખત ઝુબેદાએ કલ્લોલને પીવાનું પાણી આપ્યું. કલ્લોલને પાણીનો સ્વાદ જુદો લાગ્યો. પણ બીજે ઘૂંટડે ખ્યાલ આવી ગયો. ‘અરે, તો તુલસીજલપાન કર્યું.’ ‘હા, મારી એક બેનપણી વૈષ્ણવ, એને ત્યાં મને પ્રસાદીમાં ક્યારેક ક્યારેક પાણીનું આચમન કરાવતા. મારી જીભે સ્વાદ વસી ગયો. મારે ઘેર તો કંઈ આવા પ્રયોગ થાય નહીં. અહીં બધી સ્વતંત્રતા. કેવી મજા ભાઈ કેવી મજા !’

આવું બોલે ત્યારે કલ્લોલ તેને ઊંચકી લેતો અને ગોળ ગોળ ઘૂમવા બેસતો. આવી ફેરકુંદરડીઓ ખાતાં ખાતાં પાંચ વરસ વીતી ગયાં. ક્યાંય ખાડા ટેકરા ડુંગરા ખીણોખાધરા આવ્યાં નહીં, અંધારિયાં આવ્યાં નહીં. અજવાળિયાંને અનેરી મહેંક આપી જનારો એક નોખો ઉત્સવ જીવનમાં આવી જાત ખરો. ઝુબેદાને દિવસો રહ્યા, ચાર મહિના સુધી તો ગાડી બરાબર ચાલી. આમ કરીશું, તેમ કરીશું, આવાં કપડાં ખરીદીશું, એક આખો ઓરડો નાનાંમોટાં રમકડાંથી ભરી દઈશું. પરંતુ સાથે સાથે ચિંતાય થઈ. કોણ મદદે આવશે ? ઝુબેદાની માને તો એના દીકરાઓ ફરકવા દે અને કલ્લોલની મા તો ઝુબેદાના પડછાયાથીય અભડાઈ જાય. જોકે ઝુબેદાની ફોઈને કોઈક રીતે જ્યારે સમાચાર મળ્યા ત્યારે જે હરખઘેલાં બની ગયાં, જે હરખધેલાં બની ગયાં, જાણે એમની પોતાની સગી દીકરીને પહેલી વાર દિવસો રહ્યા હોય ! ફોન પર ઝુબેદાને કહેતાં રહેતાં કે તારે જરાય ચિંતા કરવાની નહીં. હું બેઠી છું ને ! હું તારે ત્યાં આવું તો ભાભીજાન શું કરી લેશે ? કલ્લોલને કહેજે કે ફોઈ મારી સુવાવડ કરશે. મનેય પાકી સૂંઠ, સીરો, રાબ બનાવતાં આવડે છે. જરાય ફિકરચિંતા કરવાની નહીં. અરે અલ્લાતાલાની રહેમ છે પછી શા માટે ચિંતા કરવી ? આપણે પણ અસ્સલ ગુજરાતીઓની જેમ ઓસડિયાં તૈયાર કરીશું... પેલો હકીમ... શું એનું નામ ? હા નૂરમહમ્મદ... જાતજાતના કાઢા રાખે છે.

પરંતુ કાઢા પીવાનો સમય આવ્યો નહીં. કશીક દુર્ઘટના બનીને ઝુબેદા હતાશ થઈ ગઈ. સ્વપ્નભંગના આઘાતમાંથી બહાર આવતાં ખાસ્સી વાર લાગી. ડૉક્ટરે એમને આશ્વાસન આપ્યું હતું કે ભવિષ્યમાં આવું બનશે એવો ડર નહીં રાખવાનો. પણ ઘડી ઠેલાતી ને ઠેલાતી રહી. ઝુબેદા દર મહિને કેલેંડરમાં ગોળ કુંડાળું કર્યા કરતી. જો એકાદ દિવસ ઉપર થઈ જાય તો ઘેલી ઘેલી થઈ જતી અને પછી રડમસ... કલ્લોલ એને સમજાવતો, પટાવતો, પછી રીઝવતો, અને એવી રીઝવતો કે ઝુબેદા ખિલખિલાટ, મોતિયો મોગરો બની જતી.

અને ત્યાં... અને ત્યાં તો... ના, જ્વાળામુખી ફાટી નીકળ્યો નહોતો; ચક્રવાત-પ્રતિચક્રવાત પવનોવાળી આંધી ફુંકાઈ હતી, બારે મેઘ ભેગા થઈને ચારે બાજુ જળ જળ જળ થઈ ગયા હતા કે મરકી-કોગળિયાનો વાવર ફાટી નીકળ્યો હતો. શંકર ડમરુ લઈને તાંડવ નૃત્ય કરતાં કરતાં ત્રીજી આંખ ખોલી બેઠા હતા કે મહિષાસુરને મારવા દુર્ગા ત્રિશૂળખડગ લઈને દસે દિશાઓમાં ઘૂમી વળી હતી. માત્ર માણસની આંખ ત્રાંસી થઈ હતી. અને એટલામાં ચારે બાજુ અગનજ્વાળાઓ પ્રગટી ઊઠી, લોહીના ફુવારા ઊડ્યા અને એના રેલેરેલા ઠેર ઠેર પહોંચ્યા, દર્વાંકુરો તીખી તમતમતી કુહાડી બની ગયા. માણસો શોધવા નીકળ્યા : ક્યાં છે પાર્વતીનું લાસ્ય-નૃત્ય, નટરાજનો વરદ અને અભય હસ્ત ક્યાં છે ? માણસો શોધતા રહ્યા, શોધતા રહ્યા ગણેશની વિઘ્નહર્તા મૂર્તિને, કમલાના સ્પર્શે કમળપત્ર સમા વૈષ્ણવી સત્ત્વને. પણ ક્યાંય કશું હતું.

આજે રાત પૂરી થશે કાલે પૂરી થશે, સવારનો સૂરજ બધાંને ઝળહળ ઝળહળ કરી દેશે એમ માનીને કેટલાંક આસમાનને તાકતાં રહ્યાં, સૂનાં સૂનાં હૈયામાં ડોકિયાં કરતાં રહ્યાં. સામાની આંખોના હવડ કૂવાઓને તાકતા રહ્યા, પરંતુ રાત તો લાંબી ચાલી, અતિશય લાંબી ચાલી. દિવસોમાં સ્વજનો વિનાના ઝુબેદા અને કલ્લોલ સાવ એકલાં પડી ગયાં. રેડિયો ટી. વી. છાપાં બધાંનો ડૂચો કરીને ફેંકી દેવાનું મન થતું હતું. વાતોનાં વડાં કરનારાં, નાનીનાની ફેંકી દેવા જેવી બાબતોને ચગાવી ચગાવીને લિજ્જતથી ચગળનારાં બંને જીવ જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ મૂંગામંતર થઈ ગયાં. દરરોજ સાંજે જ્યાં રસોડામાં જ્યાફતો ઊડતી : ઈડલી, હાંડવો, બીરંજ, બિરયાની, મેક્સિકન ટાકોઝ, કોપરાકચોરી, સેવનો દૂધપાક. ત્યાં હવે ક્યારેક ગૅસ પેટાવાતો નહીં. બહારથી પાઉં માખણ સૂપ આવી જતાં. હોઠ પરથી શબ્દો અદ્રશ્ય થવા લાગ્યા. હેં-હા-ના-શું-ના પડઘા અવારનવાર પડવા લાગ્યા. અજંપો, ઉચાટ જાણે ઘર કરવા આવી ગયા હતા. ચાર હોઠને ભેગા થવું હોય તો પણ વચ્ચે અંતરપટ આવી જતું હતું, પરંતુ એની કબૂલાત બેમાંથી કોઈ કરતું હતું, કરવા માગતું હતું. બેમાંથી એકને પેલા અંતરપટની જાણ સુદ્ધાં થઈ. અને ધારો કે ક્યારેક એવો કશોક અણસાર આવે તો એની વાત કોઈ કરતું હતું. એકે અક્ષર, એકે ઇશારો થઈ જાય એની કાળજી રાખીને બંને ચાલતાં. હૃદયમાંથી ઊઠતા ભાવ આંખોમાં જો સહેજ પણ ડોકિયાં કરવા માંડે તો બંને ઊભાં થઈ જતાં. કોઈ પ્લેયર ચાલુ કરતું, કોઈ ચોપડી લઈને બેસી જતું.

કલ્લોલ એક દિવસ બહારથી ચિઢાઈને આવ્યો હતો.

‘નાની નાની બાબતોમાં છમકલાં થયાં કરે કંઈ રીત છે ?’ ખુરશીમાં ફસડાઈ પડ્યો, તાપ પણ વધુ હતો. કશું પૂછ્યા વિના ઝુબેદાએ એના હાથમાં શરબતનો ગ્લાસ પકડાવી દીધો.

‘મેચમાં પેલાઓ જીત્યા એટલે તમારાવાળા ફટાકડા ફોડવા બેસી ગયા!’

ઝુબેદાને પોતાના કાન પર વિશ્વાસ આવ્યો.

‘કલ્લોલ, તું શું બોલ્યો ?’

કલ્લોલને કશો ખ્યાલ આવ્યો, ઝુબેદા બીજી વાર શા માટે પૂછે છે.

‘અરે, સામાવાળા જીતે તો કંઈ ફટાકડા ફોડાતા હશે ?’

‘ના... તું એવું નથી બોલ્યો. તું એવું બોલ્યો કે તમારાવાળા ફટાકડા ફોડવા બેસી ગયા. અમારાવાળા તમારાવાળા વળી શું છે ?’

આમાં તો મેં શું કહી નાખ્યું છે વળી ? તે કશુંક બોલવા જતો હતો પણ ચૂપ રહ્યો. ઝુબેદાએ પણ ત્યારે તો વાત વાળી લીધી.

એવામાં એક દિવસ કલ્લોલને કંપનીના કામે જામનગર જવાનું થયું. આમ તો આઠદસ દિવસનો મુકામ હતો. પણ ઝુબેદાને એના ગયા પછી બહુ ડર લાગવા માંડ્યો. છાપાં પણ એને બહુ બીવડાવી મૂકતાં હતાં. એટલે ચારેક દિવસ માંડ વીત્યાને ઝુબેદાએ તેને પાછો બોલાવી લીધો. કલ્લોલ પણ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત આવી ગયો. આંખોની ખોવાયેલી ચમક જાણે પાછી આવી ગઈ.

ઝુબેદા મનમાં ગીત ગણગણતી બેગ ખાલી કરી રહી હતી. અચાનક તેના કાને સાવ જુદો અવાજ પડ્યો. નહાતાં નહાતાં કલ્લોલ ગાતો હતો. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં. શ્લોક કોણ ગાતું હતું ? કલ્લોલના મોઢે તો કોઈ દિવસ સાંભળ્યો હતો. હશે... ત્યાં તો એની નજર બેગની અંદર પડી. ‘અરે વાહ !’ એણે લાલ અને લીલા રંગની રેશમી બાંધણી કાઢી. તે રોમાંચિત થઈ ઊઠી. રેશમનો સ્પર્શ તેની હથેળીઓને મહેંકાવી ગયો. દિવસો પછી હાથ ફોરી ઊઠ્યા, કોળી ઊઠ્યા. પણ હજુ બેગમાં બીજું શું છે ? એક ડ્રેસ કેમ ના નીકળ્યો ? અને કોના માટે ? જાતજાતના રંગના ચાંલ્લા કરવા કોરાં કંકુની દાબડીઓ હતી. કોઈએ મંગાવ્યું હોય એવું તો યાદ આવતું હતું... તો શું ? તો... ચોંકી ઊઠી. એને તરત યાદ આવ્યું. લગ્ન પહેલાં બંનેએ કેટલીક ચોખવટો કરી હતી. ‘જો કલ્લોલ, મેં ક્યારેય ચાંલ્લો કર્યો નથી. તારે મને ચાંલ્લાનું કહેવું નહીં. હા, દીવો કરવાની આદત છે ખરી.’ ત્યારે એના ખભા પકડીને કલ્લો નખરાળા સૂરે કેવું બોલ્યો હતો : ‘અરે મેડમ ઝુબેદાજી, શું બોલ્યાં ? તમારો ખાવિંદ ક્યારેય તમને ચાંલ્લો કરવા નહીં કહે. ખાત્રી રાખજો.’ અને કલ્લોલે ક્યારેય લગ્ન પછી ઝુબેદાને ચાંલ્લો કરવા કહ્યું હતું. ઝુબેદાને મનમાં ક્યારેક ક્યારેક થતું કે કલ્લોલ હમણાં કહેશે હમણાં કહેશે, આજે કહેશે, કાલે કહેશે, ‘અરે એક વાર બેપાંચ મિનિટ માટે તો ચાંલ્લો કર ને !’ પણ કલ્લોલ જેનું નામ, ના બોલ્યો તે ના બોલ્યો. એણે મોઢા પર બરાબરનું તાળું દઈ દીધું હતું.

તેને યાદ આવ્યું. એક દિવસ બપોરે તે એકલી હતી ત્યારે કાજળનો ચાંલ્લો કરવાનો તુક્કો અચાનક સૂઝ્યો. ઝુબેદા તો હતી ચમકચમક ચાંદની જેવી, એટલે આયનામાં જોતાં જોતાં તે કાજળનો ચાંલ્લો કરી રહી હતી ત્યારે કપાળ જોઈને આંખો મ્હોરી ઊઠી હતી. આવા ઝળહળ ઝળહળ થતા કપાળને જોઈને કયા પુરુષના મનની માછલીઓ સેલારા મારે ? ઝુબેદા ધારી ધારીને આયનો જોવા માંડી. હવે ચહેરો નહીં, માત્ર કપાળ... અને લો, હવે કપાળ પણ નહીં માત્ર બિંદી દેખાતી હતી..., બિંદી રહસ્યમય બનવા માંડી હતી. એમાં પ્રવેશી શકાય, વિહાર કરી શકાય... કાળી બિંદીમાં જાણે અનેકરંગી લોક હતા, પણ અચાનક શું થઈ ગયું ? બધું ધ્રૂજવા લાગ્યું. કશોક ઝાટકો લાગ્યો, જાણે હાથ તેના કહ્યામાં હતા, તરત બિંદી ભુંસાઈ ગઈ. બધા લોક અદશ્ય થઈ ગયા, ઝુબેદાએ ત્યાં પડેલા રૂમાલ વડે કપાળ લૂછ્યું. વેનિશિંગ ક્રીમ લગાડીને કપાળને સુવાસિત કરી દીધું. કાજળની કપુરી ગંધ જતી રહી અને ક્રીમની આછી આછી સુગંધ પ્રસરી ગઈ.

અત્યારે પણ તેની સામે અનેકરંગી કંકુ હતાં. કંકુ કપાળે જઈ પહોંચે તો ? ઝુબેદાના મનમાં ઘમસાણ શરૂ થયું. ઘડીભર તો થયું કે રાતે અચાનક ચાંલ્લો કરીને કલ્લોલ સામે ઊભી રહી જાય તો... કેવો ખીલી ઊઠે છે જોવાનું અને અનુભવવાનું મન થયું. તે કંકુની દાબડીઓ સામે તાકી રહી. થોડી વારે ઊભી થઈ. ક્યાંય જવાનું તો હતું નહીં પરંતુ ઝુબેદા પલંગ ઉપર પોતાનાં કપડાંનો ઢગલો કરીને બેઠી. બધું તળેઉપર કરવા લાગી. બેચાર ડ્રેસ છે, બેચાર સાડીઓ છે અને છેક નીચે જરદોસી ભરતનો એક ઘરારો પણ છે અને એની સાથે ઈકતપુરી પટોળું, રાતા મરુન રંગનું. તો શું પહેરું ?

તે ઊભી થઈ. બાથરૂમ પાસે જઈને પૂછ્યું : ‘કેટલી વાર હવે ?’

સ્ટોપર ખૂલી અને ત્યાં અવાજ આવ્યા, ‘બસ ડાર્લિંગ, થોડી વાર. મેલ બહુ જામી ગયો છે. માથું ધોઈને બહાર.’

હવે ઝુબેદાએ ઘરારો કાઢ્યો. આછો બદામી રંગ અને એના પર રૂપેરી ભરત... પહેરવા માંડી તો ઘરારો. તેને આયનામાં પોતાની છાયા ખૂબ વહાલી લાગતી હતી. બસ જોઈને કલ્લોલ પણ ઝૂમી ઊઠશે. ઝુબેદા ઝુબેદા કરતો દોડી આવશે. હૈયાનું બધું હેત સંબોધનમાં સીંચી દીધેલું હશે. હમણાં આવ્યો, હમણાં દોડી આવ્યો... અને તરત ભેટી પડશે, કાનની બુટ પર હોઠ ચંપાઈ જશે. અરીસામાં દેખાતી આંખોમાં આંખો મેળવશે અને પોતે ગીત ગણગણશે : જા તેરા આંખો મેં ઘર હૈ, જા તેરા આંખોમેં ઘર હૈ. રેશમી ઘરારો ભલે તેની ઉત્કટ ભીંસમાં ચોળાઈ જાય... પણ કલ્લોલ ક્યાં છે ? તેણે જોયું આયનામાં, તો કલ્લોલ બારણામાં હતો. પણ આમ તે જડાઈ કેમ ગયો છે ? કદાચ કમરથી ઉપલો ભાગ અંદર આવવા મથતો હતો અને કમરથી નીચલો ભાગ બહાર જવા મથતો હતો. ઝુબેદાએ પાછળ જોયા વિના આયનામાં જોઈ લીધું કે પેલા હેતનો કોઈ અણસાર અત્યારે તો દેખાતો નહોતો. આંખોમાં જરા કડવાશ હતી. ચહેરા પર ગંભીરતામાંથી થોડા કરડાકીપણાના ભાવ તરફની ગતિ હતી કે શું ? પણ મારો વહેમ તો નથી ને નક્કી કરવા તેણે તરત ઘરારો કાઢી નાખ્યો અને પટોળા પરનો બ્લાઉઝ પહેરવા માંડ્યો. હજુ તો એક બાંયમાં હાથ પૂરો પેઠો નથી ને કલ્લોલ ધસી આવ્યો નથી. પણ હવે એને આવકારવા ઝુબેદાની આંખો તૈયાર હતી. પછી તો તે દિવસે ઘરારો પહેરાયો, પટોળું.

ઝુબેદાએ અને કલ્લોલે જમતાં જમતાં ભાગ્યે કશી વાતો કરી. વચ્ચે વચ્ચે તેઓ એકબીજાં સામે નજર માંડી લેતાં હતાં, પણ કંઈ આંખોમાં આંખો પરોવવાની વાત હતી. જાણે કશી કસક પીડી રહી હતી. શરૂઆતમાં તો હૃદયના છેક તલવિતલમાં પડી હતી અને હવે તે આંખોમાં પ્રવેશવા માંડી હતી. જરા ફફડાટ થાય અને હૈયામાંથી કે આંખોમાંથી કસક જીભના ટેરવે આવી ચઢે તો ? કશુંક જાણે પીછો કરી રહ્યું હતું. હવડ હવેલીના કોઈ મોટા ખંડમાં ચામાચીડિયાની જેમ કશુંક પીછો કરતું હતું. બંને થથરી પડતાં હતાં, ભયનાં માર્યાં એકબીજાંને વળગી પણ પડતાં હતાં.

એવી કોઈ સાંજે તેઓ બંને બેઠાં હતાં. સાથે કે સામે ? અને તોય જાણે સાથે હતાં. બસમાં સાથે સાથે બેસતી બે અજાણી વ્યક્તિઓની જેમ બંને બેઠાં હતાં.

ઝુબેદાએ કલ્લોલની સામે જોવાનો પ્રયત્ન કર્યો, એની આંખોમાં મૂંઝવણ હતી. ‘કલ્લોલ !’ આખરે ઝુબેદાએ મૌન તોડ્યું.

‘આપણે બાળકનું નામ શું પાડીશું ?’

પણ પ્રશ્ન અચાનક ક્યાંથી ફૂટી નીકળ્યો ? સાંભળતાંવેંત તે ઊછળી પડવા ગયો, પણ તરત સંકોચાઈ ગયો.

‘એ તો પાછા બે પાડવાં પડે ને ? શું પાડીશું ?’

‘છોકરી આવે તો મહેરુન્નિસા અને છોકરો આવે તો કિરાત.’

કલ્લોલના ચહેરાની રેખાઓ ખેંચાઈ ગઈ. ‘છોકરીઓનાં નામ તો કેવાં રૂડાંરૂપાળાં પાડવાં જોઈએ. હિરણ્યા, શાશ્વતી, ઋજુતા, કૌમુદી, કુંદા... આટલાં બધાં સુંદર નામ છોડીને તને આવું નામ સૂઝે છે ?’

ઝુબેદાને અચાનક કોઈએ ડંખ ભરી લીધો. કલ્લોલ આવું કેમ બોલે છે ?

‘તારાં નામ તો બોલતાં પણ ફાવે નહીં એવા... હિરણ્યા... શાશ્વતી...’

‘અને મહેરુન્નિ બોલતાં ફાવશે ?’ ઝુબેદાને થયું કે હવે વાતનો વિષય બદલવો જોઈએ. ‘ચાલો, હમણાં તો વાત બાજુ પર મૂકીએ. પછીની વાત પછી.’

કલ્લોલના ચહેરા પર ફરી કરચલીઓ પડી, ‘અરે મને તો એમ કે...’

‘ના ભાઈ ના, કલ્લોલ, એક વાત કહું ? તોફાનોમાં... તોફાનોમાં હું તૈયાર નથી.’

‘એટલે ?’ કલ્લોલને ખ્યાલ તો આવી ગયો કે ઝુબેદા શું કહેવા માગે છે તે છતાં તેણે પૂછ્યું.

‘આ હિંસક, હડકાઈ બનેલી હવામાં મારે મા બનવું નથી.’

‘એમ ?’ કલ્લોલ ત્યાંથી એકદમ ઊભો થઈ ગયો. તેને થયું કે ઝુબેદા નાની વાતને મોટું સ્વરૂપ આપી રહી છે. ‘ઝુબેદા, કોઈ પણ સમયની હવા હિંસા વિનાની હોય છે ખરી ?... તો તો સંસાર ક્યારનો અટકી ગયો હોત ?’

મારી બીજી કોઈ દલીલ સાંભળવી નથી. જનમ તારે નથી આપવાનો, મારે આપવાનો છે... નવ નવ મહિના સુધી ગંધાતા વાતાવરણમાં જીવને ઉછેર્યા કરવાનો ?’

‘હાં તો ઝુબેદાબાનુ, પેલા તૈમૂર લંગ અને મહંમદ ગઝની ચઢી આવ્યા ત્યારે શું હિંદુ સ્ત્રીઓ પતિઓને પાસે ફરકવા નહોતી દેતી ?’

‘બસ... ભાઈ બસ કર... અને હમણાં તો મારે નાવણને પણ વાર છે.’

બંનેએ ત્યારે તો વાતને વાળી લીધી. પણ સાવ મૂગાં તો રહ્યાં નથી. આંખો બોલતી હતી, શ્વાસ બોલતા હતા, હૃદયના ધબકાર બોલતા હતા, વાણી ચામડીનાં છિદ્રોમાંથી વહેતી હતી અને આમ આછું આછું બોલતાં રહ્યાં વચ્ચે વચ્ચે મૂગાં થતાં રહ્યાં.

એક રાતે બંને થાકીપાકીને પથારીમાં પડ્યાં. ઝુબેદાએ પાતળો, બાંય વિનાનો ગાઉન પહેર્યો હતો... રાતે સૂતી વખતે પથારીની ચાદર પર સાવ આછું અત્તર લગાવવાની આદત ઝુબેદાને હતી અને કલ્લોલને પણ ઝુબેદાએ કેળવ્યો હતો. પછી તો કલ્લોલનેય એની આદત પડી ગઈ હતી. અત્યારે હીનાની સુગંધ આવી રહી હતી. કલ્લોલની સામે ઝુબેદાની લહેરાતી ફોરાતી કાયા હતી. એના ઉચ્છ્વાસોની બાષ્પ, એની છાતીની ધડકનોનો અવાજ અનુભવાતો હતો.

ઝુબેદા તેના હોઠ પર આંગળીઓનું રેશમ ફેરવતાં બોલી, ‘ચાલો, આપણે કોઈ ફિલ્મસંગીત સાંભળીએ.’

હજુ વધુ નજીક સરકી રહેલો કલ્લોલ અટકી ગયો... ઝાંખા અવાજે બોલ્યો, ‘બોલ, શું સાંભળીશું ?’

‘ચાલો, આજે તો ઝુબેદા મનમાં સુરૈયાનું સાંભળીએ... મનમોર... મનમોર હુઆ મતવાલા... કિસને જાદુ ડાલા.... કિસને જાદુ ડાલા રે... બોલ, તારી કઈ ફરમાઈશ છે ?’ સુરૈયાનું ગીત ગણગણતી હતી અને ત્યાં જરા બેસૂરો અવાજ નીકળ્યો... ‘બાદલોં કે પાર જા... જા... બસા લે નયા સંસાર જા જા બસા લે નયા સંસાર...’

‘આ તો તારી માનીતી ગીતા આવી.’

‘કેમ, તારી માનીતી નથી ?’ કલ્લોલ આગળ બોલતાં બોલતાં થંભી ગયો. પેલા આછા પારદર્શી ગાઉનમાંથી દેખાતી કાયાનો જાદુ ઓછો થઈ ગયો લાગે છે... તેણે ઝુબેદાની આંખો સામે જોયું. જે છે તે આંખોમાં લાવવા, હૈયામાં જે છે તે હોઠે લાવવા શું કરવું જોઈએ ? તેને અચાનક વિચાર આવ્યો. ચહેરા પર નરી હળવાશ લાવીને તે બોલ્યો, ‘ચાલો, આપણે બીજી રમત રમીએ... તને ગમતી પાંચ અભિનેત્રીઓનાં નામ આપ જોઈએ....’

‘કેમ, આજે આપણે રાત હિંદી ફિલ્મોમાં વીતાવવાની છે કે શું ?’

‘ના... તો જરાક...’ કલ્લોલની આંગળીઓ ફરી ઝુબેદાના હોઠ પર ફરવા માંડી. વધુ નજીક સરક્યો. એના હાથ રમત કરવા લાગ્યા, ‘અરે કુછ તો બોલો, કુછ તો બોલો...’

આજે પહેલી વાર ઝુબેદાને કલ્લોલનો ડર લાગવા માંડ્યો. કયો કલ્લોલ હશે ? ને તોય તે બોલવા માંડી, ‘મીનાકુમારી... નરગીસ... મધુબાલા. નિમ્મી... અને... અને વહીદા રહેમાન...’ છેલ્લું નામ સાંભળતાં વેંત કલ્લોલના હાથની રમત અટકી ગઈ. તે જરા દૂર સરકી ગયો. તેને લાગ્યું કે ઝુબેદા પકડાઈ ગઈ. તેના હૃદયમાં જે હતું તે બહાર આવી ગયું... સાથે સાથે તેને પોતાનું હૃદય ચિરાતું લાગ્યું.

ઝુબેદાએ કલ્લોલની સામે જોયું... તેનો ખભો પકડીને પોતાની પાસે ખેંચ્યો... લો મેં હારી પિયા...’

હવે ઝુબેદાને થયું કે ખરેખર કલ્લોલ ભોળે ભાવે પૂછ્યું હતું કે કોઈ રમત માંડી બેઠો હતો ? ચાલ, એની રમતનો ઉપયોગ હુંય કરું એમ વિચારીને તે બોલી, ‘ચાલ ત્યારે તું તારા પાંચ અભિનેતાઓનાં નામ આપ જોઉં.’

કલ્લોલ તો એક્કી શ્વાસે બોલી ગયો... ‘હા... હા... લો... અશોકકુમાર, રાજકપૂર, દેવઆનંદ, ગુરુદત્ત, અમિતાભ...’

નામ પૂરાં કરીને કલ્લોલ સીટી વગાડતાં વગાડતાં ઝુબેદા સામે તાકી તાકીને જોવા લાગ્યો. જાળ બરાબર બિછાવી હતી. કરોળિયાના જાળામાં ક્યાંક કશું કેવી રીતે ફસાઈ જાય તેની ઉત્સુકતા જાણે બંનેની આંખોમાં ઊમટી આવી હતી. પણ તરત બંને ચોંકી ઊઠ્યાં. કોઈ જુદા પ્રકારની સોગઠાંબાજી ચાલી રહી હતી... જીવ પર આવીને પાસા ફેંકાઈ રહ્યા હતા.

ઝુબેદાને થયું કે કલ્લોલને હવે વારવો પડશે. પણ માત્ર તેને વારવાનો હતો ? મારા મનના કોઈ ખૂણામાંય કશું ભરાઈ તો નથી ગયું ને ? અને ધારો કે ભરાયું હશે તોય અસાવધપણે ભરાઈ ગયું હશે ને ? હવે વાત આગળ ચાલશે તો વધુ ફુત્કાર, તણખાના અનુભવો થાય પણ ખરાને ઝુબેદા થથરી ઊઠી. ફરી બંને ચુપચાપ પડી રહ્યાં.

બહાર તોફાનો ફેલાતાં રહ્યાં. હવે ઝુબેદાને ભય લાગવા માંડ્યો. અગન લકીર ધર સુધી આવી પહોંચે તો ? પછી પડખે ઊભું કોણ રહેશે ? બધા છેડા ફાડીને તે તો અહીં આવી પહોંચી હતી. નિર્ણય કરવામાં કશીક ભૂલ તો કરી બેઠી હતી ને ? અત્યારે તો ડાબો હાથ જમણાને નથી ઓળખતો ને જમણો હાથ ડાબાને નથી ઓળખતો. પછી તો ડાબો જમણા પર વાર કરે અને જમણો ડાબા પર વાર કરે જમણો ડાબો ડાબો જમણો ડાબો જમણો જમણો ડાબો. ડાબી આંખ જે શ્વેત રંગ જોતી હતી તે જમણી આંખને શ્વેત લાગતો નહોતો ? ડાબી આંખ જમણી આંખ વિશે કંઈક જુદું કહેતી હતી ? આંખ જે જોતી હતી તે કાનને સંભળાતું હતું ? એનું રૂપાંતર શ્રુતિમાં કંઈક જુદું થતું હતું ? ઝુબેદાએ દરમિયાન કશોક નિર્ણય કરી લીધો અને દિવસો, અઠવાડિયાં વહેવા લાગ્યાં.

એક દિવસ ઝુબેદા વહેલી ઊઠી. આમ તો બંનેનો ઊઠવાનો સમય હતો સવારે સાત. પણ બંને પથારીમાં પડી રહેતાં. સામસામે જોતાં જોતાં રેડિયો કે ટેપ સાંભળ્યા કરતાં. ક્ષણો દરમિયાન તેઓ ભાગ્યે કશી વાતો કરતાં. ક્યારેક ક્યારેક એકબીજાંની સ્પર્શલિપિઓ ઉકેલાતી. ઝુબેદાએ અવાજ થાય એની બહુ સાવધાની રાખી હતી પણ કશીક પ્રસન્નતા એને વચ્ચે વચ્ચે અસાવધ બનાવી દેતી હતી એટલે કલ્લોલને ખ્યાલ તો આવી ગયો કે ઝુબેદા ઊઠી ગઈ છે. તેના કાને શાવરનો અવાજ આવ્યો એટલે ચોંક્યો. હજુ તો વાગ્યા છે અને ક્યાંય જવાની વાત તો હતી નહીં.

ઝુબેદાએ આજે કાંથા રેશમી સાડી પહેરી, બે સેર ગૂંથી. આયનામાં જોયું. કશુંક ખૂટે છે કે શું ? આવા સરસ મોં પર કશોક નિખાર લાવવાનો બાકી હતો. અચાનક તેને થયું કે લાવ ચાંલ્લો કરી જોઉં. નીચેના ખાનામાં પડેલી દાબડીઓમાંથી જાંબલી રંગના કંકુની એક દાબડી કાઢી. મોં સામે જોતાં જોતાં ચાંલ્લો કર્યો, હાથ હતો તો પોતાનો પણ એને દોરતું કોણ હતું ? હા, લો હવે વાત બની. કેટલો સરસ રંગ છે ? મોં કેવું ઝગમગ ઝગમગ થઈ ગયું. હવે તેણે મેડિકલ કોટન લીધું અને તેમાંથી દિવેટ બનાવી. છીછરી વાટકીમાં મૂકી ઘી પૂર્યું અને દીવો પ્રગટવીને પાણિયારે મૂક્યો. ફરી આયનામાં જોવા લાગી. હજુ કલ્લોલ સળવળ્યો હતો. તે પલંગ પર આવી. ‘ગજબનો ઊંઘ્યા કરે છે.’ રેડિયોની સ્વીચ દાબી, કોઈ ભજન ચાલતું હતું.

કલ્લોલની આંખ બંધ હતી. તે નજીક સરી. હવે જો તે આંખો ખોલે તો કાંથા રેશમી સાડીમાં ચાંલ્લાવાળી ઝુબેદાને જોશે. ઊજળો વાન, કપાળે જાંબલી કંકુ... મધ્ય કાળમાંથી ભૂલી પડેલી કોઈ નાયિકા જાણે ! કલ્લોલના નાકે તેની આંગળીઓ રમવા લાગી. તે હજુ નજીક સરી... શું ? એટલો બધો જડ બની ગયો છે કે હું નાહીને આવી છું અને ફ્રીજમાં મૂકી રાખેલો મોગરો માથે પરોવ્યો છે એની કોઈ સુવાસ પણ એને જગાડતી નથી ? એના ગૂંચવાઈ ગયેલા વાળ તે સરખા કરવા લાગી. ફરી પાછી તે એના હોઠ પર આંગળી મૂકવા જતી હતી અને ત્યાં કલ્લોલે આંખો ખોલી.

‘ઓહ, તો તું જાગતો પડી રહેલો ! લુચ્ચા!’

કલ્લોલે ઝુબેદાનું ઝળુંબી રહેલું મોં જોયું અને સફાળો ઊભો થઈ ગયો.

‘આ શું ઝુબેદા ? મને આવો... આવો ધારી લીધો ? લાવ, હું ભૂંસી નાખું ચાંલ્લો.’

‘ચૂપ, એવું બોલાય.’ ઝુબેદાએ તેને પલંગ પર ખેંચી લીધો.

‘ઝુબેદા, આપણી તો વાત જુદી છે. આવા શણગાર કરવાની કોઈ જરૂર નથી.’ કહીને તે ઝુબેદાના મોંને જોતો રહી ગયો, ‘પણ લાગે છે તો તું સુંદર.’ કહીને તેણે ગાલ પર ચુંબન કરી લીધું.

‘હા હવે સાંભળ. મારી વાત સાંભળીને તો તું અહીંથી ઊભો નહીં થાય.’

‘એમ ?’

‘હાસ્તો. આજે મને ત્રણ દિવસ ઉપર થઈ ગયા છે.’ અને કલ્લોલ સાંભળીને જે વરસી પડ્યો જે વરસી પડ્યો...

[ ‘ખેવના’, જૂન ]

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી નવલિકાચયન 2004 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ભરત નાયક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2006