Aa samay pan vahi jashe - Short Stories | RekhtaGujarati

આ સમય પણ વહી જશે

Aa samay pan vahi jashe

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
આ સમય પણ વહી જશે
રઘુવીર ચૌધરી

ઘાસથી ઢંકાયેલા ખાબોચિયામાં પગ મૂકીને ઊભા રહ્યા. પાણી પર તરતાં લીલાં સૂકાં તરણાં તો અત્યારે એમને દેખાય એમ હતાં. વાડામાંના કોઈ અનામી ફૂલની સુગંધ સતત પલળવા છતાં ફુગાઈ ગયેલા ઘાસની ગંધ સાથે ભળવા માટે ખાબોચિયા પર સ્થિર થઈ હતી. પણ એમણે બાજુમાં જોયું. કેડી પકડીને સીધા જવું કે સડકનો રસ્તો લેવો ?

નક્કી કર્યા વિના ચાલવા લાગ્યા. હજુ રસ્તો ફંટાય ત્યાં સુધી પહોંચવા માટે થોડા ડગલાં ચાલવાનું હતું. વાડના કોઈ અજાણ્યા ફૂલની સુગંધ પાછળ રહી જાય ત્યાં સુધી. ઘડિયાળનો કાંટો ઊલટી ગતિએ ફરે એમ ચાલતા હતા. જેટલાં ડગલાં આગળ વધતા હતા એટલાં ડગલાં પાછળ પડી જતા હતા. ઘાસ હતું, પાણી હતું, વાડ હતી, છોડવા હતા, કોઈ કોઈ વાર ફરકી જતી હવા હતી, પણ જે કંઈ હતું અંધારામાં હતું. અંધારામાં જોતા હતા, અંધારાને જોતા હતા.

નક્કી કર્યા વિના કેડી ભણી વળી ગયા હતા. થોડી વારમાં ખેતરનો શેઢો આવી જશે. એમને એકાએક ખ્યાલ આવ્યો કે અત્યારે શેઢે શેઢે ચાલવું જોઈએ. ગૂંચવાઈ ગયેલા ઘાસ નીચે ક્યાંક ભંફોડી હોય, ખડચીતરો હોય, દેખાય નહીં અને એના પર પગ મુકાઈ જાય... ડોસા ફાનસ આપતા હતા. પણ વરસાદ પાછો શરૂ થાય અને ફાનસ ભભકવા લાગે. જતી વખતે બૅટરી લેતા જવાનું ભૂલી જવાયું. ડોસાની વાત સાચી હતી. બાબાને સખત તાવ હતો. ફક્ત તાવ હતો. શ્વાસ લેતાં લેતાં ધ્રૂજતો હતો. રડી શકતો હતો. હીરા બહાર આવી નહીં. એકાએક બાજુમાં મૂકેલ ફાનસ તરફ ધ્યાન ગયું હતું. ભભક્યું હતું. તો પછી એના ભભકવા જેવો શેનો અવાજ હતો ?... હીરાનું ડૂસકું ?.. ડૉકટર થવાનું કેમ સૂઝયું નહીં ? થોડાક જાણીતા રોગોનો પ્રાથમિક ઇલાજ જાણીને ભોળા ગામલોકોને પોતે ભ્રમમાં નાખ્યા છે... પણ અત્યાર સુધી તો સહુને ફાયદો થયો છે. લોકોને વિશ્વાસ છે. વિશ્વાસ મૂકવાનું જોખમ સમજતા નથી. ડોસાને સાફ કહ્યું સારું કર્યું - ગોળીઓની અસર થાય કે થાય, વહેલી સવારે ડૉકટરને બોલાવી લાવજો, અથવા મને કહી જજો, હું બોલાવી લાવીશ. મોટર સાઈકલ પર બેસાડી લાવીશ હીરાને કહેજો બાબાની ચિંતા કરે. એમ પૂછ્યું હતું કે ક્યાં ગઈ છે? બાબાને શરદી હોય એવું બને? છાતીમાં કફ ભરાઈ ગયો હોય....

એક પાતળો સળવળાટ થયો, કૂદીને એમણે શેરડીનો છોડ પકડી લીધો. છોડ નમી ગયો અને પડતાં પડતાં રહી ગયા. પાછળ મુકાઈ ગયેલો જમણો પગ પોચી માટીમાં ઊતરી ગયો હતો. પગ બહાર કાઢીને એમણે શેરડીનો સાંઠો મૂકી દીધો. બીજા છોડવાઓ સાથે અથડાયો. પાંદડીઓએ અવાજ કર્યો; બીજા કોઈ અવાજ જેવો લાગે એવો અવાજ..

એમણે પગ ઉપાડ્યા અને ક્ષણમાં તો ક્ષણ પહેલાં જે થયું હતું એવું કશુંય થયું હોય એમ ચાલવા લાગ્યા. ગતિ સ્વાભાવિક હતી. પંખો ખૂબ ઝડપે ઊપડે ત્યારે કોઈ વાર એવું લાગે કે જાણે ઊલટી ગતિએ ફરતો હોય! એમને અસ્વાભાવિક ગતિનું અચરજ હતું. હમણાં હમણાંથી કશાયનું અચરજ થતું નથી. હવે શેરડી અને બાજરીના વાવેતર વચ્ચેનો ઢાળિયો આવી ગયો હતો. ઢાળિયો ચણેલો હતો છતાં ઘાસ હતું. ખૂબ ઘસારાવાળી સપાટી પર ઘાસ ઊગતું નથી. ઉષ્ણતા પણ બેહદ વધી જાય તો સ્થિતિમાં આગ લાગતી નથી. ઘાસ ઊગતું હોય અને આગ લાગતી હોય તો અચરજ ક્યાંથી જાગે?

ઝીણી ઝરમર શરૂ થઈ. હમણાં કલાક પહેલાં તો ધારદાર ઝાપટું પડી ગયું હતું. ફક્ત ઝાપટાની યાદ આપીને ઝરમર અટકી ગઈ. પછી પણ એમણે ઊંચે જોયું. આકાશમાં ઘણાં વાદળ હશે. તારા નહીં હોય, નહીં તો ઢાળિયામાં ક્યાંક ક્યાંક ટકી રહેલા પાણીમાં એમનાં પ્રતિબિંબ દેખાય. પાણીને પવન અડે અને એમાંનું આખું આકાશ કંપી ઊઠે. થોડા અમથા પાણીમાં એક આખો આકાશકંપ જોવા મળે. તે રાતે કોણ જાણે શું થયું કે તારકોનાં પ્રતિબિંબ લાલ દેખાયાં, જાણે કે આગિયા, આગિયાની ચમક લાલ હોય છે. કોઈ રડતી કન્યાની આંખના ખૂણામાં

એકઠી થયેલી ચમક જેવી...

ડાબા હાથમાં પકડેલા રેઇનકોટ સાથે બાજરીની પાંદડીઓ ઘસાતી હતી એમને ગમતું હતું. સામેથી કંઈક નાસવા લાગ્યું હતું. અચરજ હતું એમ ભય પણ હતો. હવે આંબલીપીંપળીની છેક નજીક આવી ગયા હતા. એમની નીચેનું અંધારું વધુ ઘેરું હતું. શિયાળની લાળી જેવું કંઈક ચમક્યું અને સળવળી ઊઠેલા અંધારામાં પાછું ઢંકાઈ ગયું. ઢંકાઈ ગયા પછી પણ જાણે કે ખાડિયા તરફ જતું હોય એવો ભ્રમ થયો. ખાડિયું છે ત્યાં પહેલાં કૂવો હતો. કૂવો, જે પુરાતાં પુરાતાં ખાડિયું બની ગયો. અહીં મજૂરી કરવા આવતા ગામલોકો એને ખાડિયું કહે છે, તો કંઈ કહેતા નથી. એમને યાદ છે કે પીંપળી એક વાર નાની હતી. આંબલી તો પહેલાંથી આવી છે. કદાચ પહેલવહેલી જોઈ ત્યારે છે એનાથી મોટી લાગતી હતી. હીરા એના કાતરા પાડવા ઉપર ચડતી. બાજુમાં ખાડિયું છે એની એને બીક લાગતી, કારણ કે ત્યારે નાની હતી. એક વાર એની માએ એને ધમકાવીને ચેતવી હતી, આંબલીના મૂળિયામાં સાપનો રાફડો છે. સાપ મજૂરોએ ઘણી વાર જોયો છે. કોઈને કરડતો નથી. હીરાના બાપા-ડોસા નાગપંચમીએ નાળિયેર ચડાવવા આવ્યા હતા. કહેતા હતા હીરા આવી છે. પૂછતી હતી, સાહેબની તબિયત કેવી છે ?... તે દિવસ સડક પર એના ગામને રસ્તે એના જેવું કોઈ જતું હતું. મોટરસાઈકલ પર આવતાં આવતાં એની પીઠ જોઈ હતી. પણ એના હાથમાં બાળક હતું. હીરાના હાથમાં બાળક હોય રીતે એને કદી કલ્પી હતી. ઓળખવા છતાં હું પસાર થઈ ગયો એવું તો એને લાગ્યું નહીં હોય ? અને એનું ધ્યાન હોય તો પણ મને, મોટરસાઇકલને ઓળખે એવું બને ? તે દિવસ બાબાને ઘેર મૂકીને ડોસા સાથે આવી હતી, ચાર લેવા. માન્યું કે મળીને જશે. હું તરફ ગયો નહીં. ચાલી ગઈ તે પછી ખબર પડી કે હાલ ગઈ. એની પીઠ દેખાતી હતી. કેમ યાદ આવ્યું, એના બાબા માટે કંઈક લાવી આપવું જોઈતું હતું. સવારે ડૉકટરને બોલાવવા જવાનું થાય તો રમકડાં લેતો આવું. પણ દુકાનો એટલી વહેલી ખૂલતી નથી. ડૉકટરને મૂકવા જઈશ ત્યારે લેતો આવીશ. બાળકોને માની છાતીની હૂંફ મળે. રમકડાં મળે. બીમારીમાંય રમકડાં જોઈને બાળક રમવા લાગે અને રમતાં રમતાં સાંજ થઈ જાય. બાબો બીમારીમાંય સુંદર લાગતો હતો. હીરાના ચહેરાનો વારસો મળ્યો છે એને. હીરાનો પતિ કેવો હશે ?... ડોસા કહેતા હતા મિલમાં મુકાદમ છે. અઢાર રૂપિયા તો ઓરડીનું ભાડું આપે છે. પહેલાં ડ્રાઈવર હતો. અત્યારેય કોઈ રાતે કોઈ શેઠિયાને જરૂર પડે તો બોલાવે. પચીસ-ત્રીસ રૂપિયા મળી જાય. પહેલાં પીતો, હવે તો એણે હિરાના સોગંદ ખાધા છે... ડોસાને પણ વાતવાતમાં હીરાના સમ ખાવાની ટેવ, હીરાની માને પણ, એક વાર પોતાનાથી પૂછાઈ ગયું હતું. સાચી વાત કરો છો ડોસા ? હીરાના સોગંદ ?...

ઘુવડ બોલ્યું. વાતાવરણમાં એના અવાજની કર્કશતા થોડી વાર માટે ખલકાઈ રહી. આકાશની વચ્ચે અગિયારશ-બારશનો ચંદ્રમા ડોકિયું કરી ગયો. ચાંદનીના એક મોજામાં તો આંબાવાડિયાના નાના નાના ઘુમ્મટોની પેલી બાજુ મકાનની કોર પણ દેખાઈ ગઈ. ચાંદનીના એક મોજા પછી જાણે ઘડિયાળનો કાંટો સીધી ગતિમાં ફરતો થઈ ગયો. કશીક રાહત થઈ. અને આંબાવાડિયામાંથી પસાર થતાં થતાં એક મિત્રે અંધારામાં દેખાતા વૃક્ષ માટે કહેલી પંક્તિ યાદ આવી - રિધમ ઓફ ડાર્કનેસ... મેંદીની વાડને ઓળંગીને એમણે મકાન આગળના નાના બાગમાં પગ મૂક્યો. રાતરાણીની ભીની સુગંધ બેત્રણ ડગલાં સુધી એમની સાથે આવી. પગથિયાં ચડીને એમણે અંધારામાં ખીંટી પર રેઈનકોટ ભરાવ્યો. લાઇટ કરી અને ચાવી શોધવા ગજવાં ફંફોસવા લાગ્યા. દરમિયાન બારણાની સાખની જમણી બાજુએ દીવાલ પર લાલ પેન્સિલથી વાંકીચૂકી લાઇનમાં ઘણા સમય પહેલાં લખાયેલું એક વાક્ય એમનું ધ્યાન ખેંચી ગયું. પહેલા શબ્દ પર નજ૨ ગઈ કે આખું વાક્ય આપોઆપ ઊપસી આવ્યું - સમય પણ વહી જશે.'

ચાવી જડી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તાળું માર્યું નથી. એમને મનોમન હસવું આવ્યું. અને તુરત, આમ હસવું આવ્યું સમજાયું નહીં... કશુંય થઈ શકે એમ લાગતું હતું. છતાં કપડાં બદલ્યાં, હાથ-પગ ધોયા. સૂતાં સૂતાં વાંચવાની આદત હતી. પ્રમાણે પુસ્તક લીધું. પણ પુસ્તક ખોલી શકાયું નહીં. બાજુમાં ટેબલ પર ટ્રાન્ઝિસ્ટર પડેલું હતું. હાથમાં લઈને બેત્રણ સ્ટેશન બદલ્યાં. બેત્રણ સ્ટેશન વગાડતા હોય છે. અવાજ થતો હતો તેથી ખ્યાલ આવ્યો કે સ્વિચ ઑન કરી નથી. વખત મનોમન હસી શક્યા નહીં. ટ્યુન મેળવવા લાગ્યા. એક લોકગીત અધવચ્ચેથી સંભળાવા લાગ્યું. પણ એમણે બટન દબાવીને ગીત અટકાવી દીધું. ગીતની પહેલી પંક્તિ એમને યાદ આવી ગઈ હતી. પછી થયું કે શા માટે ગીત વાગતું અટકાવ્યું? શા માટે? ફરીથી ટ્રાન્ઝિસ્ટર ચાલુ કર્યું. ગીત વાગી ચૂક્યું પણ ક્યારે પૂરું થઈને વીતી રહેલી ક્ષણો સાથે ભૂતકાળમાં ભળી ગયું એની એમને ખબર રહી. અને એમને ખબર રહી ને એક બીજા અવાજમાં ગીત એમને સંભળાવા લાગ્યું - “સાહ્યબા, હું તો તાંબાની હેલે પાણીડાં નઈ ભરું. સાહ્યબા મને...’ સંભળાવા લાગેલો અવાજ દૂર ને દૂર જતો ગયો અને દૂરથીય એમને સંભળાતો રહ્યો. પછી ગીત ગાનારે પાછે પગલે ચાલવા માંડ્યું અને એમને બારતેર વર્ષની એક છોકરી એનાં માબાપ સાથે ખેતરમાં કામે આવતી દેખાઈ. પછી દરરોજ આવવા લાગી. એક દિવસ તો એમણે પાસે જઈને કહ્યું - આવી નાની છોકરીને નિશાળે મોકલવાને બદલે તમે કામે લાવો છો? જવાબ બીજું કોઈ આપે પહેલાં નાની હીરાએ આપ્યો હતો - હું ક્યાં નાની છું? મને બધું કામ આવડે છે. અને પછી ઊંચું જોઈને સાહેબ સામે જોતાં સહેજ શરમાઈ હતી અને ખિલખિલ હસી પડી હતી.

પછી સામે મળે તો હસી પડતી. ભાગ્યે શરમાતી, હસી પડતી. કદાચ સ્મિત કે હાસ્યને લીધે એનો ચહેરો લાલ થઈ જતો, કદાચ શરમથી. પણ એના ઊજળા દાંત અને ચમકી ઊઠતી આંખો.... દર વખતે એકસરખી નિર્દોષતા... છોકરી કેટલી સુખી હશે, આટલી ખુશમિજાજ... એક વાર એની માએ ટોકી હતી, સાહેબને ખોટું લાગે, એમની સામે જોઈને આમ હસાય. અને બીજી વાર હસી પડી હતી - પહેલી વાર કરતાંય જાણે વધુ નિર્દોષ.... હવે જ્યારે જ્યારે હરતાંફરતાં વાડ પર ખીલેલાં અપરાજિતાનાં ફૂલ દેખાતાં, ઊજળા દાંત અને ચમકી ઊઠતી આંખો દેખાતી. અને એને જોતાં વાડ પર ખીલેલાં ફૂલ યાદ આવતાં. પછી સહેજ અમથા પવનથી પણ ફૂલ પાંદડાં ભેગાં ભળી જતાં. મજૂર ગંભીર થઈને કામે લાગી જતાં અને ગંભીરતામાં નાની હીરાનું હાસ્ય ખોવાઈ જતું. વાડ સામે જોતા જોતા મકાન તરફ આવતા અથવા આંબાવાડિયામાં જતાં.

હીરા એનાં માબાપ સાથે દરરોજ કામે આવતી પણ એનાં માબાપની જેમ સાહેબથી ડરતી નહીં. સાહેબને પુછાય - પુછાય એવું કંઈ સમજતી નહીં. અને સમજતી ગાળામાં કોઈ કોઈ વાર આવીને બેઠકરૂમ અને અંદરના રૂમની સાફસૂફી કરી જતી. મકાનનાં કબાટો અને દીવાલોનાં વખાણ કરતી, હીંચકાનો સળિયો પકડીને ઊભી રહેતી, અને કંઈક સૂઝે તો પૂછતી. દિવસો વીતતાં કબાટો અને દીવાલોની એને નવાઈ રહી. તેથી કોઈવાર ચોપડી ખોલીને ચિત્ર જોવા લાગતી, કોઈ વાર કેલેન્ડરના ડટ્ટા પરથી એકબે પાનાં ફાડતી અને કહેતી કે હું બે ચોપડી ભણેલી છું, ત્રીજીમાંથી ઊઠી ગઈ... પછી ભૂખ લાગી છે એમ કહીને એક બિસ્કિટ ખાતી. નવી બંગડીઓ પહેરી લાવી હોય તો બતાવી અભિપ્રાય પૂછતી. વેળાસર જવાબ મળે તો પોતે વખાણ કરી લેતી, અને ટ્રાન્ઝિસ્ટરની કિંમત પૂછતી. કૅમેરા સામે જોઈને પૂછતી - ‘પેલું શું છે?’ ‘કૅમેરા.’ ‘કૅમેરા? આવો નાનો? તો મોટો હોય. મારો ફોટો એમાં પડે ખરો?” “ના, તું પાંચ વરસની બેબી થઈ જાય તો પડે.” “ના, ના. આખા ખેતરનો ફોટો પડે. મારો ફોટો પાડજો, ખરચ આલીસ. ‘પાડીશ કોઈવાર...’

શિયાળો વીતી જતાં હીરા ઓછું આવતી. ઉનાળામાં ખેતરનું કામ ઘટી જતું. આંબાવાડિયાની દેખભાળ પહેલેથી હીરાના બાપા કરતા. એમની સાથે અથવા કોઈ વાર સવારે ડોસા દૂધ આપવા આવી શકે ત્યારે દૂધ લઈને આવતી. કોઈ વાર સાંજે ભેંસ માટે કશુંક લીલું લેવા આવતી. પથ્થર મારીને એક કાચી કેરી પાડતી અને પગથિયાં પર બેસીને ખાતી.

પગથિયાં પર બેસીને કાચી કેરી ખાતાં ખાતાં એણે પૂછ્યું હતું ‘હવે હું નિશાળે જઈ શકું? મોટી થઈ ગઈ નઈ? બે ચોપડીઓ ભણતાં ભણતાંય હું તો કંટાળી ગયેલી. તમે કેમ માસ્તર થયા? તમે તો બહુ ભણેલા છો?’

હીરા સામે જરાક જોઈ લઈને પાછા વાંચવા લાગી ગયા હતા. પણ બીજે દિવસ તો એક તૂટેલી સ્લેટ લઈને આવી. ‘મારે ભણવું છે.’ ‘પણ ભણાવશે કોણ ?' ‘તમે.’ ‘હું કંઈ નવરો નથી.’ ‘તો હુંય કયાં નવરી છું? નહીં ભણાવો તો નઈ આવું. વળી હું તમારું કામ નથી કરતી ?' ‘પણ તું નથી આવતી ત્યારે મારું કામ ક્યાં અટકે છે?’ ‘તો તમે નહીં ભણાવો? મારી માય ના પાડતી હતી.'

સ્લૅટ પછાડીને ચાલી ગઈ હતી. પછી ખાડિયા પાસે જઈને રડવા લાગી હતી. એમને ગમ્મત સૂઝી હતી. એક બિસ્કિટ લઈને ગયા હતા. ઊભી હતી અને એની બા બાજુમાં બેઠી બેઠી છીંકણી તાણતી હતી. સાહેબને જોઈને બોલી હતી ‘મૂઈ ગાંડી, હજીય કશી સાન આવતી નથી.’ મેં કહ્યું'તું ‘સાહેબ કંઈ નવા નથી.’ ‘એવું તો કંઇ નથી પણ હવે ભણીને શું કરશે?' સાંભળતાં રડવાનું પડતું મૂકીને ગુસ્સે થઈને બોલી હતી - ‘તો તમે શું કરવા ભણ્યા ?’

એમની પાસે કશો જવાબ હતો. હીરાના કહેવાથી પોતે ભણેલા હોય એવું એમને લાગવા માંડ્યું. બીજે દિવસ શહેરમાં જઈને એને ભણાવવાની બધી સામગ્રી ખરીદી લાવ્યા હતા... ...પાંચ-છ માસમાં તો મોટા અક્ષરોમાં છપાયેલી વાર્તાઓ વાંચવા લાગી ગઈ. હાસ્યની ચોપડીઓ એને ગમતી. વાંચતા વાંચતા ખડખડાટ હસી પડતી. એના દાંત એટલા ઊજળા હતા પણ એની નિર્દોષ આંખોની ચમકમાં આછું આછું ઊંડાણ લાગવા માંડ્યું હતું એમને. હીરાના ચહેરા પર અહેસાનનો ભાવ જોતા. પણ એની હીરાને ખબર હતી. એને ખબર હતી અને દિવસો, અઠવાડિયાં, મહિના, મોસમો વીતતી. અને ગીત ગાતી. એમને લાગતું કે એનો અવાજ કંઇક બદલાવા લાગ્યો છે. હા, એનો અવાજ બદલાવા લાગ્યો હતો. પંદર-સોળ વર્ષની ઉંમરે અવાજ બદલાવા લાગે છે, ખાસ કરીને ગામડામાં ઊછરતી છોકરીઓનો. વિશે એમણે કશો વિચાર કર્યો હતો, પણ હવે હીરાને વધુ ભણાવવાની ના પાડતા હતા. કારણ કે હજીય એટલી તો નિર્દોષ હતી, એટલી તો તોફાની હતી... તોફાની હતી એથી વધુ નિર્દોષ હતી. હવે લગભગ જાતે ભણવા લાગી હતી. આરામખુરશીમાં બેઠા બેઠા વાંચતા અથવા દૂર દૂર જોઈ રહેતા. અથવા કંઈક કામ શોધી કાઢતા. પણ પહેલાં તો હીરા કંઈક પૂછતી તો એમને જવાબ આપવો પડતો. જવાબ આપે તો વાંચવા લાગતી અને કોઈક સંયુક્તાક્ષરના ઉચ્ચારણની ભૂલ કરતી. એને ટોકતા. ભૂલ સમજવા એમના પગ પર હાથ મૂકીને એકીટશે એમની સામે જોઈ રહેતી. એનો હાથ મુકાતો અને ઊપડતો ત્યારે કાચની બંગડીઓનો અવનવો અવાજ થતો....

અવાજની એને ખબર હતી. એને તોફાની કહેતા ત્યારે તોફાની એટલે શું, એવું નમ્રભાવે પૂછતી. ગુસ્સે થઇ જતા, એના કાન આંબળવાની એમને ઇચ્છા થઈ આવતી. એના ગાલ પર તમાચો - ના એને તમાચો મારી શકાય - કેવી સુરખી છે... કાન અને ગળા વચ્ચે આંબાની મંજરીઓનો રંગ મઘમઘે છે... એને ખબર નથી હવે કોઈની સામે આમ એકીટશે જોઈ રહેવાય...

એક દિવસ નકલી મોતીની માળા પહેરી લાવી હતી. ‘દસ આનામાં મળી, કેવી છે ?' એમને લાગ્યું હતું કે માળાનાં નકલી મોતી એના ગળાના સંપર્કમાં આવતાં સાચાં બની ગયાં છે. એને સાચાં મોતીની માળા લાવી આપી હોય તો? પણ... માળાને તોડી નાખે તો નવાઈ નહીં, સાચાં મોતીની માળા આટલી ચમકદાર હોતી નથી... જ્યાં સુધી એનું તોફાન અટકે...

કબાટમાં ગોઠવેલી વસ્તુઓ અકારણ આડીઅવળી કરી દેતી, ગોખલામાં મૂકેલી નાચતી પૂતળીનું મોં ફેરવી દેતી. ટ્રાન્ઝિસ્ટરનાં બૅન્ડ બદલ્યા કરતી, પાકીટમાંથી પૈસા ગણતી અને નવા પૈસા સાથે મળીને કુલ કેટલી રકમ છે કહેતી. તમે ગણી જુઓ. મને ગણતાં આવડે છે કે નહીં?

એની સામે જોતા. વિચારવા લાગતા, અકળાતા અને આંબાવાડિયામાં જતાં, ખાડિયા તરફ જતાં કે શેઢે શેઢે અકારણ ચાલતા રહેતા.

રીતે શેઢે શેઢે ફરીને પાછા આવેલા. બહાર બેસવાને બદલે સીધા અંદર ગયા. હીરા કબાટના દર્પણ સામે ઊભી હતી... એના પ્રતિબિંબ પાછળ એમનો ચહેરો ઉમેરાયો. ઝબકી ગઈ હતી. પણ પછી હસી પડીને સામે ફરીને ઊભી રહી હતી... તમે મારાથી એક વેંત ઊંચા છો.’ એણે એમને માથે હાથ મૂકીને પોતાની વાત સાચી હોવાની ખાતરી કરી હતી. બંગડીઓનો અવાજ થયો હતો એની એને ખબર હતી. હાથ ઊંચો થતાં એની ચોળી ખેંચાઈ હતી એની એને ખબર પડી હતી. એમને આમ સાવ મૂંગા જોઇને હસતી હસતી બહાર ગઈ હતી. ઊભા હતા ત્યાં ક્યાંય સુધી સૂનમૂન ઊભા રહ્યા હતા. અપરાજિતાનાં ફૂલ, સહેજ અમથા પવનથી એમનું પાંદડાંમાં ઢંકાઈ જવું - એમને કશું યાદ આવ્યું હતું... બીજે દિવસ આવી હતી, ચોથે દિવસ પણ આવી હતી. પાંચમે દિવસ આવી ત્યારે પાંચ દિવસ કરતાં વધુ મોટી થઈને આવી હતી... બીજે દિવસ શહેરમાં જઈને એને માટે બે બાંધણી ખરીદી લાવ્યા હતા, એક લીલી છાંટવાળી હતી અને એક લાલ છાંટવાળી હતી. આપતી વખતે એને કહેવાના હતા - તેં આજ સુધી જે કામ કર્યું એના બદલામાં. હવે તારે કામ કરવા આવવાનું નથી. પણ આવીને જ્યારે પગથિયે ઊભી રહી, વિચારી રાખેલું ભૂલી ગયા. પૂછવાની જરૂર હતી? એવું પૂછી બેઠા હતા... વચ્ચે કેમ ત્રણચાર દિવસ આવી હતી ? શરમાઈ તો લગભગ પહેલાંના જેવું પણ એણે જે સંકોચ અનુભવ્યો નવો હતો. એના સંકોચમાં પ્રગટ થયું કે જવાબ આપી શકે તેમ નથી. એમને પોતાની ભૂલ સમજાવાની સાથે હીરા હવે નાની નથી ખ્યાલ પણ આવી ગયો હતો. બહાર પડેલી આરામખુરશીમાં બેસી ગયા હતા. હીરા અંદર જઈને કામ કરવા લાગી હતી. કામ કશું બાકી નથી જોઈને ખિજાઇ હતી અને ગોખલામાંની નાચતી પૂતળીનું મોં સીધું જોઇને એણે એનું મોં ફેરવી દીધું હતું... એણે ખૂણામાં પડેલા નવા બૂટ જોઈને હાથમાં લીધા હતા. જોઈ રહી હતી. પછી બૂટ બહુ સારા છે એમ કહીને પાલવથી લૂછવા લાગી હતી. પાલવ ખેંચાવાથી એની છાતીને સ્પર્શતો હતો. એના હાથ પર, એના કાનની બૂટ નીચે એક નવી ચમક હતી, તાજગી હતી, જે યુવાવસ્થાના આરંભે કુદરતી રીતે જાગે છે... અંદર જઈને બેઉં બાંધણી લઈ આવ્યા હતા. બૂટ પકડેલા હાથ પર બેઉ બાંધણી મૂકી દીધી હતી. હાથ ઢંકાઈ ગયા હતા. એની નવાઈનો પાર હતો. પણ એમણે તો કહેવાનું હતું... ‘તેં આજ સુધી જે કામ કર્યું એના બદલામાં આપું છું.' કહી શકયા. અને સામે ઊભા હતા એનાથી જાણે સહન નહીં થાય અને દૂર જઈને ઊભી રહેશે કે બેસી પડશે એવું લાગતું હતું... અને એમ થયું. એણે સાચવીને બૂટ નીચે મૂક્યા. પછી બાંધણીઓ જોવા લાગી. ઉપર ઉપરથી જોતી હતી, ખોલતી હતી. પણ એનું મન બાંધણીઓના રંગોમાં ભળી ગયું હતું. ચાલ્યા અને એકાએક ભાનમાં આવી હોય એમ એણે એમનો હાથ પકડી લીધો... ‘એક આપો. બે.. બેના તો કેટલા બધા પૈસા થાય ?’ એણે હજી એમનો હાથ મૂક્યો હતો અને એની સામે જોઈ શકતા હતા... એમણે સામે જોયું અને એની આંખોની ચમકમાં કશીક ગંભીરતા, કશીક સમજ ઊપસી આવી અને એણે એમનો હાથ મૂકી દીધો. જા, લઈ જા, તારી બાને બતાવજે. એમને ગમે તો બીજી લાવી આપીશ. એમને કહેજે કે આ..... (ના બદલામાં, ના...) ભેટ આપી. જા, ઘેર જા, મોડું થશે.’

હીરા અજાણી દિશામાં જતી હોય એમ ઘર તરફ અદૃશ્ય થઈ પછી અંદર ગયા હતા અને ક્યાંકથી જૂની ખીલીઓ શોધી કાઢીને પૂતળીને જડી દીધી. પછી બાજુમાં સૂચનાઓ લખી. આને હલાવવા જતાં તૂટી જશે... બેત્રણ જગ્યાએ એમણે સૂચનાઓ લખી દીધી. બીજે દિવસ એના બાપા સાથે સવારે આવી. સૂચનાઓ તરફ એનું ધ્યાન બહુ મોડું ગયું પણ ત્યારે હસ્યા વિના રહી શકી નહીં. વળી ફરીથી એક વાર એમને હીરા નાની લાગી. કંઈ બોલ્યા નહીં. ‘અહીં તો સૂચના નથી લખી.’ એમ કહીને કૅલેન્ડર પાસે ગઈ. પાનું ફાડ્યું. પાના નીચે એક વાક્ય લખેલું હતું... એને હમણાં પેલી બધી સૂચનાઓ ભૂંસી નાખવાનું મન થયેલું. એને બદલે એણે કૅલેન્ડરના ફાડેલા પાના નીચે છાપેલું વાક્ય ક્યાંક લખવા નક્કી કર્યું. અને એણે પૂછ્યું હતું, ‘લાલ પેન્સિલ આપશો સાહેબ !’ રીતે ‘સાહેબ' બોલી કે સાહેબને ધરતીકંપનો અનુભવ થયો. માત્ર ઉચ્ચારથી એણે સાહેબ અને પોતાની વચ્ચેનું અંતર ભૂંસી નાખ્યું હતું. પછી એણે જાતે પેન્સિલ શોધી કાઢી હતી...

પડખું બદલીને બેઠા થયા, બેસી રહ્યા. ઊભા થયા. બહાર આવ્યા. ચંદ્ર દેખાતો હતો પણ વાદળ ઓછાં થઈ ગયાં હતાં. પગથિયાં પાસેના થાંભલાને ટેકો દઈને ઊભા રહ્યા. આકાશ સામે ફરી જોયું, હવે વરસાદ અટકી જશે.

પવનનું એક મોજું મકાન પરથી પસાર થઈને આંબાવાડિયા પર ઊતર્યું. જાણે કે અંદર ને અંદર ઊતરતું ગયું. ક્ષણ પૂરતું તો એવું લાગ્યું કે જાણે અટવાઈ ગયું પણ ત્યાં તો પાણીનો ધોધ પડતો હોય એવો અવાજ સંભળાવા લાગ્યો. પવન ડાળ-પાંદડાંનું બંધન અવગણીને આંબાવાડિયામાંથી છટકી જવા માગતો હતો...

અગાશી પર જવા વિચાર્યું. વિચાર્યું પહેલાં પગ ઊપડ્યા હતા. ઉપર જવાનાં પગથિયાં મકાનની પાછળની બાજુ હતાં. બાજુમાં ટેકરી હતી અને ટેકરીમાં લીંબડાનું થડ ઢંકાયેલું હતું. ખીણમાંથી ઉપર ચડતા ધુમ્મસના વાદળની જેમ ધીરે ધીરે પગથિયાં ચડવા લાગ્યા... ઉપર જઈને ઊભા રહ્યા તો શરીર સાવ અચેતન લાગ્યું. પણ પોતે શરીરને વશ થવા માગતા હોય એમ આંટા લગાવવા લાગ્યા. આંટા લગાવતાં દિશા બદલાતી રહેતી અને એમને ખેતરના દૂર દૂરના ખૂણા દેખાવા લાગતા. કોણ જાણે કેમ એમને ખેતર વધુ પડતું મોટું લાગવા માંડ્યું. બધા પાક લગભગ બીજ ધારણ કરવાની અવસ્થાએ પહોંચ્યા હતા પણ જોઈને એમને સંતોષ થયો. સાત વરસમાં ખેતરને કેટકેટલાં વિવિધ રૂપોમાં જોયું છે... બધાંય રૂપ એકસાથે ધારણ કરીને ખેતર જાણે અત્યારે એમને ઘેરી લેવા માગતું હતું. એમને જગ્યાએ પહેલવહેલો ભયનો અનુભવ થયો. અને તેત્રીસ વર્ષનો પોતાનો ભૂતકાળ એમને કશાય વજન વિનાનો લાગ્યો અને વજન વિનાના ભૂતકાળનો ટેકો શા કામનો ? પોતાના સિવાયનો જે આશ્રય હોઈ શકે, કોઈની છાયામાં...

તે ઉનાળામાં કશું વવરાવ્યું હતું. ખેતર લગભગ ખાલી હતું, ખાલી ખાલી પ્રવાસે જવાની ઇચ્છા થઈ હતી. અઠવાડિયું ઘેર જઈ આવું એમ કહીને ડોસાને રાત્રે અહીં રહેવાનું કહીને ગયા હતા. દસ દિવસ પછી વહેલી સવારે પાછા આવ્યા હતા. ડોસાએ ઘેર જઈને હીરાને દૂધ લઈને તુરત મોકલી હતી, ઊગતા સૂરજના અજવાળામાં હીરા એમનો ચહેરો જોઈને ચોંકી પડી હતી. ‘શું થયું તમને ?’ સાહેબ કહેવાનું ભૂલી ગઈ હતી. ‘કંઈ થયું નથી, ઉજાગરો હોવાથી એવું લાગે.' હીરા માની શકી હતી. ‘નક્કી તાવ આવ્યો લાગે છે.' માથે હાથ મૂકીને એણે તાવ માપવા પ્રયત્ન કર્યો હતો. એમને થયું હતું કે હાથ પકડી લઉં પણ... ‘હાશ, મારા તો માન્યામાં આવે કે તમને તાવ આવે. થાક્યા લાગો છો...’

મોડે સુધી હીરા સામે જોઇ રહ્યા હતા. હીરાને કશું સમજાતું હતું... ‘આજ રસોઈનું શું કરશો?’ ‘તું બનાવતી જા.’ ‘મારા હાથનું રાંધેલું તમે જમો ખરા?’ ‘કેમ નહીં?’ પણ હીરા માની શકી હતી. ગમગીન થઈ ગઈ હતી. દિવસો સુધી ગમગીન રહી હતી... પછી એક દિવસ ડોસાએ વાત કરી હતી. ખરચની ચિંતા હતી એમને... જોઈએ એટલા બધા પૈસા આપવા એમણે કહ્યું હતું... ડોસાની ચિંતા દૂર થઈ ગઈ હતી... એના લગ્નનું નક્કી થઈ ગયું તે પછી હીરા ખેતરમાં આવીને અપરાધીની જેમ આંબાવાડિયા નીચે બેસી રહેતી. તે દિવસ ચારની પોટલી બાંધ્યા પછી પણ બેસી રહી હતી. પક્ષીઓ પાકવા આવેલી કેરીઓ કોતરી કોતરીને નીચે પાડી દેતાં હતાં... પણ તરફ એનું ધ્યાન હતું. એમણે જોયું હતું કે હીરા બેસી રહી છે. પાસે ગયા. ‘પોટલી માથે ચડાવું?’ હીરાએ હસવાનો પ્રયત્ન કર્યો હતો પણ એના હોઠ બિડાયેલા રહ્યા હતા... એમણે પૂછ્યું હતું - હવે કદાચ તું અહીં આવે, તેં મારી બહુ કાળજી લીધી છે. મારે તને કંઈક આપવું જોઈએ પણ શું આપવું એની કંઈ ખબર પડતી નથી. તું કહે... મોડે સુધી સૂનમૂન બેસી રહી હતી. એમને લાગ્યું હતું કે કશો આપે. પણ પોટલી પર હાથ મૂકીને ઊભી થઈ હતી. માથે પોટલી લઈને, હસવાનો પ્રયત્ન કરીને જતાં જતાં બોલી હતી માગવા જેવું બધું માંગી લેવાય ખરું સાહેબ ?... ‘સાહેબ' બોલતાં બોલતાં એને એવું લાગ્યું હતું કે રડી પડાશે... જોઈને એમણે પીઠ ફેરવીને મકાન તરફ ચાલવા માંડ્યું હતું. ભૂલો પડેલો મુસાફર પૂરેપૂરો થાક્યા પછી ચાલે રીતે...

ડોસા ખાસ કહી ગયા હતા પણ ‘આશીર્વાદ' આપવા જઈ શકયા હતા... ખાસ કામ છે એમ કહીને તે રાતે શહેરમાં ગયા હતા... અઢી વરસ થઈ ગયાં રાતને... એમનાથી એક લાંબો શ્વાસ લેવાઈ ગયો અને એમને એકાએક હીરાનો બાબો યાદ આવ્યો. શ્વાસ લેતાં ધ્રૂજતો હતો... આગાશી પરથી નીચે ઊતરવા લાગ્યા. લીલોતરી કાળી કાળી લાગતી હતી... નીચે આવીને ઊંઘ્યા ઊંઘ્યા અને સવાર પડી ગઈ.

આંખો ભારે થઈ ગઈ હતી. ઘડિયાળમાં જોયું. મોં ધોઈને, રેઈનકોટ હાથમાં લઇને ગામ તરફ ઊપડ્યા... ખબર કાઢીને ડૉકટરને બોલાવવા જવું જોઈએ, કદાચ સારું પણ થઇ ગયું હોય. તો પછી ફક્ત રમકડાં લેવા શહેરમાં જવાનું થાય, સાંજે પણ જવાય...

પહોંચ્યા તો ડોસાના ઘરની માંડીમાં છ-સાત પુરુષો દેખાયા. ઓહ... કે પછી ખબર જોવા આવ્યા હશે?

હીરા બાબાને ખોળામાં લઈને બેઠી હતી. કોઈ એને કહી શકયું હતું, કહી શકતું હતું. એય સમજી હોય એવું હતું પણ સ્વીકારી શકી હતી.

ઊભા હતા એમાંથી બે આદમી કોદાળી-પાવડો લઈ આવ્યા. ડોસા અંદરથી સફેદ કોરું કાપડ લઈ આવ્યા. હીરાએ ઊંચે જોયું - ના... આ... કાનના પડદા ચિરાઈ જાય એવી ચીસ... રડતી હતી અને કોઈના હાથમાં બાબાનું શબ સોંપતી હતી. બાબો સોંપતી હતી. હજી એને માટે બાબો હતો...

છેવટે નમ્યા, હાથ ધર્યા. હીરાના હાથની પકડ ઢીલી થઈ. બાજુમાં ઊભેલા ડોસાએ બાબાને ઉપાડી લીધો. હીરાના ખોળામાંથી ઉપાડતાં જાણે બાબો શબ બની ગયો હોય એવું એમને લાગ્યું. સહુની પાછળ પાછળ ચાલ્યા. હીરાના રડવાનો અવાજ છેક સુધી એમની પાછળ આવ્યો. તળાવની પાસે ખાડો ખોદવામાં આવ્યો. ખાડો પૂરવામાં આવે પહેલાં ત્યાંથી ચાલી નીકળ્યા... વરસાદ પડતો હતો છતાં એમણે રેઇનકોટ પહેર્યો નહીં. એક વાર પાછા જઈને એમને બાબાનું મોં જોવાની ઇચ્છા થઇ...

ખેતરમાં પગ મૂક્યા પછી મકાન તરફ જવાને બદલે કોઈ બીજી દિશામાં જવાની ઇચ્છા થઈ, જે દૂર દૂર લઈ જાય... હવે શેઠને જણાવી દેવું જોઈએ, બીજો માણસ ગોઠવી દે. સાત વરસ તો અહીં રહ્યો... એક જિંદગી કેટલાં વરસની હોય છે?

પગથિયાં પાસે થાંભલાનો ટેકો લઈને બેસી ગયા. બારણાની સાખ પાસે વાંકીચૂંકી લાઇનમાં લખાયેલું વાક્ય ‘આ સમય...’ - આખું વાક્ય વાંચી શક્યા. વંચાયેલા અક્ષરો એમની આંખના ખૂણામાં તરવા લાગ્યા. અક્ષર તરતા તરતા ડૂબી જાય પહેલાં એમણે આંખો બીડી લીધી. વરસાદ હજીય પડતો હતો.

સ્રોત

  • પુસ્તક : રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2023