ભારતી ર. દવે
Bharti R. Dave
‘શેઠ, જયંતીભાઈ સાહેબને ત્યાંથી એક ભાઈ આવ્યા છે', રામજીએ અનુભાઈના બેડરૂમનાં બારણાં વચ્ચે ઊભા રહીં સમાચાર આપ્યા. ભગવાનની પૂજામાંથી ઊઠીને આવેલા અનુભાઈએ કહ્યું : રામજી, એમને દીવાનખંડમાં બેસાડ. હું તૈયાર થઈને આવું છું.’
શેઠની સૂચનાનુસાર, આવેલ ભાઈને રામજી દીવાનખંડમાં લઈ ગયો અને ત્યાં બેસવા કહ્યું. અનુભાઈ સફેદ કુરતા-પાયજામામાં સજ્જ થઈ, સફેદ મોજડી પહેરી, ફરી ડ્રેસિંગ ટેબલ સામે ઊભા રહ્યા. ટેબલ પર પડેલી પ્રસાધનોની ટ્રેમાંથી સ્પ્રેની એક બૉટલ ઉઠાવી અનએ હળવું સ્પ્રે કર્યું. એ અને એમનો રૂમ મઘમઘી ઊઠ્યાં. બાપાજી સ્વિટ્ઝર્લેંડથી લાવેલા તે ઘડિયાળ કાંડે બાંધ્યું. ફરી વાળ સંવાર્યા અને એક નજર પ્રતિબિંબ પર નાખી. સ્ટેંડમાં મૂકેલી આઠ-દસ વૉકિંગસ્ટીકમાંથી સોનાની વ્યાઘ્ર-મુખાકૃતિથી મઢેલી સ્ટીક હાથમાં લઈ દીવાનખંડ તરફ ચાલ્યા. સુકલકડી દેહયષ્ટિ, ગૌર વર્ણ, વાનપ્રસ્થમાં પ્રવેશેલા શ્વેતકેશી અનુભાઈની વેધક આંખોનું તેજ અને મુખ પરની લાલાશ તેમની તંદુરસ્તી સૂચવતાં હતાં. તેઓ ટટ્ટાર, ગૌરવપૂર્ણ, ધીમાં ડગ ભરતા દીવાનખંડમાં પ્રવેશ્યા. જયંતીભાઈનો સંદેશો લાવેલા ભાઈ અવાક્ બની વિસ્ફારિત નેત્રે હજી ખંડના પ્રવેશદ્વાર પાસે જ સ્તબ્ધ ઊભા હતા. મુખ પર સંતોષના સ્મિત સાથે અનુભાઈ શેઠે એમને કહ્યું : ‘અરે, ભાઈ ! તમે હજી ઊભા જ છો ? બેસો, બેસો. સંકોચ ન રાખશો... તમારું નામ શું ?’ કહી દીવાનખંડની મધ્યમાં ગોઠવેલા દીવાન તરફ વળ્યા અને આરામથી બેઠા. સ્નાનાદિ પૂજાપાઠથી પરવારીને આમ દીવાનખંડમાં બેસવાનો એમનો નિત્યક્રમ હતો.
‘હિંમતલાલ’ - કહી પેલા ભાઈ ધીમે પગલે સંકોચ સાથે આગળ આવ્યા અને તત્કાળ ઊભા થવાની તૈયારી સાથે બેઠા. પણ એમની આંખો, દીવાનખંડને આખો ને આખો યાદ રાખી લેવો હોય, સ્મૃતિમાં સંઘરી રાખવો હોય એમ ચોતરફ જોતી રહી.
‘આ દીવાનખંડનો ય એક સમય હતો... અને.... સમય હતો તેથી વીતી પણ ગયો !' સ્વગતોક્તિ કરતા હોય તેમ બોલીને, ક્ષણ વાર થંભીને ખંડની ચોતરફ નજર ફેરવતાં ગર્વ સાથે, હોઠ પર ફરકતા હળવા સ્મિત સાથે અનુભાઈ બોલ્યા : ‘બેસો ભાઈ, નિરાંતે બેસો. બોલો, જયંતીભાઈએ શો સંદેશો મોકલ્યો છે ?’
‘હાજી, આપનો ફોન લાગતો ન હતો એટલે સાહેબે રૂબરૂ સંદેશો આપવા મોકલ્યો છે. એમણે કહ્યું છે કે આજે રાત્રે તેઓ પત્તાં રમવા આવી શકશે નહીં, કારણ કે એમના મોટા દીકરા આજે પરદેશથી આવ્યા છે.’
‘ભલે, બીજું કંઈ ?’
હિંમતલાલે ઊભા થતાં થતાં દીવાનખંડની ચારે બાજુ ફરી નજર ફેરવી લીધી અને, ‘નાજી, શેઠસાહેબ ! નમસ્તે' કહી વિદાય લીધી.
અનુભાઈ વિચારમગ્નમુદ્રામાં બેસી રહ્યા. આ દીવાનખંડની જાહોજલાલીના એ દિવસોમાં એમનું મન રમમાણ હતું. પચાસ બાય સિત્તેરના આ વિશાળ ખંડની ચોતરફની દીવાલો બર્મીઝ સાગના નકશીદાર ફર્નિચરથી સુશોભિત હતી. ખંડના ચાર ખૂણે બારીક નકશીવાળા ઊંચા સ્ટૅન્ડમાં સામસામી બાજુએ લંબગોળ બેલ્જિયમ મીરર જડેલા ચાર ચોખૂણિયા હતા. તેના કારણે ખંડ તેમાં પૂરેપૂરો પ્રતિબિંબિત થતો હતો. ખંડની ઉત્તર-દક્ષિણે મધ્યભાગે બે વિશાળ દરવાજા હતા; તો પૂર્વ-પશ્ચિમની દીવાલોની બરાબર વચ્ચે પાનવેલની બુટ્ટાદાર ગાદીવાળા અને ઝીણી કોતરણીવાળાં દીવાન, ખુરશી તથા ટેબલ ગોઠવેલાં હતાં. ખંડની વચ્ચેના વિશાળ ઝુમ્મરની નીચે મોટા ગોળ સેંટર ટેબલની ફરતે એવાં જ દીવાન અને ખુરશીઓ ગોઠવેલાં હતાં અને વચ્ચેના મોટા ઝુમ્મર જેવાં જ ચાર નાનાં ઝુમ્મરો ખંડના ચાર ખૂણે, પવનની લહેર આવતાં હળવેથી મંદ- મધુર અવાજે ઝૂલતાં હતાં. ખંડની દીવાલો અને છત પ્લાસ્ટર ઑફ પેરીસમાં ઉપસાવેલાં નયનરમ્ય રેખાંકનોથી સુશોભિત હતાં. આખા ખંડનું સુશોભન એવી કલાદૃષ્ટિથી થયું હતું કે જોનારને અનુપમ હાર્મનીનો અનુભવ અનાયાસ થતો રહે.
અનુભાઈને એમના યુવાનીના દિવસોનું સ્મરણ થઈ આવ્યું : ‘કેવા મોજ-મસ્તીના એ દિવસો હતો ! બાપાજીએ અમારાં લગ્નપ્રસંગની યાદગીરી રૂપે આ ખંડ તૈયા૨ કરાવ્યો હતો. અરે ! કેવી દબદબાભરી પાર્ટીઓ, મિજબાનીઓ ને જ્યાફતો ઊડી હતી ? રાત્રિ સમયે નાનામોટા અનેક દીવાઓથી સર્જાતાં છાયા-પ્રકાશ તથા એ છાયા-પ્રકાશને ઝીલતા આદમકદ આયનાઓની વિશિષ્ટ ગોઠવણીથી આ ખંડ ઇંદ્રના દરબાર સમો કેવો ઝગમગી ઊઠતો ! ....અને... આજે... આજે ? આજે મારી એકલવાયી જિંદગીના સૂનાપનની માફક આ ખંડ પણ કલાકારની આંગળીઓના સ્પર્શને ઝૂરતા સિતારની જેમ સૂનો પડ્યો છે - એની રોનક ઝાંખી પડી ગઈ છે. બાપાજી અને બા ગયાં, યશોધરાએ પણ વહેલી વિદાય લીધી... અને... મિલ-ઉદ્યોગ પણ નવી ઑટોમેટિક મશીનરી આવતા ઑક્સિજન પર રાખેલા દરદી સમો, મરવાને વાંકે લગભગ બંધ પડ્યો. મરુભૂમિમાં ક્યાંય હરિયાળી જોવા મળે છે ? મારી જિંદગીની હરિયાળી પણ ધીમે ધીમે નિર્જન એકલતામાં વેરાન બની ગઈ ! જોકે ભવરણમાં મીઠી વીરડી જેવી દીકરી મારા વેરાન જીવનની થોડીક ક્ષણોને શીતળતાથી ભરી દે છે...!’
અનુભાઈ તંદ્રામાંથી જાગ્યા હોય તેમ, ઊંડો નિસાસો નાખી, એકદમ ઊભા થયા. સ્નાનાદિ તથા પૂજાપાઠથી પરવારીને આ ખંડની હિફાજત કરવાનો એમનો નિત્યક્રમ હતો. આજે એમાં થોડો વિલંબ થયો હતો. રામજી ખંડની સફાઈ કરી ગયો હતો પણ ફરી એના ખૂણેખૂણા, ઝીણાં નકશીદાર ફર્નિચર, અરીસા અને ઝુમ્મરો - બધાં પર શેઠજીનો હાથ ફરતો. ક્યાંય ધૂળની રજ કે ડાઘ દેખાય એ એમને ન ગમે. તરત રામજીને બોલાવે અને માથે ઊભા રહી સાફ કરાવે. વળી, અઠવાડિયે એક વખત - શનિવારે – ખંડનાં બારણાંનાં પિત્તળનાં હેંડલ જ નહીં, આગળિયા-નકુચા, મિજાગરાં સુધ્ધાં બ્રાસ પોલિશથી ચકચકિત કરવામાં આવતાં. પાછા શેઠજી એને રેશમી કપડાથી જાતે ઘસી ઘસીને ચમકાવે ! પછી આમતેમ - આઘાપાછા થઈને નિહાળે, જાણે નવુંનક્કોર જ જોઈ લો ! અનુભાઈએ ઝુમ્મરના એકેએક બલ્બને સ્વિચ ઑન કરી ફરી ફરી ચકાસી જોયા. એક નાના ઝુમ્મરનો લાલ બલ્બ ઊડી ગયો હતો. તેમણે તરત જ રામજીને સાદ પાડ્યો : ‘અરે, રામજી ! જરા જો તો ! આ બલ્બ કેમ થતો નથી ? ઊડી ગયો છે ?’
શેઠની સેવા-બરદાસ સાથે રામજીએ ખંડની દેખભાળ પણ કરવાની રહેતી. ખંડના એક કબાટમાં ખંડની સાજસજ્જાનો સાધન-સરંજામ રહેતો. ત્યાંથી રામજી તરત લાલ બલ્બ લઈ આવ્યો અને ઝુમ્મરમાંથી ઊડી ગયેલો બલ્બ ઉતારી નવો લગાવી દીધો એટલે શેઠજી બોલ્યા : ‘હં, હવે બરાબર ! દીવાનખંડની બધી લાઇટો થાય છે. તું તારે જા હવે', કહી શેઠજી ફરી પાછા દીવાન પર આરામથી બેઠા. એમ જ બેઠાબેઠા, કોઈ આવવાનું ન હતું છતાં પ્રતીક્ષામાં કલાકેક વીતી ગયો હશે.
‘આજે પણ કોઈ મુલાકાતી ન આવ્યા', - એમ વિચારતાં અનાયાસ એક નિઃશ્વાસ સાથે અનુભાઈ વીતેલા દિવસોની યાદોમાં સરી પડ્યા...
‘એ પણ એક જમાનો હતો ! આ ખંડ મુલાકાતીઓની આવનજાવનથી નિરંતર ધમધમતો રહેતો. કોઈક મદદ માટે, કોઈક સંસ્થાના ફંડફાળા માટે તો વળી, કોઈ નોકરી માટે, સલાહ-સૂચન માટે અથવા સામાજિક કે શૈક્ષણિક સંસ્થાના કાર્યક્રમોના નિયંત્રણ માટે લોકો નિરંતર આવતા રહેતા. દિનભરની લોકોની આવી આવજા અને મિલના કારોબાર અંગે એટલી વ્યસ્તતા રહેતી કે એકાંત પળો લગભગ દુર્લભ હતી. જ્યારે આજે... પ્રતીક્ષાની આ પ્રલંબ પળો અને મથી નાખનારું આ એકાંત, નિર્જનતા છાયો આ દીવાનખંડ....’ અનુભાઈએ હળવેથી શ્વાસ મૂકતાં ઉમેર્યું : ‘હા, મારી જેમ જ ! રોજેરોજ સજીધજીને અસલી જાહોજલાલી અને રોનકથી શણગારાઈને આગંતુકોને આવકારવા તું તત્પર છે... પરંતુ એકદા ગાન, ગુલતાન ને મોજમસ્તીથી ગુંજતા રહેનારા એવા તારી ચોતરફ આજે સીસા સમાણી ભારેખમ શાંતિ લદાઈ ગઈ છે. ક્યાંય નથી કોઈ પદરવ, નથી ચહલપહલ, નથી એ હાસ્યના ફુવારા કે નથી સંગીતની મંદમંદ સૂરાવલિ. નરી શાંતિ... શાંતિ... ને માત્ર શાંતિ... મારી જેવો તારો પણ એક જમાનો હતો. દિવસ હોય કે રાત, પળેપળ તું ગુંજતો - ગુંજરતો રહેતો. કદીક શાસ્ત્રીય તો કદીક રવીન્દ્ર-સંગીતના સ્વરોથી તું છલકાઈ જતો. સ્વર્ગીય અપ્સરા સમી સુંદરીઓનાં રેશમી- કિનખાબી વસ્ત્રોની આછી આછી સરસરાહટ, તેમના નાજુક પદરવથી છમ છમ થતાં પાયલનો મધુર રણકાર, કોકિલકંઠી એ લલનાઓના જનાન્તિક ઉદ્દગારો, ક્યારેક ખળખળ વહેતાં ઝરણાં જેવી, નર્યાં નિર્દોષ બાળ કિશોર-કિશોરીઓની હાસ્ય-લહેરીઓ તારી ચોતરફ વહી રહેતી ! તને જાણે પાંખો ફૂટતી દેવિમાન સમી ! પરંતુ આજે તું પણ કોઈ અનામ આગંતુકની પ્રતીક્ષામાં નિરંતર ગુમસુમ - ચૂપચાપ બેઠો છે : સાવ એકલવાયો, સૂનો, નિર્જન અને નીરવ...!
છાબડીમાં ફૂલો લાવતાં દીપકે કહ્યું : ‘દાદાજી, આજે ફૂલો લાવતાં થોડી વાર થઈ ગઈ. આપણા પાણીના હોજમાં બે ટમેટાં જેવાં લાલ રૂપાળાં કમળ ખીલ્યાં છે. એની આસપાસ પતંગિયાં ઊડાઊડ કરે છે. પૂજા માટે એ ફૂલ લઈ આવું ?” બગીચાની જાળવણી કરતા હરજીભાઈ માળીનો દીકરો દીપક રોજ સવારે છાબડી લઈ જઈ અનુભાઈ માટે પૂજાનાં ફૂલો લઈ આવતો. કાંઈક અવનવું દેખાય એટલે એ અનુભાઈને બગીચાની ઝીણામાં ઝીણી વાતો કરે.
અનુભાઈએ એને માથે હાથ મૂકતાં કહ્યું : ‘દીકરા, આજે રહેવા દે. આજે શનિવારે સવારની સ્કૂલ હશે ને ? જા, તારે મોડું થશે', કહી તેના હાથમાંથી છાબડી લીધી અને એમના એ રમતિયાળ, નિર્દોષ બાળભેરુને પતંગિયાની માફક કૂદાકૂદ કરતો જતો જોઈ રહ્યા.
‘પપ્પાજી, તમે આવો છો ?’ સીમાએ સાદ પાડ્યો. દીવાનખંડમાં તૈયાર થઈ બેઠેલા અનુભાઈ ધ્યાનભંગ થયા. ઊભા થઈ લાકડી લીધી અને બ્રેકફાસ્ટ ટેબલ ભણી વળ્યા. ચા-પાણી માટેના આ અલાયદા ખંડે પાછા એમને, ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ' જેવા ભવ્ય ભૂતકાળની - એ વીતેલા જમાનાની યાદમાં મૂકી દીધા. અનુભાઈ હંમેશાં સવારે નવ વાગે નાસ્તો લેતા ત્યારે કુટુંબના સૌ સભ્યો ટેબલ પર એકઠા થતા. આજે પણ સીમા અને સુધીર તેમની રાહ જોતાં બેઠાં હતાં.
‘ગુડ મૉર્નિંગ, પપ્પાજી !' સુધીરે કહ્યું.
‘ગુડ મૉર્નિંગ, માય સન !' અનુભાઈએ વળતો જવાબ આપ્યો.
સીમાએ પૂછ્યું : ‘પપ્પાજી, આજે ગરમ નાસ્તામાં બટેટાપૌંઆ છે. ચાલશે ને ?’
‘હા દીકરા, મારે બધું ચાલશે. શાલીન અને બંટી સ્કૂલે ગયાં ને ?’
‘હા, પપ્પાજી ! આજે એમને વહેલાં જવાનું હતું', કહી સીમાએ અનુભાઈની ડિશમાં બટેટાપૌંઆ પીરસ્યા. પછી એમને ભાવતી તીખી પૂરી ડિશમાં મૂકી.
‘બસ, બસ, આટલું બધું ?’ કહેતાં અનુભાઈના મનમાં સરખામણી થઈ ગઈ : યશોધરાના સમયમાં નાસ્તાનું ટેબલ ફ્રુટ-જ્યૂસ ઉપરાંત બે-ત્રણ ગરમ ગરમ વાનગીઓથી સજાવાતું. ઉપરાંત સૂકોમેવો તો હોય જ. સૌ પોતપોતાની રુચિ પ્રમાણે નાસ્તો કરતાં, જ્યારે આજે...
સુધીરને ઑફિસે જવાનું મોડું થતું હતું એટલે તે રજા લઈને નીકળી ગયો.
બૅકફાસ્ટ રૂમની સામેની દીવાલે છત સુધીનો ક્રોકરી માટેનો કાચનો કબાટ હતો. ચાઇનીઝ, જાપાનીઝ એમ વિવિધ દેશોની ક્રોકરી તેમાં સજાવેલી રહેતી. આજકાલ અનુભાઈનું મન ભૂતકાળમાં, ખોવાઈ ગયેલી દુનિયામાં અનવરત ભમ્યા કરતું. નાસ્તો કરતાં કરતાં વળી, એમને યાદ આવ્યું. : ‘જાપાનની ટેક્સ્ટાઈલ મિલની નવી મશીનરી જોવા બાપાજી જાપાન ગયેલા ત્યારે આ પૂરો ડિનર - પાર્ટીસેટ લાવેલા તો યશોધરા અને હું જર્મની ગયેલાં ત્યારે યુરોપ ફરીને પાછાં વળતાં પેરિસથી પારદર્શક કાચની ક્રોકરી લઈ આવેલાં. આ બધું આજે કબાટમાં સજાવેલું શોભી રહ્યું છે કે પછી.... પડી રહ્યું છે ?.... હવે નથી રહી એ પાર્ટીઓ કે નથી રહ્યાં પાર્ટીઓ માટેનાં નાનાં-મોટાં એ નિમિત્તો !.... યુરોપથી પાછાં વળતાં યશોધરાને હૃદયરોગનો પ્રથમ હુમલો થયેલો પણ કાળજીભરી સારવાર અને નિયમિત આહારવિહારને કારણે એ ટકી ગઈ હતી... પણ અંતે તો એણેય વિદાય લીધી – ’94ના જૂન માસની અખાત્રીજની રાતે યશોધરાને બે-ચાર પળ સહેજ ગૂંગળામણ અનુભવાઈ હતી. ડૉક્ટરને તરત બોલાવેલા પરંતુ ડૉક્ટરે ‘કશું સિરિયસ નથી’ - કહીને નચિંત કરેલાં. પણ ઝીણા દુખાવા સાથે સૂતેલી યશોધરા ફરી ઊઠી જ નહીં ! બસ, ત્યારથી સૂની પગદંડી પર નિરંતર એકાકી ચાલવાનું આરંભાયું.'
‘પપ્પાજી !'
અનુભાઈ ચમક્યા. હાથમાં ચમચી તોળાઈ રહી હતી. વિચારતંદ્રામાંથી જાગ્યા.
એકદમ બોલી પડ્યા : ‘શું છે દીકરા ?”
‘શું કંઈ ઊંડા વિચારમાં ડૂબી ગયા હતા ?’ સીમાએ પૂછ્યું
‘કંઈ નહીં, એ તો અમસ્તું...'
‘આજે શનિવાર છે. શાલીન અને બંટીને લઈને અમે રાત્રે ‘બાવર્ચી’માં જવાનાં છીએ. ડિનર ત્યાં જ લઈશું. તમે આવશો ને ?’
‘ના દીકરા, તમે તમારે નિરાંતે જજો, મને ન ફાવે, અને આ ઉંમરે... રાતે તો મારે ખાખરા, દાળિયાની ચટણી અને દૂધ જ ઠીક છે...'
‘ભલે, મહારાજને સૂચના આપી દઈશ. તમને જમાડીને એ જાય.'
‘ના રે, મહારાજને આજે સાંજની છુટ્ટી આપી દેજે. રામજી મને બધું તૈયાર કરી આપશે.'
નાસ્તાના ટેબલ પરથી ઊઠીને અનુભાઈ નિયમ મુજબ દીવાનખંડમાં જઈને બેઠા. ભોજનનો સમય થતાં સુધી એ પોતાના માનીતા દીવાન પર એમ જ બેસી રહેતા; જાણે કોઈ અજ્ઞાત અતિથિની નિરંતર પ્રતીક્ષામાં...’
*
સંગીત માટે અનુભાઈને વિશેષ લગાવ હતો : એમાં પણ વાદ્યસંગીત માટે વિશેષ રુચિ. સિતાર એમનું પ્રિય વાદ્ય. ખ્યાતિપ્રાપ્ત સંગીતજ્ઞ અને સિતારવાદક સ્વરમંડળેજી એમના કલાગુરુ હતા. રાત્રે સીમા-સુધીર અને બાળકો બહાર જતાં એકલા પડેલા અનુભાઈ ઘણા દિવસો પછી દીવાનખંડની દક્ષિણ દિશાની બારી આગળ સંગીત માટે ખાસ બનાવેલી બેઠક પર બેઠા. આ એ જ બેઠક છે જેની પર બેસી કલાકોના કલાકો એમણે સિતાર બજાવી છે. આ જ બેઠક પરથી દેશ-વિદેશના સંગીતકારોએ વહાવેલ કંઠ્ય અને વાદ્ય સંગીતની મોજ માણી છે. વગર કહ્યે રામજીએ બાજુના કાચના કબાટમાંથી હાથીદાંતની કલાત્મક ફૂલવેલથી સુશોભિત સિતાર કાઢીને કિનખાબી કપડાથી સાફ કરી શેઠજી સામે મૂકી. અનુભાઈએ તર્જની પર નખલી પહેરી ખીંટી પરના તંગ તારને ઉતાર્યા અને પછી બાજના તથા પંચમ અને જોડાના તારને ધીરે ધીરે તંગ કરી સૂર મેળવ્યા. નખલીથી ષડ્જથી પંચમ સુધીના તારોને ઝંકૃત કર્યા અને કેદારના ગંભીર સ્વરો આષાઢી વાદળોની માફક મંદમંદ ગતિએ ખંડમાં વહેતા થયા. ઘણા સમય પછી હાથમાં લીધેલ સિતારની સૂરાવવિલમાં અનુભાઈ ડૂબતા- ઇતરાતા રહ્યા. મંદ્રમાંથી દ્રુત લયમાં વિહરતી કેદારની સૂરાવલિ અચાનક ખંડિત થઈ - નખલી પહેરેલી તર્જની થંભી ગઈ. સિતારની વહેતી સૂરાવલિએ વળી, એમની વિગત સ્મૃતિઓને ઢંઢોળી :
‘એ દિવસે ખ્યાતનામ સિતારવાદક અબ્દુલરહીમ જાફરખાન પધારવાના હતા. હંમેશ મુજબ સંગીતરસિક મિત્રોને નિમંત્ર્યા હતા. શ્રોતાઓથી ખંડ ભરાઈ ગયો હતો. ખાનસાહેબની આંગળીઓ જાણે સિતારના તારને સ્પર્શતી જ ન હોય તેમ દ્રુત ગતિએ ઘૂમી રહી હતી. દ્રુત લયના સૂરોથી દીવાનખંડ રણઝણી ઊઠ્યો જાણે પથરાળ ભૂમિ પર ખળખળ વહેતાં ઝરણાંનો નાદ ! સમગ્ર વાતાવરણ એ સૂરાવલિથી તરબતર હતું. મંત્રમુગ્ધ શ્રોતાઓનાં મન, મસ્તક અને હાથ સમ પર તાલ દેતાં હતાં. ત્રીજા આવર્તને રાગ પૂરો થતાં તાળીઓના ગડગડાટથી ખંડ કેવો ગાજી રહ્યો હતો ! વિરામની પળોમાં ખાનસાહેબનું ધ્યાન બેઠકની બાજુના કબાટમાં રહેલી સિતાર તરફ ગયેલું. એમણે સિતારની કેવી પ્રશંસા કરેલી ! એ સાંભળીને હું ખૂબ ખુશ થયો હતો, પરંતુ જ્યારે ખાનસાહેબે મને કોઈ ચીજ સંભળાવવાનું કહીને મારો હાથ પકડી આગ્રહપૂર્વક બેઠક ભણી દોરી ગયા ત્યારે જાણે કે સામેની દુનિયા આખી ડૂબી ગઈ હતી. એ આનંદમાં ! ત્યારે મેં કેદાર જ વગાડેલો. મારા સિતારવાદનથી તેઓ એટલા તો પ્રભાવિત થયેલા કે ઊઠીને મને ભેટી પડેલા ! હું તો એ પળે સાવ અવાક્ પરંતુ યશોધરા એ ધન્ય ક્ષણે હર્ષાશ્રુથી કેવી ગદ્ગદ થઈ ગયેલી !!!... મીઠાં સ્મરણો વાગોળતાં અનુભાઈ સિતારને બેઠક પર મૂકી એમ જ શાંત બેસી રહ્યા. દીવાનખંડ ફરી નીરવ શાંતિમાં સરી પડ્યો. હવે માત્ર એ બે જ હતા : નીરવ, એકાકી, અબોલ દીવાનખંડ અને એવા જ એકલવાયા અનુભાઈ.
*
સીમાના પતિ સુધીરે ‘ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ'માંથી એમ.બી.એ.ની ડિગ્રી મેળવી હતી અને એસ્સાર'માં એ ફાઇનાન્સ એડવાઈઝર હતો. એક દિવસ રાત્રે સુધીરે ભોજનના ટેબલ પર વાત કરી : ‘પપ્પાજી, આજે અમારી કંપનીના ચેરમૅને મને બોલાવ્યો હતો. મારી કંપની મને બઢતી આપી અમેરિકા મોકલે છે, કંપનીની ત્યાંની ઑફિસની જવાબદારી ચૅરમૅને મને સોંપી છે. હાલ હું છ મહિના માટે અમેરિકા જાઉં છું. ત્યાં ઑફિસનું કામકાજ અને ઘર બરાબર ગોઠવાઈ જાય પછી તમે બધાં અમેરિકા આવવાનું નક્કી કરો, એવું મેં અને સીમાએ વિચાર્યું છે. અમેરિકામાં શાલીન અને બંટીના અભ્યાસ અને વિકાસની તકો પણ વધશે.'
સમુદ્રમાં અચાનક ઊઠેલા ચક્રવાતની જેમ આ સમાચારે અનુભાઈને અંદરથી ખળભળાવી મૂક્યા હતા. સુધીરની વાત સાંભળીને થોડી ક્ષણો એમ જ મૂંગા બેસી રહ્યા. સીમા અને સુધીર પ્રત્યુત્તરની આશામાં એમની સામે તાકી રહ્યાં. પોતાની જાતને આયાસપૂર્વક સંભાળી લઈ, મહાપરાણે સ્વસ્થ બનીને અનુભાઈએ કહ્યું : ‘બેટા સુધી, તારી પ્રગતિ જોઈને હું ખૂબ રાજી થાઉં છું. તમને બંનેને સુખી જોવામાં મારા જીવનની ધન્યતા છે.'
પપ્પાનો આ પ્રત્યુત્તર સાંભળીને સીમા અને સુધીરના મનની દ્વિધા- આશંકા ટળી ગઈ તેમણે માની લીધું કે પપ્પાજી પણ સાથે આવવા સંમત થયા છે. તેઓ નચિંત થયાં. શાલીન અને બંટી તો આ સમાચાર સાંભળીને ઊછળી પડ્યાં. એમના કલબલાટે અને આનંદે અનુભાઈને આગળ બોલતાં અટકાવ્યા. બંટી તો નાનાજી પાસે દોડી ગયો અને નાનાજીનો હાથ પકડી ઝુલાવીને બોલ્યો : ‘નાનાજી, કેવી મઝા આવશે ? હવે તમારે અમને અમેરિકાની વાર્તા કહેવાની છે હોં !' બંટીને બે હાથે બાથમાં લઈ અનુભાઈએ ‘હા, હોં !' કહી માથે હાથ પસવાર્યો.
જમી પરવારીને વર્ષોની આદત મુજબ અનુભાઈ દીવાનખંડના એમના પ્રિય દીવાન પર જઈ બેઠા. ક્યારેક જમ્યા બાદ બંને બાળકોને એ વાર્તા કહેતા. સાંજનું અંધારું ઊતરતાં દીવાનખંડ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઊઠતી. વર્ષોથી આ ખંડ રાત્રિના ભોજન બાદ પૂર્ણ-પ્રકાશિત થતો; જાણે કે દિવાળીની રોશની ઝગમગી ઊઠી ન હોય ! ઝુમ્મરોનાં અષ્ટકોણી પારદર્શક પાન મંદ મંદ પવનમાં દોલાયમાન થતાં અને પ્રકાશનાં કિરણો પરાવર્ત પામતાં બિબ-પ્રતિબિંબોની પરંપરા સર્જાતી. દીવાનખંડ જાણે કે શીશમહલ બની જતો ! પણ આજે દીવાનખંડની દક્ષિણ દિશાના લાંબા વરંડામાંથી બાગનો અંધકાર જાણે અંદર ધસી આવ્યો હતો. એ અંધકારથી જાણે બચવા માગતા હોય એમ અનુભાઈએ આ ખંડમાં રોજ રાત્રે જામતી પત્તાંની મહેફિલની દુનિયામાં મનને ધકેલ્યું : ‘બાપાજી પત્તાંના શોખીન, એમના સમયથી એમના સમવયસ્ક સાથીઓ રાત્રે આઠ-સાડા આઠ સુધીમાં અચૂક આવી પહોંચતા. એમને લાવવા-લઈ જવા બાપાજી પહેલાં, બે ઘોડાની વિક્ટોરિયા ને પછી શેવરોલેટ કાર મોકલતા. બ્રિજની રમત રમતાં એ શ્રેષ્ઠીઓ અને દીવાનખંડ એકમેકથી શોભી રહેતા. ક્રમશઃ એ મહેફિલો પણ વણઝારાનો પડાવ ઊઠી ગયા પછી પડી રહેલા કાળા ધુમાડિયા ત્રણ પથરાના મંગાળા સમી માત્ર યાદગીરી બની ગઈ, ભોજન બાદ થોડી વારમાં ઘરના બધા સભ્યો પોતપોતાના ખંડમાં ચાલ્યા ગયા. હવે રહી છે માત્ર નીરવ, અભેદ્ય શાંતિ ! રાત્રિના અંધકારને ભેદતો, પસાર થતાં વાહનોનો અવાજ વચ્ચે વચ્ચે આ શાંતિનો ભંગ કરે છે; પણ એ ય કેટલી વાર ? .... હવે ક્યાં છે પેલું હાસ્ય, એ કલબલાટ અને બાજી ચીપવાના અવાજો ? અનુભાઈ દીવાનખંડને જાણે સંબોધતા બોલ્યા : ‘રાત્રિનો ભારેખમ ગહન અંધકાર ધીરે ધીરે અણુ અણુમાં વ્યાપી વળશે. એ અંધકારનો હાથ પકડીને મારે મારા શયનખંડમાં સાવ એકલા પહોંચવાનું છે, દિનભરની નિરંતર અને નિષ્ફળ પ્રતીક્ષાના બોજને વેંઢારતા.’ પછી હાથમાં લાકડી લઈ એ હળવે પગલે શયનખંડ ભણી ચાલ્યા. એમને જતાં જોઈને, રાહ જોઈને બેઠેલા રામજીએ બધે ફરીને બધી લાઇટો બુઝાવી નાખી અને દીવાનખંડમાં ચસોચસ અંધકાર પથરાઈ ગયો.
*
સુધીરને અમેરિકા ગયે છ મહિના થવા આવ્યા. સીમા પણ અમેરિકા જવાની તૈયારીમાં વ્યસ્ત હતી. તરેહવારની ભાતભાતની ચીજવસ્તુની ખરીદી, પૅકિંગ, વિદાયની પાર્ટીઓ, બાળકોનાં સ્કૂલ-સર્ટિફિકેટ ઇત્યાદિ અનેક કામો ચાલતાં રહ્યાં. આ સમય દરમિયાન અનુભાઈ નાસ્તા અને ભોજનના સમયે ટેબલ પર આવતા પરંતુ એ સિવાય એ એમના દીવાનખંડ અને બેડરૂમમાં જાતે પુરાઈ રહેતા : જાણે કોશેટામાં કેદ પતંગિયું ! અનુભાઈના મનમાં કંઈ કેટલી વાતો ઘૂમરાતી રહી : ‘એકમાત્ર આધાર દીકરી અને પરાણે વહાલાં લાગે એવાં એનાં બાળકો તેમ જ સુધીર - એ સૌ હવે જોશે. પાછળ રહી જશે આ ખંડ ! મારા જીવનની એકલતાને ભરી દેતો આ ખંડ, શેષજીવનનો સાથીસંગી...’ આ વિચારોમાં ડૂબેલા અનુભાઈને સીમા ક્યારે પાસે આવીને ઊભી રહી તેની સરત ન રહી.
‘પપ્પાજી !'
અનુભાઈ ઝબકીને જાગ્યા હોય તેમ સીમા સામે જોઈ રહ્યા પછી અસમંજસમાં તેમણે પૂછ્યું : ‘મને કહ્યું, બેટા ?’
‘હા, પપ્પાજી ! સુધીર હવે અઠવાડિયામાં આવી પહોંચશે. કાલે જ એમની સાથે વાત થઈ. અમારી બધાંની તૈયારી થઈ ગઈ છે. તમારી શી- શી ચીજવસ્તુઓ લેવી છે એ તમે કહો. એ રીતે તમારી તૈયારી કરી લઈએ, વળી... ત્યાં તો ઠંડી પણ વધારે હશે.
અનુભાઈ પળવાર મૂંગા રહ્યા. વહાલસોઈ દીકરીને શો જવાબ આપવો ? થોડી વારે કહ્યું : ‘દીકરા, કઈ કઈ ચીજો સાથે લેશું અને કઈ કઈ અહીં પાછળ છોડી જશું ?’ પિતાના આ અણધાર્યા પ્રશ્નથી સીમા મૂંઝાઈ. ન સમજાતાં એણે પૂછ્યું : એટલે ?'
અનુભાઈએ મનોમન વિચાર્યું : સીમાને આજે હવે મનની વાત કહેવી જ પડશે. એમણે નિર્ણય કરી લીધો હતો પરંતુ સીમાને એ કહેતાં થોડો ખચકાટ અનુભવતા હતા.
‘દીકરા, આ બધું છોડીને હું ક્યાં જઈશ ? મારું જે કંઈ છે તે અહીં છે. તું મને આગ્રહ ન કરીશ. તમે સૌ ખુશીથી જાવ, નચિંત બનીને જાવ,' કહેતાં અનુભાઈના હોઠ ધ્રૂજ્યા - કંઠ રૂંધાયો. ઊભા થઈ કંપતા હાથે લાકડી પકડી અને પોતાના શયનખંડ તરફ વળ્યા. સીમા એમને ધીમે પગલે જતાં જોઈ રહી.
નિર્જન રણની વચ્ચે અડોલ ઊભેલા એકાકી તાડના ઝાડની જેમ અનુભાઈ દીવાનખંડની મધ્યમાં લાકડીને ટેકે ઊભા રહી ઘરની ચહલપહલ નિર્લેપભાવે જોઈ રહ્યા હતા. ઘરના નોકર-ચાકર પોર્ચમાં ઊભેલાં વાહનોમાં સામાન મૂકવા દોડાદોડ કરી રહ્યા હતા. આજે સીમા, સુધીર અને બાળકો અમેરિકા જઈ રહ્યાં છે. નાનકડા બંટીએ નાનાજીની આસપાસ ચક્કર મારી, પગે હાથ મૂકી પ્રણામ કર્યાં. અનુભાઈએ એને વ્હાલથી પંપાળી ગાલે ચૂમી લીધી અને એ ગાલ લૂછતો, ઊછળતો, કૂદતો, સામાન ગોઠવાતો હતો ત્યાં પહોંચી ગયો. શાલીન પોતાની પાસે રાખવાની નાનકડી ઍરબૅગ ખભે ભેરવી, નવા બૂટ અને નવાં વસ્ત્રો તરફ નજર કરી દીવાનખંડના અરીસા સામે ઊભો રહી વાંકડિયાં ઝુલ્ફાને સંવારતો હતો. સીમા સાથે લઈ જવાના સામાનને ગણી ગણીને કારમાં મુકાવતી હતી. સુધીર એના પોર્ટફોલિયોમાંનાં ઍર-ટિકિટ, પાસપોર્ટ, વિઝા વગેરે ડૉક્યુમેન્ટ્સ જોઈને ખાતરી કરી રહ્યો હતો. ઘડિયાળ તરફ નજર કરતાં એણે સીમાને બૂમ પાડી : ‘સીમા, મોડું ન કર. રિપોર્ટીંગ ટાઇમ સાડા આઠનો છે. આઠ તો વાગ્યા, બધો સામાન મુકાઈ ગયો ?’
‘હા', કહી સીમા બંને બાળકોને લઈ અનુભાઈ પાસે આવી અને કહ્યું : ‘ચાલો, બંટી-શાલીન, નાનાજીને પગે લાગો. બંને બાળકો અનુભાઈને ઝટપટ પગે લાગી, ‘બાય નાનાજી ! અમે તમને લેવા આવીશું.’ કહેતાં કારમાં બેસવા દોડી ગયાં. સીમા અને સુધીર અનુભાઈને ચરણસ્પર્શ કરી ઊભાં રહ્યાં. અનુભાઈએ બંનેને ખભે-માથે હાથ મૂકી, સીમાને પડખે લઈ પીઠ થાબડી. સુધીરની સાથે હાથ મેળવી બોલ્યા : ‘બી હેપી ઍન્ડ મેરી, યંગમૅન ! મારી સ્હેજ પણ ચિંતા ન કરશો.' સીમાના રડું રડું થતા રતુંબડા ચહેરા સામે જોઈ, પોતાની પાંપણો પણ ભીની થાય એ પહેલાં સુધીરે કહ્યું : ‘સીમા, ચાલો હવે, મોડું થશે.'
‘યશોમહલ'ના સિસમના કાળા પ્રવેશદ્વાર વચ્ચે ઊભેલા અનુભાઈને ફરી ‘આવજો’ કહેતાં એ ખંડની બહાર નીકળી ગયો. ખભેથી સહેજ નમી ગયેલા અનુભાઈ હવે લાકડીને ટેકે ઊભા હતા. કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો. ‘આવજો, બાય-બાય’ના અવાજો સંભળાયા. અનુભાઈનો જમણો હાથ ‘આવજો' કહેવા ઊંચકાયો અને અવકાશમાં એમ જ અધ્ધર રહી ગયો.
સ્રોત
- પુસ્તક : આ એક ખંડ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સર્જક : ભારતી ર. દવે
- પ્રકાશક : હર્ષ પ્રકાશન
- વર્ષ : 2013
