દલપતરામ
Dalpatram
વસ્તીના લોકે, વિપ્ર સાથે પાડ્યો વાંધો;
કહે કોઈ દ્વિજનું કામ ન કરવું, બંધી એવી બાંધોરે. વસ્તીના...
ઘર ઘરથી ભેળા થઈને, સઉ, મુખથી બોલ્યા માળી;
પુષ્પ પત્ર દ્વિજને નહિ દઈએ, અમે ગાંઠ એ વાળીરે. વસ્તીના...
કહે સુતાર અમે કોપ્યા તો, ભોગ ભટોના મળશે;
ઘંટીનો ખીલડો ભાગે તો, દાણા શેણે દળશેરે. વસ્તીના...
ઘાંચી કહે અમે નહિ દઈએ, દીવેલ દીવા સારૂ;
દીવા વિના ઘર દેખાશે જેમ, અપાશરે અંધારૂંરે. વસ્તીના...
દરજી કહે કોઈ દ્વિજને માટે, થીંગડી એક ન માંડો;
કાંચળી વિના ઉકાંચળી ફરશે, રૂષિ સઘળાની રાંડોરે. વસ્તીના...
વણકર કહે છે વસ્ત્ર ન દેવાં, એટલે અડચણ મોટી;
ચકલે ચકલે ચીંથરાં વીણી, છો વાળે લંગોટીરે. વસ્તીના...
કડીઆ કહેછે ઘર પડશે તો, કોણ હવે ચણી દેશે:
હાથે રોડાં ગોઠવશે, એની રાંડ તગારાં વહેશેરે. વસ્તીના...
મોચી કહે અમે કોપ્યા તો, ઉડશે એના આટા;
ખરે બપોરે જવું પડે તો, પગે બાંધશે પાટારે. વસ્તીના...
કહે હજામ હવે બ્રાહ્મણના, કદીએ વાળ ન લેવા;
ડાઢાં વધવાથી દેખાશે, બધાય બકરા જેવારે. વસ્તીના...
કહે લુવાર કરો એવું કે, તરતજ તેઓ થાકે;
લોઢી કે કડછી નહિ દેવી, છો પછી આટો ફાકેરે. વસ્તીના...
કહે ભરવાડ હવે બ્રાહ્મણનાં, નહિ ચારીએ ઢોર;
ભણવું ગણવું ભૂલી ગાયો, ચરાવશે જઈ ગોરરે. વસ્તીના...
કહે કુંભાર ન દેવાં વાસણ, તેથી તરત અકળાશે;
હાથે હાંલ્લાં પડશે તો, બ્રાહ્મણ ઓઝા કહેવાશેરે. વસ્તીના...
ઘર ચણવા માટીના ગુણા, દિધાનિ વાત હવે શી;
માટીખાણે માટી લેવા, જશે ગધેડે બેશીરે. વસ્તીના...
ધોબી કહેછે વસ્ત્ર ન ધોવાં, પછી કકળશે કેવા;
ગોર બધા મેલા ગંધાશે, જતી ઢુંઢિયા જેવારે. વસ્તીના...
કોળી કહે અમે બ્રાહ્મણને, ખૂણે ખાતર દેશું;
ગૌમુખીને આસનીયાં, સુદ્ધાં જઈ ચોરી લેશુંરે. વસ્તીના...
ભાંડ ભવાયા ચારણ ગાંધ્રવ, એ વળી બોલ્યા એવું;
અમે ફજેત ફજેત કરીને, કરશે જોવા જેવું રે. વસ્તીના...
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 180)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
