vandhani patnizankhana - 1 - Satire | RekhtaGujarati

વાંઢાની પત્નીઝંખના - 1

vandhani patnizankhana - 1

દલપતરામ દલપતરામ
વાંઢાની પત્નીઝંખના - 1
દલપતરામ

જન્મકુંડળી લઈ જોશીને, પ્રશ્ન પૂછવા જાઉં;

જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉં.

મશકરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;

હું તો સાચેસાચી માનું, થાઉં રૂદે રળિયાત;

અરે પ્રભુ તેં અગણિત નારી, અવની પર ઉપજાવી;

પણ મુજ અરથે એક ઘડતાં, આળસ તુજને આવી.

ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;

કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી.

રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;

મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપનામાં નહિ દીઠું.

મુખનાં મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામું;

દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું.

વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે:

અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે.

ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;

બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે.

પુત્ર પુત્રીને પરણાવે કે, વ્રત ઉદ્યાપન વેળા;

હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા.

અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યાં હશે કેવાં;

મેં શાં મોટાં પાપ કર્યાં હશે, મળ્યાં નહીં સુખ એવાં.

મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;

અરે વિધાત્રી અભાગણી, આતે શી બુદ્ધિ તારી.

અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;

વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂં છું દાઝી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002