દલપતરામ
Dalpatram
પનઘટ ઉપર પ્રભાતમાં જઈ, બગની પેરે બેસું;
વિધવિધના વિચાર કરૂં પણ, એથી અર્થ સરે શું.
રસ્તે જાતાં રામાઓનાં, ટોળે ટોળાં દેખું;
નિરખીને નિસાસા નાખું, અભાગ્ય મારાં લેખું.
પછી ઘેર જઈ પોતાને હાથે, નીર ઉકાળી ન્હાવું;
બળ્યા જળ્યા ભાખરા બનાવી, ખાંત વિનાનું ખાવું.
સ્મશાન સરખું ઘર ભાસે ને, ચિતા સળગતી સજ્યા;
અધિક અંતરની વાત ઉચરતાં, લાગે છે મને લજ્યા.
વાસણની ઉતરેવડને એક, રાતું વસ્ત્ર ઓઢાડું;
ઉભાં છો વહુ એમ કહી, મારા મનને હું રમાડું.
એની જોડે ઉભો રહીને, એમ વિચારૂં આપ;
આ જેવડી કન્યા આવે તો, વળતી શા સંતાપ.
એક દોરડું લઈ તેની, વરમાળા બેશ બનાવી;
મારા ને ઉતરેવડના, મેં કંઠ વિષે પેહેરાવી.
કહ્યું ચાલો વહુ ચોરીમાં, તમને આપીશ મુખમાગ્યું;
ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજને વાગ્યું.
હસતાં મારે લાતો જો ભાઈ, હોય પ્રિયાની પ્રીત્યો;
મેં મારે મન એમ ગણ્યું જે, આજ ઓરિયો વીત્યો.
નારિ વિના દુખનો નહિ છેડો, મરૂં છું એ દુઃખ માટે;
પુરપતિ કહે તુજને પરણાવિશ, ન મરિશ એ ઉચાટે.
નારી તારી નાતતણી છે, વિધવા પણ ગુણવાન;
સોળ વરસની સુંદરી છે, તન રંગે રતી સમાન.
હમણાં તો દુખની દાઝી, દીસે છે જેવી ડોશી;
પણ રંભા જેવી બનશે, જો રાખિશ પાળીપોષી.
પણ તારા નાતીલા તુજને, કરશે પંગત બહાર;
માટે હીંમત હોય તને તો, પરણાવું તે નાર.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 182)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
