janawarni jaan - Satire | RekhtaGujarati

જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે;

બકરીબાઈનો બેટડો, પરણે છે આજે. ૧

ઢોલ, નગારાં, ભેરી ને સૂર સરણાઈ તીણાં;

સો સાંબેલા શોભીતા બેટાબેટી ઘેટીનાં. ર

ઠીક મળી ઠઠ લોકની, જરા ઠામ ઠાલો;

દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો. ૩

સાજનનું શું પૂછવું, બકરે કરી જોરો;

ભેગા કર્યાં છે ભાવથી, મોટાં મોટાં ઢોરો. ૪

રાતા માતા આખલા, રાખી શિંગડાં સીધાં,

આગળ માર્ગ મુકાવતા, પદ પોલીસ સીધાં. પ

સાજને શ્રેષ્ઠ ઊટંડા, હીંડે ઊંચી ઓડે;

એનાં અઢારે વાંકડાં, કામદારોની ગોડે. ૬

હારમાં એકબે હાથી છે, મોટા દાંતજ્વાળા,

નીચું ન્યાળી ડોલતા, હીંડે શેઠ સૂંઢાળા. ૭

હાથી ઘોડા તો છે ઘણા; હાર રોકતા પાડા;

કાળા કઢંગા ને થયા, ખડ ખાઈ જાડા. ૮

આંખ ફાટી છાતી નીસરી, કરતા ખૂબ ખુંખારા;

હીંડે ઊછળતા ઘોડલા, સાજન થઈ સારા. ૯

ટટ્ટુઓ ટગુમગુ ચાલતાં, પૂંઠે ગરીબ ગધેડા;

હા જી, હા જી, કરી હીંડતા, ડીફાં વિના અતેડા. ૧૦

હારોહાર હજારો આ, માંહોમાંહે લપાતા;

કોણ આવે કામળ ઓઢીને, તો ગાડરમાતા. ૧૧

પિતરાઈઓ વેવાઈના, એને અક્કલ કોડી;

આડાઅવળા એકેકની પૂંઠે જાય જો દોડી. ૧ર

બકરા તો વરના બાપ છે, હોય એનું શું લેખું!

શું સાગર શિંગડાંતણો, હું તે આજે દેખું! ૧૩

વરનો તે ઘોડો આવિયો, વાજે વાજાં વિલાતી;

ભેરી ભૂંગળ ને ઝાંઝરી, ભેગું ભરડતી જાતી. ૧૪

વરરાજા બે માસનું, બાળ બેં બેં કરતું;

ઝડપાયું ઝટ ઝોળીમાં, મન માડીનું ઠરતું. ૧પ

‘મંગળ’ બકરીબાઈ તો ગાય હરખી હરખી;

જોડે જાંદરણી ઘણી, કોડે જોવા સરખી. ૧૬

બકરીબાઈ નાતની, ને બીજી ઘણીઓ;

આણી આડોશપાડોશણો, બાઈપણી બેનપણીઓ. ૧૭

ભેંસ, ભૂંડણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી;

ગાય, બિલાડી, ઊંદરડી ને એક કૂતરીયે તેડી. ૧૮

વાંદરીઓ નથી વીસર્યાં; દસ વીસ કૂદે;

સાથે સામટાં થઈ સૌ, સાત સૂરને છૂંદે. ૧૯

કોઈ બેં બેં, કોઈ ભેં ભેં કરે, કોઈ ભૂંકતી ભૂંડું;

કોઈ ચૂં ચૂં, મ્યાઉં મ્યાઉં કરે, વેર વાળે કોઈ કૂડું. ર૦

હૂક હૂક કરતી વાંદરી, જો જો! નાચે છે કેવી!

ધન ધન બકરી! કોઈની, જાન તારા તે જેવી! ર૧

ચારપગાંની જાન આ, જોડી બેપગા સારુ;

સમજે તો સાર નવલ બહુ, નહીં તો હસવું વારુ! રર

સ્રોત

  • પુસ્તક : બાળ ગરબાવલી (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સર્જક : નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
  • પ્રકાશક : વસુમતિ ધીમતરામ નવલરામ
  • વર્ષ : 1941
  • આવૃત્તિ : 39