એય વીહલા,
કેદાળેનું મનમાં તને
મારા બાપીકા વારસાની બે વાત
કઉં કઉં થિયાં કરતું ઊતું.
એમ તો એમણે પેલા ઉદેપુરના રાજાની જેમ
જીવતરમાં કંઈ કીર્તિથંભ નીં ચણાવેલો ઊતો
પણ આપળા ઘરના વાડાની પછાળીથી
વડના છોડને મૂળ હાથે કાળી
પેલા કેહવા કોહિયા પાંહે
પાદરે રોપાવેલો તે તો તને ફોમ ઓહે જ.
કંઈ નીં તો આજે ઊં એની ટીહલી પર બેહીને
આપળા ગામની રોનક તો હૃદિયામાં ઠારી હકું છું ને...
આપળું ગામ એટલે
ગામમાં આપળો કહેવાય એવો
એક ઓરડીવાળો ખૂણો ઓય
ને ઓય તો હીમારમાં એકાદ વાવલું
એમ તો પેલા ડાયા અંગ્રેજે
માંહોમાંહેની ખટપટમાં ખેતરની
રાતોરાત ક્યારી કરાવી નાંખેલી
અને આખરે બધુંય ફનાફાતિયા થેઈલું
એ વાત તારી ફોમમાં ઓહે જ વીહલા.
પણ મારા બાપાએ
લળાઈના સમયમાં વેપારમાં આવલી
ખોટ ને હાટે એકનું એક વાવલું
માગતામાં આલી દીધલું
કંઈ નીં તો આજે ઊં એનું ઢેફું હુંઘીને...
આ ગામ મારું છે એવું તો જરૂર કહી હકું છું ને...
એમના ગિયા પછી
પેટારામાંથી અમારી જનમ તારીખની નોંધવાળી લાલ ડાયરી
એમાં લખેલી ગાંધીવટાની યાદી,
વળી થોડાંક કાગળિયાંની હાથે
પોસ્ટની છાપવાળા પંચમ જ્યોર્જના બાવલાવાળા
કેટલાંક પોસ્ટકાર્ડ આથ લાગલાં,
એ બધું યે મેં હચમુચ હાચવી રાઈખું છે, વીહલા.
કંઈ નીં તો આજે ઊં ધારું તો પેલા મગન મોચી પાંહે
મારા જોડાના તળિયામાં એ રદ્દી પોસ્ટકાર્ડ નખાવીને
ગામમાં વટથી ચમ...ચમ... ફરી તો હકું છું ને.....
છેલ્લી અવસ્થામાં ધ્રુજતા આથે
બેચાર ઓછા મણકાવાળી માળા ફેરવતા
એમને ઊં જોતો તિયારે
એ એમનાં અધૂરાં કામોને ગણતા ઓઈ
એવું મને લાઈગા કરતું
કંઈ નીં તો આજે ઊં એ અધૂરી માળાના મણકા
મારા આથમાં લેઈ એમનાં આદરેલાં અધૂરાં પૂરાં કરવાનું
મનોમન નક્કી તો કરી હકું છું ને?
સ્રોત
- પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
- પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
- વર્ષ : 1986