નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
Narsinhrao Bholanath Divatia
યશોધરા :
'તુંજ પ્રેમના સંદેશ ક્યાં?'
બુદ્ધદેવ :
[ખંડ હરિગીત]
'વ્યોમ ભૂરા હાસથી હસે નિર્મળ વેશમાં,
લખ્યા કોમળ કર થકી મુજ પ્રેમના સંદેશ ત્યાં.
ચન્દ્રિકા સાગરપટે સૂતી વેરી કેશ જ્યાં,
લેખની દિવ્ય જ લખે મુજ પ્રેમના સંદેશ ત્યાં.
મૃત્યુને જીવનતણા તુંગ પ્રૌઢ તરંગ જે,
ઝૂઝતા કંઈ કારમા, પ્રિય નાથ નિજ તે મહીં ધ્રૂજે.
યુવતી ભાવ અનન્યથી સેવતી સ્થિર આશમાં,
આંસુ હૃદયે રોપતી, કુસુમો બની જે ખીલતાં, –
મુજ પ્રેમસંદેશો ત્યહાં.
ઇન્દ્રધનુ–બુરખો ધરી, હિમશિખરના દેશમાં,
ઝાંખતી સ્મિત સુંદરી ગિરિદેવી–મુજ સંદેશ ત્યહાં.
છાતી સરસું દાબતી બાળ નિજ નવયૌવના,
ચુંબનોમાં ઢાંકતી, કંઈ આંસુ ગૂઢા ભાવનાં;–
મુજ પ્રેમના સંદેશ ત્યાં.
ગૂંથતી સરિતા રસે, શુક્રને નિજ કેશમાં,
નાચતી ઊલટે હસે; – મુજ પ્રેમના સંદેશ ત્યાં.
સ્વર્ગ સાથે જોડતું મર્ત્ય જીવનને સદા;
શિશુ હસંતું દોડતું; – મુજ પ્રેમસંદેશો ત્યહાં.'
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
