manthra - Samvad Kavya | RekhtaGujarati

મંથરા : હસી લે ઘડીક, સૂર્ય, છેલ્લા સ્મિતરશ્મિ સુધી.

અયોધ્યાવાસીનાં રંગરાતાં મન સુપ્રસન્ન

જોઈ રાતોમાતો તુંયે, સૂર્યવંશીઓની રિદ્ધિ

તણા સૌ સુવર્ણરંગ ઉછાળતો કોટિ-કરે.

કાલે કાળોમેંશ જો તું ઊગે ના તો જે ક્હેજે મને....

ડૂબ્યો! ગ્રસ્યો અંધકારે!... યૌવરાજ્ય-અભિષેક

પામનારનેય ગ્રસે સઘન દુર્ભાગ્યછાયા....

અરે મારી સરલ તે માનિતી રાણી કૈકેયી

સૂતી છે પ્રદોષવેળાએયે જે સૌભાગ્યગર્વે

નૃપતિને પ્રતીક્ષતી, અજાણ કે શાઠ્ય કેવું

આચરી રહ્યો છે દુષ્ટ રાજા એની પૂંઠ પરે,

ભરતને માતુલને ઘરે જવા દઈ, અહીં

રામને યુવરાજપદે સ્થાપીને… એ નહીં બને.

નહીં બને, મંથરાના છતાં કૈકેયી તરુણી

ભાર્યા વૃદ્ધ રાજા તણી માનહીણી જરીય તે

નહીં બને. ....અયોધ્યા! આ દીપભૂષણો સજીને

કૈકેયીની હાંસી આમ કરવી ન છાજે તને....

કોણ છે રે? દીવો લઈ અંધકાર પ્રાસાદનો

શતખંડ કરતું એ કોણ ગયું? ધાત્રી?....આવ,

દીપ આ પેટાવ. રાણી રોષ કરશે કે હજી

રાજાના સ્વાગતે હૈયાપ્રકાશ-શી દીપદ્યુતિ

લીંપી કેમ રહી નથી વસ્તુમાત્રને... ઓ રહે

દૂર, દૂર રાખ તારું મુખ દ્વાર આડે છૂપું,

અયોધ્યાના આનંદની છાલકથી મલકાતું.

પેટ્યો દીવો... જા, નથી કૈં કામ તારું, ખસ દૂર.

...અરે, કિંતુ, કોણ તું આ દીપશિખા સમું મુખ

ઝળાંઝળાં ધારનારી બાળકી ખેંચી રહી આ

અપંગને મને હર્મ્યવાતાયન પ્રતિ વેગે?

ધાત્રી, જો ને કોણ આ ક્યાંથી પ્રવેશી, સુગુપ્ત આ અંતઃપુરે

બાલિકા : ધાત્રીને તો ધૂત્કારી તેં દૂર કરી.

તેજોદાત્રી તણી તને અસૂયા ના જેવીતેવી.

મંથરા : કોણ છે તું, અલ્પમતિ, અતિભાષિણી અબૂજ?

બાલિકા : હું તો છું ઋજુલા, મને ઓળખી ના?

મંથરા : ના

ઋજુલા : સુભગે!

માનીશ તુ? હું છું તું જ.

મંથરા : નાનકડી આવડી હું?

ઋજુલા : હાં. તેં મને વધવા જ દીધી છે ક્યાં? આજે તો હું

માનવાની નથી તારું કંઈ જ. આ બારી પાસે

ચાલ. ચાલે છે કે નહિ? ભલે જતી ગબડી, છો

પછડાતી, ભલે નવી ખૂંધ વળી બીજી તને

નીકળતી. અયોધ્યાના હૈયાના એ હાર દીપ

જ્વલંતના બતાવ તું બતાવ મને આ ક્ષણે.

ચાલ! બતાવે છે કે નહીં? – ચાલ, ભોંય પડી તું જો

જાય તો હું કૈં ન જાણું... જો, જો, કેવા થથરતા

મંદાકિની તણી મંદ લહરીએ વ્યોમદીપ

આવી પથરાયા અહીં છે બધાય સરયૂને

તીરે રમણીય આજ જાણે!

મંથરા : મને ખૂંચે છે તે

આંખમાં કણાની જેમ. ...કાળવાયુ, બ્રહ્માંડની

કઈ ગુફામાં સૂતો છે? વા પ્રચંડ ઘોરરૂપે,

હોલવી દે એક ફૂંકે સમગ્ર આ દીપરાશિ.

ઋજુલા : ન બોલીએ આવું.

મંથરા : બોલ ના તું વચ્ચે. આજ રાતે

આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ

ત્યારે જ હું જંપવાની.

ઋજુલા : કારમી શી તાલાવેલી!

મંથરા : છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય,

આખાય આ બ્રહ્માંડનો બૂકડો હું કરી દઉં...

હસ તું.

ઋજુલા : ના હસું તો શું કરું, કહે? ખૂંધ તારી

આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી

છે તું મહા.

મંથરા : વિશ્વ આખું વક્ર ખૂંધું કરી દઉં.

ના મને વિડંબી શકે કોઈ જ તું જેમ પછી.

ઋજુલા : શું તને વાંકું પડ્યું છે? વાંક કંઈ અયોધ્યાનો?

મંથરા : કૌસલ્યાનો

ઋજુલા : દૂભવી શું કદી તેણે?

મંથરા : ના, ન એણે,

એના પુત્રે.

ઋજુલા : રામે? કદી કોઈનીય વિમાનના

કરે રામ?

મંથરા : નામ એક બોલીશ ના એ તું મારી

સમક્ષ.

ઋજુલા: શે અકારું એ એક નામ, જનહૈયાં

તણા મહાપારાવારને હેલે ચડાવનારું

ચંદ્ર સમું નામ રામચંદ્ર....

મંથરા : એ જ તો પીડા છે.

રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે

એ જ મારે માટે મોટું કારણ છે અણગમા

તણું.

ઋજુલા : તુંયે કેવી રટી રહી નામ એ જ મીઠું!

ભલે હો આશય ભિન્ન. જાણું ને હું, રટ્યા વિના

ના તુંયે રહૈ શકે ઘડી.

મંથરા : ભચડી હું દઉં એહ

કરાલ દંષ્ટ્રા વચાળે...

ઋજુલા : અરે, રામ, સ્હેવાતું ના,

રામ..રામ....

મંથરા : દીપક આ હોલવાતો રહી ગયો.

ક્યાં ગઈ? થઈ આલોપ?....

દીપકના કારમા આ

થથરાટમાંથી કોણ આકૃતિ આ કાળમીંઢ

ટપકી પડી અઘોર, પથ્થરની કંડારેલી?

કોણ તું?

આકૃતિ: હું કાલરાત્રિ

મંથરા : કાલરાત્રિ?

કાલરાત્રિ : મંથરા, હું

કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી

રૂંવે રૂંવે તારે; છું હું મંથરા તારું જ રૂપ.

મંથરા : મારું રૂપ? કેટલાં ભર્યાં છો તમે મારા મહીં?

પેલી તો હતી પરી વા દેવબાલિકા, અને આ

તુંયે ન દીસે માનવ.

કાલરાત્રિ : માનવ કો નથી એવું

જેમાં નવ વસી શકે દેવ વા દાનવ.

મંથરા : એ હો

જે કૈં ભલે. નરી મારો સ્વાર્થ છું જોનારી નારી.

રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને

ખાળવા હું મથનારી સંસારી છું જીવ. આવ,

મંગલનો પ્રસવ ન થવા પામે પ્રાતઃ કાલે

એ છે આપણે જોવાનું; આવ, ભાવિ-ઉદરમાં

ગર્ભ રહ્યો સળવળી, દૂષિત તે કરી દેવો

આપણું કર્તવ્ય એ જ. કૈકેયીને માનભંગ

બનીને આ અયોધ્યામાં જીવવાવારો ન આવે

બસ એ જ લક્ષ્ય એક.

કાલરાત્રિ : કુમાર તે કૌસલ્યાનો

યૌવરાજ્ય પામે, તેમાં...

મંથરા : પામે કેવો, મંથરા હું

બેઠી છું ત્યાં સુધી? જશે, ભટકશે, અરણ્યોમાં

ભિક્ષુક કે જતિ સમો.

કાલરાત્રિ : કદાચને કો પ્રવીર

સમો. વિશ્વામિત્ર સાથે વનોમાં – તપોવનોમાં

ગયો, તાટકા ત્યાં હણી, રાક્ષસો માર્યા અનેક

અરણ્યમાં જશે ફરી તો રાક્ષસકુલો કૈંક

સંહારશે. કીર્તિ એની ગાજશે દિગ્દિગંતમાં.

મંથરા : તેથી શું ન મોકલવો દેશવટે એને મારે?

વિશ્વામિત્રે માગ્યો રામ, વૃદ્ધ રાજા બોલ્યો ત્યારે

રામ તે હું દૈશ નહીં, બીજું માગો, માગો મને,

ત્યારથી એ થઈ પડ્યો છે અકારો છેક મને.

જોઈએ મારે તો બસ પગ એનો ટળે એ જ.

કાલરાત્રિ : દુરિત આચરનારને શુભ તે દુરિતમાંથી

પ્રસવે તો નભાવી લેવું પડે જ. બોલ, હં, તું

દેશવટે મોકલીશ?

મંથરા : હા.

કાલરાત્રિ: હા હા હા – હસવાનો

આવ્યો આજે હવે મારે સમય, ભૂતલ પરે

ઝંઝા સમી ઘૂમી હું વળીશ, લાખ લાખ મારા

ઉદરે ઓરાશે ચંડ રાક્ષસો. રુધિરઓઘ

કંઠ મારે ઠલવાશે. ડાકિની- શાકિનીક બની

નાચીશ બીભત્સ નૃત્ય, વરવી આકૃતિ મારી

તણો સુવિરૂપતર ભાગ બની સોહી રહેશે

વિશ્વ આખું ખૂંધ કો વિરાટ સમું....

મંથરા : અપહાસ

રહેવા દે તારા. મારે, આજની જો રાત્રિ થાય

કાલરાત્રિ, આજ માટે પર્યાપ્ત છે એટલું જ.

કાલરાત્રિ : અગ્નિરસ ઊછળતો ધરિત્રી પેટાળમાંથી,

વિકટ કાટકા કરી ત્રુટંત કૈં અદ્રિશૃંગો

જવાલામાલામાં લીલાથી રમાડતો, લસી રહેશે

જગતને જાણે આખા ખાઉં ખાઉં કરતો ત્યાં. ...

જ્વાલામુખીનું ઢાંકણ ખોલવામાં મજા તને.

મંથરા : અત્યારે તો તે અબૂજ માનિની કૈકેયી તણા

રોષકોષ ઉપરનું ઢાંકણ ખસેડી દેવું

એ જ એક કર્તવ્ય જે ઊભું સામે, તેમાં શી તું

દે છે, જોઉં છું, સહાય. ચીત્કારથી આભ ચીરી

ચમકાવ, જા, જગાડ ભરતની જનેતાને

ધસી ધૃષ્ટ અંતઃકક્ષે.

કાલરાત્રિ : ક-ક-ક-કૈકેયી-ઈ-ઈ....

કૈકેયી : (પ્રવેશીને) - કોણ છે રે?...મંથરા તું?

કારમી દૈ ચીસ કોણે

બોલાવી મને...નથી શે બોલતી? કુબ્જા તું બની

બોબડીયે?...શું જુએ છે, મંથરા, ગવાક્ષે ઊભી?

મંથરા : કાલરાત્રિ..

કૈકેયી : શું બોલી તું?

મંથરા : જોઉં છું હુ કાલરાત્રિ..

કૈકેયી : કાલરાત્રિ કેવી! શાની? કોની?

મંથરા : કહું? ભરતની,

જો તું નહીં સમજે તો; અને કદી સમજે તો

રામની.

કૈકેયી : શું બોલી રહી, ભાન કૈં તને?

મંથરા : ન ભાન

તને જ કંઈ, કૈકેયી! ભરત છે ક્યાં?

કૈકેયી : મોસાળે

મંથરા : શા માટે?

કૈકેયી : યુધાજિત્ બંધુ મારો તેડી ગયો એને

કેક્યાધિપતિ અશ્વપતિ-સુત વાત્સલ્યથી.

મંથરા : અયોધ્યાની હૈયાલક્ષ્મી આનંદ આનંદ આજ

કેમ માની રહી, જો તો!

કૈકેયી : સમજ કૈ પડે એવું

બોલ સમસ્યાવચન છોડી. મંથરા, સદાની

વક્ર રહી એની એ જ.

મંથરા : રાણી શીદ, વાંકું પાડો,

વાંકું જ્યાં છે ભાગ્ય તમ?...અયોધ્યા ઓ પૂરે સાક્ષી.

કૈકેયી : વાંકું શું છે એમાં? અરે! અયોધ્યાની હૈયાલક્ષ્મી

સાથે હસે હૃદય આ મારું.... હસ અયોધ્યા, તું.

છો રડે આ મંથરા, જો રડવું જ ઇષ્ટ એને.

મંથરા : હસે તું દુર્ભાગ્યથી જો તારા, એકલી રડીશ

હું. વિદાય ભરતને કરી રાજા દશરથે

નિરધાર્યો રામનો જે યૌવરાજ્ય-અભિષેક

તાત્કાલિક કાલ પ્રાતઃકાલે એથી અહીં એક

મંથરા વિના અયોધ્યા આખીયમાં રડશે કો?

કૈકેયી : મૂર્ખી, શું તું અધમૂઈ, એ વાતે થઈ? તો લે આ

ગળામાંનો નવસર હાર મારો વધાઈમાં

રામ-અભિષેક તણી, અને હવે હસી જા જો!

અરે રામ! હું તો જોઈ આંખના અંગારા તારા

છળી ઊઠી...હાશ, મારો રામ યુવરાજ થશે.

મંથરા : હસીશ હું, કેમ નહીં હસું, કહે કૈકેયી, આ

ભોળપણ તારા પરે, જાણતી જે જગતને

સ્નેહ-રત પોતા સમું આજે અવસર નથી

તારે, કિંતુ કૌસલ્યાને છે ભૂષણો સુવર્ણનાં

અર્પવાનો....

કૈકેયી : નથી કેમ મારે, અરે વક્રમતિ!

ધર્મજ્ઞ તે સત્યાચાર, વિનમ્ર, શુચિ, રુચિર

રામ કૌસલ્યા તણો જ નથી, છે એ મારોય તે

એટલો જ. ભરતને રામમાં ન ભેદ કશો

મારે મન.

મંથરા : એ જ તો છે મારે મન મહાશૂળ.

કૈકેયી : કેમ રે?

મંથરા : ન પૂરતું છે–તારે મન ભેદ નથી.

કૌસલ્યાને મન યદિ ભેદબુદ્ધિ

કૈકેયી : હોય કદી,

તોય રામ મારો તે તો રામ સદા રહેવાનો.

મંથરા : રામ તેય શું કરે, જ્યાં રાજનીતિ નિજ ગતિ

અનુસરે?....રામ હોય ગમે તે પરંતુ તેને

ભય સદા ભરતનો રહેવાનો ને ભયભીત

રાજ્યારૂઢ નૃપતિથી ચાલવું બચીને સદા

ભરતને લલાટે હા લખાયું જ.

કૈકેયી : રાજનીતિ

અયોધ્યાના રાજગૃહે દાસીઓએ ભાખવાની

આવી ગઈ વેળા?

મંથરા : રાણી, રાજગૃહ છે ક્યાં, કહે?

હું ન ક્યાંય જોતી. જોઉં છું હું આ આંખોની સામે

પ્રેષ્ય દાસી કૌસલ્યાની કિંકરી બનેલી તને.

અને રામનીય....

કૈકેયી : રામ રિપુનેય વ્હાલ કરે

સર્વપ્રિય, સત્યકામ, તે તો મને કૌસલ્યાથી

અદકેરો અર્ચે સદા. છોડ ચિંતા, સ્વસ્થ બની

નૃપતિકુમાર જ્યેષ્ઠ યૌવરાજ્ય પામે તેને

વધાવતાં શીખ.

મંથરા : મારે શીખવાનું આવ્યું ખરે

તારી કનેથી ઘણુંક, રાણી, કહે અર્ચના તું

પામી પોતે એટલે શું પુત્રનેય મળી? એની

દશા શી, —કશી જ તેની તને ના ચિંતા. એ જ્યેષ્ઠ

યૌવરાજ્યપદ પામે એ જ તો આપત્તિ. રાણી,

હુંય તે કૈં જાણું, રાજ્યે જ્યેષ્ઠ જ જે હોય તેને

યુવરાજ સ્થાપ્યો ઘટે. ભરતનું કિંતુ...

કૈકેયી : તારું

કિંતુ ન ટળ્યું! તું બસ કિંતુ કિંતુ રટ્યાં કર,

કિંતુડી!

મંથરા : છું કિંકરી તો કહે તારે ક્હેવું હોય

તે, પરંતુ....

કૈકેયી : પરંતુ?!

મંથરા : તું હસ, હસી લે તું આજ

છેલવેલું.

કૈકેયી : છેલવેલ્લું?

મંથરા : કાલે પ્રાતઃકાલે યુગ

નવો આરંભાશે તેમાં તું અને ભરત બેઉ

ખોવાઈ જશો કહીંય. ...તારું મને લાગતું ના,

લાગની છે તું ગમે તે થાય તારું તેની. મને

લાગે એક ભરતનું. શિશુપણે મોસાળે તે

રહ્યો, નહીં હળ્યો અહીં, નિષ્કંટક રાજ નિજ

કરવા કૌસલ્યાસુત – કિંચિત ના શંકા મને –

મોકલ્યા વિના રહેશે નહીં તારા ભરતને

દેશાન્તરે... અથવા તો લોકાન્તરે....

કૈકેયી : ભરતને?

મંથરા : ભરતને.

મંથરા : રામનો સહજ રિપુ ભરત.

કૈકેયી : ભરત?

મંથરા : ભલે,

ભરતનું કરવું જે હોય રામને, તે કરે.

રાજગૃહમાંથી ભલે ફંગોળાઈ વનવને

ભટકે ભરત ભલે.

કૈકેયી : ભરત?

મંથરા : ભરત.

કૈકેયી : ....ના, ના,

જીવતેજીવત મારા નહીં એ બને કદાપિ,

મંથરા, ન જાણીશ તું, મંદભાગણી બિચારી

અસહાય શક્તિહીન મને. રાખઢાંક્યો ફૂંકે

સ્ફુલિંગ જે તેની સામે વિશ્વગ્રાસિની જ્વાલા છું,

પદસ્પર્શે છંછેડે જે તેને કાજ વિષ-ઓઘ

ફૂત્કારતી ફણા માંડી મરડાતી સર્પિણી છું.

સિંહણ શું સહી લે કે, મંથરા, શિશુનો થતો

અભિભવ ?....અરે, અરે, મંથરા આ અયોધ્યા કે?

મંથરા : અયોધ્યા શું કરે એમાં? જે મળ્યો તે સ્થાપે રાજા.

આપણામાં જોઈએ કૈં હામ.

કૈકેયી : રામ વનવાસ

જશે, ભરત થશે યુવરાજ.

મંથરા : વાહ, મારી

રાણી, જાણતી હતી હું કે પાણીમાં બેસી જાય

એમાંની નથી તું. કહે, શી રીતે પાડીશ પાર?

કૈકેયી : શી રીતે પાડીશ પાર? તું કહે જો.

મંથરા : પૂછે છે તું

મને? તું જાણે બધુંય છતાં? જો મને પૂછે તો –

મારે મુખે સાંભળવું ગમે તો હું કહું, મારી

લાડીલી રાણી, છે તારાં રાજા કને વરદાન

લેણાં બે. પુરા સંગ્રામે દશરથ શસ્રાઘાતે

લોહીલથપથ થતાં કરી તેં શુશ્રૂષા, બની

દિવ્યાંગના સંજીવની સીંચી જાણે નૃપ પરે;

પ્રસન્ન થૈ નૃપતિએ અર્પ્યાં વરદાન જે બે

તત્કાલ તેં માંગ્યાં નહીં, ખપ પડે માગીશ હું-

કહી; આજ માગવાની આવી ઘડી, માગી લે તું

એક તો ભરત તણો અભિષેક, અને બીજો

માગ વનવાસ વર્ષ ચૌદનો તું રામ માટે.

કૈકેયી : માનશે તે રાજા? જોતી ન્હોતી મન મારું જ આ

માનતું ન્હોતું ને…

મંથરા : મારી ભોળી રાણી, અજાણી-શી

પૂછે છે તું મને. તને સામર્થ્યનું ભાન તારા

નથી પૂરું, દયિતા તું સદાયે તે નૃપતિની.

રૂપગર્વિતા તું મત્તકાશિની ભૃકુટિભંગે

માગે કૈં ને નૃપતિ તે ન આપે તે બને કદી?

ત્વદર્થે રાજા પ્રવેશે હુતાશને હોંસે હોંસે.

પ્હોંચી જા તું ક્રોધાગારે, ધૂલિધૂસરિત ગાત્ર

તારાં તે સહન નહીં કરી શકે વૃદ્ધ પતિ,

સૌભાગ્યના બળનું ન પૂરું તને માપ તારા,

કૈકેયી : જોઈએ....

મંથરા : હું તો આ મારી આંખોની સમક્ષ જોઉં

જય સુંદરીનો તારો. ઊઠ, નથી વેળ ઝાઝી

નૃપતિ આવવા આડે. જો એ તને ઝાઝાં માન-

મોંઘાઈ કરીને દેશે મણિ, મુક્તા, અલંકાર

સુવર્ણના, ઠેશથી તે ફગાવી દૈ અવિલંબે,

પુરા દેવાસુરયુદ્ધે વરદાન અર્પેલાં જે

સિદ્ધ આજ કરવાં તે તારે હાથ. તારે હાથ

ભરતને ભટકતો વનવન કરવો કે

અભિષિક્ત કરવો તે.

કૈકેયી : પણ...

મંથરા : ‘પણ’ આ ક્ષણેયે

કૈકેયી : ચૌદ વર્ષની તો ચિંતા ટળી, પરંતુ તે પછી

પદભ્રષ્ટ થવાવારો આવવાનો ભરતને.

જ્યેષ્ઠ તે થશે જ વનવાસ પૂરો કર્યા પછી

રાજ્યે પાછો પ્રતિષ્ઠિત.

મંથરા : ગભરુ હે રાજમાતા!

ચૌદ વર્ષ જોયાં કોણે? આંખ સામેથી ટળ્યેથી

અયોધ્યાને - સારાય આ કોસલને હૈયે થકી

રામ ઊતરી જશે ને અ-રામ થૈ જશે સ્હેજે.

ચૌદ વર્ષમાં તો તારો મિત્રપરિવાર-વીંટ્યો

દૃઢમૂલ બની રહેશે ભરત સમગ્ર દેશે.

કૈકેયી : શું કહી બોલાવી મને હમણાં તેં, કહે જો ફરીઃ

‘રાજમાતા’. જાણે પ્હેલી વાર હું એ સાંભળતી

શબ્દ ના હોઉં એ રીતે હૈયું ચમકી આ ઊઠ્યું.

‘રાજમાતા!’

મંથરા : રાજમાતા થવું એ ન જેવી તેવી

કસોટી. તને એ પદ શોભશે તો અદકેરું.

કૈકેયી : થાઉં તો ખરી.

મંથરા : થઈ જ જોઉં છું હું. આવ્યા દેખું

મહારાજ. માત્ર તારે ભરત-વત્સલ બની

દૃઢપણે માગવાનાં વરદાન : રામ અર્થે

સંચિત કરેલી અભિષેક-સામગ્રી સમગ્ર

ભરતના અભિષેક કાજે વપરાય અને

રામ વેઠે વનવાસ નવ-પંચ વર્ષ તણો.

નવ-પંચ વર્ષ પછી રાજમાતા-પદ તને

છોડી જાય એવી તું અભાગણી કૌસલ્યા નથી.

કૈકેયી : જીવ શત વર્ષ અને જો સૌભાગ્યનો ઉદય,

કુબ્જે, મુક હિતૈષિણી સદાની, ન તારા વિના

નૃપતિના મનમાંની વાત હું શકત પામી.

કુબ્જાઓ આ અંતઃપુરે આવી ને ગઈ ઘણીય,

તારા જેવી જોઈ ન મેં એકે. છે જુદી જ વાત

તારી, કેવી રૂપાળી તું આજ મારી આંખ મહીં

વસી ગઈ છે ચતુરા, જગજળના તરંગો

પરે વાયુવીંઝી સોહે તું કો કમલિની સમી.

ખૂંધ તારી શોભે કેવી, બુદ્ધિભાર-લચી જાણે

નારી-લતા. આજ લગી રૂપ તારું કેમ હું ન

પામી શકી? દેહ તારો મંથર ગતિએ ભલે

ચાલે, વેગ બુદ્ધિપ્રતિભાનો તો વિદ્યુત સમો

લે આ રત્નથી જડિત કર્ણફૂલ મારાં, તારું

અમૃત પી પરિતૃપ્ત મુજ કર્ણોએ દીધેલ.

અને જ્યારે અભિષિક્ત થશે રાજ્યે ભરત, ને

જશે રામ વનવાસે, અર્થ સિદ્ધ થયે, તને

પ્રતીતા હું રાજમાતા શું શું નહીં વાનાં કરું?

ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું

સ્વહસ્તે, તું સંચરીશ દેવતા-શી અંતઃપુર.

મંથરા : ત્યારની વાતો સૌ ત્યારે; રાણી મારી, અત્યારે તો

વેદી તળે સુષુપ્તશી અગ્નિશિખામાંથી મહા

જ્વાલા સમી કૂદી વ્યોમચાટતી ભભૂકી ઊઠ.

પાણી વહી જશે પછી સેતુ બાંધી શું કરીશ?

જા, આ ક્ષણે ક્રોધાગારે, હેમોપમ દેહ તારો

ધૂળમાં રગદોળ, રાજા વચન બંનેય પાળે

વરદાન સિદ્ધ કરી, અને સ્વહસ્તે ઉઠાડે

તને ત્યાં સુધી. ... ઘડીક ભરતને કાજે તારે

પડશે જ ઉઠાવવું કંઈક તો કષ્ટ,

કૈકેયી : કુબ્જે,

બોલ મા એવું, ન કષ્ટ, એ મારે આનંદપર્વ

મોટું, આપકમાણીથી રાજ્ય મેળવીશ મારા

ભરતને કાજે હું. આ ચાલી.

મંથરા : જે નિઃશંક છે જ

તારા અધિકારનું તે તને મળે તે અર્થે તું

વ્યાપૃત થા દૃઢમને અને હો તું વિજયિની.

કૈકેયી : જાઉં છું....

તું અહીં રહે, મંથરા, રાજાને કહેજે,

પૂછે એ ક્યાં છે કૈકેયી ત્યારે ક્રોધભવનની

દિશા ચીંધી ક્હેજે, કુબ્જે, કે કૈકેયી મૃત્યુ પામી.

આભરણો ફેંકું છું આ દાખવશે માર્ગ તેનો...

કહેજે કે કૈકેયી મૃત્યુ...

[જાય છે.]

મંથરા : પામી હું જે પામવાને

ઝંખી રહી. કૈકેયીના ક્રોધ-ઈર્ષ્યા-અનલની

જ્વાલાઓમાં દશરથ નૃપના સૌ શબ્દ બની

રહેશે જ કારમી કો ધૃત-આહુતિ સમાન.

મંથરા, તું નશ્ચિંત રહે, રૂપ તારું વખાણ્યું જે

એણે તે જ દાખવે છે પૂતળીઓ આંખ તણી

અવળી થઈ જ ચૂકી, વક્ર તે સુંદર એને

ભાસવા લાગ્યું છે. હવે, તું જ જઈ સમજાવે

કૈકેયીને આ સૌ તો હતો પરિહાસ માત્ર,

નૃપ નિરધાર્યું છે જે એ જ યોગ્ય ને સૌ કાજે

શિવશંકર છે, ન કાંઈ અન્યથા વિચાર્યું ઘટે,

- તથાપિ કૈકેયી હવે પાછી વળવાની વાત

અસંભવ કાલાન્તયે.

અવાજ (દૂરથી): કૈકેયી! ક્યાં છો કૈકેયી?

મંથરા : મહારાજ, ક્ષમા કરો, નથી અહીં, ક્ષણ પૂર્વે

અપૂર્વ કો રોષાવેશે રાજમહિષી પ્રવેશી

ક્રોધાગારે કુપિતા.

અવાજ(દૂરથી) : શું? કુપિતા કૈકેયી પ્રિયા!

મંથરા : કુપિતા રાજા, કુ પિ તા...

જા, રાજા, જઈને ભેટ

મૃત્યુને...કાલે અયોધ્યા વિધવા-શી. કૈકેયી તે

પાછી પાની કરે હવે, તો તો આ નિશાગગને

અત્યારે પ્રકાશી ઊઠે સૂર્ય ઝળાંઝળાં; હવે

રામના દર્શનેયે જો પલળે – પલટે હૈયું

કૈકેયી તણું, તો આ હું મંથરા તે મંથરા ના.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004