ગંગાદાસ (ગંગદાસ)
Gangadas (Gangdas)
ગૌરી :
બગ ધોળા, બે પક્ષ; ચંદ્રને એક જ લેખું.
બગ દિન ખાતો મીન, ચંદ્ર મસવાડે પેખું.
વ્યોમ અવની બગ ઊડે, ચંદ્ર આકાશે સોહે.
બગલો છે અકલંક, ચંદ્રને લાંછન હોયે.
પરવશ ખાંડો ક્ષીણ થયો, ગુરુપત્ની સન્મુખ સુણ્યો.
સૂર્યોદયે ઝાંખો લાજતો, લક્ષ્મી, બાંધવ તમ તણો.
લક્ષ્મી :
તરુવર ભાર અઢાર સાર કૂંપળ તો આવે.
તારા સત્તાવીસ ઈશ, બ્રાહ્મણ પતિ કહાવે.
શુભ સુંદર જે ચાલ, ઓપમા મુખે બોલાયે.
નિશાનાથ કુસુમેશ તા૫ સઘળા ઓલાયે.
સોળ કળા ટાઢો સદા અમૃત ઔષધ પાળવા.
નીલકંઠ રાખે ગુણ ભણી હલાહલ વિષ ટાળવા.
*
લક્ષ્મી :
પાડા જેવડું પેટ ચઢી ઉંદરડે બેસે;
હાથ કુહાડી ધરે, દાંત મુખ એક જ દીસે.
લબલબ હાલે હોઠ, સૂપડા સરખા કાન જ.
ચાર હાથ ને સૂંઢ રૂંઢ, કાદવનો વાન જ.
રૂડા પગ પાડી નવ શક્યો, વેઠ ધર્યો રાવણ સહી.
સઘળું કુટુંબ સરખું મળ્યું, લજાવે ગણપતિ કહી.
ગૌરી :
સેવંત્રાં સિંદૂર ભોગ જેહને વિધવિધ આવે,
ગળ્યાં ચોપડ્યાં સહાં ઘણા વળી લાડુ ભાવે.
શુદ્ધિ બુદ્ધિનો સ્વામી, લક્ષ જે લાભ જ દીએ,
ગ્રામાંતરે શુભ કામ નામ પહેલું તે લીએ.
નંદી ને ભૃંગી આદિ ગણ વિઘ્નહરણ ગણનાથ એ,
ભાંગ્યા રથ બહુ દેવના જો નવ તેડ્યો પુરુષ તે.
* * * *
કવિવચન :
લક્ષ્મી ગુણ નહિ પાર સાર સંસારે તેવી.
પાર્વતી મહાસતી એહ પણ મોટી દેવી.
હસતાં ભાંજે હાડ, વાદ એ ન હોય રૂડો.
હરિહર બ્રહ્મા મળી વારિયો ઝઘડો કૂડો.
નિંદા-મિષ મેં સ્તુતિ કરી, રખે માત દુહવણ ધરો.
શાસ્ત્રનો મારગ સાંભળી કવિતા કારણ ખપ કર્યો.
શ્રોતાના બે ભેદ ચાલણી સૂપડ ક્હાવે.
કણને નાખે બહાર, ફોતરાં મધ્ય રહાવે.
સારો કણ રાખંત, રજ સહુ બહાર જ જાયે,
ચાલણી હોય સછિદ્ર; સૂપડે છિદ્ર ન હોયે.
ગુણ ગ્રહી અવગુણ નાખજો, ભાવ ભેદ ડાહ્યા લહે.
માંડ્યો એ ચૌટે રહેંટ મેં, કોઈ ઊંચો કોઈ નીચો કહે.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 24)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
