જમશેદજી રુસ્તમજી ઉમરીગર
Jamshedji Rustamji Umrigar
(શાર્દૂલવિક્રીડિત)
જેસલ - જો જો, તોળલ, જો અહીં અધધ આ તોફાન કેવું ચડ્યું!
કાંઠા આ ક્યમ ઝાઝ પ્હોંચી શકશે, ઓ ઓ પડ્યું ગાબડું!
વાયુ શો સુસવાટ સખ્ત કરતો, મોજા ઉછાળી અરે!
આશા વ્યર્થ જ જીવવા, પ્રિય, હવે ડૂબ્યાં જ આંહીં ખરે!
તોળલ - જોદ્ધા જેસલ, વાત એ તુજ ખરી, તોફાન છે સાગરે,
જાણે એ તુજ તોરને ભજવતો, - છો જે ગમ્યું તે કરે!
ચિંતા શી તુજને કહે? મરણ તો મારૂં જ દીસે અહીં,
ડૂબે વ્હાણ અહીં યદી સમય આ, મારી જ આશા નહીં.
જેસલ - હા સાચું, પણ આજ તો મુજ મને શંકા રહે છે અતિ,
ડૂબ્યો તો મુજ મર્ણની ક્ષણ પછી હાં રે દશા શી થતી?
ઓરે આ કડડાટ સાથ સબળો જો ડોળ તૂટી પડ્યો!
ઘૂ ઘૂ ઘૂઘવતો અહા જલધિ આ ઉન્મત્ત છે વીફર્યો!
તોળલ - લૂટારા સરદાર, રે ડર નહીં, લે નાથનું નામ તું,
વ્હાલાનું બસ સ્હેજ સ્મર્ણ કરતાં પ્રાણી અભે પામતું!
આપી ના શકતાં ક્ષમા જન કદી જે જે ગુન્હાઓ તણી
તે યે જો બની દીન જાય શરણે, આપે દયાળું ધણી!
જેસલ - બોલી શું પ્રભુ સ્મર્ણ? કયા પ્રભુ તણું? રે બોલ મા એ વિશે!
એથી તો ભય ઉપજે વધુ મને - ઓ! આ વળી શું દિસે!
મોજા જો નગપ્રાય આ ઉછળતા, જાણે પ્રલે શું થશે!
હોડી નિશ્ચય આ વહે પલક જે ડૂબી જ તેમાં જશે!
તોળલ - રે પેલો કર યાદ તું સમય જે ઘોડારમાંહીં બન્યો,
કેવો લોહખીલો કર્યો સહન તેં પ્હાનીમહીં જે ખણ્યો;
ઊંકારો પણ ના કર્યોં વખત તે, સાંખી ગયો પીડ તે,
તો શું આમ ડરે અહીં સહજમાં, બ્હાદૂર આવો છતે?
જેસલ - રે તોળાં, નવ વાતનો સમય આ, પાપે ભરાણો ઘડો,
જો પેલો જમદૂત ભીષણ કને આવી થયો છે ખડો!
બાકી ના ઘડિ એક રે અરધ ના! શું એટલામાં બને!
હા! હા! તોળલ! હું મુવો બસ મુવો! સૂઝે ન કાંઈ મને!
તોળલ - થા તું જેસલ શાંત, ભ્રાંતિ તજ તું, કર્મે લખ્યું તે થશે
ચિંતાગ્રસ્ત થયા થકી ન કદિયે આવી વિપત્તી ખસે :
વે'લો ગા ગુણગાન તે હરિતણું, જે વખ્ત તારે રહ્યો,
નક્કી તે જ ઉગારશે કર ધરી જો શર્ણ તેને ગયો.
જેસલ - તો તું થા ગુરુ આજથી મુજતણી, તારે પગે શીર્ષ આ,
તારી લે મુજ પાપપ્રૌઢ જીવને, રે સાંભળી અર્જ આ :
મારો તો પ્રભુ તું જ તોળલ હવે, દાતા દિલાસાતણી,
દેવી લે ઝટ આશરે તુજતણે, છો તું જ મારો ધણી.
તોળલ - રે એવું તવ બોલ તું. પ્રિય સખા, છાંયો હરિનોજ લે,
આશા તે પણ પેખ તું પ્રભુ થકી, પાપો બધાં જ્યાં જળે :
કાચો છે અઘ રંગ, તે પ્રભુમયાથી જાય ફીટી સદા,
પાપીના પણ સ્નેહથી પ્રભુ રીઝી સેવા કરે છે અદા.
ખોટારો બસ રાખવા મન તણો અદ્યાપિ ઇચ્છા ધરે,
ને જૂની દૃઢતાથકી હર દિને કર્મો જ જે તે કરે,
ને એ સર્વ હજી ય મીઠું મધ હો - તો તો લુટારો રહે,
- ને સાચેજ અઘો દીઠાં અધ રૂપે, તો તે મનેથી દહે!
તો, વીરા, કર ગુપ્ત કર્મ સઘળાં ખુલ્લાં જ અન્યો કને,
સાચું બોલ બધુંજ સૌ જન કને, ભાખ્યું અહીં જે મને :
દે તે સૌ અઘ જાણવા જગતને, - પાપી તણો પાર એ!
કર્મો ગુહ્ય જ રાખવા મન થવું, - પાપોતણો યાર એ!
ફેંકી કર્મ બધાં ય બાળક બની તું આવ, શિક્ષા કરૂં,
માગું છું પણ એક હું વચન, કે “ક્હે, 'હું હવે ના કરૂં'”!
તે અગ્નિ તુજ વાળી નૂતન પંથે તેમાં ધખાવે પૂરો,
- જે શક્તિ તુજ પાપ સિદ્ધ કરતી, તે કુ તણું સુ કરો!
જેસલ - હા, તોળાં, તુજ શીખ સત્ય સમજું, ધારૂં વળી ધ્યાનમાં,
રે ક્યાં છે પણ વખ્ત તેમ કરવા, તારાં ય તે માનમાં?
જો હોડી જલથી ભરાઈ ગઈ છે, જાશું જ નીચે હવે,
થાશે શું, પ્રિય બેન, હું અધમનું રે મોત આંહી થવે!
તોળલ - ઇચ્છા નાથ તણી હશે ત્યમ થશે, મુંઝા નહીં લેશ તું,
તારે શી જ જરૂર છે સમયની, લે સ્મર્ણ સર્વેશ તું :
પાપો પુણ્ય બને છ હેતુ લઈને, તેથી વળી તે બળે,
કાર્યોથી નવ; જાણ, જેસલ, હવે સંદેહ તારો ટળે.
જો કે નિત્ય જણાય કાર્ય બનતાં ઇચ્છા પ્રમાણે સદા,
તો યે તે શકતાં બની, અગર તો ના યે બને તે કદા;
કાર્યો છે નિત દેશકાલ લઈને, ના હેતુઓ તેમ છે,
નિર્ખી એ સ્થિતિ તેં અહીં, તુજ મને ક્હે ને હવે કેમ છે?
રોક્યાં સૌ કદિ હોય પાપ બસ જો, આ ઉમ્ર આખી મહીં,
તો યે પુણ્ય કર્યા વિના શુભ ગતિ કો જન્તુ પામે નહીં;
બાળી દે ઝટ તેથી માત્ર કરમો, એવો જ ઉદ્દેશ છે,
એ તો તું શકશે કરી ક્ષણ મહીં, મુશ્કેલ ના લેશ છે.
જેસલ - બ્હેની, હું, સમજ્યો નહીં તુજ કહ્યું, ક્હે લેશ વિસ્તારથી,
માર્યું છે બર બ્હેર આ મગજ તો, પાપોતણા ભારથી;
મારામાં મુજને હવે નવ રહ્યું શ્રદ્ધા સરીખું જરી,
હેતે તો સમજાવ તું સરલ છો, રે હાથ મારો ધરી.
તોરલ - ત્યારે જો ધર સાર આ શ્રવણ તું, છીએ બધાં નાથનાં,
કિંતું જે વિણ મ્હેનતે કર પડ્યું તેની જતાં સાથ ના;
પાણીમાં કદિ માછલું તરસથી ક્યાંયે ગયું છે મરી?
રે એથી પણ માણસો મુરખ છે, ક્હેવું ઘણું શું કરી!
આ માયાની જ્હાનમાં ગફલતે પ્રાણી કરોડો ભુલે,
ના તારી બસ એકની ભુલ થઈ, ધ્યાને હવે તે ન લે;
તો યે વાત અશક્ય રે નથી નથી નિર્દોષ થાવા તને,
ઇચ્છા જો તુજ હોય તો થઈ શકે, માનું ખરૂં એ મને.
છે બે સૃષ્ટિ વિચાર્ કાર્ય લગતી, જ્યાં માણસો સૌ વસે,
તેમાં કાર્યતણી અહીંજ લગતી, તે અત્ર પૂરી થશે;
બીજી, ભાઈ, વિચારસૃષ્ટિ રહી જે, છે સૂક્ષ્મ તે તો અતિ,
છે વિસ્તાર વળી સદા અતિઘણો, ને ગુહ્ય તેની ગતિ.
જેસલ - સાચું, હા, પ્રભુ તો કૃપાલુ બહુ છે, જે વ્હાણ કેવું તરે!
સૌ તોફાન વહ્યું દીસે દૂર હવે, આકાશ ચોક્ખું ખરે,
પ્હેલાં સાગર જે અહીં ઘુઘવતો તે શાંત કેવો દીસે,
કેવો, બ્હેન, પ્રકાશ આ સુખદ, જો, છાયો જ ચારે દિશે!
તોરલ - હા, જો, જેસલ, એ પ્રકાશ દિસતો પ્યારા હરિનો જ છે;
જે તેને નિત સેવતો મન થકી, તેને સદા મોજ છે;
પાપીને પણ તારવી શરણમાં લે છે સદા પ્રીતથી,
ગાજે તું જમશેદ આ જગતમાં તે નાથને ચિત્તથી.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 131)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- વર્ષ : 1928
