રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(ઢાળ : મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળિ મા)
જુઓ જુઓ જગતના લોક, રજની બોલે આ;
એની શાશ્વત છે ફરિયાદ, રજની રોતી આ.
જ્યારે સરજાયાં બ્રહ્માંડ, ચન્દ્ર નીહાળ્યો આ;
થઈ ચન્દ્ર શું નૌતમ પ્રીત, નભનાં આંગણમાં.
પ્રતિ સંધ્યા આવે આભ, અંગ મ્હલાવે ત્યાં;
સજી યૌવનને શણગાર, વિશ્વ ઝૂલાવે ત્યાં.
વધે રજની અંગ ઉમંગ, ચન્દ્ર રીસાતો ત્યાં;
પછી રજની રીસ ભરાય, ચન્દ્ર પધારે ત્યાં.
સંવનન આ દિવ્ય અપૂર્વ, ભાળ્યું બ્રહ્માંડે;
સૂર, ગાંધર્વો, દિગ્પાળ, મુગ્ધ થયાં સૌએ.
સૌ ભાન ભૂલ્યાં, ચઢ્યું ઘેન, રસની છોળભીંજ્યાં;
સૌ બોલી રહ્યાં તત્કાળ, “શાશ્વત રહેજો આ.”
સંવનન ચાલે નિત્ય, કંઈ એ દિનથી ત્યાં;
શશિ–રજની લગ્ન ન થાય, રસનાં પૂર વહ્યાં.
મૃદુ ઝાંઝર રણકે વિશ્વ, રજની બોલે આ;
એણે ઓઢ્યાં શ્યામલ ચીર, રજની રોતી આ.
રસચન્દ્રને આપે સાદ, રજની બોલે આ;
એને ઉર અનંગની પીડ, રજની રોતી આ.
રહ્યા અણપૂર્યા અભિલાષ, રજની બોલે આ;
યુગ યુગના એ ઉકળાટ, રજની રોતી આ.
સ્રોત
- પુસ્તક : રાસ-અંજલિ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : બટુભાઈ ઉમરવાડિયા
- પ્રકાશક : મૂળશંકર સોમનાથ ભટ્ટ
- વર્ષ : 1935