uttara ane abhimanyu - Raas | RekhtaGujarati

ઉત્તરા અને અભિમન્યુ

uttara ane abhimanyu

નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવ દિવેટિયા
ઉત્તરા અને અભિમન્યુ
નરસિંહરાવ દિવેટિયા

“ધાઓ, ધાઓ, અરે નાથ ઊગારો અગ્નિ ઝાળથી!”

–લવતી ઝબકી જાગી નવોઢા આંસુ ઢાળતી.

“મોંઘી કળી હૃદયની સુકુમાર મ્હારી,

કોણે ત્હને મધુર નીંદરમાંહિં ડારી?

સૂતો સમીપ અભિમન્યુ પતિ પ્રચંડ

તે ભૂલિ કોણ રમતો અંહિં મૃત્યુ સંગ?”

એવૂં વદી રણધીર નવીન નાથ

દાબે ધિરે ધબકતૂં ઉર ઊર સાથ;

“શૂં છે, મિઠી, થયું શું આવડિ કેમ કાંપી?”

મુગ્ધા ફરી હૃદય સાથ ધિરેથિ ચાંપી.

ઉખેડી ભૂમિથી નેનો રોપિયાં પતિનેનમાં

લસતાં દીર્ઘ પક્ષ્મોમાં આસુડાં ગૂંથિને નવાં.

“આજે, નાથ, બન્યું વિપરીત, ત્હમને તે કહૂં શી રીત?

જાણે પુરુષવેશ ધારિ મેં અશ્વે કરી સવારિ,

ધારી ધનુષબાણ હું ચાલિ મૃગયા કાજ વનપથ ઝાલિ;

સુન્દર એક ત્યાં સહકાર, તે પર બેઠું છે સુકુમાર

જુગલ કપોત કેરૂં મીઠું કરતું પ્રેમકેલિ દીઠું;

મૂર્ખી હૂં ખરે બનિ કાંઈ બીજૂ કાંઈ સૂઝ્યૂં નાંહિં,

ને શર ફેંકિ નર તરુડાળ પરથી પાડિયો તત્કાળ.

સહસા ત્યાંહિં અગ્નિજ્વાળ ઊપનિ કપોતિ કેરે ભાળ—

કુદતો એહ અગ્નિ કરાળ આવ્યો મુજ કને ભરી ફાળ,

જિહ્વા તીવ્ર નચવિ અનેક મુજને વીંટિ વળિયો છેક–

છોડી સર્વ બીજાં અંગ અંબોડો ધર્યો નિ:શંક!

છળિને એકદમ પછિ જાગિ કરવા રુદન હૂં તો લાગિ.”

એમ વદીને નાર સહસા આંસૂ રેડતી:

“સ્વપ્નાનો શો સાર હશે કારમો નાથ ઓ?

અભાગણી હૂં મોઈ ઊંધી મતિ શાણે સુઝી?

બીજું જડ્યૂં નહિં કોઈ –કપોત પ્રેમી શેં હણ્યો!”

“શાને મિઠી તું ગભરાય અરે અતીસેં?

સ્વપ્ન માંહિં નવ વાસ્તવ કાંઈ દીસે.–

જો પેલિ વાગિ રણદુન્દુભિ રમ્યઘોર!

રે અશ્વ, અશ્વ –સખિ, કંઠ હવે તું છોડ.”

“વ્હાલા, ન્હોય દુન્દુભિનાદ, તો મેઘ ગાજ્યો આજ:

બન્ધન કંઠનૂં ક્યમ છોડું મુજને ભય નથી કંઈ થોડું:

પેલી અગ્નિ કેરી ઝાળ –આવે ઓ! જુવો શિ કરાળ!”

“અરે ઘેલી, શૂં બકતિ? બધિ સ્વપ્ન ભ્રમણા–

તુરગ જો, મુજ કાંઈ ખુંખારતો, ‘રણચડો’ કંઈ એમ પુકારતો;

નહિં વિલમ્બ હવે કરવો પ્રિયે, કદિ ધર્મ તજ્યો નથિ ક્ષત્રિયે.”

“ક્ષત્રિયધર્મ જો પ્રિય થાય, તો તો કરી કોટિ ઉપાય

સર્વે સંકટોથી નિત્ય અબળા રક્ષવી રીત.

પેલી તીવ્ર અગ્નિજ્વાળ મુજ પૂંઠળ ભમે ચિરકાળ,

તેનાથી બચાવો, નાથ! અબળાનો તજો નવ હાથ!”

“છે એક જો સબળ નિર્બળનો પાતા;

વ્હાલી, હવે સ્થિર થઈ ધર ચિત્ત શાતા.

જો દેખું અસિ પ્હણે ચમકે અનન્ત,

ને ચિત્ત ચમકિને બન્યું વેગવન્ત.”

અધર વેગ થકી અધરે અડી નૃપકુમાર પ્રિયા અળગી કરી;

ત્વરિત અશ્વ પલાણિ પળ્યો રણે –તુરગનાં પગલાં યુવતી સુણે.

દૃષ્ટિપાર થયો કાન્ત પદઘોષ ગયો ડુબી,

ભૂલી ત્રિકાળને મુગ્ધા અનિમેષ રહી ઉભી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931