
માતા સરસ્વતી પાયે લાગુ રે, કર જોડીને આગના માગુ રે;
અમદાવાદ ગાડર્ડ આવ્યો રે, સાથે વિલાયતી ફોજ લાવ્યો.
વાલા મારો ટોપીવાલો હવે આવ્યો રે, તેં તો જગમાં ડકા વગાડો;
વાલો મારો ટોપીવાલો હવે આવ્યો રે.
અમદાવાદ શી રીતે લીધુ રે, પછી લોકોનેં શું કીધુ રે;
હું કહું છું એ સર્વ વાત રે, એ તે થયો છે માહા ઊતપાત,
વાલો માહારો ।। તેં તો જગમાં ।। વાલો.
લેસલી સાહેબ જબ મરીયો રે, તેની જગાયે ગાડર્ડ ચઢીયો રે;
એનેં બાહાદુરીનાં કામ કીધાં રે, લડાઇઓ જીતીને જસ લીધા.
વાલો માહારો ।। તેં તો જગમાં ।। વાલો.
પાહ્યરી શરકારે વધારી રે, જનરેલની જગ્યો. આલી રે;
દેખાડી બડી બાહાદુરી રે, એ તો મારે તેની તરવારી.
વાલો માહારો ।। તેં તો જગમાં ।। વાલો.
રાઘોબા પેશવા સઊ જાંણે રે, પેશવાઈ લેવાને માહાલે રે;
તેથી મોટી લડઇયો ચાલે રે, વાલો ટોપીવાલો એની વારે.
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
તે માટે ગાડર્ડ આવ્યો તો રે, ભાંજગડ મરેઠાથી કરતો રે;
શેહેર સુરત પાસે પડ્યો તો રે, ત્યાંહાં રાઘુબા આવીને મલ્યો તો.
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
સરકાર મુંબઈના હુકમથી રે, સલ્હા કીધી ફતેસીંગથી રે;
સને સતરસેનેં એશી રે, જાનેવારી તારીખ છવીશી.
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
આપ્યો ગાયકવાડે કુંપનીને રે, દક્ષિણુ મુલક તાપીને રે;
અઠ્ઠાવીશી નામ પ્રસિદ્ધ રે, શેહેર સુરતનો ભાગ દીધ.
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ફતેસીંગે વચન વળી દીધુ રે, ઘેાડા ત્રીસેહેસનું ખાધું પીધું રે;
અંગરેજના ઘોડા તે જાણો રે, ગાડર્ડ બાહાદુર કેહેવાણો.
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ગાડર્ડે વચન ત્યાંહાં દીધુ રે, અપાવવું જઇને સીધુ રે;
ડભોઈ અમદાવાદ જાણો રે, તેમાં ભાગ હતો પેશવાનો.
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ગાડર્ડે હલાં કીધી રે, ઘેરો ઘાલી ડભોઈ લીધી રે;
તેની કુચીયો ફારબસને દીધી રે, દીશા પકડી અમદાવાદ શીધી,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
સંવત્ અઢારસે જાંણો રે, ઊપર છત્રીસ પ્રમાણો રે;
માહા મહીનાની ઊજલ પક્ષ રે, ભેટુ રાજનગર, છઠ દીવશે.
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
આવી અમદાવાદ અડીયો રે, શાહાભીખણ ઉપર પડીયો રે;
તોપો ગાડર્ડે ભરીયો રે, થઈ ખાનજાંહાં સાંમી ઝડાઝડી,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
પેશવઈ સરસુબો જાંણો રે, અમદાવાદમાં વખાંણો રે;
બાપજી પંડિત તેનું નાંમ રે, લઢવાનેં કરે ધુમધામ,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ગાડર્ડે કેહેવા મેાકલીયુ રે, બાપજીને તે માણસ મલીયુ રે;
તુમે શરણુ આવા ગાડર્ડને રે, નહી તો સામે થાવ બાહાદરને,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
પંડીત બાપજી ઊત્તર વાળે રે, માહારૂ કશુએ ન ચાલે રે;
લશકર માહારૂ બહુ તાણે રે, તેઊનેં સમજાવું જો માનેં,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ગાડર્ડે વાત વીચારી રે, દસ્તુર મરેઠાની જાંણી રે;
એ તો ભોળવ્યાની નીશાંની રે, આઠમે ગાડર્ડે ફોજ તાંણી,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
વળી છત્રીસ વાજુ વાજે રે, આકાશ ભલી પેરે ગાજે રે,
કાયરનાં હઈયાં ભાગે રે, સુરાનેં સુરાતંમ જાગે,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
છ હજાર આરબ તાજા રે, દોયસેહેંસથી અસ્વાર જાઝારે;
વળી વાજે મરેઠી વાજાં રે, પણ નહી રહી પંડીતની માઝા,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
બીજુ પાયદલ બહુ જાણો રે, આવ્યા. લેઇ ધનુશ્ય બાણો રે;
માણેક બુરજે ચડાવી તોપો રે, ઘર વાશી માંહી પેઠા લોકો,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
સુદી આઠમ બપોર વેળા રે, ગાડર્ડે ચલાવ્યા ગોળા રે;
અમદાવાદના કોટ ડોલ્યા રે, ખાંનજહાં આગળ કોટ તોડયા,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
માહા સુદી દશમી જાંણો રે, રાત્ય પડતાં કોટ તે પાડો રે;
ચાકી કરી વાહાણા વાહાણો રે, બીજે દી થયા લોક હેરાંણ,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
હાર્ટલી સાહેબ માહા બળીયો રે, ઊંચા લોકની કંપુથી ચલીયો રે;
કીકીયારા કરંતો પડયો રૅ, મરણીયો થઇને અડીયો રે,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
કેઈ મરીયાનેં કેઈ પડીયા રે, કેઈ નાઠાનેં કેઇ અડીયા રે;
કેઈ ઊભાનેં કેઈ વઢીયા રે, પણ બાપજીનેં બહુ નડીયા,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
તરવાર સમળીયો ફરતી રે, એક કોળીયો તેનો કરતી રે;
જાંણે વીજલીયો ઝબુકતી,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ચાલે ગોળા તે બહુ ઘુઘાટે રે, બીહીકણની છાતી ફાટે રે;
થયુ' જુધ્ધ તે દહાડે નેં રાતે રે, ચાલ્યુ સુબાનું નહી કેઈ વાતે,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
એક હજાર માણસ પડીયાં રે, પણ બાહાદુરીથી બહુ લડીયાં રે;
પંડીતના કાંઈ ન ચલીઆ રે, વળી એકસોવીસ જાંગળીયાં,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
એકાદશી વહાણે પેઠો રે, આવી ભદરમાં બેઠો રે;
ચડયો વાવટો ફરૂફરૂ ફરકે રે, ગાડર્ડનું હઇયું બહુ હરખે,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ગાડર્ડને પેઠો જાંણો રે, ત્યારે બાપુજી ઘણા ઘભરાણો રે;
વીચારો વખત હવે માઠો રે, ખાંનપુર દરવાજેથી નાઠો,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
સેહેર લૂટવા માટે ફરિયો રે, તીન દીન પીછે બંધ કરયો રે;
રહીયતસે તુમ મત ડરીયો રે, હેવો ગાડર્ડે હુકમ કરિયો,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ફોજ ચાલી હવે દસોદસરે, લાલચનેં પડીયા છે વશ રે;
વળી જાંગલા લોક વીશેસ રે, વીલાયત તેઊનો દેશ,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
આ વાત નગરશેઠ જાંણે રે, કાજી સેખ મેંહમદ સાલે રે;
મીરજાં અબુ પાછઈ દીવાન રે, ગયા ગાડર્ડને મળવાને,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ગાડર્ડને વીનંતી કીધી રે, નુકશાંન ઘણું લુટાથી રે;
ત્યારે ગાડર્ડ દીયે જવાપ રે, હઈયાનું ખોલીનેં પાપ,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
હેવી બીક હતી જો તમને રે, શા માટે ન નમીયા અમને રે;
નહી રદ કરીયે હુકમને રે, તુમારાં કરીયાં તે તો તુમને,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
નથુશા નગર શેઠઇએ રે, ધીમે રહી ઊતર દીયે રે;
રક્ષણ કરયું બાપજીએ રે, કેમ નીમકહરાંમ થઇએ,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
ન્યાયે કરી વાત વિચારી રે, ગાડર્ડે વ્યાજબી જાણી રે;
સજનની વીનતી માંની રે, સર્વ ફોજને પાછી તાણી,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
અમદાવાદ એ રીતે લીધું રે, લેઈનેં ફતેસંઘનેં દીધુ રે;
દીન બાર મુકાંમજ કીધું રે, જે કાંમ હતુ તે સીધુ,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
પછી વાત એવી સુણુ તારે, સીંધીઆ હુલકર આવતા રે;
ઘોડુ વીસહજાર લાવતા રે, સુણી ગાડર્ડ ઈહાંથી ચાલતા,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
જાંહાં સીંધીઆ હુલકર પડીયો રે, જઈ બરોદે ગાડર્ડ અડીયો રે;
ખબર દુશમનનેં તે પડીયેા રે, ત્યાંહાંથી ઊપડી દુશમન ચલીઓ,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
એણી રીતે આ શરકારે રે, બાપજી પંડિતનેં વારે રે;
લેઈ સેહેર પંડિત નસાડે રે, પછી દીધું લીધુ ગાયકવાડે,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
દસ વરસ લગે તે ચાલ્યું રે, ગાયકવાડી તાબે માહાલ્યુ રે;
તસ સુબાએ રાજ્ય તે પાલ્યું રે, પેશવાયે પાછું હાથ ઝાલ્યું,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.
સંવત્ ઓગણીસે સાતે રે, રચી વાત તે બહુ ઊલાસે રે;
હવે ગાડર્ડ પુને જાસે રે, તુમે સાંભલો કહે સીંહ રાશે રે,
વાલો મારો ।। તેં તો જગમાં ।। વાલો.



આગના : આજ્ઞા. અહીં અનુમતિના અર્થમાં. ગાડર્ડ : અંગ્રેજ સરકારનો હાકેમ. ટોપીવાલો : અંગેજ સત્તાધિકારી માટે હુલામણું સંબોધન. બાહાદુરી : બહાદુરી. પાહ્યરી : પાયરી. કાર્યપદવી. જનરેલ : જનરલ. મારે તેની તરવારી : મારે એની તલવાર. કુચીયો : ચાવીઓ. અહીં સંચાલન જવાબદારીના અર્થમાં. સુરાતંમ : શુરાતન. બીહીકણ : બીકણ, ડરપોક. રહીયત : રૈયત, પ્રજા. બરોદે : બરોડે.
સ્રોત
- પુસ્તક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઈતિહાસ (વિભાગ-1) (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ
- વર્ષ : 1932