jamno daabaa ne kahe - Raas | RekhtaGujarati

જમણો ડાબાને કહે–

jamno daabaa ne kahe

સમયસુંદર સમયસુંદર
જમણો ડાબાને કહે–
સમયસુંદર

લીધી હાથે કૃપાણિકા રે, છેદવા માંડ્યો ચીર.

જમણો ડાબાને કહે રે, આવ તું, ચીર છેદ, વીર.

ચોરી માંહ્ય મેં ચડી રે, જેણે પરણી બહુ પ્રેમ;

જમણો કહે, મુજ ચીરને રે, છેદતાં આવડે કેમ?

ડાબો જમણાને કહે રે, સાંભળ, મોરા મિત્ર.

હાથીવાળે રસ તેં લીધો રે, તે વાત આણ ચિત્ત.

કંસાર ખાધો તેં એકલે રે, મુજને તેડ્યો ત્યાં.

તુજ પેટને તું માંગતો રે, મને કેમ તેડે ત્યાં?

ભોજન જમે તું ભલાં રે, માખી ઉડાવે કને મુજ,

તું નાસે તીર નાખતાં રે, હું આગે કરું જૂઝ.

તું વીંટે શિર પાઘડી રે, હું ઠમારી કરું શૂલ,

હું ભારીખમો તોલતાં રે, તે વાત ગઈ તુજ ભૂલ?

સુણ ડાબા, નળ વીનવે રે, જમણો અધિક કહેવાય.

પૂજા સમરણ દાન દે રે, પુણ્યે પાપ ઠેલાય.

ડાબો જમણો બે મળ્યા રે, વીનતી કરે, સુણ રાય,

બીજું કહો તે હું કરું રે, પણ ચાંડાલ કર્મ થાય.

નળ કહે, કામ કરો તમે રે, જો કરો મારી આશ.

પાપ સહુ શિર મારે રે, જેમ સો તેમ પચાસ.

એમ સમજાવી હાથને રે, છેદ્યું અર્ધું ચીર,

નળે છેદ્યો જાણે નેહલો રે, પણ નયણે વરસે નીર.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941