દામોદર બોટાદકર
Damodar Botadkar
ઊંચા આંબા, ઊંચી આંબલી રે નીચી વાડીની વેલી,
ઊંચી ચડે નીચી ઊતરે રે આજ બહાવરી બહેની.
વીરની વાટ વિલોકતાં રે એની આંખડી ફાટે,
સારી લાગે નહિ સહિયરો રે, એની ઘરમાં ન ગોઠે.
ઊભો રહ્યો આવી આંગણે રે રવિ રંગનો રાતો,
આવ્યો નહિ એવો ઊજળો રે મારો માડીનો જાયો.
વેણનાં દઈ વધામણાં રે ગયા વાયસ વહેલા,
વહાલાંને ઘેર જઈ વસ્યા રે પન્થવાસીઓ પેલા.
વાટ લાંબી વસમી ઘણી રે, આડાં કોતર ઊંડાં,
ડોલી રહ્યા બહુ ડુંગરા રે કાંઈ ભૂતથી ભૂંડા.
મૂંઝવતી રહી મારગે રે ઝાઝાં ઝાડની ઝાડી,
વાઘ, વરુ, વનવાંદરા રે ડર આપતા દા'ડી.
પાછો વળ્યો હશે પન્થથી રે રખે ભાઈ એ ભીરુ,
સિંહ તણા સ્વર સાંભળી રે હશે ઉર ઉતાર્યું.
શીતળ કાં વડછાંયડે રે એને નીંદર આવી,
સ્નેહભર્યાં કંઈ સોણલે રે રોકી રાખ્યો રિઝાવી.
શકુન હશે નહિ સાંપડ્યા રે એને આજ ઉમંગી,
ઘેરી રહ્યા ઘરગોઠિયા રે સુખદુઃખના સંગી.
ભૂલી ગયો ઉરભાવમાં રે કાં તો આવતાં કેડો.
બહેનવિજોગનો બન્ધવો રે ઘડી એકમાં ઘેલો.
માંદી પડી કાં તો માવડી રે એની જાઈને ઝંખી,
વસમી વિજોગની વેદના રે શકે ક્યાં લગી સાંખી;
હૈયું રાખ્યું હશે હાકલી રે દઈ કૈંક દિલાસા,
તૂટી પડ્યું હશે તાપથી રે ત્યજી આખરે આશા.
ભાભીએ કાં હશે ભોળાવ્યો રે કંઈ દોષ દેખાડી,
રોકી રાખ્યો રસ પાઈને રે મન મોહ પમાડી;
બાઝી પડ્યાં હશે બાલુડાં રે કાલુ બોલતાં કોટે,
એ સુખસ્વાદ સુધાભર્યો રે ક્યમ છોડતાં છૂટે?
ભાભલડી! તુજ ભાવની રે ભલી વાધજો ભરતી,
વહાલસોયા મારા વીરના રે રે'જે હૈયાને હરતી;
અમર હેવાતન ઊજળું રે રહો જીવતી જોડી,
રાજ તપો રળિયામણું રે મારી આંખડી ટાઢી.
તારો પતિ, મારો બન્ધવો રે એવા ભેદ અનેરા,
ભાગ નથી કાંઈ ભાવમાં રે પન્થ નેહના ન્યારા;
દૈવે દીધો મુજ દેખતાં રે તે તો તારો ને તારો,
ભાઈના ભાવે ભીંજાવતો રે દિન એક અમારો.
આજ બહેની તણે બારણે રે ઘટે વીરનાં ઘોડાં,
આજ બહેની તણે આંગણે રે એનાં નાવણ રૂડાં;
આજ બહેની તણે ઓરડે રે એનાં આસન ઊંચાં,
આજ બહેની તણે અંતરે રે એનાં વેણનાં વાજાં.
સાસુ સંભારે સવારથી રે, જુએ વાટ જેઠાણી,
પૂછે પાડોશણ પળપળે રે, શોચે સહિયર શાણી;
હાંસી કરી રહી હેતની રે કાંઈ નણદલ નાની,
બોલી શકે નહિ બહેનડી રે છળી ઊઠતી છાની.
ઓ રજ! ઓ રજ! ઊડતી રે આવે અંબર વીંધી,
જોને વિહંગ વધામણે રે પળે પાંખ પસારી;
હણહણતી કંઈ હાકલે રે એ જ ઘૂમતી ઘોડી,
એ જ હલકભરી હાંકણી રે મારા વીરની મીઠી.
એ જ રજેભર્યું રાતડું રે મુખ વીરનું વહાલું,
એ જ ઝૂકે હિર છોગલું રે વાંકી પાઘમાં પેલું;
આતુર શી અવલોકતી રે એની આંખડી ભીની,
એ જ સુધા ઉર સિંચતી રે ફૂલ વેરતી વાણી.
વીરને આસન ઓપતાં રે ઊંડા અંતર કેરાં,
નીર નિરંતર નેણનાં રે વહે નાવણ દેવા;
ભોજનિયાં મનભાવતાં રે પીવા વેણનાં વારિ,
વાટનો થાક વિતાડવા રે શીળી પ્રાણ-પથારી.
આજ પિયર એને આંગણે રે વસ્યું સામટું આવી,
લાખ સગાંતણા સંગનો રે રહ્યો રંગ રિઝાવી;
કૈંક વાતો હતી કાળજે રે એને એક ન સૂઝે,
ઊભા હતા કંઈ ઓરતા રે પણ એક ન ઊગે.
રે'જો અમર રસનો ભર્યો રે જેણે એ દિન દીધો.
જુદા કરી જૂઠા જગતથી રે સુધાસિન્ધુએ સિંચ્યો;
આવે અનેક આશાભરી રે સખી બીજી સોહાગી,
બન્ધુ મિલાવણ બીજડી રે આ તો માવડી મીઠી.
રાત વીતી ગઈ વાતમાં રે વહેલાં વહાણલાં વાયાં.
હાય! વિદાય વીરાતણી રે કંપે જોઈને કાયા.
રાત અધીરીની આંખનો રે ભર્યો તેજનો તારો,
વહાલભરી તણો વાલ્યમો રે રહે રોકતાં શાનો?
સુખનાં વહી ગયાં સોણલાં રે ઉરે અડક્યાં ન અડક્યાં,
વાધ્યો દાવાનળ દુઃખનો રે કરી ભીતર ભડકાં;
સૂની સમી બની સારિકા રે પાછી પિંજરે પેઠી,
બારમાસી તમે બારણે રે જઈ બીજ એ બેઠી.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
